પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૮ (૨૬ વાર્તાઓ) – સંકલિત 17


Portrait of Harijan Girl, Khavda Village, Kutch, Gujarat, India

Portrait of village Girl, from pinterest

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે.

તા. ૧૬ અને ૧૭ જુલાઈ ૨૦૧૬ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ લોકબોલી વિષયક હતો.. મુશ્કેલ લાગવા છતાં ગૃપ સભ્યોએ આ પ્રોમ્પ્ટ પર સરસ પ્રયત્નો કર્યા..

પ્રોમ્પ્ટ હતો..

“હૂઝ્યો’તો નં! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નો’તી ઉઘડી..”

૧. મુખી

ચોરો સ્તબ્ધ.. વેઠીયા રામજીના છોકરા સાથે ગોરની દિકરીની ભાગી, શહેરમાં બંનેએ લગ્ન કર્યા, ગામમાં હાહાકાર.. ગોરે પંચ બોલાવ્યું, મણિયાના મા-બાપ કાના અને રેખલીને રજૂ કરાયા.. ગામ બહાર મૂકાયા, દા’ડી – દાણાપાણી બંધ, છતાં રેખલી હિંમત ન હારી..

“પંસ, વે’વાર ન રાખો તો ર્યો તમાર ઘેર, ખાહડે મારી તમારી પટલઈ, મારા સોરાઅ ઈનો હાથ ઝાલ્યો સ, નેસી જાતના સી પણ વે’વારમોં પાસા પડી તો તમારૂ ખાહડુ ન મારૂ માથું.. દીચરીની જેમ રાખવાની સવ હું ઈન.”

મુખી કહે, “તારા દિચરાય હૂરાતન દેખાડ્યું સ ચ તું ગાલાવેલી થા’છ? રૌરવ નરકે હડવાની.. ભામણની દીચરીન અભડાવી.. ઠમઠોર્યા વના તમોરી જાત પાધરી નો રયે.. કૂવો હવાડો કરવાનો ન હૂઝ્યો તનં?”

“હૂઝ્યો’તો નં! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નો’તી ઉઘડી.. તો હવ મારી હાટુ તો… ને ઠમઠોરવાની હા હોય તો થા ઉભો.. તારુ પાણીય જોઈ..”

હાથમાં દાતરડા સાથે ઉભી થયેલી રેખલી સાથે ગામની અનેક સ્ત્રીઓ જોડાઈ, એક બોલી, “મુખી, તમોરી ઓંખ્યુના ઝેર અમય જોયા સ, કૂવો હવાડો કોણે ને હું કરવા કરવો જોઈ, કયે?”

ત્રીજી બોલી, “વાડીયુંમાં લળીલળીન બોલ્યા કરછ ન અડપલાં કરવાનો થા’છ તયેં કૂવો ન’થ હૂઝતો? કન્ટ્રી પી ન પડ્યો ર મુખી.. ભા થાવાનું રે’વા દેજે..”

પણ ત્યાંજ.. “એણ મન નહીં ભગાઈ, મેં એને નહાડ્યો તો..”

– જીજ્ઞેશ અધ્યારૂ

૨. ઘોર કળજગ

સરપંચ કાનજી ઠાકોર ખેતરે ગયા હતા ત્યારે જીવીબેને મંગુને ફરી એકવાર પાસે બેસાડી વાત કરી, “વહુ, બે વરહ થ્યાં, બે ના ત્રણ થાવું સ ક નૈ? હવે કનૈયા માટે વિચારો.”

ધીમેથી મંગુ બોલી, “પણ બા, એ તો અમારી વસ્સે વેંત સેટું જ રાખ સ. મનં તો હંકા સે..”

જીવીબેને મંગુને આગળ બોલતાં રોકી લીધી. બે ત્રણ દિવસ પછી ગામનો લાલીયો જે રજેરજની ખબર રાખતો તે કાનજી ઠાકોર પાસે આવ્યો. “બાપુ, ઘોર કળજગ આયો સ. આ દેખ્યું ઈના કરતાં આંછ્યો ફુટી ગઈ હોત તો હારુ હતુ.”

“પણ થયુ શું, લાલીયા, મોઢામ થી ફાટને?”

“બાપુ, કાલે બપ્પેારના મીં ઠકરાણાને વહુબાને તમારા દા’ડિયાની ખોલી મહી જતા જોયા. પસે ઠકરાણા..”

બાપુની એક જ અડબોથથી લાલીયો દૂર ફંગોળાયો. “આંછ્યો તો તારી હું ફોડ સ, લે આ હો, મૂઢું બંધ રાખજે.”

જીવીબેન જેવા ઘેર આવ્યા કે કાનજી ઠાકોર બરાડ્યા, “હવે આખા ગામમાં ધજાગરા કરવા સ? ઈ વચાર તનં આયો ઈ પેલાં કૂવો પૂરવો નો હુઝ્યો?”

જીવીબેન બોલ્યા,”હૂઝ્યો’તો નં! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી.. તમારી બોને કેમ ગળાફાંહો ખાધો ઈ એકલી હું જ જાણું સ. મહિનો આપણે ત્યાં રહી ને એનં ઘેર જઈનં તરત ગળાફાંહો ખાધો? અવાજ નેચો રાખજો ઠાકોર નીકર આખું ગામ જાણસે ક આ અમરત પણ..”

– વિભાવન મહેતા

૩. સરપંચ

ગામમાં સરપંચ કાનજી ઠાકોરનું ઘર સૌથી મોટું ગણાતું. રોજની જેમ રાત્રે દસ વાગે ઘેર આવીને ઠાકોર સુવાની તૈયારીમાં જ હતા ત્યાં જીવીબેન દૂધ લઈને આવ્યાં અને કાનજી ઠાકોરે દૂધનો ઘુંટડો ભર્યો ન ભર્યો ત્યાં તો કોઈ લાગની રાહ જોતાં હોય તેમ જીવીબેને વાત ઉપાડી, “ઠાકોર, આ અમરતીયો ઓગણીનો થવા આવ્યો સ.”

ઠાકોર બોલ્યા, “ઈ હંધુય માર ધ્યાનમાં સ. પશા ઠાકોરની સોડી માટ મીં વાત્ય મેલી સ.”

જીવીબેન હવે સાવચેત થઈ બોલ્યાં, “પણ અમરતીયો ઈની કોંંલેઝની કોઈ સોડીન પૈણવા માંગ સ. મુન કેતો’તો.”

ઠાકોર સફાળા ખાટલામાં બેઠા થઈ ગયા. “ઈની ઝાત બાત કંઈ? ખોનદાેનનું કંઈ ખબર સે કે સીધી રસ્તેથી બોવડું પકડીને લાવવાની સ?”

જીવીબેન હવે સાચવીને બોલ્યા, “ઈને પરેમ થ્યો સ. સોડી સે તો પટેલની..” જીવીબેન આગળ બોલે તે પહેલાં કાનજી ઠાકોર ઉભા થઈ ગયા અને બરાડ્યા, “તમીં મા દીકરો ભેગા થઈનં મારું નોંમ બોળવાના સો? હું સરપંચ થઈનં મારા ઘરમોં પટલાવ ની સોડી લાવું? ઓખું ગોમ થૂ થૂ કરસ. મારા જીવતે તો આ નઈ બંને. પણ હું એમ પૂસું કે પટલાવની વહુ લાવવાની વાત્યે તને કૂવો પૂરવો ના હુઝ્યો?”

જીવીબેન હવે હતી તેટલી હિંમત ભેગી કરીને બોલ્યાં, “હુઝ્યો’તો નં! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી.”

– વિભાવન મહેતા

૪. હમદ

“ના, આજતો મન બોલવા દ્યો, કોઈ આ પથર જેવા માંણહ ન હાચું નઈ કે!” આયરાણીએ લાલ આંખ રાખી બોલવાનુ ચાલું રાખ્યું.

“મોટા આવલિયા થઈન પંચાત કર સ! આખા ગામની સોડીયું ન સોકરાવ હાંધ્યા, તોયે ગામ નુ કોય મનેખ બાપડુ બોલ્યુ નહિ ઈન!” આયર તો ઘડીક ચક્ક થઈ આયરાણીનાં સ્વરૂપને જોઈ રહ્યો.

આયરાણીએ ચાલું રાખ્યું, “ઈ સોડીનુ મન બીજે મળિયુ સે ઈનો તો વચાર કરો. ચ્યમ હારા હૂતર સોડી ન કૂવે નાંખો શો”

આયર ભડક્યો, “ખબરદાર હવ એક વેણ હરખુ ઉચાર્યુ સ તો, બાપ ગોતર માં કોય દા’ડો થ્યુ સ તે આજ થાહે? અન તારા હગા ભઈએ હગઈનો રૂપિયો લીધો એ દા’ડ તારુ ડા’પણ ચાં જ્યુ તું, ઈ વખત તન કૂવો ના હૂઝ્યો? ત આજ પશેડી લય જવા ટાંણે હૂઝ્યો?”

આયરાણી એ ઊંડો નિઃસાસો નાંખ્યો ને કટાક્ષ ભર્યું ધીમેથી બોલી, “હૂઝ્યો’તો નં ! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઊઘડી..”

આયર અને આગેવાનોના મોઢાં ઉતરી ગયાં… સભા સાવ નિઃશબ્દ..

– વાઘુ દશરથ

૫. નમાલો

રમલી તો પહેલાંય સરપંચને ખેતરે દાડિયે જતી હતી ત્યારે તો કાંઈ નહોતું, હમણાં હમણાંનો દાડિયે જવાનો એનો ઉત્સાહ જોઈ રાઘવની આંખોમાં શંકાના સાપોલિયા સળવળવા લાગેલાં. કેમ ન સળવળે? રોજ નવી બંગડિયું, બલોયા ને ઓઢણીઓ બદલતી રમલીના નખરાં જોઈ રાઘવનું લોહી ઉકળવા લાગેલું.

એણે ખેતરે જતી રમલીનો પીછો કર્યો.. એની રાહ જોતો એનો સગલો, સરપંચનો શહેરમાં રહેતો કુંવર ત્યાં હાજર હતો. રમલીને જોતાંવેંત દોડીને બાથમાં લઈ લીધી. ઘડીકમાં તો સાનભાન ભૂલી બંને એકમેકમાં ખોવાઈ ગયા. તાકડે જ રાઘવે ધારિયું ઉપાડી, રમલીને ચોટલેથી ઝાલી મારવા લીધી ને બોલ્યો, “રાંડ, ડાચું કાળું કરતાં પેલા કોઈ કૂવો હવાડો નો હૂઝયો? હાળી કમજાત!”

રમલીએ રાઘવના હાથપર બટકું ભરતાં ધારિયું નીચે પડી ગયું, રમલીએ ઝપટ મારી ધારિયું પોતાનાં હાથમાં લઈ લીધું. રાઘવને કાંઠલેથી પકડ્યો ને ધારિયું દેખાડી, ડોળા તતડાવી બોલી, “હૂઝ્યો તો નં ! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછયો નોતી ઉઘડી.. ઈવડી ઈને બાપાની ઉંમરના ડોહલાં હાર પઇણાવી તારે આંછયો પર હું પાટા બાંયધા’તાં? હાળા નમાલા, માર બાપુને ફદિયા ઓરી માર ધણી થૈ જ્યો પણ ધણી થાતાં તો આયવડું નહીં… મર મુવા, દિ’ આખો બીડી ફૂંચવીને રાત આખી ઠહોં ઠહોં કરતો’તો તાર શતી આંછયે ભાયળા નૈ તાર સોડી જેવડી બાયડીના ઉના ઉના આંસુડાં?”

– મીનાક્ષી વખારિયા

૬. રાજભા

નીલાબા સુવાવડને ખાટલે હતાં. ઘણાં વરસે રાજભા દરબારને ત્યાં વારસદાર જન્મ્યો હતો, પછી ઉજવણીમાં કાંઈ ખામી હોય? અઠવાડિયા સુધી કાવા કસુંબા, ખાણીપીણીની જ્યાફતો ચાલતી રહી. એમનું વલ્લભીપુર ગામ જ નહીં આજુબાજુનાં ગામના લોકોય આવ્યાં હતા. આવો માહોલ જોઈ રાજભા મૂછે વળ દઈ પોરસાતા હતાં. આસપાસ પેંધે પડેલાં ચાપલૂસી કરવાવાળાની કમી નહોતી.

એમાંથી બેચાર નવરાઓએ ભાટાઈ કરતાં કહ્યું, “ઘણી ખમ્મા બાપુ, ‘બાપ’ તો ઘણાંય બને પણ તમં જેવું દરિયાદિલ કોઈનું નો મળે… આપણાં ગોમને ગોંદરે સિતારાબાય નોમની નાઈસવાવાળીએ ધોમા નાયખાં સં… તંય ઈને દરબારગઢમાં બોલાઈને નસાવી જલ્સો કરાઈ દયો… રંગ રઈ જાહેં…બાપુ..”

બાપુ તો ચઢી ગયા ચણાના ઝાડ પર… સિતારાબાઈને નૃત્ય માટે આમંત્રણ મોકલાયું, સિતારાબાઈનાં આગમને દરબારગઢ ઝળહળી ઉઠ્યો.. તેનાં કામણગારાં નૃત્યની અદાયગીએ કેટલાયનાં દિલ… બાપુય બાકાત ન રહ્યાં.. એમણે સિતારાબાઈને રોકી દીધાં, ત્રણ દિ’ સુધી રાતોને રંગીન બનાવી.. બધી વાતો પહોંચી નીલાબા પાસે. થઈ રહ્યું, ધાવતાં છોકરાને મેલી, ભરી બંદૂક લઈ ઉઘાડે મોંઢે પહોંચી ગયા હકડેઠઠ દરબારમાં. રાજભાની નજર એમની પર પડતાં જ બોલી ઉઠ્યા, “ન્યાં જ ઉભા રેજો ગરાહણી, ભર દરબારમાં ઉઘાડે મોઢે ધોડી આવતાં પેલાં કૂવો હવાડો નો હૂઝ્યો?”

“હૂઝ્યો તો નં! પણ માર એ કૂવો પેલા તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારે આંછ્યો નોતી ઉઘડી… ભૂલી જ્યો? તાર હગ્ગા બનેવી બે બદામડીની નાઈસનારી પાસળ ખુવાર… ને તાર બોને..”

– મીનાક્ષી વખારિયા।

૭. લાચારી

“ભગવોન જોણ, શી ખબર કુનું પાપ લઈ ન ફરી રઈસ..! આખુંય ગોમ લજવી રઈસ… આ રાંડ તો… મારી હાહરી વેશ્યા..! ઑન ગોમમાંથી કાઢો… આખાય ગોમની સોડીઓન બગાડશે આ… મારી હાહરી, તન કૂવે હવાડોય ન હૂઝ્યો..?”

સંપત મોટા ઉપાડે ઠાઠથી બોલી રહ્યો હતો. રમતુડી આ બધા કડવાં વેણ મૂંગા મોં એ સાંભળી રહી’તી. રમતુડી રૂપરૂપનો અંબાર હતી. જાણે અપ્સરા જ જોઈ લ્યો..! જીવણ માસ્તરની એકની એક છોકરી. રમતુડી સોળ વર્ષની હતીને તેના માતા-પિતાને કાળ ભરખી ગ્યો. આ જુવાન છોકરી એકલી રહેતી’તી. એના કુટુંબમાં કોઈ નહોતું. એનો લાભ ગામના મુખીના છોકરાએ ઉઠાવ્યો. તેણે રમતુડી પર બળાત્કાર ગુજાર્યો..! એના લીધે જ એ ગર્ભવતી થઈ’તી. મુખી ગામનો માથાભારે વ્યક્તિ હતો. તેથી કોઈનામાં એમના વિરૂદ્ધ બોલવાની હિંમત નહોતી. રમતુડીને ગામવટો આપવા માટે ગામના ગોંદરે પંચાત બેઠી હતી. સંપત પંચાતિયો અને મુખીનો ખાસ માણસ હતો.

સંપતના બોલ રમતુડીના કાનમાં તીરની જેમ ખૂંચી રહ્યા’તા.હવે એનાથી વધારે સહન થયું નહીં.એ બોલી : ‘હૂઝ્યો’તો નં ! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો;તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી…’

આટલું સાંભળતા જ સંપતની બોલતી બંધ થઈ ગઈ. એના પગ તળેથી જમીન ખસી ગઈ. એની આંખોમાં આંસુ આવી ગયા. એને ‘પેટ લઈને ફરતી એની બહેનની યાદ આવી ગઈ…! પંચાતમાં સોપો પડી ગ્યો. સંપત ત્યાંથી ચાલતો થયો. આખુંય ગામ જાણતું’તું કે- ‘મુખીનો છોકરો નાલાયક છે,પણ કોઈએ એના વિરૂદ્ધ એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો.’

‘લાચાર રમતુડી ચોધાર આંસુ વહાવતી જ રહી..!’

– કૌશલ સુથાર

૮. હિરોઈન

“તનં હું હુજ્યું, તંઈ નટળી બનવા પુગી ગઈ?” રઘલો બરાબરનો રઘવાયો થયો.

“નટળી નથ કેતા તંઈ હિરોઈન કે’સે” માલી ખુશ હતી, કેમ ના હોય? ગામમાં આવેલા ફિલ્મ મંડળીને સાઈડમાં કલાકારો જોઈતા હતા, માલીના રૂપે તેને મહત્વના રોલ સાથે મહિનો નીકળી જાય તેટલા રૂપિયા પણ અપાવ્યા.

“પન,તાર મનં પુસાતું નો’તું? અન હું તનં ચ્યાંય જવા દેવાન નથ.. ગામમો માર આબરૂ જ’સ.. અન તનં તંઈ બીજો ભાયડો હાથ લગાવહે, અડપલાં કરહે તનં ચેવું થા’સે ? તઈ જતા પેલે તનં કૂવો હવાડો કરવાનો ના હુઝ્યો ?”રઘલાનો નશો બોલતો હતો.

“હૂઝ્યો’તો નં! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી..” વિફરેલી નાગણની જેમ ફૂંફાળો મારી માલીએ બોલવાનું ચાલુ રાખ્યું “બોને માયગું’તું જ શું? ઓગળ ભણવા થોડા રૂપ્યા જ ની..? પન તમન ચ્યોં કઈ કામ આવડે જ સી, આખો દી થેલીઓ જ ઢીંચે રાખે, બાયડી વેંતરા કરી રૂપ્યા આલે એની થેલીઓ પોસાયસે પણ ઓસી મે’નતે રૂપ્યા કો’ક આલે એટલી વાતમાં કૂવો વસ્સે લાવે, ફટ્ટ’સે તારી મર્દાનગી પર.. આ કરતા તારથી છુટ્ટા’થી જવું હારું…” છેલ્લું વાક્ય બોલતાં માલીએ આંખમાંથી વહી જતા આંસુ માંડ રોકી ચાદર ખેંચી સુવાનું નાટક કર્યું..

સવારે નવો જ સૂરજ ઉગ્યો, રઘલો જ સાયકલ પર માલીને શૂટિંગ સ્થળે લઇ ગયો.

– નિમિષ વોરા.

૯. આબરૂ

“મારી હારી સેનાર, દરબાર કને જવાં ઊભી થઇ તનં લાજ નો આઇ.”

“ગોમ આખામાં મરદ, હોય તો ઈ દરબાર જ, બાકી તમં બધાં તો અસતરીની જાત બરાબર જ.”

“રાંડ, એક તો ઈ દરબારને પડખુ દૈ આઈ અનં પાસી મારી હામુ થાય સે? તનં ઘર હુધીના મારગમાં કૂવો હવાડોય ના હુઝ્યો?”

“હૂઝ્યો’તો નં ! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી.. આજ તો મારં મારી સોડીને ઈ મારગ નો’તી મોકલવી, એની હાટે હું જઇ આઇ બીજીવાર આ ખોરડાંની સોડી માંચડે નો’તી ચડાવી ને તમારું ચ્યોં એ દરબાર હોમે ઉંચી નજરે નોખવાનું કલેજું હતું?”

“તુ કેવાં હું માગં સં?”

“એ દરબારની નજર આપડી સોડી પર પડી ને એના માણહો દાડો આથમે ગોતતાં પસીત આવ્યા, ન્યાં મું સોડીના હાટે ઇનાં ખાટલે આડી પડી જી.”

“સોડીની આબરૂ હાચવવા તું દરબારનાં ન્યાં જઇ આવી ને એ તનં ઓળસીય ના હક્યો?”

“અધમણ ઢીંચ્યા પસં દરબાર એનં પોતાનં સોડીનેય ના ઓળસી હકં ઇ મનં હું ઓળસી હકવાનો?”

– કેતન દેસાઈ

૧૦. વિધવા વઉ

“રાંડ, આ હુ કઇરું? મારાં સૈયાનં મુએ તૈણ વરહ થ્યાં પસ્યં? મારગે કોય કૂવો હવાડોય ના હૂઝ્યો તનં?” ડોશી ઉબકા પર ઉબકા કરતી વિધવા વહું પર તાડુકી ઉઠ્યાં.

“હૂઝ્યો’તો નં ! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી..” રમલી ડોળા ફાડી સાસુ સામે જોઈ રહી.

“અર, ઇ બઈ તો તમનં ના કઈ હકી પણ તમે તો જોણ્યુંતું, તમારા ધણીના લખ્ખણ તમીંય નો’તાં જોણ્યાં?, એ દા’ડો ઘરની લાજ હાચવવા હાટુ થઇ તમે વાત દાબી તે આજ આ ગોઝારો દનં કરમે આયો.”

રમલીની સાસુ હવે ગલ્લે તલ્લે થવા લાગી. “હેં ‘લી કુણ? તારો હાહરો જ કે? નખોદિયાએ હગી સોડી જેવી, મુએલા દીકરાની વઉનેય ના મેલી?”

– કેતન દેસાઈ

૧૧. કૂવો

“ઈ કૂવો ગામનો સ. હંધાય માણહનો સ. કાંય એક કોમનો નથ. પોણીની તોણ કુને નય? તી લગીર પોણી ઉલેસ્યું ઈમાં આવડો મોટો ગનો થઇ જ્યો? બે રાત્યું કોટડીમાં જમડાનો માર વેઠ્યો, બાપા અત્તારે હાઉં કરો.” વાડામાં બેસેલી જ્ઞાતિની પંચાયતે જીવણને સવાલ જવાબ શરુ કર્યા અને જમીન પર ઉભડક બેઠેલો જીવણ ઉકળી ગયો.

“તી તોણ તનં જ સી ઈમ સે? હેન્ડ્યો’તો કૂવે.” મુખી પસાકાકા ઠાઠમાં હતાં.

“મું કવ સુ કે ઈ કૂવાની માટી ઉલેસી તાર કોઈ કમ અભડાયું નય?” જીવણ મરણીયો થઇ ગયો હતો.

સરપંચ ધીમા સ્વરે બોલ્યા, “પોણી તો ગોમના બૈરા ભરે. તારે હું ફાટી જ્યું તું? પસી હું થાહે એવો બીજો વચાર ન હુઝ્યો?”

“હૂઝ્યો’તો નં ! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી..”

પંચો વચ્ચે સોપો પડી ગયો. સરપંચની આંખો સમક્ષ નિવસ્ત્ર રસ્તા પર ચાલી રહેલી બહેન તરવરી ઉઠી. ઉજળીયાત કોમના કૂવામાંથી પાણી લેવાની આવી આકરી સજા ભોગવી એણે તો ટીંગાઈ લીધું હતું.

અચાનક કોઈ ચાનક ચડી હોય એમ સરપંચે આજુબાજુ જોયું અને દૂર પડેલી ડોલ લઇ કૂવા ભણી ચાલવા માંડ્યું. જીવણે કૂવાને ગાળ દીધી, “એની બોન ને..”

– નીવારાજ

૧૨. વિરોધ

મંગુને તેની દીકરી ચંપાની સાથે ગામનાં પાદરે છકડામાંથી નીચે ઉતરતાં જોઈ મોંઘીડોસી બોલી, “હાયરે ઘોર કળજગ! સોડીનં ધણી મરી ગ્યો નં સોડીનં દે’રવટું આલવાનં ઠેકાણે ઈ ઘેલઘાઘરીનં રિહામણે લયનં આયી. ઈનં ઘેર લાયતા પેલા કૂવોય ન હૂઝ્યો?”

સાંભળતાં જ મંગુએ રોકડી પધરાવી, “હૂઝ્યો’તો નં ! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી..”

“વાયડીની નો થા નીસના પેટની! માર બોનની હા’રમો તાર સોડી નો આઈવે. માર બોને દહ વરહ ધણીના ઠોકા ખાધાં, સેવટ ગળાફાંહો…”

“માડી! હું ય તમનં ઈ જ હમજાવું સું કં આપડ બાયુંની જાયતનં નકરા ઠોકા નો ખવાય. કિયારેક ભાયડાની હામુંય થાવું પડં, નિયાય નો મળં તયી જૂના રવાજનો વિરોધય કરવો પડં. અનં મારં સોડીનો દે’ર હાવ સાકઠીનો નં ઉતરેલનો સે. ઈ હરામનીનાનાં હાથમોં સોડી આલું તો મારં જીવતર બળં.” ચંપાને પોતાની પડખે ખેંચતાં મંગુ બોલી.

“આયવી મોટી નિયાય મોંગવાવાળી.પનં મંગુડી તાર વાતમો દમ સે હોં. જૂના રવાજની હામું થાયી તયી જ સૂટકો. હારું થ્યું તું તાર સોડીનં લય આયી. એકાદું કમોઈત ઓસું થાહે.” મોંઘીડોસીએ તેની બેનને યાદ કરી આંસુ સારતાં કહ્યું.

‘સ્ત્રીનાં હિત માટે જૂના ખરાબ રિવાજનો વિરોધ કરવો એ તેનો હક છે.’

– દિવ્યેશ વિ. સોડવડીયા

૧૩. હક

મુખીનાં ફળિયામાં પંચ સામે બેઠેલાં ગામજનોમાંથી સવિતા ઊભી થઈ અને બોલી, “ગોમની બોન-દીચરીયું ડોલસું લયનં કળશે જાય ઈ હાંરું નો લાગં અટલે સંધાસ તો તમારં સણાવવું જ પડસે અનં સંધાસ માગવું ઈ અમારં હક સે.”

“સવલી…! તારં આ હા’મ? હાંરું નરહું અમનં તું હીખવીસ? બાયડીની જાયત થયનં ભાયડાં હામું ભંહતા પેલા તનં કૂવો હવાડો કરવાનો ન હૂઝ્યો?” માવજી મુખી સવિતા પર તાડૂક્યો.

“હૂઝ્યો’તો નં ! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી..”

“બોન ડોલસું લયનં જાય નં ગોમના જુવાનજોધ માણાહ વાંહે-વાંહે જાય તો બિસારી ચેટલાં દિ આવું સહન કરંહ. સેવટે ગળાફાંહો જ….” માવજીએ રોકકળ કરતાં કહ્યું.

“અટલે જ કવ સુ, આનંદીબોને સંધાસ સણવા આયપા’તા ઈ હંવા લાખ ગજવામોથી બા’ર કાઢી ઢીલાં કરો નં ગોમમો એક સંધાસ કરાઓ અટલે ગંધકીવાડા હાયરે માખુય ઓસી થાય અનં અમારં જેખી બાયુનંય નિરાત.”

“હા, હા, સંધાસ કરાઓ…”ગામ આખાની બાયુંએ સવિતાની સાથે બૂમો પાડી.

“હંધાય સાંત થાવ! કાલ હવારથી સંધાસ સણવાનું સાલુ થય જાહે.” પંચે નિર્ણય સંભળાવ્યો.

ગામ આખું છૂટું પડ્યું ને માવજીએ સવિતાને કીધું, “અરે વાહ…મારી બાયડી. નાયટકમાં તો તું મારી મો’ર થય ગય. હવં ગોમમો ચોઈનં નય લાગં કં અરધો વારહો નો આલવો પડં અટલે આપડં બોનને મારી મો’ભારે ટાન્ગી’તી.”

– દિવ્યેશ વિ. સોડવડીયા

૧૪. નાતરું

“હૂઝ્યો’તો નં! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી.”

“..કુની ઓંછ્યો ઉઘાડવાનું હુરાતન ચડ્યું સ.. કી’તો..”

“ચ્યમ, કુનું તી? મારા રોંયા.. મેંર મૂયાં ફાટી પડ.. ધરવ જ થતો નથ ઇંન..”

“જો ડોહી, લવરી બંધ કર ન, મૂઢાંમોં પૂળો મેલ નકર જોવા જેવી થાહે..હોં!”

“હું કરી લ્યે!, મૂં તો ઇંન હંભળાવવાની જ… લ્યે!.. નપાવટ, ગોલકીના..”

“મું કવ સું ઇ હોંભળ. મોંન મારુ કયેલુ… ગારું કાઢસ તીં ઇંનાથી કોયં ભલુ થવાન નથં..”

“ચ્યમ?.. પસવાડે પોંની આયું તીં લ્યાય લ્યાય થઇ જ્યોં!”

“આપડી વચમોં મારી બોન ન હૂં કોંમ લાવ સ?.. ઇંને તારં હૂં બગાડ્યુ સ..”

“ગગા, તારી બોન મારીય હગી’તી.. પન તીં આજ જી કરય્રુ, ઇંના લીધ..”

“મું ય હૂં કરું ચે ત્યો? ઇંને તો ભર દીધો કૂવો બચાડી અં.. અવ આ બીઝી સ ઇનાય જીવતરમોં…”

“તારી હંધીય વાત્યું હાસી, પન હોનાની કતારી ન ભેંટ મોંહે ખોહાય, પેટ મં ની.. હમજ..”

“હંધુય હમજું, પન.. મું હૂં કરું ક્યેં..”

“અરર..ભઇલા..આવડી નોંની વાત્ય ન ઇમ… મારો હાવજ જેવો હાવજ મિંંદડુ થૈ જ્યોં.”

“બોન..તું અટાણે ઓંય?”

“વાત્ય ને ચક્કર નોં નોંખ ભૈ, જ્યોં એક વાત્ય હોંભળ મારી, કોંન ખોલી ન.. તું ય બચરવાળ સું.. આવી મોંગણીઓ મારા હાટું એકવાર મોંનીસ તો આપડા સૌવના જીવતરમોં વખ ઘોળાસે.. ઇંના કરતં મેલ પૂળો ઇંના મં, મરી જૈસ પન નાતરું નહી કરવું..”

– પરીક્ષિત જોશી

૧૫. ફારગતી

“તારી બોનને પૈણું, એટલે તાર ફારગતી… એ પહેલા તન કુવો નો…”

“હૂઝ્યો’તો નં ! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી..”

“એટલે તાર છુટું કરવું હં…”

* * *

“એય, ચમનીયા પન્નર ચા મૂક.”

“ચ્યમ ? કુની પંચાત હં?”

“ભીખલાની બુન… રમલીની!”

અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં આવેલી ચાની લારીએ ડાહ્યો વાઘરી એના સમાજ સાથે ભેગા મળીને રમલીનો ખટલો હાથે લીધો…

“તારી માને પૈણું, હાહરા મનં આવી રાંડ હારે પૈણાવી..” રમલાએ બીડી પેટાવતા મણની જોખાવી.

“એય રમલા, હખણો રેજે… એલફેલ બોલ્યો સે તો? નખ્ખોદ જાય મારા ડોહાનું તે તારા જેવો ફુંકણીયો ગોત્યો.”

“ખાલી પત્તર ના ઠોક, લે હેંડ ડાહ્યા પાર મૂક, આ સવલી તૈયાર બેઠી હં…”

“હારં હેંડ પચ્ચા હજાર ખલકા કર, અનં હેંડતી પકડ…” ભીખલો સીધો મુદ્દા પર આવ્યો.

“ભીખલા, આ છોરાનું હું કરવાનું? આલીદે નવરીનાને, રવા દે કેતી’તી, સરકારી ટોટા લાવીતી તે ફેંકી દીધા, નખ્ખોદીયાએ…”

“એય સવલી, છોરો લેવો કે રવા દેવો?”

રમલીએ સવલીનો ચહેરો વાંચ્યો…

“ભીખલા, છોરો મું રાખે, ખરચના માગીલે બીજા પચ્ચા.”

“હારું હેંડ, નેવું પકર અને પેલો દાગીનો લાય એટલે આ સવલીને આંયજ પેરાવી દવ…”

…અને રમલી – રમલાની ફારગતી થઈ ગઈ… ડાહ્યાએ સૌને અડધી ચા પાઈ, અને છુટું થઈ ગયું.

ચાની લારીએ વાઘરીઓનો કેસ જોઈ રહેલી મીરાં સ્વગત બોલી, “ત્રણ વર્ષથી તારીખ પડે છે, ડિવોર્સ થતાં નથી, આના કરતાં તો આ ફારગતી…”

– સંજય થોરાત

૧૬. સોદો

“ભઇ.. મુંય પૂસું સું તંને… મું કોના લોહીનું ટીપું સું? એવા ગમારના હાથનો માર ખાવા મુને એ છાકટા હારે પૈણાવી’ તી?”

“પન બુન..ચ્ય્મ મૈયરની ચુંદડી નંદાયવી. ધણીને ધોકે ધીબેડીને આંય લગી આવી તે તિંયા હાહરે જ તનં કોઈ કૂવો હવાડો ના હૂઝ્યો?”

“ભાભી, આવડા આકરા વૈણ ના બોલો.. ઇ ભાટના ભવાડા જોઈ હવાડો હૂઝ્યો’તો નં ! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી.. ઇ પેલા શેરમાં જૈઈ ભઇ ઇનું પેટ કાઢી આયવા, તારે તમં કે ભઇએ ઝેર કાં ના ગોળ્યું?”

રાજીએ ભોજાઇની જીભડી કચડી નાંઇખી. ભઇના ચહેરા પર લોહી ધસી આયવું. “બસ કર રાજી, નૈતર હાથ ઉપડી જૈઇસે.”

“હાથ ઉપાડતા પેલા વચારી લઇજે.. રાજી આ ટાણે ઉધાર નૈય રાખે..”

“આહાંહાં, ના ના કઉં સુ તમનં ચાંય આભડ્યુ બાભડ્યુ સ? જે હવ મારા હંહારમાં પલીતા ચાંઇપવા આઇ પૂગીયા.”

“તમ મનં હજી ચ્યાં ઓયરખી સે.. હવં મારં આંયાં જ ડેરો. ફારગતીના કાગરીયા લખી આયવી શં.”

એટલામાં દરવાજા ખખડ્યા. “લખમણ? દરવાજો ખોલ.” ભઇ ભોજાઇના મોં વિલાય ગયાં.

“આ તં મારો ધણીનો અવાજ!” રાજી કંઇ હમઝે ઇ પેલા ભોજાઇએ કમાડ ખોલ્યા. રાજીના હાહરીયા હતાં.

“આપન્યો સોદો ફોક. તારી બોન રાખ તારી કને. દહ દિ હુધીમાં મારં રૂપિયા પાસા આલ.. નૈતે તારું બઇરું ઉપાડી જૈસ”

– સંજય ગુંદલાવકર

૧૭. ત્યીજી આંછ્ય

સવલીએ જીવરામ વિશે ચેતવણી આપી હતી. છતાંય પોલીસ પટેલે એની નોંધ લીધી ન હતી. છેક આજે સવલીને પોલીસ પટેલ શૂન્યમનસ્ક બનીને સાંભળી રહ્યો.

“જ્યેને તમારી બોન હંત હમજ સ ઇ મુવો હેવાનં સૈ. ઇનં જ માયાનં ચુંથી નાખવા તીયાં લૈ ગીયો’તો.”

“હેં?” હવે પટેલ સહેજ ગંભીર બન્યા, “ચ્યેટલે કે માયા તનં જાણ બાર જીવરામ બાપાનં તીયાં ગૈ’તી? ઇટલે કૂવો હવાડો કરવાનો હૂઝ્યો ઇનં. ઇમ કૈય્વું સ તાર?”

“ઇમ નંય.., ઇ હૂઝ્યો’તો નં ! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી.. ઇનાં પેલા ય તમંનૈ જાણ કૈંયે હમઝ પૈડઇ નયં. તમ કેવા પોલીસ પટલ? હવ તો ઇ મૂઓ નાઠો.”

*

“ઝટ આવો. હંધાય કૂવો ગંધાય, કૂવો ગંધાય કૈરતા’તા તૈં જુઓ.” ભીખલાએ તાસક પીટવા માંડી, દેકારો મચાવ્યો. ગામ આખું કૂવે જમા થયું. કોઈની લાશ કૂવામાં નજરે પડી.

“હોવ્વે.. અવં હમજ્યા!”

“પનં ઇ કુન સૈ?”

“ઇનં બાર નિકાલો, જાડું દોરડુ લી’યાવો.” સરપંચ બોલ્યો.

“પેલા પોલીસ પટેલને બોલાય આવો, નંઇતર પંચાત થાશ.” ભીખલાને ડહાપણ હૂઝ્યું.

ધુળની ડમરીઓ ઉડાડતી પોલીસ પટેલની ગાડી આવી પૂગી. ભીખલાને સવલી તરફ ગદગદ આંખે જોયું. જનમાષ્ટમીનું દોરડું વાપરીને લાશ બહાર કાઢવામાં આવી.

“આ તો, જીવરામ! ઇ આંય ચ્યોંથી?” સરપંચ બોલ્યો. પનં હંધીય બઇરાઉનં થોબડા પર રાજીપો વરતાયો.

– સંજય ગુંદલાવકર

૧૮. રેખલી

રામવાવ ગામમાં જયારથી જશોદા આવી ત્યારથી બધી કોમની છોરીઓ ભણવા આવવા લાગી.

“અટાણે ચિમણી કોર ઉપડાં જશોદાબુન.” જશોદાએ પાછું જોયું તો જમનીની મા હતી.

“રેખલી કિમણે રે સ? ચેંમ દસ દિ’ થી રેખલી નિહાળે નથ આવતી?” જશોદા બોલી.

“ઇ હીધા નોકની ડોંડીએ હેંડયા જાવ. રેખલીનુ ઘર પતરાવાળુ સે બુન.” જશોદા હજુય વિચારોમાં હતી. જયારથી જમનીએ કહયુ કે ‘રેખલીના લગન સે.’ બાર વરસની રેખલીના એનો બાપ લગન કરશે તો..?

ચંચળ હરણી જેવી રેખલી એની ભુખરી આંખોમાં કેટલાયં સપના..! આજે રેખલી માટે પોતે આવી વસ્તીમાં આવી. દરવાજા પાસે જશોદાના પગ થંભી ગયા. અંદરથી જોરજોરથી અવાજો આવતા હતા.

કરસન : “કુવામાં જઇને મર કુંભારજા..”

સતી : “હૂઝ્યો’તો નં ! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી..”
કરસન : “મારી હગ્ગીબોનના પેટમાં તો..!”

“માંયલી કોર આવું સતી?” જશોદા બોલી.

સતી : “માસ્તરાણી, હું રેખલીના બાપને હમજાવીને થાકી કે છોરી નાન્કી સે પણ ઇ માને તો એનો બાપ હાનો?”

કરસન : “બોન, તમ હમજાવો આયં ક છોરી ધરમમાં આવે એટલે પૈણવી જોંઇ. નાતમાં રેવું સ ક નહી! છોરીને હવે ભણાવીને માર સું કરવું સ? ઓણ પાંસ વરહ પેલા મારી હગ્ગી બોને કૂવો પુ્ર્યો’તો. એટલે મારે રેખલીને વૈલી પૈણાવી દેવી સ.”

અને એક વધુ બાલિકાવધૂ….!

– પૂર્વી બાબરિયા

૧૯. થાનક

આજ સખપર ગામમાં મીણસાર નદીના ઉપરવાસમાં મંદિરની બહાર ઓટલે પંચાયત મળી હતી. ગામનું મેલું ઉપાડતી છોડી કીશ્લીનો ન્યાય કરવા.

“બોલ કભારજા, ન્યાં કણે થાનકે હું લેવા ગુડાણી’તી.” સરપંચનો ઘાંટો સાંભળી કીશ્લીના ગાત્રો ઠરી ગયા. પણ હિંમત કરી બોલી, “મુંનં દેવલાનં દરહણં કરવા હારૂં થયં નં જૈતી.”

“તારી જાતનો બાપો મારૂં..” કે’તાં જ સરપંચની આંખ લાલ હિંગળોક થઈ ગઈ.

“મુવા ઢોરની ખાલ! તનં મારગં કુવો નઈ હૂઝ્યો જખણી! તી થાનક અભડાઈ આઈ!”

“હૂઝ્યો’તો નં ! પણ માર એ કુવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી!” કહેતાં તો કીશ્લીય રાતીપીળી થઈ ગઈ.

“નં સૂરજ ડાડો મેર બેહી જયં ઈ મોર તો ઈ હેવાન થઈ જાય સં ઈ તમનં ખબર્ય નથં. તમારી બોન હામ વયનાની તે ઈની ઝૈટે આઈ ગઈ. મું નઈ આઈ. થાનક તો થાનક, સે તો દેવલાનું નં! દિ’ ઉગા મોર ઈની પૂજા સીની કયરે સી તી’ વપતે ઈ કોમ નો આય! ઓયલો ઢાંઢો મારં વાહં પૂયગો તો મું ઈ દેવલાની વાંહે ગરી ગય. તી બસી જય. નં ઓમ તમરં હામ ઊભી સવ. જીવ બસાયવો, તી કેણો ગનો થ્યં?”

ને સરપંચની આંખમાં એની બેનની ચુંથાયેલી છબી તરવરી રહી.

– સરલા સુતરિયા

૨૦. સમજણ

સવારમાં તો ગામમાં જોણું થ્યું’તું. જીવીમાનો લાખણ અને અજાણી છોકરી ગળામાં ફુલહાર પહેરી શેરી વચાળે થઈ ઘરે પહોંચ્યા એ પહેલાં તો મીઠાં મરચાંના વઘાર સાથે જીવીમા સુધી આ સમાચાર પહોંચી ગયા હતા. પણ એ વિચલિત ન થયાં, “આવાં નં દે ઈ બેય નં! જોય, પોંખણું કરય નં પસી ઘરમં પેહવા દયં.” કહી પોંખવા માટેની થાળી તૈયાર કરી ને દીકરાની રાહ જોતાં બેઠાં. અર્ધું ગામ એમને ત્યાં ભેગું થઈ ગયું.

એટલામાં લાખણ એની પરણેતરને લઈને ઘરને ઉંબરે આવી પહોંચ્યો. જીવીમા થાળી લઈને પોંખવા આવ્યાં. જેવી વહુને જોઈ કે એમના હાથમાંથી ધડામ કરતી થાળી પડી ગઈ. “હાય હાય! ગગા, આ હુ હૂઝ્યું તનં! રેવલીની વાયત મું નય માયની. પણ આને મું હાસેઝ ભારેપગી દેખું નં! મારા ગગાને પૈણતાં પેલાનં ઓધાન રય ગ્યાં તનં! તનં કોઈ કુવો હવાડો ન હૂઝ્યો આયાં ટાંટિયો મેલતાં મોર…”

ત્યાં જ લાખણ બોલ્યો, “હૂઝ્યો’તો નં! પણ માર એ કુવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી! હું ન આ શીવીનં બીજી મારી માસી નથ થાવા દેવાનં. કુંવારકા મારી માસીને ઓલા ગોમના મુખીએ ફાંહી’તી, ઈમ ઈનં હું ગનો ઉતો. મનં બવ વાલી’તી માર માસી. અવ શીવલીને નય મરવા દવ. તાર રાખવા હોય તો રાખ નય તો હિંડતા થય”

જીવીમા એના ગગાની મહાનતાને મનોમન વંદી રહ્યાં.

– સરલા સુતરિયા

૨૧. વાંક કૂનો?

“એલા હાલ, મોર થા. બહુ ટાઢો. મારું હાળું હમજાતું નહીં કૂણ…!”

“હોવે હોં, હમણોં તારી લૂલી દોતરડાની જ્યમ હાલ સ.”

“તું જ તારાં માયલાને પૂસ, કોઈ દિ’ મારી વઢ પે’લાં તારું કોઈ કોમ થ્યું હે? મું હું તો તારું…”

“હા, હા મારી રવુડી. તારાં પરતાપે જ હંધુય…”

“આ હું! બવ ચાવલો થા માં. હંધીય ભાળ હે મુને, તારાં ડોળા ચ્યોં ફેરી લગાવે હે..”

“રવુડી હાયલ, મેળામાં. મેલ હંધુય કોમ પડતું. ઑલો નવો ઘાઘરો’ન હાડલો ઓઢી લે. બની જા મારી પય્ણેત્તર.”

“ઓ હો હો હો.. હું નોમ રોખ્યા હે ગોરી! નહિ જાઉં મેળે…”

“પહી થયાં આપણે ફેરાફરે. તોય…”

ત્યાં જ કો’કે… રવુડીએ હડી કાઢી. ડેલી ખોલતાં…

“રવુડી તું આઘી મર. જોવા જેવી થાહે. આજે ગોમમાં ધિંગાણું….”

માંડ કાળુને ટાઢો પાડયો ને રવુ એ રૌદ્ર રૂપ ધારણ કર્યું. મોજી લપાયો.

“આટલી બધી હળ ઉપડી’તી.. પણ આંય લગણ! પેટ સૂટી વાત કરવી’તી કે રવુડી… તો મું ય.. મારાં હારા… ગમેયાં…!! યાદ નથ તારી બુન? ઈમાં ઈ બાપડીનો હુ વોંક…?”

“તને ચ્યમ ન હૂઝ્યુ…. કહેત તો મું હેંડત ધક્કો મેલવા”

“હૂઝ્યો તો’નં પણ માર્ ઈ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગી બોને ગળેફાંહો ખાધો તારેય તમારી આંછયો નોતી ઉઘડી. હવે તું મુનેય… ઈય કોના હારું?”

મોજી બે ઘડી વિચારી રહ્યો.

– શીતલ ગઢવી

૨૨. ભૂવો

બીડીના ઠુંઠાની રાખ ખંખેરતા પસીયો બોલ્યો, “તું માન કે નં માઇન, સવલીનાં પેટમાં પાપ ત સ.. માળી હાળી, કોઈને કળાવા દેતી નથ્ય. તું હાવ બાયલો સ કસલા, ઈ જગાયે હું હોવને તો ચ્યેદૂની હાલ્તીની કરી દીધી હોઈ ઈ ની માંન ઘેર. રાંડ ફાટી સ કઈ..’

કસલાને પસ્યાની વાત હાસી લાગી. ‘આજ રાત્ય ફેહલો કરી નાખવો સ.. માં મેલડીની સાખે.’

ડુ.. હું… ડુ.. હું.. ડુ.. ડુ.. હું… ડુ.. હું.. ડાકલા શરુ.

ડાકલાંનાં અવાજ સાથે ભૂવો હાકોટા નાખતો’તો.. ‘ડુ..હું…ડુ..ડુ.. ડુ..હું…ડુ..ડુ..’

વાળ ખેંચી સવલી હાજર કરી. સવલીને જોતા ભૂવાનો વેગ બમણો.. હાથમાં સળગતા અંગારા લીધા.

“બોલ… રાંડ, કોનું પાપ સ પેટમાં..’ કસલો પૂછતો’તો.

“બોલ્ય… આ તારી માં મેલડી હગી નીં થઇ…”

“ઓય.. માં…” વાહાંમાં તેલ પાયેલ દોરડાનો ફટકો પડ્યો, મું કાળું કરયું સ્ત હવે ભસી દે.. કુવો હવાડો ના હુંઝ્યો તન રાંડ?”

“ઓય… માં…” બીજો…. ત્રીજો…

સવલી વિફરી, “હૂઝ્યો’તો નં ! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી… તમારી હગ્ગી બોને ગળાફાંહો ખવડાવનારો બીજો કોય’ની પણ આ ભૂવો જ સ.. અની ઈનાથ્ય ઈનું પેટ ની’ ભરાણું તે મુવાએ મનીય અભડાવીસ.. માં મેલડી ની હાખીએ કવસું..” એની આંખ અંગારા સાથે અશ્રુઓથી ભીંજાઈ.

– શૈલેશ પંડ્યા.

૨૩. પાપ

મનુડીના હાવભાવ એકદમ બદલાઈ ગયા, એણે ઘાંટો પાડી દેવલીને કહ્યું : “હૂઝ્યો’તો નં ! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો; તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી.”

“મારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો, તી એવડી ઈ ના પાપ તો બળી ન રાસ થૈ જ્યાં, ઈ તારી જ્યમ લૂલી નો’તી ભચરતી, હી ખબેર તું ત કુનું પાપ પેટમાં લૈ ન ફર’સ્સ..?”

દેવલીનું છેલ્લું વાક્ય મનુડીને વીંધી ગયું. એને લાગ્યું કે એના પેટમાં કંઈક સળવળે છે. “હેનું પાપ? મું તો માર ધણી કે’શ ઈમ કરુંસ, માર ધણી’ન રાજી કરૂ ઈ પાપ હોય તો જા ઈ પાપ મુને કર્યુ’શ” એ બબડી.

ગામમાં એક જ ચર્ચા હતી મનુડી ભારે પગે છે. આમ તો વિવાહિત સ્ત્રીને સારા દિવસો રહેવા એ કંઈ ચર્ચાનો વિષય નહોતો પણ મનુડીનો ધણી રમલો મનુડીને સંતાનસુખ આપી શકે એમ નથી એવી આખા ગામને ખબર હતી. મનુડીની નજર સમક્ષ રમલાએ એને પહેલીવાર રાજીયા પાસે મોકલી એ દ્રશ્ય ફરતું હતું. અત્યાર સુધી એની પીઠ પાછળ થતી ગુસપુસ તો અેણે સાંભળી ન હતી પણ આ દેવલીએ તો આજે હદ જ કરી નાંખી. એકાએક મનુડીના વિચારો થંભી ગયા સામેથી દેવલીનો ધણી રાજીયો આવતો હતો.

એના કાનમાં દેવલીના શબ્દો પડઘાયા… “હી ખબેર તું ત કુનું પાપ પેટમાં લૈ ન ફર’સ્સ..?”

– ઈસ્માઈલ પઠાણ

૨૪. સારસ બેલડી

”મું ઘેર નથ જવાની.” સવલી બોલી, આ સાંભળી મઘો ગુસ્સામાં બોલ્યો, “ મુને ના કે’તાં પેલાં તન કૂવો ન હુઝ્યો!” મીનાબહેન પોતાના નવા ફ્લેટની બાલ્કનીમાં બેસીને મઘા અને સવલીનો સંવાદ સાંભળી રહ્યા. મીઠાંબોલી સવલીનો ઉંચો અવાજ સંભળાયો, “હૂઝ્યો’તો નં! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી.. મું ઘેર નથ જવાની, એક ફેર કીધું તી’ કીધું.” આ શું બોલે છે સવલી. દાડીએ કામ કરતું આ યુગલ, વર્તણુંકમાં ભણેલાને શરમાવે એવી સારસ બેલડી જેવું હતું.

નવા બની રહેલા ફ્લેટમાં અમુક મકાનોમાં કામકાજ ચાલુ હતું. મીનાબહેન અને મુકુલભાઈને રહેવા આવે દસેક દિવસ થયા, પણ ફ્લેટમાં કામ કરતા મજૂરો પણ માણસો જ છે અને બીજુ કોઈ રહેવા નહોતું આવ્યું એ દાવે અત્યારે આ દાડિયાજ એમના પડોશીઓ હતા.

સવલી રોજની જેમ બપોરે પાણી લેવા આવી ત્યારે મીનાબહેને પૂછ્યું, “શું થયું સવલી? આજે મઘો શું કેતો’તો તને?”

સવલી બોલી પડી, “મુઓ, ગોમડે ઘેર મેલી દે સ મુને, ઓંય એન રોજ પોટલી પી ને પડ્યા રેવું સ, બીજી નવરી દાડિયણો હાર નકરા દોંત કાઢવા સ. ઓણ એની બોનને ઘેર મેલી દીધી’તી એના હગલાએ, ન મુઈએ ગળેફાંહો ખાધો તો! મારે નથ ખાવો.”

મીનાબહેન એની સમજણ પર ઓવારી ગયા.

– જાહ્નવી અંતાણી

૨૫. દેરવટ્ટુ

“કવ સું, બાવડું મેલી દ્યો. ભુંડા લાગો સો.”

“અરે, હું તો કવ સું કે આંય લગણ લાંબી થય તી’ વસારે કોઇ કવો નો ભાળ્યો? પાસા આવવાની આંય પરથા નથ, હમજી ગગી? આપણી નાત્યમાં દેરવટ્ટાનો રવાજ સે, તી’ તાર હાહરે ઈમોં કાંઇ ખોટુ નથ વસાર્યુ.”

“આય લગણનો મારગ કાપતા હંધુય હુઝયુ તુ બાપુજી, કુવોય હૂઝ્યો’તો નં! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નોતી ઉઘડી.. તી થ્યું ક હવ આટઆટલે વરહે દિકરીનં હમજહો.”

સમજુએ ચાલતી પકડી.

“ઓલ્યા મુવા પીટ્યા હારે દેરવટ્ટુ કરવા કરતા તો..” ને ત્યાં જ સામે શંકર દેખાયો, સમજુને જુવાની યાદ આવી ગઇ. એણે પગ ઉપાડ્યા. એ સીમના કૂવા પાસે આવી ઉભી ને પછી એ કૂવામાં ઉપરાઉપરી બે ધુબાકા સંભળાયા.

“અરર, આ તો ધરમ કરતા ધાડ પડી ભા! માર ન તમાર અંજળ પુરા થ્યા.” સમજુના સસરાએ ઠૂઠવો મૂક્યો, “તારી સોડીને મારો જ કૂવો હુઝયો’તં પૂરવા. આ લ ઈનો હાડલો ન દાગીનો.”

પછી તો આખા ગામે સમજુના નામનું નાહી નાખ્યું, ને બીજે દિવસે અજવાળું થતા પહેલા, લાઈટના આછા અજવાસમાં બે પડછાયા અમદાવાદ જતી બસમાં ચડતા દેખાયા.

– જલ્પા જૈન

૨૬. ધંધો..

ગભરાતા હૈયે કરસને નાડ તપાસી. શિયાળાની કારમી ઠંડી રાત, ધગતો દેહ ને ધીમા થતા જતાં શ્વાસ… કંઈક વિચાર્યા બાદ કરસને છોકરીનો જીવ બચાવવા એના નાજુક હોઠ પર તસતસતું ચુંબન કર્યું…. ને બીજી જ ક્ષણે એની આંખો ખૂલી. સામે અજાણ્યા જણને જોતા જ બોલી ઉઠી, “મું આંય ક્યોંથી..?”

“તમ મુંને નદી કોંઠે બેભોન મલ્યોં, ઇમોંય ટાઢી રાત ન થીજી જ્યેલું તમાર શરીખ, લાખ કોશીસ કરી મું તમન હોશમોં લાવ્વા હારું… ન પસી મું..” સાંભળતા છોકરીની આંખો શરમથી ઝૂકી ગઈ.

“ચ્યમ મરવા નો દીધી તમ મુંને..” કહેતા એ ચોધાર રડવા લાગી. કરસન એના રડવાનું કારણ પૂછે ત્યાંજ ઝૂંપડીના બારણા ખખડયા. એણે ઝૂંપડીની તિરાડમાંથી જોયું. છોકરીના ભાઈ-બાપ ને હાથમાં મશાલ.. ગભરાતા હૈયે કરસને બારણું ખોલ્યું.

“એય હહરીના.. ક્યોઁ સ સોડી..?” છોકરીના બાપાએ રાડ નાખી.

“બાપુ, મું ઘર નથ આવ્વાની.. માર ઈ ધંધામોં નથ પડવું.”

“વરહોથી હાલ્યાવતા ધંધાને હડસેલે સ તું.. ન તું’ય કરશનીયા, જુવાન સોરીન રાતે ઘરમાં ગોંધરેસ તી’ કૂવો હવાડો કરવાન નતો હુઝ્યો તનં?”

“હુઝ્યો’તો નં! પણ માર એ કુવો પેલો તમને બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછયો નોતી ઉઘડી.. આજ આ બીજી છોરી મોત વાલું કરવા ગઈ તી.. મું ના હોત તો..!”

ને એ જીવ બચાવનાર મૂર્તિને છોકરી અચંબિત આંખે જોતી રહી…

– મીરાં જોશી


આપનો પ્રતિભાવ આપો....

17 thoughts on “પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૮ (૨૬ વાર્તાઓ) – સંકલિત