૧. ઇન્દિરાજી અને શબ્દચોરસ
આજકાલ લગભગ દરેક છાપામાં શબ્દચોરસ આવે છે. આડી-ઊભી ચાવીઓ આપેલી હોય. એમને આધારે શબ્દચોરસના આડાઊભા ખાનામાં અક્ષર મૂકવાના હોય. શબ્દચોરસ ભરવાની કોશિશ ન કરી હોય એવું કોઈ ભણેલું માણસ નહિ હોય. શબ્દચોરસ બહુ જૂની શોધ છે અને એક જમાનામાં એને લઈને કરોડોનો જુગાર પણ ચાલતો.
પણ એ ચીજ છે મૂળે ભાષાજ્ઞાનની. જેનું ભાષાજ્ઞાન સારું હોય તે તરત શબ્દચોરસ ભરી કાઢે.
આ શબ્દચોરસના સંબંધમાં દેશમાં ત્રીજાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો એક પ્રસંગ છે. ૧૯૭૨નું વર્ષ હતું. એ વર્ષે બેહદ ભાવ વધારો થયો હતો. દેશની સંસદમાં એને વિશે તડાપીટ પડી રહી હતી. એક પછી એક બોલનાર ઊભા થઈને વડાપ્રધાન પર ટીકાઓની ઝડીઓ વરસાવતા હતા. પણ ઈન્દિરાજી તો કોઈક ફાઈલમાં કશીક નોંધ ટપકાવવામાં પરોવાયાં હતાં.
પછીથી ખબર પડી કે ઇન્દિરાજી એ વેળા ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ નો શબ્દચોરસ ભરી રહ્યાં છે.
“પોલાદી નારી” ગણાતાં ઈન્દિરાજી ગમે તેવી કટોકટીની પળે પણ આમ નિરાંતની રમત કરી શકતાં. એટલે જ એ અમર બની ગયાં છે.
૨. ગાળોનો બદલો ઈનામ!
ઇરાનનો બાદશાહ, નામ એનું તેહમુરસ્પ.
એક દિવસ એક ગુનેગારને એની પાસે રજૂ કરવામાં આવ્યો. બાદશાહે ઈન્સાફ કરવા માટે તેને સવાલો પૂછવા માંડ્યા.
થોડા સવાલ-જવાબ પછી બાદશાહને ખાતરી થઈ ગઈ કે આ માણસ ગુનેગાર છે. જાહેર રસ્તા પર લઈ જઈને ગુનેગારને સો ફટકા મારવાની બાદશાહે શિક્ષા કરી.
આ વેળા ગુનેગારને ખુબ ચીડ ચઢી અને એણે બાદશાહને ભૂંડી ગાળ દીધી.
આખો દરબાર ખળભળી ઊઠ્યો. હેં!? બાદશાહ જેવા બાદશાહને ગાળ?
સૌ બાદશાહ સામે જોવા લાગ્યા. આ તુમાખીખોર ગુનેગારનું માથું ધડથી અલગ કરી દેવાની આજ્ઞા સાંભળવાની રાહ જોવા લાગ્યા.
પણ બાદશાહ કહેઃ “આરોપીને છોડી મૂકો.”
હેં? કરણ કાંઈ?
બાદશાહ સમજી ગયા કે પોતાના આ ઊંધા લાગતા વર્તનની સમજૂતી મેળવવા સૌ ઈચ્છે છે. એમણે કહ્યું – “એણે મને ગાળ દઈ મારો ગુસ્સો વધાર્યો માટે જો હું એ વખતે એને વધારે શિક્ષા ફરમાવું તો એ મારા અપમાનનો બદલો લીધો ગણાત. પણ એથી ન્યાયનો હેતુ ન સરત.”
તમને ચીડવવા મથે તેની સામે વધું ચીડાવામાં નહિ પણ ઉદાર બનવામાં જ માણસાઈ છે.
૩. બાજરી વાવીને ઘઉં લણાય?
લુકમાન નામના એક બહું વિદ્રાન વૈદરાજ હતા. ઈરાન દેશમાં એમનું નામ અમર છે.
આ લુકમાન જ્યારે નાના હતા ત્યારે એક લશ્કરી સરદારના ગુલામ હતા.
આ સરદારે એક વાર લુકમાનને હુકમ કર્યો, “જા પેલા ઉત્તર બાજુના ખેતરમાં ઘઉં વાવ.”
લુકમાન ઉત્તર બાજુના ખેતરે તો ગયા, પણ ત્યાં તેમણે ઘઉં નહિ, બાજરી વાવી!
આ વાતને થોડાં અઠવાડિયાં થયાં. સરદાર પેલા ખેતરે ગયો. બાજરી ઊગી નીકળેલી જોઈ. આથી સરદાર લુકમાન પર ખૂબ રીસે ભરાયો અને બરાડા પાડીને કહેવા લાગ્યો, “મેં તને કહ્યું હતું કે આ ખેતરમાં ઘઉં વાવજે, અને તે બાજરી શા માટે વાવી?”
લુકમાન કહે, “શેઠ મેં તો ઘઉં ઊગાડવા માટે બાજરી વાવી છે.”
સરદારની આંખો ગુસ્સાથી ફાટી ગઈ. એમણે કહ્યું, “મૂરખ! બાજરી વાવવાથી તે કદી ઘઉં ઊગતા હશે?”
ત્યારે નમ્રતાથી લુકમાને જવાબ દીધો, “માલિક! તમે હંમેશા દુનિયાના ખેતરમાં ખૂનામરકી અને લૂંટફાટના ગુનાનું બીજ રોપીને સ્વર્ગ મેળવવાની ઈચ્છા રાખો છો, એ જોઈને જ મેં વિચારેલું કે બાજરી વાવીને ઘઉં લણી શકાશે?”
લુકમાનની આ અક્કલમંદ અને સચ્ચાઈભરી વાતની સરદાર પર ભારે અસર થઈ. એમણે તરત જ શાણા લુકમાનને ગુલામીમાંથી આઝાદ કરી દીધો.
– યશવન્ત મહેતા
(‘અત્તરનાં પૂમડાં’માંથી સાભાર)