પ્રાત:કાળે
અભિષેકની ધારા સાથે
રોમેરોમે જલે
ઝળહળે પ્રતીક્ષા
કોઈ પંક્તિ ભીતરમાં પડઘાય છે. યસ.. આવી જ કોઈ પ્રતીક્ષા અમારા આ સુંદર, સહિયારા સર્જન ગ્રૂપના પ્રત્યેક સભ્યની અંદર આ ક્ષણે ઝળહળી રહી છે. ‘સર્જન’ના પહેલા અંક સમયે તો કોઈએ આખી રાતનો મીઠો ઉજાગરો કરેલો તો કોઈના શમણાંમાં પણ સર્જન…
કેલિડોસ્કોપ ફરે અને સુંદર મજાની અવનવી આકૃતિઓ રચાતી જાય એ જ રીતે અમારા ‘સર્જન’ની અવનવી આકૃતિઓ રચાતી રહે છે અને રચાતી રહેશે એનો દરેક સભ્યને વિશ્વાસ છે. એ વિશ્વાસને અમારા ઉત્સાહી અને કુશળ તંત્રી જિજ્ઞેશભાઈનું પીઠબળ છે. જેના પર દરેક સભ્ય કદાચ મગરૂર છે.
‘સર્જન’ નો બીજો અંક આપની સમક્ષ મૂકતા ફરી એક વાર રોમાંચની અનુભૂતિ, ઉત્કંઠા.. અધીરતા અને છલોછલ ઉત્સાહ.
સ્મરણમાં ઝબકે છે.. ટાગોરના શબ્દો.
“જીવનને ફળફૂલે લાદી દેનાર ઉંચા રૂપાળા વૃક્ષોને હુ ભલે સન્માનું.. પણ જીવનને હરિયાળું રાખનાર તરણાને કાં વિસરી જાઉં?”
– તણખલાં .. ટાગોર (જયંત મેઘાણી)
સાહિત્યના અગાધ સાગરમાં માઈક્રોફિક્શન વાર્તા કદાચ કોઇને એક તરણાં સમાન લાગે. પણ ટાગોર કહે છે તેમ આ નાનકડાં તણખલા જીવનને હરિયાળુ રાખે છે. આ માઈક્રોફિક્શન, ટચુકડી વાર્તાઓ પણ મનને ઓછો આનંદ નથી આપતી! બહુ ઓછા સમયમાં આ નવ્ય પ્રકાર લોકપ્રિય અને લોકભોગ્ય બની રહી છે એનો આનંદ અને સંતોષ થવો સહજ છે.
અહીં શબ્દોના તણખલા વીણાઈને ક્ષણની ટચૂકડી માળાઓ ગૂંથાય છે. કાળમીંઠ ખડકને તોડીને જેમ નાનકડી કૂંપળ ફૂટે છે, એ જ રીતે સાહિત્યના સાગરના મોજા પર સવાર થઇને આ કદમાં ટચુકડી પણ અર્થમાં જરીકે ય ટચુકડી નહીં એવી વાર્તાઓનો રસથાળ એટલે સર્જન.. અમારા સૌનું સર્જન. વિરાટને વામનમાં સમાવતી આ વાર્તાઓ આજના યુગમાં એક આગવું મહત્વ ધરાવે છે.
વાંચનની ભૂખ, તરસ હોય પણ ખાસ કરીને યુવા પેઢીને સમયનો અભાવ નડતો હોય છે.એવા સમયે આ માઈક્રોફિક્શન વાર્તાઓ એ માટેનો શ્રેષ્ઠ, હાથવગો ઉપાય બની રહે છે. નવરાશની થોડી પળોમાં હળવાશ આપતી આ વાર્તાઓ ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં પણ પોતાનો ફાળો જરૂર નોંધાવશે એની ખાત્રી છે. કેમકે યુવા પેઢી જો વાંચશે તો જ ભાષા જળવાશે ને? જો એ પેઢી ભાષાથી વિમુખ બની તો કયાં સુધી માતૃભાષા ટકી શકવાની? અંગ્રેજીના આ જુવાળ સામે. અંગ્રેજી આજે જયારે આપણી જરૂરિયાત બની ચૂકી છે ત્યારે જો એમને ગુજરાતી વાંચતા રાખવા હશે તો આવા નાના સર્જનો જ મહત્વનો ભાગ ભજવી શકશે એમ પૂરી પ્રમાણિકતાથી માનતું અમારું સર્જન ગ્રૂપ તેમના પ્રતિબદ્ધ લીડર જિજ્ઞેશ અધ્યારૂની રાહબરી નીચે ખરેખર સુંદર કામ કરી રહ્યું છે એની નોંધ જરૂર લેવાઈ રહી છે અને લેવાતી રહેશે.
આજે અનેક ઈ-મેગેઝિન પ્રાપ્ય છે અને દરેક પોતપોતાની રીતે સારું કામ કરે છે. પરંતુ અમારું સર્જન એ બધામાં એક અલગ ભાત પાડે છે. એ થોડું હટકે, અલગ પ્રકારનું છે. કઇ રીતે?
એક તો અમારું મેગેઝિન માત્ર અને માત્ર માઈક્રોફિક્શન વાર્તાઓ માટેનું જ છે. એમાં અન્ય પ્રકારની રચનાઓને સ્થાન નથી. અહીં ૫૫ શબ્દો, ૧૦૦, ૨૦૦ કે ૩૦૦ શબ્દોની માઈક્રોફિક્શન વાર્તાઓ, અપાયેલ વિષય, થીમ આધારિત વાર્તાઓ, અપાયેલા પ્રોમ્પટ આધારિત વાર્તાઓ કે અપાયેલ ચિત્ર પરથી સર્જાયેલી વાર્તાઓ. આમ એક જ ચિત્ર કે એક જ થીમ પરથી કેટકેટલી કલ્પનાઓને છૂટો દોર મળી શકે. એક જ પ્રોમ્પ્ટ પરથી અનેકવિધ વાર્તાઓ એ આ મેગેઝિનની આગવી પહેચાન છે.
બીજું આમાં અમે કોઇ અન્ય લેખકો પાસેથી તેમની કૃતિઓ મંગાવતા નથી. અમે સૌ સભ્યો જાતે જ લખીએ છીએ.. અર્થાત જેમ ફેક્ટરીમાંથી લઈને પછી દુકાનમાં આવે તેમ નહીં પણ સીધું ફેક્ટરી આઉટલેટ.. એથી આ રચના અગાઉ કે પછી પણ બીજે કયાંય તમને વાંચવા ન મળે. એ માત્ર અને માત્ર સર્જનમાં જ. અત્યારના શબ્દોમાં કહું તો સર્જનનું આ આઉટલેટ મેગેઝિન છે.
જિજ્ઞેશભાઈ વિષય આપે અને અમારા લેખકોના દિલ, દિમાગ ચાલુ થઇ જાય. શબ્દો સર્જાતા રહે, પહેલા અન્ય મિત્રો સામે રજૂ થાય, મિત્રો દ્વારા એનું વિવેચન થાય, સુધારા વધારા સૂચવાતા રહે, ખાટી મીઠી, કડક કે હળવાશભરી ટિકા ટિપ્પણીઓ થતી રહે, મસ્તી મજાકના સંવાદી, સૂરભર્યા માહોલમાં વાર્તાઓ મઠારાતી રહે, અને પછી જે કૃતિઓ રચાય તે પણ બીજા બે ચાર ગરણે ગળાય, ચળાય, વીણાય અને પછી જ સર્જનમાં સ્થાન પામે. કેમકે ‘સર્જન’ની નિસ્બત ક્વોન્ટીટી કરતા ક્વોલીટી સાથે છે. કૃતિઓ વધારે રચાય તેના કરતા ઉત્તરોત્તર શ્રેષ્ઠ કૃતિઓ રચાય એમાં સર્જનને રસ છે અને એમાં કોઇ બાંધછોડને અવકાશ નથી જ. ક્યારેય નહીં હોય.
દરેક અંકમાં કોઇ ચોક્ક્સ ફોર્મેટને બદલે અમે દરેક અંકમાં કશુંક નવું પીરસવા માગીએ છીએ.. દરેક અંકમાં માઈક્રોફિક્શન વાર્તાઓ તો ખરી જ, એ સાથે તમને આશ્વર્ય અને આનંદ આપતા અન્ય વિભાગો પણ મળતા રહેવાના.. તમારે શું જોઈએ છીએ, તમને શું વાંચવું ગમે છે એ જો જણાવશો તો પણ આનંદ થશે. વાચકોની યોગ્ય માગણીને ચોક્કસ ધ્યાનમાં લેવામાં આવશે.
આ અંકમાં અમે લાવ્યા છીએ.. બે નવી વાત,
મુલાકાત.. આ અંકથી અમે લાવીએ છીએ એક નવતર વિભાગ, કોઈ પણ પ્રસિદ્ધ સર્જક શું વિચારે છે, જીવન પ્રત્યેનો તેનો અભિગમ કેવો છે, કેવા અને કયા સંઘર્ષ કે મહેનત બાદ તે સર્જનની આ કક્ષાએ પહોંચી છે વગેરે વાતો જાણવી દરેકને ગમે જ. એમાંથી ઘણું શીખવા અને જાણવા મળી શકે..
આ હેતુથી અમે એવી વ્યક્તિઓની મુલાકાત લઇને, તેમની વાત વાચકો સુધી પહોંચાડીશું, જેમાંથી દરેકને કશુંક નવું, કોઈક નવી વાત, નવી ભાત જાણવા મળી શકે.. અને ક્યારેક કોઈ એકાદ માટે પણ તે પથદર્શક બની રહે.. માનવમાત્રની ભીતર એક કે બીજી શક્તિ વત્તે ઓછે અંશે છૂપાયેલી કે સુષુપ્ત અવસ્થામાં હોય જ છે. પણ દરેકને એ પ્ર જ્વલિત થવાનો અવસર, એ માટે જરૂરી એકાદ ચિનગારી, સ્પાર્ક – તણખો મળતો નથી. પરિણામે એ બહાર આવી શકતી નથી. આવા કોઈ સાક્ષાત્કાર પણ આવી ચિનગારી પૂરી પાડી શકે છે.
અમારા આ ‘સર્જન’ દ્વારા પણ આવી કોઇ સુષુપ્ત શક્તિ જાગૃત થાય છે એમાં કોઇ બે મત નથી જ. અમારા નવોદિત લેખકો અઘરી થીમ કે અઘરા પ્રોમ્પ્ટ પરથી પણ જે રીતે અવનવી વાર્તાઓનું સર્જન કરી રહ્યાં છે એ કાબિલેદાદ છે. એ સર્વે સર્જકોને દિલથી સલામ. અમારા સર્જન પરિવારનું અમને દરેકને ગૌરવ છે.
સર્જનનો બીજો અંક આપની સમક્ષ આવી રહ્યો છે ત્યારે પહેલા અંકની સફળતાનો આનંદ અને સંતોષ હજુ ભીતર અકબંધ છે. આ આનંદ અમારો સહિયારો છે.
‘સર્જન’ના લાખેણા તંત્રી જિજ્ઞેશભાઈ ભીતરની આવી કોઇ વાટને સંકોરીને, તેમને પ્રજવલિત કરે છે એ બદલ એમને સૌ સર્જન ટીમ વતી અભિનંદન.. અભિનંદન.
દોસ્તો, સર્જન મારું છે, તમારું છે, આપણું છે, સૌનું છે. એને વધાવીશું ને? શબ્દોના કંકુ ચોખાથી, પ્રતિભાવના અબીલ ગુલાલથી.
– નીલમ દોશી
સર્જનનો બીજો અંક ડાઊનલોડ કરવા અહીં ક્લિક કરો..
ની લમણે મને આ ગૃહમાં જોડાવાનો આનંદ છે. હું વાતાઁ ઓ વાંચવાની ખુબ શોખીન છું..ગૃહમાં ઘણુ નવુ શિખવા મળે છે.
બહુ જ સરસ જિગ્નેશભાઇ, ખુબ ખુબ અભિનન્દન. આનન્દ થયો આ અન્ક જોઇને. વાન્ચતેી રહેીશ્
લતા હિરાણેી
Pingback: એકમાત્ર ગુજરાતી માઈક્રોફ્રીક્શન મેગેઝીન ‘સર્જન’નો બિજો અંક રખે ચુકતાં !! | ગુજરાતી રસધારા
સર્જન અંક ૨ વાંચ્યો …ખુબ સરસ
સૌ લેખક મિત્રોને અભિનંદન
ટૂંકમાં .>> એક બીજનું રૂપાંતરણ અનેક બીજોમાં થતું હોય છે. માટે જો મસ્તિષ્ક રૂપી ભૂમિમાં એવા વિચારબીજ નાખવા જોઈએ કે આપણું જીવન બૌદ્ધિક ઉન્નતિ પામે . સારા વિચાર સારું જીવન .હંમેશા સારા વિચારોથી દોસ્તી કરવી જોઈએ. તો ‘સર્જન’ સામયિક એટલે મનને પ્રફુલિત રાખવા ઉત્તમ વાંચન અને સારા વિચાર આપનાર મિત્ર …
“શિક્ષકનો ઉદેશ્ય કેવળ જ્ઞાન પ્રસાર કરવો જ નહિ પણ જ્ઞાનનું સર્જન કરવું પણ હોય છે.”….. પ્રો. ટંકેશ્વર કુમાર
નીલમબેન આ ઉદેશ્ય સાથે સાહિત્યધાર્મિતા બખૂબી નિભાવી જાણે છે.
નીલમબેન … હાર્દિક અભિનંદન
નિલમબેન, જેટલી મજા, રોમાંચ માઈક્રોફ્રીકશન વાંચવામાં આવી તેટલી જ મજા આજે સર્જનના બીજા અંકની તમે રખેલી પ્રસ્તાવના વાંચવામાં આવી. ફરી જિગ્નેશભાઈ અને સર્જન ટીમને ખુબ ખુબ અભિનંદન. અને જેમ અમે અમારા કોલેજના મિત્રોને અભિનંદન આપતાં, એ શબ્દો વાપરું તો “૧૦૦ કરોડની લોબાન કુર્બાન” !