માઈક્રોફિક્શન વાર્તા એટલે શું? – જીજ્ઞેશ અધ્યારુ 13


Sarjan magazine first issue front pageઆપણી વાંચવાની ટેવ, સર્જનના પ્રકારો અને સાહિત્ય – એ બધુંય એકસાથે ટેકનોલોજીના પ્રભાવ હેઠળ સતત બદલાઈ રહ્યું છે, આપણને જાણ હોય કે ન હોય પણ છેલ્લા પંદર વર્ષમાં ઈ-પુસ્તકો, વેબસાઈટ્સ, મોબાઈલ એપ્લિકેશન્સ અને સોશિયલ મીડિયાએ આપણી વાંચનની ટેવમાં ધરમૂળથી પરિવર્તન કર્યું છે, અને એને લીધે લેખનની પ્રક્રિયાઓ પણ ચોક્કસ બદલાવાની જ, સાહિત્યપ્રકારો અને સાહિત્ય સર્જનના માળખામાં પરિવર્તન અવશ્યંભાવી છે.. સર્જનના બદલાવની આ પ્રક્રિયામાં અત્યંત ઝડપથી ફેલાઈ રહેલો વાર્તાપ્રકાર છે ફ્લેશ ફિક્શન કે માઈક્રોફિક્શન.

માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ અંગ્રેજીમાં ખૂબ લાંબા સમયથી ચાલી આવતું, પ્રચલિત અને અનોખું સ્વરૂપ છે, અંગ્રેજીમાં તેને ફ્લેશ ફિક્શન પણ કહે છે. વિકિપીડિયા મુજબ ખૂબ ટૂંકાણમાં વાર્તાકથનનો આગવો પ્રકાર છે માઈક્રોફિક્શન, પણ તેની લંબાઈ વિશે કોઈ સ્પષ્ટ અવધારણાઓ કે નિયમો પ્રચલિત નથી. મહદંશે ૩૦૦ અને ઘણી વખત ૫૦૦ શબ્દો સુધીની મર્યાદા ધરાવતી વાર્તાઓને અંગ્રેજી સાહિત્યમાં માઈક્રોફિક્શન ગણવામાં આવે છે, ચીનમાં તેને ‘સ્મોકીંગ લોંગ’ કહેવાય છે, મતલબ કે તમારી સિગારેટ પૂરી થાય એ પહેલા વાર્તા વંચાઈ જવી જોઈએ, વળી તેને ‘પામ સાઈઝ’ વાર્તા પણ કહેવાય છે. તેના અન્ય નામોમાં પોસ્ટકાર્ડ, ક્વિક, ફ્યૂરીયસ, પોકેટસાઈઝ કે મિનિટ લોંગ ફિક્શન પણ કહેવાય છે.

સદીઓથી માઈક્રોફિક્શન અનેક નામરૂપ આપણી વચ્ચે છે, બોધકથાઓ, દંતકથા કે પુરાણકથાઓ, બાળકવિતાઓ, કહેવતો, ટૂચકા, રૂઢિપ્રયોગો કે ચબરાકીયાં વગેરે એક કે બીજી રીતે માઈક્રોફિક્શનના જ પ્રકારો ગણી શકાય અને એ રીતે પંચતંત્રની કથાઓ, ઈસપની બોધકથાઓ, જૈનકથાઓ, ઝેનકથાઓ, મુલ્લા નસરુદ્દીનની કે અકબર-બિરબલની વાતો એક રીતે માઈક્રોફિક્શન જ ગણાવી જોઈએ. ઇટાલી, જાપાન, અમેરિકા અને યુરોપમાં માઈક્રોફિક્શનનો ઈતિહાસ ખૂબ રસપ્રદ અને વિશદ છે, જેની વાત ફરી ક્યારેક કરીશું.

છ શબ્દોથી પાંચસો શબ્દોની બંધારણીય મર્યાદા અંગ્રેજી માઈક્રોફિક્શન લેખકો સૂચવે છે. સંક્ષેપમાં હોવા છતાં એ એક આખી વાર્તા છે. રૂઢીગત વાર્તાપ્રકારની જેમ અહીં પણ વાર્તાના એક કે તેથી વધુ તત્વો ઉપસ્થિત હોય જ છે, પાત્રોની વચ્ચે ખટરાગ, કપરા સંજોગોમાં સંઘર્ષ કરતું મુખ્ય પાત્ર કે તેને રોકતો ખલનાયક, આંટીઘૂંટી ભરી રચનાઓ, વાચકના મનને હલબલાવી મૂકે એવો અંત, ખૂબ ઓછા શબ્દોમાં ઘણુંબધું સમજી શકાય એવી વૈકલ્પિક વિવેચના વગેરે માઈક્રોફિક્શનના એક કે તેથી વધુ તત્વો હોઈ શકે પણ શબ્દસંખ્યા સિવાય બીજુ કાંઈ પણ માઈક્રોફિક્શનને બાંધી શક્તું નથી.

અંગ્રેજીના પ્રખ્યાત માઈક્રોફિક્શન લેખક ડેવિડ ગેફની તેમની પોસ્ટમાં કહે છે, માઈક્રોફિક્શન વાર્તામાં તમને પાત્ર કે દ્રશ્ય ઉભું કરવાની જગ્યા મળવાની નથી, એકથી વધુ પાત્રોની, તેમના નામની કે તેમને વિકસાવવાની જરૂરત પણ અહીં ત્યારે જ પડે છે જો એ વાર્તાના મુખ્ય હેતુને બળ આપતા હોય, ઉપરાંત વાર્તાનો અંત તેના અંતિમ વાક્યમાં જ ન આવે, આખી વાર્તા ફક્ત અંત માટે જ ન લખાઈ હોય એનું પણ ધ્યાન રાખવુ જોઈએ કારણ કે અહીં તમે એવું ભયસ્થાન ઉભું કરો છો કે વાચક વાર્તાના અંત સુધી પહોંચે ત્યાં સુધી એ વાર્તા સાથે જોડાતો નથી અને અંતે વાર્તા સાથે સેતુ સાધી અને તરત જ એ તોડી નાખે એ પ્રકારની રચના બને, વાચક પ્રથમ શબ્દોથી જ વાર્તા સાથે સંકળાઈ જવો જોઈએ અને અંતિમ શબ્દ પછી એ વાર્તા સાથે નવેસરથી સંકળાવો જોઈએ.

જેને આપણે ક્લાઈમેક્સ કહીએ છીએ એ વાર્તાની પૂર્ણતાના લગભગ બે વાક્યો પહેલા આવવો જોઈએ. આથી એ બાકી રહેલી લંબાઈ વાંચે ત્યારે વાર્તામાંના પાત્રએ કે ઘટનાએ લીધેલા વળાંક સાથે વાચક સંમત કે અસંમત થઈ શકે એવો સમય તેને મળે, પણ આ સૂચન કોઈ બંધન નથી. અને વાર્તાનું અંતિમ વાક્ય એવું હોવું જોઈએ જે વાચકને એ વાર્તાપ્રવાહના શક્ય એવા અનેક વિકલ્પો તરફ વિચારતો કરી મૂકે અથવા એ વાક્ય પાત્રોએ લીધેલા નિર્ણય અથવા ઘટના વિશે વાચકને નવી દ્રષ્ટિથી વિચારતો કરી મૂકે. અંતિમ વાક્ય આખીય માઈક્રોફિક્શનને વાચકના માનસમાં ગૂંજતી કરી શકે એવું હોવું જોઈએ, પણ ચમત્કૃતિથી વાચકને આંજી નાખવાનો નથી.. વાર્તાનું સત્વ ફક્ત ક્લાઈમેક્સમાં ન હોય એ પણ જોવું જરૂરી બની રહે છે.

માઈક્રોફિક્શન પોતે એક વાર્તા હોવા છતાં તેમાં એક નવલિકા કે નવલકથા બનવાની ક્ષમતા હોવી ઇચ્છનીય છે કારણ કે તો જ તમે લખેલી વાત તેના હાર્દને પામી શક્શે, આ માટે અંગ્રેજી માઈક્રોફિક્શન લેખકો કોઈ પ્રસ્થાપિત શબ્દમર્યાદાને પકડી રાખવાને બદલે લંબાણથી લખવાની શરૂઆત કરી તેને ટૂંકાવતા જવું જોઈએ એમ સૂચવે છે. આ વાર્તાપ્રકાર તમને પોતાને પોતાના સર્જન માટે એડીટર બનવાનો અવસર આપે છે.

શબ્દોની પસંદગી ફ્લેશફિક્શનનું સૌથી અગત્યનું પાસું છે. મહત્તમ જરૂરત ધરાવતા લઘુત્તમ શબ્દો એ મારા મતે ફ્લેશ ફિક્શનની અનૅટમિ છે. એક અતિશય નાના દોરા પર શબ્દોના મોતી મૂકીને માળા બનાવવાની છે. મોતી અગત્યના હોવા જોઈશે, ઓછા હોવા જોઈએ અને ખૂબ સરસ ગૂંથાયેલા હોવા જોઈએ.

માઈક્રોફિક્શનમાં જોવાયું છે કે તેનું મૂળભૂત હાર્દ વાચકને વાર્તાપ્રવાહ સાથે લઈ જતું હોય ત્યારે જે દિશામાં વાચક આગળ વિચારતો હોય તેનાથી વિપરીત દિશામાં જતું હોવું જોઈએ, સામાન્ય રીતે કલ્પી શકાય એ પ્રકારની ન હોવી જોઈએ. આમ કરવાથી એ વાચકને વાર્તામાં વધુ રસ લેતો કરી શક્શે.

અને આખરે… વાર્તાસર્જન માટે અનેક સલાહસૂચન હોઈ શકે, પણ દરેક સર્જન પોતાનામાં એક અનોખી ભાત લઈને અવતરે છે, એટલે મૂળભૂત સર્જનાત્મકતાને તોલે કોઈ બંધનો આવતા નથી.

જાણો છો વિશ્વની સૌથી નાની માઈક્રોફિક્શન અર્નેસ્ટ હેમિંગ્વેએ લગભગ એક સદી પહેલા લખી હતી.. જાણીતા બ્રિટિશ સાયન્સફિક્શન લેખક આર્થર ક્લાર્ક એ પ્રસંગને યાદ કરતા લખે છે, હેમિંગ્વે અને સાથી લેખકો બપોરનું ભોજન કરવા એક રેસ્ટરૉમાં ગયેલા જ્યાં હેમિંગ્વેએ મિત્રલેખકો સાથે $૧૦ની શરત લગાડી કે તેઓ છ શબ્દોમાં એક આખી વાર્તા લખી શકે છે.. એક પાત્રમાં પૈસા ભેગા કરાયાં, પેપરનેપ્કિન પર હેમિંગ્વેએ લખ્યું,

“For sale: baby shoes, never worn”

અને તેઓ શરત જીતી ગયા. આ વાર્તા માઈક્રોફિક્શન લેખન માટેનું સૌથી ઉત્તમ ઉદાહરણ મનાય છે, અને તેનો આધાર છે મે ૧૬, ૧૯૧૦ના ધ સ્પોકેન પ્રેસમાં આવેલો આ લેખ.

તો સૌથી ટૂંકી હોરર માઈક્રોફિક્શન વાર્તા ફક્ત ૧૭ શબ્દોની છે? અને છતાંય એ અનેક સ્પંદનો જગાવી શકે છે.. એ વાર્તા છે ફ્રેડરીક બ્રાઉનની ‘નૉક’ જે ડિસેમ્બર ૧૯૪૮માં પ્રસિદ્ધ થઈ હતી… એ છે…

‘The last man on Earth sat alone in a room. There was a knock on the door.’

હવે થોમસ બ્રેડલી એડ્રીચની આ વાત જુઓ જેના આધારે ઉપરોક્ત વાત લખાઈ..

Imagine all human beings swept off the face of the earth, excepting one man. Imagine this man in some vast city, New York or London. Imagine him on the third or fourth day of his solitude sitting in a house and hearing a ring at the door-bell!

તો પ્રચલિત અમેરિકન માઈક્રોફિક્શન લેખિકા અને બૂકર પ્રાઇઝ વિજેતા લિન્ડા ડેવિસની Spring Spleen શીર્ષક ધરાવતી ખૂબ પ્રચલિત વાર્તા છે,

I am happy the leaves are growing large so quickly.
Soon they will hide the neighbour and her screaming child.
– (The Collected Stories of Lydia Davis)

કે ટિફની શ્લેઈનની થોડામાં ઘણું કહેતી છ શબ્દોની વાર્તા..

Dad’s funeral, daughter’s birth, flowers everywhere.

સર્જનમાં ખૂબ સહેલું લાગતું હોવા છતાં ખૂબ વિચાર માંગી લે તેવું અને મુશ્કેલ વાર્તાસ્વરૂપ એટલે માઈક્રોફિક્શન… જે વર્ણન નવલકથામાં લખવા એક લેખક અનેક પાનાંઓ ભરી શકે તે અહીં અડધા વાક્યમાં સમાવવાનો ઉદ્દેશ હોય છે. આજના સમયમાં આ પ્રકારના પ્રસારનું અગત્યનું કારણ છે સોશિયલ મીડિયા, જેની સાથે ટૂંકાણમાં પણ સમગ્ર વાર્તાની મજા આપતો આ પ્રકાર ખૂબ પ્રચલિત થયો છે. ટ્વિટર પર છ શબ્દોની વાર્તાથી લઈને ૧૪૦ અક્ષર સુધીની વાર્તા ખૂબ ચલણમાં છે, અનેક અંગ્રેજી બ્લોગર્સ ફક્ત માઈક્રોફિક્શન પર તેમના લેખનની કારકિર્દી બનાવી રહ્યાં છે. લાંબુ લખવું એ એક વહેણની સાથે વહેતા રહેવા સમાન સર્જનપ્રકાર છે, જ્યારે માઈક્રોફિક્શન ધોધમાર વહેણની સામે પાળો બનાવી તેને સંગ્રહ કરવાની પ્રવૃત્તિ જેવો સર્જનપ્રકાર કહી શકાય. એક સિવિલ એન્જીનીયરને આમ પણ કયું બીજુ ઉદાહરણ યાદ આવે?

આજના ફેસબુક અને વોટ્સએપના સમયમાં વાર્તાકથનનો આ પ્રકાર ખૂબ ઉપર્યુક્ત છે, દોડધામ અને તણાવભર્યા સમયમાં આ વાર્તાઓ થોડીક જ મિનિટોમાં વાચકને સાહિત્યનો સ્વાદ આપી જાય છે. અને કદાચ એટલે જ એ ખૂબ ઝડપથી પ્રચલિત પણ થઈ રહ્યો છે.

સર્જકની જે મુશ્કેલી છે એ જ માઈક્રોફિક્શન વાચકની જરૂરત છે, સર્જકની મહેનત અને વિચારવલોણું વાચકને થોડામાં ઘણું માણવાનો અવસર આપે છે, અને એટલે જ કદાચ એક સારી માઈક્રોફિક્શન વાર્તા બિંદુમાં સિંધુની જેમ એકસાથે ઘણુંય લઈને આવે છે ને વાચકને એ રસતરબોળ કરી મૂકે છે.. ગુજરાતીમાં પણ ‘સર્જન’ ગૃપ અનેક માઈક્રોફિક્શન અને છ શબ્દોની વાર્તા લખી રહ્યું છે. સર્જન સામયિકનો મૂળ હેતુ આ પ્રકારને વિકસાવવાનો અને સર્જકોને એ લખવા પ્રેરવાનો જ છે. આ પ્રકારમાં અનેક શક્યતાઓ છે, અનોખા સર્જન માટેનો પડકાર અને આહ્વાન છે, અને આપણી ભાષામાં એનું ભાવિ ઉજ્જવળ છે.

– જીજ્ઞેશ અધ્યારૂ

(સર્જન સામયિકના પ્રથમ અંક, ઑગસ્ટ ૨૦૧૬ના અંકમાંથી સાભાર. આ આખો અંક તદ્દન નિઃશુલ્ક અહીં ક્લિક કરીને કોમ્પ્યુટર અથવા મોબાઈલ માટે ડાઊનલોડ કરી શકાય છે. પ્રસ્તુત લેખ આ પહેલા લખાયેલા આ જ વિષય પરના મારા લેખનું વિસ્તૃત સ્વરૂપ છે.)


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “માઈક્રોફિક્શન વાર્તા એટલે શું? – જીજ્ઞેશ અધ્યારુ

 • varsha tanna

  નમસ્તે,

  સર્જન માઈક્રોફિક્શન વાર્તામાં ભાગ લેવા શું કરવું? થોડું માર્ગદર્શન આપશો.

  આભાર સાથે

 • મામતોરા રક્ષા

  માઈક્રોફિક્શન વાર્તાનું સ્વરૂપ સમજાવતો સુંદર લેખ , દરેક નવા લખકો જે માઇક્રોફિક્શન લખવા માગતા હોય તેને આ લેખ ખરેખર ઉપયોગી થશે. ખૂબ- ખૂબ આભાર જીજ્ઞેશભાઈ .

 • Suresh Trivedi

  સરસ માહિતીપ્રદ લેખ. ધન્યવાદ.
  એક રીતે જોતાં માઈક્રોફિક્શન વાર્તાઓ એ અપદ્યાગદ્ય કાવ્યનું જ એક સ્વરૂપ હોય તેવું લાગે છે. કદાચ ‘હાઇકુ’ ને પણ મળતું આવે. જોકે ઓછામાં ઓછા શબ્દોમાં સચોટ રીતે કોઈ વાત વ્યક્ત કરવી પણ એક કળા છે. અને તે સાધ્ય થઇ હોય તો જ અસરકારક માઈક્રોફિક્શન વાર્તા રજુ કરી શકાય.

  -સુરેશ ત્રિવેદી

 • Subodhbhai

  “માઈક્રોફિક્શનમાં જોવાયું છે કે તેનું મૂળભૂત હાર્દ વાચકને વાર્તાપ્રવાહ સાથે લઈ જતું હોય ત્યારે જે દિશામાં વાચક આગળ વિચારતો હોય તેનાથી વિપરીત દિશામાં જતું હોવું જોઈએ, સામાન્ય રીતે કલ્પી શકાય એ પ્રકારની ન હોવી જોઈએ. આમ કરવાથી એ વાચકને વાર્તામાં વધુ રસ લેતો કરી શક્શે.”

  શ્રી જીગ્નેશભાઈ , આ ખુબ જ અગત્યની વાત આપે કહી છે . અને જ્યારે-જયારે પણ 15 [પંદર] 25
  પચ્ચીસ કે પાંત્રીસ જેટલી વાર્તાઓ એક ” વિષય” કે વાત પર લખવાનું આવે ત્યારે આ અતિ જરૂરી વાત નું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. અને ઘણી વખત તે વિસરાઈ જાય છે. તો પસંદગી કરી ને જો સામેલ કરવામાં આવે તો આ સ્થંભ ઘણો જ મજબૂત સાબિત થયી જશે.

 • કિશોર પટેલ

  ઘણો જ ઉપયોગી અને માહિતીપ્રદ લેખ છે. જીજ્ઞેશભાઈ, આભાર અને અભિનંદન!

 • Ravi Dangar

  માઈક્રોફિક્શન વાર્તાનું સ્વરૂપ, વિકાસ અને વિભાવના એકદમ સ્પષ્ટ કરી આપ્યા જિજ્ઞેશભાઈ

  આભાર.