ગુજરાતી ભાષાનું ઘટતું પ્રભુત્વ… – પરમ દેસાઈ 27


“ઓહ ! રીયલી ! મેં તો ફસ્ટ ટાઈમ સાંભળ્યું…”

“હાઉ સ્વીટ ! તમે કેટલા ગુડ પર્સન છો ! તમે તમારા સન માટે કેવી બ્યુટીફૂલ સાઇકલ બાય કરી આવ્યા, ઓન્લી એની એક રિક્વેસ્ટ પર.”

“ઓહ માય ગુડનેસ ! ના હોય ! હું કઈ જ અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતો.”

“એ હું જરા આઉટીંગ એન્ડ શોપિંગ માટે ડેડીની કારમાં લોંગડ્રાઈવ પર ગઈ હતી…વ્હોટ હેપન ?”

***

ઉપરનાં સંવાદો જરા.. પચતા નથી, નહીં ? બીલકુલ સાચી વાત છે. તમે આવા જ બીજા પણ ઘણા સંવાદો આધુનિક લેખકો – લેખિકાઓનાં પુસ્તકોમાં વાંચ્યા જ હશે. અલબત્ત, મારો હેતુ એ લેખકો – લેખિકાઓની કલમને ટોકવાનો નથી(!) પણ, મારી વાત તમારી સમક્ષ મૂકવાનો છે.

ઉપર મૂકેલા સંવાદોથી તમને એવું નથી લાગતું કે આ ‘આપણી’ ભાષા નથી? એનો લ્હાવો, એનો રંગ, એનો રોમાંચ એમાંથી લુપ્ત જણાય છે. હું તો એને ગુજરાતી ભાષાનું રીતસરનું ‘ખૂન’ કહું છું. તમે જે કહેતા હો, જે માનતા હો એ માનજો!

યુગોનાં યુગોથી આપણું સાહિત્ય રચાતું આવ્યું છે.. લાંબી સફર ગુજરાતી સાહિત્યએ ખેડી છે. અસંખ્ય ગ્રંથો રચાયા, પુષ્કળ કાવ્યો રચાયાં, અનેક નવલકથાઓ બની. આજે એકવીસમી સદી આપણને ગુજરાતી સાહિત્યનુ નવું જ – જુદું જ રૂપ દેખાડી રહી છે. અંગ્રેજી સાહિત્યનું વધતું જોર અને એને પાછું ગુજરાતી ભાષામાં મારી – મચડીને ઘુસેડવાની પ્રવૃત્તિ આજનાં ઘણાંખરાં યુવા લેખક-લેખિકાઓ કરી રહ્યા છે. કરે, સૌ સૌનું કામ કર્યા રાખે. આપણે કોઈને અટકાવી શકવાનાં નથી, કદાચ તો તેઓની વિચારસરણી બદલાય!

આજે ગુજરાતી ભાષા પ્રત્યેનો લગાવ ધીમે-ધીમે ઓસરતો જાય છે. આનું કારણ શું? ગુજરાતી લોકો ગુજરાતી ભાષાથી જ વિમુખ થઈ રહ્યા છે. પોતાનાં બાળકોને શરૂથી જ ‘અંગ્રેજી માધ્યમ’માં ભણાવવાની લાલસા રાખતાં લોકો શું એ ભૂલી ગયા કે પોતે જે ભૂમિ પર જન્મ્યા છે એ ગરવી ગુર્જર ભૂમિ છે. માતાનાં ઉદરમાંથી જનમ્યા બાદ એ સૌથી પહેલો અક્ષર કે શબ્દ બોલે છે એ અક્ષર કે શબ્દ પણ ગૌરવવંતી માતૃભાષાનો જ હોય છે ! આજે ‘માં’ શબ્દનું સ્થાન ‘મધર’ અને ‘મોમ’એ લીધું છે. તો શું એ આપણા જેવા ગુર્જરવાસીને શોભા અપાવે છે ? નહી…હરગિજ નહી. ‘માં’ શબ્દમાં જેટલી તાકાત છે તેટલી શક્તિ ‘મધર’ કે ‘મોમ’માં હોઈ જ ન શકે.

હમેશા થોડું હોય એ મીઠું લાગે એ કહેવત મુજબ લેખકો પોતાની વાર્તાઓ કે નવલોમાં ‘થોડા’ પ્રમાણમાં આવા શબ્દો ઉમેરે તો એ શોભનીય ગણાય. કલ્પનાને અનુરૂપ પાત્રોને જીવંત તથા વાસ્તવિક સ્વરૂપ આપવા એવા શબ્દો ઉમેરવા એ હું પણ માનું છું. પણ… એની ક્ષમતા પૂરતા જ, આવા શબ્દપ્રયોગો દીપી ઊઠે છે.

ગુજરાતી ભાષા પ્રત્યે તો આપણને આપ્તજન જેવો સંબંધ હોવો જોઈએ. એનું કૌશલ્ય, એની મીઠાશ, એનો થનગનાટ… આહાહા…! સાચું ગુજરાતી સાહિત્ય આપણને આ વિશ્વથી દૂર, અગોચર વિશ્વની સફર કરાવતું હોય છે. સ્વપ્નદ્રષ્ટા લેખકો અને કવિઓ તો ગુજરાતીને સંગ, છંદો, ઉપમાઓ, અલંકારોને સાથે રાખીને ‘કંઈક’ અલગ જ… પોતાની કલ્પના દુનિયામાં વિચારતા કરી મૂકે છે. તમે પણ અનુભવી જોજો! તમને પણ ‘આહા !’ નો સ્હેજેય અહેસાસ થશે.

આના માટે વચગાળાનાં ગુજરાતી સાહિત્ય પર નજર માંડવી પડે. ચંદ્રકાન્ત બક્ષી, રા. વિ. પાઠક, ચં. ચી. મહેતા, જયંત પાઠક, મકરંદ દવે, રમેશ પારેખ, રઘુવીર ચૌધરી, મનુભાઈ પંચોળી (દર્શક), મોહમ્મદ માંકડ, ઉમાશંકર જોશી, ઉશનસ, ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, અશ્વિની ભટ્ટ, હરકિસન મહેતા વગેરે જેવા સાહિત્યકારોએ આ સમયગાળો ધમધમતો રાખ્યો. તે ઉપરાંત હાસ્ય ક્ષેત્રે જ્યોતિન્દ્ર દવે, વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠી, તારક મહેતા વગેરે એ પોતાની ઉત્કૃષ્ઠ શૈલી દ્વારા ગુર્જરવાસીઓને મન ભરીને હસાવ્યા છે. આ સમયમાં રચાયેલા કાવ્યો, સોનેટો, હાઈકુ, વગેરે તો રીતસર ‘સોનામાં સુગંધ’ જેવા લાગે છે.

ગુજરાતી ભાષાનું બીજું એક અંગ ‘રહસ્યકથા’ ક્ષેત્રનુ છે જેમાં અત્યાર સુધી ખૂબ ઓછું સાહિત્ય રચાયું છે. સામાન્યતઃ આ ક્ષેત્ર વિવેચકો અને ઘણા વાચકવર્ગને પસંદ નથી હોતું. તો આ બાબતની સામી નમ્ર દલીલે એટલું જ કહેવું છે કે જેમ હાથ-પગ વિના શરીર પાંગળું છે, તેમ ‘રહસ્ય ક્ષેત્ર’ વિના ગુજરાતી સાહિત્ય પાંગળું છે.

ભાષાકીય બાબતમાં લોકપ્રિય અને જાણીતા રહસ્યકથા લેખક શ્રી કનુ ભગદેવ યાદ આવે. તેઓ કહેતા કે, “મને વાંચક ‘વાચક’ જ બની રહે તેમાં રસ છે. પછી એ અમીર હોય કે સામાન્ય, શિક્ષિત હોય કે અશિક્ષિત. આથી જેમ બને તેમ અંગ્રેજી હાઈસોસાયટીનાં શબ્દો ટાળું એવા પ્રયત્નો મારા હશે, જેથી દરેક પ્રકારનો વાચકવર્ગ નિર્દોષ આનંદ માણી શકે !” એમની આવી વૃત્તિ મને ખરેખર ગમી છે. એમને છેક સુધી પોતાનાં નિશ્ચય મુજબ પોતાની કલમને અંગ્રેજી શબ્દોથી ઘણી જ દૂર રાખી છે.

માતૃભાષાએ આપણને બોલતાં શીખવ્યા છે તેથી એ જ આપણને હસાવશે, રડાવશે, વિવિધ પરિસ્થિતિઓનો અનુભવ કરાવશે. આજ છે આપણું ગુજરાતી સાહિત્ય કે જે માનવીના વિચારોને બદલી નાખે છે. એને વિદ્વતા નો અનુભવ કરાવે છે. શરીરનાં રુંએ રુંઆ ખડા કરી દેવાની ક્ષમતા ધરાવતી આપણી માતૃભાષા એ કંઈ ભૂલવાની ચીજ તો નથી જ. ગમે તેટલો મોટો માણસ કેમ ન હોય, એ માતૃભાષાને પોતાનાં હ્યદયમાંથી છોડી શકતો નથી.

આ નાનકડા લેખ દ્વારા મારે એટલું જ કહેવું છે કે આજે ગુજરાતી સાહિત્ય પર થઇ રહેલા અત્યાચારો સારા પરિણામ નહી લાવે. એ અટકશે તો જ ઊંડાણમાં ડૂબી રહેલી ગુજરાતી ભાષાને નાના-સરખાં તણખલાંનો સહારો મળશે અને એના સહારે એ ફરી પાછી બેઠી થઇ શકશે.

એવી આશા રાખીશ કે આવનાર ભવિષ્ય ગુજરાતી ભાષાને માનભેર જોશે, અંતઃકરણથી ચાહશે અને એનો અકસીર ઉપયોગ સાહિત્યમાં કરશે જેથી એક અદભુત સૃષ્ટિનું સર્જન થશે. સાહિત્યકારોની પોતાની કલ્પનાસૃષ્ટિનું…!

– પરમ દેસાઈ (૧૯ વર્ષ)
(મો. ૮૪૬૯૧૪૧૪૭૯), ડી-૧૦૨, સ્પંદન સોસાયટી, સમતા-અરુણાચલ રોડ, સુભાનપુરા, વડોદરા.


આપનો પ્રતિભાવ આપો....

27 thoughts on “ગુજરાતી ભાષાનું ઘટતું પ્રભુત્વ… – પરમ દેસાઈ

  • ઋત્વિક

    જય જય ગરવી ગુજરાત
    હું જ્યારે જ્યારે પણ શુધ્ધ ગુજરાતી બોલુ તો મારા મિત્રો મને ટોકે કે આ શું બોલે છે પેટ શબ્દ નું ગુજરાતી રેદુ છે શાકભાજી નું ગુજરાતી બકાળુ છે દોડવું એનું હાડીયો છે આજ ના ગુજરાતી લગીર હિન્દી ઇંગલિશ અને લગીર અમથું ગુજરાતી ઉમેરિન બોલી છે એ નો હાલો બાપૂ મેં મારા ભ્રમનભાસ માં ગુજરાતી ભાષા રાખીતી તો એનો લોકો વિરોધ કરતા હતા
    એવા ગુજરાતી થઇ ગયા છે મારવાડા ઓ ગુજરાત માં ખૂબ ભરાઈ ગયા છે ગુજરાતી સુધારો

  • Dinesh Pandya

    આ ચર્ચા ઘણા દાયકાઓ થી ચાલે છે. જ્યારથી ગુજરાતી ભાષાનું શિક્ષણ ઓછું થતું ચાલ્યું છે.
    અને હવે મુંબઈ જેવા શહેરમાં તો ઘણી ગુજરાતી શાળાઓ બન્ધ થઈ ગઈ છે અને આ ક્રમ હજી ચાલુ જ છે.
    સંસ્કૃત ભાષાની જે દશા થઈ છે તેવી જ ગુજરાતીની ભવિષ્યમાં થશે. એસ.એસ.સી. માં માર્ક સ્કોર કરવા વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય રાખે છે.
    પછી બહુ જ ઓછા વિદ્યાર્થીઓ આગળ ઉપર સંસ્કૃતનું ઉચ્ચ શિક્ષણ લે છે.
    દરેક પ્રાદેશિક ભાષાની તો અત્યારે આ હાલત છે ભવિષ્યનું રામ જાણે.

    દિનેશ પંડ્યા

  • ભીખુભાઈ

    સરસ……
    કહેવત છે કે પારકી થાળી માં લાડવો મોટો લાગે……
    એટલે ગુજરાતી કરતા અંગ્રેજી ની ઘેલછા વધુ છે, પણ તેના પરિણામ વિપરીત છે. આપના મંતવ્ય ને સમર્થન…….

  • Ishvar Rohit

    Good morning Param,Congratulations……At age 19 you worried about Gujarati language I am proud of you. I am truly agree with your criticism. Sadly it is happening.Ishvar Rohit,Leicester U.k.Jsk.

    • gopal khetani

      માફ કરજો પણ તમારા પ્રતિભાવ (અને પરમ ભાઇ નો પ્ર્ત્યુત્તર) પણ જ્યારે ગુજરાતી મા નથી, તો તમે જે ચીંતા કરી રહ્યા છો એ તદ્દન અસ્થાને છે.

  • gopal khetani

    આટલી બધી નકારત્મક્તા શા માટે? ભાષા ની ખો નિકળી ગઇ છે, ખુન થઇ ગયુ છે..વગેરે વગેરે શબ્દો વાપરવાની જરુર જ નથી. શ્રી કાલીદાસભાઇ અને એમના જેવા બિજા અન્ય વ્યક્તીઓ ભાષા સંવર્ધન પ્રત્યે જાગ્રુત છે ત્યાં સુધી વાંધો છે જ નહી. હા, અવનવી વેબસાઇટ્સ પર જઇ ખાલી ખાલી બળાપો જ કાઢવો હોય તો કશુ ના થઇ શકે. ફક્ત એ જ વિચારવાની જરુર છે કે તમે ગુજરાતી ભાષા માટે શું કરશો ? તમારા બાળકો, મિત્રો, સગા વ્હાલા , પાડોશી અને સહકાર્યકરોને ગુજરાતી સાહિત્ય વાંચવા, લખવા, બોલવા અને ખાસ માણવા માટે પ્રેરિત કરો. હુ ચેન્નાઇ રહ્યો છુ. ત્યા બે શબ્દો તમીલ મા બોલુ તો એ લોકો મને સામે પ્રતિભાવ ગુજરાતી મા આપતા હતા. અહી નોઇડા મા પણ એવુ જ છે. આપણી જ કહેવત છે ને કે વાવો તેવુ લણો. અને હા, હજુ એક વાત, મે ઘણા વ્યક્તી જોયા છે જેમણે પ્રાથમીક થી શરુ કરી ઉચ્ચ શિક્ષણ અંગ્રેજી માધ્યમ મા લિધુ છે છતા ગુજરાતી સરસ બોલી, લખી, વાંચી જાણે છે અને પોતાના વિચારો ગુજરાતી માસરસ રિતે વ્યક્ત કરી શકે છે. અને ઘણા લોકો એવા છે કે ગુજરાતી માધ્યમ મા જ ભણ્યા હોવા છતા ગુજરાતી ભાષા મા વિચારો રજુ કરવા શબ્દો શોધવા ફાંફા મારતા હોય છે. ભાષા ની જાળવણી કરવી એ મારી, તમારી – આપણી સહિયારી જવાબદારી છે. જય જય ગરવી ગુજરાત.

  • Dr santosh

    આજે ગુજરાતી વગર ચાલશે પણ અંગ્રેજી વગર નહિ ચાલે.ગુજરાતી ભાષા ની સુંદરતા અદ્ભૂભૂત છે. મારુ બાલમંદિર થી પીએચ. ડી. સુધી નો અભ્યાસ ગુજરાતીમા જ થયો. પરંતુ આજે પરિસ્થિતિ ઉલટી છે, ઉલટી થઇ ગઇ છે.દરેક જાહેર પરીક્ષા અંગ્રેજી મા જ લેવાય છે. સરકારનુ આ બાબતે ઉદાસીન વલણ સ્પષ્ટ છે.અરે… ગુજરાતી ભાષાની હિમાયત કરનારાના સંતાનો અંગ્રેજી માધ્યમમા ભણે છે, તેના અનેક દાખલાઓ મોજુદ છે.મો.૯૪૨૬૫૬૦૪૦૨

    • મીત પટેલ

      સરકાર પ્રજા દ્વારા આવેલી છે. જો પ્રજા જુસ્સો દાખવે તો સરકારે જખ મારીને પ્રાદેશિક ભાષા અપનાવી પડે. જનતા બળવાન છે.

  • નટુભાઈ મોઢા

    તમારી વાત પરમ આનંદ કરાવે તેવી છે. મને તો લાગે છે કે આપણી ભાષા (માતૃભાષા કહેવી કે કેમ!?) નું ખૂન નહિ પણ તેના પર બળાત્કાર થતો દેખાય છે, છતાં ઊંધા ચશમા પહેરીને બધા મજા માણે છે. વાતો બધાને કરવી છે પણ શરૂઆત ક્યાંથી કરવી? ગુજરાતી સમાચાર જોતી વખતે નીચે પટ્ટીઓમાં આવતા સમાચાર પર ધ્યાન આપજો. જોડણીની ભૂલોને લીધે અર્થ નો અનર્થ થતો જોવા મળશે. હા, સત્વરે મળતા સમાચાર લખનારનું ગુજરાતી કાચું હોઈ શકે પણ એ વખતે તંત્રી ને ક્યાંથી હાજર રાખવો? શરૂઆત વિદ્યાપીઠ અને સરકારે કરવાની જરૂર છે. અહીં અમારા કર્ણાટકમાં એક શબ્દ બહુ પ્રચલિત છે. તે છે, ” સ્વલ્પ એડજસ્ટ માડી”
    એટલે કે ‘સ્વલ્પ એડજસ્ટ કરી લો’.અને આમાં જ ભાષાની ખો નિકળી જશે.

    તમારી ઉંમરના મિત્રોનો સાથ મેળવો. લખાણ ખૂબ જ સુંદર અને સમયોચિત.

  • Bhupesh Raval

    Param mitra,
    Nani vaye khub sari ane undu vicharo chho. Abhinandan. Mara putra Vandan Raval Ni ek Rahasya-Katha publish thaca jai rahi chhe.

  • Bhavin Acharya

    આપની વાત સાથે હુ સહમત છુ, પણ આ સમયે વિદેશી ભાષા અંગ્રેજી એ હદે મહત્વની બની ગઇ છેૅૅ કે સામાન્ય જન દ્વારા વ્યવહારમા એનો ઉપયોગ અટકાવવો લગભગ અશક્ય લાગે છેૅૅ. કારણ કે અત્યારે મોટાભાગ ના દફતરોમા અને અન્ય જગ્યાએ અંગ્રેજી દ્વારા જ કાર્ય કરવામા આવે છેૅૅ. લોકો અંગ્રેજી ભાષા મા સક્ષમ હોવાને પોતાનો “Plus Point” માને છેૅૅ અને આશા રાખે છેૅૅ કે એમના બાળકો મા પણ આ ગુણ આવે; તો આવા જટિલ સમયમા ગુજરાતીનુ અસ્તિત્વ ટકાવી રાખવાના અન્ય વિકલ્પો શોધવા પડશે.

    ગુજરાતી ભાષાના બુધ્ધીજીવીઓ દ્વારા સંગઠિત થઈ ને ભાષાના બચાવ માટે વિચાર કરવાની જરુર છેૅૅ.

    કોઇ એવા વિકલ્પો જેના દ્વારા લોકો ગુજરાતી ભાષા તરફ આવે, પણ લોકો ને અંગ્રેજીથી દુર કરવા એ ભુલ ભરેલુ છેૅૅ કારણ કે જો એમ કરવામા આવશે તો અંગ્રેજી ના અલ્પ જ્ઞાન ની એક અન્ય મુશ્કેલી ઉભી થશે.

    આશા રાખુ છું કે બધા સાથે મળીને આ સમસ્યાનુ કોઇ સામાધાન કરીશૂ.

  • P H Bharadia

    ગુજરાતી ભાષા ના કદાવર અને એક સમય્નના વિખ્યાત લેખકોના નામ પણ ઉમેરવા જોઇતા હતા, જેમા શ્રી રમણ્લાલ વસન્તલાલ દેસાઈ, શ્રી ચુનિલાલ , વર્ધમાન શાહ, શ્રી ચુનિલાલ મડિયા,શ્રી ઇશ્વર પેટલિકર, શ્રી રા. ના. પાઠક્,શ્રી પિતામ્બર પટેલ,
    શ્રી ભુપત વડોદરિયા ,શ્રી મોહમદ માન્કડ્ વગેરે, આ બધા લેખકો તેમના સમયમા ખુબજ લોક્પ્રિય હતા .
    આભાર્.

  • JAY Jivani

    વ્હાલા પરમ,

    તમે કરેલી ચર્ચા આ સમય પર ખુબ જ યથાર્થ છે.
    અને આ વાત સાથે હું પૂરે પૂરો સહમત છું.

    હું પણ તમારી જેમ ગુજરાતી ભાષાનો હિમાયતી છું.
    ઇજનેરી અભ્યાસ સંપૂર્ણ અંગ્રેજીમાં કર્યા પછી પણ ગુજરાતી સાહિત્ય પ્રત્યે ઘણી સહાનુભુતિ છે.

    મુખ્ય વાત પર આવી અને તમને એક પ્રશ્ન પૂછવા માગીસ કે શું આપણે ખરેખર ગુજરાતી ભાષાને વળગી રહેવું જોઈએ કે સમય સાથે બદલવું જોઈએ?

    કારણ કે,
    એક સ્તર પછી ઉચ્ચ અભ્યાસ કોઈ પણ સંજોગોમાં અંગ્રેજી માધ્યમ અપનાવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.

    એક વિદ્યાર્થી જે ૧ થી લઈને ૧૨ સુધી ગુજરાતી ભાષામાં અભ્યાસ કરે અને પછી એજ વિધાર્થી અચાનકથી એવા લોકો સાથે સંપૂર્ણ અંગ્રેજી ભાષામાં અભ્યાસ કરે જે પહેલેથી અંગ્રેજી માં અભ્યાસ કરે છે.

    આવા સંજોગોમાં એ વિદ્યાર્થીને લગતી મુશ્કેલી જે અનુભવે એજ સમજી સકે છે.

    એવા પણ સંજોગો આવે છે કે જ્ઞાન હોવા છત્તા પણ એ અંગ્રેજીમાં નથી બોલી શકતો.

    અને થોડા સમય પહેલા સરકાર શ્રી એ પણ બધા જ વિદ્યાર્થીઓ માટે ફરજીયાત અંગ્રેજી ભાષા માં મેડીકલ માં એડ્મીસન માટેની NEET લેવાનું નક્કી કર્યું હતું.

    આવા સંજોગો માં આપણે ખરેખર બાળક ને ગુજરાતી શીખવવું વાજબી છે??

    કે શરુઆત થી જ અંગ્રેજી માધ્યમ માં જ અભ્યાસ કરવો જોઈએ?

    તમારા જવાબ ની રાહ જોઇસ.
    -JAY JIVANI

    • Param Desai

      શક્ય હોય તો બંને શિખવવું. બસ, ગુજરાતી ભાષાને અપમાનિત ન કરવી.

  • Kalidas V. Patel { Vagosana }

    પરમભાઈ,
    આટલી નાની ઊંમરે આપ આપણી માતૃભાષા ગુજરાતીની ચિંતા કરો છો એ વાત નમસ્કારને પાત્ર છે. આભાર એક ગુજરાતીગિરાના ચાહકનો.
    … પરંતુ, દુઃખ સાથે આજના માહોલને અવલોકતાં, — અત્યંત દુઃખી હ્રૃદયે લખવું પડે છે કે …
    ૧. ગુજરાતી માધ્યમની સ્કૂલમાં બાળકોને મૂકવાં છે … પરંતુ, ઉત્તમ કહી શકાય તેવી ગુજરાતી માધ્યમવાળી શાળાઓ કેટલી ?
    ૨. કેટલા ગુજરાતીઓના ઘરમાં ગુજરાતી જોડણી કોશ છે ? { સાર્થ,વિનીત કે બીજો કોઈ પણ ગુજરાતી શબ્દકોશ } … { હા, ઈગ્લીંશ ડીક્ષ્નેરી તો છે ! }
    ૩. પોતાનું બાળક સાચું અને સારું ગુજરાતી બોલે, લખે, સમજે એવો આગ્રહ રાખનારા { શિક્ષિત ! } વાલી કેટલા ?
    ૪. બોલવામાં, લખવામાં, વ્યહવારમાં શુધ્ધ ગુજરાતી ભાષાનો આગ્રહ રાખનારા કેટલા ? — { લોકો વેદિયા કહે તેની બીક લાગે છે , નહિ ? }
    ૫. અંગ્રેજી લખતી વખતે એકાદ સ્પેલિંગ ખોટો લખાઈ જાય તો અકળાઈ જનારા આપણે ગુજરાતીમાં જોડણીની ભૂલો પ્રત્યે કેટલા સજાગ ? — { એ તો ચાલે .. !}
    ૬. અરે ! વેબસાઈટ પરના લેખોમાંથી કોઈ જોડણીની કે ટાઈપની ભૂલો તરફ નિર્દેશ કરે, તો પણ તેને ગંભીરતાથી લેનારા કેટલા ? સુધારવા આગ્રહ કરનારા કેટલા ? —- { અરે ! ઘણા તો કોમેન્ટ કરે કે … શું કામ તમારો અને અમારો સમય બગાડો છો ? }
    ટૂંકમાં, આવો માહોલ બદલ્યા વગર ગુજરાતીનું વર્ધન શક્ય લાગતું નથી. અસ્તુ.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

    • gopal khetani

      કાલિદાસભાઇ, આપ ની વાત ૧૦૦% સાચી. પણ સકારાત્મક વલણતો દાખવવુ જ પડશે. અહી એક મુરબ્બી એ પ્રતિભાવ આપ્યો છે કે ગુજરાતી ભાષા નુ ખુન થઇ ગયુ છે. એ અતિશયોક્તી છે. જ્યા સુધી ગુજરાતી વર્તમાન પત્રો, સામયિકો, વેબ સાઇટ્સ, પુસ્તક પ્રકાશનો અને છેલ્લે પણ અતિ મહત્વપુર્ણ ગુજરાતી શાળા ઓ રહેશે ત્યાસુધી ગુજરાતી ભાષા ને જટિલ સમસ્ય નહી નડે. ઉદાસિન વલણ અને નકરાત્મક વિચાર થી તો આપણે ભાષા ને પતન ના માર્ગે જ દોરી જઇશુ ને !! હાલ તો બાળકો અને યુવા પેઢી ગુજરાતી વાંચન પ્રત્યે આકર્ષાય તે જરુરી છે. ભાષા શુધ્ધી અને વ્યાકરણ મહત્વનુ છે જ, પર્ંતુ એ પહેલા લોકો ને વાંચવા, લખવા પ્રેરીત કરીએ એ વધુ મહત્વ નુ છે. ક્રમાનુસાર આગળ વધતા રહિશુ તો ગરવી ગુજરાત ની ગરીમા ને આંચ નહિ જ આવે. મારા પ્રતિભાવ ને સકરાત્મક રુપ મા જ લેશો એવિ આશા. (છતા શબ્દો ના ચયન મા ભુલ થઇ હોય તો આપ વડિલ ની ક્ષમા ચાહુ છુ).

      • Kalidas V. Patel { Vagosana }

        ગોપાલભાઈ,
        આપની વાત તદ્દન સાચી છે જ કે આપણે સૌએ સકારત્મકતા કેળવવી જ પડશે અને હાલનો માહોલ સુધારવો જ પડશે. અહિ ઓસ્ટ્રેલિયામાં અમે વડીલોની એક ” ગાર્ડન ક્લબ ” બનાવી છે અને નિયમિત એક મોટા બગીચામાં દરરોજ મળીએ છીએ. અમે બધા વડીલો પોતાના પૌત્રો જોડે તેમનાં મમ્મી-પપ્પા ઘરમાં ગુજરાતીમાં જ બોલે તથા તેમને ગુજરાતી લખતાં-વાંચતાં જરૂર શીખવે તેવો આગ્રહ રખાવીએ છીએ, જેથી એક આખી નવી પેઢીમાં આપણી માતૃભાષા ગુજરાતી જળવાઈ રહે. મિલપાર્કમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં પણ ગુજરાતીના ક્લાસ ચલાવીએ છીએ, તથા ” બાળસભા ” માં ગુજરાતીમાં જ વાતચીત કરવાનો આગ્રહ રાખીએ છીએ.
        ટૂંકમાં, ગુજરાતી ભાષાને જીવાડવી હશે તો, આપણે જ તેનું લાલન-પાલન અને વર્ધન કરતા રહેવું પડશે.
        કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • સંગીતા ચાવડા

    દરેક કાર્ય ની શરૂઆત પોતાની જાત થી જ થાય છે આપણે પોતે ગુજરાતી બોલીએ, વાંચીએ, લખીએ તો આપણા બાળકો પણ તેમજ કરવાના આજે પણ ગુજરાતી શાળા કોલેજો ચાલે છે ગુજરાતી વર્તમાનપત્રો સામયિક વંચાય છે મુઠ્ઠીભર લોકો ને બાદ કરતાં આપણે બધા સંપૂર્ણ પણે ગુજરાતી છીએ ભવિષ્ય ની ચિંતા કરવાની જરૂર નથી

  • Milan Rajput

    પરમ દેસાઇ ભાઇ , ગુજરાતી ભાષા નુ ખુન તો ક્યારનુય થઈ ગયુ છે, બસ અસ્થિ ને પધરાવવાની જ થોડી વાર છે, અને આ પાછડ મુખ્ય કારણ પણ ગુજરાતીઓ જ છે.

  • Rajnikant Vyas

    પરમના વિચારો સાચ્ચા છે, પરંતુ એનો અમલ થવો બહુ મુશ્કેલ અથવા લગભગ અશક્ય છે. તેનાં કારણો છે.
    (૧) આજે માંબાપ બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાનો આગ્રહ રાખે છે. શાળાઓમાં ગુજરાતી ભણાવાતું નથી. હિન્દી ફરજીયાત છે અને બીજી ભાષાઓ જેમકે ફ્રેન્ચનો પર્યાય ઉપલબ્ધ હો છે. આથી ગુજરાતી વિષયની બાદબાકી થઇ જાય છે.
    (૨) ઘરમાં માંબાપ અંગ્રેજી ભાષાનો ઉપયોગ છુટથી કરે છે. બાળકના મિત્રોમાં પણ આવી અંગ્રેજી મિશ્રિત ભાષા જ બોલાય છે.
    (૩) માંબાપ બાળકને ગુજરાતી શીખવવા ચાહતા હોય તો પણ તે માટે બાળક પાસે તે માટે સમય હોતો નથી. બાળક આખો દિવસ ઘરકામ અને ટ્યુશમાં રત રહે છે.
    (૪) ઘરમાં ગુજરાતી છાપાં, સામયિકો કે પુસ્તકો હોતાં નથી.
    (૫) ટીવી પર ગુજરાતી કાર્યક્રમો જોવાતા નથી. તેમાં કદાચ તેમની ગુણવત્તા પણ કારાણભૂત છે.
    અક્ષરનાદ અને એના જેવી બીજી વેબસાઇટો આ દિશા માં સુંદર કાર્ય કરે છે.
    બીજા દેશોમાં છે તેવું વાતાવરણ ભારતમાં નિર્માણ થાય એવી આશા રાખીએ.

  • Nehal Mehta

    19 વર્ષની કાચી ઉંમરનો યુવક આટલી સરસ રીતે શુદ્ધ ગુજરાતીમાં પોતાના વિચારો વ્યક્ત કરી શકતો હોય તો પછી ગુજરાતી ભાષાના ભવિષ્ય વિષે ચિંતા કરવાની જરૂર નથી. વાંચવો ગમે એવો લેખ.

  • સુરેશ જાની

    આવા અસંખ્ય લેખો લખાયા. પણ કશો ફેર પડ્યો નથી. ઉલટાનું ગામડાના લોકોમાં પણ આમ બોલવાની ફેશન વધવા લાગી છે!
    ભાષા એ તો સમાજની પારાશીશી છે – નદીના પ્રવાહ જેવી છે. એ પોતાનો માર્ગ જાતે જ નક્કી કરે છે. એની પર બંધ બાંધવા ભરપૂર આયોજન, નાણાં અને પુરૂષાર્થ જોઈએ. વાતોનાં વડાંથી કાંઈ ન વળે.

    • Jigar Mehta

      આજે તો જોબ મા એન્ગ્લિશ જરુરેી બનેલ ચ્હે…
      that is my personal experience…. though the people coming form small town or village, if they have not camand on english level, job could be not get by them….