ભારત એટલે હું.. – અનુ. દેવાંગી ભટ્ટ 9


“મને લાગે છે કે પરદેશ સાવકીમા જેવો હોય છે. ભલે ને એવી માન્યતા હોય કે સાવકીમા તો ભૂંડી જ હોય… પણ મને આ જન્મભૂમીથી દૂરના દેશે, સાવકીમા એ જ મજબૂત બનતા, સક્ષમ બનતા શીખવ્યું છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા, જે સંઘર્ષમાં દરેકે ઉતરવાનું હોય છે એનું ઘડતર મારી સાવકીમા એ કર્યું છે.”

હલક નાણાવટી મૂળ ભરૂચની છે. લગભગ આઠ વર્ષ પહેલા એ પોતાના પતિ અને ૧૧ મહિનાના દીકરા સાથે યુ.કે.ના નોર્ધન આયર્લેન્ડ માં વસવાટ માટે જતી હતી, ત્યારે ઘરમાં મેળા જેવું વાતાવરણ થઇ ગયેલું. દીકરી પરદેશ જાય એટલે આપણે ત્યાં તો સગા સંબંધીઓનો (મામીજી, માસીજી, મિત્રો, કાકાઓ, પાડોશીની નણંદ વગેરે વગેરે…) ધસારો થઇ જાય. સલાહો, સૂચનાઓ, બંધાતો સામાન, મોડે સુધી ચાલતા ગામ ગપાટા, નવી નવી વાનગીઓ… જાણે કોલાહલનું ધુમ્મસ જ છવાઈ જાય. અને આ બધી દોડાદોડીમાં જવાનો દિવસ આવી પહોચે ત્યારે જ સમજાય કે…. આ બધું અહીં છોડીને જવાનું છે. આયર્લેન્ડની જમીન પર હલક પહેલીવાર ઉતરી ત્યારે સૌથી પહેલા જે વસ્તુ એને ઘેરી વળેલી એ હતી ત્યાની શાંતિ. અવાજો વિનાના વિશ્વમાં જાણે તમને કોઈએ અચાનક મૂકી દીધા હોય. આપણા ભીડભાડથી ઉભરાતા બજારોથી, જાત જાતના તારસપ્તક સુરોથી ટેવાયેલા કાનને પહેલા તો સારું લાગે… પણ સમય જતા આ શાંતિ… સૂનકાર બનીને ઘેરી વળે છે. હલકે પણ શરૂઆતના વર્ષોમાં આ એકલતા અને સુનકાર નો અનુભવ કર્યો છે. પણ એ સમયે જો કોઈ બાબત એને સૌથી વધુ આશીર્વાદરૂપ લાગી હોય તો એ હતો એનો નાનકડો એક વર્ષનો દીકરો. સહજ રીતે જ નાનું બાળક કમ્યુનીકેશનની જરૂરિયાત વધારી દે છે. પાર્કમાં, સ્ટોર્સમાં, રસ્તા પર પસાર થતા એ અન્ય લોકો સાથે (ખાસ કરીને મહિલાઓ સાથે) વાતચીત ની કડી બની જાય છે. શરૂઆતમાં જુદી એક્સન્ટને લીધે મૂંઝાતી હલક પણ દીકરાના માધ્યમથી ત્યાંના લોકલ ગ્રુપ માં ભળતી ગઈ. વર્ષો પસાર થયા તેમ તે ત્યાંના ઘણાં બધા હકારાત્મક પાસાઓના વખાણ કરતી થઇ છે.

આયર્લેન્ડ યુ.કે. ના ચાર દેશો માં સૌથી નાનો દેશ છે. યુ.કે ની વસ્તીના લગભગ ૩% લોકો અહી રહે છે. આપણા કરતા ત્યાંની વસ્તી કેટલી ઓછી છે એ સમજવા માટે એટલું પૂરતું છે કે ૨૦૧૪ ના આંકડા પ્રમાણે ત્યાં એક સ્ક્વેર કિલોમીટર માં ૬૬ લોકો વસતા હતા જયારે આપણે ત્યાં આ પ્રમાણ ૪૦૦ લોકોનું છે. વસ્તીની ઓછી ગીચતા, હરિયાળા મેદાનો, ઉડીને આખે વળગે તેવી સફાઈ અને ચોખ્ખી હવા… જીવન ને વધુ ગુણવતા પ્રદાન કરે છે. અહીંનું હવામાન પણ એક્સ્ટ્રીમ નથી. મહદઅંશે વાદળછાયું વાતાવરણ રહે છે અને સામાન્ય રીતે ખુશનુમા હોય છે.

હલકને અહી જે વસ્તુ સૌથી વધુ અપીલ કરે છે એ છે લોકોનો જીવન પ્રત્યેનો, એકબીજા પ્રત્યેનો આદર… નાની નાની બાબતોમાં પ્રગટ થતું પરસ્પર માટેનું સન્માન. એના જ શબ્દો માં કહું તો “મેં અહી આવીને જ જોયું કે એરપોર્ટનો ટોયલેટ ક્લીનર પણ તમને ખુશનુમા સ્માઈલ આપીને ‘હલ્લો’ કહી શકે છે. રસ્તે પસાર થતા તદન અજાણ્યા લોકો પણ મારા નાનકડા બાળકને વેવ કરી શકે છે. લગભગ દરેક સવારે મોર્નિંગ વોક પર નીકળતા લોકો એકબીજાનું હુંફાળું અભિવાદન કરે છે. કોઈ એકબીજાને ધક્કા મારીને નિયમો તોડતું નથી… ઉલટા ‘યુ ફર્સ્ટ’ કહીને જગ્યા કરી આપે છે. કદાચ વિકસિત દેશ એટલે વધુ વિકસિત લોકો એ અહી સમજી શકાય છે.” સાચી વાત છે. વિકાસનો માપદંડ ભૌતિક જ નહી, માનુષિક પણ હોય છે.

જો કે હલકની આ યાત્રા ફક્ત સારા જ નહીં, સંઘર્ષના દિવસોની પણ છે. લોકો સાથે હળવા મળવાની, કમ્યુનીકેશનની સમસ્યાનું સમાધાન થયું પછી સૌથી મોટો પ્રશ્ન હતો ગ્રોસરીનો, એટલે કે રોજબરોજની ખરીદીનો. ભારતમાં તો ઘર બહાર જ શાકભાજીવાળા લારી લઈને આવી જતા, એક ફોન કરો તો કરીયાણાવાળો છોકરો સમાન મૂકી જતો… દૂધવાળો ભૈયો આવતો.. પણ અહીં? આ ઈંગ્લીશ કન્ટ્રીસાઈડ વિસ્તારમાં તો જરા દૂર એક જ સુપરસ્ટોર હતો. દર અઠવાડિયે હલક પુશટ્રોલી લઈને જતી અને આખા અઠવાડિયાનો સામાન ભરી લાવતી. કેટલાય દિવસો જયારે એ ૨૦ કિલો જેટલો સામાન અને દીકરા ને લઈને પુશ ટ્રોલીને ધક્કા મારતી આવતી ત્યારે ઠંડા પવન માં એના હાથ જ નહીં… મન પણ થીજી જતું. ભારતની કમ્ફર્ટેબલ જીંદગી થી દૂર કમાવા માટે અને સેટ થવા માટેનો આ રસ્તો કેટલો અઘરો છે, કેટલું મનોબળ માંગી લે છે એ અનુભવે જ સમજી શકાય છે. ડોલર અને પાઉન્ડ ના નામે ચકાચોંધ થઇ જતા લોકો એની પાછળની અથાક મહેનત અને એડજેસ્ટમેન્ટ જાણતા નથી. ઘણીવાર ભારતના જીવનધોરણને ત્યાં ટકાવી રાખવું અતિકઠિન હોય છે.

હલકને પક્ષે એ સારું રહ્યું કે એ લોકો ત્યાં ગયા ત્યારે દીકરો સાવ નાનો હતો અને બીજું બાળક તો ત્યાં ગયા પછી જ જનમ્યું છે. બાળકો અત્યંત નાના હોય તો ત્યાંના શિક્ષણ, સંસ્કૃતિને તરત અપનાવી લે છે. આજે ઘણીવાર હલક બાળકોને પૂછે કે આપણે ઇન્ડિયા જવું છે? તો દીકરો ના પાડે છે. એને ઇન્ડીયા નોઈઝી અને લોકો ઇન્ટરફીઅરીંગ લાગે છે. એ કહે છે મારે તો અહી જ રહેવું છે. કદાચ મનના કોઈ અજાણ ખૂણે સહેજ દુઃખ હશે એ વાત નું… પણ હલક આ વાત ને, આ તર્ક ને સ્વીકારે છે. એના બાળકો ત્યાં જ મોટા થયા છે. એમના મિત્રો, સ્કુલ, ઘર… બધું જ ત્યાં છે. ભારત એમના માટે એક દૂરનું, અજાણ્યું સ્થળ છે. સ્વાભાવિક જ છે કે એ લોકો પોતાના વાતાવરણને વધુ ચાહતા હોય. પણ છતાં મા તરીકે એ ઇચ્છે છે કે મોટા થઈને બાળકો ભારત વિષે જાણતા હોય, અને એટલે જ એની જવાબદારી વધી જાય છે. હલક માટે ભારત એટલે પિયર, ભારત એટલે ઘર, તહેવારો, સગા સંબંધી, રીવાજો, રોટલો ને ઓળો, ચણીયા ચોળી, કોલેજ મિત્રો, વરસાદ માં કાળી માટી ની સુગંધ, પાણીપુરી … ને બધું કેટલું બધું. પણ એના દીકરા માટે તો ભારત એટલે એની મમ્મી. મા જ એને બે સંસ્કૃતિનો સુમેળ શીખવવાની છે. મા જ એને મૂળ સાથે બાંધી રાખી ને ઉગતા શીખવવાની છે. આથી જ તો હલક કહે છે કે “ભારત એટલે હું.”

આયર્લેન્ડમાં મહદઅંશે ખ્રિસ્તિ ધર્મનો પ્રભાવ છે અને ક્રિસમસ સૌથી અગત્યનો તહેવાર છે. આપણા ભારતીય લોકો આપણા જાતજાતના તહેવારો ની કમી ક્રિસમસમાં જ વસૂલ કરે છે. ત્યાંની કુલવસ્તીમાં નોન વ્હાઈટ લોકોનો સૌથી મોટો સમૂહ ભારતીય અને ચાઇનીઝ લોકોનો છે. આફ્રિકાના લોકો છે પણ એની ટકાવારી સાવ નહીવત છે. મુખ્ય ભાષા ઈંગ્લીશ અને આઈરીશ છે. ૨૦૦૧ સુધી ઉદ્યોગ પ્રધાન રહેલું અર્થતંત્ર ધીરે ધીરે સેવાક્ષેત્ર પ્રધાન થઇ રહ્યું છે. ટુરીઝમનો વ્યાપ પણ વધ્યો છે. કરવેરા ઉંચા છે પણ સામે સરકાર દ્વારા પૂરી પડાતી જાહેર સુવિધાઓ પણ ગુણવતાવાળી છે. બહારથી આવતા શિક્ષિત, ટ્રેઈન્ડ લોકોને ત્યાંની સરકાર આવકારે છે કેમ કે એ અર્થતંત્ર ને મજબૂત બનાવે છે.

અત્યારે બર્કશાયર ઇંગ્લેન્ડમાં સ્થાયી હલક લોકલ ગવર્ન્મેન્ટ કાઉન્સિલમાં કામ કરે છે. બાળકો મોટા થયા છે અને મિત્રવર્તુળ પણ બન્યું છે. એ જાતે ડ્રાઈવ કરીને બર્થડે પાર્ટીમાં બાળકોને લઇ જાય છે, આસપાસમાં એકબીજા સાથે સબંધો વિકસ્યા છે અને જીવન સરસ પસાર થઇ રહ્યું છે. એને પોતે લીધેલા દૂર આવવાના નિર્ણયનો કોઈ અફસોસ નથી. કદાચ દૂર હોવાના કારણે જ એનું ચાર લોકોનું કુટુંબ એકબીજાની ખૂબ નજીક છે. ભારતની અતિ સામાજિકતા કે બાહ્ય દખલગીરી વિના એણે પોતાના હુફાળા માળાનું નિર્માણ કર્યું છે.

અંતમાં એનું જ વાક્ય મૂકીશ…

“જરૂરી નથી કે મારા બાળકો મારા જ મૂળ ને વળગી રહે. આપણે મા-બાપ છીએ અને આપણી જવાબદારી છે આપણા સંતાનોને વધુ સારું, વધુ સક્ષમ જીવન આપવાની. મેં એ આપ્યું છે… એન્ડ આઈ વિશ કે… આવનારી દરેક પેઢી વધુ મજબુત વધુ સુખી હોય. Home is not where I come from… Its where I am today…”

– અનુ. દેવાંગી ભટ્ટ, પ્રેષક : હર્ષા વૈદ્ય


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “ભારત એટલે હું.. – અનુ. દેવાંગી ભટ્ટ

  • Hiral

    સુંદર અને સચોટ આલેખન. હલકબેન નો સંપર્ક થઇ શકે? હું હાલ બર્કશાયરમાં જ રહું છું. અને એમણે જે પરિસ્થિતિ વર્ણવી એ મુજબ જીવન માણી રહી છું. એમની સાથે વાત કરવી ગમશે.

  • Ramesh Patel

    પરદેશમાં ગયેલી આગલી પેઢીના સાહસને સમર્પણથી, નવી પેઢીને પરદેશનો મહોલ..લેખ જેવૉ જ મળે છે..એ સો ટકા સાચી વાત છે. નવી પેઢીનો ઉછેર એવો થયોછે કે તેને અહીં જ ગોઠી જાય..બીજે જાય તો ફક્ત જોવા ને જાણવા…સરશ જીવન સંદેશ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  • Ramesh Patel

    સાચી જીવન દર્શક સમજનો સંદેશ. અત્યારે સૌ પરદેશવાસીઓને તેમની નવી પેઢી…આજ વાત કહી રહી છે…ભારત પણ જાશું ને વિશ્વે પણ ઘૂમશું.
    રમેશ પટેલ(આકાશદીપ)

  • સુરેશ જાની

    બહુ જ સરસ લેખ. એટલો બધો ગમી ગયો કે, ઈ-વિદ્યાલયના વાચકો માટે ટાંચી લીધો – અહીં….
    http://evidyalay.net/ireland/

    હલક બહેનની જાણ સારૂ..
    ‘ઈ-વિદ્યાલય’ ની સર્જક મહિલા – હીરલ શાહ પણ ગુજરાતી છે – અને બાળકોના ઉછેર અને શિક્ષણ માટે જાગૃત માતા છે.

  • Kalidas V. Patel { Vagosana }

    દેવાંગીબેન,
    પરદેશ વિષેના પૂર્વગ્રહોથી પર રહીને એક સાચું પરદેશ દર્શન કરાવતો આપનો લેખ ગમ્યો. મોટાભાગે આપણે પરદેશની ઉત્તમ સીસ્ટમ, અફલાતુન સગવડો, માણસની દરેક જગાએ થતી કિંમત, ચોક્ખાં પાણી, હવા અને ખોરાક, એકબીજા પ્રત્યેનો એકદમ સદભાવ ભર્યો વર્તાવ,આદર્શ નીતિમત્તા,સચ્ચાઈ,કર્તવ્યપરાયણતા, નિષ્ઠાપૂર્વકનું કામ, યાતાયાતની શિસ્તબધ્ધ સગવડ, પ્રાઈવસી, કામનું વિના શોષણે ઉત્તમ વળતર, લગભગ ૦% ક્રાઈમ, શાંતિ અને સલામતી,કામ મેળવવાની અઢળક તકો, કામની યોગ્ય કિંમત અને કદર, ખોટા દંભ વગરની આનંદભરી જીંદગી, સગવડો અને યંત્રો થકી સરળ અને સહજ જીવન … જેવી કેટલીયે સાચી અને સારી બાબતોને અવગણીને ત્યાં જવલ્લે જ જોવા મળતી કોઈ કાળી બાજુને ખૂબ જ હાઈલાઈટ કરીને હંમેશાં પરદેશને વખોડતા જ રહીએ છીએ ! … અને, વધુ તો જેણે આ બધુ જોયુ-અનુભવ્યુ નથી તેવા જ લોકો આવું કહેતા રહે છે અને જુઠાણું ફેલાવતા રહે છે , જે દુઃખદ છે.
    આવા માહોલમાં સાચી અને સારી વાત સૌ સમક્ષ મૂકવા બદલ આભાર.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Jigar Mehta

    Thanks Jignesh for posting a positive article about NRi’s. Most people / websites are feeling happy while posting ONLY negativity about life outside India………