નમસ્તે શ્રોતામિત્રો….!
દેવોને પણ જે ચીજ દુર્લભ છે, એ ઉબાડિયાથી આપ સૌ પરિચિત છો. આ વિસ્તારના ઉબાડિયું બનાવવાના સ્પેશિયાલીસ્ટ, ચમનભાઈ ઉબાડીયાવાલાની એક રેડિયો મુલાકાત, અમારા આકાશવાણી હુલ્લડ કેન્દ્ર ઉપરથી પ્રસ્તુત કરીએ છીએ. હાઈ-વે ઉપરથી મહામુશીબતે હાથમાં આવેલ ચમનભાઈ ઉબાડિયાવાલાની આ મુલાકાત આપને ગમશે. આવો આપણે એમને સાંભળીયે. ( સોરી ) વાંચીએ….!
– નમસ્તે ચમનભાઈ, આપનું નામ ?
– એ જ મારું નામ. આખું નામ ચમનભાઈ ઉબાડિયાવાલા….!! મુ.પો. વાપી થી તાપી, નેશનલ હાઈ-વે ન. ૮ ને અડીને….! લોકો મને “ચમન ઉબાડિયું“ તરીકે જ ઓળખે. એ મારી શાખ….!
– આપનો ધંધો…?
– બાફ્યું ને પાછું…? ગાંધીજીએ શું કહેલું….? ‘ મારું જીવન એ જ મારો સંદેશ ‘ એમ, “ મારી અટક એ જ મારો ધંધો “ એટલે કે ઉબાડિયું બનાવવાનો.
– હાવ ફની યુ આર….?
– પ્લીઝ….! ઈંગ્લીશ નહિ, ઈંગ્લીશ નહિ. અમને દેશી જ ફાવે….!
– તમારી કોઈ શાખા ખરી….?
– હા, બે બાળકો છે.
– એમ નહિ, તમારા ઉબાડિયાના ધંધાની.
– ના જી. કોઈ શાખા નથી. પણ શાખ મોટી….!
– આ વાસ તમારા કપડાંમાંથી આવે છે…? કયું અત્તર વાપરો છો ચમનભાઈ…?
– એ વાસ નથી, ઉબાડિયાની સુવાસ છે. અમારે તો ઉબાડીયાની સુવાસમાં, ઘરાકોનો વાસ હોય…!
– કેટલું ભણ્યા છો….?
– ઘણું બધું. આખું ગામ મારી સાથે જ ભણેલું. કારણ કે, લગભગ બધાં જ ધોરણમાં બબ્બે વર્ષ કાઢેલાં.
– ઠીક છે ચમનભાઈ….! આ ઉબાડિયાના રવાડે તમે કઈ રીતે ચઢ્યા…?
– હું ઉબાડીયાના રવાડે નથી ચઢ્યો, ઉબાડિયું મારા રવાડે ચઢેલું.
– ઉબાડિયું બનાવવાની પ્રેરણા તમને કોણે આપી…?
– મારી પોતાની વાઈફે….! મારે એક વાઈફ છે.
– બધાને એક જ હોય ચમનભાઈ.
– ના, ઘણાને બિલકુલ નથી હોતી એટલે.
– તમારા વાઈફે ઉબાડીયાનો કોઈ કોર્ષ કરેલો…?
– ના…..ના ! મારી સાથે લગન કર્યા પછી એને લાગ્યું કે, આની સાથે ઉબાડીયાનો ધંધો જ ઝામે એવો છે. એટલે મારા નામ ઉપરથી ‘ચમનીયાનું ઉબાડિયું‘ સેન્ટર શરુ કર્યું, બિચારી ખાતી પણ જાય, અને કામ કરતી પણ જાય….!
– ને, પછી તમારી વાઈફે તમને આ ધંધામાં ધંધે લગાવી દીધાં, ખરું ને….?
– આપ બહુ ઈન્ટેલીજન્ટ છો સર….!
– કારણ કે હું પણ પરણેલો છું.
– એક વાત કહું સર…? પ્રત્યેક સફળ પુરુષ પાછળ હંમેશા એમની વાઈફનો જ હાથ હોય…! હવે એ નહિ પૂછતાં કે ડાબો હાથ કે જમણો….? બાકી ઉબાડીયામાં બીજું આવે શું….? વેગણ-પાપડી-બટાકો ને શક્કરીયો….! પણ, આ બંદાને બટાકા કે શક્કરીયાનું પણ નોલેજ નહિ. તમને હસુ આવશે પણ, શક્કરીયાને હું લાંબો બટાકો કહેતો….!
– વાઈફ સિવાય બીજા કોઈની પ્રેરણા ખરી…?
– હા. સપોર્ટીંગ કલાકાર તરીકે મારી એકની એક સાસુની.
– બધાને એક જ સાસુ હોય ચમનભાઈ…!
– કોણે કહ્યું…? આ ભૂમિ ઉપર એવાં ઘણા કુંવારા છે કે, જેને બિલકુલ સાસુ નથી.
– તારા કપાળમાં કાંદા ફોડું…!
– અમારા ઉબાડિયા જૈન હોય. એમાં કાંદા ફોડવાના નહિ આવે સર.
– મતલબ કે, આજે ઉબાડિયામાં તમારી જે ખ્યાતિ છે, એ તમારી સાસુને પણ આભારી છે.
– હા, કોઈનું પણ ઉબાડિયું બનાવવામાં એ એક્ષપર્ટ….! કારેલાનું ઉબાડિયું પણ એકવાર તો બનાવી દે.
– તમે તો રોજ એમને પગે લાગતાં હશો…?
– હા શરુ શરૂમાં લાગતો હતો. હવે એ મને લાગે છે…!
– તારી ભલી થાય તારી….!
– તમે કંઈ બોલ્યાં….?
– ના, આર્શીવાદ આપ્યાં.
– સર, હું તમને એક સવાલ પૂછું….?
– પૂછો…પૂછો, બેધડક પૂછો.
– તમે આકાશવાણીમાં જોડાયા, એની પાછળ પ્રેરણા કોની…?
– અલબત મારી વાઈફની.
– કોઈ વજૂદ.
– બસ….ઘરે બોલવાની તક મળતી નથી, એટલે આકાશવાણી ઉપર સ્ટોક ખાલી કરું છું..!
– યુ આર વેરી ફની.
– ડ્યુ ટુ માય હની…..! તો આપણે હવે ઉબાડિયાની વાત ઉપર આવીએ…?
– હું પણ એ જ કહેતો હતો. કારણ કે, હું પણ ઉબાડિયાનું માટલું ‘ ફાયર બ્રાંડ ‘ ઉપર મુકીને જ આવ્યો છું.
– ફાયર બ્રાંડ એટલે…? કોની વાત કરો છો…? વાઈફની….?
– ના ભાઈ ના….! ઉબાડિયું બનાવવા માટે અમે જે તાપણું કરીએ ને, એને અમે અમારી ભાષામાં ‘ ફાયર બ્રાંડ ‘ કહીએ. તમે પણ શું સાહેબ….! ઘર ભંગાવવું છે…?
– હંઅઅઅ….તો તમે પહેલું ઉબાડિયું ક્યારે બનાવેલું ?
– શિયાળાની લગન સિઝનમાં. એટલા માટે કે, પોંક-ઉબાડિયું ને ઊંધિયું, જેટલું આ સિઝનમાં ઝામે એટલું ક્યારેય નહિ ઝામે. બીજું કે, લગન એ પણ એક જાતનું ઉબાડિયું જ કહેવાય.
– હું કંઈ સમઝ્યો નહિ.
– લગન એટલે ઉબાડિયાનું માટલું…! જે માટલામાં એકબીજાના અનેક અરમાનો ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હોય. પછી જેમ જેમ સંસારના સળગતા પ્રશ્નોનો તાપ લાગવા માંડે, તેમ તેમ માટલું ગરમ થવા માંડે. જો વધારે ગરમ થયું, તો અરમાનો દાઝી જાય. અને પ્રમાણસર ગરમ થયું તો સ્વાદિષ્ટ લાગે.
– તારા કપાળમાં કાંદા ફોડું….!
– કંઈ સંભળાયું નહિ. તમે કંઈ બોલ્યાં સાહેબ….? આ તમારા આકાશવાણી કેન્દ્રની આજ માથાકૂટ છે. આ તો મનની વાત કહું છું…!
– કઈ…?
– જે બોલો છે એ સંભળાય છે ખરું, પણ સમઝાતું જ નથી.
– ઉબાડિયાની રેસીપી વિષે કંઈ કહેશો….?
– પાપડી-વેંગણ-શક્કરીયો ને બટાકો. પછી નાંખો એમાં સુરતી મસાલો. એનું નામ ઉબાડિયું…! સાવ ઇઝ્ઝી….! પણ એક વાત છે. ઉબાડીયાના આખા મામલામાં મસાલાની જ કીમત હોય. જેમ જેવો જેવો સાલો, તેવો તેવો બનેવી. તેમ જેવો જેવો મસાલો તેવું તેવું ઉબાડિયું….! નેતા હોય કે અભિનેતા મસાલાથી જ ખીલે છે ને…? ફેર એટલો કે, અમારામાં મીડિયાવાળાનો મસાલો કામ નહિ આવે..
– આ ઉબાડીયુ આટલું બધું લોકપ્રિય કેમ, ચમનભાઈ….!
– સર….! હજી દેવ લોકો સુધી તો આની સુગંધ ગઈ જ નથી. નહીતર એ લોકો પણ થર્ટી ફર્સ્ટ કરવા હાઈ-વે ઉપર જ ઉતરી પડે. બીજું કે, અમે પણ ઉબાડીયાનો ટેસ્ટ ઉપર સુધી જવા દેતાં નથી. નહિતર એ લોકો તો ઉબાડિયા બનાવવા ઉપર પણ બોલાવી દે….! એમનો ભરોસો શું…?
– ઉબાડિયાની હાટડીઓ મોટે ભાગે હાઈ-વે ટચ જ હોય છે, એનું કારણ શું….?
– એના કરતાં એમ પૂછો ને, કે અમે રસ્તા ઉપર કેમ આવી ગયાં…?
– તમે તો ભારે તત્વ ચિંતક છો.
– એ સબ ઉબાડિયાકી કમાલ હૈ…! ઉબાડિયાની સુગંધ જ એવી પાવરફુલ કે, વાપી થી તાપી સુધીના હાઈ-વે ઉપરથી પસાર થયાં, એટલે તામારું ઓક્સીજન કામ જ નહિ લાગે. અમારા ઉબાડિયાની હવા જ ચાલે. એટલે અમારી હાટડી આગળ એણે થોભવું જ પડે. ચલી…ચલી એ હવા ચલી….! એ તો કોઈ અમારી કદર નથી કરતુ. બાકી લોકોને ગલીમાંથી કાઢી હાઈ-વે ઉપર લાવવા પાછળ માત્ર સરકારનો જ નહિ, અમારો પણ ફાળો છે. શિયાળામાં બીજે બધે બરફ પડે, પણ આટલા વિસ્તારમાં તો ઉબાડિયા જ પડે. એ અમને આભારી કહેવાય….!
– ચમનભાઈ તમારું ઉબાડિયું વેજીટેરીયન ગણાય કે નોનવેજીટેરીયન…?
– સો ટકા વેજીટેરીયન. પણ પાપડી ભેગી ઈયળ બફાઈ જાય એમાં અમારી કંપની જવાબદારી લેતી નથી.
– ઉબાડિયાના શોધક વિષે કોઈ નોલેજ ખરું…?
– સાચું પૂછું તો હું જ એને શોધું છું. એને શોધવામાં ને શોધવામાં જ હું ઉબાડિયાવાળો બની ગયો. રામાયણ કે મહાભારતમાં પણ એનો કોઈ ઉલ્લેખ નથી. બિચારી શબરીને પણ ઉબાડિયાનું નોલેજ નહિ હતું. નહિ તો શ્રી રામને એંઠા બોર નહિ પણ એમણે ઉબાડિયું જ ખવડાવ્યું હોત. શબરીજી સુરતના નહિ હતાં ને એટલે….?
જ્યાં જ્યાં વસે એક સુરતી ત્યાં ત્યાં સદાકાળ સ્વાદ
ઘારી પોંકને કે લોચો ચવાણું, ઉબાડિયાનો આસ્વાદ
– મારે શ્રોતાઓને કંઈક કહેવું છે. કહું….?
– આપણે શ્રોતાઓને જ કહી રહ્યાં છે, ચમનભાઈ….! બોલો શું કહેવું છે…..?
– શ્રોતાઓ, ચાર ધામની યાત્રા નહિ થાય તો અફસોસ નહિ કરવાનો ભઈલા….! યુ હેવ નથીંગ લોસ…! પણ શિયાળામાં સમય કાઢીને એકવાર વાપી થી તાપીના હાઈ-વે ઉપર લટાર નહિ લગાવી, તો એવરીથીંગ યુ હવે લોસ…! તમે ભૂલી જશો કે, તમે નેશનલ હાઈ-વે ઉપર છો કે, ઉબાડિયાના રોડ ઉપર…..! એઈઈઇ…ઠેર ઠેર પાપડીના છોટલા નીકળતા હોય, મનના છોટલાં કાઢતાં હોય, આ દ્રશ્ય જોવું એ પણ એક લ્હાવો છે…! લોકોની એટલી ભીડ હોય કે, આપણને એમ જ લાગે કે, ‘ યે સભી માર્ગ વ્યસ્ત હૈ….! “
– તારી ભલી થાય તારી ચમનીયા….!
– પાછું કંઈ બોલ્યાં સર.
– ના….આર્શીવાદ આપ્યાં…!
– તમે આર્શીવાદના સ્ટોકીસ્ટ લાગો છો.
– ઔર એક સવાલ….! દરેક ઉબાડિયાવાળા પોતાની ઉબાડીયાની હાટડીનું નામ ભગવાનના નામ ઉપરથી કેમ રાખે છે..? જેમ કે, શિવ ઉબાડિયું, સાંઈ ઉબાડિયું, ચામુંડા ઉબાડિયું વગેરે વગેરે.
– સરસ સવાલ કર્યો સર. અમે અમારા ઉબાડિયા સેન્ટર સાથે, નેતા કે અભિનેતાના નામ જોડીને એને અભડાવવા નથી માંગતા. બીજું કે, ભગવાનના નામથી સેન્ટર ચલાવીએ એટલે, ઉબાડિયું ગમે તેવું હોય, તો પણ ખાનારને પચી જાય. કોઈની કમ્પ્લેઇન નહિ આવે. ને ધંધામાં બરકત રહે એ નફામાં….!
– હવે છેલ્લો સવાલ. આ તમારી ઉબાડિયાવાલા અટક વિષે કંઈ કહેશો…?
– વેરી સિમ્પલ….! આપ તો જાણો જ છો કે, ધંધા પ્રમાણે જ અટક રાખવાનો એકમાત્ર ઈતિહાસ સુરતીઓએ ઉભો કરેલો છે. જેમ કે, ચાઈવાલા, બિસ્કીટવાલા. ગોલવાલા, ખાંડવાલા, લોચાવાલા, વાઈવાલા, એમ મારી અટક ઉબાડિયાવાલા….!
– તમારી આખી પેઢીમાં આ અટક છે…?
– ના, મારા પિતાજી પાપડી વેચતા, એમની અટક પાપડીવાલા હતી. દાદા વેંગણા વેચતા. એટલે એમની અટક વેંગણવાલા હતી. મારા પરદાદા શક્કરીયાનો વેપાર કરતાં. એટલે એમની અટક શક્કરીયાવાલા હતી. ને મારા સાસરીયાવાળા મસાલાનો વેપાર કરતાં. એટલે એમની અટક મસાલાવાલા હતી. મેં એ બધાનું કોમ્બીનેશન કરીને મારું મગજ તેજ કર્યું. અને મેં એમાંથી ઉબાડિયું બનાવ્યું. એટલે મારી અટક થઇ ગઈ ઉબાડિયાવાલા….!
– મતલબ કે બધાની અટક ભેગી કરી ને તમે સૌનો ઈતિહાસ જાળવ્યો. એમ જ ને…?
– એકઝેટલી રાઈટ….! તમે બહુ ઈન્ટેલીજન્ટ છો સાહેબ….!
– તારી ભલી થાય તારી ચમનીયા…..!
– તમે કંઈ બોલ્યાં સાહેબ…?
– ના પાછા આર્શીવાદ આપ્યાં.
– તો ઠીક છે….!
તો શ્રોતા મિત્રો આ હતાં ચમનભાઈ ઉબાડિયાવાળા. હવે સાંભળશો એક સરસ મઝાનું ગીત. “ ખુશ્બુ મૂકી જાય ‘ વસંત ‘ ખુશ્બુ મૂકી જાય…..! “
– રમેશ ચાંપાનેરી ‘રસમંજન’
જીજ્ઞેશભાઈ,
ટાઈપની તથા જોડણીની અક્ષમ્ય ભૂલોથી લથપથ લેખ કઠે છે. શીર્ષક નામ — ઉબાડિયું પણ એક જ લીટીમાં … ઉબાડિયું તથા ઉબાડીયું છપાય એ કેવું લાગે ? ઝામે , સમઝાતુ , છોટલાં , આર્શીવાદ , શક્કરીયો , યુ હવે લોસ , હસુ આવશે …. જેવા શબ્દો આંખને પણ કઠે છે. મેં. કરીને ટાઈપ કર્યા પછી એક વાર શાંતિથી વાંચી જવાનું રાખશો તો આવી ભૂલો દૂર કરી શકાશે.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા}
રમેશભાઈ, આખરે ઉબાડીયાની રેસીપી ખાનગી રાખી ને!!!
ઓ તમારૂં ભલું થાય !!
ભગવાાન સૌૌનુુ ભલુ કરે.
ઉબાડીયાનો ઇન્ટરવ્યુ સાંભળીને મારું મોઢું તો પાણીથી ભરાઇ ગયું હો….
લાગે છે એકવાર ઉબાડીયાનો સ્વાદ માણવા વાપીથી તાપી રોડ ઉપર જવુ જ પડશે.
સરસ ઇન્ટરવ્યુ હતો હો.
વિપુલ આર. સોંદરવા-એડવોકેટ.
So funny interview and ‘Umbaadiyuu’ is amazing tasteful item.