વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૯} 1


ગતાંકથી આગળ…

A Novel By Pinki Dalal

A Novel By Pinki Dalal

‘કરણ, વી આર લેટ… ચલ હવે…’ રિયાએ પોતાની રીસ્ટ વોચમાં નજર નાખતાં કરણને ફરી સમયનું ભાન કરાવ્યું.

મઢ આઇલેન્ડની એક રિસોર્ટમાં પૂલ સાઈડ પર ડેક ચેર પર પગ લંબાવીને બેઠેલા કરણને તો જાણે કોઈ ફિકરચિંતા જ સ્પર્શતા ન હોય તેમ એ તો એ જ આરામથી નાની નાની ચૂસકી લેતો રહ્યો.

‘ઓહો… સ્વીટી… તું પણ…’ કરણે ફરી બિયરનો ઘૂંટ ભર્યો, હજી દસ મિનીટ બાકી છે. લંચ બ્રેક હોય છે ને એમાં ગ્રેસની પંદર મિનીટ ઉમેર… કેટલી થઇ? અને હા, એ ન ભૂલ કે હું હીરો છું ને તું હિરોઈન, એટલે ગ્રેસનો બીજો એક કલાક ગણી લે… પ્લેન્ટી ઓફ ટાઈમ વી હેવ… કરણે એ જ બેફિકરાઈથી જવાબ વાળતાં પૂલની ડેક ચેર પર શરીર વધુ લંબાવ્યું.

‘કરણ, તું એ ન ભૂલ કે આ રિસોર્ટ શૂટિંગ લોકેશનથી વીસ મિનીટ ડ્રાઈવ પર છે અને આ તારો બીજો કેન છે, આપણે કામ પર છીએ, હોલીડે પર નહીં.’ રિયા અકળાઈને બોલી.

સાઉથ ઇન્ડિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાને લીધે રિયા નિયમિતતાના ધોરણે ઘડાઈ ચૂકી હતી. જયારે કરણ માટે આ સૌથી પહેલો અનુભવ હતો, લોન્ચિંગ ફિલ્મ, જેમાં નાણાં બાપના લાગ્યા હતા છતાં એની બેફિકરાઈનો કોઈ જવાબ નહોતો, એના નખરાં કોઈ સ્ટારથી ઓછાં નહોતા.

‘ઓહો, મેં તો કંઈ ખાધું પણ નથી ને તે મારો બિયર પણ પાણી કરી નાખ્યો…’ કરણે ખભા ઉલાળી નારાજગી વ્યક્ત કરતો હોય તેમ ઉભો થઇ ગયો ને તેની પાછળ પાછળ રિયા પણ.

લોકેશન પર પહોંચ્યા ત્યારે લંચબ્રેકનો સમય પૂરો થયાને પણ વીસ મિનીટ ઉપર થઇ ચૂકી હતી. એવું લાગ્યું કે તેમની જ રાહ જોવાઈ રહી હતી. સમયની પાબંદી માટે જાણીતા કુમારનની આંખોમાં રહેલાં તણખાં કરણને તો ન દેખાયા પણ રિયાને જરૂર દઝાડી ગયા.

કરણ આખરે તો ફાઈનાન્સરનું ફરજંદ હતો, એને કોણ શું કહે? પણ એક વાત નક્કી હતી, સેટ પર ચાલતી યુનિટની ગપસપમાં હવે રીયલ લવસ્ટોરીમાં શું થઇ રહ્યું છે ને શું થશે એ બધી ચર્ચા કેન્દ્રસ્થાને રહેતી થઇ હતી.

રાતદિવસ એક કરીને પણ એક વર્ષમાં ફિલ્મ પૂરી કરવાની ખાતરી કુમારને લલિત સોઢીને આપી હતી. પણ સમસ્યા એ હતી કે એમનો જ નબીરો કરણ ફિલ્મની હિરોઈન સાથે વારંવાર ભાગી જતો હતો.

‘સોઢીજી, આ જે કંઇક થઇ રહ્યું છે એ બરાબર નથી થઇ રહ્યું ને તમે પછી એ માટે મને જવાબદાર ન ઠેરવતાં…’ નાક સુધી પાણી આવી ગયું ત્યારે કુમારને આકળા થઈને કરણના પિતા લલિત સોઢીને ફોન કરીને જણાવી દેવું બહેતર સમજ્યું હતું. જેનું પરિણામ પણ આવ્યું. બે દિવસ ન કરણ ગાયબ થયો ન રિયા, પણ કુમારનને ખબર નહોતી કે હજી શું પ્લાન કરણે ઘડી રાખ્યો છે!

* * * *

‘રિયા, તારી સામે બહુ મોટી ચેલેન્જ છે… પેલો નબીરો તો ખોટો સિક્કો પૂરવાર થશે ને તો હીરો બનવાનો અભરખો પૂરો થયો સમજી ને બાપના ધંધે બેસી જશે પણ એને માટે થઈને જો એકવાર ફ્લોપ ફિલ્મમાં તારું નામ જોડાઈ ગયું તો…’ માધવી વધુ આગળ બોલી ન શકી. કેમ કરીને સમજાવવી છોકરીને કે આ ઇન્ડસ્ટ્રી કેટલી વહેમી છે? ફિલ્મ પિટાઈ જાય તો નબળા પાસાંનો વિચાર કરવાને બદલે મેઈન એકટ્રેસને અપશુકનિયાળ લેખાવીને પોતાની નિષ્ફળતા છુપાવી દેનારાં ભેડિયાઓની કમી નથી. ને આ પહેલી હિન્દી ફિલ્મ હતી ને, ગમે એટલી સફળતા વારી ચૂકેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મ આખરે તો રીજનલ કેટેગરીની ને!! એનાથી રિયાને ગ્રાન્ડ એન્ટ્રી મળી જરૂર પણ એ કાર્ડ કાયમી નહોતું. અનુપમા તરીકેની ઓળખ હિન્દી ફિલ્મોમાં ચાલવાની નહોતી.

‘રિયા, જો આ પહેલી ફિલ્મ જ જો ફ્લોપ થઇ તો આ મુંબઈના બારણાં બંધ ન થઇ જાય ને ફરી સાઉથમાં અનુપમા બનીને બેસી રહેવું પડશે… છે મંજૂર?’ માધવીની કડવાશ વાજબી હતી પણ દવા જેવી, બિલકુલ જરૂરી પણ હતી.

‘મમ્મા, કરણનો ગુનો માત્ર એટલો જ કે એ પૈસાવાળા બાપનો દીકરો છે? અરે! એને સ્ટાર બનવું છે…’ રિયાને યાદ આવી કરણે કહેલી વાતો, એ નાનો હતો ત્યારથી કેવા સપના જોતો હતો ને ત્યારે સહુ કોઈ હસતા હતા. હવે નિષ્ફળ જવું એટલે ગૂડ ફોર નથિંગનું લેબલ લાગી જવું, હવે તો આ પાર કે પેલે પાર.

મોડી સાંજે જમ્યા પછી સાહજિક વાતચીતનો દોર ચાલી રહ્યો હતો ને ત્યાં ફોનની રિંગ સંભળાઈ. ‘નક્કી રોમા…’ માધવીના ચહેરા પર આછેરી મુસ્કાન આવી ગઈ. માધવીનું અનુમાન સાચું હતું. સામે છેડે રોમા જ હતી.

એના અવાજમાંથી ઉછળતી આનંદની છોળ કાન પર રીસીવર રાખીને વાત કરી રહેલી માત્ર માધવીને નહીં થોડી દૂર બેઠેલા આરતી ને રિયા પણ અનુભવી શકતા હતા. પહેલા માધવી પછી આરતી ને છેલ્લે રિયા સાથે વાત કરીને રોમાએ ફોન મૂક્યો.

‘પણ તેં એમને ન્યુઝ તો આપ્યા કે નહીં?’ બાજુમાં બેઠેલા મીરોએ રોમાના વાળ ચૂમતાં પૂછ્યું, એ ભાષાને કારણે વાતચીત સંપૂર્ણપણે તો સમજી ન શક્યો નહોતો પણ એટલું તો પામી શક્યો કે રોમાએ જે વાત કહેવા ઇન્ડિયા કોલ કર્યો તે જ વાત એ કરી શકી નથી.

ફોન મૂક્યા પછી આરતીમાસીને કશુંક અજુગતું લાગતું રહ્યું. આમ પણ રોમા સામેથી ભાગ્યે જ ફોન કરતી. માધવી વઢી હોય ત્યારે બેચાર દિવસ નિયમિત ફોન કરતી પછી વાત જેમ હતી તેમ. પણ આજની તો વાત જ જુદી હતી. ક્યારેક ફોન કરનારી રોમાએ ફોન તો કર્યો ને પછી બાકી હતું તેમ આરતીમાસી ને રિયા સાથે પણ લાંબી વાત કરી હતી.

ક્યાંક એને હવે એકલતા સાલતી હશે? કે પછી રિયાની વધેલી સફળતાને વધાવનાર વર્ગમાં વધુ એક વ્યક્તિનો ઉમેરો? આરતીમાસીને પોતાની અટકળમાંથી પણ કોઈ જવાબ ન મળ્યો એટલે એને વારાફરતી રિયા ને માધવી તરફ નજર કરી.

માધવી ફૂટ મસાજર લઈને પોતે જ પગના તળિયામાં હળવે હળવે ફેરવી રહી હતી ને રિયા કોઈ ઊંડા વિચારમાં ગરક હોય તેમ ફર્શ તાકી રહી હતી.

‘મધુ, તને શું લાગે છે? રોમાએ કંઇક કહેવા માંગતી હતી કે પછી એમ જ??’

‘શું માસી તમે પણ? રોમા પહેલેથી જ આવી છે… એને વળી શું કહેવાનું હોય? માસીની અટકળથી માધવી જરા છેડાઈ ગઈ.

આરતીએ આવા પ્રતિભાવની અપેક્ષા તો હરગીઝ નહોતી રાખી. એમને રિયા સામે જોયું. નાની પોતાનો વારો કાઢશે જ એવી કોઈ આશંકા આવી ગઈ હોય ને જવાબ ન આપવો હોય અને એ વિષે વધુ કંઈ ચર્ચવાના મૂડમાં ન હોય તેમ ત્યાંથી ઉઠી ને રિયા પોતાના રૂમમાં જતી રહી.

‘લે હવે આને શું થયું?’ માસી જરા નવાઈ પામીને બોલ્યા.

‘એને શું થવાનું હતું…’ માધવીના અવાજમાં કોઈ નવાઈ નહોતી; ‘એ તો દુનિયામાં વિહરે છે. પણ માસી…’ માધવીનો અવાજ જરા નીચો થયો, જાણે રિયા સાંભળી ન જાય એની સાવચેતી વર્તતી હોય તેમ એ દબાયેલા અવાજે બોલી : ‘આ કરણ સાથે વધતી જતી નજદીકી મને હવે ટેન્શન કરાવી રહી છે.’

માધવીની આંખમાં એક દહેશત હતી, જેવી સામાન્ય રીતે દરેક સ્વછંદી યુવાન દીકરીની માની આંખોમાં હોય.

‘હા મધુ, એ વાત સાથે તો હું પણ સહમત છું.’ સામાન્ય રીતે રિયાનો પક્ષ તાણીને બેસતા આરતીમાસીએ વાતને અનુમોદન આપ્યું એટલે તો માધવીને ધરપત થવાની બદલે રહીસહી હિંમત પણ ઓગળી જતી લાગી.

‘તમને તો કંઇક કહેતી હશે ને? શું વિચારે છે એ! કરણ સાથે પ્રકરણ ખરેખર ગંભીર છે કે પછી?’ માધવીને બોલતા સંકોચ તેમ આગળ બોલી ન શકી.

‘મધુ, એક વાત સમજ, રિયા પહેલા જેવી નાસમજ કે આક્રમક રહી હોય તેવું મને નથી લાગતું પણ…’ આરતી પણ પૂરું ન બોલી.

ક્યાંય સુધી માસી ભાણેજ ચૂપચાપ બેઠાં રહ્યા. બંનેના દિલ અને દિમાગમાં એક જ વાત ઘૂમી રહી હતી. રિયા ને રોમા બંને સગ્ગી બહેનો, પણ કેવી ઉત્તર-દક્ષિણ?

એક રિયા, કેવી શાંત, સમજદાર, ગંભીર, જિંદગીના નિર્ણય કેટલી સૂઝબૂઝથી લેનારી ને આ રિયા? રોજ છપાતાં કોઈ ને કોઈ ગોસીપ તો ઈશારો કરતી હતી કે રિયા એક્ટિંગ કરતાં આ બધામાં ન ઉલઝી જાય!!

બંને દીકરીઓના ભવિષ્ય વિષે વિચાર કરી રહેલા આરતી માસી ને માધવીને ક્યાં ખબર હતી કે બંને બહેનો વચ્ચે થઇ રહેલી સરખામણીમાં કોણ ક્યાં પાર ઉતરવાનું હતું!!

રોમા ને રિયા વચ્ચે થયેલી વાતચીતનો ઉત્તરાર્ધ તો હવે પૂરો થવાનો હતો. બે કલાક એમ જ વીતી ગયા ને સહુ જંપી ગયા પછી રિયાના રૂમમાં રહેલો ફોન રણક્યો.

‘હં રોમા, શું વાત હતી? તું મારી નવી ફિલ્મ ક્યાં સુધી પહોંચી એ વિષે પૂછવા મમ ને નાની ઉંઘવા જાય તેની રાહ ન જુએ…’ રિયાએ જબાન પર આવેલા શબ્દમાંથી એક પણ શબ્દ ચોર્યા વિના જે કહેવું હતું કહી દીધું : ‘સાચું કહે, મારા ને કરણ વચ્ચે મામલો ક્યાં સુધી પહોંચ્યો છે એ જાણવાની જવાબદારી મમ્મીએ તને સોંપી છે ને??’

‘ઓ ના ના… તું આ શું કહે છે રિયા? કોની શું વાત કરે છે??’ સામે છેડે રોમા આ વાત સાંભળીને નવાઈ પામી હોય તેમ લાગી રહ્યું હતું.

‘હુઝ કરણ બાય ધ વે? આઈ મીન તારો હીરો? તારું ને એની સાથે કંઈ…? મને કેવી રીતે ખબર પડે? …ન મમ્મીએ કંઈ કહ્યું પણ રિયા, ટેલ મી.. સિરિયસલી… આર યુ ઇન લવ?’ સામે રોમા મલકી રહી હશે કે આંખો ઝીણી કરીને સાંભળી રહી હશે એ કલ્પના કરવી અઘરી લાગી રિયાને.

રિયાનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હોય તેમ થડકારનો અવાજ કાનની બૂટને લાલ કરી રહ્યો હતો. એના હોઠ સુધી આવી ગઈ એ વાત જે કોઈ સાથે શેર કરવા એનું મન અધીરું થઇ રહ્યું હતું. માયા હોત તો કોઈની જરૂર પણ ન પડતે પણ મનમાં લહેરાઈ રહેલાં ગુલાબી આકાશને સંતાડવાની મઝા લીધા પછી રિયાને ક્યારેક થતું, કાશ એ પોતાના હૃદયની વાત કોઈ સાથે કરી શકે.

એ જ સાથે કોઈક રોકી પણ રહ્યું હતું : જો સાચી વાત રોમાને કરીશ એટલી જ વાર, બિલાડીના પેટમાં ખીર ટકવાની નહોતી, કાલે એ મમ્મીને કહી દેવાની એ પણ વાત નક્કી જ.

‘ઓહો રોમા, તને તો મમનો સ્વભાવ ખબર છે ને!! પણ, સાવ ખોટું પણ નથી, કરણ છે જ એટલો…’ રિયાએ પાણી પહેલા પાળ બાંધતી હોય તેમ કહ્યું. કેટલાય દિવસથી મનમાં ઘેરી રહેલાં વાદળને વરસવાની તક મળી રહી હતી. કરણ કેટલો રોમેન્ટિક છે એ વાત નાનીને થોડી કહી શકાય?

‘વેલ, રિયા… તારી કરણવાળી વાત પછી કરજે પણ પહેલાં તું મને એ સલાહ આપ, કે હવે હું શું કરું? મને ડર લાગે છે…’ રોમાના અવાજમાં ડર તો નહીં પણ થોડો ક્ષોભ હતો.

‘શું વાત છે રોમા, મમની ફેવરીટ દીકરી આમ બોલે છે? મમ ની બદલે મારી સલાહની જરૂર ક્યારથી પાડવા લાગી?’ રિયા હસી. ‘ડોન્ટ ટેલ મી રોમા… કે તને પણ કોઈ ગમી ગયું છે!’

‘રિયા, હસ નહીં, જરા વિચારી લે પછી મને કહેજે… વાત એમ છે કે…’ રોમા બે ઘડી ચૂપ થઇ ગઈ પછી થોડા ખંચકાટ સાથે બોલી, ‘આયેમ એકસ્પેક્ટીંગ અ બેબી…’ રોમા બોલી હતી એકદમ ઝીણાં અવાજે પણ રિયાને લાગ્યું કે એના કાનમાં કોઈએ બોમ્બ ફોડ્યો હતો.

‘સોરી રોમા… શું બોલી તું? મેં કંઇક ભળતું જ સાંભળ્યું…’

‘ના રિયા, હું એ જ બોલી જે તું સમજી…’ રોમાના સ્વરની મક્કમતા લોખંડી હતી. બે ઘડી એમ જ પસાર થઇ ગઈ. રોમાએ જે કહ્યું એ સાંભળીને તો એ રીતસર ઠરી ગઈ હતી.

‘રોમા, તું જે કહે છે એ ખરેખર હકીકત છે? પહેલામાં પહેલા ડોક્ટર પાસે જ, કદાચ એવું ન પણ હોય…’

‘ના રિયા… મને ખબર છે, રીપોર્ટ પોઝીટીવ છે અને ડોક્ટર પાસે જઈ આવી છું. પણ મને એ વાતની ન તો કોઈ ચિંતા છે ન પરવા… હું તો માત્ર એટલું જાણું છું કે હું મીરોને ચાહું છું, કોઈ શરતો કે બંધન વિના. અમારું લવ ચાઈલ્ડ, શક્ય છે કે કદાચ આ બાળક અમને એક કરે, કે પછી ન પણ કરે… પણ મને એથી કોઈ ફર્ક પડતો નથી.’ રોમાએ ઊંડો શ્વાસ ભર્યો : ‘ફક્ત ડર લાગે છે મમનો. એમનું દિલ હું દુખવી ન બેસું!!’

ફરી બે બહેનોના સંવાદ પર શાંતિ હાવી થઇ ગઈ. રિયા સન્ન રહી ગઈ હતી. બોલવું તો હતું પણ શું બોલવું?

‘તું જરા વિચાર કરીને મને કહે જરા મમનો મૂડ ઠીક હોય ત્યારે હું વાત કરીશ. ડર છે કે મમનું દિલ દુભાશે પણ શું કરું? આઈ લવ મીરો સો મચ.. જે થઇ ગયું એ થઇ ગયું. સમય તો કોઈ પાછો ન ફેરવી શકેને?’

‘તું શું બોલી ગઈ રોમા?’ રિયાને લાગ્યું કે પોતે ખોટું સાંભળ્યું છે પણ એ જ તો હકીકત હતી.

‘એટલે તે ને મીરોએ હજી લગ્ન નથી કર્યા? ને આ બેબી…?’

સામે છેડે ચૂપકીદી છવાઈ રહી. જિંદગીએ જે બહેનોને કાયમ ઉત્તર દક્ષિણ ધ્રુવ પર રાખી હતી તે બંને વચ્ચે એક સેતુ રચાઈ રહ્યો હતો. એક નવી જિંદગીનો આવિષ્કાર તેમને એકમેકની કરીબ લાવી રહ્યો હતો.

વાતચીત તો પૂરી થઇ ગઈ પણ બંને બહેનોની નીંદર વેરણ થઇ ગઈ. રિયાએ વોલ કલોકમાં નજર નાખી. રાતનો એક થઇ રહ્યો હતો. રિયાનું મન અટવાયું હતું મમ્મીને આ વાત કરવી કઈ રીતે? એ જવાબદારી રોમાએ રિયા પર નાખી દીધી હતી. આટલી ગંભીર વાત પછી પણ રોમાને મમ માફ કરી દેશે? વિચારનો ચક્રવાત બીજી દિશામાં ફંટાયો.

આખરે રોમાને પોતાની વચ્ચે આવી ખાઈ કેમ? મગજ મૂળ સમસ્યાનું સમાધાન શોધવાને બદલે ફરી એ જ જૂના દ્વંદ્વમાં અટવાયું. માંડ આંખ મળી ત્યારે આદિત્યનારાયણ પોતાના સાત અશ્વના રથ પર આવી ચૂક્યા હતા.

સેટ પર રિયા સમયસર હાજર તો થઇ ચૂકી હતી પણ મન તો રહી રહીને પહોંચી જતું હતું માઈલો દૂર રોમા પાસે.

‘ઓ હાય સ્વીટી… ક્યાં ગુમ થઈ ગઈ?’ અચાનક રિયાની તંદ્રા તૂટી. ચહેરા સામે, બરાબર આંખો સામે કરણ ચપટી વગાડી રહ્યો હતો.

‘ઓહ, શોટ રેડી છે? આયેમ રેડી!!’

‘અરે, શોટ રેડી હોય કે ન હોય, મેમ યુ આર નોટ રેડી, યુ આર લોસ્ટ… વોટ હેપન્ડ?’ કરણના ચહેરા પર એકદમ ચિંતિત હોય તેવા ભાવ ઉભરી આવ્યા.

‘લેટ્સ પેક અપ ફોર ટુડે…’ હજી રિયા કંઈ બોલે એ પહેલા તો કરણ ત્યાંથી ઝડપભેર ચાલ્યો ગયો. રિયા એને જતા જોઈ રહી. લપકીને એ ગયો હતો કુમારન પાસે. જેટલી ત્વરાથી ગયો હતો એથી બમણી ઝડપે એ પાછો ફર્યો, : ‘રિયા ડોન્ટ વરી, મેં કહી દીધું કે તારી તબિયત બરાબર નથી.’

‘અરે, અરે, પણ કોણે કહ્યું મારી તબિયત સારી નથી? આયેમ પરફેકટલી ફાઈન… પ્લીઝ…’ રિયાનો અવાજ વ્યગ્ર થઇ ઉંચો થઇ ગયો.

‘રીલેક્સ, બેબી રીલેક્સ…’

કરણ ન જાણે કઈ માટીમાંથી બન્યો હતો એને તો કોઈ પરિસ્થિતિની વિષમતા સ્પર્શતી જ નહીં.

‘કરણ, પ્લીઝ, કદાચ તને કોઈ ન કહે પણ મને ખબર છે કુમારસર ભારે નારાજ છે. આમ જોવા જઈએ તો આપણી આ પહેલી ફિલ્મ છે એવા સંજોગોમાં આપણે કોઓપરેટ કરવાને બદલે આવા સ્ટારનખરાં કરીને કરીને એમને પરેશાન કરી નાખ્યા છે.’ રિયાના અવાજમાં માત્ર નારાજગી જ નહોતી થોડી અસલામતી પણ ભળી હતી. એક ગેરશિસ્ત કલાકાર તરીકે થનારું નુકશાન શું હોય શકે એના દાખલા નજર સામે જ તો હતા.

‘ઓ.કે, સમજી ગયો… પણ સ્વીટી, લાસ્ટ ટાઈમ… હવે તો ચાહિયે તો પણ હવે આ બધી ધમાલમસ્તી નથી કરી શકવાના ને!’ કરણે હળવેથી આંખ મીંચકારી.

રિયા થોડી હેરત સાથે કરણને જોતી રહી ગઈ.

‘ઓહો મેમ, શૂટિંગ તો હવે એક જ અઠવાડિયાનું બાકી છે એ તો ટૂંક સમયમાં ઓવર ને ફિલ્મ રીલીઝ થઇ જશે પછી શું?’

‘એટલે? એટલે ફિલ્મ પૂરી થઇ જશે પછી?’ રિયાનું દિલ જાણે એક થડકારો ચૂકી ગયું.

‘ચોક્કસપણે… તો તું શું સમજી?’ કરણનું સ્મિત યથાવત હતું, એટલું જ મોહક, એટલું જ નિર્દોષ પણ આ વખતે પહેલીવાર રિયાને એમાં ન તો નિર્દોષતા દેખાઈ ન મોહકતા.

રિયાનો હાથ ક્યારે છાતીની દ્દાબી બાજુ ચંપાઈ ગયો ખ્યાલ ન આવ્યો અને બીજા હાથે આંખમાં વ્યાપી રહેલી ભીનાશને કારણે મેકઅપ ન બગડી જાય તેની તજવીજમાં ટીશ્યુબોક્સ તરફ વળ્યો. એનો અવાજ રૂંધાઇ ચૂક્યો હતો. રિયાને ચીસ પાડીને કહેવું હતું કે કહી દે આ બધું ખોટું છે. આ સમય ક્યારેય નથી વીતવાનો. બસ આમ જ ચાલ્યા કરે નિરંતર… પણ કોઈક અજ્ઞાત શક્તિ જાણે એનું ગળું ભીંસી રહી હતી કે એક પણ શબ્દ જ બહાર ન નીકળ્યો, બલકે નીચે દડવા માટે જ ઝલાઈ રહેલા આંસુ સરી પડ્યા.

‘ઓહ, આંસુ બન ગયે મોતી…’ રિયાના હાથમાંથી ટીશ્યુ લઈને કરણે જ આંસુને ઝીલી લીધા : ‘અરે! તું સાચે રડે છે?’

કરણ બે ઘડી સ્તબ્ધ તો થઇ ગયો ને બીજી જ પળે હસવા લાગ્યો : ‘ચલ મારી સાથે, અરે! જિંદગીને જુગારની રમતા શીખ બેબી! લેટ્સ ગો…’

રિયા વધુ કઈ વિચારે એ પહેલા તો કરણ એને સ્ટુડીઓના પોર્ચ સુધી દોરી ચૂક્યો હતો. રિયા હજી મામલો પામવાનો પ્રયત્ન કરે એ પહેલા તો કરણે આવીને ઉભી રહી ગયેલી મર્સિડીઝનું પાછલું બારણું ખોલી રિયાને અંદર હડસેલી પોતે બાજુમાં બેસી ગયો.

‘પણ કરણ એ તો કહે ક્યાં જઈ રહ્યા છીએ? મારે કુમાર સરને તો ઇન્ફોર્મ કરવા પડશે કે નહીં? કેટલા સમયમાં પાછા આવીશું?’

‘ડોન્ટ આસ્ક એનીથિંગ…’ કરણ એથી વધુ કશું બોલવા જ નહોતો માંગતો અને કાર સડસડાટ રફતારથી દોડી રહી હતી.

રિયા અવાચક થઈને કારના સ્પીડોમીટર પર ચમકી રહેલો ૧૮૦ કિ.મી પર ધસી રહેલો અંક અને બહાર ડુંગરાળ લીલોતરીની વચ્ચેથી સારી રહેલા ઢાળ જોતી રહી. કરણનો ચહેરો સપાટ હતો, ભાવવિહીન. આખરે શું હતું એના મનમાં?

પૂરા બે કલાકે મર્સિડીઝ થોભી.

ડ્યુક્સ રીટ્રીટ? હોટેલનું નામ ચમકાવી ગયું રિયાને. આ જાણીતી હોટલમાં આજની આ મુલાકાત ખાનગી કઈ રીતે રહેવાની?

બે કલાકના સફર દરમિયાન ડરની માત્રા રોમાંચમાં ફેરવાઈ ચૂકી હતી અને હવે એ જ રોમાંચ રોમેન્સમાં.

‘સ્વીટી, તું બેસ, હું જરા ડ્રાઈવરને બે કલાક માટે દફા કરીને આવું…’ કરણ એને ટેરેસ કાફેમાં દોરીને લાવ્યો એવો જ બહાર ગયો.

રિયાએ એક નજર ચારે બાજુ ફેરવી, બપોરનો સમય હતો, વાતાવરણ ખુશનુમા હતું પણ કાફેના મોટાભાગના ટેબલ્સ ખાલી હતા. થોડાં ટેબલ્સ પર પ્રેમી પંખીડાઓ તેમની ગટરગુંમાં પરોવાયેલા હતા.

રિયાએ રાહતનો શ્વાસ લીધો.: થેંક ગોડ, કોઈ છે નહીં… નહીતર… નહીતર શું ? કોઈને ખબર પડે તો પણ શું અને ન પડે તો પણ શું? મનમાં કોઈ બોલ્યું.

રિયાના મનમાં ફિલ્મી ગોસીપોમાં છપાતી વાત તાજી થઇ આવી. મોટાભાગની હિરોઈનો ગમે એટલી ટેલેન્ટેડ હોય તેમની કારકિર્દીના ગ્રહણનું કારણ માત્ર ને માત્ર એક જ હોવાનું, એમના લગ્ન.

જો કરણ આ ફિલ્મ પછી લગ્ન કરવા ઈચ્છે તો? એ પ્રસ્તાવ સ્વીકારવો કે ઠુકરાવી દેવો?

* * * *

ખંડાલાથી પાછા ફરતાં રાત પડી ચૂકી હતી. રિયાએ ઘરમાં પ્રવેશતાં હાશકારો અનુભવ્યો. માધવી ને આરતી બંને પોતપોતાના રૂમભેગા થઇ ગયા હતા. ચેન્જ કરીને રિયા કોલની વાટ જોતી રહી. રોમાએ જે પૂછ્યું હતું એ વાત પર તો વિચાર કરવાનો પણ સમય નહોતો મળ્યો. વધુ વિચારે એ પહેલા રીંગ સંભળાઈ. રોમા જ હતી. : ‘રિયા, તે વિચાર્યું કંઈ?’

‘એક વાત કહું? જો તને યોગ્ય લાગે તો?’ રિયાએ પરિસ્થિતિ માપી હતી તે રીતે વિચારવા માંડ્યું.

‘મારું મને તો આ વાત નાનીને પહેલા કરવી વધુ યોગ્ય રહેશે… એમને નક્કી કરવા દે કે મમ સાથે કઈ રીતે વાત કરવી!’

રિયાનો સુઝાવ સાંભળીને રોમા ઘડીભર માટે વિચારમાં પડી ગઈ. થોડીવાર રોમા ચૂપચાપ રિયાના સુઝાવ પર વિચારી રહી હોય તેમ ચૂપ રહી ને પછી અચાનક જ બોલી : ‘રિયા, ન તો મેં કોઈ ગુનો કર્યો છે ન પાપ, ન કોઈ શરમ છે ન પસ્તાવો… પણ શક્ય છે લવ ચાઈલ્ડ અમને એક કરશે. કદાચ આજે નહીં તો બે વર્ષે લગ્ન તો કરીશું જ ને! મને ફક્ત એક જ વાત ડંખે છે કે મમ આ આખી વાતને લેશે કઈ રીતે? હું એને જાણે અજાણે પણ સંતાપી ન બેસું એ એક જ વાત કોરી ખાય છે. એટલે જ તો કહું છું કે મને જરા મૂડ જાણીને વાત કર…’

સામે છેડે કોઈ ક્ષોભભરી માફી કે હીણપતભરી વાતને બદલે જે સંભળાયું એ રિયાના મન પર ખરેખર તો આનંદની હેલી વરસાવી ગઈ હતી.

ઊંઘવાના લાખ પ્રયત્ન કરી જોયા પણ ન જાણે ઊંઘ શું વેર લેતી હોય તેમ ફરકી જ નહીં. બલકે સામે આવતાં રહ્યા ચહેરા, રોમા, ને જેને જોયો પણ નથી તે મીરો… વાત જાણ્યાં પછી મમનો ચહેરો કેવો હશે એની કલ્પના પણ આવી હતી, ને નાનીમા… જાણે સહુ કોઈ રિયા સામે બેઠાં હતા. વાતાવરણ બોઝિલ હતું. ને એક ચહેરો સામે આવી ગયો, કરણનો. એ સાથે જ હળવું સ્મિત આવી ને બેસી ગયું.

પોતે તો રોમાની સરખામણીમાં કશું જ કર્યું નહોતું ને તો ય રોજ નાની જેવી છપાતી ગોસીપને કારણે મમ્મીના ઠંડા રોષનો ભોગ બની જતી હતી. વાંક ખરેખર મમ્મીનો હતો કે પેલા માણસનો જેને મમ વેરીના નામે બોલાવતી હતી?

એ રોષના બીજ રોપનાર માણસની તો શોધ શરુ પણ નહોતી કરી પોતે ને કરણ સાથે લગ્ન કરીને ઠરીઠામ થઇ સપના જોવા માંડી? રિયાના મનમાં તુમુલ ઘમસાણ એવું તો ભારે થઇ ગયું કે એનો અવાજ ડાબી દેવા રિયાએ બે કુશન વચ્ચે માથું ઘૂસાડી દેવું પડ્યું.

ક્રમશઃ

આજે માણો વેર વિરાસત નવલકથાનો ઓગણત્રીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૯}

  • પારખી પારેખ

    લેખિકા બેન ને આભાર, છેલ્લા ૨ અઠવાડિયાથી આગલા અંકની રાહ હતી.