‘સોશિઅલ મીડિયામાં સાહિત્ય અને પત્રકારત્વ’ એ વિષય પર વિચારો વ્યક્ત કરવા અને જૂથ ચર્ચા માટે સૂરત મહાનગરપાલિકા આયોજીત ‘૧૫મો સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો ૨૦૧૬’માં મને આમંત્રણ મળ્યું હતું. જેમાં ‘સાહિત્યનો ચોતરો’ અંતર્ગત મારી સાથે આ ક્ષેત્રના – વિષયના અનુભવી અને વિષય વિદ્વાનો, નવગુજરાત સમયના એડિટર શ્રી અજય ઉમટ, દિવ્યભાસ્કરના મેગેઝીન એડિટર શ્રી કૃષ્ણકાંત ઉનડકટ, ચિત્રલેખાના શ્રી જ્વલંત છાયા અને કવિમિત્ર ડૉ. વિવેક ટેલર પેનલમાં હતા. કાર્યક્રમનું સંચાલન કવિમિત્ર શ્રી ગૌરાંગ ઠાકરનું હતું.
શરૂઆત મારા વક્તવ્યથી થઈ. મેં કહ્યું, ‘સાહિત્ય અને સોશિઅલ મીડિયાની નિસ્બતની વાત મારે શરૂ કરવી હોય તો મને યાદ આવે જ્યોર્જ બર્નાડ શૉનું વિધાન, તેમણે કહેલું, ‘The single biggest problem in communication is the illusion that it has taken place.’ અને જો એ આજે જીવતા હોત તો આપણે તેમને કહી શક્યા હોત કે તમારા જમાનામાં તો ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ કે વોટ્સએપ, અરે ફોન સુદ્ધાં નહોતા, છતાંય જો તમને કમ્યુનિકેશન ભ્રમણા જેવું લાગ્યું હોય તો આજના આ સોશિઅલ મીડિયાના અનોખા જગતમાં તો એ વિધાન વધુ અસરકારક લાગે.
આજના વિશ્વમાં સૌથી વધુ ઝડપી હોય તો એ ફેસબુકની ટાઈમલાઈન છે, અહીં ઝડપ દર્શાવે છે કે રોજ ફેસબુક પર જોડાતા પાંચ લાખથી વધુ લોકો અને તમારા વધી રહેલા મિત્રો ટાઈમલાઈનને સતત ધમધમતી રાખે છે, એના લીધે થતી વૈચારીક અવગણનાને થમ્સ અપ સિન્ડ્રોમ કહે છે. તમે મોબાઈલ પર કોઈકની ફેસબુક અપડેટ જુઓ છો, કદાચ કોઈક પોસ્ટ ન ગમે… કદાચ તમને ગમશે એમ લાગે તો તેને લાઈક કરો છો, ગમે તો તેના પર કમેન્ટ કરો છો અને ખૂબ જ ગમે તો તેને શેર પણ કરો છો. તો પણ… આખરે તો તમારો અંગૂઠો મોબાઈલના સ્ક્રીન પર ઉપર ગતિ કરે છે અને થમ્સ અપ થાય ત્યારે એ પોસ્ટ ઈતિહાસ બની જાય છે અને નવી પોસ્ટ આવે છે. દર સેકન્ડે ફેસબુક કે ટ્વિટર પર ઠલવાતા અસંખ્ય નવા વપરાશકારો અને નવી પ્રોફાઈલ્સ પણ તે છતાં સાહિત્યના નામે અહીં જે લખાય છે એ બધુંય સાહિત્ય નથી.
ટ્વિટરની ૧૪૦ શબ્દોની સંકુચિત જગ્યામાં કે ફેસબુક પર બને એટલું નાનું સ્ટેટસ અપડેટ મૂકવાની લ્હાયમાં આપણી અભિવ્યક્તિ મિનિમલિસ્ટીક (ન્યૂનતમવાદી) થઈ રહી છે, અથવા કહો કે સંકોચાઈ રહી છે. અને આપણું સાહિત્ય પણ આ ઝડપની સાથે ગતિ કરવા લાગે છે, અને એથી સર્જાય છે ખૂબ સંકોચાઈને, નાનકડી જગ્યામાં અભિવ્યક્ત થવા ફાંફા મારતું સાહિત્ય. ટ્વિટર પર આવતા સાહિત્યને હવે ટ્વિટરેચર કહેવાય છે, ટ્વિટરનું લિટરેચર. નિકોલસ બેલાર્ડ્સે ટ્વિટર દ્વારા નવલકથા લખી, ૯૦૦ ટ્વિટ્સની નવલકથા, જે તેણે ૨૦૦૮થી ૨૦૧૦ સુધી ટ્વિટ કરેલા. આ રીતે લખાયેલી નવલકથાને તમે સાહિત્ય ગણો, ગતકડું ગણો કે પ્રસિદ્ધિની આગવી રીત, પણ એ પ્રસિદ્ધ થઈ એ તેની હકીકત છે. અગ્રગણ્ય બ્લોગ્સે ને મીડિયાએ તેની નોંધ લીધી, પરિણામ.. હવે એ ભાઈ બીજી નવલકથા લખવા જઈ રહ્યા છે.
મારા મતે પત્રકારત્વ માટે સોશિઅલ મીડિયા ખૂબ સરળ એટલે છે કે તેમણે ફક્ત ઘટનાની એક માત્ર ઝલક સોશિઅલ મીડિયા પર આપવાની છે અને પોતાની લિંક આપવાની છે, જ્યાં ક્લિક કરીને વાચક તેમની વેબસાઈટ પર જશે અને એ સમાચાર વાંચશે. સાહિત્ય માટે આવું થાય ખરું? સુવિચારો ધરાવતા એક લેખને મેં શીર્ષક આપ્યું ‘સુવિચારો – સંકલિત’ તો ટ્વિટર કે ફેસબુક પર કોણ એના પર ક્લિક કરીને એ વાંચવા જશે? એના બદલે જો હું લખું ‘જીવન જીવવાના મહામંત્રો‘ તો થોડાઘણાં પણ તેના પર ક્લિક કરશે, આમ પ્રસ્તુતિ અને વાચકનું એ પ્રત્યેનું ખેંચાણ સોશિઅલ મીડિયામાં સફળ થવાની જરૂરી ચાવી બની રહે છે.
ટ્વિટર પર માઈક્રોલિટરેચર જેમ કે માઈક્રોપોઇમ કે માઈક્રોફિક્શન ખૂબ પ્રસિદ્ધ છે. ટ્વિટર પર આ પ્રકારના સાહિત્યને લગતા હેશટૅગ જેવા કે #Sixwords #Micropoem #poetweet ખૂબ ટ્રેન્ડ કરતા રહે છે. અને એ દર્શાવે છે કે આજની પેઢીને આ પ્રકારનું માઈક્રો સાહિત્ય ખૂબ પસંદ પણ આવે છે, પણ આ પ્રકારનું સાહિત્ય આજની જ પેદાશ નથી.
આજથી સદીઓ પહેલા, ટ્વિટર નહોતું ત્યારે અર્નેસ્ટ હેમિંગ્વેએ લખેલી છ શબ્દોની વાર્તા પોતાનામાં સંપૂર્ણ છે.
‘For sale, baby shoes, never worn.’
કે પછી વિશ્વની સૌથી નાની હોરર વાર્તા જે ફ્રેડ્રીક બ્રાઊને ૧૯૪૮માં લખેલી,
‘The last man on earth sat alone in a room, there was a knock on the door.’
આ સાહિત્ય લખાયું ત્યારે સોશિઅલ મીડિયા નહોતું. છતાંય આ કૃતિઓ પોતાનામાં સંપૂર્ણ છે, તમે તેની આસપાસ ધારો તે પાર્શ્વભૂમિકા રચી શકો છો, એ માણસ એકલો કેમ હતો? પૃથ્વી પર એવું શું થયું કે બધાં મૃત્યુ પામ્યા? તેના દરવાજે ટકોરા કોણે કર્યા? પણ એ પ્રશ્નો અને તેના જવાબોની જરૂરત વગર પણ આ સાહિત્યની કેટલીક નોંધપાત્ર વાર્તાઓ છે એટલે સાહિત્ય મિનિમલિસ્ટીક થયું એનો સઘળો દોષ સોશિઅલ મીડિયાને તો ન જ આપી શકીએ.
માઈક્રોપોઇમ ટ્વિટર, ફેસબુક અને વોટ્સએપ પર ખૂબ ધૂમ મચાવે છે કારણ કે બધાંને કવિ થવું છે, પણ એ ક્ષેત્રમાંય સરસ સર્જનો થાય છે. જેમ કે માઈક્રોપોએટ્રી.કોમ પરની ૯૯ કેરેક્ટર્સની આ માઈક્રોપોઇમ A Concert in my headphones જે કંઈક આમ છે,
Close your eyes
listen
you are in the room
with every musician
each note
a little
immortality.
કે એ જ પ્રકારની ૧૦૯ કેરેક્ટર્સની નાનકડી કવિતા Missing
A piece of the sky is missing
the ceiling has a crack
the sun escaped out through it
the darkness creeping in..
આપણી ભાષાની સરખામણી જો અંગ્રેજી સાથે કરીએ તો આપણે હજુ સોશિઅલ મીડિયામાં ઘણું કરવાનું છે. ફેસબુક કે વોટ્સએપ પર ફરતી આપણી કેટલીય કવિતાઓ કવિના નામ વગર જોવા મળે છે, કેટલીય કવિતાઓ મૂળ કવિને બદલે કોઈક બીજાને નામે ચડેલી પણ દેખાય છે. અને એ રચના માટેની શિસ્ત કે પદ્ધતિ શીખવાનો સમય નથી. એટલે આવા માધ્યમોનું સાહિત્ય ગણતરીમાં લેવાતું નથી. જો કે એવું પણ નથી કે ચિત્ર સાવ નિરાશાજનક છે, કારણ કે ફેસબુકના એક ગૃપ ‘ગઝલ તો હું લખું..’ ના અગિયાર કવિમિત્રોએ ભેગા થઈને ભાષાને ‘લઈને અગિયારમી દિશા’ નામનો સરસ ગઝલસંગ્રહ આપ્યો, અને પ્રસ્થાપિત ગઝલકારોએ તેમને મદદ કરી છે, પ્રોત્સાહન આપ્યું છે એમ તેમનું કહેવું છે. એટલે જો ઈચ્છા હોય તો આ માધ્યમ ખૂબ જ અસરકારક પરિણામો પણ આપી શકે છે.
અક્ષરનાદના માધ્યમથી અમે પણ માઈક્રોફિક્શનને પ્રોત્સાહન આપ્યું છે, એક પ્રયત્ન એવો પણ કર્યો હતો જેમાં વાચકોને છ શબ્દની વાર્તા લખવાનું ઈજન અપાયું હતું અને લગભગ ૯૦ જેટલા પ્રતિભાવોમાંથી કેટલીય સરસ વાર્તાઓ મળી, એમાંની ત્રણ વાર્તાઓ કહીને હું મારા વક્તવ્યને વિરામ આપીશ.
પહેલી વાર્તા છે – બાળકી ખોવાઈ ગઈ, માંના પેટમાં જ
બીજી વાર્તા – દહેજ નહીં લઈએ, રિવાજ પૂરા કરજો
અને ત્રીજી વાર્તા – વ્યવસાયિક અંતરાલ બાદ, મોક્ષ પર પ્રવચન..
* * *
મારા પછી શ્રી જ્વલંત છાયાનું વક્તવ્ય હતું, તેમણે સોશિઅલ મીડિયામાં પત્રકારત્વ વિષય પર વાત કરી. શ્રી અજય ઉમટ, શ્રી વિવેક ટેલર અને શ્રી કૃષ્ણકાંત ઉનડકટના વક્તવ્યો પણ મુદ્દાસરના અને પત્રકારત્વ તથા સાહિત્ય વિશેની આગવી અનુભવવાણી આધારિત હતા જેમાં સોશિયલ મીડિયા વિશેની અનેક ઘટનાઓ ઉદાહરણ સાથે પ્રસ્તુત થઈ. એ સઘળા વક્તવ્યો પણ પ્રસ્તુત કરીશું.
સુપ્રસિદ્ધ લેખિકા વર્ષાબેન અડાલજા, સુરત ‘દિવ્ય ભાસ્કર’ના એડિટર પ્રણવ ગોળવેલકર, કવિ હિતેન આણંદપરા, કવયિત્રી એશા દાદાવાલા, મિત્ર પ્રશાંત સોમાણી અને બીજા અનેક મિત્રો જ્યાં ઉપસ્થિત હતા એ સૂરતની સાંજ સાથેની એ ક્ષણો યાદગાર રહી.
very much true jignesh bhai..
મન ને ગમ્યુ…..
mind it well that even on aksharnad the same style MICROFICTION story started since long….it is just like shree Nikolas belard….
good approaches….
અહા.. ખરેખર ખુબ સારુ આયોજન અને ઘણુ સારુ પ્રવચન. અન્ય વ્યક્તા ઓ ના પ્રવચન પણ બની શકે તો પ્રસિધ્ધ કરશો.
twitter, facebook, whatsapp ને કારણે સકારાત્મક અને નકારાત્મક બન્ને કાર્યો થયા છે. હવે એ વ્યક્તી પર નિર્ભર રહેશે કે આગળ જતા social media નો લાભ કઇ રિતે ઉઠાવશે. હા, અને જે તમારા વક્ત્વ્યના પ્રથમ ફકરા મા જણાવ્યુ એ પ્રમાણે social media મા ઘણુ બધુ ઠલવાતુ રહે છે. એમા થી આપણે નક્કી કરવુ પડશે કે વ્યક્તીગત રિતે આપણા દિમાગ ને શુ ઉપયોગી છે બાકી media garbage તો ઠલવાતો રહેવાનો પણા તેમા થી હિરા વિણવા એ આપણુ કામ. ફરી એક વાર શુભેચ્છા.
જીજ્ઞેશભાઈ,
આપનું પ્રવચન એક્દમ મુદ્દાસરનું અને બૌધ્ધિક રહ્યું. મારે એક વાત કરવી છે — લાઘવની.
તો, જ્યારે ટ્વિટર,ફેસબુક,વોટ્સપ … વગેરે નહોતાં, ત્યારે પણ વાચક હંમેશાં ” લાઘવ ” નો પ્રશંસક રહ્યો છે, … અનાદિ કાળથી ! જુઓને, સંસ્કૃતના શ્લોકો, મુક્તકો, મંત્રો, છપ્પા, પાંચીકડાં,દોહા, … વગેરે બધાં જ લાઘવ સ્વરૂપોમાં કેટલું બધું જ્ઞાન ઠાંસી ઠાંસીને ભર્યું છે ? અને તેવાં સાહિત્ય સ્વરૂપો સૌને ગમે જ છે ને ? … આથી, નવલકથામાંથી નવલિકા, નવલિકામાંથી લઘુકથા, લઘુકથામાંથી માઈકોફ્રિક્શન … થાય તો ખરેખર તો હરખાવા જેવું છે ને ?
વળી, આજે જ્યારે સમયનો અભાવ સૌને છે, ત્યારે આવું લાઘવ સ્વરૂપ સૌને ગમે છે બલ્કે સૌ આવકારે છે. એક મહાકાવ્ય, ખંડકાવ્ય કે કવિતા જે ન કહી શકે, તે એક મુક્તક કે પંચલાઈન કહી દેતાં હોય છે, તો પછી નિરર્થક લંબાણ શા માટે ?
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}