મારા માટે અવિસ્મરણીય એક વધુ નવેમ્બર મહિનો પસાર થઈ ગયો. સરેરાશ મુંબઈગરાઓ માટે અને અન્ય ભારતીયો માટે ૨૬ નવેમ્બર ૨૦૦૮નો દિવસ એટલે સમુદ્રમાર્ગે આવી થોડા આતંકવાદીઓ મુંબઈ પર ત્રાટક્યા અને ૧૯૦થી વધુનો શિકાર બનાવી મોતને શરણ થયા. થોડા દિવસો પછી શહેરી જિંદગી ફરી એ જ રફ્તારથી ચાલુ થઈ ગઈ.
દર વરસે ૨૬/૧૧ ના રોજ અમે આતંકીઓનો શિકાર બનેલાઓના માનમાં ભેગાં થઈએ છીએ. પહેલે વર્ષે ઘણાં લોકો આવ્યા. બીજે વરસે લોકોની હાજરી પાતળી થઈ ગઈ અને ત્રીજા વરસે તો લોકો લગભગ એ વાતને ભૂલી ગયા.
તે સાંજે મારા મદદનીશ શેફે મને જાણ કરી કે બહાર શૂટિઁગ ચાલી રહ્યું છે. જવાબમાં મેં કહ્યું, ‘એમાં નવું શું છે?’ લગભગ દર અઠવાડીયે ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે ફિલ્મનું શૂટિંગ ચાલતું જ હોય છે. જવાબમાં તેણે કહ્યુઁ, ‘ના સાહેબ, આપણા રેસ્ટોરન્ટની બહાર એક માણસને શૂટ કરવામાં આવ્યો છે.” માની ન શકાય તેવી વાત હતી. મને થયું તાજમા આ કેમ બની શકે? તુરત જ મેં મારા મદદનીશને દરવાજા બંધ કરવાનું કહ્યું તેમ જ બન્ને રેસ્ટોરન્ટની લાઈટો બંધ કરવા કહ્યું.
પહેલા ગેંગવોરના સમાચાર આવ્યા. મેં મારી પત્નીને ઘરે ફોન કરી, બહાર ન નીકળવાની સૂચના આપી. ગોળીબારના અવાજો સંભળાતા હતા અને થોડા સમયમાં જ ખબર પડી કે આતંકવાદીઓએ હોટલ પર કબજો જમાવ્યો છે. હું સતત સલામતી અધિકારીઓ અને જનરલ મેનેજરના સંપર્કમાં હતો. ત્યાં જાણવા મળ્યું કે તાજના થોડા કર્મચારીઓ અને મહેમાનોને પૂલની બાજુમાં શૂટ કરવામાં આવ્યા છે.
અમારી પ્રાથમિકતા અમે જાણતા હતા. રેસ્ટોરન્ટ અને તેની આજુબાજુ લગભગ ૧૫૦ મહેમાનો હતા. મેં અને મારી ટીમે લગભગ ૩૦૦ મહેમાનોને સહી સલામત રહી શકે તેવી રીતે કમરામાં એકઠાં કર્યા. રૂફ ટૉપ રેસ્ટોરન્ટ અને ફાઈન ડાઈનિંગ રેસ્ટોરન્ટમાં રહેલા મહેમાનો જ્યાંના ત્યાં જ હતા. સ્ટાફે અંદરથી દરવાજા બંધ કરી દીધા હતા.
લગભગ રાત્રે ૧૧ વાગ્યે મને મેનેજરનો ફોન આવ્યો. તેઓ પુલની બાજુમાં ઝાડની ઓથે છુપાયેલા હતા. મેનેજરે કહ્યું કે તેની બાજુમાં એક ફૂટ્યા વિનાની હેન્ડગ્રેનેડ પડી હતી. અમે તેમને પુલના દરવાજા તરફ સરકવા કહ્યું તેમજ દરવાજાનું તાળું ખોલી નાખ્યું.
એક કહેવત છે કે ‘નિયતિને કોઈ બદલી શક્તું નથી.’ મને તે રાત્રે તેમાં રહેલ સત્ય સમજાયું. હું અને મારા સ્ટાફના સભ્યો રાત્રે ત્રણ વખત બુલેટથી બચી ગયા હતાં.
સ્ટાફનું મનોબળ ઉંચુ હતું અને મહેમાનોને બચાવવા બધું કરવા તૈયાર હતાં. મહેમાનોને તેઓ હિંમત આપવા સાથે તેમના આરામ માટે બધું કહી રહ્યાં હતા. ખરેખર તો આતંકીઓ અને મહેમાનો વચ્ચે અમે એક દિવાલ સમાન હતાં. મહેમાનોને સેન્ડવિચ, ચા, કોફી વગેરે પિરસતા હતા. આજુબાજુ ચારે તરફ ગોળીઓના અવાજો અને ધડાકા સંભળાઈ રહ્યાં હતાં.
રાત્રે ત્રણ વાગે અમે એક મોટા ધડાકાનો અવાજ સાંભળ્યો. હવે મહેમાનોને અમે કિચનમાંથી હોટલના પાછળના ભાગમાં સ્ટાફના પ્રવેશદ્વાર તરફ લઈ ગયાં અને લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું. કમનસીબે આ સમાચાર ટીવી ચેનલો પર પ્રસારિત થયા અને આતંકીઓએ કિચનમાં અંધાધૂંધ ફાયરીંગ શરૂ કરી દીધી. આ દરમ્યાન મેં મારા મિત્ર અને સિનિયર શેફ વિજય રાવ અને બીજા છ સ્ટાફના સભ્યોને ગુમાવ્યા હતાં.
આ હુમલા પછી અમે મહેમાનોને ફરી સલામત કમરામાં ખસેડ્યા અને તેમને અંદરથી દરવાજા બંધ કરવાનું કહ્યું. આતંકીઓ અમારો પીછો કરી રહ્યાં હતા ત્યારે હું મારા સ્ટાફના ૧૫ સાથીઓ, બેઝમેન્ટમાં જતા દાદરથી નીચે ઉતરી લોન્ડ્રી ડીપાર્ટમેન્ટમાં છુપાઈ ગયા.
ત્રણ શેફ જેઓ બુરી રીતે ઘવાયા હતા તેમણે મારો સંપર્ક સાધ્યો સાથોસાથ મને ચેતવ્યો કે તેમની મદદ માટે જવાની જરૂર નથી કારણ કે આતંકીઓ ત્યાં આજુબાજુમાં હતા. હું તેમની હિંમત અને અન્ય માટેની કાળજીથી હલી ગયો. ત્રણેય ઘવાયેલા ઘસડાતા મારી ઑફિસમાં પહોંચી ગયા. ત્યાંથી સલામતી અધિકારીઓએ તેમને હોસ્પિટલ ભેગા કર્યા હતાં.
મારી ટીમના સભ્યો અને સલામતી અધિકારીઓએ તે રાત્રે ઘણી જિંદગી બચાવી લીધી હતી. આખર, અમારા માટે મહેમાન ભગવાન છે.
પાછળથી મને ખબર પડી હતી કે ચેનલો પર વહેલી સવારે ૩ઃ૪૫ વાગ્યે મારા મૃત્યુના સમાચાર પ્રસારિત થયા હતાં.
– હેમન્ત ઓબેરોય, ચીફ શેફ, તાજ હોટલ, મુંબઈ
(‘આનંદ ઉપવન’ સામયિક, ડિસેમ્બર ૨૦૧૫ના અંકમાંથી સાભાર)
i am not regular reader of your collomn but this article is effective and i like most …..
હેમન્ત ઓબેરોય,
સલામ આપને , આપના ” અતિથી દેવો ભવ ” ના આદર્શ માટે.
બીજું ખાસ અગત્યનુંઃ આવા સમયે મીડિયાએ ખૂબ જ સંયમપૂર્વક વર્તવું જોઈએ … ” મહેમાનો બચવા માટે કિચનમાંથી પાછળની બાજુ જઈ રહ્યા છે … ” જેવા સમાચારો ” બ્રેકીંગ ન્યૂઝ ” ના નામે આપવા કેટલું મુર્ખાઈભરેલું કહેવાય ? … તેનાથી કેટલા બધાંનો ભોગ લેવાયો ?
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
બે જ મુદ્દા કહી શકુ.
૧) સલામ તમારી અતિથી દેવો ભવઃ ની ભાવના ને.
૨) સલામ તમારી હિંમત, તાત્ક્ષણીક નિર્ણય શક્તી અને સંઘ ભાવના ને. જય હિંદ.