ગતાંકથી આગળ…
તંદ્રાવસ્થામાંથી મારી આંખો ખૂલી, અને જોયું તો આખો ઓરડો સૂર્યપ્રકાશથી ભરાઈ ગયો હતો. બાજુના પલંગમાં બેઠેલો માણસ મને આશ્ચર્યથી તાકીને જોઈ રહ્યો હતો. હું ભીંતના સહારે બેઠો હતો, અને એ છોકરો મને વળગીને હજુ પણ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. ભાનમાં આવ્યો ત્યારે એના મોં પરનું આશ્ચર્ય, એક માયાળું સ્મિતમાં બદલાઈ ગયું.
“કેમ છો? તમે મિ. ફર્ગ્યુસન તો નહીં?”
“બસ મજામાં. તમે કેમ છો? તમે ઓળખો છો મને?”
“અરે હા, ડૉ. રેવિનોએ અમને કહેલું કે તમે થોડા મોડા આવશો. પેકો! પેકો!” એણે બૂમ પાડીને બાજુના પલંગ પર પડખું ફરતા માણસને જગાડ્યો.
“પેકો! મિ. ફર્ગ્યુસન આવી ગયા છે.” એ સાથે પલંગ પરથી નીચે ઊતરીને એણે મારી સામે હાથ લંબાવ્યો. “હું મૅન્યુઅલ છું.” આજે એક વર્ષ પછી કોઈનો સ્પર્શ હું કરી રહ્યો હતો! ક્ષણભર તો હું અચકાયો પણ ખરો! પણ પછી યાદ આવતાં મેં એમનો હાથ મારા હાથમાં પકડી લીધો. હું એને કોઈ જ નુકસાન નહીં પહોંચાડી શકું! બસ, રાહત થઈ ગઈ આ એક જ વિચારે!
અને બસ, ક્ષણભરમાં જ આખો કમરો જાણે ગતિમાં આવી ગયો! બધા લોકો ઊભા થઈ ગયા. મારા વૉર્ડમાં કોઈ ગંભીર કેસ ન હતા એ સ્પષ્ટ રીતે દેખાતું હતું. મારી નજીકના થોડા લોકો મારું સ્વાગત કરવા મારા પલંગ પાસે આવી ગયા.
“મુસાફરીમાં કંઈ તકલીફ તો નહોતી પડીને, મિ. ફર્ગ્યુસન!”
“આ છોકરાએ બહુ હેરાન કર્યા તમને, નહીં? બહુ ખરાબ કહેવાય, હં!”
“અરે ના, ના!” મેં ઝટપટ જવાબ આપ્યો. “અમે તો બંને જાગતા જ હતા! બસ જરા વાતો કરી, અને હું અહીં જ સૂઈ ગયો.”
પણ જાગી ગયેલા ટોમસે ઝડપથી મારી વાતને ખોટી ઠેરવી દીધી!
“માફ કરજો, ભાઈ! પણ મેં એમને હેરાન તો કર્યા જ હતા! એમણે બહુ જ વહાલો કર્યો મને! હું તો રડતો હતો, એમણે મારી પાસે આવીને મારી સાથે વાતો કરી. મને તો ફરીથી બહુ મજા આવી… હું તો બસ, એમને ચોંટીને સૂઈ જ ગયો! તમારો ખૂબ-ખૂબ આભાર, મોટાભાઈ!”
પલંગ પર ઘૂંટણિયાંભેર બેઠેલો ટોમસ એની મોટી-મોટી ભૂખરી આંખે મારા પ્રત્યે આભારવશ થઈને મારી સામે જોતો બેઠો હતો. મને સંકોચ થઈ આવ્યો. મેં તો કંઈ જ કર્યું ન હતું એના માટે! પણ વાત એમ હતી, ફિલિપીનો લોકો પોતાના કુટુંબીજનોને ખૂબ આદર આપે છે. ભલે મેં તો બસ થોડા કલાકો પૂરતી જ એ છોકરાને પિતાની હૂંફ આપી હતી! પણ એ નાનકડી ઘટનાએ એ લોકોનાં દિલ જીતી લીધાં હતાં, અને મને એમની મિત્રતા મળી ગઈ હતી! હું જાગતો જ હતો, એવા મારા ખુલાસાને કોઈએ ગણકાર્યો જ નહીં!
“તમે આ બહુ જ સારું કર્યું, ભાઈ!” મૅન્યુઅલ બોલ્યો. “અમને બધાને શરમ આવવી જોઈએ, કે જે કામ અમારે કરવું જોઈએ, એ તમારે કરવું પડ્યું છે!”
અમારી વચ્ચેનું અંતર ઓગળી ગયું હતું. આ રક્તપિત્તિયા લોકોને, એક રક્તપિત્તિયા તરીકે મળવાની આ ક્ષણની બહુ ભયાવહ કલ્પનાઓ મેં કરી હતી! એ કલ્પનાઓ તો કોણ જાણે ક્યાંય પાછળ રહી ગઈ હતી! અમે હવે અજાણ્યા રહ્યા ન હતા! એકમેક સાથે જાણે કે લોહીની સગાઈ બંધાઈ ગઈ હતી હવે તો! જમવા માટે ગયા ત્યારે મેં જોયું કે મારા વૉર્ડના લોકો મારી આજુબાજુ વીંટાળવા લાગ્યા હતા. મને ખ્યાલ આવ્યો, કે અમુક ગંભીર કક્ષાના દરદીઓ ઉપર મારી નજર ન પડે એટલા માટે મારી આજુબાજુ વર્તુળાકારે એ લોકો ગોઠવાઈ ગયા હતા. શારીરિક વિકૃતિ ધરાવતા થોડા માણસો પણ અહીં હતા.
ફળો, ભાત અને માછલીનો નાસ્તા કરી શકાય એવી ભૂખ રહી ન હતી. મારા પ્રત્યે અનુકંપાથી એ લોકોએ, મને ઈંડાં ભાવતાં હોય તો એ ખાવાનો આગ્રહ કર્યો. એમના એ આગ્રહને વિવેકપૂર્વક પાછો ઠેલતાં, ફિલિપાઇનનું ખાણું મને પસંદ હોવાનું, અને બધાને જે પીરસાય છે એ જ જમવાનો મેં આગ્રહ રાખ્યો. દરદીઓમાં ઉત્સાહનું એક મોજું વ્યાપી ગયું હતું. મારી બાજુમાં ઊભેલા મૅન્યુઅલે ખુલાસો કર્યોઃ
“આ ઉત્સાહનું કારણ એ છે, કે ક્યુલિઅન જવા માટેનું જહાજ આવવાના સમાચાર આવ્યા છે! મારી વાત કરું તો હું તો ક્યુલિઅન જવા બહુ ઉત્સુક છું. બહુ જ સુંદર ટાપુ છે. ત્યાં કામ પણ મળી રહેશે કરવા માટે… પણ આ લોકોમાંથી ઘણા ત્યાં જતાં ડરે છે. એક વખત ત્યાં ગયા પછી ક્યારેય ઘેર પાછા નથી ફરી શકાતુંને, એટલે!”
અચાનક મને મારું ઘર યાદ આવી ગયું. મારી માનો મીઠડો ચહેરો મારી નજર સામે તરવરી રહ્યો! હું થોડો વ્યાકુળ બની ગયો!
“આટલું જલદી તો હું ત્યાં નહીં જઈ શકું…” મેં મહા પ્રયત્ને જવાબ વાળ્યો.
બે દિવસ પછી સવારના ચા-નાસ્તાના સમયે અમને એક કાગળ આપવામાં આવ્યો. એ કાગળમાં અમારે ક્યુલિઅન જવાનું છે, કે અહીં રહેવાનું છે, એ લખ્યું હતું. જહાજ આવી ગયું હતું, અને બીજે દિવસે તો પાછું વળી જવાનું હતું. બસ્સો લોકોએ એ જહાજમાં રવાના થવાનું હતું, અને એ બસ્સોના લીસ્ટમાં મારું નામ પણ સામેલ હતું!
જેને-જેને જવાનું હતું એ દરદીઓના સંબંધીઓ અને મિત્રોને જાણ કરી દેવામાં આવી હતી. બપોર સુધીમાં તો મુલાકાતીઓને હોસ્પિટલની અંદર દોડી આવતા રોકી રાખવા માટેની જગ્યા હકડેઠઠ ભરાઈ ગઈ હતી. એ દૃશ્યો હું લાંબો સમય જોઈ ન શક્યો! કોઈની માતા, કોઈના પિતા, કોઈની પત્ની તો કોઈનો પતિ… પાગલની માફક વાતો કરતા લોકો કલાકો સુધી ધરાતા ન હતા. બાકીનું જીવન સાથે રહીને એમણે જેટલી વાતો કરી હોત, એ બધી જ વાતો જાણે આજે જ એ લોકો પૂરી કરી લેવા માગતા હતા! રાતનાં અંધારાં ઊતરી આવ્યાં, અને એ સાથે જ એમનાં એ છેલ્લાં મિલનનો સમય પણ પૂરો થઈ ગયો! એમનું દર્દભર્યું આક્રંદ ક્યાંય સુધી મારા કાનમાં પડઘાતું રહ્યું. અને એ ક્ષણો પણ છેવટે વહી ગઈ! એ રાતે ઊંઘ મારી નજીક પણ ફરકી ન શકી!
પણ એ દર્દનાક ઘટના હજુ પૂરી થવાનું જાણે નામ જ લેતી ન હતી! બીજી સવારે અમે સમુદ્રતટના સંરક્ષક દળોની હલેસા અને સઢવાળી નાવ પર સવાર થયા ત્યારે ધક્કા પર માણસોની ભીડ થઈ ગઈ. અમે જહાજના તૂતક પર ગોઠવાતા જતા હતા. ધક્કા પરના લોકોનું આક્રંદ અમારા કાને અથડાતું હતું. નાવમાં કોઈ-કોઈ દરદીઓ તો ચક્કર ખાઈને બેભાન થઈ ગયા. રક્તપિત્તને કારણે વિકૃત થઈ ગયેલા અંગોવાળી એક વૃદ્ધાને સ્વયંસેવકો જહાજ પર ચડવાના પાટિયા પર દોરી લાવતા હતા, ત્યાં જ એ અધવચ્ચે ફસડાઈ પડી! મુલાકાતીઓમાંથી એક યુવતી એને સંભાળવા માટે દોડી આવી, પણ પોલીસે એને વિવેકપૂર્વક પકડી રાખી. એ યુવતી પેલી વૃદ્ધાની દીકરી જ હોવી જોઈએ! છેવટે જહાજમાંના એક દરદીએ જ સામે ચાલીને એ વૃદ્ધાને દોરી લાવવામાં મદદ કરીને એને જહાજ પર ચડાવી!
ક્ષિતિજ દેખાતી બંધ થઈ ગઈ, અને અમારું જહાજ વળાંક લેવા લાગ્યું. લોકોનાં સંતાપભર્યાં આક્રંદ કિનારા અને જહાજ વચ્ચેની હવામાં છવાઈ ગયાં. કેટલાયે લોકો બેભાન થઈ ગયા હતા. કિનારા પર ઊભેલા લોકો એટલા બેબાકળા બની ગયા હતા, કે એમાંથી કોઈ પાણીમાં કૂદી પડીને અમારી પાછળ-પાછળ તરતા આવવાની ચેષ્ટા ન કરે એ માટે પોલીસે એમને જબરજસ્તીથી પકડી રાખવા પડ્યા હતા. એ કરુણ દૃશ્યને હું નિહાળી રહ્યો હતો! નાવમાંથી કેટલાક દરદીઓએ પણ પાણીમાં કૂદી પડવાનો પ્રયત્ન કરી જોયો. ડૉક્ટરો અને નર્સ એમને રોકવા માટે મથી રહ્યાં હતાં. ચારે બાજુ અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.
મારી બાજુમાં બેઠેલો ટોમસ થરથર ધ્રૂજતો હતો! એ રડતો તો ન હતો, પણ ગળે બાઝી ગયેલા ડૂમાને એ મહાપરાણે ખાળી રહ્યો હતો. એ બિચારો નાનકડો છોકરો! મારી પાસે એણે વિગતવાર ખુલાસો કરેલો, કે એનાં મા-બાપ બહુ દૂર રહેતાં હતાં એટલે વિદાય વખતે આવી શક્યાં ન હતાં. ગાડામાં એટલી મુસાફરી કરવા માટે એ અંતર ખરેખર બહુ વધારે હતું. એ વાત કરતી વખતે એ મારી સામે અપેક્ષાભરી નજરે જોઈ રહ્યો હતો. એની વાતમાં મને વિશ્વાસ પડે છે કે નહીં એ જાણવાની ઉત્કંઠા વાત કરતી વેળાએ એની નજરમાંથી ડોકિયાં કરી જતી હતી. એને ડર હતો કે ક્યાંક હું એમ તો નથી માનતોને, કે એનાં મા-બાપને એના માટે કોઈ લાગણી જ નથી! મેં એને ધરપત આપી.
*
ક્યુલિઅન ટાપુ મનિલાની દક્ષિણે બસ્સો માઇલના અંતરે હતો. બે જગ્યા વચ્ચેનું આ અંતર લોકોને એટલું લાંબુ શા માટે લાગતું હતું, એ વાત પહેલાં તો મને ન સમજાઈ! એને કારણે વિદાયની આ વેળા, કેટલું ભયાવહ સ્વરૂપ ધારણ કરી લેતી હતી! એનું રહસ્ય જોકે આગળ જતાં મારી સામે છતું થવાનું હતું! બીજા અનેક ટાપુઓ પર છાશવારે ઉતરાણ કરતી નાવો, ક્યુલિઅન ટાપુ પર જવલ્લે જ દેખા દેતી હતી! પૈસા ખરચતાં પણ ક્યુલિઅન ટાપુની મુલાકાત લેવી શક્ય બનતી ન હતી!
કોઈપણ સ્થળે રોકાયા વગર અમારી વણથંભી સફર સતત ચોવીસ કલાક સુધી ચાલતી જ રહી. ફરી-ફરીને મારા કાનમાં એકની એક વાતો અથડાયે રાખતી હતીઃ હવે ઘર ભૂલી જજે; ન કોઈ મિત્ર, ન કોઈ સગું…! ક્યુલિઅન પહોંચીને શું થશે એ વિચારે કેટલાયે દરદીઓ તો રીતસર છળી ઊઠ્યા હતા! રક્તપિત્તિયાંની એક વસાહત તરીકે ક્યુલિઅનને હજુ તો દસ વર્ષ પણ થયાં ન હતાં. વસાહતની સ્થાપના થઈ એ પહેલાં ગંભીર લાગતા સેંકડો દરદીઓને ઘરની નજીકના દવાખાનામાં જ ભરતી કરવામાં આવતા હતા. રક્તપિત્તની હળવી અસર ધરાવતા કિસ્સાઓમાં દરદીને ઘરમાં જ રાખવામાં આવતા. દૂરના ક્ષેત્રોમાં તો ચેપ ફેલાતો રોકવા માટે દરદી સાથે સુરક્ષિત અંતર રાખવાની પણ કોઈ સુવિધા ન હતી. ક્યુલિઅનની સ્થાપના સાથે ફિલિપાઇનના સત્તાધારીઓએ, લોકોને વસાહતમાં પરાણે દાખલ કરવાનું શરૂ કર્યું એટલે લોકોમાં ખૂબ જ રોષ ફેલાઈ ગયો હતો. વસાહતમાં દરદીઓની રિબામણી કરવામાં આવે છે, એમની સાથે ગાળાગાળી કરવામાં આવે છે, એવી-એવી આઘાતજનક અફવાઓ વહેતી થઈ હતી. અમે ક્યુલિઅન પહોંચીએ, એ પહેલાં તો સચ્ચાઈ લોકો સામે આવી જ ગઈ હતી, પરંતુ તે છતાંયે કેટલાય લોકો હજુ પણ ભયભીત દેખાતા હતા.
એવું કહેવાય છે કે, અને મને લાગે છે કે એ સાચું પણ હશે, કે ઉષ્ણકટિબંધની એ ભૂરી જળરાશિ કરતાં વધારે સુંદર હોય, એવું કોઈ સ્થળ ભાગ્યે જ આ જગતમાં હશે! ફિલિપાઇનના દ્વીપસમૂહના મોટા-મોટા ટાપુઓની દક્ષિણે સેંકડો માઇલ સુધી ભૂરા-ભૂરા દરિયા વચ્ચે અસાધારણ આકારોમાં ઊપસી આવેલા લીલીછમ ચાદરમાં લપેટાયેલા એ પરવાળાના ટાપુઓ…!
દરિયાકિનારે ઊગેલાં તાડીનાં ઝુંડ, પાછળ ઊંચે સુધી ફેલાયેલા જંગલોમાં ભળી જતી નાળિયેરીઓમાં ક્યાંય ખોવાઈ જતાં હતાં. ટોમસ અને હું તૂતક પર આ બધું જોતાં બેઠા હતા. જહાજ પર કૅબિન બહુ ઓછી હતી. લોકોએ ઉપર-નીચેના બે માળે ખુલ્લામાં જ ધામા નાખ્યા હતા. નીચેનો માળ થોડો સાંકડો હતો, અને પાણીની નજીક હતો. ઉપરના માળે મોકળાશ વધારે હતી, અને ત્યાં ગરમી પણ એટલી જ વધારે લાગતી હતી. સૂરજના કાળઝાળ તાપથી બચવા માટે ઉપરના માળે એક ફાટી-તૂટી, સાવ મેલી એવી તાડપત્રી નાખેલી હતી. અમે તો તૂતક પર જ્યાં જગ્યા મળે ત્યાં બેસીને ખાઈ-પી લેતા, આરામ કરતા અને સૂઈ પણ ત્યાં જ જતા!
અખાતની બહાર નીકળ્યા પછી એક અમેરિકન ડૉક્ટર અમારી પાસે આવીને વાતોએ વળગ્યા. ફિલિપાઇનના ટાપુઓ માટે આરોગ્ય ખાતાના ડાયરેક્ટર તરીકે અમેરિકા દ્વારા એમની નિમણૂક થઈ હતી, એવી મને જાણ થઈ ત્યારે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો! મારા આશ્ચર્યને બહુ મહત્ત્વ આપ્યા વગર એણે પોતાનું નામ જેમ્સ માર્શલ હોવાનું કહ્યું. એકવડિયા બાંધાનો એ તરવરિયો નવજુવાન ત્રીસીના છેલ્લા વર્ષોમાં જણાતો હતો. પામ બીચ સૂટ સાથે એણે તપખીરિયા રંગની કેપ પહેરી હતી. એક જરી જેટલા ઇશારે એ હસી પડતો હતો. એની આંખો જે રીતે આમ-તેમ ફરતી રહેતી હતી એ જોતાં જીવનની ગતિવિધિઓને એ હર્ષપૂર્વક માણી રહ્યો હોય એવું સ્પષ્ટ દેખાતું હતું. પોતાના કામ પ્રત્યે આટલો ઉત્સુક હોય એવો બીજો કોઈ માણસ મેં આજ સુધીમાં જોયો ન હતો! આ ટાપુ ઉપર એનું આ આઠમું વર્ષ હતું.
અમારી બાજુમાં બેસીને ડેક પર ફેલાયેલા દરદીઓના કાફલા તરફ એ જોવા લાગ્યો.
“જ્યારે-જ્યારે તક મળે ત્યારે હું આ બોટ સાથે જવાનું પસંદ કરું છું. લડાઈનું આ એક નવું મેદાન છે. તમને ખબર હશે, કે પ્લૅગના અનેક કિસ્સાની સારવાર કરીને અમે પ્લૅગને તો સાવ નાબુદ કરી દીધો છે. કૉલેરા અને શીતળા પણ લગભગ નહીંવત્ રહ્યા છે. બસ, આ રક્તપિત્તનો રોગ અમને હંફાવી રહ્યો છે. અમેરિકનો અહીં આવ્યા ત્યારે અહીંની શેરીઓમાં રક્તપિત્તના સેંકડો, કે પછી હજારો દરદીઓ રઝળતા હતા! ચારસો દરદીઓ તો દવાખાનામાં અને બીજી સંસ્થાઓમાં સારવાર હેઠળ હતા. દરદીઓને ક્યુલિઅન સુધી લઈ આવવા એ બહુ કપરું કામ છે. પણ અહીં આવ્યા પછી એક આશા મળી શકે છે, આ રોગમાંથી મુક્તિ મેળવવાની!
મેં એમની વાત ઝીલી લીધીઃ “મુક્તિની આશા?”
“હા મિ. ફર્ગ્યુસન, મુક્તિની આશા!”
એમની વાત સાંભળતાં મારી પીઠ ટટ્ટાર થઈ ગઈ. એમને આત્મવિશ્વાસપૂર્વક વાત કરતા જોઈને મુક્તિની આશા મારી અંદર પણ સળવળી ઊઠી. એ તો ઊઠીને જતા રહ્યા, પણ મને ફરી-ફરીને એમને મળવાનું મન થતું રહ્યું! સામા માણસનું દિલ જીતી લેવાની એમની આગવી રીત હતી! આ જહાજની સાથે એ જાતે આવ્યા હતા. આરોગ્ય ખાતાના ડાયરેક્ટર તરીકે આમ કરવું એ કંઈ એમની ફરજમાં નહોતું આવતું! એમને ચેપ લાગવાનો ભય પણ હતો જ! બસ, મારા વિચારોને મેં ત્યાં જ અટકાવી દીધા!
*
સાંજે ભોજનના સમય પહેલાં અમે મિંડોરો અને લ્યુબંગ ટાપુઓની વચ્ચે વહેતા કેલેવાઇટ સ્ટ્રેઇટના પ્રવાહો સુધી પહોંચી ગયા હતા.પાણી ઊછળતાં હતાં. જહાજ ડાબે-જમણે ઝોલાં ખાવા લાગ્યું, એટલે એક-એક કરતાં અમે જહાજના તૂતક પાસે પહોંચી ગયા. રસોડામાંથી ભોજનની સુગંધ આવતી હતી, જેને કારણે મામલો વધારે ગંભીર બની ગયો. એટલામાં ડૉ. માર્શલ પાછા આવ્યા.
“આપણે કોઈ ઓછી ગિરદીવાળી જગ્યા પસંદ કરવી પડશે.” હસતા-હસતા એમણે સૂચન કર્યું. “આવું હંમેશા બને છે. આપણે નીચેના ડેક પર જઈએ તો કેવું?”
મેં ટોમસને શોધવા નજર દોડાવી. એક ખૂણામાં ટૂંટિયું વાળીને એ ઘસઘસાટ સૂતો હતો. સીડી ઊતરીને અમે થોડું ચાલ્યા. નાવના મધ્યભાગેથી આગળના ભાગમાં જવા માટે રેલિંગ જ્યાં વળાંક લેતી હતી, ત્યાં સુધી પહોંચ્યા. આગળના ભાગમાં દરદીઓને જવાની છૂટ ન હતી, એટલે હું ત્યાં જ અટકી ગયો. એમણે લાકડાની આડસ ખસેડી દીધી.
“આવો, આપણે અહીં તો બેસી શકીશું. મોટાભાગે હું કૅપ્ટન સાથે જમતો હોઉં છું. ક્યારેક એ લોકો અહીં સુધી ભોજન પહોંચાડે છે. બસ, હમણાં જ આવી જશે ભોજન.”
તાડપત્રીથી ઢાંકેલી પાળીના છેડે હું બેઠો. એમણે મારી નજીકમાં જ જમાવ્યું. અમારી વચ્ચે કોઈ અંતર રાખવાનો એમણે પ્રયત્ન પણ ન કર્યો!
“ત્યાં પેલો ટાપુ દેખાય છે?” એમણે એક બંદર તરફ આંગળી ચીંધી. “એ મિંડોરો છે, ફિલિપાઇન્સના સૌથી મોટા ટાપુઓમાંનો એક! દક્ષિણે છેક ક્યુલિઅન સુધી લંબાયેલો છે એ. ટાપુની અંદર તો ભાગ્યે જ કોઈ ગયું હશે! ક્યારેક શિકારીઓ ત્યાં નાના-નાના જંગલી બળદનો શિકાર કરવા જાય છે. એ જંગલી બળદ દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતા નથી. બહુ જ ભયાનક અને હિંસક પ્રાણી…! આપણે એમને છંછેડીએ નહીં, તો પણ સામેથી હુમલો કરી દે! અને એને મારવા પણ બહુ મુશ્કેલ છે! ભાગ્યે જ કોઈ શિકારી એનો શિકાર કરી શકે! કેટલાય શિકારીઓ તો એને મારવાના નિષ્ફળ પ્રયત્નો કરવામાં પોતાનો જાન પણ ગુમાવી બેઠા છે!”
એ વાતો કરતા રહ્યા, અને હું મુગ્ધતાથી સાંભળતો રહ્યો. કામકાજના સંદર્ભે એમણે ટાપુના એક છેડેથી બીજા છેડા સુધીની મુસાફરીઓ વારંવાર કરી હતી. ફિલિપાઇનના નામે એક નવો ખજાનો મારી સામે ખૂલી રહ્યો હતો, જેમાં લાકડું, ખનીજ, શણ, ચોખા, નાળિયેર, માછલી, વગેરે જેવાં કુદરતી તત્વો વિપુલ પ્રમાણમાં ભર્યાં હતાં. ડૉક્ટરને ફિલિપિનો પસંદ હતા, અને એમની પાસેથી એમણે બહુ આશાઓ પણ સેવી હતી.
એક છોકરો અમારા માટે થાળીમાં ભોજન લઈ આવ્યો. ભોજનમાં મોટાભાગે ડબ્બા-પેક અમેરિકન ખોરાક જ હતો. અહીંના પરંપરાગત ખોરાક ખાધા પછી ઘણાં દિવસે મળેલું અમેરિકન ભોજન મને ખરેખર ભાવ્યું! પેલું દેશી ભોજન પણ મને ભાવ્યું જ હતું, પણ સતત એનો એકને એક માત્ર સ્વાદ મને પસંદ પડતો ન હતો.
મારા જીવનની કેટલીક વાતો મેં પણ એમને કરી. અમે હવે શાંત પાણીમાં પહોંચી ગયા હતા. નાવની પડખે મંદ-મંદ અવાજે પછડાતી સમુદ્રના પાણીની થપાટોનો અવાજ હવે મને આકર્ષિત નહોતો કરતો. છેલ્લી કેટલીક રાતોમાં હું એ અવાજોથી ગભરાઈ પણ જતો હતો! પણ આજે, આ માણસના ઉત્સાહના સથવારે મારામાં હિંમત આવી ગઈ હતી.
“દરદીઓ તરફથી અવિરત સહકાર મળતો રહે એ અહીંની તાતી જરૂરિયાત છે.” ડૉ. માર્શલ કહેતા હતા. “એના વગર અમે એમની સારવાર ન કરી શકીએ.”
શબ્દોના સહારા વિના જ મેં સંમતિ વ્યક્ત કરી. એમણે બીજા દરદીઓની વાત કરી. એમની વાતોની સામે ટોમસની વાત મેં ટૂંકમાં કરી. ભોજન લઈને આવેલા છોકરાને એમણે ટોમસને શોધવા મોકલ્યો. થોડીવારમાં અમારી સામેની કૅબિન પાછળ એ દેખાયો. એના ચહેરા પર સહજ સંકોચ દેખાતો હતો. અમે ઇશારો કર્યો એટલે એ આવીને બાજુમાં બેસી ગયો.
અંધારાં ઊતરી આવ્યાં. આકાશમાં તારલા હાથવેંત દૂર ભાસતા હતા. પાથરેલા કૅન્વાસ પર અમે ત્રણેય લાંબા થઈને સૂવાનો પ્રયાસ કરવા લાગ્યા. ડૉક્ટર તો થોડીવારમાં ઊઠીને ચાલ્યા ગયા; હું અને ટોમસ કલાકો સુધી જાગતા પડ્યા રહ્યા. છેલ્લે ટોમસ પણ ઊંઘી ગયો. બસ, એકલો હું જ જાગતો પડ્યો રહ્યો. ઊંઘ વગરની એ મારી સતત બીજી રાત હતી, પણ થાકનું નામોનિશાન ન હતું! મારું શારીરિક સ્વાસ્થ્ય ખરેખર સારું હતું; સાજા થઈ જવાની મારી આશા હજુ પણ જીવિત હતી!
નાવનો કૂવાથંભ હાલક-ડોલક થતો હતો. ‘નાવની બરાબર ઉપરના તારલાને એ વીંધી શકે ખરો કે?’ મને વિચારો આવતા હતા. મને ડૉ. માર્શલ વિશે વિચાર આવી ગયો. બીજે ક્યાંક હોત તો આ માણસે કેવી અદભુત સફળતા મેળવી હોત! બીચારો અહીં ફસાઈ ગયો હતો!’ હું અલક-મલકના વિચારો કરતો રહ્યો. પણ, ઊંઘ તો પણ ન જ આવી! પણ એટલું હતું, કે આખા વર્ષમાં સૌથી પહેલી વખત હું સ્વસ્થતા અનુભવી રહ્યો હતો. મારું ભાવી હવે નિશ્ચિત લાગતું હતું.
વહેલી સવારે ડૉક્ટર મને ઉઠાડતા ગયા. થોડા દરદીઓને એમણે તપાસવાના હતા. જતા-જતા કહેતા ગયા, “નાસ્તો આપણે સાથે જ લઈશું. તૈયાર રહેજો…” પાછા આવ્યા ત્યારે એમના હાથમાં પાણીનો એક ચંબુ અને વાડકો હતા.
“ત્યાં તો બહુ જ ગિરદી છે,” આવીને એ બોલ્યા. “આપણે અહીં જ હાથ-મોં ધોઈ લઈએ. મેં જોયું કે એ પોતે તો તૈયાર થઈને જ આવેલા. એમણે લાવેલું પાણી તો મેં અને ટોમસે જ વાપર્યું! જહાજની જમણી બાજુએ, સ્ટારબોર્ડ તરફ જમીન દેખાઈ રહી હતી, અને વાદળો પાછળ અડધી-પડધી છૂપાયેલી વિશાળ લીલીછમ ભૂશિર અમારી સાવ સામે લંબાઇને પડી હતી.
“તમારી જમણી બાજુએ જે ટાપુ છે એનું નામ છે બુસુઆંગા.” માર્શલે ઓળખ આપતાં કહ્યું, “અને પેલી ભૂશિર દેખાય છે, એ કોરોન ટાપુની ઉત્તરી ટોચ છે. કોરોન તો છેક ક્યુલિઅન સુધી લંબાયેલો છે. ભાગ્યે જ ત્યાં કોઈ જતું હશે. ત્યાં પહોંચવું પણ બહુ મુશ્કેલ છે. હમણાં આપણે આ બે ટાપુઓ વચ્ચેના સાંકડા માર્ગેથી પસાર થઈશું. જુઓ, આ ડાબી બાજુ આપણે વળાંક લીધો. હવે સામે સાઉથ અમેરિકાના જેવો જ ઢોળાવ દેખાય છે એ રસ્તે કોરોન ફરતે ચક્કર કાપીશું. બસ પછી સાવ સામે જ ક્યુલિઅન દેખાશે.”
અમે રેલિંગ પાસે ઊભા રહ્યા. અમારું જહાજ કિનારાની સાવ નજીકથી પસાર થતું હતું. પાણીમાંથી ઊભા થઈને ગગનચુંબી ખડકો જહાજના કૂવાથંભથી પણ ઊંચે-ઊચે નજરે પડતા હતા. પાણચક્કીનું પૈડું ફેરવતા પ્રવાહની માફક બે ટાપુની વચ્ચે દરિયાનાં મોજાં ઊછળી-ઊછળીને આગળ ધસી આવેલા ખડકો સાથે અફળાઈને ફીણ-ફીણ થઈ જતાં હતાં. અને એ સાથે જ સામે ક્યુલિઅનનો દરિયાકિનારો અમારી સામે ઊભરી આવ્યો!
એ કઈ જગ્યા હતી એ તો હું ક્ષણભર માટે ભૂલી જ ગયો! શું દૃશ્ય હતું એ! એક ઊંડો શ્વાસ મેં લઈ લીધો. માઇલો સુધી સુંદરતામાં લપેટાયેલો આવો અદભૂત દરિયાકિનારો મેં મારી જિંદગીમાં ક્યારેય નહોતો જોયો! ચારે બાજુએ જાણે જમીન જ જમીન હતી! સાવ સામે ક્યુલિઅનની ઝાંખી-પાંખી સમુદ્રપટ્ટી નજરે પડતી હતી. અમારી ડાબી બાજુએ કોરોન ટાપુ એની વિશાળતા લઈને પડ્યો હતો અને ઉત્તર અને પશ્ચિમે બુસુઆંગા ટાપુ છેક ક્યુલિઅન સુધી પથરાયેલો હતો. ક્યુલિઅનના કિનારા અને ચાઇના-સી વચ્ચે સેંકડો નાના-નાના ટાપુઓ તૂટેલા પૂલની જેમ ફેલાયેલા હતા. અને અમારી સામે હતો આખી દુનિયાના જહાજો લાંગરી શકાય એટલો વિશાળ કિનારો…!
“મને લાગે છે કે હવે હું મારા દરદીઓ પાસે જાઉં.” માર્શલે કહ્યું. “ટાપુ નજીક આવે ત્યારે હું તેમની સાથે રહું તો સારુ! એમની ગાંડી-ઘેલી વાતોના જવાબો આપવાના પૂરા પ્રયાસો અમે કરીએ છીએ, પણ… એના કારણે કોઈ-કોઈ દરદીને વાઈ આવી જાય છે! ક્યારેક તો લોકો દરિયામાં કુદકા પણ મારી દે છે આવા સમયે! તમે ઇચ્છો તો અહીં જ બેસો!”
ડૉક્ટર ચાલ્યા ગયા. તૂતક પર ઊભા-ઊભા, સામેથી એક ઊંચા, ગોળાકાર પર્વતને પાણીમાંથી બહાર આવતો અમે જોઈ રહ્યા! પર્વતની એકાદ ફૂટ જમીન પણ ભાગ્યે જ સીધી હશે! પૂર્વ છેડે એક ઊંચી ટેકરી પરના જૂના કિલ્લા જેવા મકાન પર સળગતી બત્તી હું જોઈ શકતો હતો. કિલ્લાની દિવાલોથી ખૂબ ઊંચે, પણ એ દિવાલોની પછવાડે પત્થરનું એક મોટું દેવળ દેખાતું હતું. જેમ-જેમ નજીક પહોંચતા ગયા, તેમ-તેમ એ ડુંગરાળ જમીનો, એક ઉપર એક ગોઠવેલી અગાસીઓમાં રૂપાંતરિત થતી ગઈ. અને એથી પણ ઉપર, ટેકરીઓના ઢોળાવોના ટેકે ગોઠવાયેલાં નીપા રહેઠાણોનાં નાનાં-નાનાં સેંકડો છાપરાં જોઈ શકાતાં હતાં. વચ્ચે-વચ્ચે પત્થર અને સાગોળનાં પાકાં મોટાં મકાનો પણ દેખાતાં હતાં. કદાચ એ હોસ્પિટલ કે વહીવટી કચેરીઓ હોવી જોઈએ!
કિનારાના પાણીમાં કેટલાયે કાળાં-કાળાં ધાબાં દેખાતાં હતાં. નજીક પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો, કે એ તો નાનાં-નાનાં હોડકાં, પગહોડી કે વાંસના ટૂકડા બાંધીને બનાવેલા તરાપા હતા! તરાપા ઉપર બે-ત્રણ માણસો બેસીને પેડલ મારતા હતા. નજીકથી જોતાં એવું લાગતું હતું, કે જાણે એ લોકો પાણી પર બેઠા ન હોય! બધી જ હોડીઓ કોઈને કોઈ રીતે રંગબેરંગી વસ્તુઓથી સજાવેલી હતી. હોડીઓમાં એક લાકડી ઊભી કરીને એની સાથે ચમકતા કાગળની પટ્ટીઓ બાંધી હતી. મેલા-ઘેલા ધ્વજ ફરકતા હતા, અમેરિકન અને ફિલિપાઇનના ધ્વજ! કિનારે ખોડેલા એક સ્તંભ ઉપર બે ધ્વજ ફરકતા હું જોઈ શકતો હતો, અને મારો અમેરિકન ધ્વજ એમાં સૌથી ઉપર ફરકી રહ્યો હતો!
એન્જિનના બેલનો કર્કશ અવાજ આવવા લાગ્યો. જહાજની ઝડપ પહેલા કરતાં અડધી થઈ ગઈ, અને પછી તો એનાથી પણ સાવ ઓછી થઈ ગઈ. છેવટે એક વર્તુળાકારે લાંગરેલી નાની-નાની હોડીઓની વચ્ચેની તરફ અમે વહેવા લાગ્યા. હોડીઓનો એ કાફલો વસાહત તરફથી અમારું સ્વાગત કરવા માટે સજાવાયો હતો, એ અમે તરત જ સમજી ગયા. લંગર નાખવાની સાથે જ સાંકળોનો ખણખણાટ થવા લાગ્યો, અને એ સાથે કિનારાથી પચાસેક વાર દૂર અટકીને અમારું જહાજ હાલક-ડોલક થવા લાગ્યું. બરાબર એ જ ક્ષણે, કોણ જાણે ક્યાંથી, એક નાનકડો હાથ મારી હથેળીમાં સરકી આવ્યો. મેં નીચે જોયું. અરે! ટોમસને તો હું તદ્દન ભૂલી જ ગયો હતો! કોઈ બાળકના ચહેરા ઉપર આવા હાવભાવો મેં ક્યારેય જોયા ન હતા! એની આંખો કિનારા પર ખોડાઈ ગઈ હતી. એ કાળી આંખોમાં વિમાસણ, એકાકીપણું અને ભય છલકી રહ્યાં હતાં. મેં એની હથેળી જરા દાબી. જવાબમાં એણે ઊંચું જોઈને, એક અછડતી અને અર્થસભર હળવી નજર મારા પર નાખી.
અચાનક એની એ નાનકડી હથેળીનો સ્પર્શ મને પોતીકો લાગવા માંડ્યો. મને થઈ આવ્યું, કે હાશ, અમે સાવ એકલા ન હતા! આજથી અમે બંને એકમેકના સાથી હતા!
(ક્રમશઃ)
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.
દર સપ્તાહ આવતી આ આત્મકથા નુ એટ્લુ વ્યસન થઇ ગયુ છે કે ઉત્કંઠા થી નવા પ્રકરણ ની રાહ જોઉ છુ.