યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૧)


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

દિવસો મહિનામાં અને મહીના વરસોમાં બદલાતા ચાલ્યા. યુદ્ધવિરામના છેક ત્રણ વર્ષ બાદ ફરીથી અમારી વસાહત નવા ગવર્નર જનરલની નિમણૂંકના ઉન્માદમાં ઝૂમવા લાગી હતી. ક્યુલિઅનના મારા રોકાણ દરમિયાન કેટલાયે ગવર્નર જનરલ આવ્યા અને ગયા. મને એમાંનાં કોઈની નિમણૂકથી ઉત્સાહ થયો ન હતો. પણ આ માણસને હું ઓળખતો હતો. લિયોનાર્ડ વૂડ, ૧૮૯૮ની સાલથી એ માણસ મારા માટે એક આદર્શ સમાન હતા. આ પહેલાં બે વખત એ અહીં આવી ગયા હતા. પહેલી વખત મોરો વિસ્તારના ગવર્નર તરીકે, અને બીજી વખત હજુ હમણાં જ સ્પેશ્યલ કમિશન ઓફ ઇન્વેસ્ટિગેશનના એક સભ્ય તરીકે. ત્યારના ગવર્નર જનરલ કેમેરોન ફોર્બ્સ સાથે એમણે કામ કરેલું. ગવર્નર જનરલ તરીકે એમની નિમણૂકમાં મને રસ પડવા પાછળ બે કારણો હતાં. એક તો એ, કે આપણી જવાનીના દિવસોમાં આપણે જેને આદર્શ માનતા હોઈએ, એ વ્યક્તિને આજે આટલાં વર્ષો પછી પણ ઉચ્ચ આસને, બલ્કે પહેલા કરતાં પણ ઊંચા આસને બિરાજેલા જોઈને કોઈને પણ આનંદ થાય જ! અને બીજી વાત એ, કે એમણે પોતાની કારકિર્દીની શરૂઆત ડોક્ટરના પદ પર કરી હતી. ક્યુલિઅનને કદાચ એ બાબતનો મોટો ફાયદો મળી શકે!

એક સાંજે હું મારા બગીચાના ઓર્કિડની સારસંભાળ લેતો હતો. આ ઓર્કિડ જો અમેરિકામાં ઊગ્યાં હોત, તો એણે કેટલાંયે ઇનામો મેળવ્યાં હોત! ડૉ. વિંટન બરાબર એ જ સમયે આવી ચડ્યા. હાથમાંની કાતર મેં બાજુ પર મૂકી, અને હંમેશાની માફક અમે આંબા નીચે છાંયે જઈને બેઠા.

“નેડ, તને જણાવતાં દુઃખ થાય છે, કે હું ઘેર જઈ રહ્યો છું.”

“ઘેર જાઓ છો! પણ હજુ હમણાં તો તમે આવ્યા!”

“મારા કહેવાનો અર્થ છે કે, હું પાછો અમેરિકા જઈ રહ્યો છું. હું ક્યુલિઅન છોડીને જઈ રહ્યો છું.”

હું બેસી પડ્યો, અને એમની સામે તાકી રહ્યો. એમના વિનાના આ સ્થળની હું કલ્પના પણ કરી શકું એમ ન હતો.

“પણ શા માટે… અને તમે ક્યાં જઈ રહ્યા છો?”

“એક નવું કામ છે, નેડ. કારવિલે, લ્યુસિયાનાના સરકારી રક્તપિત્ત સારવાર કેન્દ્રને હવે રાજ્યની મોટી સંસ્થા તરીકે વિકસાવવાના છે. મને એના સુપ્રિન્ટેન્ડેન્ટના પદ પર નિમણૂંક આપી છે. મિસિસિપી નદીના કિનારે બેટન રો પાસે એ જગ્યા છે.”

“હા, મેજર થોમ્પસને સૌથી પહેલા મારું નિદાન કર્યું, ત્યારે એમની પાસેથી એ નામ સાંભળેલું. તો પછી, જો તમે ત્યાં પાછા જઈ રહ્યા છો, તો પછી મને તમારી સાથે ન કઈ જાઓ?”

“મને લાગે છે કે તું આવી શકે, નેડ. અને તું આવે તો મને ચોક્કસ ગમશે. પણ, ભલા માણસ, તને ખબર છે આ ક્યુલિઅન માટે તું કેટલા મહત્વનો છે? તારો આ વ્યવસાય ક્યુલિઅન માટે કેટલા મહત્વનો છે એ તું જાણે છે! સિમ્પસન એ ચલાવી ન શકે. એક ઇજનેર તરીકે એ બરાબર છે. પણ તારા જેટલો એ વ્યવહારુ નથી. અહીં બીજું છે કોણ? ના, તને હમણાં તો અહીંથી ન છોડી શકાય! તું પોતે પણ ખરેખર તો જવા માગતો નથી અહીંથી! આગળ જતાં કદાચ એવું કરી શકાય. એવી તક જો મળશે, તો કારવિલેમાં અમે ચોક્કસ તારું સ્વાગત કરીશું.”

સામે પડેલા ટેબલ પર મેં કોતરેલી સહી સામે હું ટગર-ટગર જોઈ રહ્યો. મારો વ્યવસાય… એનો અર્થ એ કે એનું ચોક્કસ મહત્વ છે ખરું! વિંટનને એ મહત્વ સમજાયું હતું. અને ટેબલ પર સહી કોતરતી વખતે મેં પોતે વિચાર્યું હતું, વિંટન મને એ જ તો કહી રહ્યા હતા! એવો સમય પણ આવશે જ્યારે હું કામ નહીં કરી શકું! ત્યારે કદાચ  કારવિલે જઈ શકાશે!

“ભલે, તમે કહો એમ. હું પછી ક્યારેક આવીશ. તમે ક્યારે જવા માગો છો?”

“એકાદ અઠવાડિયામાં હું જઈશ. થોડું રોકાઈ શક્યો હોત તો મને આનંદ થાત, કારણ કે ગવર્નર જનરલે કહેવડાવ્યું છે કે એ આવી રહ્યા છે. પોતાની સઢ-નૌકા ‘એપો’ લઈને એ બધાની મુલાકાતે નીકળ્યા છે. પણ હુકમ થઈ ગયો છે, એટલે જવું જ પડશે.”

શક્ય એટલા મોડે સુધી મેં એમને બેસાડી રાખ્યા. હૃદયના ઊંડે ખૂણેથી હું એમને પસંદ કરતો હતો. એમને જતા જોવા એ બહુ અઘરી વાત હતી. થોડા દિવસો બાદ એક મોટા ઉત્સવના અંતે અમે એમને વિદાય આપી. એમની બોટ અદૃશ્ય થાય ત્યાં સુધી હું જોતો રહ્યો. હું, અને મારી સાથે-સાથે આ બધા લોકોને પણ એમની ખોટ કેટલી સાલવાની હતી!

*

જનરલ વૂડ આવ્યા એ દિવસે એક ભવ્ય સમારંભ યોજીને, પ્રવચનો સાથે એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમારંભમાં સામેલ થવાની અદમ્ય ઇચ્છા છતાં, ત્યાં જવા માટે છેલ્લી ઘડીએ હું જાતને તૈયાર કરી ન શક્યો. હું નહોતો ઇચ્છતો કે જનરલ વૂડ એક મધ્યવયના વિચ્છેદિત હાથવાળા ભૂતપૂર્વ સૈનિકને જુએ! પ્લાંટ પરના જરૂરી બે સિવાયના બધા કર્મચારીઓને એ ઉત્સવમાં જવા માટે મેં રજા આપી દીધી હતી. બગીચામાં કામ કરવાનો પ્રયત્ન મેં કરી જોયો, પણ કંઈ મજા ન આવી. એટલે પછી ટારગેટ પ્રેક્ટિસ કરવા માટે રાખેલી એક નાનકડી રાઈફલ લઈને હું દરિયાકિનારે ચાલ્યો ગયો, અને હવામાં બોટલોને ઊછાળી, એને નિશાન બનાવીને મજા લેવા લાગ્યો. હવામાં નિશાન ચૂકી જવાય અને બોટલ જમીન પર પડે, એટલે ફરીથી એને ફૂંકી મારતો. બોટલો પૂરી થઈ ગઈ એટલે લાકડાના ટુકડા ઉછાળવા લાગ્યો. પાણીમાં તરતા લાકડાના ટુકડાને નીચે ગોળી મારીને, એ ઊંચે ઊછળીને નીચે પાણીમાં પડે એટલે ફરીથી એને ગોળી મારવાનો પ્રયાસ કરી જોયો, પણ એમાં મને ફાવટ ન આવી. એમાં હું મશગૂલ હતો, ત્યાં પાછળથી ઘેરા અવાજે કોઈ બોલ્યું.

“પ્રયત્ન સારો હતો, પણ મને નથી લાગતું કે એ થઈ શકે.”

ચમકીને મેં પાછળ જોયું તો જનરલ વૂડ! એ જ મજબુત બાંધો, રતાશ પડતી ચામડી, એકદમ સફેદ રંગના સ્વચ્છ સૂટમાં સજ્જ, તડકાથી બચવા માટે જમણા હાથ નીચે સફેદ હેલમેટ લઈને એક વ્યક્તિ મારી સામે ઊભી હતી. વીસ વરસ પહેલાં આર્મિ કેંપમાં જોયેલી એ જ સ્મિતસભર આંખો અને માયાળુ ચહેરા સામે હું જોતો રહ્યો. એ એકલા જ આવ્યા હોય એમ લાગતું હતું. વિમાસણ ભરેલી આંખે મેં એમની પાછળ લોનમાં જોયું, તો સ્ટાફ ઓફિસર્સ અને વસાહતના થોડા ડોક્ટરોનું એક નાનકડું જુથ દેખાયું.

“તારે તો રફ રાઇડર સાથે હોવું જોઈતું હતું! આ રીતે નિશાન તાકી શકે એવા બધા લોકો તો મારી સાથે જ હતા.”

મારી જીભ થોથવાઈ ગઈ, પણ છેવટે હું જવાબ દઈ શક્યો.

“મેં તમારી સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો હતો, જનરલ!”

કેવી ગરબડ કરી નાખી હતી મેં! ટાપુ પરના સૌથી મોટા અધિકારીના સ્વાગતમાંથી ગુટલી મારતાં હું રંગે હાથ પકડાઈ ગયો હતો.

“ઓહ, તો તેં પ્રયત્ન કર્યો હતો. ખરેખર કર્યો હતો કે પછી? સારું, પણ તો પછી તું અમારી સાથે કેમ ન હતો?”

મારી સભાનતા છેવટે મને દગો દઈ ગઈ. અમે કઈ રીતે મળ્યા હતા એ, અને એમની સાથે જોડાવાના મારા પ્રયત્નો વિશે મેં એમને કહી જ દીધું!

એમના ચહેરા પર હળવાશ ફરી વળી. “આજે સવારે તો તું મારાથી છટકી ગયો, નહીં! પણ તારા વિશે હું બહુ સાંભળતો આવ્યો છું. મનિલામાં માર્શલે અને વિંટને તારા વિશે વાતો કરી હતી. એટલે… મારાથી બચવાનો પ્રશ્ન જ નથી રહેતો. રહી વાત તું ન આવ્યો એ બદલ તને સજા આપવાની, તો મેં વિચાર્યું કે આજે અચાનક જ છાપો પાડું! અને એથી પણ આગળ વધીને તને બંદુકબાજીમાં હરાવી દઉં!” આટલું કહીને પાછળ ફરીને એ પોતાના મદદનીશ પાસે ગયા.

“એપો પર જાઓ, અને મારી નાની રાઈફલ લઈ આવો.”

મદદનીશે સાવધાનની મુદ્રામાં આવીને સલામી આપી, અને રવાના થઈ ગયો.

જનરલને બેસવા માટે મેં પત્થરની બેઠક સામે આંગળી ચીંધી.

“બેઠક સુરક્ષિત જ છે.”

“ઈશ્વરને મારી પ્રાર્થના છે કે રક્તપિત્ત સામે લોકો થોડી સમજણથી કામ લે. તો… આ મત્સ્યોદ્યોગ અને પાવર પ્લાંટ કેમ ચાલે છે? ડૉક્ટરો તો કહે છે કે તારી સાથે કામ કરનારા લોકો બહુ આનંદમાં રહે છે! એમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે. તને શું લાગે છે?”

“હું સહમત છું એ વાત સાથે. લોકોને આવક પણ થાય છે, પોતાની જરૂર પ્રમાણે ખરીદી કરી શકે છે. લોકો ખુશ રહે છે, અને એની અસર એમના સ્વાસ્થ્ય પર પણ પડે છે.”

“તારી વાત એકદમ સાચી છે. આવી જગ્યાએ લોકોને કામ કરવાની તક અને આનંદથી વંચિત રાખવા એ આઘાતજનક છે. તું જે કરી રહ્યો છે, એને જો મોટા પાયા પર કરી શકાય તો એમના વિખૂટાં પડેલાં કુટુંબોને પણ એ મદદરૂપ થઈ શકે. આટલા બધાની સંપૂર્ણ જવાબદારી સરકાર નિભાવે છે, આ મોટા ભારમાંથી મુક્ત થવામાં સરકારને પણ એ મદદરૂપ થઈ શકે! આ દરદીઓ સાથે મળીને આપણે અહીં કામ કરી રહ્યા છીએ. આ જ દરદીઓ જ્યાંથી આવે છે એ દેશોની સરકાર પણ આ કામ નથી કરી શકતી! એ સરકારો માટે પણ તારું આ કામ મદદરૂપ થઈ શકે છે. આ વ્યવસાય દ્વારા તેં પાયાનું કામ કર્યું છે. આવનારાં વર્ષોમાં આ કામ તારા નામે જ ઓળખાવાનું છે. તારે કોઈ પણ સમયે મારી મદદની જરૂર પડે, તો મને જાણ કરતાં ખચકાઇશ નહીં.”

“તમે મને ખૂબ પ્રોત્સાહન આપ્યું, સાહેબ! આ સાહસ જે રીતે વિકસ્યું છે એ જોતાં, હજુ પણ એમાં ઘણી શક્યતાઓ પડી છે. રક્તપિત્તનાં દવાખાનાં જો ખેતી કે ઉદ્યોગો માટે ઉપયોગી હોય એવી જમીન પર સ્થાપવામાં આવે, અને નિષ્ણાતોની દેખરેખના રૂપમાં પૂરતી મદદ આપવામાં આવે, તો મને લાગે છે કે, ભલે મોટા ભાગના દરદીઓ હળવા કામથી વિશેષ કંઈ કરી શકે એમ ન હોવા છતાં, વસાહતના લોકો પોતાની મોટાભાગની જરૂરિયાત પૂરતું ઉત્પાદન તો કરી જ લેશે! આપણા ઓછામાં ઓછા અડધોઅડધ દરદીઓ શારીરિક રીતે સ્વસ્થ છે એ વાતની સાહેદી બધા ડૉક્ટરો સર્વસંમતીથી આપશે! બહારની બજારના દરવાજા એમને માટે બંધ છે, એ એક હકીકત છે. પણ એક વસાહત માછલી પૂરી પાડે, બીજી ચોખા, અને વળી ત્રીજી વસાહત કપડાં બનાવે, એવું કેમ ન થઈ શકે! પોતપોતાના સમાજ માટે જે જરૂરી હોય, અને પોતે જેમાં કુશળ હોય એ કામ પોતે ઉપાડી લે એવું કરવામાં શું ખોટું છે? લેવડદેવડનું આયોજન તો થઈ શકે. રક્તપિત્તના દરદીઓનું પોતાનું બજાર તો એમના માટે ખુલ્લું હશે છેવટે?”

મેં ઘર તરફ જોયું. ગવર્નરની રાહ જોઈ રહેલા લોકો અધીરા થઈ રહ્યા હતા.

“તું એમની ચિંતા કરતો નહીં. આ બાબતે બીજું કંઈ વિચાર્યું છે તેં?”

“બસ આ જ વાત છે એક. અને આ બાબતે મારા કરતાં તમે વધારે જાણકારી ધરાવો છો. રક્તપિત્તિયાની વસાહતમાં બનાવેલી કોઈ વસ્તુ ખુલ્લા બજારમાં વેંચી જ ન શકાય, એ વાત મને તો સાવ ગેરવાજબી લાગે છે.”

“તું દાખલો આપી શકશે એવી કોઈ વસ્તુનો…”

“દાખલા તરીકે… રસ્તા બનાવવા માટેની વસ્તુઓ, જેમ કે ઈંટો, ટાઈલ્સ, કોંક્રિટના બ્લોક્સ, લોખંડનું ફર્નિચર… જેને બહુ સરળતાથી જંતુરહિત બનાવી શકાય. જેને સાવ અજ્ઞાની માણસ પણ સુરક્ષિત માનશે એવી અનેક વસ્તુઓ વિશેષજ્ઞો તો શોધી શકશે, એ વાતમાં મને કોઈ જ શંકા નથી! થોડા સમય પહેલાં એક વૈજ્ઞાનિક અહીં આવેલા. એમની સાથે પણ મારે ચર્ચા થઈ હતી. એમણે કહેલું કે નિપાના પાનમાંથી કદાચ આલ્કોહોલ બનાવી શકાય. હું માનું છું ત્યાં સુધી, એ અસુરક્ષિત તો નહીં જ હોય.”

“તારો વિચાર મને ગમ્યો, નેડ. આ કામ ચાલુ જ રાખજે. એમાં ઘણી શક્યતાઓ પડેલી દેખાય છે. મને સમજાતું નથી કે આ રોગના ચેપ લાગવાથી લોકો કેમ આટલા ગભરાય છે! આમાં ચેપ લાગવાની શક્યતા કેટલી ઓછી છે! ત્યાં સુધી, કે પ્રયોગશાળામાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અજમાવવા છતાં આનો ચેપ ફેલાવી શકાયો નથી.”

અમે ઘર અને ફળિયા નજીક ફરતા રહ્યા, અને એ વાતો કરતા રહ્યા. માછીમારી અને શિકાર બાબતે પણ અમારી વાતો થઈ. બારાક્યુડા, જંગલી રીંછ અને ક્યુલિઅનના નાનકડાં હરણ વિશે પણ વાતો થઈ. એટલામાં એમનો મદદનીશ રાઈફલ લઈને પાછો આવી ગયો. ઉત્તમ નિશાનેબાજી પર એમણે જે નિદર્શન આપ્યું એવું તો આજ સુધી ક્યાંય જોયું ન હતું! હવામાં ઊછાળેલી નાની ડાળીઓને વીંધવામાં પણ એમને કોઈ મુશ્કેલી ન પડી. થોડી ડાળખીઓને નિશાન બનાવ્યા પછી એમણે એક મોટો પત્થર ઊંચકીને હવામાં ઉછાળ્યો. એને વીંધવામાં એ નિષ્ફળ રહ્યા, એટલે બીજો પત્થર ફેંક્યો. ફરીથી સફળ ન થયા, એટલે થોડા પત્થરોમાંથી વીણીને ત્રીજો પત્થર એમણે બહુ સાવધાનીથી પસંદ કર્યો. કઢંગું લાગવા છતાં ડાબા હાથે રાઈફલ પકડીને એમણે પત્થર હવામાં ફેંકીને ગોળીબાર કર્યો. એ ચૂકી ગયા. કારતૂસની ખોલી પડવાનો અને બીજા રાઉન્ડનો અવાજ લગભગ એક સાથે જ આવ્યો, અને એ સાથે જ હવામાં ઊછાળેલા પત્થરમાંથી કરચો વછૂટી. કારતૂસ અથડાઈને પાછી ફરવાનો અવાજ સંભળાયો. મેં જોયેલી ઝડપી અને સચોટ નિશાનેબાજીમાંની સૌથી શ્રેષ્ઠ નિશાનેબાજી હતી એક સ્મિત સાથે એમણે પોતાની રાયફલ મદદનીશને સોંપી દીધી.

“આજે આટલું બસ રાખીએ!”

અમે બીજા લોકો સાથે જઈને ઊભા રહ્યા, અને થોડીવાર માટે અમારી મુલાકાત અનૌપચારિક બની ગઈ. બધા ઘરની ફરતે અને પછી મુખ્ય રસ્તા સુધી પણ ફરી આવ્યા. એ દરમ્યાન મને લાગ્યું કે જનરલના ડાબા પગે થોડી ખામી છે! એની સાથે જ, એમણે જે કઢંગી રીતે ડાબા હાથે રાઈફલ પકડી હતી, એ પણ મને યાદ આવી ગયું. ક્યુબામાં એ થોડા ઘાયલ થયેલા એ વાતની મને જાણ હતી. આ એનું જ પરિણામ લાગતું હતું. લંઘાતા પગ અને બીજી મુસીબતો સાથે પણ એ જીવી રહ્યા હતા. હું એમનાથી છટકતો રહ્યો, પણ એમણે જાતે અહીં આવીને પોતાના ઘાવો મને બતાવી દીધા હતા! વિંટન અહીં હોત તો એમના સ્વાગતમાં ન જવાની ધૃષ્ટતા મેં ક્યારેય ન કરી હોત! ફરીથી જનરલ વૂડ આવશે ત્યારે… પણ હવે એનો કોઈ જ અર્થ ન હતો. મને મારી જાત પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો!

* * *

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે તથા આ પહેલાના પ્રસિદ્ધ થયેલ ભાગ અહીં ક્લિક કરીને વાચી શકાય છે.

આપનો પ્રતિભાવ આપો....