યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૩)


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

બીજા દિવસની સવારે મને એકદમ સ્વસ્થ જોઈને ટોમસ રાજી થયો. પાદરીની રાહ જોતો હું પરસાળમાં બેઠો હતો. દૂરથી જ ઝાડી-ઝાંખરાં વચ્ચે એમનો સફેદ ઝભ્ભો દેખાયો એટલે ઊભા થઈને હું સામેથી એમને મળવા ચાલ્યો.

દિવસના આ સમયે સૂરજ પૂરેપૂરો તપી જાય એ પહેલાં, રસ્તા પર ખૂબ આવજા રહે છે. કંઈ વાતચીત કરવાની મારી ઇચ્છા ન હતી, એટલે રસ્તા પરની આવરજવરને હું જોવા લાગ્યો. પસાર થતા લોકો બહુ મળતાવળા લાગ્યા. કોઈ ‘કેમ છો!’ કહેતું, તો કોઈ વળી સંકોચપૂર્વક નમીને હસી દેતું. બહુ નયનરમ્ય દૃશ્ય હતું એ! પુરુષોએ સફેદ સુતરાઉના પેંટ ઉપર પાઇનેપલનાં પાનમાંથી બનાવેલા પારદર્શી ખમીસ પહેર્યાં હતાં. એમના ખમીસની ચાળ પેંટમાંથી પૂંછડીની માફક લટકતી રહેતી હતી. કોઈકે રંગીન ખમીસ પણ પહેર્યાં હતાં. કોઈએ સફેદ જોડાં તો કોઈએ ઘાસનાં ચંપલ પહેર્યા હતા, કોઈ ઉઘાડે પગે જતા હતા. પાઇનેપલનાં પાનમાંથી જ બનાવેલો ભાતીગળ રંગોનો સ્થાનિક પોશાક પહેરેલી સ્ત્રીઓ બહુ જ જાજરમાન લાગતી હતી. એમના પોષાકમાંની મોટી-મોટી કડક બાંયો પતંગિયાંની પાંખોની માફક બાજુએ ઝૂલતી હતી. કાનમાં ચમકતા ઍરિંગ, ગળામાં ધાર્મિક ચિહ્નોથી મઢેલાં નેકલેસ, હાથમાં બંગડી અને આંગળીઓમાં વીંટી જેવા બનાવટી ઘરેણાંના શણગારો શોભતા હતા. એમના પગમાં ભપકાદાર ચંપલના અંગુઠા સોનેરી, રૂપેરી કે બીજાં રંગના મોતીઓથી ગૂંથેલા હતા. સ્ત્રીઓની સાથે કેટલાંયે બાળકો પણ હતાં. રક્તપિત્તથી પીડાતાં આટલી નાની ઉંમરના આટલાં બધાં બાળકોને જોઈને મને ગ્લાનિ થઈ આવી.

ડાબી બાજુએ વળીને થોડી વાર સુધી અમે એ આડાઅવળા રસ્તે ચાલતા રહ્યા.એક ઊંચી ટેકરી પર પહોંચીને સામેનું દૃશ્ય જોવા માટે હું ઊભો રહી ગયો. જે ટેકરી પર અમે ઊભા હતા, એની બરાબર નીચે એક ‘પ્લાઝા’ નામે ઓળખાતો ચોક હતો. ચોકની બંને બાજુએ પત્થરોનાં મકાનો હારબંધ ઊભાં હતાં.

“આ લિબર્ટાડ બજાર છે,” ફાધર મેરિલોએ કહ્યું. પેલા જે પત્થરોનાં મકાનો દેખાય છેને, એ અમે બાંધેલાં સૌથી પહેલાં સામુહિક રહેઠાણો છે. કોલોનીના બહુ જ ઓછા લોકો અહીં રહે શકે છે, છતાંયે આ વિસ્તારમાં બહુ ભીડ રહે છે.

ચોકમાં ખાસ કરીને એ રહેઠાણો પાસે લોકોની ખાસી ભીડ દેખાતી હતી. પાછળના ભાગે આવેલી છાપરીઓ તરફ ખૂબ જ આવ-જા દેખાતી હતી. ફાધર મેરિલોએ જણાવ્યું કે એ જગ્યા રસોડા તરીકે વપરાતી હતી છે. ઢોળાવવાળા એ રસ્તે ટેકરી પરથી ઊતરીને અમે આગળ ચાલ્યા.જમણી બાજુએ એક મકાન વટાવ્યું ત્યાં એક વિશાળ ખુલ્લી જગ્યામાં બનાવેલું સાર્વજનિક રસોડું દેખાયું. હોસ્પિટલમાં દરદીઓ માટે અહીં રસોઈ બનતી હતી. ડાબી બાજુએ ખૂણા પર સ્પેનિશ બાંધણીવાળું બે માળનું એક સુંદર મકાન હતું. મકાનની સળંગ લંબાઈમાં નાની-નાની થાંભલીઓ વાળો ઝરૂખો હતો.

“કોલોનીનું સભાગૃહ છે આ,” પાદરીએ મકાનની ઓળખ કરાવતાં કહ્યું. અહીં પોસ્ટઓફિસ અને પરચૂરણ દુકાનો આવેલી છે. ભોજનની અમુક ચીજોનું વિતરણ અહીંથી થાય છે. ઉપરના માળે કોર્ટ બેસે છે. ક્યારેક આવજો કોર્ટમાં. આરોપીઓના વકીલો પણ હોય છે અહીં. એ બધા અહીંની વસાહતના જ સભ્યો હોય છે. વસાહતના મુખ્ય અધિકારી અહીં ન્યાયાધીશ તરીકે બેસીને કેસની સુનવણી કરે છે.”

એક પહોળા રસ્તા પર અમે પ્રવેશ્યા. એ મુખ્ય રસ્તો હોય એવું દેખાતું હતું. ડાબી બાજુએથી એ રસ્તો વસાહતના મુખ્ય વિસ્તારમાંથી આવીને અન્ય સાજા લોકોનાં રહેઠાણો પાસે થઈને જમણી તરફ કેથલિક દેવળ અને કિનારાની બત્તીઓ તરફ ગોળાકારે વળી જતો હતો. ત્યાંથી આગળ જતાં એ રસ્તો સાંકડો થઈ જતો હતો, જેને અમે બોટમાં આવતી વખતે જોયો હતો.

અમારી આગળના ભાગમાં વૃક્ષો અને ઝાંખરાંની વચ્ચે લાકડાનાં લાંબાં-લાંબાં સેંકડો પગથિયાં દેખાતાં હતાં. બે રસ્તાઓ વચ્ચે આ પગથિયાં પર થઈને ટૂંકા માર્ગે આવ-જા કરી શકાતી હતી. આવાં પગથિયાંની કુલ ત્રણ હારમાંની આ એક હાર હતી. પગથિયાં પર થઈને સ્ત્રી-પુરુષો ધીમે-ધીમે આવ-જા કરી રહ્યાં હતાં. ઘણાં પુરુષોએ ખભે લટકાવેલી કાવડમાં, અને સ્ત્રીઓએ પોતાના માથા પર ભારે વજનવાળો સામાન ઊંચક્યો હતો.

રસ્તા પર ગરમી વધી રહી હતી, પણ એ પગથિયાં વૃક્ષોની નીચેથી પસાર થતાં હોવાને કારણે ઠંડાંગાર હોવાથી લોકોને આકર્ષતાં હતાં. અહીંના મોટાભાગના લોકોને હું ઓળખતો ન હતો, પણ હું પાદરીની સાથે હોવાને કારણે લોકો મારું પણ સ્વાગત કરતા હતા. એમને કારણે જ કદાચ મારું આટલું હુંફાળું સ્વાગત થતું હશે! ગમે તેમ તો પણ એમની લાગણી મારા તરફ હતી એ ચોક્કસ. એમનાં સ્મિતભર્યા ચહેરાને હું કુતૂહલથી જોઈ રહેતો હતો. હજુ આજે સવારે તો મને થઈ આવ્યું હતું કે આ જગતમાં આનંદદાયક હોય એવું કશું જ નથી! થોડું ચાલીને હું રોકાઈ ગયો, અને ઊંડો શ્વાસ લીધો. સામે વૃક્ષોની વનરાજી વચ્ચેની ખુલ્લી જગ્યામાંથી ભવ્ય બંદર દેખાતું હતું.

ચોમાસાને કારણે દરિયાના નીલા પાણીની હલચલ નાનાં-નાનાં મોજાં પરના સફેદ ફીણ સ્વરૂપે વીખરાઈ જતી હતી. દૂર-દૂર ઉપરની તરફ બુસુઆંગા ટાપુની રેખાઓ દેખાતી હતી અને જમણી તરફ ચિત્રમય કોરોનની ખડકાળ બાજુ દેખાતી હતી.

થોડું જ વધારે આગળ ગયા, ત્યાં કેટલીક સ્ત્રીઓ કપડાં ધોતી નજરે પડી. ફિલિપાઇનના લોકોને સ્વચ્છતાનું બહુ ઘેલું! પોતાને મનગમતી ચોખ્ખાઈનો લાભ, પોતાની સાથોસાથ બાળકો અને પતિનાં કપડાંને પણ મળે એ કારણસર ફિલિપાઇનની સ્ત્રીઓ દિવસનો ખાસ્સો સમય કપડાં ધોવા પાછળ કાઢતી! પણ ટોળે વળીને કેવા ઉત્સાહથી કપડાં ધોવાતાં હતાં! જાણે કોઈ ઉત્સવ કે તહેવાર ન હોય! પત્થરની એક પાટ ઉપર કપડાં મૂકી, પાટની બાજુમાં ઊભા પગે બેસીને, એક સુંવાળા પણ વજનદાર ધોકા વડે ધીમે-ધીમે, પણ એકધારું ધબાધબ-ધબાધબ કરતી એ સ્ત્રીઓ ધોબણ જેવી કુશળતાથી મંડી પડી હતી!

ત્યાંથી સહેજ આગળ, મુખ્ય માર્ગેથી એક નાનકડી કેડી તરફ એક માળના મકાન તરફ અમે વળ્યા.

પાદરીએ એ જગ્યાની ઓળખ આપતાં કહ્યું, “આ જનરલ હોસ્પિટલ છે.”

*

મારા પગ ઢીલા પડી ગયા. એક મીઠી પણ અણગમાજનક વાસ ખુલ્લા દરવાજામાંથી આવતી હતી. રક્તપિત્તનો સાચો કહેર અનુભવવા હું પહેલી વખત જઈ રહ્યો હતો. અહીં બધા ગંભીર કેસને જ રાખવામાં આવતા હતા.આજ સુધી મેં ક્યારેય જોયા ન હોય એવા ગંભીર કેસ! દરવાજેથી પરસાળમાં થઈને અમે એક વૉર્ડમાં પહોંચ્યા. એ સાંકડો લાંબો કમરો સેંટ લાઝારોના વોર્ડ જેવો જ દેખાતો હતો. કમરાની બંને બાજુએ કાલુ માછલીના છીપલાંમાંથી બનાવેલી બારીમાંથી, વૃક્ષો વચ્ચેથી ચળાઈને આવતું એ દૃશ્ય દરિયાની ઝાંખી કરાવતું હતું.

હું પાદરીની પાછળ-પાછળ દોરવાયો. લોખંડના એક પલંગ પાસે અમે રોકાયા ત્યાં સુધીમાં મારી નજર, આજુબાજુનું કોઈ જ દૃશ્ય જોવાને બદલે પાદરીના સફેદ ઝબ્બા પર સ્થિર થઈ ગઈ હતી. પથારીમાં સૂતેલું શરીર ગળા સુધી ચાદરમાં લપેટાયેલું હતું.

“એ ભાગ્યે જ કંઈ જોઈ શકે છે.” પાદરી જે કંઈ કહે એ જ વાતનું હું પુનરાવર્તન કરતો હતો. એમ કરવાથી, મેં જોયેલું દૃશ્ય, જાણે ન જોયેલું બની જવાનું હોય એમ!

મારી કલ્પનાના ઘોડાને તદ્દન છુટ્ટા મૂકી દઉં તો પણ જેની કલ્પના હું ન કરી શકું, એવું એ ભયાનક દૃશ્ય હતું. ક્ષીણ થઈ ગયેલો એ માનવદેહ! ના, ના! એ સાંચો ન હોઈ શકે! સાંચો… એ તો… એ તો બહુ જ દેખાવડો કિશોર હતો…! ભેંસની પીઠ ઉપર સવાર થઈને એને ખાડીમાં નવડાવવા લઈ જતો તરવરિયો… પિતાએ પાળેલા કૂકડાને લડાવતો હતો, શેરીના બાળકો સાથે ઉન્મુક્ત થઈને રમતો… એ સાંચો હતો…

સાંચોના શરીરમાં સહેજ પણ સંચાર ન હતો. એને પથારીમાં પડેલો હું જોઈ રહ્યો. આંખ પરની ભમર અને પાંપણો સુદ્ધાં ખરી ગયાં હતાં, કપાળ પરની ચામડી સુજીને લાલચોળ થઈને ચમકતી હતી. એના ઉપર ક્યાંક-ક્યાંક ખુલ્લા ઘા દેખાતા હતા. નાકની દાંડી નીચી નમી ગઈ હતી. પહોળાં થઈને ભયાનક રીતે ફૂલી ગયેલાં નાકનાં ફોંયણાંમાંથી ટ્યુબરક્યુલોસિસને કારણે પરુ નીકળતું હતું. ચાંદી પડેલાં એ છિદ્રોમાંથી આવ-જા કરતી હવાનો અવાજ સંભળાતો હતો. હોઠ પણ નાકની જેમ સુજીને જાડા થઈ ગયા હતા, અને લકવાની અસરને કારણે મોં સ્થિર થઈને ગોળાકારે ખુલ્લું રહી ગયું હતું.

મને એકીટશે જોઈ રહેલો જોઈને પાદરી બોલ્યાઃ

“સાંચો, મારા દીકરા, જો તો, મારી સાથે કોણ આવ્યું છે તને મળવા?”

નિર્જીવ શરીરમાં સળવળાટ થયો. આંખો ખૂલીને મારા તરફ ફરી. એ કંઈક બોલ્યો, પણ મને કંઈ જ સમજાયું નહીં; એનો અવાજ એકદમ ધીમો હતો, અને ઊંડે-ઊંડેથી આવતા એના અવાજમાં એક વિચિત્ર અને બિહામણી કર્કશતા આવી ગઈ હતી… જાણે કોઈ મૃતદેહ મને બોલાવી રહ્યો હોય એવું લાગતું હતું. મેં પાદરી સામે જોયું.

“તમે સાર્જન્ટ છો કે?”

કંઈ કહેવું હોય તો મારે બહુ જલદી બોલવું જોઈએ એવું મને લાગ્યું.

“હા, સાંચો. બને એટલો જલદી હું આવ્યો છું તને મળવા માટે. તને ખબર છેને, મને તો એકાંતવાસમાં રાખેલો આજ સુધી.”

એણે મોં હલાવીને હા પાડી. હું બોલતો રહ્યો. મારે બોલવું પડે એમ જ હતું. એણે મને ચેપ લગાડ્યો છે એવું એ માનતો હતો એની પણ મેં વાત કરી. એવું નહોતું થયું એની પણ મેં એને ભારપૂર્વક ખાતરી આપી. બે-ત્રણ વાર ફરી-ફરીને મેં એને ખાતરી આપી.

એ બોલવાની કોશિશ કરતો હતો. મેં જાણે સાંભળવાનું જ બંધ કરી દીધું. એ મારો આભાર માનતો હતો, મારી સામે હસતો હતો. અતિશય ભયાનક દૃશ્ય હતું એ! અને અચાનક જ એના શરીરમાં કંઈક ફેરફાર આવ્યો. શરીર આખું ખેંચાવા લાગ્યું. કોણ જાણે કેમ, પણ મને ખબર પડી ગઈ, કે એ રડી રહ્યો હતો! અને રડતા-રડતા એ કહેતો હતો કે કેરિટાને પણ એનો ચેપ જ લાગ્યો હતો. પાદરીએ મારા હાથને સ્પર્શ કર્યો.

“મારી સાથે આવો.” એમણે કહ્યું. અમે ગયા કે તરત જ એક નર્સ પલંગ પાસે આવી. એના પ્રેમાળ સાંત્વનાભર્યા અવાજની પાછળ, ધીમા-ધીમા દર્દભર્યા એ કૃશ અવાજમાં સાંચોનો વિલાપ સંભળાતો હતો.

“કેરિટા… કેરિટા… કેરિટા…!”

મારા ગાલ પરથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. એ આંસુએ થોડીવાર માટે મને અંધ બનાવી દઈને મારા પર બહુ મોટી દયા કરી હતી; રસ્તામાં આવતાં પલંગ પરનાં બીજાં શરીરને પૂરેપૂરાં જોવામાંથી એણે મને મુક્તિ અપાવી દીધી હતી. અને તે છતાં જેટલાં પણ દૃશ્યો મારી નજરે પડ્યાં, એ મારા મનને વિક્ષુબ્ધ કરી દેવા માટે પૂરતાં હતાં. અમે બારણા પાસે પહોંચ્યા, ત્યાં એક માણસ પોતાના પલંગ પાસે બેઠો હતો. એને એક પણ હાથ ન હતા! ઠૂંઠા હાથના છેડે પાટા બાંધેલા હતા. એનો એક પગ પાટા બાંધવા માટે ખુલ્લો કરેલો હતો. પગની જગ્યાએ સડેલા માંસનો એક લોચો દેખાતો હતો. સફેદ કપડામાં વાંકા વળીને એક વ્યક્તિ એના પર ઝૂકેલી હતી. એ એક સ્ત્રી હતી, સિસ્ટર વિક્ટોઇર, મુખ્ય નર્સ. એમણે અમારી સામે સ્મિત ફરકાવ્યું. એમના ચહેરા પર કોઈ સંતના ચહેરા પર હોય એવી આભા વરતાતી હતી.

“ગુડ મોર્નિંગ ફાધર, ગુડ મોર્નિંગ મિ. ફર્ગ્યુસન.”

કપાયેલા પગ પર સિસ્ટર પાટો બાંધી રહ્યા હતા. પાદરી પાસેથી દોડીને હું બહાર નીકળી ગયો, અને બહાર એક વૃક્ષની નીચે ઊભો રહી ગયો. અચાનક જ, ભયાનક અસ્વસ્થતાનો અનુભવ મને થઈ આવ્યો.

*

એ દિવસે હું ઘેર પાછો કઈ રીતે પહોંચ્યો એની કોઈ સ્પષ્ટ સ્મૃતિ મને નથી. ઘેર પહોંચ્યા પછી પણ કેટલીયે વારે મને ભાન આવ્યું. જોયું તો પરસાળમાં હું બેઠો હતો, વ્હિસ્કીની બોટલ બાજુમાં લઈને! એ સાંજે મેં ફરીથી ખૂબ શરાબ પીધો, અને ફરીથી અસ્વસ્થ થઈ ગયો, અને  ફરીથી પીવા લાગ્યો. ખાસ્સી વારે મારી નજર દરિયા તરફ ગઈ. દરિયો મને બોલાવી રહ્યો હતો. એક મોટો ઘૂંટડો ભરીને હું લડખડાતા પગે દરિયા તરફ ચાલવા તો લાગ્યો. પણ ઝાઝું ચાલી શક્યો નહીં! અથડાઈને એક ખુરશીમાં લથડી પડ્યો. ટોમસ મારી પાસે ઊભો રહીને મને બોલાવતો રહ્યો, બોલાવતો જ રહ્યો…

“તમારી તબીયત સારી નથી, સાહેબ. હું ક્યારનો તમને બોલાવું છું. મને તો બહુ બીક લાગે છે. હું ક્યારનો તમને બોલાવતો હતો, પણ તમે જવાબ જ નથી આપતા. મને તો ડર લાગ્યો હતો, કે તમે ક્યાંક મરી તો નથી ગયાને! તો-તો હું પણ મરી જઈશ, સાહેબ. મારી મા, મારો બાપ, મારો ભાઈ અને મારી નાનકડી બહેન… બધાં જ ખોવાઈ ગયાં છે… મારે તમારા સિવાય કોઈ સગું નથી હવે…! તમે મરી જશો… તો હું પણ મરી જઈશ…”

એ સાથે જ છેલ્લો ઘૂંટડો મારા ગળા નીચે ઊતરી ગયો. મને સંભળાઈ રહ્યું હતું, અને સમજાઈ પણ રહ્યું હતું. સંવેદનોના પલટાએ અચાનક જ મને ઝકઝોળી નાખ્યો. મેજરનો અવાજ મને સંભળાયો… “તારે આ કરવું જ રહ્યું, સૈનિક!”

લથડિયાં ખાતા હાથે મેં દરિયા સામે મુક્કો વીંઝ્યો. ના, હમણાં નહીં… હજુ ઘણો સમય છે. કેરિટા… હા, કેરિટાને હજુ મદદ કરી શકાય એમ હતું. સાંચો સામી છાતી લડી રહ્યો હતો, છેક છેવટ સુધી…! ટોમસ મારા પગ પાસે શબ્દશઃ બેસી પડ્યો હતો. ભયભીત કાળી આંખે એ મને જોઈ રહ્યો હતો. મારો હાથ નીચે કરીને મેં એને ઊભો કર્યો.

“તારી આટલી હિંમત જોઈને મારે તો હવે ઊભા થઈ જવું જ રહ્યું, મારા ભાઈ! મારે પણ હિંમત બતાવવી જ રહી!”

થોડા દિવસ પછી મને ખબર પડી, કે સાંચો એ જ રાત્રે મૃત્યુ પામ્યો હતો.

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.

આપનો પ્રતિભાવ આપો....