યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૬) 2


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

નાસ્તો પતાવીને મેં બીલે અધૂરી મૂકેલી સાફસૂફી કરવાની શરૂઆત કરી. કોણ જાણે કેટલાંયે વર્ષોની ધૂળ એકઠી થઈ ગઈ હશે ઝૂંપડીમાં! સાબુ, બ્રશ અને ઝાડુ લઈને બે કલાક સુધી વળગી પડ્યો ત્યારે છેક મારાથી શક્ય એટલી સાફસૂફી હું કરી શક્યો. અંદર સુકાય ત્યાં સુધી રાહ જોવા બહાર જઈને મેં સિગાર સળગાવી. બીલ આવ્યા ત્યારે એમને અંદર જઈને જોવાનું મેં કહ્યું. એમણે મારી મહેનતની મનોમન નોંધ લીધી, અને હસ્યા.

“તો, તું હવે ધરતી પર આવી ગયો, ખરુંને? મેં ગઈકાલે જ તારા ભાઈને પત્ર લખ્યો, અને આજે સવારે તો તારથી એનો જવાબ પણ આવી ગયો. પરમ દિવસે એ અહીં આવશે.”

“તમે એને શું જણાવ્યું છે?”

“બસ એ જ, કે તું બહુ બિમાર પડી ગયો છે, અને તને લાંબા આરામની જરૂર છે… પણ નેડ, એ અહીં આવે એ પહેલાં હું એને સાચી હકીકત જણાવી દેવા માગું છું.”

એમણે એક અઘરા કાર્યમાંથી મને ઉગારી લીધો હતો.

“બીલ, હું તો તમારો આભાર પણ માની નથી શક્યો ક્યારેય! રાત્રે સુતા-સુતા પણ મને એ જ વિચારો આવતા હતા. હું એ તો નથી જાણતો કે તમે શા માટે મારી આટલી મદદ કરી રહ્યા છો, પણ હું ખરેખર તમારો આભાર માનું છું.”

“અરે મુરખ, આમ ગાંડો ન થા. તું ખરેખર મને ગમે છે.”

“હજુ બે દિવસ પહેલાં તો હું તમને મારી નાખવાના વિચારો કરતો હતો.”

“હા, મને ખબર છે એની. પણ એમાં તું તારી જાતને દોષ ન દઈશ. એ દિવસે સવાર-સવારમાં હું પણ તારી સાથે કંઈ બહુ સારી રીતે નહોતો વર્ત્યો! ચાલ, બહાર કાર સુધી તો આવ, હું તારા માટે થોડી નાની-નાની વસ્તુઓ લાવ્યો છું.”

વાડની બહાર ઉભેલી કાર પાસે એ ગયા. હું વાડની અંદર જ ઊભો રહ્યો અને એમણે પુસ્તકો, સામયિકો અને છાપાંઓનું એક બંડલ મને આપ્યું. વાડનો ઝાંપો પસાર કરી, એક ભારે ચોરસ ખોખું લઈને એ અંદર આવ્યા અને ટેબલ ઉપર મૂક્યું.

“ખોલ આને, મને લાગે છે કે તને ગમશે.” ખોખાની ઉપર વીંટાળેલા કાગળ ફાડીને મેં અંદરથી એક નાનું થાળીવાજું અને ડઝનેક રેકોર્ડ અંદરથી કાઢી.

“અરે બીલ, તમે તો બહુ તકલીફ લીધી! આમ મારી પાછળ બહુ ખર્ચ ન કરો. તમે જે કરી રહ્યા છો એ જ મારા માટે ઘણું છે!”

“ચૂપ! આમાં મારે ખાસ કંઈ ખર્ચ કરવો નથી પડ્યો. આ ધંધામાં મારો એક મિત્ર છે, અને એ મને આપતો રહે છે આ… બોલ, ઉંદરોનો ત્રાસ કેવો રહ્યો? આ જાળીઓથી ફેર પડ્યો લાગે છે! એક પણ ઉંદર ન આવ્યોને? મારી ધારણા કરતાં પણ આ તો સારું લાગે છે.”

બીલ એકાદ કલાક રોકાયા, અને અર્થહીન વાતો સતત કરતા રહ્યા. છેવટે જતાં-જતાં કહેતા ગયા, “ચાલ ત્યારે, મારે ઘણું કામ છે. થોડો બીજો સામાન લેતો આવીશ, મળીએ ત્યારે કાલે.”

બીલના જતાં વેંત ખોખા ઉપરની દોરી તોડીને મેં છાપાંનું બંડલ ખોલ્યું અને વાંચવા લાગ્યો. એમાં મારા વિશે કોઈ જ ઉલ્લેખ ન હતો. સામયિકો ઉપર આમતેમ નજર ફેરવીને મેં થાળીવાજું ગોઠવ્યું, અને રેકર્ડ કાઢીને વગાડવા લાગ્યો. છેક સાંજે ચાર વાગ્યે મને ખ્યાલ આવ્યો, કે બપોરનું જમવાનું તો હું ભૂલી જ ગયો હતો! થોડી ભૂખ તો લાગી જ હતી, એટલે થોડો નાસ્તો કરી લીધો.

બે દિવસ પછી ટોમ આવ્યો. વાડ પાસે ઊભા-ઊભા જ હું મુખ્ય રસ્તો જોઈ શકતો હતો. બીલની કારની પાછળ-પાછળ અમારી જૂની કાર આવી રહી હતી. બીલ કાર લઈને બારોબાર નીકળી ગયો, અને ટોમે વાડ તરફ આવવાના માર્ગ તરફ કારને વાળી. એ નજીક આવ્યો, અને હું સ્તબ્ધ થઈ ગયો. ટોમ જાણે બિમાર પડી ગયો હોય એવો લાગતો હતો. એનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો હતો. આંખો સાવ અંદર ઊતરી ગઈ હતી.

બહાર આવીને એ વાડ પાસે ઊભો રહ્યો. અમે બંને એકબીજા સામે તાકી રહ્યા. એનો અવાજ નબળો પડીને કર્કશ થઈ ગયો હતો.

“નેડ, આ શું થઈ ગયું! અમને બધાંને બહુ ચિંતા થાય છે. અને હવે… આ તો બહુ ભયંકર…”

મારે એનો શોક દૂર કરવો જ રહ્યો! બીલના શબ્દો હજુ પણ ફરી-ફરીને મારા કાનમાં ગુંજતા હતા, “જવાન, તારે આ કરવું જ પડશે…”

“અરે, બીલ… મેજર થોમ્પસન ક્યાં? એ વળી ક્યાં ચાલ્યા ગયા?”

“એમને થોડું કામ હતું. એ પછી આવશે એવું તમને કહેવા માટે એમણે મને કહેલું.”

“કેમ ચાલે છે બધું?”

“ઑફિસે બધું ઠીકઠાક છે. પણ માની તબીયત બરાબર નથી. હું થોડા પત્રો લાવ્યો છું…” કહેતાં એણે ખિસ્સામાંથી એક નાનકડું પેકેટ કાઢ્યું. જેનના ત્રણ પત્રો હતા.”હું વાંચી લઉં આ પત્રો…”

“ચોક્કસ, હું પણ એમ જ કહું છું.” કહીને એ વાડ પાસે ફરવા લાગ્યો. એના પત્રો મેં વાંચ્યા. એ ત્રણ દિવસોમાં હું એ પત્રો અનેક વખત વાંચી ગયો હોઈશ! શું હવે જેન સાથે ક્યારેય લગ્ન નહીં થઈ શકે? એને ફરીથી જોવા પણ નહીં પામું શું હું? માની લો, કે હું ‘સાજો’ થઈ પણ ગયો! તો પણ ભવિષ્યમાં શું ક્યારે આ રોગ પાછો દેખા નહીં દે? એક અતળ ઊંડાણભરી ખાઈ મારી સામે ઊછળતી હતી. અને એ ખાઈ ઉપર કોઈ દિવસ પૂલ બંધાવાની આશા મને ન હતી!

જેનના પત્રોએ મારા હૃદય પર ઊંડા જખમો કરી દીધા. બસ અમારી જ વાતો, અમારા ઘરની વાતો, આવી રહેલા જૂન મહિનાની અને અમારા લગ્નની વાતોથી જ એના પત્રો છલકાતા હતા. મેં ટોમને નજીક બોલાવ્યો. મને લાગ્યું કે એ રડતો હતો.

“આમ જો, ટોમ. ત્યાંથી પેલું ખોખું બેસવા માટે લેતો આવ.” એણે ગજવામાંથી સિગારનું પેક કાઢ્યું. એક સિગાર રાખીને બીજી બધી એણે મને આપી દીધી. વાડની સામસામી પાર બેસીને અમે સિગાર પીતા-પીતા વાતો કરવા લાગ્યા.

“ભાઈ, તમે જણો જ છે, કે મારાથી બનતું બધું જ હું કરી છૂટીશ. ડૉ. થોમ્પસને મને કંઈક ન્યુયોર્કની વાત કરી છે.”

“હા, ત્યાં એક માણસ છે જે કદાચ મને મદદ કરી શકે. હું કારમાં જવા ઇચ્છું છું, કારણ કે એ જ એક હાથવગો રસ્તો છે. ન્યુયોર્કના એ ડૉક્ટર જો કંઈ નહીં કરી શકે, તો હું ફિલિપાઇન્સ પાછો જવા માગું છું.”

“પણ થોમ્પસન કહે છે કે તું સાજો થઈ પણ જાય…”

“આમ મારી સામે જો, ટોમ! આપણે જાત સાથે રમત ન રમી શકીએ. મહીનાઓ સુધી હું એ કરી ચૂકયો છું, એ વિશે એક શબ્દ પણ વિચારતો ન હતો હું! જાણે એનાથી કોઈ રાહત મળવાની હોય એમ! મને રક્તપિત્ત થયો છે. તું આ રીતે ન જો મારી સામે! મને એ રોગ થયો છે, અને હવે આપણે હકીકતનો સામનો કરવાનો છે.”

હથેળીમાં મોં છૂપાવીને એ ક્યાંય સુધી બેઠો રહ્યો. બિચારો છોકરો! મને એક વખત તો થઈ આવ્યું, કે એને જણાવ્યું જ ન હોત તો સારું થાત! પણ મારે કોઈકની મદદની અત્યંત જરૂર હતી, અને એના સિવાય મારું કોઈ ન હતું! છેવટે એણે મારી સામે જોયું. એની આંખો જોઈને મને એક હરણું યાદ આવી ગયું! એક વખત શિકાર વખતે અમારા કુતરાએ એ હરણાને દોડાવીને કેવું અધમૂઉં કરી નાખેલું! મને સતત વાતો કરતા રહેતા બીલની યાદ આવી ગઈ. મેં બહુ ઝડપથી વાત પતાવી. “હું ન્યુયોર્ક જઈ રહ્યો છું, કદાચ ત્યાં કોઈ ચમત્કાર થઈ જાય પણ ખરો! ત્રણ દિવસ-રાત વિચાર્યા બાદ મેં આ નક્કી કર્યું છે. મારે તારી મદદ જોઈશે, ટોમ.”

“પણ ઘેર જઈને એ બધાને હું શું કહીશ? જેનને હું શું કહીશ?”

“એમને કહી દેજે કે હું મરી ગયો છું”

“મરી ગયો છું? હું આવું નહીં કરી શકું, નેડ. હું મા સામે આવું અસત્ય ન બોલી શકું. હું જેનને પણ આવું ન કહી શકું. તમે જીવો છો, અને હું જેનને તમે મરી ગયા છો એવું ન કહી શકું!” એનો અવાજ કર્કશ થઈ ગયો.

“એ એક જ માર્ગ બચ્યો છે. હું કંઈ પાગલ નથી થઈ ગયો, તું સમજે છે? હું મરી ગયો છું એવું જ જેનને સમજાવવું પડશે. નહીં તો તને, માને કે જેનને ચેપ લાગવાનો ડર હંમેશા મારા ઉપર સવાર રહેશે.”

એને મારી વાત સમજાઈ રહી હતી. “હે ઇશ્વર, એનો અર્થ એ, કે કદાચ અમને, અમારામાંથી કોઈને પણ…”

“મને ખાતરી તો નથી, પણ એનો ડર તો રહેવાનો જ! બીલ તો કહે છે કે કદાચ કોઈને આનો ચેપ નહીં લાગ્યો હોય! પણ તારા સિવાય કોઈને પણ આ વાતની જાણ થશે તો… જેનને જાણ થશે કે તરત જ એ પૂછપરછ કરશે, એ વિચાર જ હું સહન નથી કરી શકતો! પણ ટોમ, તારા ઉપર બહુ મોટો ભાર હું નાખી રહ્યો છું.”

“મોટાભાઈ, હું તો પાગલ થઈ જઈશ. મને આ વિચાર આવ્યો જ હતો. તમે મને સાંચો અને કેરિટા વિશે શું કહેલું એ યાદ છે તમને? મને એ વિચાર આવેલો. હું રોકતો હતો એ વિચારને, પણ ફરી-ફરીને એ વિચાર મારી સામે આવી જતો હતો. અને તમારા ગયા પછી તો મને બહુ જ ડર લાગતો હતો.” એ ધ્રુસકાં મૂકીને રડી રહ્યો હતો, શરમ છોડીને! મેં એને રડવા દીધો. મનમાં એક ભયાનક પણ અ‌દ્‌ભૂત વિચાર મને સુઝ્યો.

“આમ જો, ટોમ. તારું કામ હું સરળ કરી દઉં છું. આ કારને હું ક્યાંક ઊંડા પાણીમાં ડુબાડી દઈશ, અને એની સાથે મારી ઓળખ મળી જાય એવું કંઈક મૂકતો જઈશ. છાપાંઓમાં મારી આત્મહત્યાના સમાચારો છપાશે. એ પહેલાં તારે જેનને કંઈ કહેવાની જરૂર જ નહીં પડે.”

“ભાઈ, તમે ખરેખર એવું તો નહીં જ કરો, નહીં? તમે આત્મહત્યા તો નહીં કરોને?”

“ના… મને નથી લાગતું કે હું એવું કઈ કરું. મને ખાતરી છે કે હું એવું નહીં જ કરું. અહીં આવ્યાની પહેલી રાતે જ મેં એ નક્કી કરી લીધું હતું. એમ કરવું ત્યારે તો મારા માટે સહેલું હતું! હું તને ખાતરી આપું છું કે અત્યારે કે નજીકના ભવિષ્યમાં હું ક્યારેય આત્મહત્યા નથી જ કરવાનો. તું કંઈ પૈસા લાવ્યો છે?”

“હા, ડૉ. થોમ્પસને એમને આપવાનું કહ્યું, એટલે મેં એમને પાંચસો ડૉલર આપ્યા છે. સાંજે જમ્યા પછી એ અહીં આવશે. હવે બોલો નેડ, હું તમારા માટે થોડું ખાવાનું લાવ્યો છું. કારમાં જ છે, હમણાં જ લાવ્યો…”

સ્વાદિષ્ટ વાનગીઓ અને પીરસવા માટે કાગળની થાળીઓ, થોડા તૈયાર સલાડ, માખણ લગાડેલી બ્રેડ અને બીઅરની બે બોટલ એ લાવ્યો હતો. બે કાંટા-ચમચી અને બે ગ્લાસ. અમે ખાઈ-પી અને ખાસ્સી મોજ કરી.

અમે ધંધાની અને ખેતરોની વાતો કરી. પછી મેં કહ્યું, “હું મારું નામ બદલી નાખવાનો છું, ટોમ. હું નેડ ફર્ગ્યુસન કહેવાઈશ હવેથી. આમ જો, મને બહુ પત્રો ન લખીશ. આપણને બંનેને એ નડશે. મારા તરફથી સમાચાર ન મળે ત્યાં સુધી તું બીલને પત્ર લખે તેની સાથે મારો પત્ર બીડજે. બસ, હવે એક જ વાત કરવાની છે તને.”

સામેથી બીલની કાર આવતી દેખાતી હતી. મારે ઝડપ કરવી જ રહી.

“ટોમ, કારને ગેરેજની જેમ બને તેમ નજીક મૂકજે. એમને કહેજે, કે તું બહાર જઈ રહ્યો છે, અને તારો ભાઈ એમનો સંપર્ક કરશે. ફર્ગ્યુસન નામ આપજે. તું હવે અહીં પાછો ન આવતો, કોઈની સાથે કહેવડાવી દેજે, કે કાર ક્યાં મૂકી છે. બની શકે એટલા વધારે પૈસા મને આપી જાય તો સારું રહેશે.”

બીલ કારની બહાર નીકળતો હતો, ત્યારે ટોમે મને સો ડૉલર આપ્યા.

“હું તો એમને આપવા રાજી ન હતો,” એને કહ્યું.”પણ મારી પાસે કોઈ રસ્તો ન હતો?”

“તું ચિંતા ન કર, બીલ પાસે પૈસા રાખવા બેંક કરતાં વધારે સુરક્ષિત છે. આ તો કદાચ જરૂર પડી જાય મારે…”

બીલ મહામહેનતે કંઈક ઊંચકીને લાવી રહ્યા હતા. એ એક ટાઈપરાઈટર હતું!

“મને લાગ્યું કે કોઈકના પત્રો આવ્યા હશે,” એણે ખોખરા અવાજે કહ્યું. એક ખોખા ઉપર મેં ટાઈપરાઈટર ગોઠવ્યું.

“હાશ, ટોમ. હવે હું જેનને પત્ર લખી શકીશ. ત્યાંથી કોરો કાગળ લઈ આવીને આમાં નાખ. પાટા છોડવાની તસ્દી લેવી પડી મારે. જેનને એક ટૂંકી ચિઠ્ઠી લખી. લખ્યું કે હું બિમાર પડી ગયો છું, મારા હાથ ઉપર ખરાબ રીતે ચેપ લાગ્યો છે, અને હું લખી નથી શકતો, અને સારવાર કરાવવા ન્યુયોર્ક જઈ રહ્યો છું. એને મેં એ પણ લખ્યું, કે હું એને બહુ જ ચાહતો હતો, પહેલાં કરતાં પણ વધારે ઉત્કંઠાથી એને ઝંખતો હતો. બસ, આ એક જ સત્ય હતું!

મેં ટોમને જવાનું કહ્યું. હું એને જતાં જોતો રહ્યો. મારો એ ભાઈ હવે મર્દ બની ગયો હતો. અમે બંને એક સરખી ઊંચાઈવાળા હતા. એક પુરુષ જેવો હોવો જોઈએ એવો એકવડીયા બાંધાનો એ હતો. એના માટે મને ગર્વ હતો. અચકાતા-અચકાતા એ કંઈક કહેવા માગતો હતો, પણ કહી શકતો ન હતો.

“જે કહેવું હોય એ બીલને કહી દેજે આજે રાત્રે.” મેં કહ્યું, અને એણે રાહતનો શ્વાસ લીધો જાણે!

એ પાછો ફર્યો. કાર ચાલુ થઈને મુખ્ય રસ્તા ઉપર પહોંચી. દૂર- દૂર સુધી એને જતો હું જોઈ રહ્યો.

*

અત્યાર સુધી બીલ ઝૂંપડીમાં બેસી રહ્યા હતા, પણ હવે એ બહાર આવ્યા. એમની આદત મુજબ એમણે વાતો ચાલુ કરી. મારું ધ્યાન ગયું ત્યારે છેક ખબર પડી, કે મારે શું કરવાનું છે એની ઝીણી-ઝીણી વિગતો એ કહી રહ્યા હતા.

“આ થાળીઓ, પથારીનો સામાન અને બીજું જે કાંઈ ભેગું થઈ શકે એ કરી લેજે,” એ કહેતા હતા. “અને ત્યાં પહોંચીને સીધો જ ટોડ પાસે પહોંચી જજે. ચારસો ડૉલર મેં ટોડને મોકલી આપ્યા છે, અને સો ડૉલર હું તને અહીં આપતો જઈશ. પૈસા કે એવી કોઈપણ વસ્તુને અડતી વખતે હાથમોજાં પહેરજે. વાતાવરણ હુંફાળું છે, એટલે રાત્રે કારની અંદર કે પછી ખુલ્લામાં સૂઈ રહેજે. નહાવા-ધોવા માટે પાણી જોઈશે. એક ડબ્બામાં પાણી સાથે લઈ લેજે. ઝરણાં કે પછી પંપમાંથી ભરતો રહેજે. વહેતું પાણી મળી જાય તો નહાઈ લેજે.”

“જુઓ, માની લો કે હું ત્યાંથી ભાગી ગયો, તો તમને એની કોઈ અસર થશે?”

સંકોચ સાથે સ્મિત આપતાં એ બોલ્યા, “મને અસર થશે? દોસ્ત, તારા ભોગ લાગ્યા હોય તો જ આવી વાત કરજે! હું બીલ થોમ્પસન, જાતે તને ઢસડીને આરોગ્ય ખાતામાં સોંપી આવીશ.” ક્યાંય સુધી અમે વાતો કરતા રહ્યા.

“બીલ, મેં મારું નામ બદલી નાખ્યું છે. આજ પછી હું નેડ ફર્ગ્યુસન છું. ન્યુયોર્કમાં ડૉ. ટોડને પત્ર લખે ત્યારે એમને એ જણાવી દેશો તમે?”

“ચોક્કસ જણાવીશ. એ સારું કર્યું તેં. તારો ભાઈ ક્યાં ગયો?”

“ઘેર ગયો. મેં એને પાછો મોકલી દીધો.” એમણે મારા હાથ તપાસીને પટ્ટીઓ લગાડી આપી. એ જવા તૈયાર થયા. એમને વિદાય આપવી, એ ટોમને વિદાય આપવા જેટલું જ દુષ્કર કામ હતું.

“હું તને હજુ મળીશ, કાલે.”

“ચોક્કસ, કાલે મળીશું.” હું એટલું જ કહી શક્યો.

બીજે દિવસે સવારે તો ટોમની ચિઠ્ઠી આવી ગઈ. એક નાનો છોકરો આવીને વાડની અંદર ચિઠ્ઠી ફેંકી ગયો. કાર બપોરે તૈયાર હશે. મુખ્ય રસ્તાથી બે-એક માઈલ છેટે જ એ સ્થળ હતું. હું ચાલતો જઈને ઝુંપડા સુધી કાર લઈ આવ્યો અને સામાન ભરી લીધો. કાર ચાલુ કરીને હું નીકળી પડ્યો.

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૬)