વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૨} 2


ગતાંકથી આગળ…

A Novel By Pinki Dalal

A Novel By Pinki Dalal

‘અમારો પ્રોગ્રામ હતો ચાર દિવસનો, થયું હતું કે મામલો કોમ્પલીકેટેડ હોય તો એક અઠવાડિયું વધુ… જરૂર પડે બધું વાઈન્ડ અપ કરીને તને લઈને ઘરભેગાં થઇ જઈશું, પણ જો ને નિયતિએ પણ શું નિર્માણ કરીને રાખ્યું હશે કે જોતજોતામાં દસ દિવસ ક્યાં નીકળી ગયા ખબર પણ પડી?’ માધવીએ એક સંતોષનો શ્વાસ લીધો. રોમા અને મીરોને જોઇને અચાનક જ આનંદનું એક પીંછું મનને પસવારી જતું હતું. ધારણા તો રાખી હતી કે ન જાણે રોમાને કેમ સંભાળવી પડશે, મન મજબૂત રાખીને ન જાણે કેવા નિર્ણય લેવા પડશે ને જરૂર પડી તો રોમાનો અભ્યાસ પડતો મૂકાવીને સાથે લઈને આવવી પડશે, પણ એવું તો કશું થયું નહીં બલકે જીંદગીમાં પોતે જે કંઈ હાંસલ ન કરી શકે એ તો નિયતિએ સામે ચાલીને રોમાની ઝોળીમાં નાખી દીધું હતું, એ પણ વિના માંગે, વિના કશું કહે… આ નસીબ નહીં તો શું?

માધવીના પ્રસન્ન ચહેરા પર ફરી એક હળવું સ્મિત છવાયું. પેરીસ જતાં પહેલા તો રોમા માટે ચિંતા કરીને લગભગ બીમાર જેવી થઇ ચૂકી હતી. તમામ ચિંતા ને મૂંઝવણ આમ સહજ રીતે ઉકલી જશે એવી તો કલ્પના સ્વપ્ને નહોતી રાખી ને! ને એની સાબિતી આપી રહ્યો હતો ચહેરો. કરમાયેલા ચહેરા પર નહીવત દિવસમાં લાલી છવાઈ ગઈ હતી. એનું મૂળ કારણ તો મીરો જ હતો. વિદેશી હોવાને નાતે એને ગમે તેવા સર્ટિફિકેટ આપી દેતી દેશી માનસિકતા માટે પણ હવે રહી રહીને શરમ ઉપજી રહી હતી. પોતાના પ્રેમ માટે જવાબદારી ને નિષ્ઠા તો કોઈ એની પાસે શીખે. ને એની સામે સંસ્કારનું પ્રતિનિધિત્વ કરતી સંસ્કૃતિનો એક રાજ… એના નામ સાથે જ માધવીના ચહેરા પરનું સ્મિત અલોપ થઇ ગયું. એ તો સારું હતું કે સામે બેઠેલી બંને દીકરીઓનું ધ્યાન નહોતું, એ તો પોતાની વાતોમાં મશગૂલ હતી.

જેમ જેમ જવાની ઘડી નજીક આવી રહી હતી એમ માધવી રોમાથી ઘડીભર છૂટી પાડવા માંગતી હોય તેમ વાતોની સંદૂક ખોલીને બેઠી હતી. વચ્ચે વચ્ચે રોમા કિચનમાં જઈ સહુ માટે કોફી બનાવી લઇ આવતી રહી. એક અજબ પ્રકારનું અનુસંધાન સધાઈ રહ્યું હતું મા ને બંને દીકરીઓ વચ્ચે. જિંદગીએ એક કેવી નાજુક ક્ષણે આ સંયોગ રચી આપ્યો હતો.

જવા પહેલાનું કાઉન્ટડાઉન શરુ થયું હોય તેમ લગેજ પેક થઇ ચૂક્યો હતો પણ મા દીકરીઓની વાતો ખૂટી નહોતી રહી. પેરિસની એ સાંજ, ગરમાગરમ મોકા કોફીમાં તરી રહેલી તજની ખુશ્બુ ને જૂની યાદોના સંભારણાથી તરબતર હવા… બંને દીકરીઓના જીવનમાં બની રહેલી નવી ઘટનાઓ જે કાલે એક મૂલ્યવાન સંભારણું બની રહેવાની હતી એવી વાતો. જો કોઈ ગેરહાજરી વર્તાતી હોય તો તે હતી આરતી માસીની.

ક્યાંક દીકરીઓ પોતાના પિતાનું નામ ન પૂછી લે એવા ડરથી હમેશ દીકરીઓ સાથે એક સલામત અંતર બનાવીને ભાગતી રહેલી માધવીને પહેલીવાર બંને દીકરીઓમાં સમજદાર બુદ્ધિમાન જાજરમાન યુવતીઓ દેખાઈ રહી હતી, એવું સ્વરૂપ જે પોતે ક્યારેય જોયું નહોતું. દીકરીઓએ પોતાની મા સાથે આવો સમય ગાળ્યો હોય એવું પહેલીવાર બની રહ્યું હતું.

‘રોમા, સાચું કહું ને તો મનમાં ઉંડે ઉંડે ફડક હતી કે તું ગમે તે કહે પણ જયારે જવાબદારી લેવાની વાત આવશે ને ત્યારે આ મીરો ખરું પોત બતાડશે!’ માધવીએ રોમાની સામે નિખાલસ કબૂલાત કરી લીધી પછી મન થોડી હળવાશ અનુભવી રહ્યું હતું. મીરો કોઈ એવો નામી આર્ટીસ્ટ નહોતો જેના નામથી ટંકશાળ પડે છતાં માથે આવી પડેલી જવાબદારીમાંથી ડગલું હટ્યો નહોતો એ વાત માધવીને પ્રભાવિત કરી ગઈ હતી.

જવાબમાં રોમા મીઠ્ઠું હસી : ‘એ તો બરાબર જ છે ને મમ, આટલે દૂર રહીને તમે મીરો કોણ હશે ને કેવો હશે એ તો ક્યાંથી કલ્પી શકો પણ એક વાત કહું? મને શું સ્પર્શી ગયું આ મીરોમાં?’ રોમાના ચહેરાની લાલી માધવી જોતી રહી ગઈ.

‘એ કોઈ જૂદી જ માટીનો બનેલો છે મમ, નથી એ કોઈ ધર્મમાં નથી માનતો, એથીસ્ટ કહીએ તે, નાસ્તિક છે, ન એના માબાપ કે કુટુંબ કોઈ ધર્મમાં માને છે, પણ એ માટે જવાબદાર છે તેનું દુનિયાના ધર્મ વિશેનું, સંસ્કૃતિ વિશેનું નોલેજ. કોઈ પણ ધર્મ વિશેની મીરોની વ્યાખ્યા સાંભળો તો આસ્થા ઉડી જાય આ તમામ વેપારી ધર્મોમાંથી. એ તો એક જ ધર્મમાં માને છે, જીવો ને જીવવા દો…’ રોમા કહેતી જતી મીરો વિષે અને માધવીના મનના ખૂણે ક્યાંક ક્યાંક ડોકાઈ રહ્યા હતા પોતાના અતીતના પ્રકરણો… ને એ સાથે સાથે રાજા.

‘મમ, તમે નહીં માનો પણ મેં જયારે પ્રેગનન્સીની વાત કરી ત્યારે એનો પ્રતિભાવ એ જ હતો જે મેં ધાર્યો હતો… મીરો એ વિષે બિલકુલ સ્પષ્ટ હતો.’

‘એક દિવસ તો ફેમિલી પ્લાન કરતે જ ને, જરા વહેલું થઇ ગયું પણ એમાં પણ કૈંક સારું જ હોવાનું…’

‘કોઈ ધર્મમાં ન માનનાર આ કહેવાતા નાસ્તિક માણસનો ધર્મ છે કોઈને દુ:ખ કે હાનિ ન પહોંચાડવાનો. જે વ્યક્તિ કોઈ વનસ્પતિ કે પશુ પંખીને હાનિ ન પહોંચાડી શકે તો એ જેને એ દિલોજાનથી ચાહતો હોય તેના દુઃખનું કારણ બની શકે ખરો?’ રોમાના ચહેરા પર એક સ્મિત રમી રહ્યું હતું, એ આત્મવિશ્વાસનું હતું, પ્રેમમાં રોપેલા વિશ્વાસનું હતું કે પછી જિંદગીએ સુખથી ભરી દીધેલી ઝોળીની માલિકીનું હતું માધવીને રિયા સમજી ન શક્યા.

‘પણ મમ, તમે થોડું લાંબુ રોકાણ કરીને આવ્યા હોત તો મને ઘણું સારું લાગતે..’ રોમાએ અભિભૂત થઈને માધવીની હથેળી લઇ ગાલ પર લગાવી ચૂમી લીધી.

માધવી પણ ભાવવિભોર થઇ. રોમાના વાળ હળવે હળવે પસવારી રહી હતી.

‘ના રોમા, બસ સંતોષ થઇ ગયો મારા મનને, તને ને મીરોને જોઇને, તને આમ ફૂલની જેમ જાળવે એવો છોકરો તો કદાચ હું પણ ન શોધી શકી હોત તમારા માટે… અને આજકાલ તો અરેન્જડ મેરેજ પણ એક્સપાયરી ડેટ સાથે જ થાય છે ને! જે થયું સારું જ થયું ને કાલે રિયા પણ પોતાનું શોધી કાઢશે જોજે ને!’

રોમા એકચિત્તે માધવીની વાત સાંભળી રહી હતી. વર્ષો પછી ભાગ્યે જ ખુશ રહેતી મમ્મી આટલાં દિવસો દરમિયાન ખુશખુશાલ રહી હતી એ જ કેવી નવાઈની વાત હતી.

‘તેં જોયું નહીં રોમા? મુંબઈ જવા રિયા ક્યારની ઉંચીનીચી થઇ રહી છે. મારી સામે તો ન બોલે પણ કદાચ તારી સાથે ખુલ્લા દિલે વાત કરતી હોય તો તને કહ્યું તો હશે જ ને!’

માધવીએ હળવેથી મમરો મૂક્યો, જો રોમાને કંઇક ખબર હશે તો એ બોલ્યા વિના નહીં રહે.

‘પણ, એ છે ક્યાં?’ રોમાની નજર રિયાને શોધી રહી હતી. એ ક્યારે ઉઠીને જતી રહી હતી તે ધ્યાનમાં ન આવ્યું.

‘એ ઉભી… ત્યાં બેડરૂમની વિન્ડો પાસે. એના ફોન જ ક્યાં પતે છે? છે અહીં પણ દિલ દિમાગ તો ઇન્ડિયા મૂકી ને આવી છે…’

‘હા એ તો લાગે જ છે…’ દબાયેલા અવાજે રોમાએ માની વાતમાં હા ભણી.

રોમાને ઘણીવાર લાગતું કે મમ્મી રિયા સાથે વધુ પડતી સખ્તાઈ કરી નાખે છે કદાચ એ જ કારણ છે રિયાને મમ વચ્ચે અંતર વધવાનું પણ આ વખતે એવી વાત નહોતી. હમેશા પોતાનામાં ગુમાયેલી રહેતી રિયા આ વખતે પણ પોતાનામાં જ મસ્ત હતી, કદાચ કંઇક જુદી રીતે. થોડી થોડીવારે હોઠ પર આવી જતું હળવું સ્મિત, આંખના ખૂણેથી છલકાઈ જતો મલકાટ કંઇક જૂદી જ વાત બયાન કરતા હતા. રિયાના મનમાં કોઈક આવીને બેસી ગયું છે એ વાત દેખીતી હતી, તો મમ્મીની નજરથી એ વાત છૂપી કઈ રીતે રહેવાની? રોમા કશુંક બોલવા ગઈ પણ રિયાને પોતાના તરફ આવતી જોઈ ને વાત બદલી નાખવી પડી.

‘આ શું રિયા? તું આવી છે મને મળવા પણ તારા તો ફોન જ નથી પતતા!’

‘ઓ હો, તને ખબર છે ને કે કેટલી મોટી વાત છે મારા માટે… પ્રીમિયરના આડે ગણતરીના દિવસો પણ બચ્યા નથી. હજી તો શું પહેરીશ એ પણ નક્કી નથી ને હું અહીં બેઠી છું…’ રિયાના ચહેરા પર ચિંતા ને મૂંઝવણ સાથે તરવરી રહ્યા : ‘મને હતું કે આ વખતે હું તને ખાસ ઇન્વાઈટ કરીશ. તું પહેલીવાર તો ન આવી શકી પણ આ વખતે તો હિન્દી ફિલ્મ છે ને પ્રીમિયર મુંબઈમાં છે…. પણ એની વે… આ વખતે નહીં તો પછી ક્યારેક…’

‘હા, એ પણ સાચું, બાકી આ વખતે મેં મમને કહેલું પણ ખરું કે મારે ઇન્ડિયા આવીને રિયાને સરપ્રાઈઝ આપવી છે… પણ જો ને મેં એ રીતે નહીં ને બીજી રીતે સરપ્રાઈઝ તો આપી જ કહેવાય ને!’ રોમા હસી રહી.

માધવીનું મન બંને દીકરીઓની વાતથી હરખાઈ રહ્યું હતું. એક સમયે બંને કેમ ઉછેરીશ એ ચિંતા થતી હતી ને આજે બંને પોતપોતાની મંઝિલ પર ચાલી નીકળી હતી, ને એ પણ કેવી રીતે…. સૌથી મોટા સરપ્રાઈઝ તો જિંદગી જ આપતી હોય છે ને!

માધવીના પ્રસન્ન ચિત્તમાં એક ક્ષણ માટે જૂની વાતો ફરી તાજી થઇ આવી જેને હડસેલો મારીને ફગાવી દેવી જરૂરી હતી.

વર્ષો પછી નસીબ જેવી ચીજ એની પર પ્રસન્નતાની વર્ષા કરી રહી હતી. એવી વિશ્રાંતિની પળ મળી હતી જ્યાં ન તો કોઈ ચિંતા હોય ન કોઈ તણાવ… માધવીએ એ જ ક્ષણે તમામ વિચારોને ખંખેરી નાખવા હોય તેમ માથું હળવેકથી ઘૂમાવી બીજી દિશામાં જોવા માંડ્યું : ક્યાંક આ ખુશી પોતાથી જ ન નજરાઈ જાય.

‘હવે ચિંતા કરવી છોડ રિયા, કાલે તો જવાનું જ છે ને! એક દિવસમાં શું ફર્ક પડી જાય છે?’ માધવીએ વાત પૂરી કરવાના અર્થથી કહ્યું પણ સાથે સાથે મુંબઈ આરતી માસીને જાણ કરવા ફોન હાથમાં લીધો.

‘અરે મધુ? સો વર્ષની થવાની, લો બોલો… તમને લોકોને જ યાદ કરતી હતી ને ત્યાં તારો આ કોલ આવ્યો… કેમ છે રોમા? બધું બરાબર હોય તો આવી જાવ. હવે જલ્દી આવો છો ને?’

માધવીને માસીના અવાજમાં રણકો થોડો અલગ લાગ્યો. એ જરા મલકી. : ‘કેમ આજે જ યાદ કર્યા? રોજ નહોતા કરતાં?’

‘ના ના એવું નથી મધુ. આજે તો વિશેષ રીતે યાદ કરતી હતી એમ કહું તો ચાલે. બે દિવસથી ઘરે કુસુમ આવી છે…’ માસી માધવીનો પ્રતિભાવ જાણવો હોય એમ ક્ષણ થોભ્યા.

‘કોણ?’ માધવીના અવાજમાં આશ્ચર્ય ભળ્યું હતું. એના મનમાં આશ્રમની કુસુમ તાજી થઇ આવી જેનું તો અસ્તિત્વ જ વિસરાઈ ચુક્યું હતું.

‘અરે આપણી કુસુમ, ભૂલી ગઈ એને? માસીના અવાજમાં હળવાશ હતી. : ‘અહીં ઘરે જ ઉતરી છે. એ મને આશ્રમ લઇ જવાની હઠ પકડીને બેઠી છે. એટલે જ તો પૂછ્યું કે ક્યારે આવવાનું નક્કી થયું છે!’

આરતી માસીની વાત સાંભળીને માધવીને હળવો આંચકો તો જરૂર લાગ્યો હતો. એને રોમા રિયા સામે નજર ફેંકી. બંને બહેનો તો પોતાની વાતોમાં મશગૂલ હતી, કદાચ એમને તો માસી સાથે શું વાત થઇ તે પણ ધ્યાનમાં લીધી હોય એમ ન લાગ્યું.

‘કાલની ફ્લાઈટ છે… માસી, પણ એ તો કહો કે આટલે વર્ષે તમારી યાદ કેમ આવી કુસુમને? અચાનક હવે ત્યાં તમારી શું જરૂર પડી ગઈ?’ માસી કુસુમ સાથે આશ્રમ જતાં રહે એ વાતે જ માધવીના પેટમાં ફાળ પાડી હતી.

‘મધુ ફોન પર ક્યાં આ બધું કહું તને! તું આવે જ છે ને? ત્યારે વાત…’

‘હા, એ પણ ખરું…’ માધવીએ સહમતી તો દર્શાવી પણ એનો અવાજ બોદો હતો. : ‘માસી, અમારી ફ્લાઈટ લેન્ડ થશે મધરાતે એટલે કે સાડા બાર એક ની આસપાસ. ને ફ્લાઈટ લેટ હોય તો એથી પણ વધુ મોડું પણ થઇ જાય, એટલે તમે મહેરબાની કરી ને ઊંઘ બગાડીને એરપોર્ટ રીસીવ કરવા ન આવતા, હા ડ્રાઈવરને સમયસર મોકલી દેજો.’

એ પછી રોમા અને મીરો વિષે થોડી ઔપચારિક વાતો પછી માધવીએ ફોન તો મૂક્યો પણ મનમાં ઉઠેલાં તરંગો શમવાનું નામ જ નહોતા લેતા.

એવું તો શું થઈ ગયું હશે કે કુસુમ હવે આટલા વર્ષે માસીને મળવા આવી? ને માસીએ તો કહ્યું એ સાથે લઇ જવા આવી છે! એટલે માસી પાછાં હમેશા માટે આશ્રમવાસી થઇ ગયા તો? એ વિચાર જ દિલમાં ચચરાટ જગાવતો હતો. શું માસીએ એ માટે હા પણ ભણી દીધી હશે? હું મુંબઈ પહોંચું એટલી રાહ પણ ન જોઈ ને કુસુમને હા પાડી દીધી હશે? માધવીનું મન અકારણે જ ઉદાસ થતું ગયું. હવે તો છોકરીઓ નાની છે એવું બહાનું પણ નહોતું કે માસીને રોકી શકાય. માસી આશ્રમ જતા રહે તો? એ વિચાર જેવો મનને સ્પર્શતો અસલામતીની એક હળવી ધ્રૂજારી માધવીના શરીરને આરપાર વીંધતી નીકળી ગઈ.

‘ઓહ મમ, ક્યાં ગુમ થઈ ગયા?’ રોમાના ઊંચા અવાજે માધવીની તંદ્રા તોડી.

‘અરે ના ના! આ તો માસી જોડે વાત થઇ એ વિષે વિચારી રહી હતી કે કાલે ફ્લાઈટ લેન્ડ કેટલા વાગ્યે થશે? કહ્યું છે મોડું થશે પછી પણ માસી રાહ જોતાં બેસી જ રહેશે…’

‘એમ વાત છે, તો તો ઠીક… હં તો મમ હું નીચે જતી હતી, પાસે જ ગ્રોસરી સ્ટોર છે ત્યાંથી થોડી ખરીદી કરવી છે. આવો છો? રિયા આવે છે, તમે પણ ચલો, નાનો વોક થઇ જશે એ બહાને!’

‘ના ના… તમે લોકો જઈ આવો. હું બેઠી છું.’ માધવીએ ટૂંકા જવાબમાં પતાવ્યું. શાંત જળમાં કોઈ કાંકરી ફેંકે ને જે તરંગ ઉઠે એવી પરિસ્થિતિ મનની હતી.

બંને નીચે ઉતર્યા ને માધવી વિન્ડો પાસે આવીને ઉભી રહી ગઈ. સમર ચાલતો હતો એટલે રાતના આઠ થવા આવ્યા હતા છતાં લાગતું હતું કે સાંજ ખીલી છે. ચોખ્ખું નીલું આકાશ ને એમાં તરતાં રૂ જેવા વાદળ પર પડતો સોનેરી સૂર્યપ્રકાશ ચિત્રકારે દોરેલા ચિત્ર જેવા લાગતાં હતા. ન જાણે શું હતું પણ વાતાવરણમાં અજબ ચુંબક હતું. ન જાણે માધવી કેટલીવાર ઉભી ઉભી કુદરતના વૈભવને માણતી રહી. અચાનક ફોનની રીંગથી એની ધ્યાનસમાધિ તૂટી.

‘મમ, જલ્દીથી નીચે આવો, ઘરની લેચ કી લેવાનું ભૂલતાં નહીં… રોમાને… રોમાને… તાબડતોબ એને હોસ્પિટલ લઇ જવી પડશે.’ સામે છેડેથી રિયાનો ગભરાટભર્યો અવાજ સાંભળીને માધવીના હાથપગ ઠંડા પાડવા લાગ્યા.

‘અરે પણ થયું શું છે?’ માધવીનો અવાજ તરડાઇ ગયો. હજી એ કંઇક વધુ બોલે એ પહેલા તો ફોન ડીસ્કનેકટ થઇ ગયો. સન્ન રહી ગઈ માધવી. હજી થોડી ક્ષણ પહેલા જ પોતાના ભાગ્યમાં મળી આવેલી ખુશી આટલી ક્ષણજીવી હતી એ તો નહોતું ધાર્યું. હેતબાઈ ગઈ માધવી એટલે સૌથી પહેલો ફોન માસીને જોડ્યો હતો. વારંવાર એન્ગેજ ટોન મળતો રહ્યો પણ આખરે લાગી ગયો. ફોન માસીએ જ ઉપાડ્યો હતો .

‘માસી, બધું એકદમ બરાબર હતું ને અચાનક… રોમાને અકસ્માત થયો છે… એને હોસ્પિટલ… હું… હું…’ માધવી આગળ વધુ બોલી ન શકી. એનો અવાજ રૂંધાઇ રહ્યો.

‘મધુ, શું થયું? હજી બે કલાક પહેલા તો આપણે વાત કરી ને અત્યારે તું આ…’ માસી સામે છેડે બોલતા રહ્યા ને માધવીએ ફોન કટ કરી નાખ્યો. નીચેથી રિયા બઝ કરી રહી હતી.

‘તમે નીચે આવો મમ, રોમા પાસે મીરો આવી ગયો છે, મેડીકલ ફેસિલીટી નજીક છે ત્યાં રોમાને એડમીટ કરી છે, તમને લેવા આવી છું ..’ બિલ્ડીંગની ડોર એન્ટ્રી સિસ્ટમ પરથી રિયાનો અવાજ સંભળાયો ને માધવી નીચે ઉતરી.

રિયા ને માધવી ઉચક જીવે પહોંચ્યા ત્યારે રોમાને સારવાર માટે અંદર લઇ જવાઈ હતી. બહાર વિઝીટર્સ લાઉન્જમાં મીરો બેઠો હતો. ઇટાલિયન શિલ્પકારે તરાશ્યો હોય એવા સોહામણા ચહેરા પર ચિંતાનું હળવું આવરણ જરૂર હતું પણ વિચલિત નહોતો.

‘વાત શું છે? ડોક્ટર શું કહે છે?’ માધવીના સ્વરમાં ગભરાટભરી અધીરાઈ છલકાઈ રહી હતી.

‘રીલેક્સ, પ્લીઝ રીલેક્સ…’ મીરોએ માધવીના ખભો થપથપાવ્યો. : ‘તમે ધારો એવું કંઈ સિરિયસ નથી. રિયા તમને કહ્યું કે નહીં? હેવી ટ્રોલી સંભાળતાં અચાનક પગ સરી ગયો એટલે બેલેન્સ ગુમાવ્યું… પણ બંને કદાચ ગભરાઈ વધુ ગયા એટલે। બાકી ડોક્ટર કહે છે તેમ ચિંતા કરવાનું કારણ બને એવી કોઈ એવી ઇન્જરી નથી.’

‘પણ તો પછી એને અહીં શેને માટે રાખી છે?’ માધવીના મનમાં ઘૂંટાતો પ્રશ્ન ડોક્ટરની હાજરીમાં જ પૂછવો જરૂરી હતો.

‘તમારી વાત સાચી પણ બ્લીડીંગ શરુ થઇ ગયું છે એટલે ડોક્ટર્સ વેઇટ એન્ડ વોચ કહી રહ્યા છે.’ મીરો તો સ્વસ્થ લાગી રહ્યો હતો કે દેખાવ કરતો હતો એ તો ન સમજાયું પણ માધવીએ મનમાં ધરબી રાખેલું ધ્રુસકું સરી ગયું.

સહુથી વધુ મનોમન તો બેચેન થઇ રહી હતી રિયા. મીરોના કપાળ પણ વારંવાર ચિંતાથી ખેંચાતી રહેલી રેખાઓ અને મમ્મીનો ઉતરેલો ચહેરો એ એક વાત નક્કી કરી નાખી હતી કે કાલ તો કોઈ હિસાબે મુંબઈ નહીં જવાય.

પોતે પ્રીમિયરમાં જ હાજર નહીં હોય એ વાત કુમારનને તો લાગી જ આવવાની હતી પણ સહુથી વધુ તો ખટકવાની હતી કરણને. એ ફિલ્મનો હીરો તો હતો પણ સાથે સાથે પ્રોડ્યુસરનો દીકરો પણ તો હતો અને એ બધી વાતો કરતા સૌથી હતી બંનેની એક નવી શરૂઆત. પોતે આ જ પ્રસંગે કરણની બાજુમાં ન હોય એ વાત જ રિયાના મનમાં હતાશા જન્માવી રહી હતી. કદીય કોઈ પૂજા અર્ચનમાં વિશ્વાસ ન કરતી રિયાએ પહેલીવાર હાથ જોડ્યા અને તેમ મનોમન પ્રાર્થના કરતી રહી.

બે કલાકમાં તો રોમાને રૂમમાં ખસેડી દેવામાં આવી હતી. એ સંપૂર્ણપણે હોશમાં હતી અને સ્વસ્થ પણ.

‘ચિંતાનું કોઈ કારણ નથી, ફક્ત થોડો આરામ રહે એ જોવું જરૂરી છે. બાકી ખાસ ઈજા પણ નથી. બે કલાક પછી તમે ઘરે જઈ શકો છો.’ યુવાન ડોક્ટર આવીને સૂચના આપી ગઈ. સહુના ચહેરા પર એક હાશકારાનું સ્મિત આવી ગયું.

‘તો પછી આપણે કાલે જઈ શકીશું ને મમ?’ દબાયેલાં અવાજે રિયાએ માધવીને પૂછી લીધું. સહુને શાંતિ થઇ ચૂકી હતી પણ રિયાના મનમાં હજી અવઢવ હતી. ક્યાંક મમ્મી થોડાં દિવસ વધુ રોકી જવાનું મન ન બનાવી લે!

‘…કેવી વાત કરે છે રિયા?’ માધવીના આંખમાં ઠંડો ઠપકો હતો. : ‘રોમાને આ હાલતમાં મૂકીને કઈ રીતે જવાશે?’

જો કે રોમાનો જવાબ એવો જ મળ્યો હતો જેની રિયાએ ધારણા રાખી હતી.

‘અરે મમ, એવું ન કરો… એનું પ્રીમિયર છે. ઇટ્સ નોટ ફેર…’ રોમા વચ્ચે પડી પણ માધવી પોતાનો નિર્ણય બદલવાના મતમાં નહોતી. આખરે નક્કી થયું કે રિયા મુંબઈ જશે ને માધવી રોકાશે. આખરે આ જ મહિનાઓમાં તો સંભાળની જરૂર હોય, એમાં ક્યાંક કંઈ ન સચવાયું તો?

* * * *

બીજા દિવસે મધરાતે પેરીસથી આવતી એરફ્રાન્સની ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઇ ત્યારે મધરાત થઇ ચૂકી હતી. એરપોર્ટની બહાર આવતાંવેંત રિયાની નજર ડ્રાઈવર શર્માને શોધી રહી હતી. પણ કોઈ દેખાયું નહીં ત્યારે ખ્યાલ આવ્યો કે રોમા માટે થયેલી ભાગદોડમાં કદાચ પોતાના આવવાની જાણ કરવાનું મમ ભૂલી જ ગયા હશે. એવા સંજોગોમાં હવે ઝાઝું કંઇ વિચાર્યા વિના ટેક્સી કરી ને ઘરે પહોંચી જવું જ બહેતર હતું. રિયા ટેક્સીમાં ગોઠવાઈ, તે વખતે એને ક્યાં ખ્યાલ હતો કે ઘરે એને માટે કોણ રાહ જોઈ રહ્યું છે !!

ક્રમશઃ

આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૨}