ચમનીયાનો… “છેલ્લો દિવસ” – રમેશ ચાંપાનેરી 10


ખંડેર ઈમારત ઉપર લગાવેલા, ને રંગબેરંગી ઇલેક્ટ્રિક તોરણ જેવા ઝબકેલા, અડધાં સળગેલા, ને અડધા હોલવાયેલા જેવાં, મારા પરમ બંધુઓ.. આકાશને ખબર નથી કે હું કોના ટેકાથી અડીખમ ઉભો છું. દરિયાને ખબર નથી કે હું કોનો ખોળો લઈને સુતો છું. પવનને ખબર નથી કે મને ધક્કા કોણ મારે છે. પણ મને ખબર છે કે મારા આધાર સ્તંભ તમારા જેવા મારા મિત્રો હોવાથી હું આપની મહેફિલમાં પર્વતની માફક ઉભો છું.

(અલ્યા… એઈઈ ચમનીયા, હવે બહુ થયું હંઅ? ૨૦૧૫ ની સાલ સુધી તો તેં અમને ખૂબ પકવ્યા. ૨૦૧૬માં તું સખણો રહેજે નહીં તો તારું આવી બન્યું એમ માનજે.) દરિયાના ઉલાળને કોઈ રોકી શક્તું નથી. ભૂકંપના કંપનને કોઈ પામી શક્તું નથી. પવનની લહેરખીને કોઈ ગજવે પૂરી શક્તું નથી અને અંધારી રાતને કોઈ ઉલેચી શક્તું નથી. એમ અમારી લાગણીઓને છિન્ન-ભિન્ન કરી કોઈ ભાંગીને ભુક્કા કરી શક્તું નથી.

(અલ્યા ટોપા.. એટલે તું ૨૦૧૬ ની સાલમાં પણ અમારી મંતરવાનો એમ જ ને? તારી તો..) નહીં… કોઈ મને રોકશો નહીં. મારા હૈયાની વાતને ઠાલવવા દો. મારી વેદનાઓને વાચા આપવા દો. મારી ભાવનાઓને નિરાંતે પિરસવા દો. દશામાની શ્રદ્ધા માફક અમારી ધુણતી ઉત્કંઠાઓને તમારા કર્ણપટલ પર ઠાલવવા દો. અમોએ તમોને એટલું જ જણાવવાનું છે કે આ પૃથ્વીના પટ ઉપર ભલે તમે કાનજીભાઈ હોય, પણ અમારે તો તમને કર્ણ તરીકે પામવા છે. આ ધરતી ઉપર ભલે તમે નવાઝ શરીફ હોય, પણ અમારે તમને શરીફ તરીકે જોવા છે. મઘમઘતા ચમનમાં અમારે અમનના પુષ્પો ખીલવવા છે. અમોએ તમોને એટલું જ જણાવવાનું કે, અમોની ભાવનાઓને તમો, ખાતાં વધેલા એંઠવાડની માફક ઠુકરાવશો નહીં..

(તારા કપાળમાં કાંદા ફોડું… તું લોહી પીવાનું બંધ કરીશ કે પછી?) આસમાને ગયેલા કાંદાની યાદ અપાવીને, બોર બોર બોર જેટલા આંસુ પડાવવાને બદલે કાંદા-કાંદા જેવડાં આંસુ પડાવવાનું પાપ ન કરો દોસ્ત… દૂધ કરતાં પણ મોંઘા મૂલના પાણીના બાટલા ઢીંચીને અમે ધરાઈ ગયા હોઈએ ત્યારે શું કામ અમો તમોનું લોહી પીએ? મુખડા ફેરવી દેવાથી જેમ જેમ દિશાઓ બદલાતી નથી એમ અમારા વિચારો પણ બદલાવાના નથી. એ કંઈ નર્મદાના પાણી નથી કે નર્મદાની કોતર છોડીને કચ્છના સીમાડા આંબવા જાય… એટલે અમોએ તમોને જણાવવાનું કે મુખડા ફેરવી દેવાથી સ્વાર્થીઓ ક્યારેય પલળવાના નથી. અમેરિકાનો બરાક ઓબામા અંબાજીના દર્શને આવવાનો નથી.. અને મુખડા ફેરવવાથી છપ્પનની છાતી ક્યારેય તળિયે બેસવાની નથી. કારણ સૂરજ એ સૂરજ છે, રાત એ રાત છે, સવાર એ સવાર છે, ને સાંજ એ સાંજ છે. સૂરજ ઉગે એટલે સવાર થાય, પણ… સવાર થાય છે એટલે સૂરજ ઉગવાનો નથી. એ ડૂબે છે એટલે ધરતી ઉપર રાત થાય છે. પણ રાત થાય છે એટલે એ ડૂબતો નથી. રાત થાય છે એટલે પંખીઓ પોઢે છે. પણ પંખીઓ પોઢે છે એટલે રાત થતી નથી.. અમારી લાગણીઓના તાણાવાણાને આમ છિન્નભિન્ન કરી મને ખિન્ન ન કરો. તમારે ફેરવવાં જ હોય તો તમારા મુખડા શું કામ, અમારી દશા ફેરવો. અમારા નશા ફેરવો. બજારના ભાવ ફેરવો. પણ અમારી દિશાઓ ફેરવવાની ઘૃષ્ટતા ન કરો જાલિમ…

(તારી ભલી થાય તારી…. મગજના તાર ખેંચતા આ તો અટકતો જ નથી. તું તો અમારા મગજની કઢી કરવા બેઠો છે અલ્યા.. અરે… કોઈ તો આને ઊંચકીને બહાર ફેંકો યાર..) વાહ! વાહ! ભારતમાં રહીને શું તમે ભદ્ર વાણી બોલ્યા, તમારી ભદ્ર વાણી સાંભળીને હું ગદગદ થઈ ગયો. મગજની કઢીના કદરદાન છો એ જાણીને ભાવુક થઇ ગયો. જેને કઢીની કદર છે એને પાણીની કદર હોય જ. જેને પાણીની કદર છે એને ચા-પાણીની કદર હોય જ અને જેને ચા-પાણીની કદર છે એને સવારની કદર હોય જ. ચા-પાણી આપણી સવારને મંગલ બનાવે. આપણા અટકેલા કામને રસ્તો કરી આપે. આપણા કથળેલા વ્યવહારોને ગતિ કરી આપે.

(અલ્યા… તારા બાપાની ચા-પાણીની લારી ચાલે છે કે તું ચા ઉપર ભાષણ ઠોકવા બેઠો?) જેમ આકાશ બગડે ત્યારે રેલ આવે, પવન બગડે ત્યારે વાવાઝોડાં આવે, અને જમીન બગડે ત્યારે ભૂકંપ આવે એમ.. જેની ચા બગડે એની સવાર બગડે. દાળ બગડે એનો દહાડો બગડે અને સાસુ બગડે એની જિંદગી બગડે… પણ ચા ઉકળે તો લાલ થાય, દાળ ઉકળે તો પીળી થાય ને સાસુ જો ઉકળે તો લાલ-પીળી થાય. અમોએ તમોને માત્ર એટલું જ જણાવવાનું કે ઉકળવું એ તો આ ત્રણેયની પ્રકૃતિ છે. આ ત્રણેય ઉકળે તો જ જામે કારણ આ ત્રણેય નારી જાતિ છે. ચા કેવી? તો નારી જાતિ! દાળ કેવી? તો નારી જાતિ! અને સાસુ કેવી તો નારી જાતિ!

(એઈઈ… બરમૂડા.. હવે નથી સંભળાતું યાર… કોઈ તો આના માથે ટાંકી ભરીને ચા નાખો ને યાર… એના કપાળમાં કાંદા ફોડું, મારું મગજ પકવી નાખ્યું!) એ જ તો મારી વાણીનો અક્સીર પ્રતાપ છે. તમને ખબર પડી ગઈ કે ભેજામાં માત્ર ભૂસું નથી, મગજ પણ છે. મગજ એ કોઈ કેરી – ચીકુ – કેળાં કે પપૈયાની જાત નથી. છતાં, મિત્રની વાણી સાંભળીને પણ એ પાકી જાય છે…

(અલ્યા, કોઈ મને મારી બંદુક આપો. મારે આને હવે ભડાકે લેવો છે…) રામ.. રામ.. રામ… વિશ્વશાંતિની આ ભૂમિમાં ભડાકા શબ્દ? આપને તો દેવવાણી શોભે બંધુ. ભલે એમાં સંસ્કૃતનો આથો ન હોય, ભલે એમાં સંસ્કૃતિનો આસ્વાદ ન હોય. ભલે એમાં મહાવીર કે ગાંધીજીના અહિંસક આંદોલનોના હાર્દ ન હોય, પતંગિયાને ક્યાં ખબર છે કે આ ગુલાબનું ફૂલ છે. આતંકવાદીને ક્યાં ખબર છે કે આ તો નમાઝી છે. વેપારીને ક્યાં ખબર છે કે કાળું નાણું એ એના જીવનનો કાંટાળો માર્ગ છે. અમલદારોને ક્યાં ખબર છે કે એ જે કરે છે એ શિષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચાર છે. અને નેતાઓને પણ ક્યાં ખબર છે કે પક્ષ એ પ્રજા નથી, પણ પ્રજા એ પક્ષ છે.

(તારા કપાળમાં કાંદા ફોડું… મગજનું દહીં કરી નાંખ્યું આ ડોબાએ… કોઈ એને દૂર ફેંકો ભાઈ..) અકળાય ગયાં? અમોએ તમોને જે કહ્યું એમાં અકળાઈ ગયાં કે પછી સત્યનો પ્રકાશ પડવાથી અંજાઈ ગયા? હું ડોબો નથી પણ દુર્લભ છું. લોકોને જે જડતું નથી તે મારામાં છે. ભલે તમે દેવ નથી, પણ ભૂદેવ છો. દેવલોકો આકાશમાં હોય, ને ભૂદેવ ધરતી પર… અમોએ તમોને એટલું જ જણાવવાનું કે માણસની જાતમાં જે જનમ્યો, તે જ માણસ કહેવાય એ તમારી ભૂલ છે. સૂરજને પકડ્યા જેવી ‘ટ્રીક ફોટોગ્રાફી’ કરીને સૂરજને ગજવે નાખવાની ચેષ્ટા બતાવવી એ તો ભ્રમ છે. સૂરજમાંથી પ્રકાશ આવે, કિરણ આવે. માણસ બન્યા પછી માણસાઈના ફળ આવે કે ન પણ આવે, કોઈ ગેરંટી નહીં. ખાતર-પાણીમાં જો કચાસ હોય તો પંચક્યાસ પણ આવે. માણસાઈને બદલે આળસાઈના પણ ફળ આવે.

અમોએ તમોને એટલું જ જણાવવાનું કે ભગવાનનું કામ તો માણસને સપ્લાય કરવાનું હોય. એને સંસ્કારની એસેસરી આપવાનું નહીં. જાણી લો કે સત્ય એ બ્રહ્મ છે ને બ્રહ્મ એ સત્ય છે પણ જગત આખું મિથ્યા છે. કારેલાની વેલમાં ગુલાબના ફૂલ આવતા નથી. એટલે અમોએ તમોને જણાવવાનું કે સત્ય એ બ્રહ્મ નથી. (ધડામ..) અને બ્રહ્મ એ સત્ય નથી. (ધડામ.. ધબ્બ) જગત તો મિથ્યા છે, સરવાળો મિથ્યા છે. બાદબાકી મિથ્યા છે, ભાગાકાર મિથ્યા છે ને ગુણાકાર પણ મિથ્યા છે. (ધડામ… ધૂમ્મ) નિરાકારનું ગણિત જ એટલું અઘરું છે કે આકાર પણ મિથ્યા છે. માત્ર નિરાકાર અને એકાકાર થવાની ચેષ્ટા જ સત્ય છે…

(ધડામ.. ધડામ… ધડામ ધૂમ્મમ.. અમારી તો આ જ ચેષ્ટા છે ચમનીયા… ચમનીયાને હજી ખબર નથી કે આ ઢોલથપાટનો અવાજ ક્યાંથી આવ્યો? એ હજી બેભાન છે!)


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “ચમનીયાનો… “છેલ્લો દિવસ” – રમેશ ચાંપાનેરી

 • Rameshbhai champaneri

  જેશલબેન, જયેન્દ્રભાઈ વગેરે લેખની દિશા ઓળખી શક્યા અને માણી શક્યા.

  વાત હસવા અને હસાવવાની છે. મને એવું સુઝ્યું કે લાવ ‘ છેલ્લો દિવસ ‘ ફિલ્મના એક પ્રસંગની હું સાંપ્રત પ્રવાહ અને તેમની જ તળપદી ભાષામાં પેરેડી કરું.

  બાકી મારી આ ભાષા તો નથી જ. ‘ જેમણે ‘ છેલ્લો દિવસ ‘ ફિલ્મ જોઈ જ નથી, એમની ટિપ્પણ એમની કક્ષાએ બરાબર છે. જે ગમ્યું તે તમારું અને નાં ગમ્યું તે મારું. પેરેડી એ પણ હાસ્યનો એક ભાગ છે. મને લાગે કે, આ લેખની ઓડિયો કલીપ વધુ ધારદાર રહેશે.

  સૌનો આભાર્.

 • jesal makwana

  P Patel…
  for point 1,2,6,7,8 – Aa lekh movie joya pachi vancho to maja avse..kem ke movie ma kalakar ek lehaka sathe aa dialogue bole che ..em j vachso to lekh boring j lagse….
  to ama tame kai gonu karyo avu badhu lakhavani jarur nathi..
  for point 3,4…tamne koi lekh na gamyo hoy to ama tantri sudhi vat pohchadvani jaruri nathi..e to amni rite mehnat karta j hoy che…

  tame kyare be negative comment karo to ani ek rit hoy….avi rite saav utari padvani vat to na j karo…

 • Chandrakant Lodhavia

  શ્રી જીજ્ઞેશભાઈ,
  ચમનીયાનો છેલ્લો દિવસ…. લેખ વાંચી કોઈ પ્રતિભાવો ઊભા થતા નથી.
  ચન્દ્રકાન્ત લોઢવિયા – વડોદરા – ૨૪.૦૧.૨૦૧૬

 • જયેન્દ્ર પંડ્યા

  મુરબ્બી શ્રી રમેશભાઈ,
  આપની કૃતિ જરૂર વાંચવાની મજા પડે છે. તેના બે કારણ મુખ્ય છે. એક તો એ કે તમે મિત્રોની ભાષા વાપરો છો અને બીજું એ કે તેમાં મર્મ હોય છે.
  વાંચતા વાંચતા મુખ ઉપર સ્મિત આવી જાય અને હા, મિત્રો વચ્ચેનો સંવાદ પણ યાદ આવી જાય તેવી કૃતિ બદલ આભાર.
  આજના વ્યસ્ત અને ત્રસ્ત જીવનમાં હાસ્ય સભર કૃતિઓ નો અક્ષરનાદ માં સમાવેશ કરવા બદલ જીજ્ઞેશ ભાઈને પણ દાદ આપવો ઘટે છે.
  આભાર

 • gopalkhetani

  રમેશભાઇ નો આ લેખ, આર્થીક રીતે સફળ નિવડેલુ ગુજરાતી ચલચીત્ર ‘છેલ્લો દિવસ’ (જે શિર્ષક મા દર્ષાવ્યુ જ છે) મા ના એક પાત્ર ‘નરેશ’ (જેમા પણ ગુજરાતી નાયક નરેશ કનોડિયા ની હાંસી ઉડાડેલી છે) પર થી પ્રેરીત છે. મુદ્દા ની વાત એ કે ઘણી વાર ઘણા લેખ કદાચ આપણ ને ન પણ ગમે, તો તેને વખાણો નહી તો ભલે પરંતુ દોષ ના કાઢ્શો.અહી મારો હેતુ વિવેચકો વિશે કશુ કહેવાનો નથી. પરંતુ શ્રી કાલીદાસ ભાઇ ની જેમ “સર્જનાત્મક” ભુલો તરફ લેખક નુ ધ્યાન દોરવુ એ વધુ સારુ રેહશે એ કહેવાનો છે. ભુલચુક માફ કરશો.

 • Kalidas V. Patel { Vagosana }

  રમેશભાઈ,
  માફ કરશો, પણ પ્રસ્તુત લેખને ” હાસ્યલેખ ” ગણવાનું પણ યોગ્ય લાગતું નથી. માત્ર વાણી-વિલાસ અને અંત્યાનુપ્રાસી શબ્દોને મલાવી મલાવીને વાંચકોને માથે { આંખે } મારવા સિવાય ક્યાંય હાસ્ય કે હ્યુમર નિષ્પંન થતું નથી. વળી,
  ૧. શું કામ અમો તમોનું લોહી પીએ ? … જેવા વાક્યો તો સમજાતાં પણ નથી ! — તમોનું = ? કઈ ભાષાનો શબ્દ છે ? … પીએ કે પીઈએ ?
  ૨. અકળાય = અકળાઈ જાય, કંટાળી જાય. — અકળાઈ ગયાં — એ સાચો શબ્દપ્રયોગ છે. { ફકરો – ૯ }
  ૩. ” તારા કપાળમાં કાંદા ફોડું ” જવા બેહુદા ધ્રૂવ વાક્યનું વારંવારનું પુનરાવર્તન હાસ્ય નિપજાવવાને બદલે માથામાં વાગે છે.
  ૪. સાચી જોડણી પ્રત્યે પણ ઘણી બેકાળજી જણાઈ આવે છે.
  ૫. સમગ્રતયા માત્ર મિથ્યા વાણીવિલાસ કરવાનો પ્રયાસ લાગે છે.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

  • P. Patel

   સાચી વાત છે, એકદમ સાચી કાલિદાસભાઈ. મને તો સમજાતું નથી કે તંત્રી સાહેબ આ એકના એક { કહેવાતા } હાસ્ય લેખકને જ આપણા માથે કેમ મારે છે ? શું બીજા હાસ્ય લેખો મળતા જ નથી ? બસ કરો બાપલા, હવે વધું કાંદા કપાળમાં ન ફોડો ! … સવાર બગાડી !.

  • jesal makwana

   મને લાગે છે કે તમે આ ફિલ્મ જોઇ નથી … એના સન્દર્ભ મા વાચવાની મજા આવી…

  • jesal makwana

   બીજુ એ કે તમે બહુ negative comment કરો છો…ક્યારેક જવા દેવુ જોઇએ…ભાવના ને સમજવુ જોઇએ…

   • P Patel

    જેસલબેન,
    આપની જાણ સારુ —
    ૧. આ લેખ વાંચવા-સમજવા … છેલ્લો દિવસ … સિનેમા જોવી જ પડે ?
    ૨. જે લોકો સિનેમા જોતા ન હોય તેના માટે આ લેખ નથી ?
    ૩. અક્ષરનાદમાં એક જ લેખકના ૨૫ થી પણ વધુ હાસ્યલેખો {!} આપીને તંત્રીશ્રી શું સાબિત કરવા માગે છે ?
    ૪. બીજા હાસ્યલેખો મળતા નથી ?
    ૫. કોઈ પણ લેખક વિષે કંઇક અણગમો { જે યથાર્થ હોય } વ્યક્ત કરાય તો તેને નેગેટીવ કોમેન્ટ ગણાય ? આનો મતલબ તો એ થયો કે અક્ષરનાદના કોઈ લેખક વિષે , કે તેની ભૂલ વિષે કંઈ કહેવાય જ નહિ !
    ૬. કંઈ ભાવનાને સમજવાની વાત આપ જણાવો છો ? માત્ર વાણીવિલાસને હાસ્ય સમજીને પરાણે ગળે ઉતારવાની ભાવના ?
    ૭. મેં ફિલ્મ જોઈ નથી, તો શું ગુનો કર્યો ?
    ૮. આવા લેખો … કે કોઈ ફિલ્મ જોઈ હોય તો જ વાંચવા … આપવાનો શો અર્થ ?
    ૯. છેલ્લે, જો લેખ સારા હશે તો , સૌને ગમશે અને નેગેટીવ કોમેન્ટ પણ નહિ આવે, એટલું તો આપ માનો છો ને ?