શું અત્યારે ગુજરાતી સિનેમાનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે? આજકાલ ગુજરાતી સિનેમા, નાટક અને મીડિયા સાથે જોડાયેલા લોકોમાં આ પ્રકારની વાતો ચાલી રહી છે. પરંતુ તેનો સીધો અને સરળ જવાબ છે, ‘ના’. વર્ષ ૨૦૧૨માં આવેલી અભિષેક જૈનની ફિલ્મ ‘કેવી રીતે જઈશ’થી લઈને અત્યાર સુધી ઘણી બધી ગુજરાતી ફિલ્મ્સ રિલીઝ થઇ છે પરંતુ તે પૈકી માત્ર પાંચ કે છ ફિલ્મો બોક્સ ઓફીસ પર સફળ થઇ છે જેમાં ‘બે યાર’, ‘છેલ્લો દિવસ’, ‘લગે રહો ગુજ્જુભાઈ’ અને ‘થઇ જશે’ ફિલ્મનો સમાવેશ થાય છે. ફિલ્મ ‘છેલ્લો દિવસ’ની અપાર સફળતા બાદ આજકાલ ગુજરાતી ફિલ્મ્સ બનાવવા માટે જાણે લાઈન લાગી છે અને તે પૈકીના મોટાભાગના ફિલ્મમેકર્સ ‘છેલ્લો દિવસ’ જેવી અથવા તે કક્ષાની કોમેડી ફિલ્મ બનાવવા માટે મેદાનમાં ઉતર્યા છે.
એક આંકડા મુજબ આવતા વર્ષ સુધીમાં લગભગ ૧૫૦ કરતા વધુ ગુજરાતી ફિલ્મ્સ તૈયાર થવા જઈ રહી છે જેનો મતલબ એ છે કે હાલ ગુજરાતી ‘અર્બન’ સિનેમામાં ફુગાવાનો સમય ચાલી રહ્યો છે. હવે વાત જરા આ ‘અર્બન’ ગુજરાતી સિનેમા નામના લેબલ અંગેની તો ગુજરાતી સિનેમા બે ભાગમાં વહેંચાયેલું છે.
એક તો જે અત્યારે ચાલી રહ્યું છે તે, ‘અર્બન’ સિનેમા કે જેમાં શહેરી સંસ્કૃતિને અને મહદંશે શહેરી પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવેલી મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થતી ફિલ્મ્સ,
અને બીજું છે ‘રૂરલ’ સિનેમા કે જેમાં ગ્રામીણ પરિવેશને, સંસ્કૃતિ અને તેને લગતી વાતોને, સમસ્યાઓને કે ગાથાઓને રજૂ કરવામાં આવતી અને એક ચોક્કસ સમુદાય માટે તૈયાર કરવામાં આવતી, મલ્ટીટીપ્લેક્સમાં જવલ્લે જ ચાલતી પણ ગ્રામ્ય વિસ્તારોમાં ધૂમ મચાવતી ગુજરાતી ફિલ્મ્સ.
આપણા દેશમાં બીજા કોઈપણ રાજ્યમાં તમને આ પ્રકારે પ્રાદેશિક સિનેમા બે ભાગમાં વહેંચાયેલું જોવા નહિ મળે કે જે આજકાલ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. પ્રાદેશિક સિનેમાનો અર્થ જ એ છે કે તેમાં જે તે રાજ્ય અને ભાષાના લોકોની સંસ્કૃતિ અને તેમની રહેણીકરણીનો સંગમ હોય તો પછી તમે તેને આ રીતે બે ભાગમાં કેવી રીતે વહેંચી શકો? આપણા દેશમાં દર વર્ષે યોજાતા રાષ્ટ્રીય પુરસ્કારોમાં પ્રાદેશિક સિનેમાની ફિલ્મ્સને હિન્દી ફિલ્મ્સ એટલે કે બોલીવૂડથી અલગ રીતે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવે છે અને તેમાં ગુજરાતી સિનેમા હજુ સુધી પોતાનું સ્થાન જમાવી શક્યું નથી. આ વર્ષે યોજાયેલા ૬૩માં રાષ્ટ્રીય પુરસ્કારોમાં પ્રાદેશિક ભાષામાં શ્રેષ્ઠ ફિલ્મની શ્રેણીમાં ક્યાંય ગુજરાતી સિનેમાને સ્થાન જ નથી અને આ સિવાય જે ભાષાની ફિલ્મ્સને આ પુરસ્કાર પ્રાપ્ત થયા છે તેમાં અસમ, બંગાળી, બોડો, હિન્દી, કન્નડ, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણીપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ અને તેલુગુ ભાષાનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય ભાષાની શ્રેષ્ઠ ફિલ્મ્સની શ્રેણીમાં હરિયાણા, ખાસી, મિઝો અને વાંચો ભાષાનો સમાવેશ થાય છે.
વર્ષ ૨૦૧૩માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘ધ ગૂડ રોડ’ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો પણ તે ફિલ્મની ખૂબ ટીકા કરવામાં આવી હતી. અત્યાર સુધી અલ્પ સંખ્યામાં ગુજરાતીને ફિલ્મ્સને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા છે. આપણે જાણીએ છીએ છે કે સિનેમા એ મનોરંજનનું સાધન છે પણ આપણા દેશમાં પ્રાદેશિક ફિલ્મ્સમાં હંમેશાથી સામાજિક મુદ્દાઓની સાથે મનોરંજન રજૂ કરવામાં આવે છે. આ સિવાય સમાનાંતર સિનેમાના સમયમાં પણ સામાજિક અને અન્ય મુદ્દાઓને રજૂ કરતી આર્ટ હાઉસ ફિલ્મ્સમાં કન્નડ, તમિલ, મલયાલમ, બંગાળી, તેલુગુ, મરાઠી અને અન્ય ભાષાની ફિલ્મ્સનું યોગદાન રહેલું છે અને આ સાથે કેતના મહેતાની ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’નું નામ પણ તેમાં સામેલ છે. આપણે જોઈએ તો પ્રાદેશિક સિનેમાની એક એ પણ ખૂબી રહેલી છે કે તેઓ પોતાની ભાષાની સાહિત્યકૃતિ પરથી પણ ફિલ્મનું નિર્માણ કરતા હોય છે જ્યારે ગુજરાતી ભાષામાં તો માત્ર અને માત્ર કોમેડી પ્રકારની જ ફિલ્મમાંથી પૈસા મળતા હોવાને કારણે સાહિત્ય આધારિત ફિલ્મ બનાવવાનું કોઈ સાહસ પણ કરતુ નથી.
આપણે એ ભૂલવું જોઈએ નહિ કે ગત વર્ષે રિલીઝ થયેલી અને સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘બાહુબલી’ એ મૂળ તેલુગુ ભાષાની ફિલ્મ છે. એટલે આજકાલ માત્ર આર્ટ હાઉસ સુધી સીમિત નહિ રહેતા પ્રાદેશિક ભાષાની ફિલ્મ વ્યવસાયિક ધોરણે અપાર સફળતા મેળવી રહી છે. આજકાલ ટેલિવિઝન પર પણ સૌથી વધુ પ્રમાણમાં હિન્દી ભાષામાં ડબ થયેલી તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાની એક્શન પેક્ડ ફિલ્મ્સ જોવા મળે છે. એ પ્રકારે જોવા જઈએ તો ગુજરાતી ભાષાની ફિલ્મ્સ એ આપણા દેશમાં અન્ય ભાષાની ફિલ્મ્સની સરખામણીમાં જોજનો દૂર છે.
ગુજરાતી સિનેમામાં સૌથી મોટી સમસ્યા છે તેમાં જોવા મળતો પ્રયોગોનો અભાવ. ગત વર્ષે ફિલ્મ ‘છેલ્લો દિવસ’ સફળ થઇ એટલે હવે તે પ્રકારની વાર્તા અને કોમેડી તેમજ તે ફિલ્મ સાથે સંકળાયેલા લોકો સાથે ફિલ્મ બનાવવા માટે પ્રોડ્યુસર અને દિગ્દર્શકોની સંખ્યાએ હરણફાળ ભરી છે. પરંતુ માત્ર આંકડાકીય દ્રષ્ટિએ વધુ ફિલ્મ્સનું નિર્માણ કરવાથી તેની ગુણવત્તામાં સુધારો જોવા મળતો નથી તેના માટે વિવિધ પ્રકારના પ્રયોગ પણ કરવા પડે અને ફિલ્મ નિર્માણ પ્રક્રિયામાં સંકળાયેલ વિવિધ ક્ષેત્રમાં નવા લોકોને તક આપવી પણ એટલી જ જરૂરી છે. ગુજરાતી ‘રૂરલ’ ફિલ્મ્સ વ્યવસાયિક રીતે સફળ છે છતાં પણ તે ફિલ્મ્સને મલ્ટીપ્લેક્સમાં સ્થાન કેમ મળતું નથી તે પણ એક પ્રશ્ન છે. અત્યારે રિલીઝ થઇ રહેલી ગુજરાતી ‘અર્બન’ ફિલ્મ્સમાં ક્યાંય પણ માનવીય સંવેદનાનો તંતુ સરખો પણ જોવા મળતો નથી જ્યારે કોઈપણ ફિલ્મની વાર્તા અને તેના પાત્રોમાં માનવીય સંવેદનાનો સેતુ બંધાવો ખૂબ જરૂરી હોય છે. ગુજરાતી સિનેમા સામે અત્યારે ખૂબ જ પ્રશ્નો છે અને તે વિષે ચર્ચા કરવી પણ એટલી જ જરૂરી છે નહિ તો આ કુપોષિત ગુજરાતી સિનેમાનું બાળમરણ પણ નિશ્ચિત છે.
– નિલય ભાવસાર
વાહ નિલય. સારું , નીડર વિશ્લેષણ.
આભાર સાગર
અત્યાર સુધીમાં આવેલ આ તમામ “અર્બન ” ફિલ્મો માટે “વાહિયાત” થી અન્ય કોઈ વિશેષણ યાદ આવતું નથી. પાઘડા અને ધોતિયા ને જીન્સ વડે રિપ્લેસ કરી દેવાથી શું રૂરલ ફિલ્મ અર્બન બની જાય? આ આખાય બેન્ડવેગન માં કોઇપણ હાલી મવાલી (ટોમ,ડીક અને હેરી) જોડાઈ જાયછે.જેમને નથી કોઈ ફિલ્મ મેકિંગની ગતાગમ કે નથી કોઈ ટેસ્ટ. હવેતો એમ લાગેછેકે ગામડાની પાળિયા વાળી ફિલ્મો સાત દરજ્જે સારી હતી.
યોગેન ભાઈ તમારી વાત સાથે હું બિલકુલ સહમત છું. ગુણવત્તા સાથે કોઈ લેવાદેવા નથી અને માત્ર જલસા કરવા છે અને પૈસા કમાઈ લેવા છે. આપણા દેશના અન્ય પ્રાદેશિક સિનેમા કરતા આપણે ૧૦૦ વર્ષ પાછળ છીએ.
નવોદિત ફિલ્મ મેકર અને બ્લોગર મિત્ર શ્રી રિતેશ મોકાસણા અને યુવરાજ જાડેજાએ બનાવેલી ગુજરાતી ફિલ્મ
https://www.youtube.com/watch?v=D1F3KnolPTo
અતિશય ખરાબ ફિલ્મ હતી આ અને તેમાં મારી મિત્ર તિલ્લાના દેસાઈએ અભિનય કર્યો હતો. આ ફિલ્મ સમય અને પૈસાનો બગાડ છે.
Very informative. I didn’t know, surprised. Liked it. Thanks.
ખુબ સરસ વિવેચન.. આપની વાત સાથે સહમત.. આમ પણ ગુજરાતી ચલચીત્ર યાત્રા ગાડરીયો પ્રવાહ જ બની છે.. કહેવાતી અર્બન કોમેડી ફિલ્મો પહેલા ગુજરાતી બાયોપીકનો રાફડો ફાટ્યો હતો… બે નાળચા વાળી બંદુક અને ઘોડા પરથી થોડા આગળ વધ્યા બાદ..નાયકો રિક્ષા અને લારી ચલાવતાં થયાં અને તલવાર પર ઉતરી આવ્યા.. વચ્ચે થોડાં સારા પ્ર્યત્નો થયેલા.. પણ ગુજરાતી સિેનેમાથી એ વખતે વિમુખ થયેલી પ્રજાએ ત ફિલ્મોને આવકારી નહી… પણ આશા અમર છે… સારી ફિલ્મો બનશે… સારા પ્રેક્ષકો પણ આવશે ! અને તમારો અનુસંધાન લેખ પણ.
આભાર