વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૬}


ગતાંકથી આગળ…

A Novel By Pinki Dalal

A Novel By Pinki Dalal

પાર્ટીમાંથી પાછા ફરતી વખતે જ માધવનને લાગ્યું કે એનું માથું ચકરાઈ રહ્યું છે. ઉત્કંઠાથી કે પછી અજંપાથી, કામના અતિશય ભારણથી થાકી ગયેલા તનમનને નીચોવી નાખતી રાત તો વર્ષોથી જીવનનો ભાગ થઇ ચૂકી હતી પણ આવી પાર્ટીઓમાં જવાનું હોય તો મનમાં ઉચાટ થઇ આવતો હતો. ભરચક કામ હાથ પર હોય ને એ પણ વળી મનને ગમતું તો એમાં લિજ્જત નશા જેવી જ હોય. એ નશો આવી ધમાલભરી પાર્ટીઓમાં ક્યાંથી હોવાની?

અસ્ત થતો સૂર્ય ક્યારે છેલ્લે જોયો હતો તે પણ હવે તો યાદ નહોતું, એવા સંજોગોમાં પાર્ટી કરવાનો સમય પણ ક્યાં રહેતો? જો હાલત બદથી બદતર ન થતાં ચાલ્યા હોત તો આજે પણ પાર્ટીની ચમકદમકમાં જવાનું ટાળ્યું જ હોત પરંતુ મોટાભાગની આવી પાર્ટીઓ કનેક્શન વધારવા જ થાય છે એથી કોણ અજાણ હોવાનું ?

ફિલ્મી પાર્ટીમાં દારૂની રેલમછેલ તો ક્યારેય સ્પર્શતી નહોતી પણ આજે અંબરીશકુમારની વાત સાંભળીને સ્કોચના બે ત્રણ પેગ ગટગટાવી ગયો એ વાત માધવનને પોતાને જ નવાઈભરેલી લાગી હતી. કહેવાય છે કે સ્કોચનો સહારો માણસ ત્યારે લે જયારે ક્યાં એ અતિશય ખુશ હોય કે પછી અતિશય ગમગીન. પણ એક વાત તો નક્કી હતી, અંબરીશકુમાર એમ જ બંધ છેડાં ન ઉકેલે. કોઈક વાત તો હોવી જ જોઈએ ને જી ખરેખર જો એમાં કંઇક તથ્ય હોય તો આ અવસર ખુશીનો હતો કે ગમનો એ પણ નહોતું સમજાઈ રહ્યું.

માધવનની મર્સિડીઝ વ્હીસ્પરીંગ પામ પાસે આવી પહોંચી. મધુરિમાને પરણીને રાતોરાત અપાર્ટમેન્ટમાંથી વિલામાં વસવા જવું પડ્યું ત્યારે દરિયો આટલો નજીક હોવાનો રોમાંચ જ અદભૂત લાગ્યો હતો. બીચને અડોઅડ આવેલી વિલાની એ જ તો ખૂબી હતી, દરિયો ખુદ બાગેશ્રી રાગ આલાપી રહ્યો હતો અને એની સાથે સંગત કરી રહ્યો હતો મધરાતનો ચાંદ.

માધવનને લાગ્યું કે જાણે દૂરથી કોઈ એને સાદ દઈ રહ્યું છે. બેડરુમમાં આવીને એને દરિયા તરફ પડતાં ફ્રેંચ ડોર્સ ખોલી નાખ્યા. એર કંડીશનરની ઠંડી હવાને ધક્કો મારીને મહાત કરવી હોય તેમ દરિયા પરથી ધસી આવેલી ભીની ખારી હવાની લહેરખી ચહેરા પર ટપલી મારતી હોય તેમ પસાર થઇ ગઈ. માધવને બ્લેઝર કાઢીને ફંગોળ્યું અને બેડ પર બેસીને શૂઝ ઉતારવા માંડ્યા. પોતાના માલિક આવી ગયાની જાણ થઇ હોય તેમ ગણતરીની પળમાં રાજેશ ખિદમતમાં આવી ઉભો હતો.

‘મેડમ ઓ.કે. છે? કંઈ નવી ઉપાધિ તો નહોતી થઇ ને?’ માધવનના અવાજમાં ખરેખર ચિંતાનો રણકો હતો. દિનબદિન મધુરિમાની હાલત બગડતી જતી હતી.

‘જી ના, એવી કોઈ વાત નહોતી…’ રાજેશના જવાબે દિલમાં શાંતિ પહોંચાડી દીધી.

‘મને કોઈ કામ નથી. જા, સુઈ જા…’ માધવને રાજેશને આવેલો જોઈ થોડી ગુનાહિત લાગણી અનુભવી. વર્ષોથી સાથે રહેલો રાજેશ પોતે કોઈ પણ સમયે આવે ને હાજર ન થયો એવું બન્યું નહોતું. પોતાની નીંદર કે ઉજાગરા પ્રમાણે પોતાનું ટાઈમટેબલ ગોઠવનાર આ છોકરો હવે તો યુવાન થઇ ગયો ચુક્યો હતો છતાંય ક્યારેય મોઢામાંથી ફરિયાદનો હરફ નહોતો કાઢતો.

વધુ કંઈ બોલ્યા વિના રાજેશે બાથરૂમમાં હેંગર પર પોતે જ મૂકેલા સરના રાત્રે પહેરવાના કફની પાયજામા ચેક કરીને બેડના સાઈડ ટેબલ પર પડેલા ફ્લાસ્કમાં પાણી પણ જોઈ લીધું. ‘ગુડ નાઈટ સર’, રાજેશ એક ચીવટવાળી પત્નીની જેમ રૂમમાં નજર ફેરવી લઇ રવાના થયો કે માધવને સિગાર જલાવી.

સિગારમાંથી ઉઠતી ઘટ્ટ ભૂખરી ધુમ્રસેર અદભૂત ચક્રાકાર ભાત સર્જી રહી હતી. સીધી ઉઠતી એ સેર એક જ ક્ષણમાં કંઈ કેટલાય ચકરાવા લઈને ચૂર ચૂર થતી જતી હતી, પોતાના મનમાં વ્યાપેલા વિચારોની જેમ જ. રહી રહી ને માધવનના મનમાં એ જ વાતો ઘૂંટાતી રહી જે પાર્ટી દરમિયાન અંબરીશકુમાર સાથે સામાન્યપણે થતી રહી હતી.

પહેલીવાર કદાચ એવું બન્યું કે એ વિચારના વનમાં મગજ એવું તો ભૂલું પડ્યું કે સિગાર પૂરેપૂરી જલી ગઈ ને આંગળી દાઝી ત્યારે ખ્યાલ આવ્યો.

માધવને બાથરૂમમાં જઈ ઠંડા પાણીની છાલક ચહેરા પર છાંટી ને જોરથી નેપકીન ઘસ્યો, જાણે ન દેખાતો કોઈ ડાઘ ચહેરા પરથી મિટાવવો હોય તેમ. એમ કરવાથી હળવાશ તો જરૂર લાગી પણ માધવન જાણતો હતો કે એ લાંબી ટકવાની નથી. કપડાં બદલીને એ બહાર આવ્યો ત્યારે દરિયા પરથી વહીને આવેલી ગરમ ભીની ખારી હવાએ રૂમમાં અડ્ડો જમાવી દીધો હતો. માધવને ખોલી નાખેલી વિન્ડોઝ સરકાવીને બંધ કરી. લાગ્યું હતું કે એરકંડીશનરની બંધિયાર હવાને બદલે તાજી હવા મનને જરા શાંતિ આપશે તેને બદલે એ તો વધુ વ્યાકુળતા આપતી ગઈ હતી.

આ આરામદાયક કેદ પોતે જ તો પસંદ કરી હતી તો પછી હવે એ વિષે અફસોસ કરવાનું કોઈ કારણ? એ વિચાર સાથે જ માધવને વિન્ડો સામે પડેલી રોકિંગ ચેરમાં પડતું મૂક્યું.

કેટલીય રાતો બિછાનામાં પડ્યા વિના આ ચેરની ગોદમાં હિંચકતા જ કાઢી નાખી હોય એવું પહેલીવાર તો નહોતું બની રહ્યું ને! છતાં અંબરીશ કુમારની વાતોએ મનને એવું તો ડહોળી નાખ્યું હતું કે ન જાણે કેટલી ઉજાગરાભરી રાત હવે આ રોકિંગ ચેર પર ઝૂલતાં ગુજરવાની હતી. માધવનની નજર સામે પાર્ટીના દ્રશ્યો એક પછી એક તાજાં થતાં ગયા.

પાર્ટી જામી રહી હતી ને પોતે નીકળી જવાની ફિકરમાં હતો ત્યાં તો અંબરીશ કુમાર સામેથી આવીને વાત કરવા ગોઠવાઈ ગયા હતા.

‘અરે બાદશાહ… તું અહીં? આજે સૂરજ કઈ બાજુથી નીકળ્યો?’ હસીને અંબરીશ કુમારે માધવનની પીઠ પર ધપ્પો માર્યો. આ જ તો ખૂબી હતી આ ઉદાર દિલના અંબરીશ કુમારની. નાનો હોય કે મોટો, એક્ટર હોય કે પ્રોડ્યુસર, અદના લોકો સાથે પણ દિલથી પેશ આવતા અંબરીશ કુમારને નવાઈ લાગી માધવનને જોઈને.

‘શું વાત છે? આજે આ ઈદનો ચાંદ કઈ રીતે દેખાયો?’ એમનો ઈશારો ફિલ્મી પાર્ટીમાં ભાગ્યે જ દેખા દેવા માટે હતો.

‘સર, તમે તો જાણો છો! ટ્રેડ મેગેઝીન છે. એમની પાર્ટી મિસ કરવી એટલે…’ માધવને ગળું કાપી જાય તેવો ઈશારો કર્યો ને બંને ખડખડાટ હસી પડ્યા.

‘ને સર, બધા ભલે કહે પણ એટલી આસાનીથી આ ક્ષેત્રને અલવિદા કરી દઉં એમ લાગે છે?’ માધવન થોડો ગંભીર થઇ ચૂક્યો હતો. અંબરીશ કુમાર સાથે સંબંધ એવો હતો કે તેમની સાથે દિલથી વાત કરી શકાય પણ પોતે જ પોતાની કેદ એવી તો જડબેસલાક કરી નાખી હતી કે પોતાના જ સર્કલમાં એ અજનબી બની રહી ગયો હતો. હવે અચાનક જૂની કરીબી જતાવવી તે પણ આવી વાત માટે એટલે પ્રોફેશનલ હારાકીરી. ન જાણે આવતીકાલે એ વાતનું અર્થઘટન કઈ રીતે થાય.

‘હા, હવે તો હું પણ એટલો એક્ટીવ તો રહ્યો નથી, યાર દોસ્તોને મળવું હોય તો આવી જાઉં..’ અંબરીશ કુમાર પણ થોડા ગંભીર લાગી રહ્યા હતા. ‘છ મહિના ઇન્ડિયા હોઉં છું બાકી તને ખબર છે ને મારો બોબી, એ હોલીવૂડમાં છે, શું એ જગત છે… છ મહિના ત્યાં એની સાથે હોઉં છું.’ અંબરીશ કુમારની આંખમાં ચમક હતી ને હોઠ પર એક મીઠ્ઠું સ્મિત : ‘સાચું કહું, દોસ્ત? આપણી સફળતા ગમે એટલી સોનેરી હોય પણ જયારે આપણું લોહી કંઇક કરી બતાવે ને, એ જોવું પણ એક લહાવો છે…’ અંબરીશ કુમારની વાત સાંભળીને માધવન જરા ભોંટપ અનુભવી રહ્યો હોય તેમ નીચું જોઈ ગયો : પોતાના નસીબમાં તો એ યોગ ક્યાં લખાયેલો હતો?

થોડી ઔપચારિક વાતો ચાલતી રહી ને અચાનક જ અંબરીશકુમાર પૂછી લીધું : ‘હમણાં રીલીઝ થનારી લવ સ્ટોરી 2080 વિષે કંઈ જાણે છે?’

અંબરીશ કુમારે બેસીને પ્રશ્ન જ એવો કર્યો કે માધવનને એમાં અપમાન થતું લાગ્યું. પોતાની નિષ્ફળતાને પ્રતીતિ તીવ્ર રીતે થઇ શકે એટલે આ વાત જાણીને ઉખેળી હશે અંબરીશકુમારે?

માધવન વર્ષોથી અંબરીશકુમારને સારી રીતે જાણતો હતો, પડેલાને પાટું મારવાની હલકટાઈ આ પંજાબી રાજપૂતના સ્વભાવમાં નહોતું છતાં નિષ્ફળતાથી ઘવાયેલું મન ક્યાંયથી પણ દોષ શોધી કાઢતું.

‘વેલ, જે રીતે પ્રમોશનમાં પાણીની જેમ પૈસા વેરાયા છે એ જોયા પછી એને વિષે કોઈને ન ખબર હોય તેમ બને ખરું?’ માધવને હાથમાં રહેલા ગ્લાસમાંથી એક ચૂસકી ભરી.: ‘અને હા, હું એનાથી બેખબર કઈ રીતે હોઈ શકું? મેં પસંદ કરેલી ન્યુ કમર જ તો એમની હિરોઈન બની છે ને!!’

‘એટલે?’ અંબરીશકુમારે પોતાના હાથમાં રહેલી ચિરૂટ પર વળેલી રાખ એશટ્રેમાં ખંખેરી. એમના ચહેરા પર આશ્ચર્યનું ઘટ્ટ આવરણ છવાતું રહ્યું એ માધવનની નજર બહાર ન રહ્યું.

‘એટલે? તું આ જાનકી રેડ્ડીની અનુપમાની વાત કરે છે? તો તારી કંઇક ભૂલ થાય છે, એ તો એની શોધ છે….’

‘અરે…’ માધવનને સાચી વાત કહેવી જરૂરી સમજી : ‘હું સાચું કહું છું પણ જો તમે પૂછતાં હો કે ખરેખર હું એને જાણું છું કે નહીં તો જવાબ હા પણ છે ને ના પણ.’

‘તમે તો જાણો છો અહીં તો ચકડોળ ચાલુ જ હોય છે. અમે એવી જ કોઈક સ્ક્રીપ્ટ પર આશાસ્પદ પ્રતિભાઓની તલાશમાં હતા ને આ છોકરી અમારી પાસે જ આવેલી. અલબત્ત, કોઈ એજન્સી દ્વારા પણ જે હોય તે, અમારે ત્યાં કોઈક કારણસર એ પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો ને મને લાગે છે કે એને આ જેઆરની મોટી લોટરી લાગી ગઈ. પણ, એનું નામ કંઇક જુદું હતું.’ માધવને નામ યાદ કરવાની કોશિશ કરી તો જોઈ પણ યાદ ન આવ્યું ત ન જ યાદ આવ્યું.

‘આ નામ કદાચ જેઆરે સ્ક્રીનનેમ આપ્યું હશે પણ એનું નામ તો કંઇક અલગ હતું એ વાત તો ખરી. માધવને નામ યાદ કરવાની નાકામ કોશિશ પડતી મૂકી.

‘જે હોય તે… પણ હતી આ જ છોકરી એ વાત તો નક્કી. આમ તો બધું પતી જેવું ગયું હતું પણ કોન્ટ્રેક્ટ નહોતો થયો ને વળી એમાં કોઈક કારણથી જરા મોડું થયું ને આ છોકરી જે આરની નજરમાં ચઢી ગઈ હશે. માધવનના અવાજમાં કોઈ ભાવ નહોતો પણ અંબરીશકુમારને એમાં હળવી ઈર્ષ્યા અનુભવાઈ.

‘તારી સ્ક્રીપ્ટનું શું થયું? અલમારીએ ચઢાવી દીધી?’ હમદર્દી બતાવતાં પૂછી લેવું જરૂરી સમજ્યું અંબરીશકુમારે.

‘ના ના, એમ હારવાનું કામ મારું નહીં. મળશે આજે નહીં તો કાલે, આ તો સમંદર છે. એમ કહોને હજી પણ એ રોલ માટે નવા ચહેરાની શોધ ચાલુ જ છે. એક જબરદસ્ત ઇમોશનલ ડ્રામાવળી સ્ક્રીપ્ટ છે. તમે તો જાણો જ છો ને કે એમાં સોળ આનીવાળા આર્ટીસ્ટ જોઈએ, બારઆનીઓનું ગજું નહીં. હું સાયન્સ ફિક્શનના નામે સ્પેશિયલ ઈફેક્ટથી આંજી દેવાનું પસંદ જ નથી કરતો…’ માધવને દાઢમાં કહ્યું એમાં કદાચ નીતરી રહી હતી કસક, કદાચ ત્વરિત નિર્ણય ન કરી શકવાની અસમર્થતાને કારણે ઉઠેલો વસવસો.

‘જો કે એવું તો ચાલ્યા કરે, દસ્તૂર છે આ ઇન્ડસ્ટ્રીનો.’ માધવન પોતાની વાતને જ હસીને બોલ્યો. એક તો અંબરીશકુમાર સામે ચાલીને વાત કરવા આવ્યા ને પછી એમની સામે એમના જ દોસ્તની નીચી વાત કરવી યોગ્ય નહોતી ને.

બે ઘડી બંનેમાંથી કોઈ કંઈ બોલી જ ન શક્યું. અચાનક જ અંબરીશ કુમારે પોતે જ મૌન તોડ્યું : ‘એ બધું તો ઠીક પણ તું હજી માધવીના સંપર્કમાં ખરો?’ અંબરીશકુમારે વર્ષો પછી આવો અંગત પ્રશ્ન એવી સાહજિકતાથી પૂછી કાઢ્યો જાણે અચાનક જ લમણે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી તકાયેલી ગન મૂકી દીધી હોય.

માધવન સ્તબ્ધ થઈને અંબરીશકુમારનો ચહેરો તાકતો રહી ગયો : આખી દુનિયાને ખબર હતી કે પોતે સફળતાના શિખરે પહોંચવા મહેરા સાથે શું સોદો કર્યો હતો, અને છેલ્લાં થોડાં વર્ષોથી તો મધુરિમાની માનસિક બીમારી પણ ગોપિત નહોતી રહી તો હવે આ પ્રશ્ન કરવાનું કારણ?

‘વેલ, હવે એ તો…’ માધવનની જીભ પર આંટા પાડવા લાગ્યા ત્યારે અંબરીશકુમારે પોતે જ વાત કાપી નાખી : ‘અરે! હું તો એમ જ પૂછી રહ્યો હતો.’

અંબરીશકુમારે માધવનનો પ્રતિભાવ જોઇને વાત ફેરવી કાઢવા ચાહી પણ માધવનની આંખોમાં ઉઠેલી કુતુહલતા જવાબ હતી. અંબરીશકુમાર જવાબમાં કંઈ ન બોલ્યા પણ એ મનોમન શું વિચારી રહ્યા હશે એની અટકળ માધવન કરી શક્યો : માલદાર સસરાના જમાઈ બનવા માટે બિચારી પેલીને ક્યાં તરછોડી આવ્યો હશે ને એનો સંતાપ કદાચ ક્યારેક તો ડંખતો હશે ને!!

‘હવે તો વર્ષો વીતી ગયા પણ અવરનવર એના સમાચાર તો મળતાં રહે છે. એ અહીં જ ક્યાંક આર્ટ ગેલેરી ચલાવે છે.પણ સાચું કહું સર, જયારે કુદરતે જ રસ્તા જૂદા કરી દીધા તો પછી એ રસ્તે જઈને ફરી એને પીડવી એ પણ તો યોગ્ય નહીં ને!’ માધવને પોતાને જે ખબર હતી તે વાત કહેવી યોગ્ય સમજી.

એથી વધુ ન કંઈ બોલવું પડે એટલે સામે પડેલી પ્લેટમાંથી ચીઝનો એક ટુકડો મોઢામાં મૂકી મમળાવવા માંડ્યો. એને થયું કે બસ, હવે આથી વધુ ન કંઈ પૂછે તો સારું, અંબરીશકુમાર તો બેચાર દિવસમાં પોતાની આ વાત ભૂલી જશે પણ માધવી સાથે નિર્મમ રીતે છળ કરવાનો ડંખ છેલ્લાં થોડાં વર્ષોમાં કેટલો બળવત્તર થતો ગયો છે એની પીડા તો ક્યાં કોઈને દેખાવાની?

અચાનક જ માહોલમાં સીસું રેડાયું હોય તેમ વાતાવરણ બોઝિલ થઇ ગયું. માધવન તો ઠીક પણ સામે બેઠેલા અંબરીશ કુમાર પણ જાણે વિશેષ કંઇક બોલવા ન માંગતા હોય તેમ ચૂપચાપ ગ્લાસમાંથી વ્હીસ્કીની ચૂસકી લેતા રહ્યા.

બે સજ્જનોના ટેબલ પર બીજા બે મહેમાન હતા જે એકબીજાની વાત કાપી રહ્યા હતા. એક હતું મૌન અને બીજો મહેમાન હતો પવન. એ પોતાની તમામ શક્તિ વીંઝીને ટેબલ પર પડેલાં પેપર નેપકીન્સને ચૂપ બેસવા નહોતો દેતો.

જેટલો ફડફડાટ એ કાગળનો હતો તેથી કંઇક ઘણો રઘવાટ માધવનના દિલમાં હતો. એક તરફ મન ઇચ્છતું હતું કે માધવી વિષે કોઈ વાત જ ન નીકળે બીજી તરફ મનનો તરફડાટ વધતો ગયો, નક્કી કોઈક વાત તો હોવાની જ. બાકી આ અંબરીશકુમાર આવી વાત છેડે નહીં. અંબરીશકુમાર જાણે મૌનવ્રત ધરી ને બેઠાં હોય તેમ કશું બોલવા નહોતા માંગતા.

‘પણ તમારે કેમ આજે આ પૂછવું પડ્યું?’ માધવને ચહેરા પરની સ્વસ્થતા અકબંધ રાખીને પ્રશ્ન કર્યો.

‘ના, એમ જ…’ અંબરીશકુમાર કોઈ ગહન વિચારમાં હોય તેમ જવાબ આપી ચૂપ થઇ ગયા. વધુ એક પ્રશ્ન ને એમની જબાન પર હમેશ માટે તાળાં લાગી જશે. માધવને અટકળ ખોટી નહોતી કરી. થોડીવાર સુધી માધવને જ કોઈ સવાલ ન પૂછ્યો એટલે અંબરીશકુમારે સામે ચાલીને જ મનમાં ઘૂંટાઈ રહેલી વાત કહી દીધી.

‘વાત જાણે એવી બની કે હું હમણાં જાનકીની લવસ્ટોરીની લોન્ચિંગ પાર્ટીમાં હતો ત્યાં મેં માધવીને જોઈ. એ હતી તો માધવી જ. પણ થોડી વાતોની ગડ મને છેવટ સુધી ન બેઠી…’ અંબરીશકુમારે એક નજર માધવન સામે ફેંકી. એ ધ્યાનથી વાત સાંભળી રહ્યો હતો એ રસ જોઇને આખી વાત કહી દેવી જરૂરી હતી.

‘મેં માધવીને એ પાર્ટીમાં જોઈ…. નવાઈની વાત એ છે કે તમારા બ્રેકઅપ પછી કોઈએ માધવીને જોઈ જ નથી એમ કહે તો ચાલે. તો આ ફિલ્મી પાર્ટીમાં એ…..’

‘ઓહો! તમે પણ સર… એમાં શું નવી વાત છે?’ માધવન અંબરીશ કુમારની વાત કાપી નાખતો હોય તેમ બોલ્યો: ‘કદાચ તમને જાણમાં ન હોય તે શક્ય છે પણ એ આર્ટ ગેલેરી ચલાવે છે અને એટલું જ નહીં, ટોપ ક્લાયન્ટમાં મોટું ફિલ્મી સર્કલ શામેલ છે.’

‘અરે વાહ બરખુરદાર, તું તો ભારે ખબર રાખતો લાગે છે ને એની. પણ આટલી ઝીણી વાતોની પણ ખબર? કંઇક…’ અંબરીશ કુમાર એક કશ મારીને બોલ્યા.

‘સર, એમાં કોઈ ડિટેક્ટીવ ઇન્વેસ્ટીગેશન જેવી વાત નથી. મને પણ એ ખબર હમણાં જ પડી. વિલાના રીનોવેશન માટે જે ઇન્ટીરીયર એજન્સીને હાયર કરી એમની પાસેથી જ જાણ્યું, ને તમને તો ખબર છે ને આપણાં ખાલી મગજ ને ઊંડા ખીસાંવાળા લોકોના વહેમ ને માન્યતાઓની. મારો આર્કિટેક્ટ કહેતો હતો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટાભાગના લોકો માધવી પાસે આર્ટ ઈફેક્ટ ખરીદે છે, એ રાખવાથી ફિલ્મ હિટ થાય એવી વાત પણ ચાલતી સાંભળી છે. એટલે બિલકુલ શક્ય છે કે જાનકી રેડ્ડીએ મોટો જુગાર ખેલવા પૂર્વે માધવી પાસે કોઈ મૂર્તિ કે પેઈન્ટિંગ ખરીદયા પણ હોય ને!!

માધવન બોલતો રહ્યો પણ એકેય દલીલ અંબરીશ કુમારને સ્પર્શી હોય તેમ ન લાગ્યું. એમનો ગંભીર ચહેરો વધુ ગંભીર થયેલો લાગ્યો માધવનને.

‘ના, પણ હું કંઇક જુદું માનું છું.’ અંબરીશ કુમારની દ્રષ્ટિ શૂન્ય પર સ્થિર થઇ હોય તેમ માધવનની સામે જોઈ રહ્યા હોવા છતાં ક્યાંક બીજે જોઈ રહ્યા હતા.

‘….જે હોય તે, પણ મને લાગ્યું કે આ જાનકીની જે હિરોઈન છે તે નક્કી માધવીની દીકરી લાગે છે. એ જ નાક, એ જ નકશો, એ જ સ્મિત… હું બે દાયકા પહેલાની માધવીને ભૂલી જાવ એટલો ભૂલકણો ઓલ્ડ મેન થયો નથી.. અને જોવાની ખૂબી એ હતી કે માધવી એ પ્રસંગે હાજર હતી. નક્કી એ છોકરી ને માધવી વચ્ચે કંઇક તો કનેક્શન હતું.

અંબરીશકુમારે આ કહીને તો જાણે બોમ્બ ફોડ્યો હોય તેમ બે ઘડી સ્તબ્ધતા છવાઈ રહી. ‘…કદાચ તને જાણ ન હોય પણ માધવીએ લગ્ન કરી લીધા હોય… એની આ દીકરી હોય!’ અંબરીશ કુમાર પોતાની મનઘડંત થિયરીઓ બનાવીને ચર્ચવાના મૂડમાં લાગ્યા. માધવનને ચૂપ થઇ ગયેલો જોઇને વાત વાળી લેવા માટેનો પ્રયત્ન તો ઉલટો વધુ જાલિમ હતો ને.

માધવનને લાગ્યું કે કોઈકે પોતાની દુખતી રગ પર માત્ર હાથ નહોતો મૂક્યો બલકે એ રગ નિર્દયપણે મસળી રહ્યું છે. એનો ચહેરો વિલાઈ ગયો. એ જોઇને અંબરીશ કુમારે વાત બદલી નાખી. ‘અરે આ તો બધી મારી મનની વાત છે. મને લાગ્યું તે કહ્યું… બાકી જવા દે, જાનકી તો મારો જૂનો યાર. મેં તો એને જ પૂછી લીધું હતું.’

‘એમ?’ માધવનના ચહેરા પર અણગમાના ભાવ તરવરી રહ્યા : ‘તો ફરી શા માટે આ કોકડું છેડ્યું?’

‘હા, એમને તો જાણ હોવાની જ ને! શું કહ્યું એમણે?’ માધવનના ચહેરા પર અધીરાઈ છલકાઈ આવી.

‘હાસ્તો, જાનકી કહેતો હતો આ છોકરીનું એક નાની સિવાય કોઈ નથી. એક લેડી હતી સાથે. એની વે… ચલ રાત બહુ વીતી ગઈ છે. ને દારુ દિમાગમાં માં જઈ દંગલ મચાવે એ પહેલા ઘરભેગાં થઇ જવામાં જ શાણપણ છે. કહીને અંબરીશકુમાર ટેબલ પર હાથ ટેકવી ઉભા થવાનો પ્રયાસ કરી રહ્યા.

માધવને એમને સહારો આપી ઉભા કર્યા ને બંને હળવે હળવે બહાર નીકળી ગયા.

* * * *

છ સિગાર પછી માધવનના મગજમાં પિક્ચર હળવું હળવું સાફ થઇ રહ્યું હતું. ભલે અંબરીશ કુમારને આખી વાત વહેમ લાગી પણ પોતે તો આગળ પાછળના અંકોડા ગોઠવીને આખી વાત જિગ્સો પઝલની જેમ જોડી શકતો હતો ને! દરેક વર્તુળમાં ચર્ચાનું કેન્દ્ર બનતી ચાલેલી જાનકીરેડ્ડીની આ અનુપમા ક્યાંક માધવીની જ દીકરી તો નહીં હોય ને?

માધવીએ લગ્ન કરી લીધા હશે? એના ડેડીની મરજીના છોકરા સાથે? માધવનનું મન કેમેય કરીને માન્યું નહીં ત્યારે એક બીજો વિચાર આવી ગયો.
પોતે જયારે માધવી સાથે બ્રેક અપ કર્યું ત્યારે એ પ્રેગનેન્ટ હતી. એનો અર્થ કે કદાચ એ… અનુપમા માધવીની જ દીકરી હશે? કે પછી પોતાની ને માધવીની?

મનમાં કોઈક પ્રકાશ પડ્યો હોય તેમ માધવને ડાબો પગ જમીન પર ટેકવી ઝૂલતી રોકિંગ ચેરની ગતિ અટકાવી દીધી. સાઈડ ટેબલ પર પડેલા ટાઈમપીસ દર્શાવી રહ્યું હતું રાતનો સુમાર. ચાર વાગવામાં ઝાઝી વાર નહોતી.

શમ્મીની તો મધરાત ચાલતી હશે એને તો સવારે જ વાત કરી શકાય… માધવને વિચાર્યું તો ખરું પણ સવારના નવ વાગે એટલી પાંચ કલાકની રાહ પણ જોવી ન હોય તેમ એને શમ્મીને ફોન લગાવી જ દીધો.

ઊંઘમાંથી સફાળો જાગેલો શમ્મી તો સવારના ચાર વાગ્યામાં આવેલા બોસના ફોનનું પ્રયોજન સંપૂર્ણરીતે ન સમજી શક્યો પણ એટલું તો પામી ગયો કે સવાર પડે એટલી વાત. સરના વર્કહોલિક ભેજાને હવે બિઝી રહેવાનો પ્રોજેક્ટ મળી ચૂક્યો લાગે છે…

ક્રમશ:

આજે માણો વેર વિરાસત નવલકથાનો છવ્વીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.

આપનો પ્રતિભાવ આપો....