મુસાફર.. – બાર્બરા જેન બેયન્ટન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 5


(‘મમતા’ સામયિકના જાન્યુઆરી ૨૦૧૬ના અંકમાં પ્રકાશિત)

સ્ત્રીએ પોતાની લાકડી અને બાળકને ઘાસ પર મૂક્યાઅને વાછરડાનું દોરડું ઢીલું કર્યું. દોરડાની લંબાઇને લીધે એ બંને વચ્ચે ઘણું અંતર હતું. ગાય વાછરડાંની નજીક જ હતીઅને એ બંને બેઠા હતાં. નદીકાંઠાની ધારે ઘણો ચારો હતો અને રોજ તે વાછરડાંને બાંધવા એક નવી જગ્યા શોધી કાઢતી, કારણ કે વાછરડાંને બાંધવું જરૂરી હતું. જો તે એમ ન કરે તો વાછરડું પણ ગાયની સાથે રઝળ્યાં કરે. તેની પાસે વાછરડાં પાછળ જવા માટે ખાસ્સો સમય હતો, પણ ત્યાં બાળક હતું, અને જો ગાય પાછી વળીને સપાટ મેદાનમાં તેની તરફ દોડે, અને તે બાળક તરફ…

તે શહેરની છોકરી હતી અને ગાયથી ડરતી, પણ ગાયને આ વાતની ખબર પડે એમ તે ઈચ્છતી નહોતી. વાછરડાંને જ્યારે વાડામાં બાંધવામાં આવતું ત્યારે ગાયના ભાંભરડાથી ડરીને તે ભાગતી, આથી ગાયને સંતોષ થતો અનેવાછરડાંને પણ.. પણ એ સ્ત્રીનો પતિ ગુસ્સે થઈને તેને હલકાં ઉપનામોથી નવાજતો. તેણે જ તેની પત્નીને ગાય તરફ દોડાવીને ગાયને આગળ વધતી અટકાવવા કહ્યું હતું. જ્યાં સુધી ગાય પાછી ફરીને દોડે નહીં ત્યાં સુધી તે લાકડી વીંઝતી અને તેને બીવડાવવા બૂમો પાડતી. ‘બરાબર, એમ જ!’ સ્ત્રીના સફેદ પડી ગયેલા ચહેરા તરફ જોઈને હસતાં હસતાં તે કહેતો. ઘણી બધી રીતે એ ગાયથી પણ ખરાબ હતો અને સ્ત્રી ઈચ્છતી કે તેની સાથે પણ એ જ નિયમો લાગે જે ગાય માટે લાગુ પડતા, પણ તે તો ગાય સાથે પણ કદી ઉશ્કેરણીજનક વર્તન કરી શક્તી નહીં.

વાછરડા માટે અત્યારે સૂઈ જવું હજુ વહેલું હતું, રોજીંદા સમયથી લગભગ એક કલાક વહેલું; પણ સ્ત્રીને આખો દિવસ જંપ વળ્યો નહોતો, એક કારણ તો એ કે આજે સોમવાર હતો અને હવે અઠવાડીયાને અંતે તેને અને તેના બાળકને પિતાનો સાથ મળવાનો હતો, જેને ઘણી વાર હતી. તે ઘેટાંના ઉન કાઢવાનું કામ કરતો અને પોતાની કામ કરવાની જગ્યાએ આજે સવાર થાય એ પહેલાં જ જતો રહ્યો હતો, તેમની વચ્ચેનું પંદર માઈલનું અંતર તેમને નોખાં કરતું હતું.

ઘરની સામે એક કેડી હતી, ભૂતકાળમાં તે દારૂડીયાઓનો અડ્ડો હતો, કેટલાક મુસાફરો એ રસ્તે ક્યારેક નીકળતા. તેને ઘોડેસવારોનો ડર ન લાગતો, પણ ખભે બિસ્તરો લાદીને પગે ચાલીને નાનકડા શુષ્ક નિષ્ઠુર શહેર તરફ જતાં, કે નશામાં ડૂબીને આવતાં મજૂરોનો તેને ખૂબ ડર લાગતો. આજે એવા જ એક માણસે દરવાજે બૂમ પાડી અને ખાવાનું માગ્યું.

આહ! આ ડરને લીધે જ તેણે વાછરડાને વહેલું બાંધી દીધું હતું. આગંતુકની આંખો અને દાંતનો ચળકાટ જોઈને સ્ત્રીને ખૂબ ડર લાગ્યો, આગંતુકે તેના ઉપવસ્ત્રથી ઢંકાયેલા સ્તન પર પોતાની મુઠ્ઠી મારતા ઉતાવળા નવજાત બાળક તરફ જોયું એથી અને તેની કમરે પટ્ટામાં બંધાયેલા ચાકૂથી સ્ત્રીને વધારે ડર લાગ્યો.

આગંતુકને તેણે બ્રેડ અને માંસ આપ્યું. પોતાનો પતિ બિમાર છે એવું સ્ત્રીએ આગંતુકને કહ્યું. જ્યારે એ એકલી રહેતી ત્યારે કાયમ એમ જ કહેતી અને આમ કોઈ અણધાર્યો આગંતુક આવી ચડે તો તે રસોડામાંથી સૂવાના ઓરડામાં જતી અને શક્ય એટલો પુરુષનો અવાજ કરીને પ્રશ્નો પૂછતી અને જવાબ આપતી. આગંતુકે તેની પાસે પોતાની ચાની કીટલી ગરમ કરવા રસોડામાં જવા માટે પૂછ્યું, પણ તે ચા લઈને આવી અને આગંતુકને આપી, લાકડાના ઢગલાપર બેસીને તેણે એ ચા પીધી. આગંતુક ઘરમાં આમ તેમ ફર્યો અને ફરતો જ રહ્યો. તેણે ઘરમાં ઘણી જગ્યાએ તિરાડો જોઈ, અને જતા પહેલાં તમાકુ માંગી. પોતાની પાસે તમાકુ નથી એમ એ સ્ત્રીએ કહ્યુ એથી આગંતુકે દાંતિયાં કર્યા; કારણ કે જે લાકડાના ઢગલા પાસે તે ઊભો હતો ત્યાં પાસે જ તૂટેલી માટીની હોકલી પડી હતી, અને જો ઘરમાં કોઈ પુરુષ હોય તો તમાકુ પણ હોવી જ જોઈએ. પછી તેણે પૈસા માંગ્યા પણ આવા જંગલોમાં રહેતી સ્ત્રીઓ પાસે કદી પૈસા ન રહેતા.

આખરે તે ગયો, અને સ્ત્રીએ તિરાડમાંથી તેને જોતાં નોંધ્યું કે થોડેક દૂર ગયા પછી તે ફરીથી ઘર તરફ વળીને જોવા લાગ્યો. તે, જાણે પોતાને જોઈતી વસ્તુ મળી ગઈ હોય તેવો ડોળ કરતા થોડીક ક્ષણો ત્યાં જ ઊભો રહ્યો. આખરે તે ડાબી તરફ આવેલ નદીના ફાંટા તરફ વળી ગયો. એ ફાંટો ઘરની ફરતે બાણ જેવો આકાર રચતો હતો અને એટલે એ જ્યારે બીજી તરફથી આવ્યો ત્યારે સ્ત્રી તેને જોઈ શકી નહીં. કલાકો પછી, ધુમાડાની એંધાણીઓ શોધવા, જ્યારે તેણે ખૂબ ધ્યાનથી આસપાસના વિસ્તારનું નિરિક્ષણ કર્યું ત્યારે જોયું કે પેલા આગંતુકનો કૂતરો નદી કિનારે પાણી પીવા ગયેલા ઘેટાંની પાછળ ગયો હતો અને જાણે તેના માલિકે બોલાવ્યો હોય તેમ લપાતો છુપાતો પાછો પણ જતો રહ્યો.

અનેક વખત તેણે બાળકને લઈને પતિ પાસે જતા રહેવાનો વિચાર કર્યો હતો, પણ ભૂતકાળમાં જ્યારે પણ તેણે એકલા રહેવાથી સર્જાતા જોખમો વિશે પતિ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ત્યારે તેના પતિએ તેને ભારે ઠપકો આપ્યો હતો, મહેણાં માર્યા હતાં અને તેને ધુત્કારી હતી. અપમાનજનક ભાષામાં પોતાની પત્નીને કહેલું કે તેણે પોતાની વધારે પડતી આળપંપાળ કરવાની જરૂર નહોતી, કોઈ તેને ઉપાડી જવાનું નહોતું.

રાત પડવાની ઘણી વાર પહેલા તેણે ભોજન ટેબલ પર મૂક્યું, અને તેની માએ તેને આપેલું બિલ્લા જેવું એકમાત્ર ઘરેણું પણ પાસે જ મૂક્યું. તેની પાસે મૂલ્યવાન ગણી શકાય એવી આ એક જ વસ્તુ હતી અને તેણે રસોડાનો દરવાજો સાવ ખૂલ્લો મૂકી દીધો.

અંદરના બધા જ દરવાજા તેણે સલામત રહે તેમ બંધ કર્યા. દરવાજાના આગળાની સાથે તેણે સ્ટીલના વાસણ અને કાતર પણ ખોસી, દરવાજાની સાથે તેણે ટેબલ અને બેઠક પણ એકબીજા ઉપર મૂકી. ઘરના મુખ્ય દરવાજાની નીચે તેણે પાવડાનો હાથો ખોસ્યો અને તેનો ચપટો ભાગ ભોંયતળીયાના પાટીયા વચ્ચેની તિરાડમાં ધકેલ્યો. જેમ પાવડાના હાથાએ દરવાજાનો વચ્ચેનો ભાગ સુરક્ષિત કર્યો તેમ લાકડીના લાંબા ટુકડાઓ દરવાજાના ઉપરના ભાગમાં ગોઠવાયા. બારીઓ તો નાનકડા બાકાંથી મોટી નહોતી એટલે એ તરફથી કોઈ ડર નહોતો.

તેણે થોડુંક ભોજન કર્યું અને એક કપ દૂધ પીધું, પણ આગ ન સળગાવી, એટલે જ્યારે રાત આવી ત્યારે એક મીણબત્તી પણ સળગતી નહોતી, પોતાના બાળકને દબાવીને તે ચૂપકીદીથી પથારીમાં ગોઠવાઈ ગઈ.

એ શેનાથી જાગી ગઈ? જો કે આશ્ચર્યની વાત તો એ હતી કે તે સૂઈ ગઈ – તેણે સૂવાનું નહોતું, પણ એ યુવાન હતી, ખૂબ યુવાન. કદાચ છાપરાંના ખખડવાના અવાજે તે જાગી ગઈ હોય, પણ એ તો સામાન્ય હતું. કંઈક એવું થયું હતું જેથી તેનું હ્રદય જોરશોરથી ધબકારા લેતું હતું; પણ એ સાવ શાંત પડી રહી, ફક્ત તેણે પોતાનો હાથ બાળક પર મૂક્યો. ધીરેથી પોતાના બંને હાથ બાળકને વીંટાળતી તે બોલી, ‘દીકરા, મારા દીકરા; ભગવાનને ખાતર તું જાગતો નહીં..’

ચંદ્રના કિરણો એ ઘરના આગળના ભાગને અજવાળી રહ્યાં, અને તે સૂતી હતી ત્યાં પાસેની એક ખુલ્લી તિરાડમાંથી આવતા અજવાસને તેણે કોઈકના પડછાયા દ્વારા અવરોધાતો જોયો. તરત જ મુકાબલો કરવાનો એક અનોખો ઉભરો આવ્યો; અને પેલો ડરીને ભાગી રહ્યો હોય એવા અવાજનો તેને કલ્પિત આભાસ થયો. પણ ત્યાં કૂતરા પર કંઈક જોરથી પ્રહાર થવાને લીધે થતો ધમાકો સાવ સ્પષ્ટ રીતે સંભળાયોઅને પીડાની તીણી, કારમી ચીસ પાડતું; લાંબી ફલાંગો ભરતું એ ત્યાંથી ભાગ્યું. દિવાલમાંની દરેક તિરાડ પર ઘાટ્ટો થતો પડછાયો તેણે હજુ પણ નિહાળ્યો. અવાજો પરથી તેને સમજાયું કે શક્ય એટલી તિરાડોમાંથી એ માણસ અંદર જોવાનો પ્રયત્ન કરી રહ્યો હતો; પણ તેને કેટલું દેખાયું તેનો અંદાજ એ કાઢી શકી નહીં. એણે એવા ઘણાં વિકલ્પો વિશે વિચાર્યું કે જેથી એ તેને છેતરી શકે અને તેના મનમાં એ વાત ઠસાવી શકે કે તે એકલી નથી. પણ તેના અવાજને લીધે બાળક ઊઠી જાય એવી શક્યતા હતી, અને અત્યારે તેને એ જ સૌથી મોટી દહેશત હતી, આથી તેણે પ્રાર્થના કરી, ‘ઉઠીશ નહીં દીકરા, રડીશ નહીં!’

ચુપકીદીથી એ પેટે ઘસડાતો એ વરંડામાં આગળ વધ્યો, મુખ્ય દરવાજાએ મચક ન આપી એટલે સ્ત્રીના ઓરડાની નાનકડી બારી શોધવાના પ્રયત્નમાં એના પગ ઘસડાવાથી થતા કંપનને લીધે એ જાણી શકી કે તેણે બૂટ કાઢી નાંખ્યાં હતાં.

એ બીજા છેડા તરફ ગયો, અને એ શું કરે છે એ વિશેની અસ્પષ્ટતા હવે સ્ત્રીથી સહન થતી નહોતી. એ નજીક હતો ત્યારે સ્ત્રી પોતાને અત્યાર કરતા ક્યાંય વધારે સુરક્ષિત અનુભવતી હતી, કારણ એ તેને જોઇ અને સાંભળી શક્તી. સ્ત્રીને લાગ્યું કે તેણે પર ધ્યાન રાખવું જ જોઈએ, પણ બાળક ફરીથી જાગી જવાની બીક તેને મૂંઝવી રહી. અચાનક તેને યાદ આવ્યું કે જે તરફએ હતો તે તરફનો ઘરની છતનો ભાગ લંબાઈ અને પહોળાઈમાં સંકોચાઈ ગયો હતો, અને એક વાર પડી પણ ગયેલો. લાકડાનો એક ટુકડો તેને ત્યાં ટકાવી શક્યો હતો. પેલો એ વાત જાણી જાય તો? અનિશ્ચિતતાએ તેનો ભય વધારી દીધો. સ્ત્રીએ પ્રાર્થના કરી અને હળવેથી બાળકને હાથમાં લઈ, પોતાની છાતીએ સખતાઈથી પકડીને ઊંચી થઈ.

એણે ચાકુની કલ્પના કરી, અને બાળકના શરીરને પોતાના હાથ અને બાહુ વડે રક્ષણ આપ્યું, તેના નાના પગને પણ સ્ત્રીએ પોતાના સફેદ પોશાક વડે ઢાંકી દીધા. બાળકે જરાય અવાજ ન કર્યો, જાણે તેને પણ આમ રહેવું ગમતું હોય. ચૂપકીદીથી તે બીજી તરફ સરકી, અને જ્યાંથી જોઈ અને સાંભળી શકાય, પણ પોતે દેખાઈ ન જાય એવી જગ્યાએ તે ઉભી રહી. તે છતના દરેક ભાગને ચકાસી રહ્યો હતો, અને પેલા લાકડાના ટુકડા વાળા છતના ભાગની નજીક હતો. સ્ત્રીએ તેને એ ભાગ શોધી કાઢતા જોયો; અને પછી ચાકૂ દ્વારા ધીરે ધીરે લાકડાના એ ટુકડાને કપાતો સાંભળ્યો.

બાળકને પોતાની છાતી સાથે સજ્જડ દબાવીને એ સાવ સ્થિર ઉભી રહી, જો કે તેને ખબર હતી કે આ ક્રૂર આંખો, કામાતુર ચહેરો અને ચળકતા ચાકુ વાળો માણસ થોડી જ ક્ષણોમાં આવી જશે. છતના એ ટુકડાનો ભાગ એક તરફ નમ્યો; તેણે હવે ફક્ત બાકી રહેલો નાનકડો છેડો જ કાપવાનો હતો, અને જો એ છોડી દે તો છતનો એ ભાગ બહાર પડવાનો હતો.

પેલો માણસ ચાકૂથી લાકડું કાપતા ભારે શ્વાસ લેતો હતો તેનો અવાજ અને તેના કપડાનો દિવાલ સાથે ઘસાવાનો અવાજ સ્ત્રીએ સાંભળ્યો, અને એ એટલી સ્થિર અને શાંત ઉભી રહી કે તે હવે ધ્રુજતી પણ નહોતી. એટલે જ્યારે તે અટક્યો ત્યારે સ્ત્રીને એ ખબર પડી, પણ એવું કયા કારણે થયું એ તેને ખબર ન પડી. તે બરાબર છુપાઈને ઊભી હતી; તેને ખબર હતી કે એ તેને જોઈ શક્તો નહોતો, અને જો એ જોઈ પણ જાય તો તેને સ્ત્રીનો કોઈ ડર લાગવાનો નહોતો. છતાંય સ્ત્રીએ તેને સાવધાનીપૂર્વક દૂર ખસતો સાંભળ્યો. કદાચ તેણે છત પડવાની શક્યતા જોઈ હશે. છતાંય તેનો હેતુ સ્ત્રીને મૂંઝવી રહ્યો અને તે નજીક ખસી, વધુ ધ્યાનપૂર્વક સાંભળી શકાય એમ એ વળી. આહ ! એ શેનો અવાજ હતો? ‘સાંભળ, સાંભળ’ એણે પોતાના હ્રદયને કહ્યું, એનું હ્રદય જે હજુ સુધી શાંત રહ્યું હતું, પણ હવે તેને પોતાના જોરશોરથી ધબકતા હ્રદયને તે સાંભળી શક્તી હતી, અવાજો પાસે ને પાસે આવતા રહ્યાં, અને અંતે તેને ઘોડાની જોરથી પછડાતી ખરીનો અવાજ સ્પષ્ટપણે સંભળાયો.

‘હે ભગવાન, હે ભગવાન!’ એ રડી રહી, શું થઈ રહ્યું છે તે સમજી શકે એ પહેલા ઘોડેસવારનો અવાજનજીક આવી રહ્યો હતો. સ્ત્રી દરવાજા તરફ ભાગી અને હાથમાં બાળક સાથે તેણે દરવાજાના મિજાગરા અને લાકડા ઝનૂનપૂર્વક અલગ કરી નાંખ્યા.
બહાર આવીને તે ઝડપથી ભાગવા લાગી, દોડતા દોડતા તેણે થોડાક અંતરે ઘોડેસવારને જોયો. સ્ત્રીએ ભગવાનને ખાતર અને પોતાના બાળકને ખાતર તેને મદદ માટે આવવા આગ્રહપૂર્વક વિનંતિઓ કરી પણ સાથેસાથે માથે તોળાઈ રહેલા ભયાનક સંકટને લીધે તે હવાની ઝડપથીસતત ભાગતી જ રહી. તેમની વચ્ચેનું અંતર સતત વધતું ચાલ્યું, અને જ્યારે આખરે તે નદીના ફાંટા પાસે પહોંચી ત્યારેતેની પ્રાર્થના ભયાનક ચીસોમાં બદલાઈ ગઈ.. જે માણસનો તેને ડર હતો એ જ ત્યાં છુપાઈને પોતાના હાથ પહોળા કરીને સ્ત્રીની રાહ જોતો હતો. એ પડી કે તરતજ તેણે સ્ત્રીને ઝડપી લીધી. એ જાણતી હતી કે જો પોતે વિરોધ કરવાનું મૂકી દે અને મદદ માટે કરગરે તો એ વિચારવાનો હતો, પણ તે જોરથી રડતી જ રહી. એટલે જ્યારે પેલાએ તેનું ગળું ભીંસી દીધું ત્યારે તેની મરણચીસ નીકળી રહી. તે મૃત્યુ પામી ત્યારે પાસે બેઠેલા બગલાએ તેની ચીસથી ઝબકીને દહેશતભરી ચીચીયારી કરી અને ઘોડેસવારના માથા પરથી ચીસો પાડતો ઊડી ગયો.

“હે ભગવાન!” દૂરથી જોતા ઘોડેસવારે કહ્યું, “જંગલી કૂતરાએ સંહારલીલા કરી, ત્યાં આઠ ઘેટાં મર્યા, અને નદીના વળાંક પાસે પણ થોડાક મર્યા છે – ઘેટી અને તેનું બચ્ચું. જો કે મને લાગે છે કે બચ્ચું જીવતું છે.” સૂર્યનો પ્રકાશ રોકવા નેજવા માંડ્યા, અને ગોળ ગોળ ફરતાં કાગડાઓને જોયા, એક ક્ષણ તે જમીનની નજીક આવતા અને બીજી ક્ષણે આકાશ તરફ ફંટાઈ જતાં. જો કે તેને ખબર હતી કે ઘેટીનું બચ્ચું જીવતું હોવું જ જોઈએ, જંગલી કૂતરાઓ પણ ક્યારેક બચ્ચાંઓને છોડી દે છે.

હા, બાળક જીવતું હતું અને જ્યારે દિવસ ઉગ્યો ત્યારે તેની જેવા અન્ય બચ્ચાંઓને પણ ખબર નહોતી કે તેની માંને શું થયું? હજુ પણ હુંફાળા સ્તનને તે ચૂસી રહ્યું, અને સ્ત્રીની છાતી પર પોતાનું નાનકડું મસ્તક રાખીને સવાર સુધી સૂતું રહ્યું. પછી જ્યારે તેણે ફૂલી ગયેલો વિરૂપ થયેલો ચહેરો જોયો ત્યારે તે રડ્યું અને તે સરકી ગયું હોત, પણ સ્ત્રીનો હાથ હજુ પણ તેના કપડાંને પકડી રહ્યો હતો. ઉંઘ તેના નાનકડા સોનેરી મસ્તકને ઝુકાવી રહી અને તેના શરીરને ઝુલાવી રહી, અને કાગડાઓ ખૂબ નજીક હતાં, માતાની ખુલ્લી બેજાન આંખો પર ઝળુંબી રહેલા, જ્યારે પેલો ઘોડેસવાર પાસે આવ્યો અને ઝડપથી નીચે ઉતર્યો.

“હે ભગવાન!” તેણે કહ્યું, અને પોતાની આંખો ઢાંકી દીધી. પછીથી એણે વિગતે બધાંને કહેલું કે કઈ રીતે નાનું બાળક તેની તરફ પોતાના હાથ ફેલાવી રહ્યું હતું, અને કઈ રીતે એણે પેલા નિર્જીવ હાથમાં પકડાયેલું બાળકનું વસ્ત્ર કાપી નાંખેલું.

* * * * * *

ચૂંટણીનો સમય હતો, અને કાયમની જેમ પાદરીએ ઉમેદવાર નક્કી કરી દીધો હતો. તેની પસંદ પારકાની ખાલી જમીનનો બળજબરીથી કબજો લઈ ત્યાં અડ્ડો જમાવનારાના હિતમાં એટલી તો ચોક્કસ હતી કે પીટર હેનેસીએ અંધશ્રદ્ધાથી પણ આગળ વધીને જીવનમાં એક વખત તેની વિરુદ્ધમાં પોતાનો મત આપવાનું નક્કી કર્યું. જો કે તે અસહજ થઈ ગયો હતો, અને એટલે જ જ્યારે તે રાત્રે જાગી જતો (અને આમ ઘણી વખત થતું) ત્યારે તેને તેની માતાનો ધીમો અવાજ સંભળાતો. ક્યારેક એ અવાજ બે ઓરડા વચ્ચેની લાકડાની દિવાલમાંથી અને ક્યારેક દરવાજાની નીચેથી આવતો. એ અવાજ દિવાલમાં થઈને આવતો હોય તો તે જાણી જતો કે તેની માતા અત્યારે પથારીમાંથી પ્રાર્થના કરતી હશે, પણ જ્યારે એ અવાજ દરવાજા નીચેથી આવતો ત્યારે તે ઓરડાના ખૂણામાં રહેલા વર્જિન મેરી અને બાળક ઈશુની પ્રતિમા સામે ઘૂંટણીયે પડીને પ્રાર્થના કરતી હશે એમ એ ધારતો.

“મેરી, ઈશુની માતા, મારા પુત્રને બચાવો, બચાવો!” તેની માતાએ તણાવ દૂર કરવા પોતાની રોજનીશીમાં પ્રાર્થના લખી, અને સાંજની નોંધમાં લખ્યું, ‘હે પ્રિય મેરી, ઈશુના પ્રેમને ખાતર, તેને બચાવો!” માતાના વૃદ્ધ ચહેરા પરનો શોક સવારના એ ભોજનને કડવું બનાવી રહ્યો, અને તેથી માતાને અવગણવા એ સાંજનું ભોજન કરવા ખૂબ મોડો આવ્યો. પાદરીના ઉમેદવારને મત ન આપવાના નિર્ણયે તેને એટલો નિર્બળ બનાવી દીધો કે જતાં પહેલા તે પોતાની માતાને મળ્યો પણ નહીં, જ્યારે ચૂંટણીના દિવસ પહેલાની રાત થઈ ત્યારે એ ચૂપકીદીથી પોતાના ઘોડા પર ચાલી નીકળ્યો.

પોતાનો મત આપવા તેણે ત્રીસ માઈલ ધોડેસવારી કરીને પહોંચવાનું હતું, ચપળતાથી તે ખુલ્લા મેદાનમાં સવારી કરતો રહ્યો, મેદાનમાં કપાસના ઠૂંઠા પૂર્ણ ચંદ્રના અજવાળામાં તેના પડછાયા જેવા લાગી રહ્યાં હતાં જે શિયાળાની શરૂઆતના આકાશને ભવ્યતા બક્ષી રહ્યા. ઘાસની સાથે ઉગેલા ફૂલોની સુગંધ તેના સુધી પહોંચી રહી, અને કુદરતનો આ ઉલ્લાસ તેની કલ્પનાને અછડતો સ્પર્શી રહ્યો, પણ તે પોતે કરેલા બળવાના વિચારોમાં જ ઘેરાયેલો રહ્યો.

તેને ઘરમાં ન જોઈને માતાને થયેલી તીવ્ર વ્યથા તે તાદ્દશ કલ્પી રહ્યો. આ ક્ષણે તે ચોક્કસ અનુભવતો હતો કે તે પ્રાર્થના જ કરી રહી હશે.

“મેરી, જીસસની મહાન માતા!” બેધ્યાનપણે તેણે ફરીથી પ્રાર્થના કરી. અને અચાનક, શાંત વાતાવરણમાંથી ઈશુના નામનો સાદ તેને સંભળાયો – કોઈક નિરાશાભર્યા અવાજે જોરથી બોલી રહ્યું હતું.

“ઈશુને ખાતર! ઈશુને ખાતર!” એ અવાજ કહી રહ્યો. એ પોતે પણ કેથલિક હતો, પાછળ ફરીને જોવાની હિંમત કરતા પહેલા તેણે પોતાની છાતી પર ક્રોસનું નિશાન કર્યું. ચીકણી માટીના એ સૂમસામ વિસ્તારમાંથી ચોરીછુપીથી પસાર થઈ રહેલા, સફેદ ઝભ્ભો પહેરેલ એક આકૃતિ તેણે જોઈ જેની છાતી પર એક બાળક પણ વળગેલું હતું.

પોતાની જાતિ અને ધર્મની બધી જ માન્યતાઓ તેના મગજમાં ઝળકી રહી. ચળકતી માટી પરથી પરાવર્તિત થઈ રહેલો ચંદ્રપ્રકાશ તેને માટે જાણે સ્વર્ગનો આભાસ હતો, જાણે એ સફેદ ઝભ્ભાવાળી આકૃતિ હાડમાંસવાળુ કોઈ મનુષ્ય નહીં પણ તેની માતાની પ્રાર્થનામાંના વર્જિન મેરી અને બાળક ઈશુ હોય તેમ તે નિહાળી રહ્યો.

આખરે તેની માતાની પ્રાર્થનાઓનો સ્વીકાર થયો.

પાદરીના ઉમેદવાર માટે પોતાનો મત આપનાર હેનેસી પ્રથમ મતદાતા હતો. ત્યારબાદ તે પાદરીને તેના ઘરે મળવા ગયો, પણ જાણ્યું કે તે મતદાતાઓને મળવા ગયા હતાં. છતાં તે પોતાના આશિર્વાદરૂપી આભાસના પ્રભાવમાં જ હતો. હેનેસી જાહેર સ્થળોએ ન ગયો, પણ વસ્તીની આસપાસના વિસ્તારોમાં જ ફરતો રહ્યો, શહેરી લોકોથી એ દૂર જ રહ્યો અને પોતાના ઉદ્દંડ વિચારોના પ્રાયશ્ચિત્ત રૂપે ઉપવાસ કરી રહ્યો. તે શાંત થયો અને સહેજ ભાવાનંદમાં આવી ગયો, જાણે કે તે ઈશ્વરની માફી માંગી, પશ્ચાતાપ કરીને શિસ્તમાં આવેલો પુત્ર હોય, જે ફક્ત શાંતિના આશિર્વાદની રાહ જોઈ રહ્યો હોય.

અને આખરે,ફરતા ફરતાજ્યારે તે કબ્રસ્તાન પાસેઊભો રહ્યો ત્યારે તેની પાસેથી ઝાંખા અજવાળામાં આદરયુક્ત ભય સાથે બૂમો પાડતા ઘણાં લોકોનો અવાજ તેને સંભળાયો, જે વિજેતાના નામનો પોકાર કરી રહ્યા હતાં, એ પાદરીનો જ ઉમેદવાર હતો.

હેનેસી ફરી પાદરીને મળવા ગયો. તે ઘરે બેઠા છે તેમ તેમના સહાયકે કહ્યું, અને તેને આછા અજવાળાવાળા અભ્યાસખંડમાં લઈ આવ્યો. તેમની ખુરશી એક મોટા ચિત્રની પાસે હતી, અને સહાયકે જેવો દીવાની જ્યોત મોટી કરી, તરત જ ચિત્રમાંના માતા મેરી અને બાળ ઈશુએ તેની તરફ જોયું, પણ આ વખતે તેમની આંખોમાં નિરવ શાંતિ હતી. મેરીના અધખુલ્લા હોઠ કરુણાભર્યા હેતથી સ્મિત કરી રહ્યાં; તેની આંખો વિશ્વની કોઈ પણ માતાની જેમ જ પોતાના માર્ગ ભૂલેલા પણ પ્રિય પુત્ર માટે ક્ષમાની ભાવના સાથે ઝળકી રહી.

તે ભક્તિપૂર્વક પાદરી સમક્ષ ઘૂંટણીયે પડ્યો. મૂંઝવણથી સ્થિર બનેલ પાદરી ત્યાં જ ઊભો રહ્યો, આદરમિશ્રિત ભાવમાં તે બોલ્યો, “હે મારા પ્રભુ!”અને ભાવોન્માદમાં સરી ગયો,“..અને તમે મને પસંદ કર્યો?”

“શું થયું છે પીટર?” પાદરીએ પૂછ્યું.

“ફાધર,” આદરપૂર્વક જવાબ આપતાં તે બોલ્યો, અને પોતે જોયેલ સમગ્ર ઘટનાક્રમની વાત તેણે કહી.

“હે ભગવાન!” પાદરીએ બૂમ પાડી, “અને તું તેને બચાવવા ઊભો પણ ન રહ્યો! તેં સાંભળ્યું નહોતું?”

* * * * *

ત્યાંથી ઘણા માઈલ દૂર નદીના વળાંકથી નીચે ઊતરતા,પેલોમાણસ પોતાની જૂની ટોપી પાણી ભરેલા ખાડામાં ફેંકતો અને કૂતરો તેને બહાર લાવી માણસ ઊભો હતો તેની વિરુદ્ધ દિશામાં મૂકતો, પણ પેલા માણસને તે પકડવા ન દેતો, એ ફક્ત પેલું લોહી ધોવા માટે હતું જે ઘેટાંને મારતી વખતે તેના દાંતમાં અને જીભમાં લાગ્યું હતું, કારણકે લોહીનું એ દ્રશ્ય પેલા માણસને ભયભીત કરી દેતું…

– બાર્બરા જેન બેયન્ટન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ

લેખક પરિચય:-

૪ જૂન ૧૮૫૭ના રોજ ઓસ્ટ્રેલીયાના ન્યૂ સાઉથ વેલ્સમાં જન્મેલ બાર્બરા જેન બેયન્ટનની પ્રસ્તુત અનુદિત વાર્તા મૂળ ઓસ્ટ્રેલીયામાં સૌપ્રથમ વખત ૧૨ ડિસેમ્બર ૧૮૯૬ના રોજ સિડનીથી પ્રકાશિત‘ધ બુલેટીન’ સામયિકમાં‘’ધ ટ્રેમ્પ’ના શીર્ષક સાથે પ્રસિદ્ધ થઈ હતી,ત્યારબાદ ૧૯૦૨માં લંડનથી પ્રકાશિત તેમના પુસ્તક “બુશ સ્ટડીઝ” માં એ ફરી પ્રકાશિત થઈ. ઓસ્ટ્રેલીયાના અંતરીયાળ, ઝાડી ઝાંખરાવાળા મેદાની પ્રદેશોમાં છૂટાછવાયાવસતા લોકોના જીવનની હાડમારીઓ અને મુશ્કેલીઓને તેમણે તાદ્દશ ઝીલવાનો પ્રયાસ કર્યો. એ પ્રકારના જીવનની નિર્દય, ભયાવહ અને એકાંતિક નિષ્ઠુરતાને પોતાના લખાણોમાં તેમણે વાતાવરણના વર્ણનનો કે શાબ્દિક ચમત્કૃતિનો આધાર લીધા વગર ઘટનાઓની અને પાત્રોની ખૂબ વિગતે છણાવટથી પ્રસ્તુત કરી. અવાચક કરી દેતી ભયાનકતા અને તીખી વાસ્તવિકતા તેમના સર્જનોની વિશેષતા રહી છે. તેમના સર્જનોને વિવેચકોની પ્રસંશા અને નિંદા બંને ભરપૂર મળ્યાં છે..


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “મુસાફર.. – બાર્બરા જેન બેયન્ટન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ

 • P. Patel

  મોદીસાહેબ, આપના અભિપ્રાયની ૭ નંબરની ચેલેન્જ સ્વીકારીને … હું આ લેખ શાંતચિત્તે વાંચી ગયો. — અને, હારી ગયો ! … શું કરું … ? કશું સમજાય તો વાર્તા સ્વરુપે આપને કહું ને ?
  બોલો, જે સમજાય નહિ તે પછી યાદ પણ કેવી રીતે રહે ? આવા પરદેશી લેખ શું કામના ? આપણું ઘણું સાહિત્ય પડ્યું છે , તે આપોને યાર.
  ગુજરાતી ભાષાની પ્રગતી ઈચ્છતો …

 • R. Modi

  આપનો લેખ વાંચ્યો. પ્રતિભાવો વાંચ્યા પછી ફરીથી વાંચ્યો.
  પ્રથમથી ચોખવટ કરી દઉં કે હું વિવેચક નથી પણ એક વાંચક છું. — બે વાર લેખ વાંચ્યા પછી { બીજી વાર શાંતિથી } લખવા પ્રેરાયો.
  ૧. શાંતિપૂર્વક પઠન કરવા છતાં, ના સમજાયું કે, … ૧. મુસાફર કોણ છે ?
  ૨. પીટર કોણ છે ?
  ૩. હેનેસી એ જ પીટર છે ? — { જુઓ છેલ્લેથી ૨ જો ફકરો. — પાદરીનો પ્રશ્ન }
  ૪. ખૂની કોણ છે ?
  ૫. તે ચોર હતો કે ખૂની ?
  ૬. ઘણી વાર દર્શક સર્વનામ ” તે ” કોના માટે વપરાયું છે , તે જ સમજાતું નથી !
  ૨. આમ્ લેખ અઘરો જ નહિ પર્ંતુ અટપટો લાગ્યો, સમજાયો જ નહિ.
  ૩. આથી જો લેખ સમજાય જ નહિ તો આવા લેખ આપી અક્ષરનાદની મહામુલી જગા બગાડવાની અને વાંચકોનાં મગજ બગાડવાની જરૂર ખરી ?
  ૪. આવા લેખો આજના સમયના અભાવ વાળા માહોલમાં કેવી રીતે પ્રસ્તુત ગણાય ?
  ૫. કોઈ પણ ભાષાની કૃતિ જ્યારે બીજી ભાષામાં અનુવાદ { ભાવાનુવાદ નહિ } થાય છે ત્યારે તે તેનું પોતાપણું તથા હાર્દ ગુમાવે છે, અને જો તે સમજાય પણ
  નહિ, તો તેવી કૃતિ આપવાનો શો અર્થ ?
  ૬. ટાઈપની, જોડણીની અને ભાષાંતરની પણ અસંખ્ય ભૂલો લેખ વાંચતાં ખૂંચે છે. { દરવાજાનાં મિજાગરાં અને લાકડાં …. અલગ કરી નાખ્યાં વાક્યમાં
  ભાષાન્તરની ભૂલ છે. — આગળા અને લાકડાં — હોવું જોઈએ. મિજાગરાં સ્ક્રૂ અથવા ખીલીથી ફીટ કરેલાં હોય. }
  ૭. એક પ્રયોગ કરવા જેવો ખરોઃ સાહિત્યમાં રસ હોય તેવા બે -ત્રણ વાંચકોને લેખ વંચાવીને પૂછો કે — અમને આ વાર્તા કહો — કેટલું કહી શકે છે તે જુઓ.
  ૮. જો લોકભોગ્ય સાહિત્ય પીરસવામાં આવે તો , આવી કોઈ { ફોગટની } ચર્ચા કરવાની જરૂર જ ક્યાં રહે છે ?
  ૯. કોઈ વાંચક લેખમાંની ત્રુટિ, ક્ષતિ કે ભૂલ તરફ લક્ષ્ય દોરે તો તેને આવકારવો જોઈએ , નહિ કે અવગણવો ! અને, અહીં તો ભૂલ સુધારી પણ શકાય છે ને ?
  ૧૦. ગુજરાતી ગિરાનું સાત્વિક અને ઉત્તમ સાહિત્ય વિપુલ પ્રમાણમાં ઉપલદ્ધ છે તો તેને અક્ષરનાદ પર માણવા મળે તેવી અપેક્ષા સહ —

  • shravan

   સાચી વાત છે મોદી સાહેબ.
   મને પણ આ લેખમાં કશુંય સમજાયું નથી. આવા લેખથી ગુજરાતી વાન્ગમયનું કેવું અને કેટલું વર્ધન થાય છે , તે સમજાતું નથી. આજે જ્યારે વાંચન માટે સમયનો અભાવ રહેતો હોય છે ત્યારે આવા લેખો — ન સમજાય તેવા સ્તો — આપવાનો મતલબ ખરો ?
   જીજ્ઞેશભાઈને વિનંતી કે … સામાન્ય વાંચક પણ સમજી શકે તેવું પીરસોને …….
   જય ગુજરાત.

 • Kalidas V. Patel { Vagosana }

  અઘરો લેખ. આજના સંદર્ભે અપ્રસ્તુત પણ ખરો. પ્રામાણિકપણે વાંચકોને પૂછો કે … શું સમજાયું ?
  વળી, બીજા દેશની ખૂબ જ જૂની આવી વાર્તા કે જેના ઈતિહાસ કે સચ્ચાઈની પણ ખબર ન હોય ત્યારે આવાં લખાણોનો શો મતલબ ?
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Jignesh Adhyaru Post author

   મુ. કાલિદાસભઈ,

   લેખ અઘરો છે કે સહેલો એ વાચકની મુનસફી પર રહેવા દઈએ, આપને જે અઘરો લાગે તે અન્ય વાચકોને માટે રસપ્રદ પણ હોઈ શકે છે. વળી એ આજના સંદર્ભે પ્રસ્તુત છે કે અપ્રસ્તુત એ પણ આપ કઈ રીતે કહી શકો? સરસ્વતીચંદ્ર કે અન્ય જૂનું સાહિત્ય ઉલટું વધુ રસ લઈને વાંચતા અનેક મિત્રો છે. બીજા દેશની ખૂબ જ જૂની આવી વાર્તાના ઈતિહાસ કે સચ્ચાઈ વિશે ખબર હોય કે ના હોય એથી કૃતિની મૂલવણી ન જ કરવી જોઈએ. વિશ્વના અન્ય ભાગના સાહિત્યની પણ મોજ લેવી જોઈએ, અને એ જૂનું હોય તો વધુ મૂલ્યવાન બની રહે છે..

   આપે આખી રચના વાંચી અને આટલો સુંદર પ્રતિભાવ આપ્યો એ જ આ મહેનતનો મતલબ…

   આભાર અને શુભકામનાઓ..