અથડામણ
સંબંધોમા અથડામણ થવી સ્વભાવિક છે. દરેક વ્યક્તિને લાગે છે સામાવાળાની ભૂલ છે, અથડામણ માટે એ જ જવાબદાર છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે અથડામણ થવા માટે બે જણ જરૂરી હોય છે. અથડામણ દરમ્યાન આપણી શું ભુલ છે એ સમજી શકવું થોડું અઘરૂં છે. આપણી અંદરની ક્રોધ, અદેખાઈ, તિરસ્કાર વગેરે લાગણીઓ આપણને એ ભુલ સમજતાં રોકે છે.
પહેલા તો એ સમજવાની જરૂર છે કે આપણે અથડામણનો એક હિસ્સો છીએ. આપણે એનો વિરોધ કરીએ છીએ એટલે જ અથડામણ ઊભી થઈ છે. જો એની વાતથી તમને કોઈ જાતનું નુકશાન ન થવાનું હોય, તો એની વાત તોડી પાડવા તમને કોઈ જ ફરજ પાડતું નથી. તમે એ તમારી મરજીથી કરો છો. તમે વિરોધ કરો એ ઈરાદાથી કદાચ સામાવાળાએ એ વાત કરી પણ ન હોય. હા કદાચ એની વાત ભૂલ ભરેલી હોય, તો એકવાર તમે એનું ધ્યાન દોરી શકો, પણ એ ન માને તો એને વટનો સવાલ બનાવવાનું જરૂરી નથી. એ તમારી વાત ન માને તો તમને ગુસ્સો આવે કે તિરસ્કાર આવે એવી લાગણી એણે તમારામાં નાખી નથી, એ તો તમારામાં પહેલેથી છે, એટલે બહાર આવે છે.
અથડામણની શરૂઆત, તમે સામાવાળા પાસેથી શું આશા રાખો છો એના ઉપર અવલંબે છે. તમારા મનમાં એ વ્યક્તિ માટે અભાવ હોય તો એની સાચી વાત પણ તમને સારી નહિં લાગે. એની વાતનો તમારો પ્રતિભાવ પણ નકારાત્મક હશે. તે સમયનું તમારૂં વર્તન પણ સારૂં નહિં હોય. આમ કરવું જરૂરી નથી, તે ક્ષણે જો એણે સારી વાત કરી હોય તો તેના વખાણ કરવામાં કંઈપણ ખોટું નથી. આમ કરવાથી મોટાભાગની અથડામણો ટાળી શકાય છે.
જ્યારે અથણામણ થાય છે ત્યારે તમને પણ માનસિક પીડા થાય છે, ક્યારેક એ માનસિક અને શારિરીક રોગમાં પણ પરિણમે. આના વધુ નહિં તો અર્ધા જવાબદાર તમે પોતે છો. તમે ભાગ ન લો તો અથડામણ થવી શક્ય જ નથી. તમે ધારો તો થયેલી અથણામણનો પણ અંત લાવી શકો છો. પહેલા તમે મનથી નક્કી કરો કે તમને અથડામણ ખતમ કરવી છે કે નહિં.
મથામણ
મથામણ એ અથણામણ કરતા તદ્દન અલગ છે. અથણામણ અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ સાથે થાય છે જ્યારે મથામણ પોતાની સાથે જ થાય છે. મોટાભાગે અથડામણમાંથી દુખ મળે છે પણ મથામણને અંતે ડહાપણ મળવાનો સંભવ વધારે છે. મથામણના પાયામાં મુંઝવણ છે, અને મથામણ એમાંથી માર્ગ કાઢવાનો પ્રયત્ન છે.
જીવનના અનેક ક્ષેત્રોમાં મથામણ ઉદભવે છે. આપણે થોડા ઉદાહરણો જોઈયે. કેટલાક લોકો સમાજના ચીલાચાલુ નિયમોમાં રહેવાનો પ્રયત્ન કરે છે, અને મથામણ અને અથડામણ ટાળે છે, ત્યારે કેટલાક લોકોનો આત્મા અમુક વાતોનો સ્વીકાર કરતો નથી. બસ અહીં મથામણ શરૂ થાય છે, “જો હું અસ્વીકાર કરીશ તો એનું શું પરિણામ આવશે?” આ છે મથામણની શરૂઆત. બધાની મથામણની આ શરૂઆત હોય તો પણ એનું પરિણામ અલગ અલગ હોય છે, અને એ સૌકોઈના સંજોગ અને ડહાપણને આધીન હોય છે.
ક્યાંયે કંઈ ખોટું થઈ રહ્યું હોય, હું એ ખોટું છે એ જાણતો હોઉં, છતાંપણ મથામણ થાય છે કે વિરોધ કરૂં કે ન કરૂં? વિરોધ ન કરૂં તો મારૂં શું જાય? નકામી માથાકુટમાં શા માટે પડું? સાચું કહીશ તો શામજીભાઈને ખોટું લાગશે અને મારા એમની સાથે સંબંધ બગડશે. બસ મનની અંદર ધમાચક્ડી કરતા આ વિચારો એટલે મથામણ.
બથી મથામણો આવી ક્ષુલ્લક બાબતોમાં નથી હોતી. કેટલાક પ્રશ્નો ગહન હોય છે. આવા પ્રશ્નોની મથામણને અંતે કાં તો કોઈ ક્રાંતિકારી વૈજ્ઞાનિક શોધ જન્મે છે, જેવીકે ઝાડ પરથી જમીન ઉપર પડતા એપલને જોઈ, ન્યુટનને થયેલી મથામણ; અથવા કોઈ ક્રાંતિકારી વિચાર જન્મે છે, જેમકે મહાત્મા બુધ્ધને મનુષ્યજીવન વિશે જન્મેલા વિચારો.
હું માનું છું કે ક્ષુલ્લક મથામણને અલ્પ સમય માટે વાગોળી એને પડતી મૂકવી જોઈયે, પણ કોઈ વાત સતત મનમાં આવ્યા કરતી હોય અને કેડો ન મૂકતી હોય ત્યારે કાં તો જાતે વિચારીને અથવા કોઈની સલાહ લઈને એના નિષ્કર્ષ સુધી પહોંચવું જરૂરી છે. મથામણમાં જ જીવન વ્યતિત કરી દેવાને બદલે એને કસોટીની એરણે ચડાવી, પરિણામ ભોગવવા તૈયાર રહેવું જોઈએ, જેથી મન બીજીકોઈ વાતમાં પ્રવૃત્ત થઈ શકે.
માથાકૂટ
માથાકૂટ એ અથણામણ અને મથામણ કરતાં અલગ છે. માથાકૂટમાં અથણામણ થતી નથી, અને એ મથામણનું પરીણામ પણ નથી. એ એક પોતાની વાત મનાવવા વલખાં મારતાં મનનું પરિણામ છે. ઉદાહરણ તરીકે તમે અમુક લોકો પાસે એક વાત મૂકી પણ એમાંથી કોઈને એ વાત વ્યાજબી લાગી નહિં, અથવા એમને એ વાતમાં રસ ન પડ્યો, એ વાત આગળ ચાલે એવી કોઈની ઈચ્છા ન હોવા છતાં, તમે એ વાતને પકડી રાખો, ત્યારે કોઇ કહેશે, “મૂકને માથાકૂટ, અમને એમાં રસ નથી.”
માથાકૂટ શબ્દ સાથે ક્યારેક “નકામી” વિશેષણ જોડવામાં આવે છે. “મૂકને નકામી માથાકૂટ”, એટલે કે તારી વાતનું કોઈ મહત્વ નથી, એ વાત કોઈ સ્વીકારે એમ નથી, તમારી બધી મહેનત નકામી જવાની છે.
હંમેશાં માથાકૂટ નકામી જાય છે એવું પણ નથી. તમે તમારી વાત પકડી રાખો છો, ત્યારે કંઈક એવું બને છે કે તમારી વાતને સાચી પૂરવાર કરે છે, ત્યારે એ જ લોકો કહેશે “એ બિચારો તો કહેતો હતો, આપણે જ એને નકામી માથાકૂટ કહીને એને વખોડતા હતા.”
“જીદ” એ માથાકૂટની નજીક છે પણ જીદ એ માથાકૂટ નથી. “જીદ” એ પોતાની વાત મનાવવાનો જોરદાર પ્રયત્ન છે. જીદમાં તમારી વાત જો ન મનાય તો આગળ કોઈ કારવાહી કરવાની ધમકી પણ ક્યારેક જોવા મળે છે. માથાકૂટ કરતાં જીદમાં બાંધછોડ માટે અવકાશ ઓછો હોય છે.
આમ જોવા જઈયે તો અથડામણ, મથામણ, માથાકૂટ અને જીદ, આ બધી માનસિક પ્રક્રીયાઓ છે, અલબત લાંબેગાળે શારીરિક પ્રક્રીયાઓ ઉપર એની અસર થાય છે. આ બધાને કાબુમાં રાખવાનો એક રસ્તો છે મંથન. એક આધ્યાત્મીક વિચાર, જે રોજીંદા જીવનથી ઉપર ઊઠીને પરિસ્થિતીનો તાગ કાઢે. બધામાટે મંથન શક્ય નથી.
– પી. કે. દાવડા
અથડામણ, મથામણ ,માથાકૂટ અને જીદ જેવા મનો વૈજ્ઞાનિક વિષયો પર દાવડાજીએ એમનાં અનુભવ સિદ્ધ મંતવ્યો અને વિચારો આ લેખમાં રજુ કર્યા છે એ મનનીય છે.
સંબંધો સાચવવા એ બહુ નાજુક બાબત છે. નજીવી વાતમાં સંબંધો બગડતાં વાર નથી લાગતી .અથડામણ થતી નિવારવા સાચું વિચારવાની મથામણ કરીએ તો સબંધો બગડવાની માથાકૂટમાંથી બચી શકાય છે. આટલું સીધું સાદું જીવનનું સત્ય ના સમજવા માટેની ખોટી જીદ કરવા જેવી નથી !
બહુ સરસ લેખ બન્યો છે. આપના જીવનના નિચોડસમ. ઘણું નવું નાણવા મળ્યું.
, – . .
અથડામણ,મથામણ, માથાકૂટ અને છેલ્લે “મંથન” ઘણૂં સમજવા મળ્યું.
સોનેરી સુવાક્યોઃ
“તમે ધારો તો અથડામણનો અંત લાવી શકો છો”
“મથામાણને….. કસોટીની એરણ પર ચડાવી એના નિષ્કર્ષ સુધી પહોંચવું”
“આ બધી માનસિક પ્રક્રિયાઓને કાબૂમાં રાખવાનો એક રસ્તો છે મંથન..”
આભાર શ્રી દાવડા સાહેબ અને અક્ષ્રરનાદનો..
ફળસૃતિ એ છે કે કોઇ પણ ફોર્સ નો અવરોધ હોય તો અમુક હદ પછી તેની કાયમ ની વિકૃત અસર પેદા થાય પણ જો અવરોધ જ ન હોય તો !! ?? તે ફોર્સ ની અસર નાબૂદ થઇ જાય છે.. અવિરત ગતિ પામે છે.. જેને કારણે પૃથ્વી, ગ્રહો, નક્ષત્રૌ પોતપોતાની દૂરી અને ગતિ જાળવી શકે છે.. આ ભૌતિક વિજ્ઞાન નો નિયમ જીવન મા ઉતારવા જેવો છે .. જે વિકૃતિ ટાળવા મદદ રુપ થાઇ પડે છે. ચોક્કસ વિચારવા-સમજવાની વાત છે. વાચક મિત્રો સાવધાન રહેજો..
મંથન પણ એક જાતની માથાકૂટ જ છે. સાવ સરળ રસ્તો પણ છે!
માત્ર એક જ સંકલ્પ કરો,’ હવે શું વિચાર આવશે – તે હું જોઈશ.’
અને… આશ્ચર્યજનક રીતે બે ચાર સેકન્ડ કોઈ જ વિચાર નહીં આવે.
બસ….. આ પ્રેક્ટિસ ચાલુ રાખો. દિવસમાં મન થાય એટલી વખત. પણ ૬૦ દિવસ સુધી સતત. એકાદ દિવસ પડે તો વાંધો નહીં. ફરીથી ૬૦ની ગણતરી ચાલુ કરી દેવાની.
આ પ્રયોગ કરી જુઓ . કદાચ તમારું પોતાનું સત્ય અને ચાવી મળી જશે.
અથડામણ
કોઈ નિર્જીવ વસ્તુઓ કે બેહોશીમાં જીવતા લોકો માટે અથડામણ શબ્દનો પ્રયોગ થાય છે. બે કાર અથડાય, બે બેહોશ માણસ અથડાય,બેહોશીમાં જીવતા પતિ-પત્ની અથડાય.જ્યાં અંધકાર છે ત્યાં અથડામણ છે. અંધકાર, અજ્ઞાન, અવિદ્યા, બેહોશી દુર થાય તો આવી અથડામણો ટળે છે.
મથામણ
મથામણ નો સંબંધ બુધ્ધી સાથે છે. બુધ્ધીના સ્તરે જ્યારે કોઈ સ્પંદન થાય ત્યારે મથામણ છે. પછી આ મથામણ બે બુધ્ધીની વચ્ચે પણ હોઈ શકે અને સ્વયંની બુધ્ધી સાથે પણ હોઈ શકે. મથામણમાં અહમ તત્વ નહિવત કે નથી હતુ અને તેમાંથી સંવાદ જન્મે.
મંથન
મંથનનો અર્થ છે વલોવવું. અને જ્યારે છાશને ખુબ વલોવીએ ત્યારે માખણ નીકળે તેમ બુધ્ધીને, મનને ખુબ વલોવીએ ત્યારે કાંઈક રહસ્યો ખુલે જે સામન્યરીતે દેખાતા ન હોય.
માથાકુટ
માથાકુટ છે અહમ જન્ય બુદ્ધીનો ટકરાવ. જેનુ પરિણામ હંમેશા અશુભ હોય. કેવળ બે બુદ્ધીની વચ્ચે તણખા ઝરતાં રહે અને ક્યારેક તો તેમાંથી આગ લાગી જાય.માથાકુટ હંએશા વિવાદ અને વિખવાદ જન્માવે છે.
જીદ.
હું જ સાચો કે હું કહું તેમજ થવું જોઈએ તે જીદ છે.
nice piece of thought, such thoughts gives provocaive material to an intelligent person.nice keep going hanks. Mr adhyarubhai
you are very good work on ur website. nice to receive thought provoking and intelligent articles. convey my appreciation , to all the authors. i read evey one but donot convey every time.so please convey my good wishes to all the authors of such good work
thanks
keep it upI want gujrati to engllsh and english to gujrati translation software on my PC can you help me.
with regards