‘કાષ્ઠને ચંદન કરે,
ઉરને નંદન કરે,
તેવા શિક્ષકને
કોણ ન વંદન કરે ?
અલ્યા, પેલા માસ્તરને બોલાવો.”આ માસ્તરવેડા બંધ કરો હવે,”આ માસ્તર એકની એક વાત પકડી રાખે છે.’ સ્હેજ પણ’પ્રેકટીકલ’ નથી થતા !. સાચા શિક્ષકને સમાજમાંથી આવા વાકયો સાંભળવા પડે છે.’માસ્તર’ શબ્દનો મૂળ અર્થ ખોવાઈ ગયો હોય તેવું પ્રતીત થાય છે!
કૈલાસ ગુરુકુળ ખાતે પૂ. મોરારિબાપુએ સદ્ભાવના પર્વમાં માસ્તરનો અર્થ આ રીતે આપેલો : ‘જે મા ના સ્તર સુધી જઈને ભણાવે તે માસ્તર.’ મા જેવું વાત્સલ્ય, મા જેવો પ્રેમ અને મા જેવું વર્તન જે શિક્ષકનું હોય તેને માસ્તર કહી શકાય. ખરેખર તો આ ત્રણેય પૈકી એક પણ ગુણ જે શિક્ષકમાં ન હોય તેને ‘ માસ્તર ‘ કહેવો અપરાધ ગણાવો જોઈએ. પીટીસી કે બી.એડ્. નું ર્સિટફિકેટ મળી જવા માત્રથી શિક્ષક થઈ જવાતું નથી. “બાળકને જોઈ જે રિઝે, રિઝે બાળક જોઈ તેને, હૃદય-હૃદયના વંદન તેને.” આવું સાબરકાંઠા જિલ્લાના જ્ઞાાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકાર ઉમાશંકર જોશી લખીને ગયા. માત્ર ડીગ્રી ધારી શિક્ષકો નહિ પણ પ્રેમ, લાગણી અને સહાનુભૂતિથી છલકાતાં હૃદયવાળા શિક્ષકોની આવશ્યકતા છે.
અવનવી વાતો, નવી ફિલ્મ, નવુ પુસ્તક, નવી શિક્ષણની પ્રયુકિત, નવી શિક્ષણની એપ, શિક્ષણની વેબસાઈટસ, વગેરેથી જાણકાર, સતત અપડેટ રહેતો હોય એવા શિક્ષકને, વિદ્યાર્થીઓ હૃદય-હૃદયનાં વંદન પાઠવતાં હોય છે.
વેદમાં એક જગ્યાએ શિક્ષકને ‘ગાતુવિદ્’ કહયો છે. ‘ગાતુ’ એટલે ગમન-માર્ગ અને ‘ગાતુવિદ્’ ગમન-માર્ગને ખોળનારો, જેને અંગ્રેજીમાં ‘પાથ ફાઈન્ડર’ કહે છે. શિક્ષક માટે વેદનો આ વિશેષ શબ્દ છે. વેદ શિક્ષકને અત્યંત શકિતશાળી માર્ગદર્શકના રૂપમાં જુએ છે.
કેટલાક નવી ટેકનોલોજી સેવી શિક્ષકો હવે આ ચાર બાબતો પર ભાર મૂકતાં થયા છે.
I.Q. – Intelligence Quotient( બુધ્ધિમત્તા આંક)
E.Q.- Emotional Quotient ( ભાવનાત્મકતા આંક)
S.Q.-Spiritual Quotient (આધ્યાત્મિકતા આંક)
C.Q.-Creative Quotient(સર્જનાત્મકતા આંક)
બાળક બુધ્ધિમાન તો છે જ પણ સાથે સાથે તેનામાં ભાવનાશીલતા અને આધ્યત્મનો ભાવ પણ રહેલો છે. માણસમાં રહેલી વિચારવાની શકિતમાં આધ્યાત્મ રહેલું છે. Creative Quotient (સર્જનાત્મકતાનો આંક) જેટલો ઊંચો તેટલું તે બાળક, નવું અને જુદું કરવા પ્રેરાય છે.
આ બધા આંક જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા ઊંચા લાવવા કેટલાક માસ્તરો મથતા હોય છે. બાળકો માટે નીચોવાઈ જતો માસ્તર કોઈ એવોર્ડ કે મેડલનો મોહતાજ નથી હોતો. વિદ્યાર્થીઓનો પ્રેમ એનો પુરસ્કાર બને છે. અરજી કરીને એવોર્ડ મેળવવો એની ફિતરતમાં નથી હોતુ. પ્રેરણા પૂરી પાડતો શિક્ષક સાચા અર્થમાં પથદર્શક (પાથ ફાઈન્ડર) છે. વિદ્યાર્થીઓ ભણાવનારા શિક્ષક કરતાં પ્રેરણા આપનારા શિક્ષકોને વધુ યાદ રાખે છે. બાળકોને પ્રેમ કરી શકનારા જન્મજાત શિક્ષકો પેઢીઓનું ઘડતર કરવાનું મંગલ કાર્ય કરે છે. મને-કમને શિક્ષક બની ગયેલા અને વિદ્યાર્થીઓને પ્રેમ ન કરી શકનારા શિક્ષકોએ રાજીનામું અપી દઈ વિદ્યાર્થીઓ પર મોટો ઉપકાર કરવો જોઈએ. એ રીતે ‘દેશસેવા’ પણ થઈ ગણાશે.
આદર્શ શિક્ષક એક વહેતી નદી જેવો છે. જેના મનમાં કોઈ નાતજાતના ભેદભાવ નથી. જેના સ્વભાવમાં પ્રવાહિતા છે. સર્વને સમાવી શકે તેવું વિશાળ હૃદય છે. સર્વને સમાનભાવે અને નિસ્વાર્થ ભાવે વહેંચવાની નદીવૃત્તિ છે. નદી માનવજાતના મેલ (શંકાઓ) ધુએ (દૂર કરે) છે. સ્વમાની એટલી કે જયાંથી નિકળી ત્યાં પાછી જાય નહિ. ને કવિને કહેવું પડે કે ‘કેવા સંજોગોમાં પર્વતે આપી હશે વિદાય, નીજ ઘરથી નિકળી નદી પાછી વળી નથી.નદીને ‘મેં કર્યુ’ નો કોઈ ભાવ નહીં ને અહંકારનો છાંટો નહિ,મહાસાગરમાં ભળી જવાનું ને પોતાનું અસ્તિત્વ મીટાવી સર્મિપત થઈ જવાનું. ‘માસ્તર’ ખળખળ વહેતી સરિતા જેવો છે. નદીની ઉપમા મળવાથી માસ્તર શબ્દ વધુ ગૌરવવંતો બને છે.મારું જો ચાલે તો બાળકોના પ્રિય અને ‘માસ્તર’ શબ્દને ગૌરવવંતો કરતાં શિક્ષકોનો પગાર બમણો કરી દઉં. !
વિનોબા કહેતા : ‘શિક્ષકે મેઘ નહિ, માળી બનવાનું છે.’ વાદળું તો વરસી જશે, વરસાદ પડી જશે. વરસાદનું વરસી જવું એ એક વાત છે ને છોડને પાણી સિંચવું ને માવજત કરવી બીજી વાત છે. માળીનું કામ એ છે કે કયા છોડને કેટલું પાણી
જોઈએ ? પાણી નકામું જતું રહે તે પણ તેને નહીં ગમે. ખરેખર, માસ્તર એ માળીની જેમ બાળકોની કાળજી રાખનારો શિક્ષણ પ્રહરી છે. કવિ સુન્દરમ્ની ક્ષમાયાચના સાથે શિક્ષકશ્રી એક પંકિત યાદ રાખી શકે છે : હું, શિક્ષક, શિક્ષક થાઉં તો ઘણું !
– ડૉ. સંતોષ દેવકર
બિલિપત્ર
ભયમુકત ને
સ્પર્ધામુકત કરાવે
તે સાચી કેળવણી.
– જે. કૃષ્ણમૂર્તિ
સરસ લેખ…
આપની વાતો ગમી…
હું પણ શિક્ષક છું, ક્ષમાયાચના સાથે એક વાત ઉમેરું તો આદર્શ શિક્ષકનું વાંચન ખૂબ વિશાળ હોય એ પણ જરૂરી છે, વેબસાઇટ-બ્લોગ અને એપના આધારે માહિતી આપી શકાય…કેળવણી માટે શિક્ષક અંદરથી સમૃધ્ધ બને તે જરૂરી છે.
ઈસ્માઈલભાઈ,
આદર્શ શિક્ષકના ગુણોમાં આપનું ઊમેરણ એકદમ સાચું અને યથાયોગ્ય છે. આદર્શ શિક્ષક હંમેશાં ” વિદ્યાર્થી ” રહેતો હોય છે , તે સતત ભણતો રહેતો હોય છે. નવી ટેક્નિકલ વાતોથી અપડેટ થતો રહે છે. ઈન્ટરનેટના માધ્યમથી નવું નવું જ્ઞાન મેળવીને તે વિદ્યાર્થીઓને વહેંચતો રહે છે, તથા પોતાના વિશાળ વાંચનનો લાભ પણ પોતાના વિધ્યાર્થીઓને આપતો રહે છે.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
સંતોષભાઈ,
શિક્ષકની સાચી પરિભાષા આપતો આપનો લેખ ઉત્તમ રહ્યો. આભાર. ઈચ્છીએ કે આવા આદર્શ શિક્ષકો સમાજને મળતા જ રહે.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
ખુબ સરસ લેખ છે. ધન્યવાદ. જય શ્રી ક્રિશ્ના.
આભાર , ભાવેશભાઇ,