ચાર કાવ્યો – રાજેન્દ્ર શાહ


૧. તેડું

તેડું રે આવ્યું આ માઝમ રાતનું,
સહિયર આજથી સજાવ,
વ્હાલું ને વેરણ એવી જાતનું,
હૈયામાં વસમા છે ભાવ.

ઉગમણે આવ્યો રે કાજલનો રેણનો
તેજ નમણો મયડ્ડ;
શીલાંને હૂંફાળ એવાં વૅણનો,
જેમ સોહ્ય રે કલડ્ડ.

ઉપડે ના પાય, ઉર ઉતાવળું
મોહન મળવાને માવ,
છલકે લોચન કેમ છાવરું?
રડતાં રહીને હરખાવ.

૨. આભાસ

એકલ
એકાન્ત આ સદને
મધ્યાહ્ન ભોજન પછી
વામાડે હું કંઈક તો હતો તન્દ્રાધીન

પ્રાશાન્ત કરણ સર્વ
નહીં સ્વપ્ન…ત્યહીં
સાચે
જાગ્રત કરન્ત તવ બોલ
કૉણ આવીને ઊભું ત્હારી કને?
સહસા સાનન્દ ખૂલે આંખ
કહીં તું છો સખી?
સડ્ડોપને?
નહી…
તું તો હવે નહીં અહીં પાર્થિવ તે દેહે.
પણ હવામહી હયાતી આબાલ
જાણે તવ લ્હેરાય અચલ
અકળ ઉજાસ.
ભલે તું ઓઝલ, ભલે લોચન ના લહે.
પણ બોલી હતી તેમ હવે ફરી નહીં બોલે?
અડપલું કરી
આઘી ખસી હસી રહે એવી તમ ટેવ,
આ રીતની ત્હારી હવે મ્હારી સડ્ડ ખેલા?
બોલ કને આવી છો તો ફરી ફરી બોલ.
કેમ શાન્ત?
અભિન્ન છતાંય
રૂપ અરૂપની મધ્ય રહ્યું વ્યવધાન.
ક્ષણેક તું આવી, પ્રિય ગત લોકાન્તરે!
ભારેલ અગ્નિને આમ કરી પ્રજાગ્રસ્ત!

૩. ઓસબિન્દુભીની

પ્રથમ પ્રહરે અને દિનાન્ત સમયે
મૃદુ અજવાળે, મૃદુ પવન લહરે
ઘરાક્કગણે ચૉકમહીં
નીલ આમ્રતરુ તલે કીધ પરથારે
આવે છે. મયૂરવૃન્દ ચણવાને કણ.
પણ
ત્હને ન નિહાળી
ઉત્કણ્ઠ જે એક
બારણાના ઉંબરથી શોધે છે ભીતર
આમતેમ કંઈક કાતર.

પરથારે મુકેલ છે કણ-
ત્હને સ્મરી –
બેસું જરાતરા દૂર ખુરશી ઉપર.

વૃન્દમાંનાં બીજાં મોર-ઢેલ ચણમગ્નઃ
ત્યહીં
નીલકણ્ઠ એક આવે ધીરે મ્હારી કને,
સ્થિર નજર માંડીને રહેઃ
નહીં બોલ, ચમકે નયન,
ગળે – ત્વચા દોલે પ્રાણપણે,

પામું છું હું ભાવ,
તવ અભાવનું જાણે હદય – કથન
આશ્વાસન દઈ જાણે પામે આશ્વાસન.
બેઉ
કેવળ નિઃસ્તબ્ધ!
– અને જાય..
ક્ષણેક ચણીને કણ,
સહુ સહ જલપાન કરી,
જાય..ઊડી જાય વૃક્ષની ઓ પાર…

હે પ્રકાશવર્ણમયી,
અતીન્દ્રિય દ્રષ્ટિ તવ
લહે આ સમસ્ત,
કિન્તુ
રહીને અવ્યક્ત.

મ્હારે તો કેવલ આવકાશ…

કેવું હો અનુસન્ધાન! કેવો આ સત્સંગ!
તું ચહે, ‘રહેવું ઘટે સદા અનાકુલ’
હદ્ય, સખિ,
ઓસબિન્દુ ભીની નીલિમા વિપુલ.

૪. નિત્ય શક્તિ

‘જો શેષ કોઈ કૃતિ તો બનવું નિમિત્ત,
જે થાય તે સહજ થાય, પ્રશાન્ત ચિત્ત.’
નિવૃત્ત જીવનમહીં, પ્રિય, મન્ત્રદીક્ષા
આ, સ્ફુર્ત અન્તર થકી, – ધરી કર્મનિષ્ઠ.

સંસારના સદનથી વનકુગ્જ મધ્ય
એકાન્ત આશ્રમમહીં નિવસન્ત, હદ્ય.
ઉત્ફુલ્લ આપન અભિન્ન, અસલ સદ
માણી રહ્યાં સકલનો ઉરને ઉમડ્ડા.

ને શાન્ત, હા, તવ થવું ત્યજી દેહલીલા!
કમ્પે રગેરગે રગનું શોણિત, અડ્ડા ઢીલાં
મ્હારા, ધરી ધૃતિ ચ સંસ્મૃતિના પ્રભાવે
તો યે, પ્રિયે, વિલસવું રહ્યું એ જ દાવે,

‘જો શેષ કોઈ કૃતિ તો બનવું નિમિત્ત.’
તું છો અરૂપ – હદયે મુજ નિત્યવિત્ત.

– રાજેન્દ્ર શાહ
(‘કવિલોક’ સામયિક જુલાઈ-ઑગસ્ટ ૧૯૯૯ના અંકમાંથી સાભાર)

આપનો પ્રતિભાવ આપો....