યંગક્લબનું નાટક “વિવેચક અથવા મુનળ” 7


સને ૧૯૪૮, ૬ નવેમ્બરના રોજ ભાવનગરની એ.વી. સ્કુલના મધ્યસ્ત ખંડના મંચ ઉપર આ નાટક યંગક્લબની ટીમે પહેલી વખત ભજવ્યું, પ્રેક્ષકોને ઘણું ગમ્યું, પછી તો “વિવેચક અથવા મુનળ” ઘણી વખત ભજવાયું, ગુજરાતી સાહિત્ય પરિષદના વાર્ષિકોત્સવમાં પણ મંચસ્થ થયું.

નાટકમાં વાત ગઈ પેઢીના અગ્રતમ ગુજરાતી સાહિત્યકારો અને તેમને રચેલાં અમર પાત્રો વચ્ચેના વિવાદની છે. ૧૯૪૭-૪૮ની સાલમાં શામળદાસ કોલેજમાં ભણતાં કેટલાક વિદ્યાર્થીઓ, શ્રી ડોલરકુમાર કૃષ્ણપ્રસાદ ભટ્ટ, શ્રી રવિન્દ્રભાઈ ચંદુલાલ ભટ્ટ સાથે શ્રી મુનિકુમાર ભટ્ટ અને શ્રી બાબુભાઈ વ્યાસ, આ બધાએ ભેગા મળી નાટકની રચના કરી હતી.

પાત્રો છે : મુનિકુમાર, ઋષી, કાક, નાયક, બાદશાહ, બીરબલ, દેવદાસ, મુનળ, ક. મા. મુનશી, ર. વ. દેસાઈ, ગોકુલદાસ રાયચુરા, ધૂમકેતુ વગેરે, નાટકનું સ્થળ છે મુનિકુમારનું ઘર, તેઓ ગુજરાતી સાહિત્યના વિવેચક છે.

* * *

સમય રાતના ૯ વાગ્યા પછીનો, પડદો ખુલતાં મુનિકુમાર પોતે ઘરે વિવેચન માટેનાં પુસ્તકોના ઢગલા વચ્ચે બેઠેલા નજરે પડે છે, બાજુમાં મેજ છે. કંઈ લખવાનો પ્રયન્ત કરતા હોય તેમ લાગે છે, તેમને લખવાનું સૂઝતું ન હોવાથી કૈંક કાગળ ઉપર ટાંકી પાછો કાગળ ડૂચો વળી ફેંકી દેતા નજરે પડે છે; છેવટે કંટાળી પોતાના નોકર ઋષી ને સાદ પાડે છે:

મુનિકુમાર (સાદ પડતાં) : અરે ઋષી, એય ઋષી…..આ સાલું કઈ લખાતું નથી

ઋષી પ્રવેશતાં: કેમ સાહેબ શું છે?

મુનિકુમાર: જા તું એક કપ ચા બનાવી લાવ તો..

ઋષી: સાહેબ, પછી ઊંઘ નહિ આવે હોં ને

મુનિકુમાર: ઓહ હો હો હો – આતો કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા.. આ આટલાં બધાં પુસ્તકોનું મારે વિવેચન લખવાનું છે સમજ્યો? એકદમ ચા લાવ

(ઋષી જાય છે. તેના ગયા પછી ઘડિયાળ માં સાડા નવ નો ટકોરો પડે છે અને મુનિકુમાર ફરી લખવાનું શરૂ કરે છે. શિયાળાની રાત છે એક આછો પવનનો સુસવાટો સંભળાય છે. અને સાથોસાથ કોઈ પુરૂષ હાથમાં ઝાંઝર લઇને તે ખખડાવતો આવે છે। તેને લશ્કરી લેબાસ પહેર્યો છે.)

આવનાર: (મુનિકુમારના ખભા ઉપર હાથ મુકીને) મુંજાલ, ચંદ્રપૂર યાદ આવે છે?

મુનિકુમાર: મારું નામ મુ થી શરુ થાય છે તે ખરું છે પણ મુંજાલ તો નથીજ। મારુ નામ છે મુનિકુમાર।

આવનાર: મુનિકુમાર।… હા, તમે પુત્ર સમોવડી માં હતા કે અવિભક્ત આત્મામાં?

મુનિકુમાર: એકેય જગ્યાએ નહિ, પણ…. આપ કોણ… હોમગાર્ડ છો?

આવનાર: મુનિકુમાર, તમે મુંજાલ જેટલા કઠોર હૃદયના ન હો તો મારૂં નામ કહું।

મુનિકુમાર: કઠોર હૃદયના તો શું, કઠોર શરીરનો પણ નથી. પણ આપણું નામ શું?

આવનાર: મારુ નામ મુનળ….

મુનિકુમાર: (એકદમ સજાગ થતાં) શું….ઉં…..ઉં મિંંજાલ?

મુનળ: ના.. ના… મિંજા… ના… મુનળ

મુનિકુમાર: સમજ્યો – યુ મીન મુનળ…(પેલો ડોકું હલાવી હા કહે છે) …..શું મીનળદેવી? પાટણની રાજમાતા? (આમ કહેતાં ફરીથી ચમકેછે)

મુનળ: તે જ (મુનિકુમાર મંત્રમુગ્ધ થઇ તેની સામે જોઈ રહે છે)

મુનિકુમાર: મીનળ તો સ્ત્રી વાંચી હતી તેમાં યાદ છે. અરે ભાઈ તમે તો સ્ત્રી હોવા જોઈએ ને?

મુનળ: એ મહાન જુઠ્ઠાણા નું પાપ ટેકારાના મુનશી પાર છે. હું તો સ્ત્રી હતોજ નહીં, છું નહીં અને થવાની.. અરે થવાનો પણ નથી.

મુનિકુમાર: પણ “પાટણની પ્રભુતા” અને “ગુજરાતનો નાથ” વગેરે માં તો….

મુનળ: મૂળ તો હું પુરૂષ છું છતાં મુનશીએ “પાટણની પ્રભુતા” અને “ગુજરાતનો નાથ” માં મને સ્ત્રી ચીતરી છે.

મુનિકુમાર: સ્ત્રી ચીતર્યો છે.

મુનળ: વ્યાકરણ તો ચાંગાએ મારી પછી લખ્યું છે એટલે મને ક્યાંથી આવડે?

મુનિકુમાર: તેથી આપને ભાષા બગાડવાનો હક્ક મળતો નથી.

મુનળ: અરે ભાષાની ક્યાં વાત કરો છો ? મુનશીએ તો અમારી ભાષા જ નહી પણ જીવન આખું બગાડી નાખ્યું છે. “પાટણની પ્રભુતા” માં મુંજાલ મને ભેટીને – કચડીને ચાલ્યો જાય છે. જોકે હું તો તેને આંટી મારવાની તૈયારીમાં હતો પણ તેનું મોં બહુ ગંધાતું હતું એટલે મને મૂર્છા આવી ગઇ. એ રીતે તો મંજરી સારી..

મુનિકુમાર: તમારી વાત માં તથ્ય તો છે જ. ગુજરાતના નાથને ક્યાંય દંતધાવન કરતો વાંચ્યો નથી.

મુનળ: મુંજાલ ગુજરાતનો નાથ છે એ વાત તદ્દન ગલત છે – ગુજરાતનો નાથ તો હું છું.

મુનિકુમાર: અરે હા. તમે પુરૂષ છો એ નક્કી થયા પછી નરસિંહરાવનો પ્રશ્ન જ અસ્થાને છે. પણ પેલા કર્ક નું શું?

(“ખબરદાર” એમ ગર્જના કરી કાક છલાંગ મારી સ્ટેજ પાર આવેછે। “રાજાધિરાજ’ ના ચિત્ર માં છે તેવો પોષાક તેમને પહેર્યો છે. હાથમાં ડાંગ છે.)

કાક: ખબરદાર – બ્રાહ્મણ શ્રેષ્ઠ નું નામ….

મુનળ: કોણ? કાક? અહીં પણ મારા કામમાં વિઘ્ન નાખવા આવ્યો છે? મુનિકુમારને ત્યાં પણ?

મુનિકુમાર: કોણ કાકભાઈ, હું પણ તમારી માફક ભટ્ટ છું તેમજ ભાર્ગવ પણ છું.

કાક: તો તમારી વાત તમને મુબારક, હું તો શ્રેષ્ટ બ્રાહ્મણ બની થાકી ગયો છું ને બા માર કોઈના કામ માં વિઘ્ન નાખવું નથી. એ બધું તો માનશી એ કરાવ્યું હતું..

મુનળ: તો પછી અહીં શુકામ આવ્યો છે?

કાક: બા, મારે નવો જન્મ લેવો છે.

મુનિકુમાર: પણ ભટ્ટરાજ, આમને પેટે જન્મ ક્યાંથી લેશો? એ તો ભાઈ છે.

કાક: શું કહ્યું રાજમાતાનું અપમાન?

મુનળ: ના, કર્ક, ધીરો થા; મુનિકુમાર સાચું કહે છે.

કાક: જો એમજ હોય તો મુંજાલ મહેતાનું શું?

મુનળ: એનું થઇ રહેશે – હવે ગુજરાતનો નાથ હું છું.

મુનિકુમાર: ગુજરાતનો નાથ… ભાઈ કાક, મીનળને મુનશીની સામે ફરિયાદ છે.

કાક: રાજપિતા, હવેતો મારે અર્પણ મુનશીની સામે ફરિયાદ છે.

મુનિકુમાર: શી?

કાક: શિયાળાની કડકડતી ઠંડીમાં પાટણને કાંઠે રાત જગાડ્યો; વગર મફતની નદી પર કરાવી। નિરાંતે ભૃગુકચ્છમાં રોટલો ખાતો હતો ત્યાંથી પાટણના રાજકારણમાં પરાણે એકડો દાખલ કરવા મોકલ્યો.. ગધેડાની જેમ વૈતરું કરાવી યશ, સુખ કે નિરાંત ન રહેવા દીધાં। રમણલાલ ના નાયકની જેમ જલવિહાર નહી. સ્વક્રીયા મંજરી આપી તો તેને પણ પોતાની વાસ્તવિક કલા દેખાડવા મારી નાખી। પોતાની જેમ મને પુનર્લગ્ન પણ કરવા ન દીધું। પરિણામે બનાવ્યો સેનાપતિ। હવે હું શા સુખે મુનશી ને ત્યાં જન્મ લાઉ?

મુનિકુમાર: તો તમારે ક્યાં જન્મ લેવો છે?

કાક: રમણલાલને ત્યાં। મારે એશઆરામ જોઈએ, રમણલાલના નાયક ની જેમ…

મુનળ: કાક, રામણલાલના નાયક કોણ છે?

(કફની અને ધોતિયું પહેરેલો યુવક દાખલ થાય છે, તે નાયક છે)

નાયક: નમસ્તે, મને આપે યાદ કર્યો?

મુનળ: અલ્યા તું રમણલાલનો નાયક છે?

નાયક: હાસ્તો, મારો દેખાવ જ કહી આપતો નથી?

મુનળ: દેખાવે તો કોઈ મોજીલો – આરામપ્રિય જણાય છે.

નાયક: એમાં મારો વાંક નહિ, રમણલાલનો છે. એણેજ મને આરામપ્રિય બનાવ્યો છે. એ બધીજાતની સગવડો મને આપે છે, મારે કામ પણ બહુ ઓછું કરવાનું હોઈ છે, પરિણામે મારા બાઈસેપ્સ પણ વધતાં નથી. જુઓ…

(નાયક બાઈસેપ્સ બતાવવાનો પ્રયત્ન કરેછે)

મુનિકુમાર: પણ રમણલાલે તો ઘણા નાયકો સરજ્યા છે. આપની વાત બાજુ પર રાખીને તો બીજાને એવી સગવડ નહિ હોય.

નાયક: પણ બીજું કોઈ છે જ નહિ. જે છું તે હુંજ છું; મનસા – વાચા- કર્મણા। ફક્ત જુદી જુદી સ્ત્રીઓ સાથે પરણવામાટે જુદાં જુદાં નામ મને આપેછે। પણ હવે એવો નાયક થઇને હું કંટાળી ગયો છું. હવે મારે કાંતો ખરેખરો પુરુષ અગર તો ખરેખરી સ્ત્રી બનવું છે.

મુનળ: સ્ત્રી બનવું હોય તો શરદબાબુ પાસે જાઓ.

કાક: ને પુરૂષ બનવું હોય તો મેઘાણી કે રાયચુરા પાસે જાઓ.

નાયક: હું તો મુનશીજી પાસે જવા ધારતો હતો.

મુનિકુમાર: તો પછી તમારે બન્નેને ક્યાં જવા વિચાર છે?

મુનળ: જ્યાં પુરૂષ જોગીદાસ ખુમાણ જેવા થઇ શકતા હોઈ ત્યાં।

કાક: ને જ્યા ભૃગુકચ્છની રેતીમાં ગ્રામોફોન પર પ્યારા સાહેબની રેકર્ડ વાગતી હોય ત્યાં।

મુનિકુમાર: પણ હવે ત્યાં દેવદાસની રેકર્ડ વાગતી હશે.

(દેવદાસ “દુઃખકે અબ દિન બીતત નાહીં” ગાતો ગાતો દૂરથી આવેછે। સ્ટેજ પાર આવી ઉધરસ ખાય છે. થોડી થોડી વારે ઉધરસ ચાલુ રહે છે. તેને ધોતિયું, ગંજી અને કોટ પહેર્યા છે. હાથ માં દારૂનો શીશો છે.)

મુનળ: હાય….(નિસાસો નાખે છે)

નાયક: બહાઈ તમે સારંગ ગાયો કે દીપક? મને એ બે જ રાગ ના નામ આવડે છે, એટલે પુછુ છું.

કાક: માનસી પાસે ગયા પછી તો તે પણ ભૂલી જશો.

મુનિકુમાર: પહેલાં તો એમ કે મને ચોક્કસ શબ્દોમાં પૂછી લેવા ડો કે આપ કોણ છો?

દેવદાસ: (નિશ્વાસ નાખીને) મારું નામ દેવદાસ.

મુનિકુમાર: શરદબાબુનો કે ન્યુથિએટર્સનો?

દેવદાસ: (ઊંડા સ્વરે) પારુનો…

મુનિકુમાર: પણ હું તમને બધાને પુછુ છું કે તમે આવ્યા છો, પણ તમારા બધાની પત્નીઓ કેમ નથી આવી?

કાક: એ બધી “પંદરમી ઓગસ્ટ” ભજવવા ગઈ છે.

મુનિકુમાર: તો ઠીક, પણ હેં દેવદાસભાઈ તમને શેનું દુઃખ છે?

દેવદાસ: દુઃખ, હા મને દુઃખ છે. આટલા બધા વર્ષોથી કમોતે મૂવો છું એટલે ફરી જન્મ મળતોજ નથી. મને જન્મવાની તીવ્ર ઈચ્છા થઇ છે, પરંતુ શરદબાબુએ મને આવી રીતે મારીને અમર બનાવ્યાથી એ ઈચ્છા હંમેશ માટે મરી ગઈ છે.

મુનિકુમાર: અમર બન્યા પછી શા માટે મરવું છે?

દેવદાસ: બીજી કોઈ રીત ન હતી કે મને એક નાચીઝ બેવફા છોકરીના પ્રેમમાં પાડી, દારૂ પાઈને વગર મોતે મારી નાંખ્યો?

મુનળ: તમને એકલાનેજ એમ માર્યા છે કે બધાયને?

દેવદાસ: મને એકલાને। વિપ્રદાસને દારૂ નહોતો પવાતો? શ્રીકાન્ત કે કાશીનાથ કેમ દારૂ પીતા નથી? ભારતી કે સુમિત્રા કેમ પીતી નથી? પેલી વેશ્યા – ચંદ્રા પણ દારૂ પીતી નથી ને મને દારૂ પાઈ પાઈ ને ઉધરસ કરાવી (ઉધરસ ખાય છે) હજીયે મટી નથી.

મુનિકુમાર: મર્યા પછી પણ ઉધરસ ન માટી? બહુ ચાલી..

દેવદાસ: પણ એ નો કંઈ ઈલાજ?

મુનિકુમાર: શેનો ઉધરસનો?

દેવદાસ: નહીં, પુનર્જન્મનો.

મુનિકુમાર: એક ઉપાય છે. પુનર્જન્મ તો કોણ જાણે પણ એ તમારી ઉધરસ તો કાઢી નાખશે. એનું નામ છે વિજયરાય.

કાક: ઈલાજનું નામ માણસ જેવું કેમ છે?

મુનિકુમાર: તે માણસ જ છે આખું નામ વિજયરાય કલ્યાણરાય વૈદ્યં।

કાક: તે એમ કહો ને – વૈદ્યં એમને? પણ તેમનું દવાખાનું ક્યાં આવ્યું?

મુનિકુમાર: તે વૈદ્યં ધંધે નથી; અટકે છે.

દેવદાસ: તો મારે એના ઠેકાણાનું કામ નથી. (ઉધરસ ખાતાં) એ ઉધરસ ભલે મટાડે પણ મારે તો દારૂ જોઇશે જ. (બાદશાહ અને બીરબલ આવે છે। પોષાક ડારેક્ટરની સૂચના મુજબ પહેર્યો છે)

બાદશાહ: દારૂ તો પીરશાહને પણ જોઈતો હતો. બીજા કોને જોઈએ છે? કેટલો જોઈએ છે? ચાલો મારી સાથે, પીપના પીપ અપાવું (મુનિકુમારને સંબોધી હળવા અવાજે) તમારે પણ દારૂ જોઈએ છે?

મુનિકુમાર: એ સવાલનો હું જવાબ આપું તે પહેલાં મને કહેશો કે આપ બન્ને કોણ છો?

બાદશાહ: હું બાદશાહ અને આ ભાઈ બીરબલ.

મુનિકુમાર: બાદશાહ અકબર અને બીરબલ અત્યારે શું નગરચર્યા જોવા નીકળ્યા છો?

બીરબલ: આટલી બધી ચોપડીઓનાં વિવેચન લખવા છે છતાં અકબર બાદશાહ અને આ બાદશાહનો ફેર તો ઓળખાતો નથી?

મુનિકુમાર: ત્યારે આ બાદશાહ કોણ છે?

બાદશાહ: હું તો “નાગાબાવા” નો બાદશાહ.

મુનિકુમાર: અને આ બીરબલ પણ “નાગાબાવા” ના?

બીરબલ: વિવેચકમાં ખપવું છે છતાં નાગાબાવામાં બીરબલ આવતો નથી એટલી તો ખબર નથી!

મુનિકુમાર: તો પછી આપ કોના?

બીરબલ: હું કોનો છું તે પણ હું જાણતો નથી. પહેલાં કદી જાણતો નહતો. પણ હાજરજવાબી માટે પ્રખ્યાત બાદશાહનો પરમમિત્ર બીરબલ તે હું પોતે જ.

મુનિકુમાર: તમે બન્ને પણ આ બધાની જેમ ફરિયાદ કરવા માટે નીકળ્યા લાગો છો.

બીરબલ: હું ફરિયાદ કરતો નથી. માત્ર સાંભળું જ છું. તમારે કશીય હોઈ તો કહો.

બાદશાહ: બીજાને હોય કે ન હોય, પણ મારે તો છે જ. ઇતિહાસના પાના પર જોશો તો બધા મારી પાસે ફરિયાદ કરવા આવતા હતા તેમ જણાશે. છતાં તકદીરની તાસીર છે કે આ ખુદ બાદશાહને ફરિયાદ કરવાનું આવ્યું છે. મારી ફરિયાદ મારા કર્તા સામે છે. એણે મને ભિખારી બનવ્યો ને નામ આપ્યું બાદશાહ! ભિખારીઓનો ધંધો કરાવી પૈસાદાર બનાવ્યો. હવે પૂછુ છું કે ભિખારીઓ પૈસાદાર હોય છે?

બીરબલ: આવા વીસમી સદીના લેખકો જેવો સવાલ પૂછવાથી તમે હોશિયાર છો એમ હું કબૂલ નહીં કરૂં. તમે જાણો છો – તમને અનુભવ છે કે ભિખારીઓ પૈસાદાર હોય છે જ. છતાં આવું પૂછો છો? પણ વાસ્તવિકતાને વ્યાકરણ જોડે કંઈ સંબંધ નથી.

બાદશાહ: ભલે ન હોઈ. ચંદ્રવદન અમારી પાસે બધાં ઊંધા ને ઊંધા કામ કરાવે છે એટલું તો કબૂલ કરશોને?

બીરબલ: ના રે ના – હું કાંઈ કબૂલ નહીં કરુ. મેં તમને સાંભળ્યા છે- કારણ કે તમે એક ફરિયાદી છો.

મુનિકુમાર: એ એક જ ફરિયાદી ક્યાં છે? ફરિયાદી તો આ બધાય છે, પેલા મીનળબાઈને મુનશી પાસેથી શરદબાબુ પાસે જવું છે, આ દેવદાસને શરદબાબુ પાસેથી મુનશી પાસે જવું છે. પેલા નાયક ને…

બીરબલ: સબૂર – સબૂર, આ બધાને પોતે જ્યાં છે ત્યાંને બદલે બીજે સ્થળે જવું છે એટલું જ તમે કહેવા માગો છો ને?

મુનિકુમાર: હા.

બીરબલ: એટલા માટે મોટું ભાષણ આપવાની જરૂર નથી. એ તો હું સમજી ગયો. બોલો તમારે ક્યાં જવું છે?

મુનિકુમાર: બિછાનામાં…

બીરબલ: શાબાશ, હાજરજવાબી એ ચેપી રોગ છે. ચાલો ત્યારે તમે બધાય મારી સાથે…
(બધાય બીરબલ સામું જુવેછે)

મુનિકુમાર: ક્યાં?

મુનળ: શરદબાબુ?

કાક: રમણલાલ? ભૃગુકચ્છ ?

દેવદાસ: મુનશી?

નાયક: મેઘાણી? માણકી?
(ત્યાં ઋષિ આવેછે, હાથમાં ચાનો કપ છે)

ઋષિ: લ્યો સાહેબ ચા (આ દરમ્યાન બધા નેપથ્ય જતા રહેછે)

મુનિકુમાર: અરે! જો, તેં મારી લિંક તોડી નાખી। તેઓ બધા ચાલ્યા ગયા.

ઋષિ: (આજુબાજુ જોતાં) કોણ બધા સાહેબ? અહીં તો કોઈ નથી…

મુનિકુમાર: એ તને નહિ સમજાય – જા તું તારે.

(ઋષિ જાયછે, મુનિકુમાર પાછા કામ માં પરોવાય છે. બે-ચાર કાગળો આમ તેમ કરે છે. થોડીવારે પગલાં સંભળાય છે અને કાક ધોતિયું – લાંબો કોટ -માથે ખાદીની સફેદ ટોપી અને ચશ્મા પહેરી આવે છે)

મુનિકુમાર: કોણ ભટ્ટરાજ? કપડાં બદલવા ગયા હતા? રમણલાલ ન મળ્યા?

આવનાર: (રુઆબ સાથે) હું ભટ્ટરાજ નથી. હું છું કનૈયાલાલ માણેકલાલ મુનશી.

મુનિકુમાર: (આશ્ચર્ય સાથે) ઓહો – ઘનશ્યામ ઉર્ફે ક. માં. મુનશી ! તમારો કાક હમણાજ રમણલાલને ગોતવા ગયો.

મુનશી: એ કાક માં હું જરા છેતરાયો છું. મેં તો એને આદર્શ મુનશી ચીતરવા ધર્યો હતો.

મુનિકુમાર: કે પછી તમે આદર્શ કાક ચીતરાઈ જવા માંગતા હતા?

મુનશી: હીરોની ભૂમિકામાં કાકે મંજરીની લલિતકળા ન પારખી એટલે મને થયું કે ભગવાન કૌટિલ્ય મારો એ આદર્શ પૂરો કરશે.

મુનિકુમાર: પણ એણે તો જ્યાંને ત્યાં વેર ઉભા કરી દુશ્મનોને મારવાનો જ ઈજારો લીધેલો કેમ?

મુનશી: હા, પ્રેમ અને પૌરુષ, મહત્તા અને લાગણીઓનો સમન્વય હું સાધી ન શક્યો કારણ લાગણી દેખાડવા જતાં નબળાઈ દેખાઈ જવા માંડી અને મહત્તા બતાવવા જતાં લાગણીહીનતા જણાવવા માંડી.

મુનિકુમાર: “कर्मण्येवाधिकर्र्स्थे” એમાં ખેદ શું? બધી પ્રભુની લીલા છે.

મુનશી: (ગુસ્સે થઈને) તમે લીલાને વચ્ચે ના લાવો.

મુનિકુમાર: હું તો પ્રભુની લીલાની વાત કરું છું, તમારી નહીં, પણ હે કનુભાઈ, તમારા મંથનનું કંઈ પરિણામ ખરું?

મુનશી: હા, મેં નક્કી કર્યું છે કે મારે નવલકથાઓનું એકમ રચવું. જેમ મહાગુજરાતનું એકમ રચીને ગુજરાતની અસ્મિતા જાળવવી છે તેમ.

મુનિકુમાર: રાજ્યોના એકમો તો મેં સાંભળ્યાં છે પણ નવલકથાનાં એકમ સાંભળ્યાં નથી.

મુનશી: તો હવે સાંભળશો। દરેક લેખકનું એક એક પ્રકરણ લઇ તેની એક મહાન નવલકથા લખવી.

નાયક: (દૂર થી બોલતો આવેછે) એ કઈ નવો વિચાર નથી. મેં તો તે પણ કર્યું છે.

(નાયકે કોટ અને પાટલુન પહેર્યાં છે અને ઉઘાડે માથે છે. મુનશી અને મુનિકુમાર સઆશ્ચર્ય નાયક સામું જુવે છે)

મુનિકુમાર: અરે નાયક તમે વળી લાખવાનું ક્યારથી શરુ કર્યું?

નાયક: હું નાયક નથી – હું છું રમણલાલ.

મુનિકુમાર: યાજ્ઞિક કે દેસાઈ?

રમણલાલ: કેવો પ્રશ્ન કરો છો તમે પણ? જ્યાં શેક્સપિયર ન હોય ત્યાં યાજ્ઞિક હોઈ જ ક્યાંથી? હું રમણલાલ દેસાઈ.

મુનિકુમાર: આપે ખુલાસો કર્યો તે ઠીક જ કર્યું, નહિ તો આપના વિશે “શંકિત હૃદય” રહી જાત.

રમણલાલ: મને માફ કરો તો મુનિકુમાર કે તમારી રમૂજની આ પ્રથા હવે ઘણી જૂની થઇ ગઈ છે.

મુનિકુમાર: તેમાં માફ કરવા જેવું કાંઈ નથી. પણ આપ એય કબૂલ કરશો કે ચહેરાના મળતાપણા વિના માત્ર પહેરવેશથી કોઈને ઓળખવું બહુ મુશ્કેલ છે.

મુનશી: મને તો તમે શિરીષ કે જયંત જ લાગેલા.

રમણલાલ: તમારી જેમ હું અનેક સ્વરૂપોમાં નથી મહાલી શકતો એટલે એમ લાગે છે.

મુનશી: અને તમે પણ નવલકથા લખવી એ તદ્દન સસ્તી વાત બનાવી દીધી હોય તેમ લાગે છે.

મુનિકુમાર: એમ કેમ?

મુનશી: (કટાક્ષ કરતા) પોતાની ચાર-પાંચ નવલકથાઓ લઇ દરેકમાંથી બબ્બે પ્રકારણો સાથે મૂકી દઇ પાત્રોના નામ બદલે એટલે નવી નવલકથા તૈયાર થઇ ગઈ કેમ?

રમણલાલ: (થોડા ગુસ્સામાં) તો પછી કહોને કે તમારા કાક, કૌટિલ્ય અને પરશુરામમાં કપડાં અને સમય સિવાય બીજો કયો ફેરફાર છે?

મુનિકુમાર: અરે આતો લડાઈ શરુ થઇ ગઈ?

રમણલાલ: અરે મેં કેવાં સુંદર સ્ત્રી પાત્રો સર્જ્યા?

મુનશી: તમારાં સ્ત્રી પાત્રો તો દિવસમાં દસ વાર ભટકાય છે. દેખાડો મારી મૃણાલ કે મીનળ! છે એવું સર્જન કોઈ જગાએ?

રમણલાલ: (મર્મથી હસીને) સ્ત્રીત્વ વિનાના સ્ત્રી પાત્રો સર્જવા એ મુશ્કેલ તો ખરું

દેવદાસ: (બોલતો બોલતો દૂરથી પાસે આવીને) – કોણ સ્ત્રીત્વની વાતો કરેછે? (દેવદાસનો ડ્રેસ જે હતો તે જ, વધારામાં ખેસ છે અને શીશો નથી.)

મુનિકુમાર: કોણ દેવદાસભાઈ? ઠીક થયું તમે આવ્યા. તમારે મુનશીને ત્યાં જવું હતું ને? તેઓ અહીંજ છે.

દેવદાસ: હું દેવદાસ નથી – હું શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય….

મુનિકુમાર: આશુન મોશાય – કિ ખોબોર?

શરતચંદ્ર: આ ગુજરાતી નાટક હોવાથી હું ગુજરાતીમાઁજ બોલીશ. સ્ત્રીત્વ નીતરતી સ્ત્રીઓની વાત કરવાનો મારો જ હક્ક છે.

મુનિકુમાર: પણ આપ તો ગુજરી ગયા છો ને?

શરતચંદ્ર: હું મારો પ્રેતાત્મા છું

રમણલાલ: શું ઉ ઉ…. ભૂત?

મુનિકુમાર: મારા ઘરમાં ભૂત છે તેમાં તમે ગભરાઓ છો?

મુનશી: એના તો દરેક પુરુષ પાત્રો પણ ગભરાશે. ન ગભરાય મારો કાક અને કીર્તિદેવ. એનું નામ મર્દાનગી.

રાયચુરા: (દૂરથી પડકાર કરી) ઈ મર્દાનગીની વાતું કોણ કરે છે? (તેમણે ધોતિયું, કફની અને બંડી પહેર્યા છે)

મુનિકુમાર: તમે કોણ છો?

રાયચુરા: મને ન ઓળખ્યો? ગુજરાતનું અનોખું માસિક કે જેના વરસના બાર અંકોમાંથી છ ખાસ અંક નીકળે છે, જેના ચિત્રોમાં પશુ – પંખી કે સ્ત્રી પુરુષ દૂબળાં હોતાં જ નથી, જેના પૂંઠા પર એક ચિત્ર ટેક્નિકલરમાં બારેમાસ આવ્યા જ કરે છે તે મહાગુજરાતના માસિક “શારદા” નો તંત્રી ગોકુળદાસ રાયચુરા.

મુનશી: સારું છે કે ભાટચરણો ને વાંચતાં – લખતાં આવડતું નથી નહિં તો તમારું કેમ ચાલત?

રાયચુરા: ભાટ અને ચારણો રાજા સાથે ગયા અને હવે અમે રહ્યા. સાંભળ્યો છે કદી “સિન્ધુડો”?

મુનિકુમાર: સિંધ નાં લોકો બોલે છે તેને જો સિન્ધુડો કહેવાતો હોઈ તો તે અમે છેલ્લા છ માસથી સાંભળીયે છીએ.

રમણલાલ: મુનશીજી, તમે સિન્ધુડો સાંભળ્યો છે?

મુનશી: હમણાંજ હૈદ્રાબાદથી સાંભળીને ચાલ્યો આવું છું. મારી સ્થિતિ તો જુનાગઢઃના ભોંયરામાં પુરાયેલ કાક જેવી હતી.

રાયચુરા: પણ તેને તો મંજરીએ છોડાવ્યો હતો અને આપને તો… (મુનિકુમાર તરફ ફરીને) મુનીભાઈ તમે સિન્ધુડો સાંભળ્યો છે?

મુનિકુમાર: “હીઝ માસ્ટર્સ વોઇસ” ને પુછાવેલું પણ ત્યાંથી કહે છે કે તેની રેકર્ડ નથી ઉતારી.

રાયચુરા: રેકર્ડ ની જરૂર નથી – બુધવારે બપોરે બરોડા રેડીઓ સાંભળજો.

મુનિકુમાર: કેમ? આપ હવે બુધવારે ત્યાંથી ગાવાના છો?

રાયચુરા: હું તો દરરોજ ગાઉં છુ પણ એ લોકો બુધવારે મને માઈક પાસે બેસવા દે છે.

ધૂમકેતુ: (આવીને) બુધવારનું નામ કોને લીધું? (તેમના હાથમાં ઊર્મિ – નવરચનાનો અંક છે.)

રાયચુરા: મેં લીધું – કેમ તેનો કોઈનો ઈજારો છે?

મુનિકુમાર: અરે ભલા માણસ, આ બધા સાક્ષરરૂપી તારાઓ ભેગા થયા છે તેમાં તમે ધૂમકેતૂની માફક ઘૂસી કાં જાવ છો?

ગૌરીશંકર: કેમકે હું ધૂમકેતુ છું – સ્વભાવનો નહીં – નામે

મુનિકુમાર : સ્વરૂપે કહોને નહિ તો વળી પૂંછડી કેમ નથી તેનો ખુલાસો કરવો પડશે.

ગૌરીશંકર: આ તમારી રમૂજ મારી “પાનગોષ્ઠી”ની રમૂજ જેવી જ છે. મારે લખી લેવી પડશે.

રમણલાલ: (ગૌરીશંકરને) કહેછે કે તમારા ‘તણખા’ તો તમારા કોઈ વડવાએ લખેલા.

ગૌરીશંકર (ધૂમકેતુ): બીજો, ત્રીજો અને પાંચમોજ. બાકીના તો મેં જ લખ્યા છે.

રાયચુરા: (ધૂમકેતુને) તમે લોકસાહિત્ય સર્જ્યું છે… તેની….

મુનશી: (રાયચુરાની વાત કાપતાં) ધૂમકેતુની નવલકથા તો દરેક પ્રકરણે પૂરી થતી નવલિકા જેવી હોય છે.

ધૂમકેતુ: છતાં પણ એ મેં જ લખી છે એલેકઝાન્ડર ડુમાએ નથી લખી.

બીરબલ: (ખડખડાટ હસતો અંદર આવેછે) આ બધું મેં લખ્યું મેં લખ્યું એ શું છે?

મુનિકુમાર: તમે બીરબલના લેખક છો ને?

બીરબલ: મેં તમને કહ્યું નહોતું કે મારે કોઈ લેખક છેજ નહિં, હું જ મારો લેખક

મુનિકુમાર: અશક્ય, બીરબલ પણ તમે અને બીરબલના લેખક પણ તમે જ?

બીરબલ: મુનશી જો આદર્શ કાક થઇ શક્તા હોય તો હું મારો લેખક કેમ ન હોઉં?

મુનિકુમાર: પણ એ કેમ બને?

બીરબલ: શું કામ ન બને! લ્યોને હું જ કહું…. મારો લેખક છે સમય – જમાનો – કાળ – જે કહો તે અને તેથી જ હું અમર છું

મુનિકુમાર: એટલે?

બીરબલ: જેવો કાળ તેવાં પાત્રોનું સર્જન હશે તેજ પાત્રો અમર રહેશે. લાગણીવેડા કરતાં મનોરંજન દ્વારા સત્ય સમજાવનાર સાહિત્ય જ અમર છે.

(ઘડિયાળમાં દસના ટકોરા પડે છે અને બધાં પાત્રો પાછા જાય છે. ઋષિ આવે છે)

ઋષિ: (આવીને) કેમ સાહેબ લીન્ક મળી? ન મળી હોઈ તો એક બીજો કપ આપું?

મુનિકુમાર: જરૂર નથી. (લખેલા કાગળો ફાડે છે)

ઋષિ: કેમ સાહેબ આ શું કરો છો?

મુનિકુમાર: (મેજ પરથી ઊભા થતાં નાટકીય ધાબે) લાગણીવેડા કરતાં મનોરંજન દ્વારા સત્ય સમજાવનાર સાહિત્ય જ અમરત્વ પામશે..

(પડદો પડેછે)

* * *

૧૯૪૮માં પહેલીવખત ભજવાયું ત્યારે પાત્રવરણી આ પ્રમાણે હતી:
મુનિકુમાર – શ્રી રણજીત ત્રિવેદી
ઋષિ: શ્રી ઋષિભાઈ ભટ્ટ
મુનળ: શ્રી બટુક પંડ્યા
કર્ક અને મુનશી – શ્રી કુમાર ભટ્ટ
દેવદાસ અને શરદબાબુ – શ્રી જયશ્રીકાન્ત વિરાણી
બાદશાહ: શ્રી અત્રીકુમાર ભટ્ટ
બીરબલ: શ્રી ગિરીશ ભટ્ટ
ગોકુળદાસ રાયચુરા: શ્રી હરિભાઈ ચૌહાણ
ધૂમકેતુ અને ગૌરીશંકર: શ્રી કાંતિભાઈ ભટ્ટ
નાયક: શ્રી જિતેન્દ્ર અંધારિયા
ર. વ. દેસાઈ: શ્રી ધનવંતરાઈ ભટ્ટ
દીર્ગદર્શક: શ્રી બાબુભાઇ વ્યાસ
ભજવનાર: યંગક્લબ, ભાવનગર
અક્ષરનાદને આ નાટક પ્રસિદ્ધ કરવા પાઠવવા બદલ શ્રી નીતિન વ્યાસનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “યંગક્લબનું નાટક “વિવેચક અથવા મુનળ”

 • KANU C. PATEL

  આ નાટકમા મોટે ભાગે બધા બામણો જ છે……….આ બધા મારા બારમા મા લાડવા ખાવા આવેલા……….હું તેમણે જોઈ લઈશ……હું હજુ મયૉ નથી….ભુત

  થયો છુ……..what about you?………

 • Jacob Davis

  ખુબ સરસ. ઘણા લેખકોનું આ સંયુકત સાહસ છે એટલે સુંદર નાટક બન્યું છે ! વળી નાટકમાં ઉલ્લેખ થયેલા પ્રત્યેેક લેખકની નસ પારખીને હળવી મજાક કરવામાં આવી છે. આજે તો ગોકુલદાસ રાયચુરા કોણ એ પુછનાર અનેક સાહિત્યના અભ્યાસુ મળી આવે ! હાલના લેખકો વિશે આવો પ્રયોગ કોઇ કરી શકશે ? કરે તો મજા પડે!

 • shyam tarangi

  પાત્રોનુ ભિતર રજુ કરતુ આસ્વાદ નાટક- મરક મરક હસાવિ પણ જાય શે…મજા પડિ ગૈ.