યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૮)


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

નવા દરદીઓને લઈને સરકારી બોટ પાંચમી તારીખે આવી પહોંચી. હું એનું સ્વાગત કરવા જઈ ન શક્યો. ફાધર મેરિલો જતા પહેલાં મારી પાસે આવીને, કેરિટા પાસે ખુલાસો કરવાની, અને જેમ બને એમ જલદી એને મને મળવા લઈ આવવાની મને ખાતરી આપીને ગયા. તાવને કારણે ટોમ તરફથી આવનારી ભેટ અંગે પણ હું સાવ ભૂલી ગયો હતો. ટોમ તરફથી ભેટમાં એક શક્તિશાળી બંદુક આવી હોવાની મને જાણ થઈ હતી. હું બહુ ખુશ થઈ ગયો હતો. ટાપુ ઉપર હથિયારો લાવવા અંગેના કાયદાઓના બંધનને કારણે, જરૂરી કાર્યવાહી કરીને કારકુન સીધો જ બંદુક લઈને મારી પાસે આવ્યો. એ સાથે મને મારા બાળપણના દિવસો યાદ આવી ગયા, જ્યારે સાંતા ક્લોઝ દ્વારા ભેટમાં મળેલી એર રાયફલ લઈને હું ખુશ થતો હતો. આજે મારી પાસે મારી પોતાની સાચી રાયફલ હતી!

ડૉ. માર્શલ મળવા આવ્યા ત્યારે હું ટોમે મોકલાવેલી બંદુક રમાડતો પથારીમાં બેઠો હતો. પરસ્પર ખબરઅંતર પૂછ્યા પછી એમણે પોતાનો અભિપ્રાય કહ્યો, “બહુ સરસ બંદુક લાગે છે. જંગલી ભેંસનો શિકાર કરવા માટે પૂરતી થઈ રહે.” મારું હૃદય એક થડકારો ચૂકી ગયું.

“તમને ખરેખર એમ લાગે છે! છેવટે એકાદ વખત, પણ હું આને ચકાસી જોવા માગું છું.”

છેલ્લા એક વર્ષથી યુરોપમાં ચાલી રહેલા પ્રચંડ યુદ્ધની વાતો અમે કરતા રહ્યા. એમને તો એમ જ લાગતું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સની આ યુદ્ધમાં ઘસડાવાની કોઈ શક્યતા ન હતી. અમેરિકન પ્રમુખ વિલ્સન આ બાબતે તટસ્થતાની નીતિને વળગી રહ્યા હતા.

“ફર્ગ્યુસન, ચૌલમોગરાની એક સુધારેલી સારવાર આવી રહી છે,” જતાં-જતાં એ કહેતા ગયા. “તું જોજે, આપણે આવતી વખતે મળીશું, ત્યારે તું સાજો-નરવો થઈને તારે ઘેર પહોંચી ગયો હોઈશ!” મને એમના પર વિશ્વાસ તો બેઠો, પણ એક ક્ષણ માટે જ! એમનો પગરવ ધીમો થતો ગયો, અને અચાનક જ હું ફરીથી મૂળ વિચાર તરફ પાછો ફરી ગયો. હું જાણતો હતો, કે બીજા દરદીઓમાં સુધારો દેખાઈ રહ્યો હતો. મેં પોતે એમનામાં આવેલો એ સુધારો જોયો હતો. એ સુધારો મેં મારામાં જોયો ન હતો. અને છતાં સારવારમાં સુધારો થયો હોય એ સંભવ હતું, કારણ કે અહીં આવ્યા પછી મારી તબીયત ખાસ બગડી પણ ન હતી!

એમના ગયા પછી હું એમના વિશે વિચારતો રહ્યો, વિંટન અને અન્ય લોકો વિશે પણ! મને જે બાબત પ્રભાવિત કરતી હતી એ એમની મિત્રતા હતી! માત્ર મારી સાથેની નહીં, રક્તપિત્તના બધા જ દરદીઓ સાથેની એમની મિત્રતા! એ લોકોએ પોતાના સહકર્મચારીઓ સાથે મળીને રોગો સામે સફળતાપૂર્વક લડત ચલાવી હતી. પ્લેગ, કોલેરા, અછબડાં અને મેલેરિયા જેવા રોગોને એમણે કાબુમાં રાખીને મહદ અંશે નાબૂદ કરી દીધા હતા. એક સમયે જે મૃત્યુઆંક આઘાતજનક હતો, એ હવે ઘણો નીચો આવી ગયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સમાં બેઠેલામાંથી ભાગ્યે જ કોઈને ખ્યાલ આવે કે અહીં કેટકેટલું થઈ રહ્યું હતું!

*

બોટ પાછી ફર્યાના દસેક દિવસો બાદ હું ફરીથી સાજો થઈ ગયો. આટલા દિવસોમાં પાદરી અને મિ. હડસન કેટલીયે વાર મારી ખબર પૂછવા આવી ગયા હતા. ફાધર મેરિટોના કહેવા મુજબ કેરિટા પણ મારી તબીયતને લઈને ચિંતીત હતી. એને એક સાર્વજનીક રહેઠાણમાં ઉતારો અપાયો હતો, અને તેની તબીયત પણ ઘણી સારી જણાતી હતી.

“હવે તો હું સાવ સાજો થઈ ગયો છું, ફાધર. તમને લાગે છે કે હવે કેરિટાને ચા-પાણી માટે બોલાવવી યોગ્ય રહેશે?”

“મને લાગે છે કે એ આવે તો તને ઘણું ગમશે, નેડ! હું તારા વતી એને આમંત્રણ પાઠવી દઈશ. આવતી કાલે સાંજે બોલાવીએ તો કેવું?”

છેલ્લા ત્રણ વર્ષોમાં મારા માટે આનંદનો આ પહેલો અવસર હતો. હું એટલો તો ઉત્સાહમાં આવી ગયો હતો, કે બીજા દિવસે વહેલી સવારથી જ મેં ટોમસને કામે લગાડી દીધો. અને શું તૈયારીઓ કરી હતી અમે! ચા-પાણીની આ મિજબાની બહુ શાનદાર થવી જોઈએ! અત્યાર સુધીમાં તો અમે બંને બહુ સારા પાકશાસ્ત્રી બની ગયા હતા, પણ આ વખતે અમારી આકાંક્ષાઓનો પાર ન હતો. આઇસિંગવાળી નાની-નાની કેક બનાવવાનો પ્રયોગ અમે કરી જોયો. સાંજ સુધીમાં તો અમે બંને થાકીને લોથપોથ થઈ ગયા! ત્રણ-ત્રણ વખત નિષ્ફળ ગયેલા અમારા પ્રયોગોને કારણે રસોડું ચારે તરફથી વેરણછેરણ થઈ ગયું હતું, અને છતાંયે ખાવા લાયક કેકનો એકાદ ટુકડો પણ બન્યો ન હતો! કોણ આવવાનું છે એ જાણીને કદાચ ટોમસ પણ થોથવાઈ જશે એ ડરથી એને મેં અત્યાર સુધી કંઈ કહ્યું ન હતું.

ચૂલામાંથી છેલ્લે સાવ લોચા જેવી કેક નીકળતાં, ખિન્નતાપૂર્વક એ બોલી ઊઠ્યો, “મને લાગે છે કે કોઈ બહુ જ મહત્વની વ્યક્તિ તમને મળવા આવી રહી છે. કદાચ ગવર્નર જનરલ! એને કારણે જ તમે આટલી માથાકુટ કરી રહ્યા છોને?” ટોમસના આ હળવા ઠપકાથી મને ખ્યાલ આવી ગયો, કે આ કામગરો છોકરો હવે પૂરેપૂરો થાકી ગયો છે. મને એની નવાઈ ન લાગી, કારણ કે હું પોતે પણ ખૂબ થાકી ગયો હતો.

“જો ટોમસ, એ કોઈ ગવર્નર જનરલ નથી, પણ એક સ્ત્રી છે, એક… જૂની મિત્ર છે. હવે તું એક કામ કર, આ પૈસા લે, અને બજારમાં જઈને સારામાં સારી કેક શોધી કાઢ! નાની-નાની કેક, ઉપર આઇસિંગ હોય એવી મજાની કેક લઈ આવ! મીઠી મજાની… તને ખબર છે કેવી હોય છે એ.”

“અરે હા, સાહેબ. મને ખબર છે એમને કેવી કેક ગમશે. આ સારો રસ્તો રહેશે, સાહેબ.” અને એ સડસડાટ ભાગ્યો કેક લેવા!

*

એ સાંજે પાંચ વાગ્યે મારા દરવાજામાંથી જે વ્યક્તિ પ્રવેશ કરવાની હતી, એની સુંદરતમ ઝાંખી માટે હું જરા પણ તૈયાર ન હતો. એની સાથે પાદરી પણ હતા, પણ હું ક્યાં એમની સામે જોતો હતો! નાનપણમાં કેરિટા બહુ જ સુંદર હતી. નોલાસ્કો કુટુંબ સાથે હું રહેતો હતો ત્યારે એ માંડ સોળ વર્ષની હશે! પુષ્ટ શરીર, શરમાળ, થોડી રતુમડી, અને બહુ જ ચતુર! એની ચતુરાઈનો પરીચય હું એને અંગ્રેજી શીખવતો ત્યારે થયેલો! આજે તેર વર્ષ પછી એ થોડી ઊંચી, પાતળી અને અત્યંત સુંદર એવી જાજરમાન સ્ત્રી દેખાતી હતી. જુના હાથીદાંત જેવી દુધીયા રંગની સુકોમળ દેહયષ્ટિ હતી! એની માતા સંપૂર્ણપણે સ્પેનિશ હતીને! શરીર પર રોગનું ક્યાંયે નામોનિશાન ન હતું. કપાળ પરથી પાછળની તરફ એકદમ સપાટ અને ઊંચા ઓળેલા કાળાભમ્મર વાળ, ઘાટ્ટા ગુંચળા વળીને એની ડોક પર વિખરાયા હતા. પાઇનેપલમાંથી બનાવેલા કાપડનો, લાલ અને રૂપેરી ભરતકામવાળો ખૂબ જ સુંદર મેસ્ટિઝો પોશાક એણે પહેર્યો હતો.  બાવડાં પર ચોંટેલી લાંબી પારદર્શી બાંયો ખભા સાથે બાંધેલા ત્રિકોણાકાર રૂમાલમાં જઈને ભળી જતી હતી. પોશાકની પાછળ લટકતો લાંબો છેડો એણે નજાકતથી પોતાના હાથમાં પકડ્યો હતો.

શરૂઆતના આનંદ અને આશ્ચર્યના મિશ્ર ભાવ પછી હું થોડો અસ્વસ્થ થઈ ગયો. મારી ટાઈ બરાબર હશે કે નહીં એનો વિચાર મને આવી ગયો. વિચાર કરવા માટે આમ તો બહુ સમય હતો જ નહીં! એની સાથે આવેલા ફાધર મેરિલો સાથે હું અધિરાઈથી વાત કરવા લાગ્યો. અચાનક મારું ધ્યાન ગયું કે મારી સામે પોતાનો સુકોમળ હાથ લંબાવીને એ ઊભી હતી! મારા શરીરમાં એક ધ્રુજારી વ્યાપી ગઈ. ભાગ્યે જ કોઈ સાથે મેં હાથ મિલાવ્યો હશે!

“તારું અહીં હોવું એ બહુ દુઃખદ ઘટના છે નેડ, પણ ફરીથી તને મળીને બહુ આનંદ થયો.”

વાતચીતની એની ઢબ અહીંની સુશિક્ષિત યુવતીઓ જેવી જ સહજ હતી. જવાબ દેતી વેળાએ એની સરખામણીએ હું તો સાવ અણઘડ જેવો લાગતો હતો.

“તારા સમાચાર સાંભળીને મને તો ઊંડો આઘાત લાગ્યો હતો, કેરિટા. અને સાંચો…”

“બિચારો સાંચો! સારું છે કે એ હવે આપણી સાથે નથી રહ્યો.”

થોડી વાર માટે અમે ચૂપ થઈ ગયા. સ્વસ્થ થઈને ફરીથી એ મારી સામે જોઈને હસી.

ફાધર મેરિલોએ મને તારા ઘર અને બગીચાની અદ્‍ભૂત વાતો કરી છે. જેને મળું છું એ બસ એની જ વાતો કરે છે!”

“તને એ ગમ્યું એ સારું છે. આવ, તને અમારું ઘર બતાવું! આખા ઘરમાં સૌથી સારી જગ્યા તો પેલા આંબા નીચે જ છે!”

અમે વાતો કરતાં બેઠાં, ત્યારે ફાધર મેરિલોએ આંખમાં ચમક સાથે કહ્યું, “નેડ, તેં તો મને ક્યારેય કહ્યું નહીં, કે કેરિટા આટલી સુંદર છે!”

કેરિટા વિરોધ કરતાં બોલી, “ફાધર, દેવળના પાદરી તરીકે આમ અતિશયોકિત કરવી એ કંઈ સારી વાત ન કહેવાય!” આ કહેતી વખતે એની આંખો કેટલી સુંદર લાગતી હતી!

“સાચી વાત છે, ફાધર, મેં તમને કહ્યું તો ન હતું, પણ એનું કારણ એ, કે એ સમય કેરિટા એક સુંદર સ્ત્રી ન હતી. એક સરસ નાનકડી છોકરી હતી ત્યારે તો એ! અને પાદરીએ શું કહેવું અને શું ન કહેવું જોઈએ, એ બાબતે કહું તો… જ્યાં પણ સુંદરતા જોવા મળે, હું પોતે તો એની પ્રશંસા કરવામાં માનું છું. અને એટલે જ, ફાધરની વાતને મારો સંપૂર્ણ ટેકો છે!”

એ હસી પડી. થોડી વાર પછી અમે ફળિયામાં જવા ઊભાં થયાં. અમારી વાતચીતમાં હું તો બહુ ઓછું બોલતો હતો! પાદરી એને ‘ફ્લેમ ટ્રી’ અને જવલ્લેજ જોવા મળે એવાં કેટલાંક ઑર્કિડ બતાવવા લાગ્યા. વાદળી રંગનું પેલુ ઑર્કિડતો કેરિટાને બહુ જ ગમી ગયું. એ કઈ રીતે અને ક્યાંથી મળ્યું એ જાણવામાં એને રસ પડી ગયો. ફરી ક્યારેક એ વાત કહેવાનો વાયદો મે વાયદો કર્યો. ફરતાં-ફરતાં ઘરની સામે આવીને અમે દરિયાકિનારા સામે મોં કરીને ઊભાં રહ્યાં. સામે હારબંધ ઊભેલાં નાળિયેરીનાં વૃક્ષોને જોઈને કેરિટા ભાવાવેશમાં દિગ્મૂઢ થઈને ઊભી રહી ગઈ.

“બહુ જ સુંદર લાગે છે આ દૃશ્ય, નેડ! દીવાનખંડની દિવાલ પર લટકાવવા માટે આથી વિશેષ કોઈ દૃશ્ય ન હોઈ શકે!”

“સારું ત્યારે, હું તમારી રજા લઈશ હવે,” આખરે ફાધર મેરિલો બોલ્યા. “મારે દવાખને જવું પડશે. કેરિટા, પાછા ફરતી વેળા રસ્તો તો તને નહીં મળે! નેડ, તું એને વળતા એના સાર્વજનિક રહેઠાણો સુધી પહોંચાડી શકીશ?”

“જરૂર પહોંચાડી દઈશ, તમે નિશ્ચિંત થઈને જાવ.” મેં એમને ખાતરી આપી.

“આ માછીમારી કરવાના તારા સાહસ બાબતે મેં કેરિટાને વાત નથી કરી. એ મેં તારા પર છોડ્યું છે.”

ફાધર ચાલ્યાં ગયા. ટોમસ વાદળી રંગની થાળીઓ ટેબલ પર ગોઠવતો હતો. કેરિટા મારા તરફ ફરી.

“માછીમારીના સાહસની શું વાત એ કરતા હતા?”

હું જે કરવા માગતો હતો એની વિગતવાર વાત મેં એને કરી. ડેંગ્યુને કારણે મારી યોજના જે રીતે ખોરંભે ચડી ગઈ, એની વાત પણ મેં એને કરી.

“તેં જે કંઈ શરું કર્યું છે, એનાથી અહીંની બહુ મોટી જરૂરિયાત પૂરી થશે, એ ખબર છે તને!” એણે વિચારપૂર્વક કહ્યું. આ કારણથી જ મેં સેબુમાં નૃત્ય શીખવવાનું શરૂ કર્યું હતું. પણ એ તો રમત જેવી વાત થઈ. એના કરતાં ખરેખરા કામની અહીં બહુ જરૂર છે, આપણાં બધાં માટે! મને સેબુ મોકલવામાં આવી ત્યારે પહેલાં તો મને લાગ્યું કે હું પાગલ જ થઈ જઈશ. એક મહિના સુધી તો હું બિમાર રહી હતી, ખોરાક પણ લેવાતો ન હતો! મને તો મરી જવાનું જ મન થતું હતું! દેવળની એક નર્સ કાયમ મારી સાથેને સાથે રહેતી! ધીરે-ધીરે એણે મને નિષ્ક્રિયતામાંથી બહાર કાઢી, અને મારો ભરોસો પણ જીત્યો. એ પછી તો હું એની સાથે રહીને બીજી યુવાન છોકરીઓ સાથે ભળતી થઈ ગઈ. એ છોકરીઓ પાસે જે હિંમત હતી, એનો મારામાં તો સદંતર અભાવ હતો!”

ટોમસ થોડા સંકોચ સાથે ચા લઈને આવ્યો. કેરિટાએ એને આવકાર્યો.

“ટોમસ, મેં તારા અદ્‍ભૂત કુકડાની વાત સાંભળી છે. મને બતાવજે પછી, હં કે! મને લાગે છે કે ચોથી જુલાઈએ તેં બહુ કમાણી કરી હશે, નહીં? અને હજુ તો રિઝાલના દિવસે ફરીથી કમાણી થશે!”

ટોમસ ખુશ થઈને બત્રીસી દેખાય એમ હસી પડ્યો.

“હા, મેડમ! તમે સાચું જ સાંભળ્યું છે. તમે અને મિ. ફર્ગ્યુસન ચા પી લીધા પછી મારી સાથે આવશો? તમને કુકડો બતાવતા મને આનંદ થશે. તમને ખબર છે, આ કુકડો તો મને મિ. ફરગ્યુસને આપ્યો છે! એ મને બહુ સાચવે છે…”

“હા, ટોમસ, અમે ચોક્કસ મિસ્ટરીને જોવા આવીશું.” કહીને મેં એને મારી પ્રશંસા કરતાં રોક્યો.

ચા, અને ટોમસ લાવ્યો હતો એ કેક પૂરાં થઈ ગયાં એટલે, ટોમસનો કુકડો જોવા અમે પહોંચ્યા. એ લડાયક પક્ષીઓ વિશેની કેરિટાની જાણકારી અદ્‍ભૂત હતી! કોઈ ભવિષ્યવેત્તાની જેમ એણે રિઝાલના દિવસે પણ મિસ્ટરી જ જીતશે એવી આગાહી કરી.

“ખરેખર, બહુ અસાધારણ કુકડો લાગે છે આ,” અમે દરિયાકિનારા તરફ ચાલતા થયાં ત્યારે કેરિટાએ કહ્યું. અચાનક જ મને લાગ્યું કે જાણે હું ખૂબ જ સ્વસ્થ થઈ ગયો છું. કેરિટા ચા પીરસતી હતી ત્યારે હું ભાવાવેશમાં એની સામે જોઈ રહ્યો હતો. જે શાલીનતાસભર કુશળતાથી એણે એ કામ કર્યું, એ મારા આ રોજિંદા શુષ્ક જીવન માટે સાવ અસ્વાભાવિક હતું. દરિયાકિનારે બેસીને અમે રક્તપિત્તિયાંની વસાહતો, લ્યુઝાનના જુના દિવસો, કેરિટાના મા-બાપ અને ભાઈ-બહેન વિશે આમતેમ વાતો કરતાં રહ્યાં.

અસ્તાચળે પહોંચેલા સૂર્યનો પ્રકાશ કોરોની પછવાડે સંતાઈ ગયો. પહાડોના પડછાયા લાંબા થઈને છેક અખાતની સામેના કિનારે અડી ગયા. અને છતાં અમે વાત કરતાં રહ્યાં, હસતાં રહ્યાં. નવા જીવનદાન સમી એ પળો હતી!

કેરિટા ઊભી થઈને બોલી, “મારે જવું જોઈએ. આજે તને મળીને જે આનંદ થયો છે મને, હું તો એ આનંદને સાવ જ ભૂલી ગઈ હતી, માનીશ! મારી સાથે રહેનાર બીજા લોકોની સાથે જમતી વેળાએ હું ન હોઉં, તો એ લોકો મારી ચિંતા કરશે. હું ખાસ કંઈ ખાતી તો નથી, પણ એ બીચારા મારા માટે રસોઈ ગરમ રાખવાની પળોજણમાં પડશે.”

અમે એના ઘર તરફ જવા ચાલતાં થયાં. આટલા આનંદમાં તો હું છેલ્લાં ઘણાં વર્ષોથી નહીં હોઉં!

આટલા વર્ષોમાં હું ટાપુ પરની કોઈ સ્ત્રી સાથે, કોઈ પ્રકારે સંકળાયો ન હતો. પણ હવે, કોઈ પણ ઉજવણીમાં હું અને કેરિટા સાથે હોઈએ એ સાવ સહજ લેખાતું હતું. શરૂઆતમાં કોઈ મીજબાનીને બહાને, અને પછી તો કોઈ જ બહાના વગર કેરિટા મારે ઘેર નિયમીત આવતી-જતી થઈ ગઈ. અને એ આવે, એટલે ચા-પાણી કે પછી ભોજન કરીને જ જાય, એ જાણે એક શિરસ્તો જ બની ગયો હતો! ત્યાં સુધી, કે હોંશિલો ટોમસ પોતાની માને મને મળવા લઈ આવ્યો ત્યારે પણ કેરિટા હાજર હતી. મ્લાન ચહેરો અને નંખાઈ ગયેલા શરીરે પણ શ્રીમતી એગ્વિલારને જોઈને કોઈને પણ ખ્યાલ આવે, કે યુવાનવયે આ સ્ત્રી જરૂર અપાર સૌંદર્યવતી હશે! નાક-નકશે ટોમસ બરાબર એમના પર જ ગયો હતો. શ્રીમતી એગ્વિલાર મુંઝાયેલાં અને અસ્વસ્થ દેખાતાં હતાં. પોતાના લાડલાની હાલત વિશે એ શું-શું ધારણા કરીને આવ્યા હશે, એ વિશે તો બસ મારે કલ્પના જ કરવી રહી!

એ સમયે પણ, કેરિટાએ પોતાની સહજ કુનેહથી એ મુલાકાતને એક આનંદદાયક અનુભવમાં ફેરવી નાખેલી. વાતાવરણમાં આનંદ ફેલાવવામાં પાછો અમારો મિસ્ટરી પણ કામ આવ્યો. ટોમસ એનાં માતાને લઈને સીધો જ મારી પાસે આવ્યો હતો, એટલે આ મુલાકાત જે પક્ષીને કારણે શક્ય બની હતી, એને તો એ જોવા પામ્યાં જ ન હતાં. ટોમસ કુકડાને લઈને એમને બતાવવા આવ્યો, ત્યારે એ પણ આ વાત જાણીને ખૂબ જ હરખાયાં.

“મા, રિઝાલના દિવસે એ ફરીથી લડશે, ત્યારે હું ફરીથી તને ખૂબ પૈસા મોકલીશ, તું જોજે!” ટોમસની આગાહી સાચી પડી હતી. એ પછી થોડા મહિના પછી લડાઈમાં ફરીથી મિસ્ટરી જ જીતી ગયો હતો! હવે તો એની ગણના એક વિજેતા તરીકે થતી હતી.

ટોમસ અને એની માને આનંદથી વાતો કરતાં મૂકીને અમે ખસી ગયાં. છેક સમી સાંજે અમારી વિદાય લેવાના સમયે ટોમસની માતા સાવ ભાંગી પડ્યાં. રડતાં-રડતાં, પોતાના કાળજાના ટૂકડાને નવી જિંદગી આપવા બદલ મારો આભાર માનવાનો એ પ્રયત્ન કરવા લાગ્યાં. કેરિટા એમને દરિયાકિનારે લઈ ગઈ અને એમની સાથે વિગતવાર વાત કરી. જતી વેળાએ એ નિશ્ચિંત હોય એવું દેખાતું હતું.

“એ બિચારાં બહુ જ અસ્વસ્થ થઈ ગયાં હતાં,” કેરિટા બોલી. “પણ મને લાગે છે કે હવે એ ખુશ છે ખરાં! આખરે એમના એક છોકરાની સંભાળ તો લેવાઈ રહી છે. તેં ટોમસને બહુ જ સાંચવ્યો છે, નેડ!”

“એ પોતે જ પોતાનું ફોડી લે એટલો હોશિયાર છે. હું જે કંઈ એને આપું છું એના માટે એ પૂરેપૂરો હકદાર છે. ખેર! આવ, થોડી નવી રેકોર્ડ્ઝ મારી પાસે આવી છે. ડાન્સ કરવાનું મન છે?” આવા કેટલાયે પ્રસંગે અમે સાથે નૃત્ય કરી લેતાં. લોકો વિષે, એમનાં કામકાજ વિશે, અને કેરિટાના કામ વિશે પણ વાતો કરતાં રહેતાં.

એ રાતે અમે દરિયાકિનારે ફરવા ગયાં. કોરોનની પહાડીઓ ઉપર ચંદ્ર ખીલ્યો હતો. નાળિયેરીનાં પાનની ઉપરની બાજુ રૂપેરી રંગે રંગાઈ ગઈ હતી અને જમીન ઉપર ચમકતી રેત ઉપર એના કાળા-કાળા પડછાયા વિધ-વિધ ભાત પાડી રહ્યા હતા. રાતના એ મદહોશ વાતાવરણને પીતાં અમે ત્યાં જ ઊભા રહી ગયાં. મેં એની સામે જોયું. સુંદર નાઈટગાઉનમાં એ અતિશય નમણી દેખાતી હતી. એની સાથે વાત કરવાની હું હીંમત કેળવી રહ્યો હતો. એનો હાથ મેં મારા હાથમાં સાહી લીધો. એણે એ છોડાવવાનો કોઈ જ પ્રયત્ન ન કર્યો. અચાનક દૂરથી કોઈ પ્રાણીની લાળી જેવો લાંબો અવાજ ક્યાંકથી આવ્યો. એની સાથે જ બીજાં કેટલાંયે પ્રાણીઓના લોહી થીજવી દે એવા ભયાનક શોકાતુર અવાજો પણ ભળવા લાગ્યા. ડરની મારી કેરિટા મારા બાહુપાશમાં આવી પડી. હું તુટક-તુટક અવાજે એને સધિયારો આપતો રહ્યો.

“ના, ડર નહીં કેરિટા! એ તો કબ્રસ્તાનમાં પેલા કૂતરાં રડે છે એનો અવાજ છે.”

“કબ્રસ્તાનમાં!”

એ ધ્રુજી ઊઠી. એના પર ઝૂકીને મેં એને ચૂમી લીધી, ફરી ફરીને! મેં એને મારા શરીર સાથે જકડી લીધી. એકમેકના સહારે અમે અમારાં ઉપર ઝળુંબતા ભયને, અને અમારી નિયતીને પણ ભૂલી ગયાં! બધું જ ભૂલીને અમે માત્ર એટલું જ યાદ રાખ્યું, કે બસ, આ એક રાત્રી તો અમારી જ હતી! એને લઈને હું ઘરમાં આવ્યો. એને પાછી મૂકવા હું એની સાથે પાછા જવાના રસ્તા પર ચડ્યો, ત્યારે પરોઢ થઈ ચૂક્યું હતું.

“આથી વધારે મૂકવા આવવાની જરૂર નથી, નેડ!”

“તું, તું જઈ શકશે અહીંથી પાછી, એકલી?”

“અહીંથી હું સીધી જ રોમેરોને ઘેર જતી રહીશ. હું અમારા સામૂહિક રહેઠાણમાં પાછી નહીં જાઉં હવે! ગેટ્યુલિઓ રોમેરો મારા પિતાના પિતરાઈ છે. એ મને કંઈ નહીં પૂછે. આવેજે, પ્રિયે! “

એ ત્યાંથી એકલી જ આગળ ચાલી ગઈ.

*

એ વાતને બે અઠવાડિયાં વીતી ગયાં. એ દરમિયાન કેરિટાને એક પણ વખત મળવાનું બન્યું નહીં. એને મળ્યા વગર હું સાવ પાગલ જેવો થઈ ગયો હતો. બજારમાં ગેટ્યુલિઓ મળી જતાં મેં એમને રોકી પાડ્યા.

“કેરિટા કેટલાયે દિવસોથી મળી નથી મને…”

“એની તબીયત સારી નથી, નેડ!”

ઘેર પાછો ફરીને હું વિચાર કરવા લાગ્યો. શું ગેટ્યુલિઓ ખરેખર સાચું કહેતા હશે! કેરિટા મને ટાળી રહી હતી, કે પછી ખરેખર એ બિમાર હશે? મને ન મળવા પાછળનું એક જ કારણ મને તો લાગતું હતું! એ કારણને નકારી કાઢવાના અનેક પ્રયત્નો છતાં હું એ વિચારોને ટાળી શકતો ન હતો. એ ગર્ભવતી તો નહીં થઈ ગઈ હોય! ક્યાંક એ મારા બાળકની મા…!

હું કેરિટાને ચાહતો હતો. એ પણ મને પ્રેમ કરતી હતી. અમે લગ્ન ન કરી શકીએ એનું કોઈ જ કારણ મને દેખાતું ન હતું.

ખુશીનું એક ઉત્કટ મોજું મારામાં ફરી વળ્યું. નસીબ સાથે અંચાઈ કરીને પણ મારે જે જોઈતું હતું, એ હું મેળવીને જ જંપીશ! પણ જો બાળક થવાનું હોય તો! એ પણ રક્તપિત્ત સાથે જ અવતરશે કે શું?

*

વિંટને મને જે કહ્યું હતું એ મને યાદ આવી ગયું. રક્તપિત્તના દરદીઓને ઘેર દર વર્ષે સેંકડો બાળકો જન્મે છે. એ કાંઈ રક્તપિત્તના રોગી તરીકે નથી જન્મ લેતા! રક્તપિત્ત વારસામાં નથી ઉતરી આવતો. પણ એક વાત હતી, કે એમને ચેપ લાગવાનો ભય એટલો બધો રહે છે, કે જન્મ પછી તરત જ બાળકોને માતા પાસેથી લઈને વસાહતની બહાર અલગ બાળ ઉછેર કેન્દ્રમાં ખસેડી લેવામાં આવતાં! આગળ જતાં એમને ત્યાંથી પણ દૂર મોકલી આપવામાં આવતાં, અને એમને રક્તપિત્ત ન થાય, કે પછી એમના મા-બાપને રક્તપિત્ત મટી ન જાય, તો એ ક્યારેય એકબીજાંને મળી ન શકતાં! બાળકો ટાપુ પર હોય ત્યારે પણ, મા બાળકને મળવા તો જઈ શકે, પણ એને સ્પર્શ કરી શકતી નથી!

આ વિચારોથી ખેંચાઈને હું બાળઉછેર કેન્દ્ર પર પહોંચી ગયો. એક નાનકડા મંડપ નીચે લગભગ વીસેક માતાઓ રાહ જોઈ રહી હતી. એમની ઉપરના ભાગે, સામે જ બાળ ઉછેર કેન્દ્રનો ઝરૂખો હતો.

એક નર્સ એક સાવ નાનકડા બાળકને તેડીને એ ઝરૂખામાં આવી. એક લાંબો અવાજ “આ હા” કરીને આવ્યો, અને એ સાથે એક સ્ત્રી, જે પોતે જ તો હજુ એક બાળકી જેવી લાગતી હતી, હાથ લાંબા કરીને આગળ દોડી આવી. આ એનું બાળક હતું! બાળક તો એકદમ શાંત જ હતું. એ તો આ સ્ત્રીની નોંધ પણ લેતું ન હતું. નર્સ એની સાથે વાત કરવા લાગી, એના હાથ ઉંચા-નીચા કરીને એને રમાડવા લાગી, અને પેલું બાળક મોટેથી હસી પડ્યું. ખુશીની મારી એની મા એની સામે જોઈને હસવા લાગી, અને ત્યાં જ નર્સ બાળકને લઈને અંદર અદૃશ્ય થઈ ગઈ! ફરી બીજા બાળકને લઈને પાછી આવશે એ! એ યુવાન માતા, મારી સાથે સહેજ અથડાઈને આગળ દોડી ગઈ, અને પોતાના બાળકને સામે ન જોતાં જમીન પર પછડાઈને રડવા લાગી! હું તરત જ પાછો ફરી ગયો, અંદરથી દુઃખી-દુઃખી થઈને! શું કેરિટાએ પણ આ જ સંતાપ ભોગવવાનો કે! હું ધ્રુજી ઊઠ્યો હતો, આટલો ભયભીત હું ક્યારેય થયો ન હતો! જેનને ગુમાવવામાં, કે પછી મને રક્તપિત્તનું નિદાન થયેલું તેનો આઘાત પણ કદાચ મારા અંતરાત્માને કદાચ આટલો આકરો નહોતો લાગ્યો! મારો પુત્ર પૃથ્વી પરના આ નર્કમાં તો જન્મ નહીં જ લે! અને એ પણ રક્તપિત્ત થવાના ભયના ઓથાર હેઠળ જીવવા માટે!

સતત પાંચ દિવસો સુધી હું ઘરની બહાર ન નીકળ્યો. જોઝ મળવા આવ્યો, તો મેં એને મળવાની પણ ના પાડી દીધી. ધંધો તો એના સમયે થઈને રહેશે! રાત-દિવસ હું એકધારું પીતો રહ્યો. ટોમસ નિરાશ થઈ ગયો હતો. એને મારી સાથે વાત કરવાની કોશિશ કરી, પણ જવાબમાં પહેલી વખત મેં એના પર હાથ ઉપાડ્યો, અને એને ઘરની બહાર ધકેલી દીધો. ત્યાં કેરિટા આવી પહોંચી.

એ આવી ત્યારે હું આંબા નીચે બેઠો હતો. દાઢી વધી ગઈ હતી, વાળ પણ ઓળ્યા ન હતા, અને સામે વ્હિસ્કીની બોટલ પડી હતી. એને જોતાંવેંત મારી આંખો ખુલી ગઈ. લથડિયાં ખાતો ઊભો થઈને હું એની તરફ ચાલ્યો. એના હાથ મને વિંટળાઈ વળ્યા. પણ મારે તો મારા પ્રશ્નનો જવાબ જોઈતો હતો!

“કેરિટા, મને કહે, તું ક્યાંક મા તો નથી બનવાનીને?”

“અરે મારી જાન, બીચારો…! તો આમ વાત છે, એમને? ટોમસ મારી પાસે આવ્યો હતો. એણે મને બધી વાત કરી છે! ના, નેડ! એવું કંઈ જ નથી. હું ખરેખર બીમાર હતી. આવ, બેસ મારી પાસે હવે!”

ટેબલ પર માથું નાખીને હું રડવા લાગ્યો, ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો. કેરિટા પણ મારી બાજુમાં ચૂપચાપ આંસુડાં સારતી બેસી રહી. રડીને અમે હળવાં થઈ ગયાં, ત્યારે છેક એ બોલી.

“મારા વ્હાલા નેડ, આજે નાતાલની સાંજ છે.” નાતાલ! હું તો સમયનું ભાન જ ભૂલી ચૂક્યો હતો! મેં માથું ઊંચું કર્યું.

“નાતાલ,” મેં પુનરુચ્ચાર કર્યો.

“હા, નેડ! તું કહે તો હું સાંજના ભોજન માટે રોકાઈ જાઉં!”

“ભોજન? નાતાલનું ભોજન? તું રોકાઈશ કેરિટા?”

એની રજા લઈને હું દાઢી કરવા અને નહાવા માટે ઘરમાં ચાલ્યો ગયો.

પાછા ફરતા પહેલાં હું એને માટે ઓર્કિડના છોડ પરથી વાદળી ફૂલ અને ડાળીઓ લઈને, એને ગોળાકારે સજાવીને કેરિટા માટે ગુલદસ્તો બનાવીને લઈ આવ્યો.

થોડા સભાનપણે મેં એને ગુલદસ્સ્તો ભેટમાં આપ્યો.

“અરે વાહ, બહુ જ સુંદર ભેટ છે આ તો!”

“પ્રિયે, નાતાલ પર તને આપવા જેવું બીજું કંઈ જ મારી પાસે નથી.”

“બીજું કંઈ? આ તારા પ્રિય એવાં ઓર્કિડ ફૂલો તો છે! અને તારા હાથે જાતે સજાવીને તું જ તો લઈ આવ્યો છે! પ્રિયે, ભેટ કોને કહેવાય એ હું બરાબર જાણું છું. આ પાંદડાંના લીલા રંગની જેમ જ એની સ્મૃતિ મારા મનમાં તાજી રહેશે!”

કલાકેક પછી, ફળિયાની લોન ઉપર ટોમસ અમને ભોજન પીરસતો હતો.

નજીક વાવેલા ફ્રેંગીપાનીની તીવ્ર સુગંધ ફેલાઈ રહી હતી. ઝાલરવાળા ઘેરા રંગના ગાઉનમાં કેરિટા ખૂબ જ સુંદર દેખાતી હતી. મને થયું કે મારે કંઈક વાત કરવી જોઈએ.

“તું… તું મારી સાથે લગ્ન કરશે, પ્રિયે?”

એણે નિસાસો નાખ્યો.

“ના, નેડ!”

“પણ કેમ? તું મને ચાહે છે, તો પછી કેમ નહીં?”

“સાચું કારણ તેં જ તો મને આપ્યું છે આજે!”

“એ સમયે હું મૂર્ખતા કરી બેઠો હતો, કેરિટા! એ ભૂલ ફરીથી નહીં થાય! મારા પર ભરોસો રાખ; મારું બાળક  જન્મ નહીં જ લે!”

“તારી વાત સાચી છે, નેડ. પણ તું જોતો નથી, કે એ કારણથી જ તો હું તને પરણી ન શકું! મારા દેવળના શિક્ષણથી વિપરીત એ વાત હશે.”

“તો પછી, અહીં જન્મ લઈને બાળકો રક્તપિત્તના રોગી બની જાય, એમાં દેવળને વાંધો નથી, એમ તો તું નથી કહેતીને?”

“એવો પ્રશ્ન હું ન કરી શકું.”

“મારે તો તું જોઈએ છે, કેરિટા. શું આ જીવનમાં આપણને કંઈ જ નહીં મળે? શું આ જ આપણી નિયતી હશે કે? હું તો કહું છું કે તું લગ્નની હા પાડી દે! સાથે મળીને આપણે ઘણું કરી શકીએ એમ છીએ આ જીવનમાં.”

“નેડ, તું આપણી નિયતીની વાત કરે છે. પણ આ આપણાં બંનેની નિયતી છે કે? માની લે કે કોઈ એકને જ આ રોગ હોય તો? આપણા લગ્નને ઘણો સમય થઈ ગયો હોય, અને રોગ મટી પણ જાય, તો-તો કોઈ પ્રશ્ન ઊભો ન થાય. પણ માની લે, કે તું સાજો થઈ જાય, અને હું બીમાર જ રહું! તો તું ચોક્કસ તારે ઘેર પાછો જવા માગે! અને હું તારી સાથે… ના હું તારી સાથે તારે ઘેર ન જ આવી શકું! તારે ત્યાં ભાગ્યેજ કોઈને રક્તપિત્તની પૂરી જાણકારી છે, એટલે એ લોકો તને તો પાછો સ્વીકારી જ લે, પણ હું તો કાયમ માટે રક્તપિત્તની રોગી બનીને જ રહી જાઉં! હું તારે ઘેર આવું તો પણ, અવિશ્વાસ અને શંકાને પાત્ર જ રહીશ. મારે તો અહીં જ રહેવું પડશે.”

“કેરિટા, મારા સાજા થવાની કોઈ જ સંભાવના નથી! આટલા વર્ષોમાં મારો રોગ તો આગળ જ વધ્યો છે. ભલે ધીમે-ધીમે, પણ એ આગળ જ વધ્યો છે. તો પછી જે કોઈ ખુશી આપણને મળે એ શા માટે ન લઈ લેવી?”

“નેડ, આપણે હકીકત સ્વીકારી જ લેવી પડે. તારી સાથે લગ્ન કરીને બાળકો ન થવા દઉં, એ ન બની શકે. એ મારા ધાર્મિક સિદ્ધાન્ત અને ઇશ્વર પરની મારી શ્રદ્ધાની વિરુદ્ધ છે. તું કહે છે કે જીવનમાં કંઈ જ નથી રહ્યું. પણ ઇશ્વર તો છે હજુ મારા જીવનમાં, નેડ! સાક્ષાત ઇશ્વર મારી સાથે છે. એ મારા જીવનનો એક હિસ્સો છે.”

હું એની સામે તાકી રહ્યો. ચાંદનીમાં એના સૌંદર્યમાં કોઈક અલૌકિક તેજ છલકતું હતું. કોઈ સંન્યાસીની જેવી આભા એની આસપાસ ચમકતી હતી. એની વાતોનો કોઈ ઉત્તર મારી પાસે ન હતો. હું કદાચ ક્યારેય એના રસ્તે ચાલી નહીં શકું. દૂરથી આવતો ઘંટનો નાદ મને સંભળાઈ રહ્યો હતો, દેવળના જૂના સ્પેનિશ ઘંટનો નાદ, કેરિટાના દેવળના ઘંટનો નાદ…

“દેવળમાં મધરાતની પ્રાર્થનાને અડધા કલાકની વાર છે, નેડ, ક્રિસમસની પ્રાર્થના. તું આવશે મારી સાથે?”

*

ઘરમાંથી બહાર નીકળીને બહાર રસ્તા ઉપર અમે પહોંચી ગયા, પણ અમારામાંથી કોઈ કંઈ જ બોલ્યું નહીં. રસ્તામાં અમારી સાથે ઘણા લોકો દેવળ તરફ જતા હતા. કંઈ વાત કરવાનું મને મન થતું ન હતું. અને મન થાય તો પણ, રસ્તા પર રમતાં-દોડતાં જતાં નાનાં બાળકો, અને પગે લંગડાતા જતાં મોટાં બાળકોના એ દૃશ્યે મને ચુપ જ કરી દીધો હોત! કેરિટા પણ કંઈ જ ન બોલી. રસ્તાના કિનારે ઊગેલાં વૃક્ષોના પડછાયામાંથી બહાર આવીને મેં જોયું તો એનું મોં સાવ ધોળું પૂણી જેવું થઈ ગયું હતું. મને યાદ આવી ગયું, કે હજુ હમણાં જ તો એ બીમારીમાંથી ઊઠી હતી! મેં એનો હાથ મારા હાથમાં લઈ લીધો. સાર્વજનિક સભાગૃહની સામેનો રસ્તો લોકોથી હકડેઠઠ્ઠ ભરાયેલો હતો. રસ્તા પરથી ફંટાઈને અમે ટેકરી પરના જૂના સ્પેનિશ મેદાન તરફ વળ્યા. પત્થરના સર્પાકારે જતા રસ્તા, ઘૂંટણિયે પડેલા શ્રદ્ધાળુઓથી ભરચક હતા. એ બધાની વચ્ચેથી રસ્તો કરતાં અમે પત્થરના પ્રવેશદ્વારમાં થઈને કોતરણી કરેલા એક અત્યંત સુંદર દરવાજામાંથી દેવળમાં પ્રવેશીને એક તરફ ઊભાં રહ્યાં. અંદર ધ્રૂજતા અવાજે એક સુંદર ગીત ગવાઈ રહ્યું હતું. કેરિટા ગીતને ઓળખી ગઈ.

“બહુ મજા આવે છે, નહીં? જંગલમાં રખડતા ભરવાડો આ ગીત ગાય છે. આ વર્ષે પહેલી વખત આ ગીત ગવાઈ રહ્યું છે. છેલ્લા કેટલાયે મહિનાઓથી એ લોકો આ ગીતનો અભ્યાસ કરતા હતા.”

કદાચ મારા મનની સ્થિતિને કારણે હશે, પણ એ રાત્રે સંગીતે મને જકડી જ લીધો! અભિભૂત કરી મૂક્યો મને, જાણે મારો ઉદ્ધાર કરી દીધો એણે! છેક ગીત પૂરું થતા સુધી અમે રોકાયાં.

ત્રણ સો વર્ષો જૂની પત્થરની એ દીવાલો અને પત્થરની છો! દેવળની અંદરની બધી જ બેઠકો શ્રદ્ધાળુઓથી ભરાઈ ગઈ હતી. પ્રાર્થનાખંડની એક-એક ઈંચ જગ્યા ભરાઈ ગઈ હતી! ફાધર મેરિલો મંચ પાસે ઊભા હતા. આ આખા સમુહમાં, માત્ર એમને છોડીને, બાકીના અમે બધાં જ રક્તપિત્તિયાં હતાં. એ એક જ સાજા-નરવા હતા. સંગીતકારોમાંના કેટલાક લોકો લગભગ અંધ જેવા હતા, તો કેટલાકની આંગળીઓ ખરી ગઈ હતી! પ્રાર્થના કરવામાં જેમણે ભાગ લીધો હતો એ લોકો, અમારા માટે જગ્યા થાય એ ખાતર દેવળની બહાર જતા રહ્યા, એટલે અમે આગળની બેઠકમાં જઈને બેઠાં.

થોડી વાર પછી મને રાહ જોવાનું કહીને કેરિટા ઊઠીને આગળ મંચ પાસે પ્રાર્થના માટે ગઈ. સેંકડો લોકોને આવતા-જતા હું જોઈ જ રહ્યો. પ્રાર્થના કરીને પાછા ફરતા લોકોના મોં પર એક અજબ શી શાંતી અને આનંદ છલકતો હતો! ધીરે-ધીરે મને એ સમજાયું કે દેવળ એ એમના રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ હતું. પ્રાર્થનામાંથી જીવનને આગળ ધપાવવાની શક્તિ એમને પ્રાપ્ત થતી હતી. પગથિયાં ઊતરીને અમે પાછાં કેરિટા અત્યારે જ્યાં રહેતી હતી એ ઘર સુધી પહોંચ્યાં. પરોઢ થઈ ચૂક્યું હતું. એ ઘર એના પિતરાઈનું હતું.

*

હું શાંત હતો. પણ હવે, લોકો પર દેવળના પ્રભાવને થોડા પ્રમાણમાં હું સમજ્યો હતો. મને ચાહતી હોવા છતાં કેરિટા કેમ બદલાઈ ન શકે, એ પણ મને સમજાતું હતું. મને પોતાને તો મારી વાતમાં જ વિશ્વાસ હતો, પણ મને એના માટે પણ માન થઈ રહ્યું હતું. મારા અને કેરિટાના લગ્ન અશક્ય હતા, અને એમાં મીનમેખ થવાનો ન હતો! પણ એ બાબતે મારા હૃદયમાં હવે કોઈ કડવાશ રહી ન હતી. અચકાતાં-અચકાતાં, શબ્દો માટે ફાંફા મારતાં આમાંની થોડી વાત હું કેરિટાને માંડ કહી શક્યો.

“તારો આભાર માનું છું હું, નેડ! તેં કહી દીધું એ સારું કર્યું. મારા હૃદય પર ભાર છે હજુ, પણ અંદરથી મને શાંતી થઈ છે! આપણો ન જન્મેલો પુત્ર આજે રાત્રે આપણો આભાર માની રહ્યો છે.”

“હા, કેરિટા! તારી વાત તદ્દન સાચી છે.”

એના ઘર પાસે આવીને અમે રોકાઈ ગયા.

“તો, શું કરીશું આપણે હવે?”

“મને લાગે છે કે થોડા સમય માટે આપણે જાહેરમાં જ મળીએ તો સારું, નહીં? સમય જતાં થોડાં જાતને સંભાળી લઈએ, પછી આપણે દોસ્તી નિભાવીશું. હું તને સાવ ખોઈ બેસવા નથી માગતી, નેડ!”

“હું પણ ક્યાં તને ખોવા ઇચ્છું છું, કેરિટા!”

“તો પછી આપણે થોડી રાહ જોઈ લઈએ, તને પૂરી ખાતરી થઈ જાય ત્યાં સુધી! અને તું જ્યારે પણ મને બોલાવશે, હું ચોક્કસ તારે ઘેર આવી જઈશ, બસ!”

એ પોતાનો ચહેરો મારા ચહેરા પાસે લઈ આવી. મેં એને ચૂમી લીધી.

“નાતાલની શુભકામનાઓ, પ્રિયે.” આજે મારો અવાજ મને જ વિચિત્ર લાગતો હતો.

“શુભ રાત્રી, પ્રિયે. વર્જિન મધર તને શાંતિ આપે.”

હું એકલો ઘેર પાછો ફર્યો, એકલો! આટલી એકલતા મેં ક્યારેય અનુભવી ન હતી. અને હવે મને ખબર હતી, કે આ એકલતા જ મારી સાથે છેક સુધી રહેવાની હતી.

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે તથા આ પહેલાના પ્રસિદ્ધ થયેલ ભાગ અહીં ક્લિક કરીને વાચી શકાય છે.

આપનો પ્રતિભાવ આપો....