પીરસવાની મજા (સજા) – દુર્ગેશ ઓઝા 10


તમને એક સરસ મજાનો હાસ્યલેખ પીરસવાની મારી શુભ લાગણી છે. ને આમ જુઓ તો પીરસવા પાછળ આવી જ કંઈક શુભ ભાવના રહેલી છે ને? લોકો ભાવનાના ભૂખ્યા છે. પીરસીને ભૂખ શમાવી તેમને તૃપ્ત કરવા એ જ સાચો માનવધર્મ. દીકરો ક્યારેક ઊંચે અવાજે બોલી ઊઠે છે કે ‘મા, મને પીરસ મા. હવે હું મોટો થઇ ગયો. હું મારી મેળે બધું લઇ લઈશ.’ તોય મા પીરસશે, કેમ કે એમાં આવડત કે મદદનો પ્રશ્ન નથી. આ તો સ્નેહની વાત છે. હવે તો લગ્ન, નાતજમણ કે એવાં અન્ય પ્રસંગોમાં બૂફે-ડીનર રાખી દેવાય છે, તોય હજી વડીલો પીરસવાની પ્રથાનો આગ્રહ રાખે છે એની પાછળ આવી જ કોઈ લાગણી છૂપાયેલી હશે. વડીલો કહે છે, ‘બૂફે એ આપણી પ્રકૃત્તિ કે સંસ્કૃતિ નથી, પણ વિકૃતિ છે. તેણે તો આપણી ઉત્કૃષ્ટ ભોજનપ્રથાનું નિકંદન કાઢી નાખ્યું છે.’ ટૂંકમાં પીરસવાની પ્રથા હજી ‘જીવંત’ છે. (પીરસનારો ભલે પછી પીરસી પીરસીને ‘અધમુઓ’ થઇ જાય !)

પીરસવું એ એક કલા છે. ઘણાને મન એ મોટી બલા છે. એ કઈ ખાવાના ખેલ નથી, ખવડાવવાના અટપટા ખેલ છે. ડાબા હાથનો ખેલ નથી, પણ બંને હાથપગનો ખેલ છે. એમાં ખાલી દેવાનું જ નથી. બોલીબોલીને પીરસવું પડે. ‘દાળ… દાળ કોને જોઈએ છે? લે બોલ, તમને શીખંડનો વાટકો જ નથી આપ્યો? હવે શીખંડ ક્યા નાખું?’ ચમન પીરસતો’તો. ‘પૂરી, પૂરી, તમને પૂરી આપું?’ ને મગનલાલ ઉકળ્યા ‘હવે ચાર-પાંચ નાખી દે ને? પૂછપૂછ શું કરે છે? પૂરી પૂરી થઇ ગઈ. તારા ઘરનો ક્યા પ્રસંગ છે તે તારે આમ? હજી તો જમવાનું શરુ કર્યું ત્યાં તું આમ…?’ પીરસનારની કેડ વળી જાય, એ થાકી જાય તોય એ દોડતો રહે છે. ‘ચાલતો રહેજે‘ તે સૂત્રને એ મને-કમને અક્ષરશઃ પાળે છે.

પીરસવામાં વાનગી અગત્યની છે. જેને ભાગે પૂરી-કચોરી-ઢોકળાં જેવું પીરસવાનું આવે તેને ભારે નિરાંત. આ ફટ ઉપાડ્યું ને થાળીમાં મૂક્યું. પણ ઊંધિયું, ચટણી-કચુંબર પીરસનાર ઊંધો થઇ જાય. તેનું પોતાનું જ કચુંબર થઇ જાય. ‘બે-ત્રણ મુઠિયાં નાખો ને?’ એવી બેહૂદી માંગણી થશે ને પેલો રસાથી તરબોળ ઊંધિયામાં તરતા અનેક દ્રવ્યોમાંથી મુઠિયાં ગોતવા મથશે. એ મુઠિયાંવાળો મુઠ્ઠી વાળીને ભાગી છૂટશે ને ત્યારે પીરસનારે જાણે કેમ મોટો ગુનો કરી નાખ્યો હોય એમ જમનારો જમ બની જશે. ઘૂરકશે. ‘તને પીરસતા જ ક્યા આવડે છે?’ પછી બાજુવાળાને કહેશે, ‘સાવ ડફોળ છે.’ ને જો બાજુવાળો એમ બાફી દે કે ‘એ મને તો છાનોમાનો બે મુઠિયાં આપી ગયો!’ તો તો પછી…! ઘણા શાક નહીં, પણ એનો રસો માંગે છે. ચટણીમાંય આવું થાય છે. એક તો બે જાતની ચટણી, બે જાતના કચુંબર. ‘ચારમાંથી કયું લેવું? બધુંય લેવું?’ એ વિચારમાં ઘણો સમય કાઢી નાખે ને પેલાને આ જમનારાની ચટણી કે છટણી કરી નાખવાનું મન થઇ જાય. એ લોકો રોકશે ને બીજા પીરસણીયા એને ટોકશે એ લટકામાં. ‘તું આમ ઠોયાની જેમ ઊભો છે શું? તું બધાને બહુ આડો આવે છે. ઝડપ કર. ઢીલો ભારે તેમાં. આખી પંગતને બધું પીરસાઈ ગયું. તું હજી અડધેય નથી પહોંચ્યો…!’ પણ બિચારો ક્યાંથી પહોંચે? જમનારો કહેશે, ‘એક કામ કર. કોબીનો સંભારો નાખી દે. સાવ ઓછું કાં પીરસ? નાખ જરાક હજી. ને મરચાં તો નાખ! જો પેલી બાજુ દેખાય…! ને હા, આવ્યો જ છે તો ભેગાભેગી લસણની ચટણીય પીરસતો જા.’ પેલો આગળ જવા જાય ત્યાં તેને પાછો બોલાવશે. ‘એય.. એમ કર. કોથમીરની ચટણીય નાખી દે ને?’ પીરસનારને એમ થઇ જાય કે આ અક્કલના ઓથમીરને લમણે બરાબરની એક ‘નાખી’ હોય તો કેવું રહે?

ઘણા પીરસનારા તો માત્ર બોલવાનો ડોળ કરે છે. પોતાને મનગમતી વાનગી પીરસવા ન મળી હોય એટલે ખાલી બૂમો મારશે. ‘રાયતું, રાયતું..કોઈને રાયતું ખપે?’ એમ બોલતો બોલતો, ઝડપી ચાલની સ્પર્ધામાં ભાગ લીધો હોય એમ ત્યાંથી પીરસ્યા વિના ઝપાટાબંધ નીકળી જાય. આપણે રાહ જોતાં હોઈએ કે બુંદીના લાડુ આવે એટલે થાળીમાં એક હારે બે-ત્રણ મુકાવી દઈએ. પણ પેલો ઝૂકે કે મૂકે એ બીજો ! ‘લાડુ… લાડુ..’ કરતો લાડુના ઘા કરતો, લાંબી ફલાંગો ભરતો દોડ્યો જાય, બીજા બધાની થાળીમાં નાખી જાય, ફક્ત આપણને જ રાખી જાય. જે વાનગીની ચાતકની જેમ રાહ જોવાતી હોય એ આવે તો ખરા, (જેમ કે મગજનો લાડુ) પણ આપણો વારો આવે, બરાબર ત્યારે જ ખલાસ થઇ જાય ને મગજ ન મળતા આપણો મગજ જાય. વળી પીરસનારો ‘હમણાં આવું’ કહીને આવે તો ખરો, પણ આપણને ભૂલીને આપણા પછી બેઠેલા માણસથી પીરસવાનું ચાલુ કરે! પછી તે મર્યો જ સમજો.

પાણીની તીવ્ર તરસ લાગી હોય ને આપણો વારો આવે ત્યાં પાણીનો જગ ખાલી ! આપણો વારો નીકળી જાય ! આપણે મોં વકાસતા રહી જઈએ. અમુક માણસો તો જેવી પંગત પડે કે દોડીને પહેલી ખુરશી કે શેતરંજી પકડી લે. હજી પહેલી પંગતની થાળી ઉપાડવાની બાકી હોય કે શેતરંજી બગડી હોય તોય જેમ બસ ઊપડી જતા મુસાફર એને પકડવા રઘવાયો થાય એમ ઝટ દોટ લગાવી પ્રથમ સ્થાન ગ્રહણ કરી લેશે. ધસારો કરશે. ધક્કા ખાશે-મારશે, ને પછી ‘ફાવી ગયો’ એમ વટ મારશે. ઠાવકા મોઢે પંગતમાં જગ્યા પચાવી પાડશે. જાણે કેમ ઈડરિયો ગઢ જીતી લીધો હોય?

આવા માણસોને સ્પર્ધામાં મોકલવા જોઈએ. ‘વિશ્વ ઓલમ્પિકમાં કોઈ સારા રમતવીર નથી મળતા. દેશની આટલા કરોડની વસ્તી તોય દર વખતે ભોપાળું! ચંદ્રકો નથી મળતા. કાં માત્ર બે-ચાર ચંદ્રકોથી ઠાલો સંતોષ માનવો પડે છે…’ એવી ફરિયાદોનો અંત આવશે. કમસે કમ દોડની સ્પર્ધામાં તો પહેલો નંબર આવશે ને દેશનું નામ રોશન થશે. પસંદગીકારોએ આવા જમણવારોમાં જઇ બારીક અવલોકન કરવું જોઈએ. આવી મહત્વની જગ્યાઓની મુલાકાત લેવાનો વિચાર એ લોકોને હજી સુધી કેમ નથી આવ્યો એ એક કોયડો છે. શક્તિનો અસલ સ્ત્રોત અહીં જ છે. કદાચ સારો દોડવીર ન મળે તોય વહેલા જમવાની તક કેમ ઝડપવી એના દાવપેચ તો શીખવા મળશે જ. ફેરો ફોગટ નહીં જાય. પ્રેરણા તો મળશે જ. એ જ રીતે કેટલાંક પીરસનારાનું છે. તેની ઝડપ ને રીત જોઈને જમનારાને એમ થાય કે ‘મર્યા. હમણાં દાળ કે શાક આપણા કપડાં પર આવી પડશે. લાડુ ઉડીને બાજુવાળાની થાળીમાં બેસી જશે.’ પણ એવું નથી થતું. વાનગી એની જગ્યાએ જ અચૂક પડે છે. આવા લોકોને નિશાનબાજી, બરછી, ગોળાફેંક કે બિલિયર્ડ જેવી રમતો માટે પસંદ કરી શકાય ! (જો કે વારંવાર ઊંધિયામાંથી મુઠિયાં ગોતી આપવા જેવી અણછાજતી માંગણી થતી હોય તો પીરસનારો વાનગી ધરાર ઢોળી, કપડાં બગાડી વેર વાળે એમ પણ બને.)

બધાને પીરસાઈ જાય, ‘હરિહર’નો સાદ પડે, પછી જમવાનું શરૂ કરાય છે. પણ ઘણાને કીડી ચડતી હોય છે. એટલીય રાહ જોઈ ન શકે. ભૂખ્યાડાંસ. કોઈ જોતું તો નથી ને? એ જોઈ ગૂપચૂપ (પોતાની) થાળીમાંથી મીઠાઈનો એક કટકો મોંમાં ઓરી દે છે. ને જો તેમાં કોઈ જોઈ ગયું તો થોડી ભોંઠપ અનુભવી ‘હેં હેં હેં‘ એમ ખોટેખોટું હસશે, ને પછી કહેશે, ‘હવે તમેય લગાવો ને યાર?’ ને અમુક માણસ તો…! ‘થાળીમાં કાંઈ પડતું ન મૂકાય. પાપ લાગે. પણ તમને એ પાપ હું લાગવા નહીં દઉં, જે કાંઈ વધ્યુંઘટ્યું હોય તે મને આપી દેજો.’ – કહી બધું સફાચટ…! પેલાના પાપનો ઘડો ભરાય કે નહીં, પણ આ અકરાંતિયો પોતાનાં પેટનો ઘડો ભરી લેશે ને એય પાછો પેલા પર ઉપકાર કરતો હોય એમ માથે હાથ રાખીને…!

પીરસનારના પગે પાણી આવી જાય, તેની આંખમાં પાણી આવી જાય, પણ માંગનારા જાતજાતની માંગણી, ભાતભાતની મુદ્રા કરી પીરસનારનો ઘાણ કાઢી નાખતા હોય છે. તેની એવી તો આકરી કસોટી કરે છે કે તેમને સોટી મારવાનું પીરસનારાને મન થઇ જાય. કમંડળ લઈને પીરસનારો આ માથાકૂટથી કંટાળી કાયમને માટે કમંડળ હાથમાં લઇ સંન્યાસી બની જવાનું નક્કી કરી નાખે તો નવાઈ પામવા જેવું નથી. મગન કહે, ‘બીજું ગમે તે કામ આપજો, પણ બીજી વાર પાણીનું કામ મને ન આપતાં.’ કોઈએ પૂછ્યું, ‘કેમ? આ તો સાવ હળવું કામ. મુઠિયાં, રસો કે કડક પૂરી વગેરે ગોતીને પીરસવું… એવી લમણાંઝીંક તો નહીં! સીધું પ્યાલામાં રેડી જ દેવાનું.’ એટલે મગન કહે, ‘તમે બધા સારી વાનગી ગોતી લ્યો ને જેને કંઈ નથી આવડતું, ડફોળ ગણો છો, એને જ પાણીનો જગ પકડાવો. તમે મને સમજો છો શું? હું કાંઈ એવો ભોટ છું? ને પાંચ જણાને પાણી આપું ત્યાં તો જગ ખાલીખમ. મારા બેટા પાણીની કોઈ ના જ ન પાડે. પ્યાલો ભરું-ન ભરું ત્યાં તો એકીશ્વાસે ગટગટાવી જાય ને પાછો ભરી દે એવી સૂચના ઠોકે. આવું મહેનતનું કામ, માણસ થાકી જાય, પીઠ વાંકી થાય તોય અંતે મશ્કરીમાં કહેવાય શું ખબર છે? ‘મગને પાણી ફેરવી દીધું….!’

બધાએ મગનને સમજાવ્યો. ‘જો બીજા બધાને જમનારા ના પાડે. મોં મચકોડી અપમાન કરે, જયારે તને કોઈ નકાર ન સંભળાવી આમ તારું બહુમાન કરે છે. પાણી ભરે છે તું, પણ ખરેખર તો તારી આગળ ભલભલા પાણી ભરે છે. બધા સિવાય ચાલે, પણ પાણી સિવાય નહીં. આ મૂળભૂત જરૂરિયાત સંતોષી તું લોકોની આંતરડી ઠારે છે. ભગવાન તને એનું સારું ફળ આપશે.’ મગન કહે, ‘વળીવળીને, પાણી ભરીભરીને મારી આંતરડી કકળી છે. મારા આંતરડામાં, હાથપગમાં ઠામુકો સોજો આવી ગ્યો એનું શું? ડંકી સીંચીસીંચીને પાણી ભરું, કાં પછી પીપનું ભારેખમ ઢાંકણું વારંવાર ખોલબંધ કરીને દરેક વખતે પાણી લેવું ! ને જો આ કડાકૂટથી બચવા ઢાંકણું ખૂલ્લું રાખો તો ઉપરી સુપરવાઈઝર તતડાવશે, ‘ડોબા, ધૂળ પડશે. ધૂળ પડી તારા ધોળામાં. આટલીય અક્કલ નથી? બધાને કચરાવાળું પાણી પીવડાવીશ?’ આમ કહી બધાની વચ્ચે મારો કચરો કરી નાખશે. હા, જમણવારમાં આ સુપરવાઈઝર પણ અજબગજબનું પાત્ર છે. એ બધા પીરસણીયા અને જમનારા પર બાજનજર રાખતો હોય છે. મહેનત કરે પીરસનારા, ને ખોટો જશ લઇ જાય પોતે.
શકટનો ભાર જેમ શ્વાન તાણે એમ એ પોતાનો સીન જમાવે. રોફ છાંટે. ચમન બધાને પીરસીને હજી તો માંડ આવ્યો હોય, કાઉન્ટર પર કમંડળ પૂરું મૂક્યું પણ ન હોય ત્યાં તો… ‘ચાલુ રાખો, પીરસવાનું ચાલુ રાખો. અટકો મા.’ એવા આદેશો છૂટે. ચમન સફાઈ આપવા જાય કે ‘પણ હજી તો જમવાનું પણ શરૂ નથી થયું. અમે બધા આખી લાઈન પૂરી કરીને હજી તો હાલ્યા આવીએ છીએ..’ ને પેલો બગડશે. ‘પીરસવાનું ચાલુ રાખો. ઝપટ કરો. વચ્ચે ઊભા નથી રહેવાનું.’ આમ ઊંચે સાદે બોલી એ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચશે. પોતાનું મહત્વ દર્શાવવાનો પ્રયાસ ચાલુ રાખશે. બધું વ્યવસ્થિત ચાલતું હોય એની ખબર હોય તોય તે ‘ચાલુ રાખો, ચાલુ રાખો’ એ ધ્રુવવાક્ય બોલવાનું ચાલુ જ રાખશે. ‘સુપરવાઈઝર હું છું કે તું? સામી દલીલ ન જોઈએ,’ એમ ચમનને જાહેરમાં દબડાવી કામઢાપણાનો ઢોંગ એ ચાલુ રાખશે.

ઘણા તો આગ્રહ કરશે. ‘એક જાંબુ તો લેવું જ પડશે.’ હોડ બકે. સામસામા ખવરાવે. ને જમનારો સો ગુલાબજાંબુ ઉલાળી જાય એટલે યજમાનને એમ થાય કે…! તે નક્કી કરે કે ‘હવે પછી આવી ભૂલ જિંદગીમાં કરે એ બીજા.’ ઘટવાની બીકે અગાઉની પંગતોમાં આગ્રહ વિના જોખીજોખીને પીરસ્યું હોય (ખાવાનું વધે તોય કરાર મુજબ ડીશના પૈસા તો ચૂકવવાના જ હોય) એટલે સાવ છેલ્લી પંગતમાં ઝાઝો આગ્રહ થતો હોય છે. બધાને સમ દઈ દઈને ધરાર ખવરાવે. ‘આ તો ચાલ્યું જશે. અરે, એકાદ કટકામાં કાંઈ ન થાય. તમે તો ખાધું જ નથી!’ – એવો આગ્રહ કરી પછી ફિલસૂફની અદાથી પાછા બોલે, ‘ખાધે કોનું ખૂટ્યું છે?’ (એ તો પહેલી પંગતથી આગ્રહ શરૂ કર્યો હોત તો ખબર પડત) ત્યારે ઘણાને વસવસો થાય છે કે ખોટું થઇ ગયું. છેલ્લી પંગતમાં બેઠા હોત તો સારું થાત.

ઘણા પીરસનારા પારકે પૈસે પહોળા. બેગાની શાદીમે અબ્દુલ્લા દિવાના. આગ્રહ કરીકરીને ખવરાવશે, ને યજમાનને નવરાવશે. એ બિચારો મૂંઝાય ને મનોમન દાઝે ભરાય. ‘આને લાગે નકર વળગે, તોય વગર મફતનો ચોંટી પડ્યો છે. ઘરધણીના હાજાં ગગડી જાય, મિજાજ બગડી જાય. ‘રે’વા દે ભાઈ, ધરાર ન આપ. એકને બદલે બે જાંબુ આપીશ તો એક કરતા બે થશે. તબિયત બગડી જશે.’ ખરેખર તો ઘરધણીની તબિયત જ આ આગ્રહ જોઈને…! ક્યારેક તો પીરસણીયા બધાને જમાડ્યા બાદ એટલા થાકી, ત્રાસી ગયા હોય કે જમવા જેવા જ નથી રહેતા. કોઈ સૂચન કરે છે કે એમને પહેલાં જમાડી દેવા જોઈએ, પણ ઘણા વડીલો ‘જમાડીને જમો.’ એવી પોતાની સંસ્કૃતિનું ગાણું ગાઈ આવું કરવા દેતા નથી. ને પીરસનારા ખાલી પેટે ભૂખ્યા રહે છે, કેમ કે બૂમો પાડીપાડીને, કમર ઝુકાવી ઝુકાવીને, હાથ-પગ ઉલાળીને એની ભૂખ જ મરી ગઈ હોય છે. જો કે ઘણા આનો તોડ કાઢી લે છે. સુપરવાઈઝરની નજર ચાતરી પીરસતા પીરસતા છાનામાના હલવાનો લોંદો કે બરફીનો કટકો મોંમાં ઠાંસી દે છે ને જમનારો પૂછે છે કે ‘એલા, બોલતો કાં નથી? મોઢું આવી ગ્યું છે? મોઢાંમાં મગ ભર્યા છે?’ (હવે આને કેમ કહેવું કે મોઢાંમાં…?) તો પીરસનારો ઈશારાથી ગલોફાં બતાવશે. કાં માંડમાંડ એટલું બોલશે. ‘મોઢાંમાં ફાકી છે.’ બેશરમ, એમ નથી કહેતો કે મોઢાંમાં આખી બરફી ફાકી છે! આવું ન થાય એટલે વડીલો ખાસ એકાદ માણસને આવી વાનગીઓ સાચવવા માટે રોકે છે. મોહનથાળથી ભરેલી ચોકીની એ ચોકી કરતો હોય.

મોટા ભાગના જમીજમીને ચાંદલો નોંધાવ્યા વિના વહેતા થઇ જાય, પણ ઘણા પરગજુ જમ્યા પછી પીરસનારાને પીરસવા આવે છે. આ સમજુ, લાગણીશીલોને લાખ લાખ વંદન. જો આવું ન થાય તો પછી પીરસનારા જે વાનગી જેમાં વધી હોય તે વચ્ચે મૂકી દે છે. કમંડળ, ચોકી, ચમચો, ચટણીનાં ચાર ખાનાં, તપેલું.. વગેરે. પછી ગમ્મત, હસીમજાક કરતા કરતા ખાતા જાય ને બધો થાક ઊતરી જાય, મગન પણ બીજા પ્રસંગે પાણી ફેરવવા તૈયાર થઇ જાય, જમનારાઓએ કે સુપરવાઈઝરે જે કાંઈ સંભળાવ્યું હોય એ બધી પીડા શમી જાય એમ પણ બને. ઘણા પીરસનારા તો મનગમતી ‘રો’ (લાઈન) મેળવવા ધમપછાડા કરે છે. નારીજાતિ જ્યાં જમવા બેઠી હોય ત્યાં તો ખાસ. એમાં ઝઘડો જામે ને પછી એનો તોડ નીકળે. ‘પહેલી બે પંગતમાં તમારે ત્યાં જવાનું. પછીની પંગતોમા બીજાનો વારો. બસ રાજી?’ ને એવું બંને કે પીરસનારા–જમનારા (જમનારી) (જમ + નારી નહીં હો!) વચ્ચે આંખ મળી જાય ને થોડો વખત બાદ એમ પણ બને કે પેલી છોકરી પેલા નાતમાં પીરસનારા છોકરાને હવે પત્નીરૂપે ઘરમાં કાયમ પીરસતી હોય! ને છોકરો પછી આ લાઈન ધરાર માંગીને લેવા બદલ પસ્તાતો હોય!

કોઈ વાર માણસ બદલી પણ જાય. શીખંડ પીરસનારો શાક લઈને આવે, કારણ કે શાક પીરસનારો ફાકી ખાવા કે તડાકા મારવા રોકાયો હોય. શીખંડપ્રેમી ઉત્સાહમાં આવી જાય ને જયારે એને ખબર પડે કે આ તો શાક છે એટલે પેલાને લેતો પાડશે. પેલો બિચારો બેય વાનગી પીરસવાની સેવા કરવા જાય, ઓવરટાઈમ કરે એનો આવો બદલો મળે. ધરમ કરતા ધાડ પડી. એ દાઝમાં કહેશે, ‘મેં શીખંડની બદલે શાક પીરસ્યું એટલે મારું શીખંડ દાળવાળો પીરસતો’તો. એ તમારી બાજુમાંથી હમણાં જ નીકળ્યો. એ… જાય..’ પછી પેલાની મતિ મૂંઝાઈ જાય ને પીરસનારાની ગતિ રૂંધાઈ જાય એમાં નવાઈ શાની?

જમણવારમાં નોટિસ બોર્ડ પર કે માઈકમાં સૂચના આપવી જોઈએ. જેમ કે કોઈએ વારંવાર મુઠિયાંની માંગણી ન કરવી, બટેટાં કે રસો ન કઢાવવો. વાનગી ન આવે તો ચમચી કે થાળી ન ખખડાવવી. રાડો ન પાડવી. સુપરવાઈઝર તમારી પાસે આવે તો ‘અમે મફત જમવા નથી આવ્યા. ચાંદલો નોંધાવ્યો છે ચાંદલો’ – એવી શેખી ન મારવી…વગેરે વગેરે. ઘણા તો એકાવન રૂપિયાનો ચાંદલો લખાવે ને જમી જાય બસ્સો એકાવન જેટલું. ને એમાં જો રસોઈ સરખી ન બની હોય તો બધી દાઝ મુખવાસ પર ઊતારી એનો મોટો ફાકડો ભરી એનો બુકડો બોલાવી દે. ઘણા જમનારા ખાય ઓછું ને સળગે વધારે. ‘શાકમાં મીઠું ઓછું છે. (તારામાં ઓછું લાગે છે.) વઘાર બરાબર નથી થયો. ભજિયું કાચું છે. દાળમાં નકરું પાણી જ ઠપકાર્યું છે.’ (તારા જેવા ખાઉધરા સાત-સાત વાટકા દાળ પી જાય પછી શું થાય?) જમનારા-પીરસનારા જુદી ભાષાના હોય ત્યારે જોવા જેવી થાય છે. પીરસનારો કહે, ‘લડ્ડુ ચાહીએ?’ તો પેલો ગુજરાતી ઈશારાથી ના પાડીને લાડુ દેખાડતા બોલ્યો, ‘છે’ ને પેલાએ એની થાળીમાં છ લાડુ મૂકી દીધા. પૂરીવાળાએ પૂછ્યું, ‘કીતની પૂડી દુ?’ પેલો કહે, ‘સત્તર.’ ને પૂરીવાળાએ નવાઈ પામતા એની થાળીમાં સિંતેર પૂરીનો ઢગલો કર્યો ! હિન્દીમાં ‘સત્તર‘ એટલે સિંતેર થાય. ત્યાં દાળવાળો કહે, ‘દાલ ડાલ દું?’ પેલો ખીજાયો, ‘ભાગી જા. હું મારી મેળે રસોડામાં અંદર જઇને લેતો આવીશ.’

સગાઈમાં પીરસનારાને પડેલી તકલીફ જોઈને વડીલોએ લગ્નપ્રસંગે બૂફે જમણ રાખવાનું વિચાર્યું. પણ પીરસનારા કહે, ‘ના, ના, કેડ ભલે વળી જાય, અમે જાતે પીરસીશું.’ વડીલો પોરસાયા. જોયું? અમારા છોકરા પીરસવાનો આગ્રહ રાખી આપણી સંસ્કૃતિને જાળવે છે. શાબાશ જુવાનીયાઓ. જોયા ને મારા છોકરાના સંસ્કાર?’ પણ બાપને ક્યાં ખબર હતી કે આ બધું કમઠાણ પેલી બધી સ્વરૂપવાન યુવતીઓને આકર્ષવા માટે છે, જે સગાઈમાં બનીઠનીને આવેલી ! યુવાનોને એમ કે પીરસતા પીરસતા ક્યાંક મેળ પડી જાય તો કામ થઇ જાય. પણ બન્યું એવું કે સગાઈમાં ઝાઝો ભપકો કરનારાઓએ લગ્ન સાદાઈથી કરવાનું નક્કી કર્યું. ધામધૂમ કેન્સલ ને જુવાનીયાઓ લાલઘૂમ! વેવાઈએ મુઠિયું માંગ્યું તો પીરસનારો મુઠ્ઠી બતાવીને પીરસ્યા વિના જ આગળ નીકળી ગયો. દાળશાકમાં રસોઈયાની નજર ચૂકવી ઝાઝું મીઠું ઠપકારી દીધું! ‘કાં?’ તો કહે, ‘વેવાઈમાં મીઠું જ નથી. આવી ‘કોરેકોરી’ જાન લઈને થોડું અવાય?’

ઘણા પીરસનારા બીજા કોઈને નહીં પૂછે, પણ સુંદર છોકરીને ધરાર મીઠાઇ વગેરેનો આગ્રહ કરે છે ! પીરસવાની પ્રથામાં લાભ એ કે જમનારા મોઢું કટાણું કરે, ધમકાવે, વ્યંગબાણ છોડે, માંગમાંગ કરે એવાં વિવિધ સ્વભાવના લોકોની પ્રકૃતિનો પરિચય મળી જાય છે. આપણે જેને મોટો માણસ ગણતા હોઈએ, એ જમનારાની મનોવૃત્તિ કેવી નિમ્ન છે? એ ખાધોડકો છે કે બાધોડકો, કે બંને…? તે પીરસતા જ પરખાઈ જાય, જે જીવનમાં ડગલે ને પગલે કામ લાગે છે. રોફ-દંભનું ચોંટાડેલું વરખ અહીં ચપટીમાં ઊખડી જાય છે. આવાને આપણે ઘેર કોઈ કાળે જમવાનું નોતરું ન દેવાય, આની હારે સંબંધ ન રખાય, એવી બધી ખબર પડી જાય છે. આપણી છોકરીનું ચોકઠું આના દીકરા હારે ગોઠવવું કે નહીં એનો ખ્યાલ આવે છે.

આમ અહીં માત્ર અતિથિસત્કારની ભાવના જ નથી. આપણા પૂર્વજોએ પીરસવાની જે પ્રથા ગોઠવી છે એ સમજીને જ ગોઠવી છે. એની પાછળ આવાં અનેક કારણો, ઉદ્દેશો છૂપાયેલાં પડ્યાં છે, એટલે પીરસી લ્યો. નસીબમાં હશે તો બદલામાં ખાલી ઠપકો નહીં, પત્ની પણ મળશે. પછી રોજ ભપકો કરજો ને રોજ એનો ઠપકો ખાજો. જેવાં જેનાં ભાગ્ય. આમ પીરસવામાં મજા ને સજા બેય મળે છે ને એટલે જ આ પ્રથા હજી જીવંત છે.

– દુર્ગેશ ઓઝા
(‘અભિષેક’ મેગેઝિન દિવાળી અંક ૨૦૧૩માં પ્રકાશિત)
૧, જલારામ નગર,નરસંગ ટેકરી, હીરો હોન્ડા શો-રૂમ પાછળ, ડો.ગઢવીસાહેબની નજીક, પોરબંદર ૩૬૦૫૭૫ મો-૯૮૯૮૧૬૪૯૮૮ ઈ-મેઈલ durgeshoza@yahoo.co.in


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “પીરસવાની મજા (સજા) – દુર્ગેશ ઓઝા

 • gopal khetani

  બહુ જ સરસ હાસ્ય લેખ પિરસયો ને દુર્ગેશભાઇ… લગ્નની વાડિ નુ જમણ યાદ આવી ગયુ.

 • સુરેશભાઈ ત્રિવેદી

  ખુબ સુન્દર લેખ. મઝા પડી ગઈ. પીરસણીયાઓની મઝા અને વ્યથા એટલા વિસ્તારથી વર્ણવી છે કે કદાચ લેખકને પીરસણીયા તરીકેનો બહોળો જાતઅનુભવ હોવો જોઈએ. અભિનંદન.

  • durgesh oza

   સુરેશભાઈ, હાસ્યલેખ ગમ્યો એટલે અભિનંદન. ધન્યવાદ. નાગર જ્ઞાતિનો પાટોત્સવ થાય ત્યારે અથવા કોઈ પ્રસંગોમાં સ્વૈચ્છિક પીરસવાનું થાય તે અનુભવ તેમ જ કલ્પના..બેયનો સમન્વય કદાચ આવો સમૃદ્ધ હાસ્યલેખ માટેનું પ્રેરકબળ હોઈ શકે. ચિરાગભાઈ, ભાવેશભાઈને પણ મારો ‘ પીરસવાની મજા (સજા) ‘ હાસ્યલેખ ગમ્યો ને સુંદર કોમેન્ટ મૂકી એનો આનંદ છે. એ સૌનો ને સુરેશભાઈ, આપનો આભાર તેમ જ અક્ષરનાદ.કોમના સર્જનાત્મક માણસોનો પણ…જેમણે આ લેખની કલાને પરખી ને અહીં મૂકી સન્માની.- દુર્ગેશ ઓઝા પોરબંદર.

 • Chirag solanki

  Durgeshbhai, hasyalekh khub j gamyo…ane tame pirasvani he vat kari tenu varnan khub Sara’s karyu. Karan k aa j apni sanskruti che. Ame pan aa j rite pangat pirasva ni maja maneli. je aa varta dvara eni hubahu rajuat kari e juna divso ni ane apni sanskruti ni yaad apavi jay che….
  Bhaat ave to daal na ave….daal hoy to bhaat walo na ave…pacchi ekli daal j pivi PDE:)
  Thanks. Aa j rite tame lakhta raho evi subhecchao….

  • Bhaskar joshi

   Ak prasangma hu jadap thi pirsato hato amara ak durna Fai potano ROF padva bolya “am kutrane rotli apto hoy am kem puri nakhe chhe” tyarthi mari pirasvani uddat bhavna mari parvari me salu ava loko………..

 • Bhavesh Chudasama

  વાહ સાહેબ! શુ ઝલસા કરાવ્યા. ઝાઝા સમય બાદ આટલુ નિખાલસ હાસ્ય થયુ. ખુબ ખુબ આભાર અને અભિનન્દન.