ગતાંકથી આગળ…
બોબ ગયો એ પછી, અને વરસાદ શરૂ થયો એ પહેલાં, ડૉ. વિંટન મને મળવા આવ્યા. બહાર લોન પર અમે અમે ટહેલતા હતા.
ટોમસ અને મારા માટે દરિયાકિનારે મેં એક તરણકુંડ બનાવ્યો હતો. કુંડના તળિયેથી ધારવાળા કાંકરા અને કરડે એવી વનસ્પતિ તો કાઢી નાખી હતી, પણ ક્યારેક-ક્યારેક શાર્ક કિનારા સુધી આવી ચડતી હોવાથી, એ સંપૂર્ણ સુરક્ષિત લાગતો ન હતો. શાર્કને રોકવા માટે આડે એક જાળી તો બાંધી દીધી જ હતી, પણ ઊછળતાં મોજાંને કારણે એ ખસી ગઈ હતી, ફરીથી બાંધવી પડે એમ હતી. આ દિવસોમાં આખા ટાપુ પર ગરમી, એક ચાદરની માફક છવાઈ જતી હતી. સામે પાણીમાંથી ટોમસનું માથું દડાની માફક ઉપર-નીચે થતું હું જોઈ શકતો હતો. અખાતની અંદરના આ ભાગમાં ધીમે-ધીમે વહી રહેલા વાયરાની કોઈ જ અસર વરતાતી ન હતી. કિનારાનું પાણી એકદમ શાંત થઈને પડ્યું હતું. બોગનવેલમાંથી આવતા તીડના તીણા અવાજમાં અમારો અવાજ સાવ દબાઈ જતો હતો. તીડનો અવાજ ઊંચા સ્વરે સતત આવતો હતો. હુમલો કરવાની ક્ષણ સુધી અવાજ કરીને તીડ આપણા મગજની નસોને તંગ કરી મૂકે! અને પછી એ અવાજ જેટલી જ તંગ કરી મૂકે એવી સ્મશાનવત્ શાંતિ છવાઈ જાય! પાછી ગરોળી કર્કશ અવાજે એ શાંતિનો ભંગ કરે, અને ફરી પાછાં પેલાં તીડ મંડી પડે!
“આ શેતાન જેવા તીડ,” શરબતનો ગ્લાસ ઉઠાવતાં વિંટને કહ્યું. અહીંના કાયદાનું હું જાતે તો પાલન કરતો હતો, પણ છતાંયે, મહેમાનગતિ નિભાવવા માટે છાંયામાં શરબતની વ્યવસ્થા મેં કરી રાખી હતી. મહેમાનો પોતાનો કપ લઈને આવતા, અને પોતાની જાતે જ શરબત કાઢીને લઈ લેતા.
“એ તો શેતાન જેવા છે જ,” એમની વાતનો સ્વીકાર કરતાં મેં કહ્યું. “પણ એમના કરતા પણ મોટા શેતાન અહીં વસે છે, એનું શું! નવરાશની આ પળોની હું વાત કરું છું! જુઓ, આપણે બંને જાણીએ છીએ કે, હું અહીં આવ્યો એના કરતાં મારી તબીયત બગડી નથી, તો કોઈ પ્રકારે સુધારો પણ નથી મારામાં.”
“હા, હું જાણું છું, પણ તારે હિંમત ન હારવી જોઈએ, નેડ! અમને બધાને આશા છે કે આ ઇન્જેકશન ખરેખર આશ્ચર્યજનક અસર કરવાના છે.”
“આમાં મુશ્કેલી એ વાતની છે, વિંટન, કે આ રાહ જોવાની રમત છે, અને એક ખૂબ લાંબા સમયથી હું આ રમત રમી રહ્યો છું. મારું આ ઘર પણ મેં બાંધી લીધું છે. હવે કોઈ કામ બાકી નથી રહ્યું! નવરાશની આ પળોનો સામનો કરવાનો મને બહુ ડર લાગે છે. બસ, સવારથી રાત સુધી બેઠા રહીને મારી જાતને ભાંગી પડતી જોયા કરવી, એ જ કામ કરવાનું હોય મારે, તો ખેર, મને લાગે છે કે, મારાથી એ કામ નહીં થઈ શકે.”
બોલતાં-બોલતાં હું રોકાઈ ગયો. મહિનાઓથી મને તંગ કરી રહેલા વિચારોને આજે પહેલી વખત હું વાચા આપી રહ્યો હતો. જે આવેશમાં આવીને, ઉત્કટતાથી હું વાત કરી રહ્યો હતો એનાથી હું પોતે જ બહુ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
“હું સમજી શકું છું, પણ આવી જગ્યાએ કંઈ કામકાજની વ્યવસ્થા કરવી એ અઘરું કાર્ય છે, નેડ!”
“પણ સાવ એવું તો ન હોવું જોઈએ. કોઈક કામ તો શોધી કાઢવું જોઈએ એમના માટે.”
“પણ એમ ઘેર-ઘેર જઈને, બસ રક્તપિત્ત હોય એટલે બાપ કે દિકરાને પકડી લાવીએ અને બળજબરીપૂર્વક કામે જોતરી દઈએ એ પણ અશક્ય જ છેને! એવું શું તું કરી શકે? અને હા, એમાંના કેટલાક તો કામ કરી શકે એટલા સ્વસ્થ પણ નથી હોતા!”
“ચાલો માની લઈએ કે એવું ન કરી શકાય. પણ એક ડૉક્ટર હોવાને નાતે તમને શું લાગે છે? થોડું અમથું કામ કરી લેવાથી તમારા દરદીઓને નુકસાન થશે કે પછી ફાયદો?”
“એનો જવાબ તને ખબર છે જ, નેડ! દરદી જો રાજીખુશીથી કામ કરે તો એને ફાયદો થાય જ! હા, એની શક્તિથી વધારે કામ એ ન કરે એ પણ જોવું રહ્યું.”
“જુઓ, ડૉક્ટર. અહીં પાંત્રીસસોથી વધારે લોકો અહીં છે. એમાંના કેટલાયે લોકો જીવનના અંત સુધી પોતાને ઘેર પાછા ફરી શકવાના નથી! પોતાની દુનિયા એમણે અહીં જ શોધી લેવાની છે!”
“થોડા લોકોને કામ આપી શકાય એમ છે અહીં, નેડ! થોડીક દુકાનો ચાલી જ રહી છે. થોડા લોકોને શિક્ષકનું કામ પણ અપાય છે. પણ તારી વાત સાચી છે. આ બધું કોઈ ચોક્કસ યોજનાપૂર્વક નથી થઈ રહ્યું.”
“મારી આ જગ્યાનો જ દાખલો લઈએ, વિંટન! ઘરના કામમાં, પહેલેથી છેલ્લે સુધી મેં ઘણા લોકોની મદદ લીધી છે. લોકો સાથે મેં આ બાબતે વાત પણ કરી છે, અને બધા કંઈક કરવા માગે છે! છેવટે બધાએ એમ કહ્યું તો છે જ! હું માનું છું કે એ બધાને હું પૂરતું કામ આપી નહોતો શક્યો અને એમની કમાણી પણ બહુ ઓછી હતી.”
“એ જ વાત છેને! તમે કહ્યું એમ ક્યારેક-ક્યારેક કામ હોય છે પણ ખરું. પણ આખું વર્ષ એ લોકોને કયું કામ આપી શકાય? તમે કોઈ એકાદ કામનું નામ તો પાડો!”
“જુઓ, અહીં માછલી પૂરી પાડવા માટે તમે બહારની કંપનીને કામ સોંપ્યું છે. માછલી તો અહીં આ દરિયામાં જ છેને! તમારા કેટલાયે દરદીઓ મૂળે માછીમાર છે, અને બીજા કેટલાય એ કામ શીખી શકે એમ છે. તમે એમને એક તક શા માટે નથી આપતા?”
“જો નેડ, એક રીતે એ અશક્ય છે. લગભગ ચાર હજાર લોકોનું પેટ ભરવા કેટલી માછલી જોઈએ એનો તને અંદાજ નથી. અહીંના રહેવાસીઓ પાસે પૂરતા સાધનો પણ નથી. અને સાધનો હોય તો પણ એમના પર આધાર ન રાખી શકાય. એ લોકો કરી જ ન શકે આ બધું!”
“તમારી વાત સાચી છે. જેમના પર આધાર ન રાખી શકાય એવા ઘણા લોકો છે. લોકોની જરૂરિયાત તમે બેઠા-બેઠા પૂરી પાડતા હોય, ત્યારે આખો દિવસ નવરા બેસી રહેનાર ઘણા મળી આવશે. અહીં જ નહીં, દુનિયામાં બધે આમ જ હોય છે. પણ મેં કહ્યું એમ, એવા પણ કેટલાયે લોકો છે, જેમને કામ કરવું છે. હા, સફળતાપૂર્વક કામ કરવું હોય તો આયોજન કરવું જરૂરી છે. પણ એ તો થઈ શકે! પૂરતી આકર્ષક યોજના બનાવીએ તો અત્યારે જે લોકો આળસ કરતા હશે એ પણ જરૂર નવું કંઈક શોધી કાઢશે! હું સ્વીકારું છું કે એકદમ આવતીકાલથી જ એ લોકો ચાર હજાર માણસોની માછલી પૂરી ન પાડી શકે. પણ એનો એક ભાગ તો જરૂર પૂરો પાડી શકે. અહીં લાવીને એ માણસોને તમે આળસુ કરી મૂક્યા છે. આ જગ્યા જેટલી પણ સુંદર દેખાય છે એ એમને જ તો આભારી છે, એ તો આપણે જોઈ જ શકીએ છીએ! ઇશ્વર જાણે છે, કે એમને બદલામાં શું મળે છે! એમની દુકાનો જ એ કહી આપે છે. એમની સ્ત્રીઓએ ધોયેલાં કપડાંની સ્વચ્છતા પોતે પણ એમની મહેનતની સાહેદી પૂરે છે. પણ બહારની દુનિયાના દરવાજા એમના માટે સદંતર બંધ છે. અને એમાં એમની દુકાનો પણ બંધ કરાવીને તમે પેલા સાજા લોકોને હવાલે કરી દો છો. મારા મતે તો આ ખોટું જ છે.”
મોમાંની પાઈપને હાથમાં પકડતાં એમણે મારી વાત પકડી લીધી. “મને એ કહે, કે તારે શું જોઈએ છે?”
મારો શ્વાસ અટકી ગયો. હું શું ઇચ્છતો હતો? ક્યારેય જાહેરમાં આ બાબતે હું બોલ્યો ન હોવા છતાં, અંદરથી તો હું જાણતો જ હતો કે મારે શું જોઈએ છે!
“તાજી માછલીઓનો એક નાનકડો જથ્થો પૂરો પાડવાનો કોન્ટ્રેક્ટ મારે જોઈએ છે. બહારના લોકોને તમે જે આપતા હોય એ મને ચૂકવજો. હું માણસો ભેગા કરી લઈશ. અહીં કામ કરવા માગતા માણસોને હું બરાબર ઓળખું છું.”
“આમ કરવા જતાં આપણે પૂર્વગ્રહોનો સામનો કરવો પડશે. રક્તપિત્તના દરદીઓએ કામ ન કરવું જોઈએ એવું માનનારા અહીં ઘણા છે. વળી, એક ડૉક્ટર તરીકે, એ લોકો અશક્ત થયા વગર આ કામ કરી શકશે, એવું નક્કી કરવાની જવાબદારી મારી બનશે.”
“ફાધર મેરિલો અને મિ. હડસન જેવા લોકો આપણને આ બાબતે મદદ કરી શકશે.” હસતાં-હસતાં મેં કહ્યું. “મારે ઘેર એ લોકો કામ કરતા હતા ત્યારે મેં એમની સાથે વાત કરી છે. ભલે આવા કામ માટે નહીં! એ સમયે મારા મનમાં આવો કોઈ વિચાર પણ ન હતો. પણ કામ કરવા બાબતે સામાન્ય વિચાર એ સમયે મને આવેલો.”
“એ શક્ય બની શકે. પણ માની લે કે હું તને આવો કોન્ટ્રેક્ટ આપું, અને તેં કામમાં રોકેલા દરદી પર એની કોઈ અવળી અસર થાય. તો હું ફસાઈ જાઉં. આ ટાપુઓ પર આપણે અમેરિકનોએ ફૂંકી-ફૂંકીને પીવું પડે છે. રાજકારણીઓ પોતે તો આ ટાપુના સો માઇલના વિસ્તારમાં ક્યાંય ફરકશે નહીં, પણ શું કરી શકાય એની એમને ખબર હોય છે. અને તમારી વાત કરીએ તો, એક મેનેજર તરીકે તમને તો પગાર મળશે. કહેવાશે એવું કે એક હોશિયાર અમેરિકને પોતાના સાથીઓનું શોષણ કર્યું. હું પોતે પણ ઇચ્છું છું, કે આવું કંઈક કરી શકાય. પણ મને સમજાતું નથી કે આ કઈ રીતે પાર પડી શકે!”
“આમાં મને પૈસા આપવાની કોઈ વાત જ નથી. મને તો મારું પેન્શન મળે જ છે, અને મારે રહેવા માટે આ ઘર છે. મારે કોઈ ખાસ ખર્ચ પણ નથી. ચાલો, તમે મને કંઈ જ ન આપતા, બસ! તમારા રાજકારણીઓ કંઈ ગરબડ કરે તો એનાથી એમનું મોં બંધ થઈ જશે. આપણે એક સહકારી મંડળી બનાવીને નફો વહેંચી લઈશું. હું પણ બીજાની જેમ જ કામ કરીશ. મારા માટે પૈસાનું કોઈ મહત્વ નથી.” થોડી વાર એ ગૂંચવાતા રહ્યા. હળવો પવન શરૂ થયો હતો. તાડીનાં પાન આમતેમ નિરાંતે ડોલી રહ્યા હતા. તીડનો ઝીણો કર્કશ અવાજ બંધ થઈ ગયો હતો.
“લાગે છે કે ચોમાસાની શરૂઆત વહેલી થઈ જશે.” વિંટન ઊભા થયા. ડાબી હથેળી સાથે ચુંગીને અથડાવીને રાખ ખાલી કરીને ઝાંપા તરફ ચાલતા થયા. ઝાંપે ઊભા રહીને મારી સામે ભારેખમ નજરે જોતાં બોલ્યા. “માછીમારીની તારી વાત પર હું વિચાર કરવાનો છું, નેડ. ચાલ આવજે.”
રસ્તા પર દૂર સુધી એમને જતાં હું જોઈ રહ્યો. એમની અંદરના ડોક્ટરને મેં આજે પાછળ રાખી દીધા હતા. આ પરિસ્થિતિને એ એક માનવીય દૃષ્ટિકોણથી જોઈ રહ્યા હતા.
(ક્રમશઃ)
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે તથા આ પહેલાના પ્રસિદ્ધ થયેલ ભાગ અહીં ક્લિક કરીને વાચી શકાય છે.