આઝાદી પહેલાનું હિન્દુસ્તાન – પી. કે. દાવડા 5
૧૫ મી ઓગસ્ટે અંગ્રેજોએ જે હિન્દુસ્તાનને આઝાદી આપી, એ પહેલાનું હિન્દુસ્તાન કેવું હતું એની કલ્પના આજની પેઢીને નહિં હોય. આ ટુંકા લેખ દ્વારા હું એ સમયનું ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરૂં છું.
હિન્દુસ્તાનનો આશરે ૭૫ ટકા ભાગ અંગ્રેજોના સીધા તાબામાં હતો, જ્યારે બાકીનો ૨૫ ટકા ભાગ નાનામોટા રાજાઓ અને રજવાડાઓના તાબામાં હતા. આ બધા રાજાઓ અને રજવાડાઓ અનેક પ્રકારની સંધિઓ દ્વારા અંગ્રેજોની આણ નીચે જ રાજ કરતા. એમણે અંગ્રેજોની સર્વોપરિતા (Paramountcy) સ્વીકારેલી. આવા રાજ્યોની કુલ સંખ્યા ૫૬૫ હતી. માત્ર ચાર રાજ્યો, હૈદ્રાબદ, મૈસુર, કાશ્મીર અને વડોદરા વિસ્તારમાં મોટા હતા.
અંગ્રેજોના સીધા તાબાવાળો હિસ્સો બ્રિટીશ ઈન્ડીયા તરીકે ઓળખાતા, અને રાજારજવાડા વાળો પ્રદેશ પ્રિન્સલી સ્ટેટ્સ તરીકે ઓળખાતો. આ બન્ને પ્રદેશો મળી આખો પ્રદેશ ઈન્ડિયા તરીકે ઓળખાતો.