પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૯ (૪૭ વાર્તાઓ) – સંકલિત 6


flash fiction titleપ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે.

તા. ૬ – ૭ ઑગસ્ટ ૨૦૧૬ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ પોતે જ વાર્તાના ટ્વિસ્ટ પ્રકારનો, નિર્ણાયક હતો.. ફક્ત વાર્તાના ક્લાઈમેક્સમાં ઉપયોગ કરી શકાય એવા આ પ્રોમ્પ્ટનો સર્જનના લેખકોએ અનેકવિધ રીતે ઉપયોગ કર્યો.

પ્રોમ્પ્ટ હતો..

વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ…

આ પ્રોમ્પ્ટ પર સર્જન ગૃપના સભ્યોએ રચેલી વાર્તાઓનું સંકલન આજે પ્રસ્તુત કર્યું છે..

૧. મોરનાં ઈંડાં – આરતી આંત્રોલીયા

ભલે તેના કુમળા મનને કંઈ સમજાય કે ના સમજાય પણ નાનપણથી ઘરમાં થતી ચર્ચાઓનો તે સાક્ષી હતો. જેમ સમજણો થતો ગયો, તેમ ઘણું સમજતો થયો અને પોતે, બળવંતરાય મેહતા જેવા બાહોશ વકીલનો દીકરો હોવાનું ગુમાન તેની વાણી વર્તનમાં છલકાવા લાગ્યું. કહ્યું છે ને કે, “મોરનાં ઈંડાંને ચીતરવા ના પડે.” તેમ સુજીતને પણ પોતાની હરેક વાત યોગ્ય ઠેરવતાં આવડી ગયું. નામ પ્રમાણે જ જીત સિવાય તેને કઈં ના ખપતું. દલીલબાજી કરી, સામેવાળાની બોલતી બંધ કરી, પોતાનો જ કક્કો ખરો કરતાં દીકરાની આ મુત્સદીગીરી પર બળવંતરાય બહુ પોરસાતાં. પણ આ ગુમાન તેમને ભારે પડયું.
એક સવારે બંગલામાં જ આવેલા પોતાના કાર્યાલયમાં કામ કરતાં હતા ને ફોન રણક્યો, રિસીવર ઉપાડી કાને માંડ્યુને, વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ.. ફાંસીનો ગાળિયો નહીં પણ ટેલિફોનનો તાર છે. સ્વસ્થ થવામાં વધુ સમય ન ગુમાવતા, મારતી ગાડીએ પોલીસસ્ટેશન પહોંચ્યા. પણ આજે તેમની કોઈ વગ, ચાલાકી ન ચાલી કારણ કે આજે કોલેજના બધા વિદ્યાર્થીઓએ સંપીને ફેંસલો કર્યો હતો કે હંમેશા છટકી જતાં સુજીતની વિરુદ્ધ જુબાની આપવી જ.
આજ સુધી અપરાધીઓને સજાથી બચાવી, પીડિતોને કરેલા અન્યાયની હાય તેમને લાગી હતી. તેમની મનોવ્યથાને વાચા આપતું ગીત રેડિયો પર વાગી રહ્યું,”કરેલા કર્મો મુજને નડે છે, હૈયું હીબકાં ભરીને રડે છે.”

– આરતી આંત્રોલીયા

૨. સુચિરા – અનસુયા દેસાઈ

પતિ સાથે રહેવાની આશમાં નવી પરણેલી સુચિરા દિવસો ગણતી. પણ વિદેશથી બે વર્ષ બાદ પતિ મહોદય આવ્યા.
લંચ પછી તે બેડરૂમમાં પોતાની અલમારીમાં રૂપિયાઓનું બંડલ ગણવામાં વ્યસ્ત લાગી રહ્યા હતા.
સુચિરાએ ખુબ ગંભીર સ્વરમાં કહ્યું, “રાજીવ, થોડી જરૂરી વાત કરવી છે.”
“હમણાં નહીં ,હું ખુબ બીઝી છું.”
“ના, હમણાં જ કરવી છે.”
“કેમ તું આટલું ડીસ્ટર્બ કરે છે ? એકવાર કહ્યું સમજાતું નથી ?”
“રાજીવ, હું જઈ રહી છું.”
બંડલ પરથી નજર હટાવ્યા વગર પતિ મહોદયે પૂછ્યું. “ક્યાં?” “પંકજ સાથે,હંમેશને માટે.”
વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું. એમને અચાનક સાંભર્યું કે આ …પંકજ જે મારી કંપનીનો ડીસ્પેચ ક્લાર્ક !
“સુચિરા ! કંપનીના એડ્રેસ પર મોકલેલ ગિફ્ટ આપવા ઘરે આવતો હતો એ પંકજ ?”
“હા એજ “
“શું બકવાસ કરે છે? કેમ,શું પરેશાની છે તને? બધું જ તો છે આ ઘરમાં, કેટલાય પૈસા આપું છું તને.”
“પૈસાથી જો ખુશીની ખરીદી થતી હોય તો હું પણ ખુશ જ હોત.” “ધોખેબાજને હું છોડીશ નહીં.”
“તમારી પાસે કોઈને પકડવા-છોડવાનો સમય જ છે ક્યાં?”
સુચિરાએ વ્યંગમાં કહ્યું, “જેની પાસે પત્નીના મનને સમજવાની ભાવના જ ના હોય, તેઓ બીજાને શું દોષ આપશે ?”

– અનસુયા દેસાઈ

૩. નિર્ણય – ધવલ સોની

ડ્રોઈંગરૂમમાંથી આવતો જોરજોરથી હસવાનો અવાજ સાંભળીને કોઈ ન કહી શકે કે શારદાના મૃત્યુને હજી ૧૫ દિવસ જ થયા હશે. મનોજની આંખોમાં ધુમ્મસની જેમ ભૂતકાળ અલપઝલપ આવ-જા કરી રહ્યો હતો. ઘરડી થઈ ગયેલી આંખોમાં પ્રસંગ હજી કાલે જ બન્યો હોય એમ જવાન હતો. ડ્રોઈંગરૂમમાંથી આવતો અવાજ મનમાં આવી રહેલી શારદાની યાદ પાછળ દબાઈ જતો હતો. આજ સવારથી શારદા યાદ આવી રહી હતી. ટેબલના ખાનામાં કઈંક શોધતી વખતે ચહેરા પર ક્ષણિક ખુશી આવીને ઓઝપાઈ ગઈ. ખાનામાં શારદાની તસ્વીર જોઈને ચહેરા પર હાસ્ય આવ્યું પણ તસ્વીર નીચેથી નીકળેલી ઉંદરો મારવાની દવાનું પેકેટ હાથમાં આવ્યું કે વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આજ દિન સુધી કેમ એ પેકેટ તેમણે સાચવી રાખ્યું છે. આ જ પેકેટમાંથી તો શારદાએ દીકરાના ત્રાસથી કંટાળીને.. એક નિઃસાસો નીકળી આવ્યો. પોતે હજી પણ દીકરાના ત્રાસને જીરવી રહ્યા છે અને શારદાએ એક જ ઝાટકે.. સાંજ રાતનો ક્લેવર બદલીને તેમને ઘેરી વળી. આજે પોતાની જાત પર આટલી બધી નફરત? ભૂતકાળના પ્રસંગો એક પછી એક યાદ આવવા લાગ્યા. અચાનક તેમણે મનોમન કઈંક વિચાર્યું અને પેકેટમાં વધેલી ગોળીઓનો ભુક્કો કરીને ચાના ડબ્બામાં નાખી દીધો. એકપળ તેમણે ડ્રોઈંગરૂમમાં બેઠેલા દીકરા અને પુત્રવધૂ તરફ ભીની નજર કરી ને પછી કોરા સપાટ ચહેરા સાથે નિંદ્રાદેવીને શરણે થઈ ગયા.

– ધવલ સોની

૪. મોરલો – દિવ્યેશ વિ. સોડવડીયા

પોતાની આવડત જ તેને તકલીફ અપાવશે તેવું મહેનતુ શિલ્પીએ સ્વપ્નેય નહોતું વિચાર્યું. કચ્છના ગામમાંથી પરણીને મુંબઈ આવી ત્યારથી જ ભાગતું શહેર અને ઘરમાં નવરાપણું કૂતરાની જેમ કરડવા દોડતું. પરંતુ આજે સવારથી કામમાં વ્યસ્ત હોવાથી તે ખુશ હતી.
પતિની કંપનીમાં બનતા પોસ્ટરોને ખરીદનાર વેપારીએ દીવાનખંડમાં બેસીને કહ્યું, “સંદિપભાઈ, તમે મોકલેલા સો પોસ્ટરોમાંથી માત્ર સાતેક પોસ્ટર પસંદગી પામ્યા છે. આવા જ પોસ્ટરો બનાવશો તો એક દિવસ તમારી કંપનીને તાળું….”
ત્યાં જ સાત વર્ષનો પ્રિન્સ સ્ટોરરૂમમાંથી રમકડાની સાથે રેસા-મોતીથી ભરતગૂંથેલ મોરલાનું પોસ્ટર લઈને દીવાનખંડમાં આવ્યો.
“અરે..વાહ…શું પોસ્ટર છે! આવું અદ્ભુત પોસ્ટર કોણે બનાવ્યું?”પોસ્ટર જોતા જ વેપારીએ પૂછ્યું.
“મમ્મીએ.”
વાત સાંભળતા શિલ્પી દોડતી આવી. વર્ષોથી તે રાહ જોતી હતી કે કોઈ તેને તેનાં હુન્નર વિષે પૂછે. વેપારીએ તો કંઈ પૂછ્યા વગર જ પાંચ લાખનો ચેક અને મોરલાનું પોસ્ટર શિલ્પીનાં હાથમાં મૂક્યું, “આવા મોરલા બનાવી આપશો?”
વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ એ જ પોસ્ટર છે જેને સાસરે આવીને દીવાનખંડની દીવાલે ટાંગ્યું ત્યારે સંદિપે તેને સ્ટોરરૂમમાં ફેંકીને થપ્પડ મારતા કહેલું, “મુંબઈમાં આવા જૂનવાણી પેંતરા ન કરતી. આજ પછી આ પોસ્ટરને બહાર કાઢ્યું તો એક ધોલ ભેગી કચ્છ જતી રહીશ.”
એકાદ ક્ષણબાદ શિલ્પી જમીન પરથી ચેક અને મોરલો ઉઠાવીને ટહુકી, “મોરલા લેવા કચ્છ આવશો?”

– દિવ્યેશ વિ. સોડવડીયા

૫. ટોર્ચર – ધર્મેશ ગાંધી

“સા..લ્લા.. જેહાદી, આતંક ફેલાવવાં તને બાળકોની શાળા જ મળી..?”
ત્રાસવાદના ગુનામાં સપડાયેલાં આતીફની હથેળી પર એક તીક્ષ્ણ બ્લેડથી લાંબો ચીરો પાડી, થર્ડ ડિગ્રી એક્સપર્ટ ઓફિસરે મીઠું ભભરાવ્યું.
લોહીની ધાર વહી, આંખો ખેંચાઈ, પાણી છૂટ્યું, ને એક કારમી ચીસ.. પણ આતંકીઓનાં બૉમ્બબ્લાસ્ટનો હાહાકાર ખમી ચૂકેલા ઓફિસરનું રૂંવાડુંયે ન ફરક્યું.
“કબૂલ કર હરામી, કે તું જેહાદ-એ-જન્નતનો ત્રાસવાદી છે..” કહેતાં ઓફિસરે આતીફના ગુપ્તાંગો પર મધ ફેલાવી લાલ મંકોડાઓનો ખડકલો કર્યો. હાથની આંગળીઓનાં નખમાં ટાંકણીઓ ઘોંચી. લોખંડની કડીઓ ભેરવી શરીર પરની ચામડીના ચીંથરાં ઉડાડયાં, ને સંપૂર્ણ નગ્ન શરીર લોહીલુહાણ..
ઊંઘથી આંખ મીંચાય નહિ જાય એ માટે, બંને આંખની પાંપણોને જે-પીનથી કાણું પાડી ભ્રમરો સાથે ખેંચીને ખોંસી. પગના નખોને પક્કડથી ખેંચી કાઢયાં.. ને આંખમાં જલદ બામ આંજી દીધો..
આખરે આતીફની સહનશક્તિ તૂટી..
*
“સર, આખરે આતીફ પાસે મેં કબૂલાવી જ લીધું.. કે એ ત્રાસવાદી જ છે.” દિલ્હીથી ખાસ બેઠક પતાવીને આવેલાં કમિશનર મી. રહેમાન કુરેશીની ઑફિસમાં પ્રવેશતાં થર્ડ ડિગ્રી એક્સપર્ટ ઓફિસર ગૌરવભેર બોલ્યાં, “..તો સર, આપણું પ્રમોશન પાક્કું ને.?”
કમિશનરે આતીફનું કબૂલાતનામુ વાંચ્યું, હસ્તાક્ષર જોયાં.. ‘આતીફ રહેમાન કુરેશી’, ને..
વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ…
આ તો… એ જ, જેણે તેર વર્ષ પહેલાં, બધાંની મરજી વિરુદ્ધ ઘર ત્યજ્યું હતું.. ઇન્ડિયન આર્મીમાં ભરતી થવા માટે..!

– ધર્મેશ ગાંધી

૬. મિત્રતા સંબંધ – હાર્દિક પંડયા

સંજયભાઈ મિત્રનાં ઘરે તેને મળવા આવ્યા હતા. પરંતુ મિત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નોકરે એમને મિત્રનાં રૂમમાં બેસાડ્યા જ્યાં એમને એક ચીંથરેહાલ થયેલ કાગળ મળ્યો. કાગળ ખોલીને જોયો. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ કાગળ તેમના મિત્ર મિત્રએ આપઘાતનો પ્રયત્ન કરતાં પહેલાં લખ્યો હતો. આટલું સાંભરતાં જ પગમાં ધ્રુજારી છુટી ગઇ. સંજયભાઈને મિત્ર સાથે થયેલા છેલ્લા રિસામણા યાદ આવી ગયા. કોણ જાણે કઈ એવી ઘડી હતી કે મેં એની વાતનું ખોટું લગાડ્યુ ને એનો આટલો મોટો આઘાત એને લાગ્યો કે એણે જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો.‘અરે મિત્ર એકવાર વાત તો કરવી હતી. આવું પગલું ભરતા પહેલાં તે એક ક્ષણ પણ વિચાર્યું નહિ..’આટલાં બધાં વિચારોનાં વંટોળને સંજયભાઈ સંભાળી ન શક્યા અને જમીન પર ઢળી પડ્યાં.
થોડી વાર તો એમનાં પગમાં જાણે કે લકવો મારી ગયો. તે ઊભા જ ન થઇ શક્યા. જમીન પર જ બેસી રહ્યા. થોડીવાર પછી સ્વસ્થ થઇ ઊભા થયા. દોડતા હોસ્પિટલમાં ગયા જ્યાં મિત્રને દાખલ કરાયો હતો.
નારાજ મિત્રને નજર સમક્ષ જોઇ મિત્રની આંખો જાણે ચમકી ઊઠી. મિત્ર ખુશખુશાલ થઇ ગયો. તેની અંદરની અશક્તિ ઊર્જામાં ફેરવાઇ ગઇ અને ફટ દઇને પલંગ પરથી ઊભો થઇ મિત્ર સંજયભાઈને ભેટી ગયો.
બારીમાંથી આ દ્રશ્ય જોઈ રહેલા વર્ષો જૂના નોકરે એક કાગળ પોતાના ખિસ્સામાં સેરવ્યો અને આંખો લૂછી…

– હાર્દિક પંડયા

૭. શંકા – જાહ્નવી અંતાણી

“મમ્મી હું જાઉં છું.”
“ક્યારે આવીશ? રોજ કોલેજથી આવીને ક્યાં જવાનું હોય છે તારે! મને સમજાતું નથી.”
“હું રાતે તો ઘરે આવી જ જાઉં છું ને!”
“પાડ તારો.”
રોજ મયંક કોલેજથી ચાર વાગે આવી જાય અને સાડાચારે ઘરની બહાર. મા સુહાનીબહેન સાથે દીકરાનો રોજનો સંવાદ આજે પણ થયો.
મા વિચારતી રહી, આ ક્યાં જતો હશે? શું કરતો હશે! છોકરાઓ મોટા થાય તો સાલું કંઈ પૂછવાનું જ નહિ. હશે, જમાનો એવો એટલે ચિંતા રહે કે ક્યાંય ખરાબ સોબતમાં ન ફસાઈ જાય. ભણવામાં કઈ કહેવાપણું નથી એટલે ચાલે, એના પપ્પા હોત તો મારે ક્યાં કશી ફિકર હોત.
એના કપડાં આમતેમ પડ્યા હતા શર્ટને ઝાટકતા એમાંથી એક બિલ નીકળ્યું, ખોલીને જોતાં જ, મનમાં શંકાનો કીડો સળવળ્યો.
સિગારેટ, કોલ્ડ ડ્રીંક તીખા નમકીન, આટલા બધા બોક્ષ!
રાતે રોજના ટાઈમે આવીને મયંક જમીને સુઈ ગયો.
સવારે મમ્મીને કહ્યું, ”મા હેપી બર્થ ડે’ અને હાથમાં નાજુક સોનાની બુટ્ટીનું બોક્ષ મૂકી દીધું.
મા એની સામે જોઈ રહી.
એના હાથમાં ગઈકાલે મળેલું બિલ હતું, વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ બુટ્ટી માટે..
“મા, કંઈ ખોટું કામ નથી કર્યું, મહેનતની કમાઈ છે આ હું સાંજે સાડાચાર પછી મોલમાં….”

– જાહ્નવી અંતાણી

૮.

“સરમણ, લે ઘોળ કસુંબો અને દે જુબાન, તું જેરૂભાનાં ઇ કપાતર દુશ્મનને વાઢી નાખીશ અને બદલામાં જેરૂભા તારા ગીરો મુકેલ ખેતર અને ઢોર પાછા દેસે.” મનીયા હજામે જેરૂભાનાં ખેતરે બેઠા સોગઠી નાખી.
વર્ષોની દોસ્તીનું મરણ, ચારિત્ર્યનાં આરોપ અને જીવનનાં કડવાં અનુભવોએ એક ઈમાનદાર અને વફાદાર માણસને ગામનો ગુંડો બનાવી દીધો છે.
કસુંબો ઘોળતા બોલ્યો. “બાપુ, કોણ છે ઇ પાણીયારીનો..?”
“દેવાયત.” બાપુ મૂછો મરોડતા બોલ્યા.
વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભયુઁ કે આ…
ઘડીક વિચારી બોલ્યો, “જૂબાન રઇ, લાવો બીજો કસુંબો, ઓલો હેઠો થયો” અને કસુંબો ઘોડી એ ચોરા ભણી હાલ્યો.
પરોઢે ચોરે વાત આવી જેરૂભા અને મનીયા હજામને અફીણે ખાધાં.
ઓટલે બેઠો સરમણ વરસો પહેલા ગામમાં આવેલી દેવાયત સાથે જોયેલી ફિલમનું ગીત ગણગણતો હતો. “તેરી જીત મેરી જીત, મેરી હાર તેરી હાર”

– જીગ્નેશ કાનાબાર

૯. કમાણી – ઇસ્માઇલ પઠાણ

બેય જણાંએ ધીમેથી કબ્રસ્તાનમાં પ્રવેશ કર્યો. અંધારું ચારેબાજુથી બીકનું આવરણ ઊભું કરી રહ્યું હતું. સાવચેતીપૂર્વક બેય જણાં આગળ વધ્યાં. થોડીવાર પહેલા જ વરસાદ પડ્યો હતો. ચિત્રવિચિત્ર અવાજો વચ્ચે ખૂબ સંભાળીને ચાલવું પડે તેમ હતું. એક તાજી કબર પાસે આવી બન્ને ઊભા રહી ગયા. બેય જણાંએ હાથમાંના સાધનો સંભાળ્યાં.
“શરૂ કર…” અ બોલ્યો.
“ના આજે તું શરૂઆત કર…” બએ કહ્યું.
અ એ ખોદવાનું શરૂ કર્યું. એ ઝડપભેર ખોદે જતો હતો. તેના શરીર પરનો પરસેવો કબરની માટીમાં ભળતો જતો હતો.
“અલ્યા અ, આપણી આ કમાણી પરસેવાની ના કહેવાય ?” બ એ પૂછ્યું.
“કેમ નહીં ? ચલ અંદર આવ અને માટી કાઢ.” અ એ હાંફતાં હાંફતાં કહ્યું.
બંને જણાએ થોડીવારમાં શબપેટી બહાર કાઢી. હવે બંને શબ બહાર કાઢતા હતાં.અચાનક વીજળીનો ચમકારો થયો અને શબનો ચહેરો એ ચમકારામાં બન્નેની આંખો સામે ચમકી ઊઠ્યો.વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું ! એમને અચાનક સાંભર્યું કે આ કબર તો શહેરના એક પ્રતિષ્ઠિત વ્યક્તિની હતી.જેણે આખી જિંદગી પ્રતિષ્ઠા અને અમીરીની આડમાં ઘણાં કાળા કામ કર્યા હતા. શહેરમાં બનતી કાળી ટીલી જેવી ઘટનાઓનો માલિક હતો એ પ્રતિષ્ઠિત. ફરી વીજળીનો ચમકારો થયો અને બન્ને જણાએ એકબીજાની સામે જોયું. પળવારમાં નિર્ણય લેવાઈ ગયો. એમણે શબને જલદી જલદી પાછું શબપેટીમાં પધરાવ્યું અને બીજી કબરની શોધમાં આગળ વધ્યા.

-ઈસ્માઈલ પઠાણ

૧૦. અબ પછતાયે હોત ક્યા – ગોપાલ ખેતાણી

દરિયાના મોજાનો ઘુઘવાટ બારી વાટે અંદર આવતો હતો પણ હંમેશની માફક લિઝા બેડ પર ગોઠણને હડપચી સુધી લાવી પગને બથ ભરીને બેસી રહી.
આંખો જાણે સદીઓ જોઇ થાકી ચુકી હોય એવુ લાગતું હતું પણ હજી આંખોનો ચમકારો કોઇક ચહેરાને જોવા તરસતો હોય એવુ જણાઇ આવતુ હતું.
રૂટિન રાઉન્ડ લેતા નર્સ મેરી આવી અને લિઝાને દવાના પાઉડરનુ પડીકું પકડાવ્યું કે વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દિધું ! એમને અચાનક સાંભર્યું કે આ તો… અને લિઝા હિબકે ચડી.. મેરીએ તેને આલિંગનમાં લઈ સાંત્વના આપી.
“મેરી, જો પિટરે દગો ના દીધો હોત તો રેસ્ટોરન્ટ મારે શરૂ ના કરવું પડ્યુ હોત અને ના હું આફ્રિકન સપ્લાયર્સના સંપર્કમા આવી હોત. ના તો હું બંધાણી બની હોત અને ના તે દિવસે ડ્ર્ગ્સના મળતા બહાવરી બની સાયોનાનુ પીગી-બેન્ક તોડવા તેની સાથે ખેંચતાણ…” કહેતા કહેતા લિઝા રડી પડી.

– ગોપાલ ખેતાણી

૧૧. થાપણ – જાગૃતિ પારડીવાલા

કુરિયરવાળાએ એક કવર સાક્ષીને આપ્યું,
“અમને વળી કોણે..?” “રઘુ” કવર પર નામ વાંચ્યું, સાક્ષીએ કવર પોતાના પતિ સુરેશને આપ્યું અને પેપર પર સહી કરીને સુરેશ તરફ ફરી, અચરજ સાથે જોયું તો કવર વાંચતા જ જાણે વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું. એમને અચાનક સાંભર્યુ કે આ તો રઘુ જેમની દીકરીને પોતાની ગણીને ઉછેરી રહ્યાં છીએ.
“સાક્ષી, વગર લગ્ને દીકરીને વળાવવાનો વખત આવી ગયો.” ને સુરેશ સોફા પર ફસડાઇ પડ્યો. સાક્ષી અને સુરેશને અઢાર વર્ષ પહેલાંની વાત યાદ આવી ગઇ.
રઘુ બાપ બની શકે તેમ નહોતો પણ મર્દાનગી દેખાડવા પોતાની પત્નીને બીજા સાથે સુવડાવતાં અચકાયો પણ નહીં અને છોકરી થયા બાદ પત્નીને મારતાં પણ અચકાયો નહીં. રઘુને આજીવન કારાવાસની સજા થઈ, જેલ જતા પહેલા પોતાના જીગરી દોસ્ત સુરેશને પોતાની દીકરી સોંપતા કહ્યું, “મારી દીકરીને થાપણની જેમ સાચવજો અને જો મને સજામાંથી મુકત કરવામાં આવશે તો હું એને લેવા જરૂરથી આવીશ.”
શરીરનું એક અંગ પોતાનાથી અલગ થવાનો હોય એવો અહેસાસ બંનેને થતો હતો ત્યાં ફરી દરવાજે ઘંટડી વાગી. પણ આ વખતે બન્નેમાંથી કોઇના પગ દરવાજા સુધી ચાલવા તૈયાર નહોતા જાણે પગમાં લકવો મારી ગયો હોય !

– જાગૃતિ પારડીવાલા

૧૨. મા – જલ્પા જૈન

“મા મને તારા વગર નહી સોરવે, હાલને મારા ભેગી .”
રાઘવના શબ્દો યાદ આવતાં જ આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણેયના ભાવ લખમીના મોંઢા ઉપર વરતાણા. આજે એને કેમેય કરીને સખ થાતું નહોતું.
સવારથી એનું ચિત્ત કયાંય ચોટતુ નહોતું.
આમને આમ દિવસ આથમી ગયો ને દેવા આતા ઘરે આવ્યાં
“લખમી, ઓ લખમી..”
ફાનસના આછા અજવાસે એમની નજર વાડામાં પડતાં તે એકદમ ચોંકી જ ગ્યા.
ખાલી ગમાણની ઓલી કોરે લખમી ગ્લાસમાંથી દુધની ધાર પોતાની છાતીએ રેડતી જાય, અને છાતીયે વળગેલુ મા વિનાનું ગલુડીયુ બચ, બચ.
વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું ! એમને અચાનક સાંભર્યું કે આ… આજે તો રાઘવનો…

– જલ્પા જૈન

૧૩. લાડકી – નિમિષ વોરા

‘બાજુવાળા જમનાકાકીને પપ્પાથી બહુ પ્રોબ્લેમ છે, કહે તારા પપ્પા ખરાબ છે, તારી મમ્મી તેને લીધે મરી..
એ જુઠ્ઠું બોલે છે, પપ્પા બહુ કામ કરે છે મને સ્કૂલે મોકલે છે, હા.. દરરોજ રાતે આવે ત્યારે તેમનું ચાલવાનું વિચિત્ર થઈ જાય છે અને કૈંકને કૈંક ઊંઘમાં બોલે રાખે છે તેથી મને નજીક જવામાં ડર લાગે પણ સવારે મને ખૂબ લાડ લડાવે, દર જન્મદિવસે નવું ફ્રોક લઇ આલે.
અરે,કાલે મારો જન્મદિવસ. હું તેર વર્ષની થઈ જઈશ.’ આવું બધું પોતાની નોટમાં ઉતારી રહેલી રેશ્માની આંખ મીંચાઈ ગઇ.
બીજી રાત્રે એજ સમયે ડાયરી ખોલી પણ આજે આંખોમાં આંસુ હતાં. ‘કાલે રાતે પપ્પા બહુ મોડા આવ્યા, તેઓ ઉલ્ટી કરે જતા હતાં. સાહેબે કાલે જ શીખવ્યું હતું કે દારૂ પીવાથી લીવર ખરાબ થાય.. મેં પપ્પાને પાણી આપતાં એટલું જ કહ્યું “પપ્પા, તમને હું લાડકી કે પોટલી? કાલે તમે દારૂ છોડી દો એ ભેટ જોઈએ છીએ..”
અચાનક તેઓ તાડૂક્યા,”મમ્મી પર ગઇ છો.” એમ બોલી હાથમાં આવેલુ દાંતરડુ મારા પર ઉગામવા હાથમાં લીધું. અચાનક વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું ! એમને અચાનક સાંભર્યું કે આ મમ્મી પર ઉગામ્યો હતો એ જ દાંતરડુ છે. જમનાકાકીએ મને કહ્યું હતું.’
બારણે ટકોરા પડયાં..
“લે, લાડકી આજથી પોટલી બંધ..” નવો ડ્રેસ આપતાં ભીખુ આંસુ સાથે બોલી રહ્યો.

– નિમિષ વોરા

૧૪. નિદોર્ષ – કેતન પ્રજાપતિ ‘મેજર’

“ઓફિસર, ચાલો મને આતિફના રૂમ તરફ લઈ ચાલો. ને એનુ કબુલાતનામુ મને આપો.”
રહેમાન કુરેશી રૂમની બારીમાંથી નજર નાખે છે. આ એ જ આતિફ છે જે તેર વર્ષ પહેલા કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે એક યુવા ગ્રુપ ચલાવતો હતો. એ જેહાદી ના હોઇ શકે.
કુરેશી રૂમમાં પ્રવેશી આતિફને પૂછ્યું, “એવુ શું થયુ કે આતિફ તારે જેહાદી બનવુ પડ્યું?” આતિફે પહેલી વાર જર ઊંચી કરી કહ્યું, “ના, હું જેહાદી નથી મને ફસાવવામાં આવ્યો છે. અમારા ગામના જેહાદી યુવકોએ મને ફસાવ્યો છે.”
કુરેશીની સામે આખી ઘટનાનુ વર્ણન કરે છે. “તમારા ઓફીસરે મારી પાસે જબરજસ્તીથી કબુલાતનામા સહી કરાવી છે.” આમ બોલી હાથમાં રહેલા પત્ર તરફ એણે નજર કરી.
કુરેશીને આ સાંભળીને વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ ઓફિસરે શું કર્યુ ? એક નિર્દોષને જેહાદી બનાવી દીધો !

– કેતન પ્રજાપતિ ‘મેજર’

૧૫. એવોર્ડ વિજેતા – મણિલાલ જે.વણકર

“રમેશભાઇ, ઘેર છો ને ?”
“હા કોણ છે? આવો.”
બિપિનભાઈ ટપાલી ઘરની અંદર આવ્યો, તેણે એક કવર આપ્યું અને રજિસ્ટરમાં સહી લીધી.
ટપાલીના ગયા પછી તેમણે કવર ખોલ્યું. તે કવર રાષ્ટ્રપતિ ભવન તરફથી હતું. તેમણે વાંચવાનું શરૂ કર્યુ. વાંચતાં-વાંચતાં વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યુ કે આ..
તેમની આંખો વરસી પડી. તેમણે ફરીથી તે કવરમાનું દરેક વાક્ય વાંચ્યું અને સ્વગત બોલ્યા ; “આખરે સત્યની જ જીત થઈ.”
આખરે તેમણે મન મક્કમ કરીને તે કાર્યક્રમમાં જવાનું નક્કી કર્યું.
બરાબર અગિયારમી તારીખે તેઓ દિલ્લી પહોઁચ્યા. રાષ્ટ્રપતિ ભવનમાં કાર્યક્રમ હતો. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન વિજ્ઞાનક્ષેત્રે કરેલી શોધો અને તેમાંય મંગળયાન પ્રોજેક્ટની કામગીરીમાં તેમની ખાસ થિયરી માટે તેમને ‘ભારતરત્ન’ એવોર્ડ એનાયત થવાનો હતો.
થોડીવારમાં તેમના નામની જાહેરાત થઈ. તેઓ ઊભા થઇને સ્ટેજ પર ગયા અને એવોર્ડ લેવાની સવિનય ના પાડી.
જયારે રાષ્ટ્રપતિએ આમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેઓ રડી પડ્યા.
આખરે સ્વસ્થ થઇને તેઓ બોલ્યા, “આ પ્રોજેક્ટની ખાસ થિયરી ખરેખર મારી નથી, પણ વર્ષો પહેલાંના મારા સહકર્મચારી સતપાલસિંઘની છે. તેમની ડાયરી ખોવાઇ ગઇ અને પછી તેમની બદલી થઈ ગઇ. અચાનક એક દિવસ તે મને ઑફિસની લાયબ્રેરીમાંથી મળી. મે તેમનો સંપર્ક કરવા ધાર્યું પણ ત્યારે તેમનો સ્વર્ગવાસ થઈ ગયો હતો.”
“પણ મેં તેમની થિયરીનો સદ્ઉપયોગ કર્યો છે !”

– મણિલાલ જે.વણકર

૧૬. શેઠ મનસુખલાલ – મુકેશ સોજિત્રા

“હેલ્લો!! ઇન્સ્પેકટર મકવાણા!! બોપલ અને સાણંદ વચ્ચેની હોટલ ‘મેઘદૂત’ પર રેઇડ કરો, ત્યાં કઈંક પાર્ટી જેવું ચાલે છે, અને કશું ગેરકાયદેસર હોય તો કોઈ છટકવા ના જોઈએ ઇટ્સ માય ઓર્ડર..” એસપી ક્રાઇમ સેજલનો ફોન હતો. મકવાણાએ રેડ પાડી. હોટલનાં રૂમ નં.304માંથી શેઠ મનસુખલાલ સહીત 12 લોકો બે દલાલ અને અને ત્રણ એસ્કોર્ટ ગર્લ સહીત કુલ 17 લોકોને દબોચી લીધાં. સ્થળ પરથી શરાબ અને બિયરની બોટલો પણ ભેગી કરી. પ્રમૉશનની લાલચમાં તરતજ એસપીને જાણ કરીકે કુલ 17 લોકો પકડાયા છે. એએસપી ગમારા ઘટના સ્થળે પહોંચ્યા. મનસુખલાલે પોતાનું સ્ટેટ્સ બતાવ્યું. લાખોની ઓફર કરી. ગમારાએ તોડ આદર્યો. મકવાણાએ કીધું કે, “મેં એસપીને 17 લોકો પકડાયા એમ કીધું એનું શું?” ગમારાએ કીધું કે, “એમાં ક્યાં તૂટીને મોટો ભડાકો થઈ ગયો. બાજુનાં રુમમાંથી કોઈને પકડીને બિયર પાઈ દયો અને લખી નાંખો એફઆઇઆર..”
શેઠ મનસુખલાલ ઘરે પહોંચ્યા. ફોન સ્વીચ ઓફ કર્યો. આજ એની આબરૂ બચી ગઇ. સવારે ઊઠીને છાપું લીધું. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! અચાનક એને સાંભર્યું કે એએસપી ગમારા શું બોલ્યો હતો.
સમાચાર હતાં, ‘બોપલ પાસેની હોટેલ મેઘદૂતમાંપોલીસ રેઇડ 17 પકડાયા.’ સમાચારની વચ્ચે બૉક્ષમાં લખ્યું હતું. શેઠ મનસુખલાલનો છોકરો મયંક બિયર પીધેલી હાલતમાં બાજુનાં રૂમમાંથી પકડાયો.

– મુકેશ સોજિત્રા

૧૭. એવોર્ડ – મીનાક્ષી વખારિયા

આજે નીરા બહાર ગઈ ત્યારે આશુતોષને તેનું લેપટોપ ચેક કરવાનો ચાન્સ મળ્યો. કેટલાય દિવસથી કંઈક ટાઈપ કર્યા કરે છે, લેપટોપ મૂકે તો વોટ્સએપમાં પરોવાયેલી હોય. “પૂછું શું કરે છે ?” ત્યારે એમ જ કહી દે કે ‘તમારે કામનું નથી.’
‘જોઉં તો ખરો, કયા સગલા સાથે ચેટિંગ કર્યા કરે છે.’
આમ તો નીરા ફરિયાદ કરવાનું એકેય કારણ રહેવા દેતી નહીં. બાળકો મોટાં થઈ ગયા, આશુતોષ બિઝનેસમાં બીઝી… નીરાએ સમય પસાર કરવા નવી પ્રવૃતિ શોધી લીધી. હવે તે બીઝી રહેતી.
સામટી બે ત્રણ જાહેર રજાઓ આવી જતાં ઘરમાં જ રહેતા આશુતોષ અકળાઈ રહ્યો હતો. નીરા પોતાના કામમાં એટલી ઓતપ્રોત રહેતી કે, આશુતોષ કોઈ પ્રોગ્રામ બનાવતા પણ અચકાતો. નીરા સમય જ બગાડી રહી છે એવું વિચારતાં, આશુતોષ કોમ્પ્યુટર ચાલુ કરીને બેઠો… એમણે જોયું કે નીરાએ ગુજરાતી ભાષામાં લખેલું, અંગ્રેજી મીડિયમમાં ભણેલા આશુતોષ માટે કાળા અક્ષર…! ફેસબુક ખોલી નીરાનો એકાઉન્ટ ખોલવા પ્રયત્ન કર્યો પણ પાસવર્ડ ન હોવાથી એમાં નિષ્ફળતા મળી.
એવામાં ડોરબેલ વાગતા દરવાજો ખોલ્યો. નીરાના નામે રજીસ્ટર પોસ્ટ આવેલી. પોસ્ટ લઈ, સહી કરી દરવાજો બંધ કર્યો. કવર ખોલીને વાંચતાં વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું ! એમને અચાનક સાંભર્યું કે આ તો …નીરા એક નવલકથા લખવાની વાત કરતી હતી તે ! તેમાં લિમ્કા બુકનો એવોર્ડ મળ્યો તેની પોસ્ટ..એ અમસ્તો જ શંકા..

– મીનાક્ષી વખારિયા

૧૮. સરપ્રાઇઝ – લીના વછરાજાની

ઘરમાં કોઇ નહોતું અને કુરીયરમાં પલક જે એન.જી.ઓ. તરફથી સ્લમ એરીઆના બાળકોને સંગીત ભણાવવા જતી એ સંસ્થામાંથી એને સન્માન સર્ટીફિકેટ આવ્યું. સાસુમાએ સહી કરીને કવર લઇ તો લીધું,
પણ વાંચીને વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ આટલું માન પલકને ?
એ જ પલક કે જેનો માત્ર રંગ ગોરો નથી એટલે પુત્રવધૂ તરીકે પસંદ નથી એવાં જ અપમાન પોતે એના પાલવમાં સેરવતાં રહ્યા.
અગણિત વાર પલકની લખેલી કવિતા તે હોંશથી વંચાવવા આવતી ત્યારે પોતે ઝાટકો મારીને કહ્યું હતું, “રાખ તારી કવિતા તારી પાસે. આ બધા વેવલાવેડા મને નહી બતાવવાના, કાળી ડિબાંગ છો. જે કાળા હોય એનું જીવન કાળું જ રહે…”
પોતે રૂપ રૂપના અંબાર, પ્રિન્સિપાલની જગ્યા શોભાવતાં એટલે સુપિરિયારીટી કોમ્પ્લેક્ષથી પીડાતાં. દીકરો દેખાવ જોયા વગર ગુણના પ્રેમમાં પડ્યો. જીદ આગળ નમતું તો જોખ્યું પણ મનનો વળ ન ગયો.
ક્યારેય પોતે કૌવત પારખ્યું નહી, જેની મબલખ આવડતની ક્યારેય કદર કરી નહી, સમાજમાંથી પલકના વખાણ સાસુમાને કાને આવે પણ અહંકારનો પડદો એ સ્વીકારે નહીં.
આજે સર્ટીફિકેટ અને જાહેરમાં સન્માન સમારોહનુ આમંત્રણ વાંચીને પ્રથમ વખત પસ્તાવો થયો.
પલક આવે ત્યાં સરપ્રાઇઝ પાર્ટીની તૈયારી થઇ ચૂકી હતી.

– લીના વછરાજાની

૧૯. ટીપા – કલ્પેશ જયસ્વાલ

ઈન્સ્પેક્ટર સુખદેવ રાણા, ઈમાનદારીની મિસાલ અને ગુનેગારોનો યમરાજ પણ આજે? લાચાર, નિઃસહાય. આકાશ-પાતાળ એક કર્યું પણ, પરિણામ? અપહરણ થયેલી પુત્રી પંદર દિવસ પછી પણ લાપતા. થાકી હારીને એ રાત્રીએ પોતાના સરકારી મકાનમાં પાછા ફર્યા. ઈન્સ્પેક્ટરની પુત્રી અને અપહરણ? અહં છંછેડાયો, મન ખિન્ન થયું. ગદગદિત થતા પાંચ વર્ષની પુત્રીને સલામત ન રાખી શકવાના અપરાધભાવથી પીડાઈને એમણે સુખડનો હાર પહેરેલ પત્ની સામે હાથ જોડ્યા.
દરવાજો ખખડ્યો. દરવાજે કોઈ નહિ પણ જમીન પર એક કાગળ અને કવર. એમણે કવર ઉઠાવ્યું અને કાગળ વાંચ્યો, ‘તમારી પુત્રીનો અપહરણ કેસ દબાવી દો અને કવરમાં એનું ઈનામ.’ એટલામાં તો જીપ પાછળ સંતાયેલો બુકાનીધારી નિર્ભય થઈને રાણાની લગોલગ આવ્યો અને બુકાની દૂર કરી. રાણામાં ક્રોધની જ્વાળાઓ ભભૂકતા, વીજળીનો આંચકો લાગ્યો હોય એમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ એજ બાપ જેની પુત્રી પર બળાત્કાર થયેલો. ક્રોધની જ્વાળાઓ પર જાણે કે હિમવર્ષા થઈ!
ને ફરી પાછું એમને સાંભર્યું એ ધર્મસંકટ, એ રાત્રી કે જયારે અકસ્માત થવાથી મૃત્યુ તરફ ધકેલાતી પત્નીના ઈલાજ માટે એ બળાત્કારીઓ પાસેથી કરેલો તોડ. એટલામાં અવાજ આવ્યો, “પપ્પા!”
એક બાપની આંખમાં પુત્રીના અંતિમસંસ્કાર કર્યાના ટીપા ને બીજા બાપની આંખમાં હરખને બદલે ધર્મસંકટે ખરડેલી અસહ્ય આત્મ-ગ્લાનિનાં જે ઈમાનદારીની સફેદીમાં અકથ્ય હતી.
બીજે દિવસે રાણાએ ફરીથી એ બળાત્કારીઓની ફાઈલ ખોલી, પ્રાયશ્ચિત રૂપે.

– કલ્પેશ જયસ્વાલ

૨૦. બાલ્કની – કેતન દેસાઈ

“હાશ, બાર દિવસ પત્યા.” એમ વિચારી સુવાની તૈયારી કરતા જતાં કિશનની નજર બાલ્કનીમાં ઉભેલી સ્ત્રી પર પડી. લાલ સાડી, છુટ્ટા ઉડતા વાળ, માથેથી ગાલ પર થઇને હડપચીંથી નીચે ટપકતું લોહી, મીનાનો છેલ્લી વખત જોયો હતો એ જ ચહેરો. કિશનનાં શરીરમાંથી જાણે કંઇકેટલાંય વોલ્ટેજ કરંટ પસાર થયો હોય એમ કંપારી છૂટી અને ઝાટકાં સાથે બે ડગલાં પાછા ખસી ગયા, એમનાં આખા શરીરે પરસેવો વળી ગયો. છતાં ફરી હિંમત કરી ઉભા થઈ બાલ્કનીમાં નજર કરી પણ ત્યાં કોઈ નહોતું. સ્થિર પવન અને નીરવ શાંતિ.
“અમસ્તો જ ખાલી વહેમ હતો.”
અને બેડ પર આવીને આંખો બંધ કરી. બે પળ થઇ હશે ત્યાં “કિશન…, સુઈ ગયાં?” મીનાનો અવાજ સાંભળી આંખ ખોલી તો સામે એજ લોહિયાળ ચહેરો, એનાં હોઠ અને દાંત પર થઇને તાજું લોહી વહેતું હતું. ફરી બીકથી આંખો બંધ કરી લીધી. ક્ષણિક બાદ ખોલી તો એ જ નીરવ શાંતિ. એ ઉભાં થયાં. પાણીની બોટલમાંથી પાણી પીવાં લાગ્યાં. એક ઘૂંટડો માંડ ઉતર્યો હશે ત્યાં નજર એક બ્રેસલેટ પર પડી એમણે એ ઉઠાવ્યું. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ…
“મીના મને માફ કરી દે, હું સુહાની સાથે લગ્ન કરવા માંગતો હતો એટલે તને…”
બીજા દિવસે સવારે પોલીસે ફરી એજ બાલ્કની નીચેથી એક લાશને એમ્બ્યુલસમાં ચડાવી.

– કેતન દેસાઇ

૨૧. અબોટ – કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ સાણસી છે, બંદૂક નહિ.
માંડ શાંત થયેલા એકલવાયા મને ચીસો પાડી. એ બધી જ તાકાત ભેગી કરીને ચૂપ રહી. “નીકળ બા’ર.” એટલું જ કાનમાં પડઘાતું રહ્યું. હાંફતે પગલે દરવાજો બંધ કર્યો.
ગરમ કરીને ઠરવા રાખેલું દૂધ બિલાડીએ બોટ્યું નથી એની ખાત્રી એ ન કરી શકી. ઠરેલા ગેસ પર મૂકેલ તપેલી ફ્રીઝમાં મૂકીને ફરી હીંચકે બેઠી.
મૌનને સાંભળી એ મૂંઝાઈ. સાબિતી ક્યાં હતી એ સમયે પણ એની પાસે જ્યારે એને સૌએ એની જ ચોખ્ખાઇનો આક્ષેપ થોપ્યો હતો. અલબત, કૌમાર્ય રક્ષાની મથામણમાં જીતી કે નહિ; ક્યાં ખાત્રી હતી? એને ફક્ત બેભાન અવસ્થા યાદ હતી.
આક્રોશનો ઉભરો દૂધનાં દાઝવાના સા આવતાં શમ્યો અને બિલાડીના ‘મ્યાંઉ’થી ઝબકી હતી.
એ બિલાડીને મારવા ઉગામીને નીચે ઘા કરેલ દરવાજા પાસે પડેલી સાણસી, બંધ ફ્રીઝ અને દૂધની તપેલી વિનાનાં ગેસને જોતી હીંચકતી રહી.

– કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

૨૨. ઘુંઘરુંની ખનક – મીતલ પટેલ

“અમીન, ધ્યાનથી ઘુંઘરુંમાં શું જુવે છે? નવી આઈટમ લાવ્યો.. આહાહા..પટાખો છે. આપણા ધંધાને ચાર ચાંદ લગાવશે.”
“મુન્નીબાઈ આ ધુંધરું નથી રોજીરોટી છે. એના થકી બધા મોજશોખ છે..”
“સાલા આટલી સુંદર છોકરીઓ પટાવે કેવી રીતે?”
“પ્રેમ કરવાની કળા, છોકરીઓનાં સપનાનો રાજકુમાર બની જવાનું, બસ ન્યોછાવર થવા તૈયાર.”
અમીન ગોરો દેખાવડો મજબૂત બાંધાનો માલિક. કોઈને પણ આકર્ષિત કરવા સક્ષમ, પણ એના હદયની રાણી એક જ શમીના.. બંનેના સુખી સંસારની પ્રતિકૃતિ આરઝુ એમની પરી. શમીના આરઝુને ચાહે..
વરસો વીતતા ગયા.. માસૂમ ચંચળ સુંદર કળીઓ અમીનના પ્રેમપાસમાં બંધાઈ મુન્નીબાઈના કોઠે ચુંથાતી ગઈ.. મુરઝાતી ગઈ..
***************
“અમીન કયાં છે? જલ્દી આવ, આરઝુહજુ ઘરે નથી આવી એની ચીઠ્ઠી..”
અમીન, એના મિત્રો સંબંધીઓ આરઝુને શોધતાં રહ્યાં..
અમીન, શમીના પાગલ જેવા થઈ ગયા..
“મુન્નીબાઈ મદદ કરો, આરઝુ ચાંદનીબાઈના કોઠા પર છે. સાલા, હરામી, નપાવટ અમરે..”
મુન્નીબાઈએ એને ઘુંઘરુંની જોડ થમાવી ..
“ધનસુખની વાડીમાં કોઈ કળી આવે પછી મૃત્યુપર્યંત અહીંના જ ગુલદસ્તા સજાવે.”
વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ..
રોજીરોટીએ એને..
“હા હા હા તારો વખત આવ્યો તો ધ્રુજી ઊઠ્યો, કેટલીય હાયોનો હિસાબ ચુકવવાનો બાકી છે.”
પ્રથમ વખત મુન્નીબાઈ કોઈ માસૂમના ધનસુખની વાડીમાં પ્રવેશ પર ખુશ થઈ..
એના ચુંથાએલા મનને થોડી શાતા મળી. એને પણ એક સપનાના રાજકુમારે ..

– મીતલ પટેલ

૨૩. આદર્શ – નીતા કોટેચા ‘નિત્યા’

આજે સરિતા દાળમાં મીઠું નાખવાનું જ ભૂલી ગઈ હતી. અને મહેશને પાછો ગુસ્સો આવ્યો. જ્યારે જ્યારે મહેશને ગુસ્સો આવ્યો હતો ઘરમાં વસ્તુઓ ફેકાણી હતી. હાથમાં ફેક્વા માટે દાળનું બાઉલ ઉપાડ્યું પણ વીજળીનો આચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું ! એમને અચાનક સાંભર્યું કે બે દિવસ પહેલા ઘરમાં શું બન્યું હતું.
બે દિવસ પહેલાની ઘટના એને યાદ આવી. તે અને સરિતા ટીવી જોતા બેઠા હતા. તે દિવસે બપોરે જ મહેશને ગુસ્સો આવ્યો હતો અને એને રાંધેલી તપેલીઓ ફેંકી હતી. પછી બહારથી જમવાનું મંગાવ્યું હતું.
સાંજે જ્યારે એની ૨૨ વર્ષની દીકરી ઘરે આવી અને મમ્મીનો કરમાઈ ગયેલો ચહેરો જોયો અને તે સમજી ગઈ કે આજે પાછી ઘરમાં ફેંકાફેંકી થઇ હશે. કંઈ પણ બોલ્યા વગર પોતાની રૂમમાં ગઈ અને પોતાની વસ્તુઓ ફેંકવા લાગી. મહેશ અને સરિતા અવાજ સાંભળીને દોડીને એની રૂમમાં ગયા. મહેશે ગુસ્સામાં પૂછ્યું, “આ શું કરે છે?” સરિતા દીકરીને જોતી જ રહી .
“એ જ, જે તમે આટલા વર્ષો કર્યું છે. હું આ જોઇને જ મોટી થઇ છું. તમે જ મારા આદર્શ છો જે તમે કરશો તે હું કરીશ.”

– નીતા કોટેચા ‘નિત્યા’

૨૪. પ્રતિશોધ – ડૉ .મહાકાન્ત જોશી

જુમ્મનની દાદાગીરી ચોરે ને ચૌટે ચર્ચાતી હતી. ભરબજારે ને ધોળા દહાડે કોઈનું પણ ઠંડે કલેજે એ કાસળ કાઢી નાખતો. સ્ત્રીભૂખ્યા એવા એને તો કોળું કાપવું અને માણસને કાપવો એ બન્નેય સરખું. આખુંય ગામ એનું વિરોધી. એના ત્રાસમાંથી છૂટવા આખું ગામ તરફડતું. પણ કોની મજાલ છે કે એની સામે મગનું નામ પણ મરી રુપેય ઉચ્ચારી શકે. એના ખેતરમાં કામ કરનારા મજૂર સ્ત્રી-પુરુષોનું તે તન-મન-ધનથી ભરપૂર શોષણ કરતો.. છતાંય તેની ધાક એવી કે ગામના લોકો એને મને કે કમને પણ જુમ્મનશેઠ કહી બોલાવતા.
એક દિવસ શેઠના ખેતરમાં કામ પૂરું કરી મજૂરો લાઇનમાં વારાફરતી મજૂરી લેતા હતા. તેમાં ઘૂમટો તાણેલ એક બાઇ પણ હતી. તે વારંવાર ઘૂમટો ખેંચવાની ચેષ્ટા કરતી અને શેઠની નજરથી બચવા કોશિશ કરતી. પ…. ણ… આ ચેષ્ટાઓ જુમ્મનશેઠની પારખું નજરથી શું છાની રહી શકે?.. અને તેથી તે બાઇ નજીક આવતાં જ તેનો હાથ પકડી લીધો.. કે તુરત બાઇએ બીજા હાથમાં રહેલું કવર જુમ્મનશેઠના હાથમાં થામી દીધું. જીજ્ઞાસાથી જુમ્મનશેઠે કવરમાં રહેલું કાગળિયું કાઢી વાંચવા માંડયું. અને. . વીજળીનો ઝાટકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું. એમને સાંભર્યું કે અરે આ તો રમલી.. મેં એને તો પામવા એના ધણીનું.. અને એથી આગળ કંઈક વિચારે એ પહેલાં રમલીના પાલવમાં છૂપાયેલા દાતરડાએ શેઠને કાયમ માટે સૂવડાવી દીધા.

– મહાકાન્ત જોશી

૨૫. મોગરાની સુગંધ – મીરા જોશી

પપ્પા આજે આખાય બગીચાને રગદોળી નાખવાના નિશ્ચય સાથે દાતરડું લઈને નીકળી પડ્યા હતા. એ બગીચો, જે તેમણે નાનપણથી પોતાની જાતે પ્રેમથી ઉભો કર્યો હતો. પણ, મમ્મીના ગયા બાદ ઘરનું કોઈ સભ્ય એ જીવંત વરંડાની સંભાળ નહોતું રાખી શક્યું. ને પપ્પા, એ વીલાતાં જતા ફૂલ-છોડને જોઈને મુરજાઈ જતા. બગીચો તો મનેય પસંદ હતો. પણ, પપ્પા જેટલી સંવેદનાથી અને પ્રેમથી અમે એ જાત-જાતના છોડને નહોતા જોઈ શકતા. મમ્મીની વિદાયએ તેમને એકલા, ચીડચીડા કરી દીધા હતા. ને આ બગીચાને જોઈને તો…
ને ઉખેડાયેલા છોડને જોઈને મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. પપ્પા હાથમાં દાતરડું લઈને એક પછી એક લજામણી, બોન્સાઇ, ડોલરને બીજા સુકાયેલા નાના-મોટા છોડને કુંડામાંથી ઉખેડતાં જતા હતા. તેમની નજીક જવાની મારી હિંમત ન થઈ. પણ ત્યાંજ વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું ! એમને અચાનક સાંભર્યું કે આ તો મમ્મીનો સૌથી પ્રિય મોગરાનો છોડ..! પપ્પા થરથરી ગયા. એમણે મોગરાના છોડ પર હાથ ફેરવ્યો. જાણે, તેઓ મમ્મીની અંતિમ સમયની સ્થિતિ સંભારતા હતા. ને પપ્પા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા..
મમ્મીના અવસાન સમયે જે આંસુ બહાર નહોતા આવી શક્યા, તે આંસુ આજે તેમની સાથે મળીને વાવેલા આ મોગરાને જોઈને…
ને એ મોગરાની સુગંધે બધું જ સંભાળી લીધું… બગીચાને પણ અને ખાસ તો મારા પપ્પાને..!

– મીરા જોશી

૨૬. ચહેરા પાછળનો ચહેરો – મીરા જોશી

વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું ! એમને અચાનક સાંભર્યું કે આ તો એ જ ચહેરો જેને પાંચ વર્ષ પહેલા કોલેજમાંથી ધુત્કારી કાઢવામાં આવેલો.. પ્રોફેસર યશવંતે નીચે પડેલું ન્યુઝ પેપર ફરી હાથમાં લીધું, ને ફરી એક વાર ધ્યાનથી એ ચહેરાને જોયો.. પાંચ વર્ષ પહેલાનો કોલેજનો એ દિવસ એમની આંખ સામે ખડો થઈ ગયો.
***
“સર, અંજના મારી ઉપર જુઠ્ઠા આરોપ મુકે છે.. મેં એની સાથે કોઈ દુષ્કર્મ નથી કર્યું..” વિજયે કહ્યું.
“તો, અંજનાએ જાણીજોઈને તારા પર આવો આરોપ મુક્યો એમ?”
“હા સર.. બધાને ખબર છે, કે દર વર્ષે યુનિયન મને જ કોલેજનો રીપ્રેસેન્ટેટીવ બનાવે છે, આ વર્ષે પણ મારું જ નામ.. એટલે અંજના મારી પર આવો આરોપ મૂકી મને બરતરફ કરાવવા માંગે છે..”
ને પ્રો.યશવંતે વધુ તપાસ કર્યા વિના અંજનાને બધા વચ્ચે અપમાનિત કરી કોલેજમાંથી સસ્પેન્ડ કરી દીધી. અંજના રડતી, કકળતી રહી.. કે તેને ફસાવવામાં આવી છે, પણ, કોઈએ તેના પર ધ્યાન નહોતુ આપ્યું.
***
ત્યાંજ ફોનની રીંગ વાગી ને પ્રો.યશવંત ઝબકીને અતીતમાંથી બહાર આવ્યા.
“સર, આજનું પેપર જોયું તમે..? વિજયની હત્યાનો શક જે આરોપી અજય પર છે તે પાંચ વર્ષ પહેલા કોલેજમાંથી બરતરફ કરાયેલી અંજનાના ચહેરા જેવો જ લાગે છે..!” ને પ્રો. યશવંતના ગહન વિચારમાં ખોવાઈ ગયા..
અંજના… કે અજય..!? ત્યાંજ ડોરબેલ વાગી…

– મીરા જોશી

૨૭. નિયતિ.. – મીરા જોશી

આખા ઘરમાં શોધતા, અંતે નિયતિનું એ પુસ્તક છેક તિજોરીમાંથી મળ્યું. માલવીને હાશ થઈ.. ફટાફટ તેણે પુસ્તક ફંફોળ્યું. બધા પન્નાઓ ફેરવ્યા બાદ એક કાગળિયું માલવીના હાથે લાગ્યું, ને એ વાંચતા જાણે વીજળીનો આંચકો લાગ્યો હોય એમ એમણે તે નીચે નાખી દીધું..! એમને અચાનક સાંભર્યું કે આ રહસ્ય તો માત્ર તેના અને આકાશ… તો નિયતિને..!
એ કાગળિયું આજે માલવી માટે જીવનનો ઊંડો આઘાત બનીને આવ્યું હતું.. માલવી વિચારમાં પડી ગઈ, એટલ માટે આજકાલ નિયતિનું વર્તન તેના પ્રત્યે…
ને તુરંત માલવીએ કાગળમાં લખેલા સૌરભ નામના વ્યક્તિ વિશે ઈન્ટરનેટ દ્વારા માહિતી મેળવી..
માલવી ને વધુ એક આંચકો લાગ્યો..
સૌરભ આકાશનો પુત્ર હતો.. આકાશ, માલવીની જિંદગીનો પ્રથમ પ્રેમ.. જેની સાથેના સહવાસથી માલવીને પુત્રી નિયતિ થઈ હતી, પણ આકાશે તેને દગો દઈને છોડી દીધી હતી. ને માલવીએ હંમેશા માટે એ શહેર છોડી, પોતાની નવી દુનિયા બનાવી..
જેમાં માત્ર નિયતિ અને તે બે જ હતા.. નિયતિ હંમેશા પપ્પા વિશે પૂછતી પણ માલવી એના સવાલ ટાળી દેતી, ને આજે તેણે આ પત્ર પર લખ્યું હતું…

‘મારા પપ્પા કોણ છે, એ મને આજે સૌરભ થકી ખબર પડી. મારા મમ્મીને હું નફરત કરું છું જે મને આજ સુધી…’ માલવીની આંખો છલકાઈ ઉઠી.
આજે તેની જ પુત્રી ને …તેના ભૂતપૂર્વ પ્રેમીનો પુત્ર…!
માલવી ફસડાઈ પડી…

– મીરા જોશી

૨૮. વંશ – શિલ્પા સોની

“રમા, યાદ છે ને આજે ડોક્ટર પાસે તપાસ માટે જવાનું છે!”
“બા, ચાર ડોક્ટર પાસે તો ચેક કરાવ્યુ ! આટલી ગોળીઓ, ઇન્જેક્શન લઈને હવે કંટાળી છું.”
લગ્નના દસ વર્ષ વીતવા છતાંય બાળક ન થવાથી રમાભાભીના સાસુ તેને જુદા -જુદા ડૉક્ટર પાસે તપાસ માટે લઇ જતા. દોરા-ધાગા પણ કરાવતા.
“હવે તો વંશજ જોઇએ છે, નહીંતર રાકેશના બીજા લગ્ન કરાવી દઇશ.!” સાસુની વાતથી રમાભાભી સહમી ગયા. પરીક્ષણ માટે કમને તૈયાર થયા .
“રમા, મસાલેદાર ચા મૂક અને સાથે ગોળી આપ, માથુ ભારે છે. રમાભાભી ચા અને ગોળી રાકેશભાઈને આપી તેમની ફાઇલો કબાટમાં મૂકવા ગયા. શર્ટની થપ્પી પર ફાઇલ મૂકતા કપડાંનો ઢગલો લસરી પડ્યો તો મનાલીની હૉસ્પિટલનું એન્વેલપ દેખાયું.
ઓહ! વીજળીનો ઝાટકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યુ કે આ તો લગભગ આઠ વર્ષ પહેલાનો રીપોર્ટ હતો. મિત્રો સાથે તેઓ મનાલી ફરવા ગયા હતા ત્યાં અકસ્માત થયેલો. તેમને હાથે ફ્રેકચર થયેલું, પરંતુ રાકેશને વધારે ઇજા થઇ હતી. ત્યાંની જ હૉસ્પિટલમાં દાખલ કરતાં તેના ઘણાં ટેસ્ટ થયેલ, તેમાંનો તે ક્યારેય પિતા નહીં બની શકે, આ એ જ રીપોર્ટ…
મનાલીથી પરત આવ્યા પછી રાકેશભાઈ ગુમસુમ જ રહેતા અને રમાભાભી સાસુનાં મહેણાં વગર વાંકે જ સાંભળતા.
બહાર સોફાપર લંબાવેલ રાકેશને રમાભાભી દયામણી સજળ નજરે જોઈ રહ્યા..

– શિલ્પા સોની

૨૯. ખાલીપો – શૈલેશ પંડ્યા

કેશવની આંખોમાં પિતાના મૃત્યુનો અજંપો દેખાતો હતો. એક નિશ્વાસ સાથે એણે વૃદ્ધાશ્રમમાંથી આવેલી બાપુજીની પેટી ખોલી. એક ખાલીપો એને ઘેરી વળ્યો. આંખોમાં અશ્રુઓ ઉમટયા. અફસોસ તો એ વાતનો હતો કે જે બાપે એને બાળપાણમાં આંગળી ઝાલી ડગલાં માંડતા શીખવ્યું હતું એ બાપની વૃદ્ધાવસ્થાની લાકડી પોતે ન બની શક્યો. અંતિમ સમયે પણ એ મળી ના શક્યો. પિતાનો વહાલસોયો સ્પર્શ, માયાળુ હાથ હવે કદી એના મસ્તકને શાતા નહિ આપે. એક ડૂસકું.
પેટીમાંથી પેન, ડાયરી, માનો ફોટો, થોડાક કાગળિયા અને કપડાની બે જોડ, બાપુજીની મરણમૂડી નીકળી. અશ્રુભરી આંખે ડાયરી ખોલતા સાથે જાણીતા અક્ષરોવાળું કવર નીચે પડ્યું. ધ્રુજતા હાથે કેશવે કવર ઉપાડ્યું, વાંચવાની શરૂઆત કરી. એની નજર સૌથી પેલા લિ. ના મરોડદાર અક્ષરો પર સ્થિર થઇ કારણકે એમાં, કેશવ ભટ્ટ, આપનો આજ્ઞાંકિત; લખાયેલું હતું. વીજળીનો આંચકો લાગ્યો હોઈ એમ એમણે તે નીચે નાખી દીધું ! એમને સાંભર્યું કે આ અક્ષરો તો માધવીના!
છેલ્લા બે-ચાર વાકયોએ પત્ર ભીંજાયો.
‘બાપુજી, આમ વારેઘડીએ પત્રમાં મળવા આવ એવું લખીને મને હેરાન ના કરો. મારે પણ ઘર-છોકરાવ, નોકરી છે. સાવ નવરો નથી તમારી જેમ. ભગવાનનું નામ લ્યો, મારો મોહ ઓછો કરો. આજના સમયમાં આમ વારંવાર મળવા આવવું પોષાય નહિ. શાંતિથી જીવો અને બીજાને જીવવા દ્યો.’
બાપુજીની અંતિમ સમયની ટપાલ માધવીએ કેશવને આપ્યા વિના જવાબ જાતે લખી નાખ્યો હતો.
અશ્રુઓ વચ્ચે માધવી અને શારદાબેન, એની સાસુનું હાસ્ય..

– શૈલેષ પંડ્યા

૩૦. મીઠીનું પોમચું – સરલા સુતરિયા

વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ તો એજ પોમચું છે જે મીઠીને માથેથી સર્યું હતું. વાંકા વળી પોમચું ઉપાડી છાતીએ ચાંપી એ ધ્રુસકે ને ધ્રુસકે રોઈ પડ્યો.
એને એ દિવસ યાદ આવ્યો, જ્યારે પોતે શહેરમાંથી ભુજમાં મામાને ઘરે આવ્યો હતો.
નવરાત્રીના દિવસો હતાં. ગામમાં જુવાની હેલે ચડી હતી. મીઠીના ગળાની હલક સાંભળવા ગામ આખું ભેગું થયું હતું.
રસેષે જ્યારે મીઠીને જોઈ તો જોતો જ રહી ગયો. એની સ્ફૂર્તિ અને ઉમંગ જાણે ઉડતી પરી જ જોઈ લો.
એના દિલમાં મીઠી અંકિત થઈ ગયેલી. ૨૬-જાન્યુઆરીએ પિતાને કહી મીઠીના ઘરે એનું માગું કરેલું ને પછી મીઠીની વાડીએ બંને મળેલાં.
માથેથી સરી જતાં પોમચાને એક હાથે પકડી રાખતી મીઠીના બેય હાથ પકડી રસેષે પાસે ખેંચેલી અને હળવેથી બાહુપાશમાં ભરી લીધેલી. પોમચું હવાથી ઉડીને વાવ તરફ ગયું. સંસ્કારશીલ મીઠી શરમથી ભાગીને પોમચું પકડવા દોડી, રસેષ એને પકડવા દોડ્યો. એટલાંમાં ધરતી ધણધણી ઊઠી. બંને દૂર સૂર ફેંકાઈ ગયા. પળમાં તો બધું ઉપરતળે થઈ ગયું.
આજે દસમો દિવસ હતો. રાહત કાર્યકરોએ રસેષને બેભાન હાલતમાં દવાખાને પહોંચાડેલો ને થોડી સારવારથી સ્વસ્થ થઈને મીઠીની ખોજમાં ભુજ આવીને એ મીઠીની વાડીએ પહોંચી ગયેલો.
પુરાઈ ગયેલી વાવનું ઉત્ખનન કરતાં નીકળેલું મીઠીનું પોમચું હાથમાં લઈને એ ચોધાર આંસુએ રડી પડ્યો.

પોમચું – ઓઢણી
– સરલા સુતરિયા

૩૧.

અચાનક ધડામ દરવાજો બંધ થઈ ગયો. રાણક અને રાણીની આંખ આંસુથી ઉભરાઈ ગઈ. હાથમાં રહેલાં ચીંથરા પર બંનેની નજર પડી ને વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે, આ તો એ જ કાપડનું વધેલું ચીંથરૂં છે જે સ્વીટીએ એની ઢીંગલીનું ફ્રોક બનાવવા લીધેલું ને એ બંનેને પણ એ જ જોઈતું હતું, જેની છીના-ઝપટીમાં આટલો ટુકડો ફાટી ગયો હતો. પણ આ અહીં ક્યાંથી આવ્યો! એ તો…. ખાઈમાં…..
બંને અપસેટ થઈ ગઈ.
“હેઈ દી..આ જો તો !” રાણક એકદમ હેબતાઈને બોલી ઊઠી. રાણીએ સામે જોયું ને એની નજર ફાટી ગઈ. સામે સ્વીટી એની ઢીંગલીને હાથમાં લઈ હાથ ફેલાવી બંનેને બોલાવતી હતી.…. “સ્વીટીઈઈઈઈઈ તું?”
બંનેની નજર સમક્ષ.. મનાલી ટ્રીપ… ઊંડી ખાઈ… અણધાર્યો ધક્કો ને ઢીંગલી, કપડું, ટુકડો ને સ્વીટી પણ…
ઝબકીને બેઠી થઈ ગયેલી રાણક પરસેવે રેબઝેબ ને રાણી નિરાંતે ઊંઘતી હતી.

– સરલા સુતરિયા

૩૨. કાસળ – શીતલ ગઢવી

“ઈન્કલાબ ઝિંદાબાદ” ના નારાંથી આકાશ ગુંજી ઉઠ્યું. કારગિલ ટેકરી પર તિરંગો લેહરાયો. સૈનિકોમાં આજે પર્વ ઉજવણીનો સમય આવ્યો. કેટલાંય સૈનિકોની આહુતિના લીધે ઝંડાનો રંગ વધુ ઘાટો દેખાતો હતો.
કેપ્ટન સંદીપ આજે અલગ પ્રકારના આનંદમાં હતાં. ક્વાર્ટરમાં લટકાવેલ વર્દીની સાથે વાતો કરતાં હતાં.
“આજે તને એક વધુ માન પ્રાપ્ત થશે. ટોપી તું સાંભળે છે કે નહીં! તારામાં વધુ એક પીંછું લાગશે.”
તેમને આજે દેશ તરફથી બહાદુરીનો પુરસ્કાર પ્રાપ્ત થવાનો હતો. તૈયાર થઈને બહાર નીકળવા જતાં હતાં. ત્યાં જ સામેથી કુરિયર લઈને આવતો માણસ દેખાયો. એને દેખતાં ઘણાં બધાં વિચારોએ એમનાં મગજ ફરતે ઘેરો કર્યો.
“કોણ હશે આ ! મારાં ક્વાર્ટર સુધી કોઈપણ કુરિયર લઈ આવે એ પહેલીવાર બન્યું. અત્યાર સુધી બધાં ઓફિસે મળ્યાં હતાં.”
પાર્સલ હાથમાં આવતાં જ વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે “અન્ય કોઈ કેપ્ટનની ચાલ તો નથી?”
ત્યાં જ એક…

– શીતલ ગઢવી

૩૩. આષાઢસ્ય પ્રથમ દિવસે – સંજય થોરાત

‘મેઘદૂત’ ના શ્લોક “આષાઢસ્ય પ્રથમ દિવસે…” દ્વારા કવિવર્ય કાલિદાસે અષાઢ મહિનાના પ્રથમ દિવસ અને મેઘના આગમનના આનંદનો ચિતાર યક્ષ દ્વારા આપ્યો છે.
મેઘદૂત એ ક્રીડાકાવ્ય છે અને શૃંગારપ્રધાન પણ છે. યક્ષ કુબેરનો સેવક હતો. રોજ સવારે તાજાં કમળ લાવવાની જવાબદારી હતી. વહેલી સવારે પત્નીનો સાથ ન છોડી શકવાને લઈને એણે રાત્રે જ કમળ લાવી રાખ્યા, અને સવારે કુબેરને આપ્યા. પૂજા સમયે એમાંથી ભમરો નીકળ્યો..
અને કુબેરે શ્રાપ આપ્યો. પતિ-પત્ની એકબીજાથી એક વર્ષ છૂટા પડશો…
બસ આવીજ કંઈ પરિસ્થિતિ શકુંતલાની હતી. સામાન્ય ગેરસમજમાં એ પતિથી વિખૂટી પડી હતી.

અષાઢનો પ્રથમ દિવસ અને ‘મેઘદૂત’ના પાના ફેરવતાં બઘું માન અપમાન ગળી એના પતિને મળવા નીકળી..
‘કૌસ્તુભ, આજે મારાથી ન રહેવાતા તને મળવા આવી ગઈ…’
અને અચાનક શકુંતલાનો અવાજ સાંભળતા વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ અષાઢસ્ય પ્રથમ દિવસે તો…
એમણે પ્રેમ લગ્ન કર્યા હતાં. મેઘદૂતના યક્ષ-યક્ષિણીની જેમ શ્રાપનો ભોગ બની તેઓ વિખૂટા પડ્યા.
અને એ કૌસ્તુભને વળગી પડી. અષાઢના વાદળો ગાજવીજ સાથે અંદર અને બહાર વરસી પડ્યાં.
કૌસ્તુભના હાથમાંથી છૂટીને નીચે પડેલા ‘મેઘદૂત’ ને જોઈને શકુંતલા સ્વગત બોલી, કુબેરનો શ્રાપ પત્યો લાગે છે.
બાહોમાં સમાયેલી શકુંતલાના કાનમાં હળવેથી કૌસ્તુભ બોલ્યો, “કામાતુરાણાં ન ભય ન લજ્જા”ની જેમ તું આવી એ ગમ્યું.
…પણ પેલા મૂર્ખ હેમંતમાં એવું તો શું જોયું કે…?

– સંજય થોરાત

૩૪. ચૂક – રક્ષા બારૈયા

“મહાણને તો રેવા દેતા હો. હટ સાલી માણસની જાત.” રોજની જેમ આજે પણ અર્ધો ભૂખ્યો ખોડો સ્મશાન બહારનો ઉકરડો ફેંદતો હતો. દારૂની ખાલી બાટલી હાથમાં આવતાં જ તેણે આખી માણસજાતને ભાંડવાનું ચાલુ કર્યું. અર્ધું છાંડેલું સફરજન મળતાં તેની ગાળો અટકી. એક બટકું ભરીને ફરી કંઈક મળવાની આશાએ ઉકરડો ખોળવા લાગ્યો. વરસોથી માગી-ભીખીને ખાતો ખોડો હવે ક્યાંથી શું મળશે એવું અનુમાન લગાવતા પણ શીખી ગયો હતો. ફૂટપાથના પડોશી છન્ના સાથે ક્યારેક શરત પણ લગાવતો. મોટેભાગે સાચો પણ પડતો. ફૂટપાથનો ખૂણો અને છન્નો આ બે જ તેને કામના લાગતાં. ભૂખ્યા પેટે આ બે સિવાય તે આખી દુનિયાને મણ મણની ચોપડતો, જો કે સાંભળવાં બીજા કોઇને નવરા પણ ના હોય.
મોટી કેક સમાય એવડું મોટું ખોખું જોઈને તેની આંખો ચમકી, ખોખું ઉપાડીને તે રાતવાસાને ઠેકાણે પહોંચ્યો. તેને જોઈને છન્નો રંગમાં આવીને સામો દોડયો. ખોડાએ ખોખું ધર્યું. છન્નાએ ખોલ્યું અને વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક યાદ આવ્યું કે આ તો બે દિવસ પહેલા જ જીવો પેપરમાં બતાવતો હતો એ શેઠનું માથું છે!
બે મહિના પોલીસના ડંડા ખાઈને ધરાયેલા છન્નો અને ખોડો રેલ્વે ટ્રેક પર ચૂંથાયેલા મળ્યાં છે. મોર્ગમાથી બિનવારસી લાશોન્પ તાત્કાલિક નિકાલ કરવાનો હુકમ છૂટ્યો છે. પીધેલા ચાંડાળે બધી લાશો એકબીજા પર ખડકીને દીવાસળી ચાંપી દીધી.

– રક્ષા બારૈયા.

૩૫. રુસ્તમ-એ-હિન્દ – પરીક્ષિત જોશી

(નોંધ- રુસ્તમ-એ-હિન્દને માનાર્થે સંબોધિત કરી કૃતિ અને પ્રોમ્પ્ટને પણ ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.)

આજે આ પહેલો અવસર નહોતો. આવા તો કૈં કેટલાંય વજનિયા ઊંચકી નાંખ્યા હતાં એમણે.
દર શનિવારે ચાલતા છેક ગામની બહાર, જંગલનાં મોઢાં પાસે આવેલી હડમતની દેરીએ જતા. અખાડામાં ઉસ્તાદજી કહે એનાથી 2 દંડ વધુ પીલતાં. એમની ઉંમરના પ્રમાણમાં એમનો ખોરાક થોડો વધુ હતો. શિરામણ કર્યું હોય તોય એક ટંક એ 15 રોટલા તો અડાડી જતાં. કડિયલ દૂધ, ઘી, માખણ એ બધું તો અલગ.
એમનાં બાપા ગણો કે મા, એ એક બહેન જ હતી, મોંબોલી. પોતે પેટે પાટા બાંધીનેય એમની બધી જરૂરિયાતો પૂરી કરતી. એમનાં આ સ્વ-ભાવને લીધે કદી ય એમણે અ-ભાવ આવવા દીધો નહોતો, એમને.
એમની મહેનત રંગ લાવી અને એ કુસ્તી મૂકી, વેઇટ લિફટર બની ગયા. એમનાં વજન-જૂથમાં એમનો ડંકો વાગતો. રુસ્તમ-એ-હિન્દનો ખિતાબ એમનું સપનું હતું, હવે એક જ પગલું દૂર હતું એમનાથી. કાલે જેવી ફાઇનલ જીત્યાં અને સપનું સાર્થક.
ફાઇનલ રાઉન્ડનાં દિવસે, સવારે, અચાનક એમની દેવી જેવી બહેન અદ્રશ્ય. ક્યાંય શોધી ન જડે. થોડા વિચલિત થયા પણ બહેનને કરેલો વિજયનો વાયદો યાદ આવ્યો. અજીબ ધર્મસંકટ.
ત્યાં એમને એક ચિઠ્ઠી મળી, પણ અક્ષર તો..
અનિચ્છા છતાં સપનું પુરું કરવાં એમને મેદાનમાં ઉતરવું પડયું, બહેનની શિખામણ મુજબ. વજનિયા ઉપાડ્યા અને આ શું? વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધાં! એમને અચાનક સાંભર્યું કે આ..

– પરીક્ષિત જોશી

૩૬. ન્યાયાધીશ – સંજય ગુંદલાવકર

એમની ‘સિદ્ધહસ્ત’ ને વિજય બારોટની ‘દગો’, કોર્ટના પેપરો, વકીલની નોટિસ, સન્માનચિહ્ન ને અમે બેય ડબલ બેડ પર ભરતીઓટની જેમ હિલોળે ચઢ્યા હતા. કશીય વાતચીત વગર એકબીજાનાં સામું એકીટશે જોઈ બેસી રહ્યા હતા. ફ્રુટસ ખવાઈ ગયા હતા, પ્લેટ હજી એમના ખેાળામાં હતી. મારા તનમનમાં મોજાઓમાં એમના સપનાઓ અફળાયા કરતા હતા.
પ્લેટ ઉંચકાતા થયેલા સ્પર્શમાંય એમની આંખો ખેંચાયેલી લાગી. એમણે બેઠા બેઠા આળસ મરડી. કંટાળી ગયા હશે. એ બારીએ ગયા. કાળમીંઢ અંધારામાંય જાણે કોઈ આશાનું કિરણ શોધતા હતા. એમને એનાયત થયેલા સન્માનચિહ્નને હું ગુમાનપુર્વક જોઈ રહી. ઘડીયાળમાં બે ના ટકોરા પડ્યા.
મેં ચૂપકેથી ચાંપ દબાવી. “હવે તો મનેય ઉંધ આવવા લાગી છે.” મેં બગાસું ખાધું.
મારા હાથમાં સન્માનચિહ્ન જોઈ એમની આંખોમાં પહેલાં તો વિજયી સ્મિત રમી રહ્યું. પાસે આવીને પોતાના હાથમાં સન્માનચિહ્ન લઈને કોઈ વેગળી નજરથી જોઈ રહ્યા હતા તે મને સમજાયું.
મેં ચાહીને પૂછી લીધું, “આવતી કાલે કોર્ટમાં કેટલા વાગે જવું છે?”
ને એમના વર્તનમાં અચાનક પરિવર્તન આવી ગયું. જાણે કે વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ સન્માનચિહ્ને જ તો વિજય બારોટના પેટમાં ચૂંક ઉભી થઈ હતી.
મારી શંકા સાચી પડી. ‘દગો’ પરથી ઉઠાંતરી કરીને એમણે ‘સિદ્ધહસ્ત’ નવલકથા પોતાના નામે કરી હતી.
એમના નિસ્વાર્થભાવે મંડાયેલા શબ્દો ચૂપકેથી મારા વોઈસ રેકોર્ડરમાં નોંધાતા હતા.

– સંજય ગુંદલાવકર

૩૭. ધારણા – શૈલેષ પરમાર

આટલી નીરવ શાંતિ? ક્યાં ગઈ હશે? ચાલો જ્યાં ગઈ હોય ત્યાં નહીંતો સવાર સવારમાં પણ શબ્દોનો બોમ્બમારો ચાલુ કરી દેત.
ફ્રેશ થઈ સોફા પર ગોઠવાયા પણ છાપાની જગ્યાએ કાગળ હાથમાં આવતા વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું!એમણે અચાનક સાંભયુઁ કે આ ફારગતી નું તો નઈ હોય ને ?
એણે તરત મિત્રાને ફોન કર્યો પણ એનો ફોન પણ બંધ.
અરે આતો સાચે જ ચાલી ગઈ લાગે છે, યશ કાગળ બાજુ જોઈ રહ્યો એકીટસે !
“શું જોઈ રહ્યા છો?” મિત્રાની બૂમથી એ ભડકયો.
“અલી ક્યાં ગઈ’તી ને આમ નાનકડા ઝઘડામાં તું..”
“શું બકો છો તમે પણ હું તો જોડે રાખડી વેચવા આવેલો તે ત્યાં ગઈ હતી.”
“તો આ કાગળ ?” યશ બરાડી ઉઠ્યો.
“અરે એતો આજે બજારમાંથી શું લાવાનું એનું લિસ્ટ છે.”
“અરે ભગવાન ! હું તો શું નું શું ધારી બેઠો.” યશ હવે હળવો થયો.

– શૈલેષ પરમાર

૩૮. પીળું ગુલાબ – વિભાવન મહેતા

આદતથી મજબૂર શ્યામલાલે અશરફમિયાંની દુકાને ગાડી ઉભી રાખી. અશરફમિયાં દોડતા આવ્યા.
તેમના હાથમાં એક સુંદર સજાવેલું પીળું ગુલાબ હતું. તે જોતાંજ શ્યામલાલની આંખો સામે એ દિવસનું દ્રશ્ય ખડું થયું જ્યારે
એમણે વિનોદાને પહેલવહેલી વખત પીળું ગુલાબ આપ્યું હતું.
સતત ત્રણ દિવસ બસ સ્ટેન્ડ પરથી વિનોદાને પોતાની ગાડીમાં લીફ્ટ આપી, પ્રારંભિક ઓળખાણ પિછાણ બાદ,ચોથા દિવસે તેમણે અશરફમિયાંની દુકાનેથી એક સરસ સજાવેલું પીળું ગુલાબ લઈને વિનોદાને આપી તેને આશ્ચર્યચકિત કરી દીધી હતી.
“તમને કેવી રીતે ખબર કે મને..?” શ્યામલાલે અધવચ્ચેથી તેને બોલતી અટકાવીને કહેલું, “હું તો આ તમારી પીળી સાડી સાથે શોભશે એમ માનીને લઈ આવેલો.” આજે કંઈ કેટલા વહાણા વાયા એ વાતને!
“શેઠ, આ ગુલાબ નથી લેવું?”
અશરફમિયાંની પૃચ્છાએ તેમની વિચારતંદ્રા તોડી અને તેમણે તે ફૂલ હાથમાં લેતાં તો લઈ લીધું પણ વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ ફૂલ હવે વિનોદા હાથમાં લઈ નહી શકે કે એ પોતે તેના અંબોડામાં ખોસી પણ નહી શકે, કેમકે વિનોદા તો હવે સંપૂર્ણ લક્વાગ્રસ્ત હાલતમાં પથારીવશ થઈ ગઈ છે. શ્યામલાલે તરત નીચા વળી તે પીળું ગુલાબ ઉઠાવ્યું,
પ્રેમથી પસવાર્યું એમ વિચારીને કે ‘વિનોદાની આંખો તો સાબૂત છે ને! એ આ ગુલાબ જોઈને જ કેટલી ખુશ થશે?’
– વિભાવન મહેતા

૩૯. ભૂતકાળના પડઘા – વિભાવન મહેતા

મુખ્ય માર્ગ સૂમસામ હતો. સુંદરલાલે ગાડીની ઝડપ વધારી. જેમ બને તેમ જલ્દી આ વિસ્તારમાંથી પસાર થઈ જવામાં જ ડહાપણ હતું.
સુપર મોલ પાસે એક ભિખાપરણ રસ્તો ઓળંગી રહી હતી. અચાનક ઢગલો થઈ મુખ્ય માર્ગની વચ્ચોવચ્ચ ઢળી પડી.
સુંદરલાલ તેની નજીક જઈ નીચા વળ્યા. લાંબા ભૂખરા વાળથી તેનું મોં ઢંકાયેલું હતું. મેલાંઘેલાં કપડાં, અને એક ભીખ માંગવાનું ચલાણું તેણે કચકચાવીને હાથમાં પકડી રાખ્યું હતું. સુંદરલાલ જેવા નીચે વળ્યા કે તેણે ચલાણું ઉંચું કર્યુ.
સાધપ્રતિક્રિયાવશ સુંદરલાલે ચલાણું તેમના હાથમાં લઈ લીધું અને તરત જ જાણે વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે ગયે વર્ષે આ સુપર મોલ પાસે એક અકસ્માત થયો હતો અને એક ભિખારણ.. શું આ એ જ? પણ એ ભિખારણ તો..
તો પછી? ત્યાં તો સુંદરલાલના આશ્ચર્ય વચ્ચે એ ભિખારણે ભૂખરા વાળની વીગ ફગાવી દેતાં સુંદર કાળા વાળ દેખાયા. “હું ઈન્સ્પેક્ટર રચના સાવંત. સુંદરલાલ, તે દિવસે તમે જ પુરઝડપે દોડતી તમારી ગાડીની ટક્કરથી એક ભિખારણને ઉડાવી દીધી હતી. યુ આર અન્ડર એરેસ્ટ.”
અને સુંદરલાલ પરસેવે રેબઝેબ સફાળા સોફામાંથી ઉભા થઈ ગયા. ડોરબેલ કયારની વાગી રહી હતી. રુમાલથી મોં લૂછતાં લૂછતાં દરવાજો ખોલ્યો.
“તમે જ સુંદરલાલ?”
ખુલ્લા દરવાજામાં એક ખૂબસુરત પોલીસ ઈન્સ્પેક્ટર ઉભી હતી.. જેની વર્દી પર નામ સ્પષ્ટ વંચાતું હતું, ‘રચના સાવંત’

– વિભાવન મહેતા

૪૦. મુંગેરીલાલ કે હસીન સપને – આરતી આંત્રોલીયા

ખૂબજ શાંત અને શરમાળ પ્રકૃતિના મંદાર અને મીરાનું આજે સગપણ હતું. કોલેજમાં ક્યારેય પણ કોઈ છોકરીની સામે નજર ઊંચી કરી ના જોનારો મંદાર થોડો ભીરુ હતો એટલુ જ. બાકી છોકરીઓને જોઈને “કુછ કુછ હોતા હૈ”વાળી લાગણી તો તેને પણ બહુ થાતી. જ્યારે સામાપક્ષે, થોડી તીખી-તોફાની અને બહોળો એવો મિત્ર વર્ગ ધરાવતી મીરા બિન્દાસ હતી.
સગાઈ વિધિ બાદ થોડા એકલા પડતાજ મંદારના કાનમાં આવતીકાલનો ફરવા જવાનો પ્લાન પણ મીરાં એ જ નક્કી કરી કહી દીધો.
રાત પડી ગઈ પણ મંદારને ઊંઘ નહોતી આવતીકાલે મીરાને તે પહેલીવાર એકલો મળવાનો હતો, મનમાં કૈંક કૈંક ચટપટી થાતી હતી. ખયાલીપુલાવ પકવતાં-પકવતાં, છેક વહેલી સવારે આંખ ઘેરાણીને મીઠાં સપનામાં સરી પડયો.
પપ્પા તૈયાર થઈને, ઓફિસ જવા માટે તેની રાહ જોતાં બેઠાં હતાં પણ આ ભાઈનો તો કઈં પત્તો જ નહતો. બે-ત્રણ વાર મંદારના નામની બૂમ પાડી પણ જવાબ ના મળતા તેઓ મંદારના રૂમમાં ગયા ને બૂમ પાડી, “સ ..ર..લા….” સરલાબેનને ધ્રાસ્કો પડયો, હાંફળા-ફાંફળા દોડતાં આવ્યાને જોયું તો, મંદારભાઈ ઊંઘમાંને ઊંઘમાં જ ઓશિકાને બાથમાં લઈ ચુમતોને કઇંક ગણગણતો હતો. પોતાનું હસવું માંડ ખાળી તેમણે મંદારને જોરથી ચૂંટી ખણી અને જાણે, વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ .તો, મમ્મી-પપ્પા તેની સામે ઉભા-ઉભા હસતાં હતાં.

– આરતી આંત્રોલીયા

૪૧. થ્રી આર – અનસુયા દેસાઈ

મહેમાનો વિદાય થયા કે ડૉ.રશ્મિએ પર્સ ઉઠાવી ક્લબમાં જવાની વાત કરી. પાર્ટીમાં વિવેક પર ગુસ્સે થઇ ગયેલા રશ્મિને બાથમાં લેતા ડૉ.અજયે કહ્યું,
”ડીઅર, વિવેકની નાની વાતનો આટલો ગુસ્સો? મેં ક્યારેય તમારા ભૂતકાળ વિષે પૂછ્યું છે? પણ વિવેકે કહ્યું તમારી થ્રી આર ત્રિપુટી હતી.” પછી હસીને પૂછ્યું, ”બટ ટેલ મી, થ્રી આરનું કોઈ રહસ્ય છે?”
તે સમયે પર્સની ચેઈન ડૉ.અજયના શર્ટની સ્લીવમાં અટકી અર્ધખુલી થઇ અને તેમાં હજારની નોટોનું બંડલ દેખાવા લાગ્યું. જાણે વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું. એમને અચાનક સાંભર્યું કે આ… વિવેકને તો ડૉ.અજય આજે રાત્રે ફરી મળવાના છે. મારે એ પહેલા એને મળવું પડશે’
“રહસ્યની કોઈ વાત નથી, ડાર્લિગ.” નીચે નમી પર્સ બંધ કરી બંડલ છુપાવી લીધું. “વિવેક મારી સહેલી રીતિકા પર ખરાબ નજર રાખતો. મેં એટલા માટે ચુપ કર્યો કે તે ના જાણે શું શું બોલીને મારા મગજને ખરાબ કરી દે”.
“જવા દો. એ કહો આ ત્રીજો કોણ હતો ?”
“જે પણ હતો ભલો હતો.“
“હતો? મતલબ છોકરો હતો.”
“હા ભાઈ હા,“ ડૉ.રશ્મિ ચિડાઈ ગયા.
“પ્રેમ કરતાં હતા તમે ?”
“ડોન્ટ બી સીલી ડાર્લિગ. માત્ર દોસ્ત હતો.”
“મારે બ્યુટીપાર્લરમાં જવાનું છે. માટે હું જલ્દી નીકળીશ..”
ડૉ.અજયે ઊંડો શ્વાસ લઈ કહ્યું. “ઓ.કે.”

– અનસુયા દેસાઈ

૪૨. હૈયાનાં ઘા – દિવ્યેશ વિ. સોડવડીયા

“આ સાંઠીકું લે, હંસુ! હંપુનાં ઘા પર હળદરનો લેપ લગાવી દે. બિચારાને ઝટ રૂઝાય જાય.” ઉતરાયણના દિવસે ધારદાર દોરીથી ઘાયલ થઈને આવેલા હંપુના ઘાની સારવાર કરવા હંસુને સાંઠીકું આપતા તેના પતિએ કહ્યું.

વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે આ એ જ મજબૂત સાંઠીકું છે કે જેનાથી અઠવાડિયા પહેલાં વૃદ્ધ હંસુએ ખાવાનું માંગ્યું ત્યારે હંપુએ તેને મારી મારીને અધમૂવી કરતા કહેલું, “મા હોય તો શું થયું? નવરા બેસી છોકરાની મહેનતનું ખાવાનું? ખાવું હોય તો જાતે મહેનત કરીને ખા. હવે બીજીવાર ખાવાનું નામ પણ લીધું તો તમને બેઉને એકલા મૂકીને…”
ભૂતકાળમાં ખોવાયેલી હંસુના આંસુને લૂછતા તેના પતિએ પોતાના આંસુને હૈયામાં ધરબીને કહ્યું, “હંસુ! ગમે તેવો હોય પણ એ આપણો દીકરો છે. બધુ ભૂલી જા અને લેપ લગાવી દે.”
“હા. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પછી ભલે ને તે ઘરડી માને ખાવાનુંય ન આપે.” મંદિરનાં સાધુએ એક ભક્તને કહેલા શબ્દો યાદ કરતા હંસુ બોલતી ગઈ ને હંપુનાં ઘા પર લેપ લગાવતી ગઈ.
બે પળ બાદ ઘા રૂઝાતા બધુ સાંભળી રહેલો હંપુ ફરરર્ કરતો ઉડી ગયો.
તેને સાજો થઈને મુક્ત ઉડતા જોતી હંસુ પોતાના હૈયાનાં ઘાને ભૂલી હરખથી બોલી, “કદાચ આપણા માટે ખાવાનું શોધવા ગયો હશે… ”

– દિવ્યેશ વિ. સોડવડીયા

૪૩. તું નક્કી કર – નીતા કોટેચા ‘નિત્યા’

નાના ગામડામાંથી આવેલ મનિયો મુંબઈમાં એક ઝૂપડામાં પોતાની દીકરી સાથે રહેતો હતો. આ ઝૂપડી એને ટોપી શેઠનાં લીધે મળી હતી. મનિયાએ પોતાની દીકરીને અહીંની મ્યુનસિપલ શાળામાં પણ ભણવા બેસાડી હતી. પણ હવે સાતમા ધોરણની આગળ ભણાવવાના એની પાસે પૈસા ન હતા. અને ટોપીશેઠથી એને હંમેશ બીક લાગતી. આખરે દીકરીનો બાપ હતો. એણે પોતાનાં ગામ પાછા જવાનું નક્કી કર્યું .
ગામમાં પોતાનું ખેતર હતું પણ દુકાળે એને શહેરમાં આવવા માટે મજબુર કર્યો હતો. આમ તો બીજા ખેડૂતોની જેમ એ પણ આત્મહત્યા કરી લેત પણ દીકરીને કોઈના ભરોસે કેમ મુકાય ? આખરે હિંમત કરીને તે મુંબઈ આવ્યો. દીકરીને આગળ ભણવું હતું એ રડતી હતી. પણ મનીયો માનતો ન હતો.
થેલામાં સામાન ભરાઈ ગયો. ત્યાં દરવાજે ટકોરા વાગ્યાં. ટોપીશેઠ સામે ઉભા હતા. હૃદય થડકારો ચુકી ગયું. ઘરમાં આવીને દીકરીનાં માથા પર હાથ રાખીને સામે પડેલા ટેબલ પર બે કવર મુક્યા. અને ટોપીશેઠ બોલ્યા “એકમા તમારા બંનેની બહારગામ જવાની ટીકીટ છે અને બીજામાં આપણી દીકરીનું ભવિષ્ય. સારી સ્કુલમાં ભણી શકે એની સગવડ. નક્કી તું કર.”
મનિયાએ દીકરી સામે જોયું. દીકરીનાં ચહેરા પર ખુશી હતી પણ મનિયો ટોપીશેઠ સામે નજર ન મિલાવી શક્યો.

– નીતા કોટેચા ‘નિત્યા’

૪૪. ત્યાગ – મીરા જોશી

વીજળીનો આંચકો લાગ્યો હોય એમ એમણે તે નીચે નાખી દીધું..! એમને અચાનક સાંભર્યું કે આ.. ખીર!.. અદ્દલ એ જ સ્વાદ, એ જ સુગંધ..! ને મહેશે બૂમ પાડી, “સ્વાતી….”
સ્વાતી દોડતી આવી.. જમીન પર પડેલું ખીરનું બાઉલ અને ક્રોધના અંગારા સમી મહેશની આંખો જોઈ સ્વાતી ડરી ગઈ.
“સ્વાતી.. આ ખીર કોણે બનાવી?”
ને સ્વાતીએ સત્ય ઉચ્ચાર્યું, “મહેશ, આ ખીર બાએ બનાવી છે. હું એમને …”
“સ્વાતી, તું જાણે છે મારી અને બા વચ્ચેનો સંબંધ.. છતાં તું …”
“હા, મહેશ, એ ગેરસમજને દૂર કરવા માટે મેં બા ને..”
ને અચાનક કોઈના પગલા સંભળાયા. ને મહેશના હોશ ઉડી ગયા.. લાંબા, ઘેરા વાળનો અંબોડો, વાત્સલ્યસભર આંખો ને સાડીમાં મઢેલી માનસપટ પર અંકિત બાની છાપ આજે સામે ઉભેલી વ્યક્તિને જોતાં જ વેરવિખેર થઈ ગઈ..!
કરચલીથી લથબધ ઢીલી ત્વચા, પણ આંખોમાં સ્નેહની સરવાણી ઝરતી એ ‘બા’નામની વ્યક્તિને મહેશ દિગ્મૂઢ બનીને જોઈ રહ્યો..
“મહેશ, તમે અત્યાર સુધી બા વિષે જે જાણતા હતાં, તે સત્ય નહોતું. ઘરની ગરીબી ને જીવલેણ બીમારીના લીધે બા તમારાથી દૂર ગયા.. તમને અમીર ઘરમાં દત્તક આપ્યા, જેથી આ દુઃખની અસર તમારા જીવન પર ના પડે.. એમણે તમારા માટે એમની ખુશીનો તમારા પ્રત્યેની મમતાનો ત્યાગ કર્યો.”
“હા, બેટા… હું તને માત્ર સુખી જોવા ઈચ્છતી હતી..”
“બા.. આ બધું..?” માંડ-માંડ મહેશથી આટલા શબ્દો બોલાયા.

– મીરા જોશી

૪૫. અસીમ પ્રેમ – મીરાં જોશી

ગોરંભાયેલા આકાશને જોતાં માન્યતા પોતાના જીવનમાં આવેલા કાળાદિબાંગ વાદળો વિશે વિચારતી હતી. જેને ક્યારેક હૃદયના ઊંડાણથી પ્રેમ કર્યો હતો, તેણે તેની સાથે છલ કર્યું હતું.. ને અચાનક ડોરબેલ રણકી ઉઠી. માન્યતાએ ક્ષિતિજ પર માંડેલી પોતાની આંખો સંકેલી લીધી, ને દરવાજો ખોલ્યો. પણ, તેના આશ્ચર્ય વચ્ચે ત્યાં કોઈ નહોતું. જમીન પર એક બોક્ષ પડ્યું હતું. માન્યતાએ બોક્ષ લીધું, ને દરવાજો બંધ કર્યો.
બોક્ષ ખોલતા તેમાંથી એક સીડી અને કાગળિયું મળ્યા.. માન્યતાએ તુરંત સીડી ચઢાવી. ને સલોની મેડમ અને વિવેક વચ્ચેની વાત, એ દ્રશ્ય જોઈને માન્યતાના હૃદયને એક ધક્કો લાગ્યો..!
માન્યતાએ તુરંત કાગળિયું ખોલ્યું ને એ વાંચ્યા બાદ વીજળીનો આંચકો લાગ્યો હોય, તેમ એમણે તે નીચે નાખી દીધું! એમને અચાનક સાંભર્યું.. આ તો એ જ સત્ય, જે વિવેક તેને સમજાવવા માંગતો હતો. ને પોતે દર વખતે તેને….
વિવેકનો પ્રેમ, તેની વારંવારની બેગુનાહી સાબિત કરવાની કોશીસ.. માન્યતાના માનસપટ પર કાગળ પરના એ શબ્દો અંકિત થઈ ગયા. ‘સામે પડેલા રૂપના ઢગલાની સરખામણી હું તમારી પ્રત્યેના પ્રેમ સાથે નથી કરતો માન્યતા.. તમે બરફમાં થીજેલું ગુલાબ જોયું છે? એ હું છું.. હું આજે પણ તમને અસીમ ચાહું છું..!’
ને બીજા દિવસે.. ઓફિસમાં..
સલોની મેડમના ચરિત્રનો થયેલો પર્દાફાસ.. ને વિવેકની બેગુનાહી દુનિયાની સામે હતા..!
ને માન્યતાના જીવનમાં છવાયેલા કાળા વાદળો મન મૂકીને વરસી પડ્યા.. પ્રેમના ધોધથી..!

– મીરાં જોશી

૪૬. ફ્રેન્ડશીપ બેલ્ટ – શૈલેષ પંડ્યા

ડોરબેલ વાગતા જ વત્સલે દરવાજો ખોલ્યો. સ્મિત સાથે હાથમાં ગુલાબ દોરેલું કવર લઇ ઉભેલા કુરિયર બોયને જોઈ વત્સલ આશ્ચર્યચકિત થઇ ગયો. જાણીતા અક્ષરોએ એની ઉત્સુકતા બેવડાઈ. આજ ફ્રેન્ડશીપ ડે, જેની કાગાડોળે રાહ જોતો હતો એ અનિતા ખુદ તો ના આવી પણ સરપ્રાઈઝ આપવા કવર જરૂર મોકલ્યું. અનિતાએ કવરમાં પ્રપોઝ કર્યું જ હશે એમ માની ઉતાવળે ઉતાવળે કવર તોડી નાખ્યું. કવરમાંથી એક ચિઠ્ઠી અને પેકેટ નીકળ્યું. આશ્ચર્યથી એની આંખો પહોળી થઇ ગઈ, વાહ ..ફ્રેન્ડશીપ ડેની ગીફ્ટ પણ !
પેકેટ ખોલતા વીજળીનો આંચકો લાગ્યો હોઈ એમ એમણે તે નીચે નાખી દીધું ! એમને અચાનક સાંભર્યું કે આ…આ.. જ રક્ષાબંધન ? રાખડી. ?
ફ્રેન્ડશીપ બેલ્ટ ક્યાં ?
ઝડપથી ચિઠ્ઠી ખોલી.
‘પ્રિય, વત્સલ,
‘રાખડી જોઈ તારી હાલત શું થઇ હશે એ કલ્પી શકું છું. મજાક નથી કરતી પણ હું એક ખુદ મજાક થઇને રહી ગઈ છું. હા મારી સાથે કુદરતે ક્રૂર મજાક કરી છે. તું જેને ફૂલ સમજે છે એ ફૂલ નહિ પણ શૂળ છે. તારા સાચા પ્રેમના પાવન અભિષેકે મારી આંખો ખોલી નાખી છે. હું તને છેતરવા નથી માગતી, હા હું નથી સ્ત્રી કે નથી પુરુષ. હું તો એક કિન્નર છું. ધનિક બાપની આબરૂનાં કારણે મારે છોકરી બનીને જીવવું પડે છે.’
ચિઠ્ઠી સળગતી હોઈ એમ આંગળા દઝાડી ગઈ. એ ફસડાઈ પડ્યો.

– શૈલેષ પંડ્યા

૪૭. અક્ષ – શીતલ ગઢવી

“હે ડુડ. વ્હેર આર યુ? હમણાંથી મિત્રોની સાથે રમવા પણ નથી આવતો. એવરીથિંગ ઑકે! બધાં રમીએ ત્યારે તને બહુ મિસ કરીએ છીએ.”
“ઓહ યસ! થેન્ક યુ ફોન કરવાં બદલ. એક નાની તકલીફ થઈ છે. ડૉક્ટરનાં રિપોર્ટની રાહ જોવાય છે. બધાં મિત્રોને મારી યાદ આપજે. જલ્દી મળીએ.”
અક્ષ સારું ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવતો દત્તક લીધેલું બાળક હતો. એનાં પછી એ ઘરમાં પ્રગતિ થઈ હતી.એની સાથે એનો કઝીન ત્યાં જ રહી ભણતો હતો. હમણાંથી અક્ષને શરીરમાં તકલીફ લાગી રહી હતી. એનાં ઘરના બધાં એની તબિયતને લઈ ચિંતિત હતાં. એમાં એનો કઝીન વધુ રસ લઈ રહ્યો હતો.
“અચાનક આ શું થઈ ગયું. મને તમારી ખૂબ ચિંતા થાય છે. મારો હટ્ટો કટ્ટો ભાઈ આમ બિમાર! હું આવીશ તમારી સાથે ડૉક્ટર પાસે.”
“ના તું ઘેર રહે. મોમ ડેડ ને સાચવ. જે હશે એ હું કહીશ.”
એ પહોંચ્યો હોસ્પિટલ.
“ડૉક્ટર શું કહે છે રિપોર્ટ. મારે ક્યાં સુધી રમવા નથી જવાનું?”
એ વખતે ડૉક્ટર કોઈની સાથે હાથમાં એક કવર લઈ વાત કરી રહ્યાં હતાં. અક્ષનાં આગમનથી સાવ અજાણ!
એનાં અવાજથી વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું! એમને અચાનક સાંભર્યું કે “શૈતાન કો યાદ કિયા ઔર શૈતાન હાજીર..”

– શીતલ ગઢવી

 


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૯ (૪૭ વાર્તાઓ) – સંકલિત

  • Ansuya Dessai

    એક એક સુંદર માઇક્રોફિક્શન વાર્તાઓ પ્રસ્તુત કરવાનો પ્રયાસ ખુબ સ્તુત્ય છે….
    મારી બે વાર્તાઓનો સમાવેશ થયો એનો મને ખુબ આનંદ છે…આભાર
    જીગ્નેશભાઈ ! મારી અનેક હાર્દિક શુભકામનાઓ ..

  • Neeta kotecha

    Badhi varta vachva ma aanand thayo. Aa group sathe jodaine ganu sikhva maliyu che. Mane bharoso nahoto k hu pan laghukatha lakhi sakish.. mari varta ne sthan aapva mate aapno khub khub aabharm.

  • gopal khetani

    ફરીવાર આ બધી રચનાઓને માણવાની મજા આવી. ફરી આભાર જિગ્નેશભાઇ આવું રચનાત્મક પ્લેટફોર્મ પુરુ પાડવા બદલ. અને હા , દરેક રચના મન-સ્પર્શી છે.