દુનિયાનું પ્રખ્યાત પેઈન્ટીંગ મોનાલીસા.. – પ્રવીણ શાહ 1


1_Mona Lisaમોના લીસાના પેઈન્ટીંગ (ચિત્ર) વિષે કોણે નહિ સાંભળ્યું હોય? ઘણાએ તો એ અસલી ચિત્ર જોયું પણ હશે. એ પેઈન્ટીંગ અત્યારે પેરીસના લુવ્રે મ્યુઝીયમમાં જોવા મળે છે. આ ચિત્ર એ એક સ્ત્રીનું પોર્ટ્રેઈટ છે. ઇટાલિયન ચિત્રકાર લીઓનાર્ડો દ વિન્ચીએ તે દોરેલું છે. આ ચિત્ર દુનિયાના સૌથી વધુ લોકોએ જોયેલું અને સૌથી વધુ જાણીતું છે. એના વિષે સૌથી વધુ સાહિત્ય લખાયેલું છે.

લીઓનાર્ડો દ વિન્ચી મહાન ચિત્રકાર હતો. એણે આ ચિત્ર ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં ઈ.સ. ૧૫૦૩થી ૧૫૦૬ વચ્ચેના સમયગાળામાં દોર્યું છે. એવું કહેવાય છે કે લીઓનાર્ડોએ લીસા ગેરારડીની નામની સ્ત્રીને સામે મોડેલ તરીકે બેસાડીને આ ચિત્ર તૈયાર કર્યું છે. આ સ્ત્રી એક ગૃહિણી હતી. તે ફ્રાન્સેસ્કો ડેલ ગીઓકોન્ડો નામના વેપારીની પત્ની હતી. આ તૈલ ચિત્ર છે અને લીઓનાર્ડોએ તે પોપ્લર વુડ પેનલ પર દોર્યું છે. ચિત્ર સ્ત્રીના માથાથી કમર સુધીનું ભાગનું એટલે કે અડધી ઉંચાઈનું છે. સ્ત્રી ખુરસીમાં બેઠેલી છે, તેનો ડાબો હાથ ખુરસીના હાથા પર મૂકેલો છે, અને જમણો હાથ ડાબા હાથના કાંડા પર મૂકેલો છે. તેના ચહેરા પર હાસ્ય દેખાય છે, આ હાસ્ય જ બહુ પ્રખ્યાત છે. આ હાસ્ય સુખનું પ્રતિક છે. આ ચિત્ર બનાવવાનો હેતુ જ આ હાસ્ય છે. ચિત્રમાં સ્ત્રીના હાવભાવ, રંગોનું મિશ્રણ, મોડેલ તરીકે બેસવાની કલા – એ બધું અદભૂત છે. ચિત્રમાં આંખ પરની ભ્રમરો સ્પષ્ટ દેખાતી નથી. તે જમાનામાં કદાચ ભ્રમરો ચૂંટી નાખવાની પ્રથા હતી. ચિત્રની સાઈઝ ૨’ ૬” X ૧’ ૯” છે.

ચિત્ર એકદમ જીવંત લાગે છે. ચિત્રમાં પાછળ બર્ફીલો લેન્ડસ્કેપ છે, વળાંકવાળો રસ્તો અને બ્રીજ ત્યાં માનવની હાજરી હોવાનું દર્શાવે છે. ચિત્રમાં પાછળ દેખાતી ક્ષિતિજ સ્ત્રીના ગળાના લેવલે નહિ, પણ આંખના લેવલે છે.

‘મોના’ ઇટાલિયન શબ્દ છે, અંગ્રેજીમાં એનો અર્થ ‘મેડમ’ એવો થાય છે. સ્ત્રી માટે આ માનવાચક શબ્દ છે. મોડેલ તરીકે બેઠેલી સ્ત્રી લીસાને માનભર્યું સંબોધન કરવા લીઓનાર્ડોએ ચિત્રનું નામ મોના લીસા રાખ્યું હતું.

4_Mona Lisa behind bulletproof glassફ્રાન્સના રાજા ફ્રાન્સીસ પહેલાએ લીઓનાર્ડોની ખ્યાતિ સાંભળીને તેને ૧૫૧૬માં ફ્રાન્સ બોલાવ્યો. લીઓનાર્ડો મોના લીસાનું ચિત્ર ત્યાં સાથે લઈને ગયો, ૧૫૧૭માં તેણે ત્યાં એ ચિત્રમાં થોડા સુધારાવધારા પણ કર્યા. લીઓનાર્ડોના મૃત્યુ પછી, આ ચિત્ર તેના મદદનીશ સલાઈ પાસે રહ્યું. રાજા ફ્રાન્સીસ પહેલાએ આ ચિત્ર તેની પાસેથી ખરીદી લીધું અને પોતાના મહેલમાં મૂક્યું. વર્ષો પછી રાજા લુઇસ ચૌદમાએ આ ચિત્ર ત્યાંથી વર્સીલી મહેલમાં ખેસવ્યું. ફ્રેચ ક્રાંતિ પછી, આ ચિત્ર ૧૭૯૭માં પેરીસના લુવ્રે મ્યુઝીયમમાં મૂકવામાં આવ્યું. ચિત્ર  ફ્રાન્સ સરકારની માલિકીનું છે. વચ્ચે થોડો સમય તે નેપોલિયનના બેડરૂમમાં પણ રહેલું.

૧૮૭૦-૭૧ના યુદ્ધ દરમ્યાન આ ચિત્ર બ્રેસ્ટ આર્સેનલ નામના લશ્કરી મકાનમાં રાખવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તે ચાર અલગ અલગ જગાએ રખાયેલું.

એક વાર લુવ્રે મ્યુઝીયમમાંથી આ ચિત્ર ચોરાઈ જવાની ઘટના બની. ૧૯૧૧ની ૨૧ ઓગસ્ટે આ ચિત્ર લુવ્રે મ્યુઝીયમમાંથી ચોરાઈ ગયું. એને શોધવા માટે એક આખું અઠવાડિયું મ્યુઝીયમ બંધ રાખવામાં આવ્યું. પણ મળ્યું નહિ. બે વર્ષે ચોર હાથ લાગ્યો. લુવ્રેનો જ એક કર્મચારી વિન્સેન્ઝો પેરુજીયાએ જ આ ચિત્ર ચોર્યું હતું. ચાલુ દિવસે જ ચિત્રને એક મોટા કવરમાં મૂકી, કવર કોટની અંદર સંતાડી, સાંજે મ્યુઝીયમ બંધ થવાના સમયે તે બહાર નીકળી ગયો. આમ ચિત્ર પેરુજીયાના ઘરે પહોંચ્યું. પેરુજીયા ઇટાલિયન હતો અને દેશભક્ત હતો. લીઓનાર્ડો દ વિન્ચી પણ ઇટાલિયન હતો. પેરુજીયા માનતો હતો કે ઇટાલીના ચિત્રકારે દોરેલું ચિત્ર ઇટાલીના મ્યુઝીયમમાં જ હોવું જોઈએ. પેરુજીયાના કોઈ મિત્રએ તેને એમ પણ કહ્યું કે ચિત્ર ચોરાઈ ગયું હોવાથી, તેની કોપીની પણ સારી એવી કિંમત મળશે. પેરુજીયાએ એ ચિત્ર ૨ વર્ષ સુધી પોતાના મકાનમાં રાખ્યા પછી, તેની ધીરજ ખૂટી અને તે ફ્લોરેન્સ શહેરના યુફીઝી ગેલેરી નામના મ્યુઝીયમના ડાયરેક્ટરને વેચવા જતાં પકડાઈ ગયો. યુફીઝી ગેલેરીમાં આ ચિત્ર બે અઠવાડિયાં રાખ્યા પછી, ૧૯૧૪ ની ચોથી જાન્યુઆરીએ લુવ્રેમાં પાછું લાવવામાં આવ્યું. પેરુજીયા છ મહિના જેલમાં ગયો અને પછી તેને તેની ઇટાલી તરફની દેશભક્તિને કારણે ઇટાલી મોકલી દેવાયો. મોના લીસા ચિત્ર ચોરાવાને લીધે તે દુનિયામાં વધુ જાણીતું થયું.

6_President Kenedy at Mona Lisaઅત્યારે લુવ્રે મ્યુઝીયમમાં તેના પર બુલેટપ્રૂફ કાચ જડી દેવામાં આવ્યો છે, અને તેની આગળ લાકડાનો કઠેડો બનાવ્યો છે. મુલાકાતીઓએ કઠેડા આગળ ઉભા રહીને જ ચિત્ર જોવાનું.

ચિત્રને સ્વચ્છ રાખવા, ક્યારેક તે સાફ કરાયું છે, અને હલકી વાર્નિશ લગાડાઈ છે. ચિત્રને ફ્રેમમાંથી કાઢવાનું થયું હોય ત્યારે પડેલી નાનકડી ક્રેક દૂર કરાઈ છે.  ચિત્ર પર કરચલી ના પડે કે વધુ દબાણ ન આવે તેવી ફ્રેમમાં તે મઢેલું છે. ૨૦૦૫ થી તે એલઈડી લેમ્પથી પ્રકાશિત કરાય છે. લેમ્પ એવો છે કે જે ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોને ચિત્ર પર પડવા ડે નહિ. ચિત્ર પર વાતાવરણના તાપમાન અને ભેજની અસર ના થાય તેનો કંટ્રોલ પણ કરાય છે.

ડિસેમ્બર ૧૯૬૨થી માર્ચ ૧૯૬૩ દરમ્યાન આ ચિત્ર ફ્રેચ સરકારે અમેરીકાને ન્યૂયોર્ક અને વોશીંગટન ડી.સી.માં પ્રદર્શિત કરવા માટે આપ્યું હતું. અમેરીકામાં ત્યારે ૧૭ લાખ લોકોએ આ ચિત્ર જોયું હતું, ચિત્રની માત્ર ૨૦ સેકંડ પૂરતી એક ઝાંખી માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા. ૧૯૭૪માં તે ટોકિયો અને મોસ્કોમાં પ્રદર્શિત કરાયું હતું. દર વર્ષે સરેરાશ ૬૦ લાખ લોકો આ ચિત્ર જોવા આવે છે. ૨૦૧૪ના વર્ષ દરમ્યાન ૯૩ લાખ લોકો પેરીસમાં આ ચિત્ર જોવા આવ્યા હતા.

મોના લીસાના રક્ષણ માટે અઢળક પૈસા ખર્ચાય છે. આજે તેની કિંમત ૭૮ કરોડ ડોલર જેટલી આંકવામાં આવે છે. જો કે ફ્રાન્સના નિયમો મૂજબ તે વેચી શકાય જ નહિ.

મોના લીસાની કોપી જેવાં અનેક ચિત્રો બન્યાં છે, તે યુ ટ્યુબ પર જોવા મળે છે. ૧૯૮૬માં મોના લીસા નામની ફિલ્મ બની છે. મોના લીસા વિષે નવલકથાઓ પણ લખાઈ છે. કેટલીક આઈટેમો પર મોના લીસાનાં ચિત્રો હોય છે. પાંચસો વર્ષ પછી પણ મોના લીસા આ દુનિયામાં જીવંત છે.

નોંધ: લીઓનાર્ડોએ બીજાં ચિત્રો પણ દોર્યાં છે જેવાં કે ધ લાસ્ટ સપર, વર્જીન ઓફ ધ રોક્સ વગેરે.

– પ્રવીણ શાહ


આપનો પ્રતિભાવ આપો....

One thought on “દુનિયાનું પ્રખ્યાત પેઈન્ટીંગ મોનાલીસા.. – પ્રવીણ શાહ

  • gopal khetani

    અદભુત માહીતી પ્રવિણભાઇ. આપ ના લેખ માહીતીસભર હિવાસાથે રોચક પણ હોય છે.