દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૬) – નીલમ દોશી 4


પ્રકરણ ૬ – અનિકેત ગયો…?

“ચાલ્યા ગયા સમયની ખરી ગઇ છે કોઈ ક્ષણ
રહી રહી તે પાંપણોમા હવે પાંગર્યા કરે.”

Dost Mane Maaf Karish ne

ઇતિ અને અનિકેતનું કોલેજનું આ છેલ્લું વરસ હતું. કોલેજમાં દર વરસની જેમ વાર્ષિક કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી. ઇતિને રાજા દુષ્યંતના વિરહમાં ભટકતી, પ્રતીક્ષા કરતી શકુંતલાનો ડાન્સ કરવાનો હતો. આમ પણ ભારતનાટયમમાં તે કુશળ હતી. તેનું આરંગેત્રમ કયારનું પૂરું થઇ ગયું હતું. હવે તે આ ડાન્સની પ્રેકટીસમાં વ્યસ્ત હતી. અનિકેતે એક નાટકમાં ભાગ લીધો હતો. શેણી વિજાણંદની નૃત્યનાટિકામાં અનિકેત વિજાણંદનું પાત્ર કરતો હતો. બંનેની પ્રેકટીસ પૂરજોશમાં ચાલી રહી હતી.

અંતે કાર્યક્રમનો દિવસ આવી પહોંચ્યો. દુષ્યંતના વિરહમાં ભટકતી શકુંતલા આશ્રમના વૃક્ષોને, પુષ્પોને, વેલીઓને, હરણના બચ્ચાને… એમ દરેકને પૂછતી રહે છે. વિરહીણીની એ અવસ્થાને ઇતિએ એવી સુંદર રીતે વ્યકત કરી કે દરેક પ્રેક્ષકોની આંખ ભીની બન્યા સિવાય રહી નહીં. તો વિજાણંદના પાત્રમાં ‘શેણી ..શેણી’ કરતો વિજાણંદ હેમાળો ગાળવા નીકળે છે ત્યારે તેના અભિનયમાં જાન રેડી અનિકેતે બધાને રડાવ્યે જ છૂટકો કર્યો. વિજાણંદની વ્યથા જોઇ ઇતિના ડૂસકાં તો શમવાનું નામ નહોતાં લેતાં.

કાર્યક્રમમાં બંનેએ ઇનામ મેળવ્યા. પ્રોગ્રામ પૂરો થયા બાદ તે રાત્રે ઘેર જતી વખતે બંને મૌન હતા. કદાચ શું બોલવું તે બેમાંથી કોઇને આજે સમજાતું નહોતું. બંનેના ભાગે વિરહનો અભિનય કરવાનું કેમ આવ્યું હતું. આ શું કાળદેવતાનો કોઇ ગૂઢ સંકેત હતો? હવે પછી આવનાર સમયની કોઇ એંંધાણી હતી? સમયના સંકેતો સમજવા, તેના તાણાવાણા ઉકેલવા કયાં આસાન હોય છે?

‘અરૂપ, તે દિવસે ડાન્સમાં હું શકુંતલા બની હતી.. અને અનિકેત નાટકમાં વિજાણંદ બનેલ. અને અમારા બંનેના અભિનયે બધાને રડાવ્યાં હતાં.’ એકવાર કોઇ કાર્યક્રમની વાત નીકળતા ઉત્સાહમાં આવી જઇ ઇતિએ અરૂપને કહેલું.

‘મને તો સારા ઘરની છોકરીઓ આવા કોઇ આલતું ફાલતું પ્રોગ્રામમાં ભાગ લે તે જ ન ગમે.’

‘પણ અરૂપ, એ કંઇ કોઇ આલતું ફાલતું પ્રોગ્રામ નહોતો. અમારી કોલેજનો વાર્ષિક કાર્યક્રમ હતો. અને અનિકેતે વિજાણંદના પાત્રમાં જાન રેડી દીધો હતો.’

‘મને તો એવા નાટકિયા માણસો…’ વાકય પૂરું કરતાં પહેલાં અરૂપથી ઇતિ સામે જોવાઇ ગયું અને પછી ઇતિની આંખો સામે જોઇને કે ગમેતેમ તેણે એ વાકય પૂરું ન કર્યું. અને ઇતિ પણ પછી આગળ કશું ન બોલી.

અંતરમાં કોઇ ઉઝરડો પડ્યો કે કેમ એની જાણ પણ કદાચ ન થઇ. અરૂપને ગમે તે સાચું. એ હદે ઇતિએ અરૂપમાં પોતાની જાત ઓગાળી નાખી હતી. જોકે ક્યારેક થોડી ખિન્નતા તે જરૂર અનુભવતી. પણ એ સિવાય બીજી કોઇ ભાવના, રોષ તેનામાં જન્મતો નહીં. ઇતિ કદાચ વધુ પડતી સરળ હતી. આ જમાનાને અનુરૂપ તે નહોતી કે શું?

ફરી દ્રશ્ય બદલાયું.

કોલેજના પ્રોગ્રામમાં તો તે દિવસે વિરહનો અભિનય જ કરેલ હતો. પરંતુ… હવે વાસ્તવિક જીવનમાં પણ તેનો સાચો અનુભવ કરાવવા કાળદેવતા જાણે તૈયાર થયા હતા કે શું? સમય જેવો કઠોર કે સમય જેવો મૃદુ પણ અન્ય કોણ હોઇ શકે? ઇતિ, અનિકેતના જીવનમાં વિધાત્રીએ એવી કોઇ ક્ષણ લખી હતી કે શું?

કાળ જયારે કરવટ બદલે છે ત્યારે તેનો સળવળાટ ભલભલાના જીવનમાં ઉથલપાથલ મચાવી દે છે. એ સત્યથી કોઇ અજાણ નથી હોતું. અને છતાં જયાં સુધી જાતે અનુભવ ન થાય ત્યાં સુધી બેપરવા બનીને તે જીવે છે. એ વિશે લખે છે, બોલે છે.. પરંતુ એ મહેસૂસ નથી કરી શકતો. અને કદાચ જીવનની મજા જ એમાં છે. નહીંતર ભવિષ્યના દુ:ખની જાણકારીથી માનવી વર્તમાનની ખુશી પણ ખોઇ બેસે. કેટલાક અજ્ઞાન આશીર્વાદરૂપ જ હોય છે.

ઇતિ અને અનિકેત જીવનમાં કયારેય છૂટા પડી શકે તેવી તો કલ્પના પણ ક્યાં હતી? પરંતુ જેની કલ્પના ન હોય તે બને તેનું નામ જ કદાચ જિંદગી કહેવાતું હશે!

ચોમાસાના સરસ મજાના દિવસો હતાં. હમેશની માફક તે દિવસે પણ રવિવારે બંને કુટુંબ દરિયે ગયાં હતાં. આ ક્રમ મોટે ભાગે કયારેય તૂટયો નહોતો. ઇતિ, અનિકેત મોટા થયાં હતાં. હવે દરવખતે ભીની રેતીમાં ઘર બનાવવાને બદલે કિનારાની નજીક દરિયાના પાણીમાં કે કયારેક કિનારાની ભીની રેતીમાં સાથે ચાલતાં રહેતાં. કયારેક સાથે કોઇ ગીત ગુનગુનાવતા રહેતાં. તો કયારેક શૈશવની કોઇ જૂની યાદોના સ્મરણોમાં ખોવાઇ રહેતા. કદી મૌન બની અસ્ત પામતા સૂર્યને અને તેની રંગછટાને નિહાળી રહેતાં. વાતો કરવા માટે હમેશા શબ્દોની જરૂર થોડી પડતી હોય છે? દરિયાના ઘૂઘવતાં મોજાઓ કે અસ્ત પામતાં રવિકિરણો તેમની દોસ્તીના હમેશનાં સાક્ષી બનતાં.

આજે પણ એવી જ એક સાંજ હતી. ઇતિ, અનિકેત મૌન બનીને ભીની રેતીમાં ચાલતાં હતાં. ત્યાં અચાનક વાતાવરણ પલટાયું. આમતેમ દોડાદોડી કરતાં વાદળાઓને જાણે આ બંને પર વહાલ વરસાવવાનું મન થઇ આવ્યું હોય તેમ પાણીથી લચી પડતાં વાદળોએ અનરાધાર વરસવાનું શરૂ કર્યું. ધરતી અને આકાશ બધી લાજ શરમ, મર્યાદાઓ નેવે મૂકીને એકમેકને ભેટી રહ્યા. મહિનાઓના વિરહ બાદ આ મિલનવેળા આવી હતી. ઇતિ અને અનિકેત પાણીથી તરબોળ થઇ ઉઠયા. ઇતિ તો આનંદની ચિચિયારી પાડી રહી. વહાલા વરસાદને આવકારવામાં ઇતિ, અનિકેત કોઇ ઉણપ ન જ દાખવે. વરસાદી ગીતો બંનેના ગળામાંથી અનાયાસે ફૂટી નીકળ્યાં હતાં. નાના બાળકની માફક બંને આમતેમ દોડીને ભીંજાતા રહ્યા. આજે એક તો દરિયાનો સંગાથ, અનિકેતનું સાન્નિધ્ય, અને ઉપરથી વહાલ વરસાવતું પાણી. ઇતિ નાના બાળકની જેમ ચહેકી ઉઠી. ઉપર તરફ જોઇ મોં ખોલી નીતરતાં જળને તે આસ્વાદી રહી.

‘અનિ, આમ પાણી પીવાની કેવી મજા આવે નહીં? જાણે સીધો આકાશમાંથી નળ ખૂલ્યો. ફિલ્ટર કરવાની કોઇ જરૂર જ નહીં.’ પાણીમાં ભીંજાતી ઇતિ બોલી.

‘ઇતિ, ચાલ, ત્યાં ભીંજાવાની વધુ મજા આવશે.’ અને અનિકેત ઇતિને કિનારા પાસેના પાણીમાં ખેંચી ગયો.

‘ઇતિ, જલદી અંદર આવતી રહે. આ વરસાદને પણ અત્યારે જ હેરાન કરવાનું સૂઝયું.’ વરસાદના એક છાંટાની સાથે જ અરૂપે દોડીને ઇતિને બગીચામાંથી અંદર બોલાવી લીધી.

હજે તો ક્ષણ પહેલાં પાણીથી લથબથ ઇતિ અચાનક કોરીક્ટ્ટ… પાત્રો ભેળસેળ થતાં હતાં કે ઇતિનું જીવન જ ભેળસેળિયું બની ગયું હતું? દ્રશ્યો બદલાતાં જતાં હતાં. સમય કઇ પળે કઇ સપાટી કૂદાવીને ઇતિને કયાં ખેંચી જતો હતો.

અનિકેતની બહેન ઇશા લગ્ન પછી અમેરિકામાં સેટલ થઇ હતી. અને તેણે પોતાના માતાપિતા અને ભાઇ માટે ગ્રીનકાર્ડ માટે ફાઇલ મૂકી હતી. હવે વરસો બાદ તેમની અરજીનો વારો આવ્યો હતો. અને ત્રણેને વીઝા મળી ગયા. હવે શરૂ થઇ જવાની તૈયારીઓ. એક મહિનામાં તો ત્યાં પહોંચી જવાનું હતું. અનિકેતને હવે આગળ ત્યાં ભણવાનું હતું. ત્યાં જવાની તૈયારીના કામમાં ઇતિ અને તેના કુટુંબને પણ સ્વાભાવિક રીતે જ કેટલાય કામો કરવાના આવ્યા. ઘર સમેટીને જવાનું હતું. પાછા આવવાની કોઇ ખાતરી નહોતી. પરંતુ આવવું હોય ત્યારે આવી શકાય એ ગણતરીથી ઘર વેચવાને બદલે બંધ કરીને ચાવી ઇતિને ત્યાં જ રાખવાની હતી. ઇતિના ઘરના તો ત્યાં જ હતાં. તેથી ઘરની સંભાળની કે એવી કોઇ ચિંતા નહોતી. હવે તો ઘરમાં આખો દિવસ ધમાલ રહેતી. ઇતિ અને અનિકેત બધા પેપર્સ તૈયાર કરવામાં લાગી ગયા. કશું વિચારવાનો, થાક ખાવાનો સમય જ કયાં હતો?

આખો દિવસ અનિકેતનો અવાજ આવતો રહેતો અને ઇતિ દોડતી રહેતી.

‘ઇતિ, આ કાગળો ક્યાં? ડૉક્યુમેન્ટસનું લીસ્ટ બની ગયું? જરા જોને, કંઇ રહી તો નથી જતું ને? આ સર્ટીફીકેટની ઝેરોક્ષ થઇ ગઇ કે બાકી છે? બીજું કશું રહી જશે તો ચાલશે.. જોજે કોઇ કાગળ ન રહી જવો જોઇએ. નહીંતર પાછી લપ થશે.’

‘ઇતિ, આજે મારી સાથે શોપીંગમાં આવવાનું છે. મને તો ત્યાં શું લઇ જવું, કેવું લઇ જવું એ કંઇ ખબર નહીં પડે. તું સાથે હોય તો સારું રહે.’
અનિકેતની મમ્મી કહેતી.. અને ઇતિ તેમની સાથે ભાગતી.

‘ઇતિ બેટા, આવું ન ચાલે તું આંટીના અને અનિકેતના બધા કામ કરે અને અંકલને ભૂલી જાય એ ન ચાલે હોં.. જો તો આ શર્ટ મને સારું લાગશે? આ અમેરિકાની આપણને બહું ખબર ન પડે..’

ઇતિ પતંગિયાની જેમ ઊડતી રહેતી. તેને ઘડીભરની ફુરસદ કયાં હતી? પોતે શું કરે છે તે વિચારવાનો સમય ક્યાં મળ્યો હતો? બંને હવેથી છૂટા પડે છે એવો વિચાર પણ હજુ સુધી કદાચ બેમાંથી કોઇના મનને સ્પર્શ્યો નહોતો. બસ એક અભાનાવસ્થામાં કામ થતું જતું હતું. વરસોનો સાથ છૂટવાની પળ આવી છે.. અને આ બધી તૈયારીઓ પોતે તેની કરી રહ્યા છે એ સભાનતા તો આવી છેક અંતિમ દિવસે.. ત્યાં સુધી તો કેટકેટલા કામ!

અનિકેતના મમ્મી, પપ્પા એક તરફ ઘર અને સામાનની પળોજણમાં પડ્યા હતા તો બીજી તરફ શોપીંગ… બેંકના કામો પતાવવામાં પણ સારો એવો સમય જતો હતો. ઇતિના મમ્મી, પપ્પા પણ એમાં સાથ પૂરાવતા રહ્યાં. ઇશાદીદી માટે લઇ જવાની વસ્તુઓનું લીસ્ટ પણ લાંબુ હતું. મસાલા, અથાણા અને પાપડ.. એ બધું નીતાબહેન તૈયાર કરતાં રહ્યાં. આમ બંને ઘરમાં ધમાલ ચાલી રહી હતી. સમયને પાંખો ફૂટી હતી.

જવાને આગલે દિવસે અનિકેત નીચે કંઇક કામમાં હતો. અનિકેતની બધી તૈયારીની જવાબદારી તો વગર કહ્યે… બિલકુલ સ્વાભાવિકતાથી ઇતિને ભાગે જ હતી.

મોડી સાંજે ઉપરના રૂમમાં અનિકેતની બેગ ઇતિ છેલ્લીવાર સરખી ગોઠવી રહી હતી.. ત્યારે તેની ધૂંધળી બનેલી આંખોને બેગમાં કંઇ સ્પષ્ટ દેખાતું નહોતું.

“આંખમા તો પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી.”

ઇતિ બેગમાં અનિકેતના કપડાં ઉપર નીચે કરી રહી હતી. પોતે શું કરી રહી હતી તે આજે તેને સમજાતું નહોતું. કદાચ આજે જ તેને ભાન આવ્યું હતું કે અનિકેત તેનાથી દૂર.. ખૂબ દૂર જાય છે. અત્યાર સુધી અનિકેતના કામની ધમાલમાં ડૂબેલ ઇતિને ભાન હતું જ નહીં.. કે પોતે આ તૈયારીઓ કરે છે.. તે અનિકેતના જવાની છે! અચાનક જાણે આકાશમાં વીજળીનો ચમકાર થાય અને સઘળુ ઝળાંંહળાંં થઇ જાય, ન દેખાયેલ દ્રશ્યો દેખાઇ જાય તેમ ઇતિ એક ક્ષણમાં ભાનમાં આવી હતી. શું આજ સુધી દોડીદોડીને તે અનિકેતના જવાની.. તેની વિદાયની તૈયારીઓ કરી રહી હતી? ખરેખર આ સત્ય હતું? અનિકેત તેનાથી દૂર… ખૂબ દૂર જઇ રહ્યો છે? તેની પાંપણે અનાયાસે બે બુંદ ચળકી રહ્યા. ત્યાં અનિકેત ઉપર આવ્યો,

‘ઇતિ, શું કરે છે તું?’

ઇતિએ જવાબ ન આપ્યો. તેણે જલદી જલદી આંખો લૂછી. અને કામમાં મશગૂલ હોય તેમ બેગમાં કપડાં સરખા ગોઠવવા લાગી. અનિકેત ઇતિની આંખોમાં જોઇ રહ્યો. શું દેખાતું હતું ઇતિની વિશાળ,પાણીદાર આંખોમાં?

‘ઇતિ’
અનિકેતનો અવાજ જાણે સાતમા પાતાળમાંથી આવતો હતો. મૌન ઇતિ અનિકેત સામે જોઇ રહી. શું બોલવું તે અનિકેતને પણ કયાં સમજાતુ હતું?
“આંખ મીંચીને આ કોણ મંથર મંથર ઉઘડે?
જન્મજન્માંતરના થર એક પછી એક ઉઘડે.”

‘ઇતિ તેં શું શું ભર્યું છે.. મને તો કંઇ ખબર નથી..’

જે બોલવું હતું તેને માટે શબ્દો કયાં હતા? ‘બધું લીસ્ટ બનાવીને અહીં ઉપરના ખાનામાં રાખ્યું છે.’

હવે? હવે શું બોલવું?

‘મારા પેપર્સ તો એકે ભૂલાયા નથી ને?’

‘આ ફોલ્ડરમાં તારા બધા પેપર્સ છે.’ ફરી પાછુ મૌન.

કેવાં નિરર્થક સવાલ જવાબ થતા હતાં તેની સમજણ તો બંનેને પડી હતી. પરંતુ… થોડી મૌન ક્ષણો પસાર થઇ રહી. કાળદેવતા બંનેને સ્નેહભરી નજરે નીરખી રહ્યા. કદાચ તે પણ આ પળની મૌન મહેકથી…

‘ઇતિ…’ અને મૌન.

‘અનિ…’ અને મૌન.

એક ક્ષણ… એક ક્ષણ… અને ઇતિ, અનિકેતને વળગી રહી. બંને એક્બીજાને આલિંગી રહ્યા. અનિકેતનો હાથ ઇતિના માથા પર હળવેથી ફરી રહ્યો હતો. દિવ્યતાની આ પરમ ક્ષણમાં ભંગ ન થાય તેમ ધીમેથી, જરાયે અવાજ કર્યા સિવાય કાળદેવતા ત્યાંથી સરકી રહ્યા. સમાધિની આ પરમ ધન્ય ક્ષણમાં ખલેલ પહોંચાડવાનું તેને પણ યોગ્ય નહોતું લાગતું.
ઇતિ, અનિકેતનો કદાચ આ પહેલો અને.. છેલ્લો સ્પર્શ…!

શું એ હતું સ્પર્શમાં? શબ્દોમાં એ સમર્થતા ક્યાં?

આ ભાવસમાધિનો ન જાણે કયારે ભંગ થાત? કદાચ… પરંતુ ત્યાં અનિકેતની મમ્મીનો નીચેથી અવાજ આવ્યો, ‘અનિ, કેટલી વાર? નીચે આવો છો ને? સમય થવા આવ્યો. ઇતિના ગળામાં ડૂસકુ થીજી ગયું.

‘અનિકેત…’

‘ઇતિ…’ મૌન… શબ્દો પોતાની નિરર્થકતા સમજીને ક્યાંય અદ્રશ્ય…

મોડી રાત્રે બધા એરપોર્ટ પર ભેગાં થયાં હતાં. સુલભાબહેન અને નીતાબહેન ભેટી પડયા હતા. તેમને પણ છૂટા પડવાનું આકરું લાગતું હતું. વરસોનો સંગાથ આજે છૂટતો હતો. સ્વાભાવિક રીતે જ બધા ભાવુક બની ગયાં હતાં. બંને ઘરના ઋણાનુબંધ આજે પૂરા થતાં હતા કે શું? ઇતિ અને અનિકેતના પપ્પા સ્વસ્થતા જાળવી સંપર્કમાં રહેવાની વાતો કરતાં હતાં. ઇતિ, અનિકેત મૌન રહીને એક તરફ ઉભા હતા.

“છૂટા પડતી વખતે બોલવાનું શું?
હૈયાને શબ્દોમાં તોલવાનું શું?”

આજે બંને પાસે કોઇ શબ્દો નહોતા. બંનેની આંખોમાં શ્રાવણ ઉતરી આવ્યો હતો. દૂર આકાશમાં ચમકતાં તારા સામે ઇતિ એકીટશે જોઇ રહી હતી. એકમેક સામે નજર મિલાવવાનું બંને ટાળતાં હતાં. અને છતાં એકમેક સિવાય કોઇને જોતા પણ કયાં હતાં?

અંતે સુલભાબહેન બોલ્યા, ‘ઇતિ, તારા વિના અમને તો બહું સૂનુ લાગશે. મારો અનિકેત તો ઇતિ વિના સાવ એકલો થઇ જવાનો. ઇતિ, તારા વિના એનું ધ્યાન કોણ રાખશે? કે તારા વિના એની મસ્તી કોણ કરશે? નીતાબહેન, અમારી ઇતિનું ધ્યાન રાખજો હોં. એ ફકત તમારી જ દીકરી નથી. પહેલાં એ અમારી છે. હું તો જલદીથી તેને પણ ત્યાં બોલાવી લેવાની છું. તમે જોજોને…’ નીતાબહેન પણ મૂંગામૂંગા માથુ હલાવી આંસુ ખાળી રહ્યાં.

અનિકેતને વળાવી ઇતિ ઘેર આવી ત્યારે શું કરવું તે તેને સમજાતું નહોતું.. દૂર દૂર ઉડતા પ્લેનને તે નીરખી રહી… નીરખી રહી.. જે તેના અનિને તેનાથી દૂર.. સાત સાગર પાર લઇને ઊડી રહ્યું હતું… ઊડી રહ્યું હતું. અને ઇતિ બેબસ હતી… બિલકુલ બેબસ…!

ઇતિની નજર અનાયાસે બારીમાંથી ડોકાતા આસમાન પર પડી. પણ… ક્યાંય દૂર સુધી અનિકેતના પ્લેનનું નામોનિશાન ન દેખાયું. હા, તેને બદલે અરૂપની ચમકતી હોન્ડાસીટી જરૂર દેખાઇ.

(ક્રમશઃ)

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૬) – નીલમ દોશી