વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૭} 1


ગતાંકથી આગળ…

A Novel By Pinki Dalal

A Novel By Pinki Dalal

સાંજ ઢળી રહી હતી. ઘરમાં અજબ શાંતિ છવાયેલી હતી. એનો એક માત્ર અર્થ એ હતો કે રિયા ઘરમાં નહોતી, અન્યથા એની હાજરી વર્તાયા વિના ન રહે.

આરતી હળવેકથી રિયાના રૂમ સુધી આવી. અંદરથી ન બંધ કરેલું બારણું અટકાવેલું હોય એમ સહેજ ધક્કામાં તો આખેઆખું ખૂલી ગયું. ઠંડાગાર રૂમમાં એરકંડીશનરના હળવા વાઈબ્રેશન સિવાય કોઈ અવાજ નહોતો. રિયા હજી સૂતી હતી. પૂરેપૂરી ખુલ્લી આંખોથી છત તાકી રહી હતી. છાતીસરસો રાખેલો કુશન એની મનોસ્થિતિ બયાન કરવા પૂરતો હતો. બારણું ખોલવાથી હળવો અવાજ તો થયો છતાં એને આરતીના આગમન નોંધ લીધી હોય એમ એને નજર સુદ્ધાં ન કરી ત્યારે લાગ્યું કે એના મનમાં કોઈક નારાજગી તો જરૂર ઘોળાઈ રહી હતી.

આરતીને બોલવું સુઝ્યું ન હોય તેમ એને પાસે જઈ એનું કપાળ સ્પર્શી જોઈ જોઈ લીધું. તાવ તો નહોતો અને એની સાબિતી તો ચહેરો આપી રહ્યો હતો પણ કોઈક વિચાર મૂંઝવી રહ્યો હોય એમ કપાળ પર ખેંચાયેલી રેખાઓ કહેતી હતી. નાનીનું એ કાળજીભર્યું વ્હાલ પણ કામ ન કરી શક્યું ત્યારે આરતીને વાતની ગંભીરતા સમજાઈ. પરિસ્થિતિ જાળવી જવાની હતી.

‘થોડીવાર પહેલા કરણનો ફોન હતો. કહેતો હતો તું એના ફોન રીસીવ કરતી નથી… એ ચિંતા કરતો હતો.’ આરતીએ કહ્યું ને રિયાના પ્રતિસાદ માટે રાહ જોઈ.

ધાર્યું તો હતું કે કરણનું નામ પડતાં રિયાના ચહેરાના હાવભાવ ફરી જશે પણ એવું કંઈ બન્યું નહીં એટલે આરતીના મનનો ઉચાટ ફરી ઉજાગર થઇ ગયો : એનો અર્થ કે કાલે રાત્રે થયેલી રાજાવાળી વાત રિયાના મનનો કબજો લઈને બેઠી છે.

આરતી બાજુમાં બેસી હળવેકથી રિયાના વાળ પીઠ પસવારી રહી : ‘મેં તને પૂછ્યા વિના જ કરણને કહ્યું હતું કે તબિયત ઠીક નથી. ને એટલીવારમાં તો જોને એણે તો મસમોટો બુકે મોકલ્યો છે, હમણાં જ કોઈ આપી ગયું… જોવો નથી?’

આરતીએ કહ્યું હતું એક જ આશયથી કે રિયા જરા ખુશ થાય પણ એવું કંઈ થયું નહીં. બલકે એ તો નિર્લેપભાવે સાંભળતી રહી. કદાચ કરણ પોતે ન આવ્યો એનું માઠું લગાડીને બેઠી હશે! આરતી શું જાણે કે એનો તર્ક કેટલો ખોટો હતો!

‘અને હા, મધુ સાથે વાત થઇ. એટલી તો ખુશ હતી, તારી સાથે વાત કરવી હતી પણ તું તો ઊંઘતી હતી ને! એને વસવસો રહી ગયો કે આ સમયે એ મુંબઈમાં નહોતી.’

કદીય ખોટું ન બોલનાર આરતીને પોતાનું આ જૂઠાણું ઘડીમાં પકડાઈ જશે એવો વિચાર પણ ન આવ્યો એનું કારણ અન્ય કંઈ નહીં અને રિયાના દિલની સ્થિતિ હતી. એક જૂઠાણું એને ખુશ કરી શકતું હોય તો એમ સહી.

‘નાની… પ્લીઝ…’ રિયાએ બેઠા થવાનો પ્રયાસ કર્યો. પીઠને ટેકો રહે એમ કુશન ગોઠવી ને ટટ્ટાર થઇ. : ‘મારે માટે તમારી તપસ્યા પર પાણી ફેરવી દેશો શું?’

આરતી સન્ન થઇ રિયાની વાતથી. પોતે કેમ ભૂલી જતી હશે કે રિયા હવે નાનું બાળક નથી રહી કે એને હવે આ રીતે નહીં વારી શકાય.

‘તમે તો કહો છો ને કે એક સફેદ જૂઠાણું પણ ચાળીસ દિવસની તપસ્યાનું ફળ મિથ્યા કરી નાખે! તો પછી આવી નાની વાત માટે આવું મોટું બલિદાન? નાની, હું હવે બધું સમજું છું, તમે કહો એ તો ખરું જ, ને ન કહો એ પણ…’ રિયાએ ઠંડે સ્વરે કહ્યું. એમાં હતાશા હતી કે પછી કોઈક વસવસો આરતીને ન સમજાયું.

‘ના, રિયા સાચું કહું છું, મારે ખરેખર મધુ સાથે વાત થઇ…’

‘હા, તે થઇ હશે, પણ નાની મને એ પણ ખબર છે કે મમ અહીં મુંબઈમાં હોત ને તો પણ પ્રીમિયર માટે હરગીઝ ન આવત. એ વાત અત્યાર સુધી હું એક વહેમની જેમ જોતી રહી હતી પણ હવે કાલે રાત્રે તમે ખોલેલા રહસ્ય પછી તો એમાં કોઈ શંકા પણ નથી રહીને!’

આરતીએ એક જ દલીલ સામે તમામ હથિયાર હેઠાં મૂકી દેવા પડ્યા. અચાનક જ સોપો પડી ગયો. બોલવા માટે જાણે કશું જ બાકી નહોતું રહ્યું હવે. આખરે રિયાએ જ મૌન તોડવું પડ્યું, પરિસ્થિતિ જેનો તકાજો કરી રહી હતી એ વાત હવે માંડવી અનિવાર્ય હતી.

‘નાની, એ બધી વાત છોડો, મને તમારી જરૂર છે, મદદ કરશો?’

આરતીના ચહેરા પર આશ્ચર્ય ચિહ્ન દોરાયું હોય તેમ તેનો ચહેરો સહેજ વંકાયો.

‘હા, મનમાં ઘૂંટાઈ રહ્યું હતું, કેટલાય સમયથી કહેવું તો હતું પણ કઈ રીતે કહેવું સમજાતું જ નહોતું પણ લાગે છે હવે સમય આવી ચૂક્યો છે.’ આરતીના મનમાં એકસાથે સેંકડો પ્રશ્નાર્થ રમી રહ્યા પણ અત્યારે રિયાની વાત સાંભળવી જરૂરી હતી.

‘તમને યાદ છે પેલી રેહાના?’ રિયાએ અચાનક પૂછ્યું.

આરતીએ યાદ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળતા ન મળી. બે ચાર ક્ષણ પછી પણ કંઈ યાદ આવે એમ ન જણાયું એટલે રિયાએ જ કહેવું પડ્યું : ‘આપણે ચેન્નાઈ હતા ત્યારે મારી સાથે હતી. યાદ આવ્યું હવે?’

‘અરે હા! પેલી મેકઅપ વાળી…’ આરતીને અચાનક યાદ આવી ગઈ એ, પછી અચાનક જ સુધારી લીધું : ‘સોરી, તારી મેકઅપ આર્ટીસ્ટ… એ જ ને?’

‘હા, એ જ, નાની તમને યાદ છે મેં તમને કહેલું પણ ખરું કે એ તમારા વિષે શું કહેતી હતી?’

આરતીના સ્મરણ પર તાજી થઇ આવી એ વાત જાણે ગઈકાલે જ સાંભળી હોય. એને જે શબ્દ વાપર્યો હતો એ શબ્દ તો આજે પણ ક્યાં ભૂલાય એમ હતો? પણ આરતીને ચૂપ જોઇને રિયાને લાગ્યું કે રેહાનાવાળી વાત તો નાની નક્કી ભૂલી ગયા લાગે છે.

‘નાની એ કહેતી હતી કે નાની તો તિલસ્મી લેડી છે, તિલસ્મી… એ બોલે તે સત્ય વચન થઇ જાય છે…’

આરતીનો ચહેરો થોડો ઝંખવાયો. આ વાત અત્યારે રિયાએ કેમ છેડી હશે? આરતીના ચહેરા પર બદલાતાં ભાવ રિયાથી અજાણ્યા ન રહ્યા.

‘નાની, ત્યારે તો મને એ વાત એક યોગાનુયોગ કે મજાક જેવી વધુ લાગી હતી. પણ હવે…’ રિયાનો અવાજ અચાનક જ ગંભીર થઇ ગયો.

આરતીની ભ્રમર તણાઈ ને પ્રશ્નાર્થ બની : ‘અને હવે એટલે?’

‘હવે મને લાગે છે કે જે મને સાથે રહી ન સમજાયેલું તે રેહાના પાસે રહીને સમજી ગઈ હતી.’

‘રિયા તું કહેવા શું માંગે છે?’

‘એ જ નાની, જે તમે સમજો છો.’

‘એટલે? કે મારી પાસે ખરેખર આવી કોઈ જાદુની ઝપ્પીઓ છે?’

‘હા અને ના…’ રિયા બોલીને જરા હસી. કેટલાય દિવસોથી ગૂમ થઇ ગયેલું સાચુકલું સ્મિત આરતીને શાંતિ આપી ગયું. પણ ત્યારે ક્યાં ખબર હતી કે આ શાંતિ એક જ ક્ષણમાં બાષ્પીભવન થઇ જવાની છે?

‘નાની, હું સીધી વાત કરું… મને પણ આ સાધના શીખવો. મને એ સિદ્ધિઓ હાંસલ કરવી છે જે તમારી પાસે છે…’ રિયા એક શ્વાસમાં બોલતી રહી. સામે રહેલા નાનીના ચહેરાના બદલાતાં હાવભાવની કોઈ અસર એની મક્કમતા પર નહોતી પડી.

‘તને આવો ભ્રમ કઈ રીતે થઇ ગયો? પેલી મેકઅપવાળીએ બીજું શું તારા દિમાગમાં ભેરવ્યું છે?’ આરતીનો સ્વર પહેલીવાર અસ્વસ્થ લાગ્યો રિયાને.

‘મેં કંઈ ખોટું કહ્યું?’

આરતીએ ઉત્તર ન આપવો હોય તેમ રિયાના બેડ પરથી ઉઠીને સામે પડેલી સોફાચેર પર જમાવ્યું. અજાણે જ અંતર કરી લીધું નાનીએ, રિયાના મનમાં એ વાત નોધાયાં વિના ન રહી. રિયા ઉઠીને પાસે આવી ગઈ. નાનીના પગ પાસે બેસીને માથું ખોળામાં રહે એમ ટેકવ્યું. આરતી વધુ કંઈ બોલવું ટાળવું હોય તેમ હળવે હળવે એના વાળ પસવારતી રહી.

‘નાની, તમને એમ લાગે છે કે રેહાનાએ મને કંઈક કહ્યું ને મેં માની લીધું?’ રિયાએ ખોળામાં ટેકવેલું માથું ઊંચું કરીને નાની સામે જોઈ રહી. પહેલીવાર રિયાને લાગ્યું કે નાની કોઈ રાઝ છૂપાવવા માંગતા હોય એમ આડું જોઈ રહ્યા હતા.

‘નાની, તમને પૂછું છું, કોઈ શું કહે ન કહે એનાથી મને શું ફર્ક પડે છે?’ બારી તરફ તાકી રહેલી આરતીની હડપચી હળવે હાથેથી રિયાએ પોતાની તરફ ફેરવી. હવે સ્તબ્ધ થઇ જવાનો વારો આરતીનો હતો. આ રિયા પોતાના વિષે, પોતાની સાધના વિષે જાણી ગઈ હશે? એ શક્ય જ ન બને. તો વાત શું હતી?

આરતીના ચહેરા પરના ભાવ જોઇને રિયાએ વાત ઘૂમાવવા કરતા ચોખ્ખી શરૂઆત કરી નાખવી ઉચિત સમજી,

‘નાની, હું જાણું છું જેને છૂપાવવા કદાચ આખી જિંદગી સફળ રહ્યા છો, પણ કદાચ કુદરતને એ મંજૂર હશે કે તમારી એ વિદ્યાનો વારસો અન્ય કોઈને નહીં ને નહીં પણ મને અને માત્ર મને મળે, કદાચ એટલે જ હું તમારી એ પૂજાની સાક્ષી બની ચૂકી છું…’

રિયા સાહજિકતાથી બોલી ગઈ પણ આરતી માટે એ વાત બોમ્બવિસ્ફોટથી ઓછી સ્ફોટક નહોતી. આખી જિંદગી જેને દુનિયાથી ગોપિત રાખી શકી એ સાધના આ છોકરી કઈ રીતે જાણી ગઈ? આરતીના ચહેરા પરનું નૂર એક જ વાક્યથી ઉડી ગયું હોય તેમ તેનો ચહેરો ફિક્કો પડી ગયો.

‘તને કોઈ ભ્રમ થયો છે દીકરા..’ જૂઠું બોલવું સ્વભાવમાં જ ન હોય તો એ માટે થયેલો યત્ન સફળ તો ક્યાંથી રહેવાનો? અને એકવાર જો સફળ પણ રહે તો ય બીજી જ ક્ષણે પકડાઈ જવાની ભીતિ દાણાં વેરી દેતી હોય છે. એવું જ કંઇક બન્યું. કોઈ ચોરી પકડાઈ ગઈ હોય તેમ આરતીએ નીચું જોઈ જવું પડ્યું.

‘રિયા, હજી તને કહું છું તને કોઈક ગેરસમજ થાય છે, એક સામાન્ય પૂજા અર્ચના…’ આરતી હજી પૂરું બોલી રહે એ પહેલા રિયાએ વાત આંતરી.

‘નાની, સામાન્ય પૂજા ને મધરાતે થતી સાધના વચ્ચેનો ફરક ન સમજું એટલી નાદાન તમે મને માનો છો?’ રિયાની આ વાતે આરતીને રીતસર થીજાવી દીધી.

આરતીની આંખો પળવાર માટે ઝપકવાનું વિસરી ગઈ અને હૃદય એક ધબકારો ચૂકી ગયું. ‘રાતની સાધના…?’

‘હા, મધરાતની એમ કહો નાની…’

આરતીને સમજતા વાર ન લાગી કે જે પણ કંઇ થયું હતું પેરીસથી મધરાતે આવી ચઢેલી રિયાએ ત્યારે જ જોયું હોવું જોઈએ બાકી તો! વાતનો તાર ખૂલી ગયો હતો એટલે પેરીસથી પાછા ફરતાં જોયેલી પૂજા વિધિ તો ખરી જ પણ સાથે સાથે ચેન્નાઈમાં થયેલો અનુભવ પણ રિયાએ કહી જ નાખવો ઉચિત સમજ્યો.

‘ને નાની, મેં તમારી ને કુસુમઆંટી વચ્ચે ની વાત પણ સાંભળી હતી. જો તમે એ સિદ્ધિઓથી એમનું કામ કરી શકો તો મને પણ શીખવો… મારી પાસે જિંદગીનું એક મહાન મિશન છે, જેને માટે જરૂરી છે આવી તાકાત…’

‘તું એવા કયા મિશન મનમાં લઈને બેઠી છે એ તો જરા જાણું? પછી હું તને કહું છું આ સિદ્ધિની વાત…’ રિયાની વાત અચાનક આંતરી લીધી આરતીએ, મગજમાં એકસાથે કેટલાય ભાવ સવાર થઇ ગયા. આખરે આ છોકરી કરવા શું માંગે છે?

‘હવે તો તમને કહેવામાં કોઈ વાંધો પણ નથી નાની, પણ આ વાત તમે તમારા સુધી રાખજો…’ રિયા હળવે અવાજે બોલી : ‘મિશન ઈમ્પોસિબલ અડધું તો જીતી ચૂકી છું, બાકીનું સર કરી જઈશ.’

‘બોલ તો ખરી… શું છે એ મિશન?’ આરતીની અધીરાઈ વધી ગઈ. ક્યાંક પોતે ધાર્યું એ તો…

‘નાની, મને તલાશ હતી એની જેને કારણે વિના કોઈ વાંકગુને મને સજા મળતી રહી.’

આરતીના હોઠ અને આંખ આશ્ચર્યથી પહોળા થઇ ગયા. પોતે ધારણા રાખી હતી તે ઘડી સામે આવીને ઉભી રહેવાની હતી. ‘હા, તમે બરાબર જ સમજ્યા, મારા જન્મ માટે નિમિત્ત પુરુષની..’

‘રિયા… બોલતાં પહેલાં વિચાર, હવે નાની નથી રહી તું, તને ભાન છે તું શું બોલી? આખરે તો એ પિતા છે તમારો. ને મધુને ખબર પડશે ને કે મેં તને આ વાત… તો…’ આરતીને રિયાની વાણી ડરાવી ગઈ. ક્યાંક આ છોકરી વર્ષોથી સંઘરેલું હળાહળ બદલારૂપે કાઢવા તો નથી માંગતી ને!

‘સોરી નાની, હું એને પિતા તો શું માણસ પણ ન કહું… પણ એ બધી વાત જવા દો, હું શું કરીશ કે ન કરીશ એ પછીની વાત છે પણ એ કહો તમે મને આ વિદ્યા શીખવશો ને?’

અવાક રહી ગઈ આરતી. પરિસ્થિતિ કઈ રીતે સંભાળવી એ વાત કોયડો લાગવા માંડી. ‘ના રિયા, તું માને છે એવી કોઈ વિદ્યા મારી પાસે નથી…’

‘એમ? જો એવું હોય તો નાની તમે તમારા ગુરુજીના સોગંદ લઇ કહો કે આ બધું તૂત છે… હું માની લઈશ…’ રિયાનું આ તીર નાનીને ચૂપ કરવા પૂરતું હતું.

આખરે આરતીએ હથિયાર હેઠાં મૂકી દેવા પડ્યા. ‘બોલ શું જાણવા માંગે છે? હું તારી વાતોના જવાબ જરૂર આપીશ પણ તારે ય મારી વાત માનવી પડશે… છે મંજૂર?’

અગાધ દરિયાના તળે છૂપાવેલી એ રહસ્યની સંદૂક આમ મળી આવશે એની તો કલ્પના પણ નહોતી કરી… કદાચ એ જ પ્રયોજન દૈવનું હશે! આરતી ખોલી રહી હતી જિંદગીના એ પાનાં જેની સાક્ષી સિવાય આરૂષિ સિવાય કોઈ નહોતું, અને એ પણ એક સમય સુધી.. ‘તારી નાની, એટલે કે હું નહીં, મધુની મમ્મી…’

‘મને ખબર છે, પણ મારા રીયલ નાની તમે જ છો ને રહેશો, પેલા ફોટાવાળા નાની તો ફોટામાં રહે છે ને!’ રિયાના સહજ લાગણીએ આરતીની આંખો ભીની કરી નાખી. લિવિંગરૂમમાં મૂકાયેલો વિશ્વજિત ને આરુષિનો ફોટોગ્રાફ જોઇને તો જ દીકરીઓ મોટી થઇ હતી. પોતે મધુની સાચી મા ને રિયા રોમાની નાની હોવાનો વહેમ પાળી લીધો હતો.

‘દીકરા, ભૂલી જ ગયેલી કે હું મધુની મા નથી… એ વચન આરુષિને આપેલું, પણ નિભાવતાં નિભાવતાં ખરેખર ભૂલી ગયેલી કે મધુ મારી નહીં આરુષિની દીકરી છે.’

‘જુઓ નાની હવે આ બધી વાતો ન માંડશો, આપણે જે વાત કરી રહ્યા છીએ એ વાત કરો.’ નાનીને ભાવુક થઇ જતાં જોઇને રિયાએ તરત જ લગામ ખેંચી.

આરતી કોઈક અસમંજસથી રિયા સામે તાકી રહી. આખરે જે વાતનો ડર હતો એ સામે આવીને ઉભી હતી. રિયા જાણી ચૂકી હતી આ તંત્રમંત્રની વિદ્યાનું રહસ્ય અને હવે એને એ વિદ્યાઓ શીખવી હતી પોતાના બાપ પર બદલો લેવા માટે..

***

‘રોમા, હવે જીદ ન કરીશ. મારે જવું જ રહ્યું.. દિવસો તો પાણીની જેમ સરી ગયા, ને તો ય મન માનતું નથી. મન તો થાય છે કે હવે બેબીને જોઇને જ જાઉં પણ એ તો શક્ય નથી ને! વિઝાની મુદત પણ પૂરી થાય છે.’

માત્ર ચાર દિવસ માટે આવેલી માધવી રોમાની તબિયતને કારણે રોકાઈ તો ગઈ હતી. રોમાને અકસ્માત નડ્યો ન હોત તો આટલું લાંબુ રોકાણ થાત પણ નહીં ને રિયાનું મન પણ રાખી શકાત, એના પ્રીમિયરમાં હાજરી આપીને…

દર વખતે જાણેઅજાણે જ રિયાની સાથે એવું થઇ જતું કે એ છોકરીના મનમાં કડવાશ ઉમેરાતી જ જાય. માધવીનું મન ગુનાહિત ભાવનાથી ભારે થઇ ગયું. એ વિચારી રહી હતી એ ઘડી જેમાં હવે ચાહે તો પણ હાજર રહી શકવાની નહોતી.

એક તરફ રોમાએ લગ્ન કરી ગૃહસ્થાશ્રમમાં ડગલું માંડ્યું હતું એ સાથે માતૃત્વ પણ બોનસની જેમ ખોળામાં આવીને પડ્યું, ને રિયા? રોમા માટે ઉદભવી હતી તેમ રિયા માટે પણ એક નવી ક્ષિતિજનો ઉદય થઇ રહ્યો હતો.

રિયા માટે કેટલી મોટી ઘડી હતી, જેમ રોમા માતૃત્વ પ્રાપ્ત કરી રહી હતી તેમ રિયાની કારકિર્દી એક નવા મકામ પર પહોંચી રહી હતી. એના પ્રીમિયરમાં હાજરી આપવી એટલી જ જરૂરી હતી જેવી રોમાના લગ્નમાં હતી પણ એવા સમયે અજાણતાં જ રિયાને ફરી એક વાર અન્યાય કરી બેઠી હતી ને!

‘ના મમ… પ્લીઝ… પછી ક્યારે આવો કોને ખબર, ને હા, બેબી આવવાથી આ રીતે સાથે સમય ક્યાંથી મળશે?’ રોમાના અવાજમાં જરા માયૂસી હતી.

‘રોમા, ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ, એમને પણ એમના કમીટમેન્ટ્સ હોય કે નહીં?’ પોતાની પત્નીને આમ નાની બાળકીની જેમ જીદ કરતાં જોઇને મીરો થોડો મૂંઝાયો હતો. મા-દીકરી વચ્ચેની આ સાહજિક નોંકઝોંક એની સમજ બહારની હતી. : ‘આટલા સમયમાં હું એકવાત તો ચોક્કસ સમજી શક્યો છું, અને એ છે તમારા ઇન્ડિયન્સમાં એકમેકને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની આદત, અરે એ તારી મમ્મી છે તો શું? એમને પણ તો સ્પેસ જોઈએ ને? એમના કમિટમેન્ટ્સને તો સમજ…’

‘મીરો સાચું કહે છે રોમા, મારા પોતાના થોડાં કમીટમેન્ટસ છે, ક્યાં સુધી એ ટાળી શકું?’

માધવીએ રોમાને સમજાવતી હોય તેમ કહ્યું ને રોમા સાંભળી રહી. મીરોની સમજાવટ આખરે કામ કરીને જ રહી. નક્કી થયું કે માધવીએ જવું જોઈએ. બાળક જન્મે ત્યારે ફરી આવવાનું કારણ તો ઉભું જ હતું ને!

ઇન્ડિયા પાછા ફરવાની તારીખ નજીક આવતી ગઈ તેમ તેમ માધવીનું મન ઉદાસ થતું ગયું. આખરે એક દિવસ તો દીકરી જવાની જ હતી. હજી તો રિયા સાથે છે ને! કાલે રિયા પણ જતી રહેશે. પછી? પછી શબ્દ સાથે જ અસલામતીની ભાવનાની ભીંસ માધવીનું ગળું રૂંધી ગઈ.

સમય અને સંજોગો પણ પરિવર્તનના કેવા વાઘાં ધરીને આવે છે? જો રાજ ને પોતે સાથે હોત તો દીકરીઓને વળાવવાનો પ્રસંગ કેવો હોત એ કલ્પનાથી માધવીના હોઠ પર હળવું સ્મિત આવ્યું ને બીજી જ ક્ષણે અદ્રશ્ય પણ થઇ ગયું. બેવફાઈ કરનાર માત્ર રાજ એકલો ક્યાં હતો? આ હૃદય તો પોતાનું હતું ને! છતાં એક દિવસ એવો નહોતો વીત્યો કે રાજ યાદ ન આવ્યો હોય! દીકરીઓ સામે, માસી સામે રોષ ને આક્રોશ પ્રગટ થઇ જતો છતાં રોજની પ્રાર્થના એની મંગલકામના વાંછ્યા વિના પૂર્ણ ક્યાં થતી જ હતી?

***

‘રિયા, હવે મારી ધીરજની વધુ પરીક્ષા કરશે તો હું મધુ ને કહીશ કે તું હમણાં ને હમણાં આવ, આ છોકરીએ મારું જીવવું હરામ કરી નાખ્યું છે!’ આરતી ત્રાસી હતી રિયાની જીદથી.

‘જીદ છોડ રિયા, ખાઈ લે… ‘ બે દિવસમાં નહીં નહીં તો આરતીએ સત્તરમી વાર રિયાને જમવાનો અનુરોધ કર્યો હતો.

‘હઠીલી છોકરી… કશું સમજવા જ તૈયાર નથી…’

‘ભૂખથી તો હું મરી રહી છું પણ તમને ક્યાં કંઈ દેખાય છે?’ રિયાએ બેફિકરાઈથી કહીને આરતીના ચહેરાના હાવભાવ ધ્યાનથી નીરખવા માંડ્યા.

પોતાની ભૂખ હડતાળ એકમાત્ર બ્રહ્માસ્ત્ર હતું, નાનીએ એની સામે પોતાના હથિયાર નાખ્યા વિના છૂટકો નહોતો. રિયા પણ જીદ પર અડીને બેઠી છે એ જોયા પછી આરતીને લાગ્યું કે હવે આ સાચી વાત કહ્યા વિના છૂટકો જ નથી. જે વિદ્યા શીખવા આ છોકરી આટલાં ધમપછાડા કરે છે એ શું છે એ શીખવા પહેલા એને માટે ચઢાવવા પડતાં ભોગ વિષે જાણી લે વધુ જરૂરી છે. શું ખબર એ જાણ્યાં પછી એનો વિચાર જ પલટાઈ જાય!

‘ઠીક છે રિયા, સાંભળ, એ વિષે વાત કરીએ એ પહેલા એક વાત તો એ કે તું ખાઈ લે, અને બીજું એ વિદ્યા શું છે એ જાણવા પહેલા મારે તને એ વાત કરવી છે જે કોઈ જાણતું નથી… સાંભળી શકીશ?’

રિયાના ચહેરાનો રંગ ઊંડી રહ્યો હતો નાનીની વાત સાંભળીને.. આ વળી શું વાત હતી?

‘એટલે? મમને પણ નથી ખબર?’

‘ના, કહ્યું ને કે કોઈ નથી જાણતું, જાણતી હતી માત્ર ને માત્ર મારી બહેન આરુષિ, તારી મમની મા, એટલે તારી રીયલ નાની આરુષિ…’ આરતીએ એક ઊંડો શ્વાસ લીધો. અપ્રિય વાત કહેવા માટે પોતાની જાતને તૈયાર કરતી હોય તેમ..

‘તને માત્ર સિદ્ધિઓની ચકમક જ દેખાતી હશે ને? એની પાછળનો ભોગ દેખાયો છે ક્યારેય?’

રિયાને ન જાણે કેમ એવું લાગ્યું કે નાનીના સ્વરમાં હળવો કંપ હતો, કે હૃદયના છાને ખૂણે ધરબાયેલો કોઈક દબાયેલો ચિત્કાર?

રિયાએ નાનીનું આ સ્વરૂપ તો ક્યારેય નહોતું જોયું. એ કંઇક અચરજથી ચહેરા સામે તાકી રહી.

‘આરુષિ ને આરતી, એક માની કૂખે જન્મેલી સહોદર બહેનોના નસીબ આટલાં ઉત્તરદક્ષિણ હોય? એકની કુંડળીમાં પ્રેમાળ પત્ની, મા બનવાનું સુખ હોય તો એ જ ગ્રહદશામાં જન્મી હોવા છતાં એ સુખ મને કેમ હાથતાળી કેમ આપી ગયું એનો જવાબ મને મળ્યો તો ખરો પણ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઇ ચુક્યું હતું… એ વાત મારા હૃદયના તળિયે ધરબીને રાખી હતી. થયું હતું મારા મૃત્યુ સાથે બધા રહસ્ય ભસ્મીભૂત થઇ જશે પણ હવે લાગે છે કે તને કહ્યા વિના છૂટકો નથી. એ જાણીને આ વિદ્યા શીખવાનું ભૂત મગજ પર જેમ ચઢ્યું છે ઉતરી જશે.’

આરતીની નજર સામે રમી રહી છ વર્ષની બે નિર્દોષ બાળકીઓ…

ક્રમશઃ

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૭}