મખમલી સાંજ ઢળી રહી હતી અને એનો જાદુ દરિયા પર છવાઈ રહ્યો હતો. દરિયાએ સવારનો આસમાની મિજાજ છોડીને રાતની આગોશ આવકારવી હોય તેમ પાણીનો રંગ ઘેરો થઈ રહ્યો હતો. ઉછળતી લહેરો વિદાય લેતાં સૂરજની કિરણના રંગે સોનેરી રંગાઈ રહી હતી. તાજની સી લાઉન્જમાં વધુ લોકો નહોતા. સી ફેસિંગ ટેબલ પર કરણ અને રિયા ગોઠવાયા હતા, દુનિયાથી બેખબર, બેપરવા..
‘નાઉ, હેપ્પી…? બધું સેટ થઇ ગયું છે. પ્રીમિયર માટે મારો ડ્રેસ પણ રેડી છે. બસ, કાલે ટ્રાયલ લેવાની છે. તું તો જાણે છે અનુ સેહરા કેટલી પ્રોફેશનલ છે. એને મારી પસંદ નાપસંદને ધ્યાનમાં રાખીને એને પહેલેથી જ ઇવનિંગ ગાઉન રેડી રાખ્યું હતું, અલબત્ત… થોડાં ચેન્જીસ જરૂરી હતા પણ બસ હવે કાલે સવારે તો રેડી હશે… જઈને ટ્રાયલ જ લેવાની છે.’ રિયા બની શકે એટલા પ્રયત્ન કરી રહી હતી પરિસ્થિતિને સામાન્ય બનાવવાની. કરણ થોડો પણ મૂડમાં આવે તો વાત કરી જ નાખવી એવો મનસૂબો તો ઘરેથી નીકળતાં કરી જ નાખ્યો હતો. દિવસો સુધી મનમાં પીપરમિન્ટની જેમ મમળાવેલું દીવાસ્વપ્ન કહી જ દેવું હતું. આમ પણ ભાગ્યદેવી પ્રસન્ન હતા તો એ તક શું કામ ગુમાવવી?
સાંજ ઢળતી રહી ને એ સાથે સાથે કરણ પણ હળવો થતો ગયો. એનો બદલાતો મૂડ રિયા જોઈ રહી હતી. લાગ્યું કે જે ઘડીની પ્રતીક્ષા કરી હતી એ સામે આવીને ઉભી હતી. ‘કરણ, એક વાત કહું… ડેડીને કહી શકીશ?’
કરણ વિસ્મયથી રિયાનો ચહેરો તાકતો રહ્યો. ‘અરે તું તો નાહકનો સિરિયસ થઈ ગયો. કોઈ સમસ્યા નહીં, બલકે સપનાની વાત કરવી હતી…’ રિયાએ મોહક સ્મિત ફરકાવ્યું, જેની પર કરણ ઓવારી જતો એ સ્મિત નિશાન ચૂક્યું હોય તેમ કરણને સ્પર્શ્યું ન હોય એમ લાગ્યું. ન એના ચહેરા પર કોઈ ભાવ ન બદલાયા ન એની ઉત્સુકતા વધી, એ વાત ધ્યાનમાં લીધા વિના જ રિયા શરુ થઇ ગઈ.
‘રીપોર્ટસ તો સારા મળી રહ્યા છે. મીડિયામાં જે ચાલે છે એ રીતે તો તારી ડેબ્યુ ફિલ્મ છે છતાં સુપર ડુપર હિટ રહેશે એવું ફિલ્મી પંડિતોનું માનવું છે.., તો કરણ… હું એમ કહેતી હતી કે એવા સંજોગોમાં આપણે પ્રીમિયર પછી યોજાયેલી પાર્ટીમાં આપણાં સબંધને એક મહોર લાગી જાય તો?’ રિયા થોડું બોલીને બધું સમજાવી ગઈ હતી. હવે રાહ હતી કરણના પ્રતિભાવની.
કરણ પણ પોતાની જેમ ગળાડૂબ પ્રેમમાં હતો એમાં તો કોઈ શક નહોતો અને એ પણ લગ્નના બંધને બંધાવાનું ચાહતો હતો એ વાત તો એ પહેલાં પણ કેટલીયવાર જતાવી ચૂક્યો હતો. પણ એ તો રિયાની વાત સાંભળીને ઉછળી પડવાની બદલે પોતાની આઈરીશ કોફીની સીપ લેતો રહ્યો, જાણે કે આ વાત એને સ્પર્શી જ નહોતી. એનું ધ્યાન રિયાની વાત પર નહીં બલકે કોફી પર તરી રહેલા ક્રીમ પર હતું.
‘કરણ… તું મને સાંભળે છે કે નહીં? હું તને કંઇક કહી રહી છું…’ રિયાને હવે કરણની આ બેપરવાહી પર ચીઢ ચડી રહી હતી.
‘હા, સાંભળ્યું… તો?’ કરણે નજર મેળવ્યા વિના જ ખભા ઉલાળીને જવાબ વાળ્યો.
‘તો પછી જવાબ કેમ નથી આપતો?’
‘…કારણકે નોનસેન્સ વાતોના કોઈ જવાબ નથી હોતા…’
‘એટલે?’
‘એટલે એ જ કે મને ખબર છે તારા મનમાં શું ચાલી રહ્યું છે!’ કરણે કોફીની ચૂસકી ભરી. કોફી પર રહેલું ક્રીમ કરણના હોઠના ખૂણે લાગી ગયું. એ સાથે રિયાએ કરણના હોઠ પર લૂછી રહી હોય તેમ આંગળી ફેરવી. ટેરવા પર બાઝેલ એ ક્રીમ વાળી આંગળી મોઢામાં મૂકી દીધી.
કરણે એક જ ઝટકામાં રિયાનો હાથ ખસેડી નાખ્યો જાણે કહેતો હોય : ડોન્ટ ડુ ધીસ…
હવે અચંબામાં પડવાનો વારો રિયાનો હતો.
‘કરણ, શું થઇ ગયું છે તને? અચાનક જ મને લાગે છે કે હું તને ઓળખતી જ નથી.’ રિયાના અવાજમાં વ્યગ્રતા છતી થઇ રહી.
‘ઓહો રિયા, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ…’ કરણ બોલ્યો તો કોઈ ભાવ વિના પણ રિયાને એમાં રહેલી ધાર સ્પર્શી ગઈ.
‘તું બદલાઈ ગયો છે કરણ…’
‘એમ? હું બદલાઈ ગયો છું? કે પછી મેડમ તમે બદલાઈ ગયા છો?’ કરણનો વ્યંગ પણ વાગે એવો હતો.
‘પ્લીઝ તું સમજવા પ્રયત્ન કર રિયા..’ રિયાની આંખમાં ડબડબી રહેલા આંસુ જોઇને કરણે અવાજમાં થોડી નરમાશ ઉમેરવી પડી.
‘તું એટલું તો સમજે છે ને કે આપણાં આ ફિલ્ડમાં જે મિનિટે ખબર પડી કે હિરોઈન મેરીડ છે એટલે એની કારકિર્દી ખતમ! અને તું તો આ વાત ફિલ્મ સાથે જોડવા માંગે છે, જો એવું કંઈ થાય તો મારી કારકિર્દી શરુ થયા પહેલા જ પૂરી થઇ સમજ.’
કરણ વાત તો સાચી કહી રહ્યો હતો, સમય જાળવી જવાનો હતો. હજી પ્રીમિયર અને પ્રમોશનની થોડી તારીખો સાચવી લેવાની હતી.
‘એટલે? કરણ તું તો કહેતો હતો ને કે ફિલ્મ બનતી વખતે જે સમાચારો ચગ્યા એ રોમાન્સને ચાર ચાંદ તો ત્યારે લાગશે જયારે…’
‘હા, એની ક્યાં મેં ના પાડી? પણ એનો અર્થ એ હરગીઝ નથી થતો કે એક ફિલ્મ રીલીઝ પણ ન થાય ને આપણે લગ્નની જાહેરાત કરીશું…’
કરણનો જવાબ અને એની બોડી લેન્ગવેજ જોઇને રિયા ઠરી ગઈ હતી. દિલમાં ઉછળતાં અરમાનો એક જ ક્ષણમાં વરાળ થઇ જતાં લાગ્યા, એને લાગ્યું કે દિલની ધડકન અચાનક એટલી તેજ થઇ ગઈ હતી કે ધબકારાંનો અવાજ છાતી ચીરીને બહાર સંભળાતો હતો. : કરણ ક્યાંક ફિલ્મની પબ્લિસિટી માટે તો આ પ્રેમનો ખેલ નહોતો કરતો ને!
થોડી ક્ષણ એમ જ વીતી ગઈ. બંનેનું મૌન વાતાવરણને વધુ ભારે બનાવી રહ્યું હતું. આખરે કરણે જ મૌન તોડવું પડ્યું.
‘રિયા, મારી વાત શાંતિથી સાંભળીશ?’
રિયાએ માત્ર માથું ધુણાવી સહમતી આપી. એની આંખો તો હજી નીચે ઢળેલી હતી. કરણનો આ ચહેરો જોવાની હિંમત નહોતી એનામાં.
‘માન્યું કે તું મારાથી સિનીયર છે, પણ મારી ભૂલ ન થતી હોય તો એક જ ફિલ્મથી, એટલે કે આપણે બંને હજી કારકિર્દીના પહેલા પગથિયે ઉભા છીએ અને એ તબક્કે આ લગ્નનો નિર્ણય! ઇટ્સ નથીંગ બટ સ્યુસાઈડ… આ તબક્કે લગ્ન એટલે આંખો ખુલ્લી રાખીને અંધારકૂવામાં ભૂસકો…’
પોતાના કહેવાની શું અસર રિયા પર શું થાય છે એ જોવા કરણ જરા અટક્યો. : ‘રિયા, તારી કરિયર શરુ થઈ રહી છે એ ખીલીને ફૂલ બને એ પહેલા ટુંપાઈ જશે. તને એ ગમશે? ને મને ખબર છે તારા સ્વપ્નોની મંઝિલ… તને તારા સપનાથી દૂર લઇ જાઉં એવો સ્વાર્થી હું કઈ રીતે બની શકું?’
કરણના સ્વરમાં અજબ માર્દવતા હતી. ખરેખર તો રિયાને શાંતિ થવી જોઈતી હતી પણ ન થઇ. બલકે અંદર સૂ સુતેલા સ્વપ્નને જાણે કોઈ તોડીમરોડી ને હવા હવા કરી નાખવા માંગતું હોય તેવો ગભરાટ રોમેરોમ વ્યાપી રહ્યો.
‘કરણ, એ વાત સાચી, મારે સુપરસ્ટાર બનવું હતું… દુનિયાને બતાડી આપવું હતું પણ નો મોર. હવે નથી ચાહતી એ બધું; રિયાની નજર વિન્ડોમાંથી નજરે ચઢી રહેલા અફાટ દરિયામાં લંગરાઈ રહેલી બોટ પર સ્થિર હતી. : દરેક કોઈ પોતાના ડેસ્ટીનેશનની તલાશમાં હોય છે ને. દરેકને ક્યાંક પહોંચવું છે, જેમ કે આ બોટને કિનારા સુધી…’ રિયાએ બોટ પરથી નજર ખસેડીને કરણ પર સ્થિર કરી.
‘જ્યાં સુધી રોમા ને મીરોને મળી નહોતી ત્યાં સુધી મને આ બધાની અહેમિયત સમજાઈ જ નહોતી. જયારે એમની સાથે દસ દિવસ રહી ત્યારે સમજાયું કે કમ્પેનિયનશિપ શું ચીજ છે! એકબીજાના સાથી બની સુખદુઃખની પળમાં ઉભા રહેવું, એના બાળકની મા બનવું… કરણ, મને નથી જોઈતી આ ઝાકઝમાળ, આ નામ, શોહરત, મને તો જીવવું છું તારી પ્રેમાળ પત્ની તરીકે, આપણાં સંતાનની મા બની ને… તું ભલે કારકિર્દી બનાવ ને, મને ક્યાં વાંધો છે જ? પણ મને હવે આ બધું નહીં, એક સીધીસાદી લાઈફ જોઈએ છે.’ રિયા અટક્યા વિના બોલતી જતી હતી. જાણે એને જોયેલા સ્વપ્નને વાચા ફૂટી હોય તેમ.
આભા થઇ જવાનો વારો કરણનો હતો. ‘આર યુ આઉટ ઓફ યોર સેન્સીઝ? રિયા તને ખબર પણ છે તું શું કહી રહી છે?’
‘હા, મને ખબર છે હું શું બોલી રહી છું, હું શું કરી રહી છું… અને હા, અને હવે મને ખબર છે મને શું જોઈએ છે..’ રિયાના સ્વરમાં ગજબની દ્રઢતા હતી.
ઘડીભર તો કરણને શું બોલવું તે ન સમજાયું પણ પછી એને કોઈક વાત સ્પષ્ટ કરવાનો નિશ્ચય કરી લીધો હોય તેમ ગળું ખોંખાર્યું : ‘મેં એક વાત નોટીસ કરી છે રિયા, હું નહીં પણ જ્યારથી તું પેરીસ ગઈ ને તારી સિસ્ટરને મળી ત્યારથી તું સદંતર બદલાઈ ગઈ છે. હું તો માની જ નથી શકતો કે આ કયા પ્રકારનું ગાંડપણ છે? અત્યાર સુધી તારું ડ્રીમ હતું ટોચની હિરોઈન બનવાનું, હવે એ તક હાથવગી છે ત્યાં અચાનક તારા મગજ પર નવી ધૂન સવાર થાય છે, લગ્ન કરીને સેટ થવાની. રોમા પરણીને સેટ થવા માંગે એટલે અચાનક તને પણ પરણવાનું ભૂત માથે સવાર થઇ ગયું? વોટ ટાઈપ ઓફ મેડનેસ ઈટ ઈઝ?’ કરણ મનમાં ઘોળાઈ રહેલી તમામ વાત કહી દેવાના મૂડમાં હતો ને રિયા સાંભળી રહી, ન ચાહવા છતાં સાંભળી લેવું પડ્યું. કરણનો એક એક શબ્દ મન પર કાચપેપરની જેમ ઘસાઈ રહ્યો હતો .
રિયાની આંખોમાં તગતગી રહેલી ભીનાશ જોઇને કરણે ચૂપ થઇ જવું પડ્યું, વાત જેટલી નાજૂક હતી એટલી જ પેચીદી પણ…
‘સોરી… તને દુઃખ પહોંચાડવાનો આશય નહોતો પણ એક વાત સમજવાનો પ્રયત્ન કર. તું લાઈફને સિરિયસલી લે પ્લીઝ, આપણી સામે મંઝિલ છે, કારકિર્દીની… જો તું મારી જિંદગીમાં આવી, આપણે સમય સાથે ગાળ્યો કારણકે બંનેને પસંદ હતું, એ વાત હજી શક્ય છે પણ આ તબક્કે લગ્ન? બાળકો? આ સમયે? કઈ રીતે શક્ય છે? રિયા, તું સમજે છે ને હું શું કહેવા માંગું છું?’
‘બિલકુલ સમજું છું કરણ… તું જે નથી બોલી શક્યો એ પણ સમજી રહી છું. ન કહીને પણ કહી તો દીધું જ કે તું લગ્ન વિષે વિચારતો જ નથી…’ રિયાએ એક સ્મિત કર્યું, એમાં દિલમાં ઘૂંટાઈ રહેલી કડવાશ રેલાય વિના છૂપી ન રહી.
‘હું લગ્નની ના નથી પાડતો, પણ…’
‘ને હા પણ ક્યાં પાડે છે?’
‘રિયા, પાગલ ન બન. એક સીધી વાતને તોડીમરોડી કેટલા અર્થ કાઢીશ? લગ્ન સામે મારો વિરોધ નથી, એ ક્યારે કરવા એ માટે છે… ને બાય ધ વે રિયા, મેં લગ્ન માટે ના નહોતી પાડી માન્યું પણ એની કોઈ ટાઈમલિમીટ માટે પ્રોમિસ ક્યાં કર્યું હતું?’ કરણ રિયાના પ્રતિભાવ અવગણીને બોલતો જ રહ્યો. સૂર ભલે સમજાવટનો હતો પણ પાછળ એક ચટ્ટાન જેવો નિર્ણય હતો એ સાફ સમજાય એવી વાત હતી.
કરણની છેલ્લી વાત રિયાને શૂળની જેમ ચૂભી. ઘડીભર તો થયું કે એ કોઈ વાત કાને ધર્યા વિના ઉભી થઈને નીકળી જાય. એ વિચાર સાથે એ ઉભી થઇ ગઈ. કરણે આ પરિસ્થિતિની કલ્પના નહોતી કરી, પણ અત્યારે રિયાની આ જીદ સામે નમતું જોખવું એટલે પોતાની શરુ થતી કારકિર્દીનો મૃત્યુઘંટ જાતે જ વગાડવો.
જઈ રહેલી રિયાનો હાથ કરણે પકડી લીધો. રિયાના ચહેરા પર આશ્ચર્ય સાથે નાનું સરખું સ્મિત રેલાયું : પોતાનું ઈમોશનલ ઇન્વેસ્ટમેન્ટ સાવ તો એળે જાય એમ નહોતું.
હવે આટલી સ્પષ્ટતા થઇ છે તો એક વધુ, તું મારા જીવનમાં ખાસ મહેમાન થઈને આવી, હવે તું જવા માંગે છે, તો એ મરજી તારી હશે… ભવિષ્યમાં તું ફરી આવશે તો પણ તારું સ્વાગત છે પણ યાદ રહે, તું મહેમાન છે મારા દિલની, હિસ્સો નહીં…
રિયાના ચહેરા પર વિસ્તરી રહેલું સ્મિત અચાનક જ થીજી ગયું. કરણ પાસે આ વ્યવહારની આશા નહોતી રાખી. પોતે કરણના દિલની મહેમાન હતી, સામ્રાજ્ઞી નહીં એ વાત પોતાને ક્યારેય કેમ ન સમજાઈ?
કોલાબાથી બાંદ્રા આવતાં સુધીમાં તો રિયાના મનમાં છેલ્લાં થોડા મહિનામાં કેળવાયેલી ઘનિષ્ટતાના એક એક પ્રસંગ પસાર થઈ રહ્યા. એ ગુલાબી માદક ક્ષણો… એ પ્રેમ હતો કે પછી?
એ કહેવાતાં પ્રેમમાં પોતે બધું વિસરી ગઈ હતી ને! ટોચની હિરોઈન બનવાનું સ્વપ્ન, એક વાર એ સ્થાન હાંસલ કર્યા પછી મમ જેને વેરી કહીને સંબોધે છે એ જન્મ માટે જવાબદાર બાપને શોધીને સજા આપવાની વાત પણ ભૂલાઈ ગઈ?
કોઈક માટે વિકસતી જતી પ્રેમની ભાવના વેરની માત્રા વિસરાવી દે તે પણ કેવી અજબ વાત હતી. કરણના પ્રેમમાં ગુમાઈને પોતે દગાબાજ પિતાને માફ કરી દીધો એ વાત મનમાં રહી રહીને ચચરાટ જગાવતી રહી. કરણ સાથે નહીવત સમયમાં પાંગરેલી આ વેલના તૂટવાથી આટલું દર્દ થતું હોય તો જેનું સંતાન ગર્ભમાં હોય તે પુરુષ પોતાના વચનથી, ફરજથી ફરી જાય તો શું થાય? મમ્મી પર શું વીતી હશે? રિયાને રહી રહીને માધવીનો જ વિચાર આવતો રહ્યો.
પહેલીવાર પ્રતીત થયું કે પોતાને મળેલા ધિક્કાર માટે જવાબદાર વ્યક્તિને સજા આપ્યા વિના છોડી દેવો એ સૌથી મોટી કાયરતા હતી.
* * * *
‘તો હું માની લઉં છું કે માધવીદીદી આવશે એટલે તમે મારી સાથે આશ્રમ આવશો જ…’ કુસુમ હજી પોતાની વાત પર અડગ હતી.
‘કુસુમ, હું તને મારો નિર્ણય કહી ચુકી છું. તું એકની એક વાત ઘૂમાવી ઘૂમાવી પૂછશે તો પણ ઉત્તર તો એ જ રહેવાનો… મારો જે પણ નિર્ણય હશે તે મધુ આવશે એની સાથે ચર્ચા કર્યા વિના નહીં લઉં.’ આરતીએ આશ્રમ આવવાની પોતાની અસમર્થતા જાહેર કરી દીધી હતી છતાં કુસુમ જેનું નામ, જે સહેલાઈથી હથિયાર નાખવાના મૂડમાં નહોતી.
‘ઓહો દીદી, હું એ જ કહું છું… હમણાં ફોન પર તો માધવીદીદીએ પોતે કહ્યું એ બે અઠવાડિયામાં આવે જ છે ને?’
‘એટલે એનો અર્થ એમ કે તું ત્યાં સુધી રાહ જોશે? મને લીધા વિના નહીં જ જાય? ને આશ્રમ? જો, કોઈને ગમે એટલું પોતીકું માની લઈએ પણ એનું તકલાદી પોત જયારે વિશ્વાસ તૂટે ત્યારે જ દેખાય…’
આરતી બોલી હતી સ્વાભાવિકતાથી પણ કુસુમને લાગ્યું કે દીદીએ લાગ જોઇને તીર માર્યું હતું.
‘હા દીદી, વાંક મારો છે એટલે તમે કંઈ પણ કહી શકો છો પણ જે થઇ ગયું તે થઇ ગયું, એ પછી તો કેટલા જળ વહી ગયા યમુનામાં… તમે મને હજી માફ નથી કરી ને! ગઈગુજરી ભૂલીને માફ ન કરી શકો મને? હવે આ નથી સહન થતું. ગમે ત્યારે ગમે ત્યાં હોઉં મારા કાનમાં કોઈક ભેદી અવાજ સંભળાયા કરે છે. ક્યારેક તો થાય છે મારું માથું પથ્થર પર અફાળીને ફોડી નાખું…. મને આમાંથી ઉગારો… હું તમને હાથ જોડું છું. માફી માંગુ છું.’
‘મેં કશું યાદ નથી રાખ્યું કુસુમ અને હિત એમાં છે કે એ બધું તું પણ ન યાદ રાખ.’ આરતીએ કુસુમે જોડેલા હાથ પકડી લઈને નીચે કર્યા : ‘પણ મારી મજબૂરીઓ તું ય સમજ… તું માને છે તેમ બધી સમસ્યાના નિવારણ મારી પાસે હોત તો હું ભગવાન થઇ પૂજાત કે નહીં?’
‘દીદી… એ બધું હું કંઈ ન જાણું, મને ખાતરી છે કે જો કોઈ મને મદદ કરી શકે એમ હોય તો એ તમે છો. તમે જ લોહી પાણી એક કરીને ઉભા કરેલા આશ્રમનું ભવિષ્ય તમારા હાથમાં છે. હવે જો એને કોઈ બચાવી શકે છે તો એ બીજું કંઈ જ નહીં પણ તમે અને તમારા તપનું બળ…’
પોતાની પાસે રહેલી લેચ કીથી બારણું ખોલીને આવેલી રિયાના કાન પર આરતી અને કુસુમ વચ્ચે થઇ રહેલો સંવાદ કાને પડ્યો ને એના પગ ત્યાં જ અટકી ગયા : કુસુમ કયા તપના બળની વાત કરી રહી હતી? એ તપ? એ પૂજા? જેનો પરચો એ રાત્રે સગી આંખે જોઈ ચૂકી હતી?
બે ઘડી ત્યાં જ ઉભી રહીને રિયા હળવેકથી લિવિંગરૂમમાં આવી. જ્યાં નાની ને એમની સખી કુસુમ વાતે વળગ્યા હતા.
‘અરે આવી પણ ગઈ? બહુ વહેલી? મને તો હતું કે તું આઠ પહેલા નહીં જ આવે.’ આરતી ઉઠીને રિયા પાસે આવી.
‘હા નાની, કામ વહેલું પતી ગયું… ને થાકી પણ છું. કાલનો થાક તો હજી ઉતર્યો નથી ને હવે આરામ કરવાનો સમય પણ નથી.’
‘એ તો બધું થઇ રહેશે, એની ચિંતા ન કર. પણ પ્રીમિયરની ડેટ થોડી પાછળ હોત તો કેટલું સારું થાત. માધવી હાજર રહી શકત ને!’
‘નાની, જવા દો ને બધી વાતો.’ રિયાના અવાજમાં હતાશાની છાંટ હતી.
આરતીએ ધ્યાનથી જોયું, રિયાનો ચહેરો ફિક્કો લાગી રહ્યો હતો. જેને ડોકાતી નિરાશા વધુ નિસ્તેજ બનાવી રહ્યા હતા.
‘રિયા, તબિયત તો સારી છે ને?’ આરતી ઉઠીને રિયા પાસે આવી. એને રિયાનો ડાબો હાથ પોતાના હાથમાં લીધો : ‘અરે તારું શરીર તો ધખે છે!’
રિયાને એના રૂમમાં લઇ જઈ સુવાડીને આરતીએ ડોક્ટરને ફોન જોડ્યો. ડોક્ટર બે કલાક પહેલા વિઝીટ પર આવી શકે એમ નહોતા એટલે તાવ માપી જરૂર પડે કલોનવોટરના પોતાં મુકવાની સૂચના પ્રમાણે આરતીએ બરફના પાણીમાં ક્લોન નાખી ટ્રેમાં બધું ગોઠવી એ રૂમમાં આવી.
‘રિયા, દીકરા, શું વાત છે? કોઈ પરેશાની તો જરૂર છે…’
બેડમાં ઢગલો થઈને પડેલી રિયાની અચેતન આંખો જરા સરખી ખૂલી ને મીંચાઈ ગઈ. એક નાની તો જ હતા આ દુનિયામાં જે પોતાના મનની વાત વિના કહે સમજી શકતા હતા.
રિયાએ બોલવાનો પ્રયાસ કર્યો પણ શબ્દ અસ્ફુટ ઉદગાર થઈને ગાળામાં જ જામી રહ્યો હતો.
‘રહેવા દે, આરામ કર…’ નાનીએ રિયાને બ્લેન્કેટ ઓઢાડ્યું ને બાજુમાં બેસી એના કપાળ પર બરફના પાણીનું પોતું મુક્યું.
‘નાની… તમારી પૂજાથી બધું જ કંઇક શક્ય બનતું હોય તો મારું કામ ન થાય?’ રિયા તાવના ઘેનમાં લવી ને એ સાંભળતા જ પોતાં મૂકી રહેલી આરતીનો હાથ ધ્રુજી ગયો. આ છોકરી કઈ પૂજાની વાત કરી રહી હતી?
ક્રમશઃ
આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.