યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૯)


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

એ સાંજે ટોમસ અને કારમન સિનેમા જોવા ઊપડ્યાં. ક્યુલિઅનને ફરી એક વખત સમુદ્રપારથી આવેલા મદદના હાથનો પરિચય થયો હતો. સિનેમામાં અવાજના આવિષ્કાર સાથે ત્યાં કેટલીયે મૂક ફિલ્મોને અભેરાઈ પર ચડાવી દેવામાં આવી હતી. એમાંથી ખાસ પસંદ કરેલી કેટલીયે ફિલ્મો મોશન પિક્ચર કંપનીઓએ અમને ભેટમાં મોકલી આપી હતી. એ ફિલ્મો ક્યુલિઅનમાં અઠવાડિયામાં બે વખત બતાવવામાં આવતી હતી.

કેરિટા અને હું ઘેર જ રહ્યાં. કેરિટાની બોટ બીજા દિવસે આવવાની હતી. કારમન એની સાથે ચાલી જવાની હતી. અમે કદાચ આવનારા દિવસોમાં લાંબા ગાળા સુધી મળવાના ન હતાં, અને એ વાત અમે બંને જાણતાં હતાં. વરંડામાં કોફી સાથે કેરિટાએ બનાવેલી કેક માણતાં અમે બેઠાં હતાં. કોરોનની પછવાડે પૂર્વ દિશામાં મંડરાતાં વાદળો હું જોઈ શકતો હતો. ઠંડો પવન વાઈ રહ્યો હતો. વરસાદનું આગમન નિશ્ચિત લાગતું હતું. અમારી વાતચીતના અવાજોની વચ્ચે-વચ્ચે ખડકોની કરાડમાંથી વહી આવતા પવનના અવાજો સંભળાતા હતા. આ અવાજો પણ અહીંની એક ખાસિયત જ હતા! વાવાઝોડા પહેલાં કોઈ રૂદન કરતું હોય એવા એ અવાજો હંમેશા સાંભળવા મળે! અચાનક જ શેગ મોં ઊંચું કરીને ભસવા લાગ્યો. કિનારેથી મેમ એનો પડઘો પાડી રહી! કેરિટા મુંઝવણમાં મૂકાઈ ગઈ.

“એમને આવું કરતાં તો ક્યારેય મેં જોયાં નથી, નેડ!”

“તને કદાચ એમ હશે કે વાવાઝોડું ત્રાટકશે, નહીં! પણ વર્ષના આ છેલ્લા સમયમાં એવું ક્યારેય બનતું નથી.”

વરંડામાં કોઈક આવી રહ્યું હતું. કેરિટાને શોધવા માટે મુખ્ય અધિકારીની કચેરીમાંથી કારકુન અહીં સુધી આવી પહોંચ્યો હતો.

“શ્રીમતી કેરિટા ટોરેસ માટે સંદેશો અમારી પાસે સંદેશો આવ્યો છે. ‘ગ્રેવિના’ જહાજ આવતી કાલે નહીં આવે. વાવાઝોડને કારણે એ પ્યુર્ટો પ્રિન્સેસિઆ કે પછી ક્યુઓ ખાતે જ રોકાઈ જશે. જહાજ આવવાનું હશે ત્યારે તમને ખબર મોકલી અપાશે.”

“ભલું થજો આ વાવાઝોડાનું, કેરિટા! એનો અર્થ એ કે તું વધારે એક દિવસ અહીં રોકાઈ શકીશ, કદાચ વધારે દિવસો પણ થાય! મારા માટે તો આ સારા સમાચાર છે.”

“મને લાગે છે કે અમારા રોકાવાથી તારી આ અદભુત જગ્યાને કંઈ વાંધો તો નહીં જ આવે, નેડ!”

એ ચિંતાગ્રસ્ત ચહેરે સમુદ્ર તરફ જોઈ રહી હતી.

એવામાં જોઝ ક્રૂઝ પગથિયાંની નીચે ઊભેલો દેખાયો.

“માફ કરજો શ્રીમતી ટોરેસ. પણ નેડ, વાવાઝોડું આવી રહ્યું છે એમ લાગે છે. બોટનું શું કરીશું.”

“થોડા માણસોને લઈને જા, અને જોઈ લે, કે બોટ અખાતમાં લાંગરેલી છે કે નહીં. અરે ટોમસ! તમે લોકો પાછાં કેમ આવ્યાં” ટોમસ અને કારમનને ઊંચા શ્વાસે જોઝની બાજુમાં ઊભેલાં મેં જોયાં.

“હા, સાહેબ. થિયેટર પર કોઈએ મને કહ્યું કે વાવાઝોડું આવી રહ્યું છે, એટલે અમે બધા તૈયારી માટે પાછા આવ્યા. છ નંબરનું સિગ્નલ મળી ચૂક્યું છે.”

“છ નંબરનું સિગ્નલ! કેરિટા, હું અહીં આવ્યો ત્યારથી મેં ક્યારેય છ નંબરનું સિગ્નલ જોયું નથી. બહુ જોરાવર વાવાઝોડું હશે એવું લાગે છે, અને આપણી તરફ જ આવી રહ્યું હોય એમ દેખાય છે.”

હું આ કહેતો હતો ત્યાં જ એક વંટોળિયો ટાપુ પર ફરી વળ્યો. જોઝ, ટોમસ અને કારમન કૂદીને વરંડાના છાપરા સુધી આવી ગયાં. વીજળીના એક ચમકારે ઘર, ફળિયું અને સમગ્ર દરિયાકિનારો ઝળહળ થઈ રહ્યો.

“નેડ, તારે જોઝની સાથે જવું જોઈએ. ટોમસ, કારમન અને હું અહીં રહીને ઘરનું ધ્યાન રાખીએ છીએ.”

“પણ ત્યાં ખરેખર મારી કોઈ જરૂર નથી.”

“જરૂર છે, નેડ. તારી જરૂર પડશે ત્યાં! જરા જોઝને પૂછી જો.”

“લોકોનો ઉત્સાહ જરૂર વધી જશે! તમે આવો એ વધારે સારું થશે.”

“ભલે જોઝ. ટોમસ, ફળિયામાંથી વાંસ ખેંચી લાવ, અને પશ્ચિમ તરફ એને બાંધી દે. બરાબર ઊંચા કરીને બંધાઈ જાય એનું ધ્યાન રાખજે. વરંડામાંના બારીના પટ્ટા સાથે એને બાંધી દેજે.”

“કારમન જબરી છે. એ પણ મને મદદ કરશે.” ટોમસ ગર્વથી એની નવવધૂના વખાણ કરતો હતો. એક પાતળો રેઇનકોટ ખેંચીને હું રસ્તા પર ઉતરી પડ્યો. રસ્તો સૂમસામ હતો. રસ્તામાં બીજા લોકો પણ પોતપોતાના ઘરની પાસે ભેગાં મળીને લાંબા વાંસ સાથે મથામણ કરી રહ્યાં હતાં. આ સાલપાંખડાં નીપા મકાનોને જો બરાબર બાંધવામાં આવે તો છક થઈ જવાય એટલો પવનનો માર સહન કરી શકે! આજુબાજુનાં બીજાં મકાનોને પણ એ જ રીતે બાંધવાના પ્રયત્નો થઈ રહ્યા હતા. દુકાનદારો દુકાન બંધ કરીને બધો સામાન કમરાની વચ્ચોવચ્ચ ખડકી રહ્યા હતા. અમે કિનારા સુધી પહોંચ્યા ત્યાં જ વસાહતની બત્તીઓ એક પછી એક ગુલ થતી જોઈ શક્યા. એનો અર્થ તો એ જ કે બધું કામકાજ હવે ઠપ્પ! દવાખાનાની મોટી અને પહોળી બારીઓ એક પછી એક ફટાફટ બંધ થઈ રહી હતી. દરિયામાં તોફાન ઊમટી આવ્યું હતું. પવનના અતિશય જોરની સામે કામ કરવું મુશ્કેલ બની રહ્યું હતું. વરસાદી ઝાપટાંએ અમને તરબોળ કરી નાખ્યા હતા. કિનારેથી થોડે દૂર લાંગરેલી બે મોટી મોટરબોટ દોરડાં સાથે ઊછળી રહી હતી. કિનારા પર ઘણાં નાના હોડકાં, તરાપા અને નાનકડી મોટરબોટ બાંધેલાં હતાં. રિકાર્ડો જેસિલ્ડો અને વિક્ટર કેબિસન આવીને ગાંડાની જેમ કામે લાગી ગયા હતા. વધારાના બીજા માણસોને મદદ માટે બોલાવવા માટે વિકટરને મેં રવાના કર્યો.એની સાથે જ પ્લાંટના દરેક કામદારોને પ્લાંટની જાળવણી માટે આવી જવાનો સંદેશો પણ મોકલી આપ્યો. જોઝ, જેસિલ્ડો અને હું એક નાનકડી હલેસાવાળી હોડી લઈને મોટી મોટરબોટમાંની એક બોટ સુધી પહોંચી ગયા, અને એને અખાતમાં અડધે સુધી દોરી લાવીને, બોટમાંનું આવી કટોકટીના સમય માટે રાખવામાં આવતું મોટું લંગર નાખી દીધું. આવા સમય સિવાય એ ભારે લંગર ભાગ્યે જ ઉપયોગમાં આવતું. મોટી બોટમાંથી પાછા નાની હોડીમાં આવતાં અમને ભારે જહેમત પડી, પણ છેવટે અમે હેમખેમ પાછા આવી ગયા.

કિનારે પાછા આવ્યા ત્યારે તો બીજા પાંચ-છ લોકો મદદમાં આવી ગયા હતા. હલેસાવાળી નાની હોડીઓને કિનારા સુધી ખેંચી લાવવાનું કામ મેં એમને સોંપ્યું. એ લોકો તરાપા અને નાની મોટરબોટ પણ કિનારા સુધી લઈ આવ્યા. એ પછી અમે બીજી મોટી મોટરબોટને પણ સુરક્ષિત કિનારા સુધી લઈ આવ્યા. પવન અને વરસાદનું જોર ઓછું થવાથી અમને થોડી રાહત થઈ ગઈ હતી, એટલે ઘણું કામ થઈ ગયું. હા, આકાશી વીજળીને કારણે અમે થોડી મુંઝવણમાં મુકાઈ જતા હતા. અચાનક આખું આકાશ ઝળહળ થઈ જતું, અને અમે આંધળાભીંત થઈ જતા હતા. મોટી બોટને કિનારે ખેંચી લાવ્યા ત્યાં જ ધક્કેથી મોટા-મોટા અવાજો સંભળાયા. એક હોડી છૂટી જઈને પ્રચંડ ગતિએ કિનારાથી દૂર જઈ રહી હતી. વીજળીના બીજા ચમકારે હોડીના પાછલા ભાગે એક આકૃતિ સુકાનના સહારે ઝોલા ખાતી દેખાઈ. દરિયામાં એ સ્થળે દૃશ્ય સાવ ધૂંધળું દેખાતું હતું. મોજાં સુકાન પર ફરી વળ્યાં, બોટ અને માણસને એણે થોડી વાર માટે ઢાંકી દીધાં, અને ફરી પાછા એ સ્પષ્ટ દેખાવા લાગ્યાં. અમે કિનારા પાસે જઈને ઊભા. એમના અવાજો સંભળાતા હતા.

“વિસેન્ટ, એ વિસેન્ટ છે! એ જેલ તોડીને નાઠો છે! એને રોકો!”

એ પાગલ માણસને કોઈ રોકી શકે એમ ન હતું. મેં એને બૂમ પાડી પણ પવનની સાથે મારો અવાજ ડૂબી ગયો. એણે વળતી બૂમ પાડી અને હાથ હવામાં હલાવ્યો. હોડી અને એના પર સવાર વ્યક્તિ અખાતની અને નજરની પણ બહાર સરકી ગયાં! કદાચ એ કોરોન પહોંચી જાય! પણ એની શક્યતા બહુ ઓછી હતી.

*

વરસાદ અને પવનની સામે ઝઝૂમતો હું મહામુશ્કેલીએ ઘર સુધી પહોંચ્યો. કેરિટા, ટોમસ અને કારમન ઘરને સુરક્ષિત રાખવા માટેના બનતા બધા જ પ્રયત્નો કર્યા હતા. કેરિટા અને ટોમસે મળીને મારા પ્રિય ફ્લેમ ટ્રીને  વાંસથી બાંધી દીધું હતું.

“કેરિટા, આજે રાત્રે ટાપુ પર ભાગ્યે જ કોઈ સૂઈ શકશે. તું અને કારમન બીજી કોઈ જગ્યા કરતાં અહીં વધારે સુરક્ષિત રહેશો. બીજા મકાનો કરતા આ મકાન મજબુત છે. તમને કંઈ જ નહીં થાય, એની જવાબદારી મારી! અને એ સાથે…” હું એની સામે જોઈને હસ્યો. “તું અહીં રહેશે એ મને ગમશે. આ વાવાઝોડાને મેં જ તો બોલાવ્યું છે, તને અહીં રોકી પાડવા માટે…”

ઘરની એકાદ બારીને ખુલ્લી રાખી શકાય ત્યાં સુધી રાખીને અમે વરંડામાં જ બેસી રહ્યાં. ટાપુ પર નૃત્ય કરતી વીજળીને અમે જોઈ શકતાં હતાં. વીજળીના પ્રકાશમાં ઊછળતાં સમુદ્રના સફેદ મોજાંની ઝલક અમને દેખાઈ જતી હતી. પવનના સપાટો સામે નાળિયેરીઓનાં ઝૂમખાં ઝૂકી જતાં હતાં. પરોઢ નજીક આવતા સુધીમાં પવનનું જોર તીવ્ર થઈ રહ્યું હતું. વરસાદનાં ઝાપટાં વરંડાને ભીંજવી રહ્યાં હતાં. ફળિયામાંની એક કેળ મકાનની દિવાલ સરસી તૂટી પડી. મેં છેલ્લી બારી પણ બંધ કરી દીધી. વીજળીની બત્તી તો વહેલી સાંજે જ ગુલ થઈ ગઈ હતી. વરંડાના એક ખુણે લટકાવેલા એક ફાનસનું ઝાંખું અજવાળું માત્ર ફેલાયેલું હતું.

શેગ અને મેમ પણ અમારી પાસે જ હતાં. એમનું ભસવાનું તો બંધ થઈ ગયું હતું, પણ અસ્વસ્થ થઈને એ બંને ઊભાં થઈને, અમે જ્યાં જઈએ ત્યાં પાછળ-પાછળ આવી જતાં હતાં. વાવાઝોડું કેરિટાને જાગૃત કરી ગયું હતું. ભયમુક્ત થયેલી કેરિટા આનંદિત થઈ ઊઠી હતી. છેલ્લે-છેલ્લે તો વાવાઝોડાનું ઘેન મારા પર પણ સવાર થઈ ગયું હતું! કલાકો સુધી ચાલેલા વાવાઝોડાનું જોર આખરે શમ્યું, અને ચારે તરફ એકદમ શાંતિ છવાઈ ગઈ. અમે સમુદ્રી વંટોળિયાની મધ્યમાં જ હતાં એ અમે જાણતાં હતાં. મેં બારીઓ ખોલી નાખી. વરસાદ રોકાઈ ગયો હતો. પવન પણ થંભી ગયો હતો. વાંસના ટેકાની મજબૂતી ચકાસવા માટે હું અને ટોમસ બહાર નીકળ્યા. થોડા સમયમાં જ આ રાક્ષસી પવનનો ચક્રવાતી પ્રવાહ, સામી દિશાએથી અમારી પર થઈને પરત થતી વેળાએ વળતો હુમલો કરવાનો જ હતો! આગળની બાજુએથી થોડા ટેકા હટાવીને અમે પાછળની બાજુએ લગાવી દઈને એ આખરી હુમલા સામે તૈયારી કરી લીધી. વીજળીના અજવાળે, ફળિયામાં ભરાઈ પડેલો કચરો દેખાતો હતો. વૃક્ષોના પડી જવાને કારણે વાડ તહસનહસ થઈ ગઈ હતી. આંબાની મોટી-મોટી ડાળીઓ તૂટી પડી હતી. તૂટી પડેલા નાળિયેર અમારા પગમાં અથડાતાં હતાં. અમે હજુ વરંડામાં પાછા ફરીએ ત્યાં જ, ફરીથી પવનના સુસવાટા અમારી ચારે બાજુ ફરી વળ્યા. રાતનો બાકી હિસ્સો અમે એમ જ પસાર કર્યો. એકમેકની વાત પણ સાંભળી ન શકાય એટલો ઘોંઘાટ થઈ રહ્યો હતો. જરૂર પૂરતી વાતચીત જ અમે કરી શકતાં હતાં.  શેગ અને મેમ અમને વળગીને બેસી રહ્યાં.

સવાર પડ્યે વરસાદ બંધ થઈ ગયો. અજવાળામાં બહાર જઈને અમે જોયું, તો નુકસાન જેવું બહુ ઓછું હતું. છાપરા પરના થીગડાં ઢીલાં થઈ ગયાં હતાં.  છાપરાનો કેટલોક ભાગ ઉખડી જ ગયો હતો. દિવાલ પર એક-બે જગ્યાએ પાનની આડશો ઊડી ગઈ હતી. નાળિયેરીને ખાસ્સું નુકસાન થયું હતું. માથાં ઊડી જવાને કારણે કેટલીક નાળિયેરી તો વીજળીના થાંભલાની માફક ઠૂંઠી થઈને ઊભેલી હતી. મારું ફળિયું અને આખો દરિયાકિનારો જાત-જાતના કચરા, પાન, ડાળીઓ, નાળિયેર અને લાકડાના ટુકડાથી ભરાઈ ગયો હતો. એક તૂટેલો તરાપો ઘસડાઈને ફળિયાની વચ્ચે સુધી આવી ગયો હતો. એને ચકાસીને એ તરાપો મારો ન હતો એની મેં ખાતરી કરી લીધી.

ધીમે-ધીમે ચાલતાં અમે વસાહતમાં જોવા માટે નીકળ્યાં. કેટલીક જગ્યાએ મારા ઘર કરતાં વધારે નુકસાન થયેલું હતું. પણ એ છતાં, સમગ્રતયા જોતાં ક્યુલિઅન ખાસ્સું બચી ગયું હતું. કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘરની દિવાલ એના પર તૂટી પડવાથી એક દરદીને થોડી ઈજા થઈ હતી. એ સવારે જ વિસેન્ટના ભાગી છૂટવાની જાણ કારમનને થઈ. એને બહુ સ્વસ્થતાથી વાત સાંભળી લીધી. મને ખબર હતી, કે આ ભયાનક વાવાઝોડા સામે વિસેન્ટ ટક્કર ન લઈ શકે, એ વાત એ સમજી શકશે. બીજા કોઈએ પણ શોક વ્યક્ત ન કર્યો. એની નાનકડી ટોળકી વીખરાઈ ચૂકી હતી. એક તો આ ભયાનક વાવાઝોડું, અને બીજું એમની ટોળકીના નેતાના જેલવાસ સામેનો નિષ્ફળ બળવો, આમ બબ્બે ચેતવણીઓ એમને શાંત કરી દેવા માટે પૂરતી હતી.

*

વાવાઝોડાના બીજા દિવસે “ગ્રેવિના” જહાજ આવી પહોંચ્યું. મુખ્ય અધિકારીએ મને અને ટોમસને બલાલાના ધક્કા સુધી કેરિટા અને કારમનને વિદાય આપવા જવાની ખાસ પરવાનગી આપી. અમે ત્યાં પહોંચ્યા ત્યારે એ બંને ત્યાં હાજર જ હતાં.

કેરિટાથી જૂદા પડવું મારા માટે યાતનામય હતું. એની આંખમાંથી છલકતા શોક પરથી દેખાઈ આવતું હતું, કે એના માટે પણ વિદાયની આ ઘડી સરળ ન હતી! આગબોટ દૃષ્ટિથી ઓઝલ થઈ ત્યાં સુધી તૂતક પર હાથ હલાવતી ઊભી રહેલી કેરિટાને હું જોઈ રહ્યો હતો. થોડા દિવસો પછી એનો પત્ર મળ્યો. મિન્ડાનોના અંતરિયાળ વિસ્તારમાં કામ કરવા માટે એને મોકલવામાં આવી રહી હતી. મનિલાથી દૂર, એટલે કે ક્યુલિઅનથી ઘણે દૂર… એ પત્ર વાંચતાં એક વિચાર મારા મનમાં ઝબકી ગયો, કદાચ કેરિટાને હવે હું ક્યારેય જોઈ નહીં શકું!

***

ક્રમશ:

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે તથા આ પહેલાના પ્રસિદ્ધ થયેલ ભાગ અહીં ક્લિક કરીને વાચી શકાય છે.

આપનો પ્રતિભાવ આપો....