વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૨}


ગતાંકથી આગળ…

A Novel By Pinki Dalal

A Novel By Pinki Dalal

શહેરની નામી હસ્તીઓ, રાજકારણીઓ, પત્રકારો અને ફિલ્મસિતારાઓથી ખીચોખીચ ભરાઈ ગયેલા બોલરૂમમાં દબાતાં સવારે થઇ રહેલી ગુસપુસ પણ એક કોલાહલ બનીને ઘૂમરાઈ રહી હતી.

જાનકી રેડ્ડી તો શું કોઈ દક્ષિણી નિર્માતા આવો જાલિમ ખર્ચ માત્ર હિરોઈનનું નામ જાહેર કરવા ન કરે. આ બધું કરવા પાછળ જાનકી રેડ્ડીનું મૂળ પ્રયોજન શું હોય શકે એ ચર્ચાનો વિષય હતો.

જે ઇન્ડસ્ટ્રીમાં હીરો હોય કે હિરોઈન માસિક પગારે કે કોન્ટ્રેક્ટ પર લેવાનો ચાલ હોય, જ્યાં અબજોપતિ ફિલ્મનિર્માતા નવા આવેલાં મોબાઈલ ફોનની મિનીટનો હિસાબ રાખતા હોય તે વાતાવરણમાં આવી ખર્ચાળ પાર્ટી? ભાનુશ્રીએ જે આર પ્રોડક્શન છોડ્યું પછી જાનકી રેડ્ડી ચર્ચામાં તો હતા જ, તેમાં નવો ફણગો ફૂટ્યો જયારે શહેરના નામાંકિત લોકોને આ પાર્ટીનું નિમંત્રણ મળ્યું. બે હજાર લોકોને સમાવવાની ક્ષમતા રાખતાં તાજ કોરોમંડલના બોલરૂમનો પનો તો ટૂંકો નહીં પડે ને એ ચિંતા હવે થઇ રહી હતી. પણ એથી મોટી ચિંતા હતી કે જે અભિયાનથી આ શો આયોજિત થયો એમાં કંઈ કાચું ન કપાય જાય, નહીતર તો બાજી મંડાયા પહેલા જ હારી જવાય તેવી શક્યતા તમામ હતી.

ધીરે ધીરે મહેમાનોની પધરામણી થઇ રહી હતી જેને આવકારવા માટે પણ જાનકી રેડ્ડીએ ખાસ સુંદરીઓ તહેનાત કરી દીધી હતી. કોઈક બીજા જ ગ્રહ પર આવી ગયા હોય તેવી પ્રતીતિ ઉભી કરાવવા થીમથી લઇ એસ્કોર્ટ ગર્લના કશ્ચ્યુમ પણ એ જ પ્રકારે ડીઝાઇન થયા હતા. જાનકી રેડ્ડીએ ગણતરીના દિવસોમાં તડામાર તૈયારી પછી આખી ઇવેન્ટ ગોઠવી કાઢી હતી. આમ તો એમાં લગીરે કચાશ વર્તાતી નહોતી પણ એક ખૂણે ઉભેલા બે વ્યક્તિઓની વાત તો પતવાનું જ નામ નહોતી લઇ રહી.

‘જાનકી, ડરવાનું કોઈ કારણ જ નથી. તને મારા વચન પર વિશ્વાસ નથી?’ પાર્થસારથીએ જાનકી રેડ્ડીના ડાબા ખભે હાથ હળવેકથી દબાવી આશ્વાસન આપ્યું. તમામ તૈયારી એકદમ જડબેસલાક થઇ હોવા છતાં જાનકી રેડ્ડીની વ્યગ્રતા છૂપી નહોતી રહી શકી, છેલ્લા એક કલાકમાં આ ત્રીજીવાર હૈયાધારણ આપવી પડી એ જ સૂચક વાત હતી.

‘વાત થોડી નાજુક છે ને…’ જાનકીનો સ્વર સહેમાઈ રહેલો લાગ્યો. ગુરુજીને કેમ કરીને કહેવું કે આ વખતે વધુ પડતો મોટો કોળીયો મોઢામાં મૂકી તો દીધો છે, પણ જો ન કરે નારાયણ અને આ ફ્લોપ શો પૂરવાર થયો તો બજારમાંથી ત્રીસ ટકા વ્યાજે લીધેલાં નાણાં ચૂકવવા જાત જ વેચવાનો વારો આવવાનો! ને તે છતાં કપાળે કાળી ટીલી તો રહી જ જવાની.

‘સામાન્ય રીતે આવો ગંજાવર ખર્ચ અને શો બિઝનેસ તો હિન્દી ફિલ્મોવાળા કરે, આપણે ત્યાં આવો ટ્રેન્ડ નહીં ને એટલે…’ પોતાનો જ જવાબ જાનકી રેડ્ડીને વજૂદ વગરનો લાગ્યો.

પાર્થસારથી ઝીણી આંખ કરીને જોતા રહ્યા જાનકી રેડ્ડીને, એનો ડર બેવજૂદ નહોતો જ, પણ પોતાની વિદ્યા પર વિશ્વાસ પણ એટલો જ સબૂત હતો. ‘ડર એ વાતનો છે ને કે વાંકદેખાઓ આમાં પણ કંઈક કારણ શોધશે?’

‘હં.. હા, જોનારની આંખોમાં ઝેર ક્યાં ઓછું હોય, તેમાં પણ તમે તો જાણો જ છો, અમુક તો બચારા પોતાની વ્યક્તિગત નિષ્ફળતાને અસૂયાને કારણે મારા વેરી રહ્યા છે,’ જાનકીએ માથું ધુણાવ્યું : ‘કદાચ એમ ન સમજી બેસે કે ફિલ્મ જ નબળી પડે એવા ડરથી માર્કેટિંગ શરુ કર્યું.’ જાનકી રેડ્ડીનો એ જવાબ તો પાર્થસારથિને પણ વિચાર કરતો મૂકી ગયો.

થોડીવાર ચૂપકીદી પ્રસરી રહી અને અચાનક જ પાર્થસારથિના ચહેરા પર રોનક જમાવતું એક સ્મિત ફરક્યું, ‘હા, તારી એ વાતનો જવાબ પણ મારી પાસે છે… બોલ સાંભળવો છે?’ પાર્થસારથીના ચહેરા પર વિજયી મુસ્કાન હતી.

‘અત્યાર સુધી રીજનલ કહી શકાય એવી કેટલી ફિલ્મ પરથી હિન્દી ફિલ્મો બની.. બની કે નહીં?’

‘ઘણીય બની’ જાનકી રેડ્ડીને જવાબ આપવા કરતાં ગુરુજીનો પ્લાન જાણવાની તાલાવેલી વધુ હતી.

‘બસ, એ જ તો વાત છે. અત્યાર સુધી આપણે ત્યાં કોઈ ફિલ્મ સફળ થાય પછી હિન્દીભાષીઓ એમાં ઝુકાવતા હતા, આ વખતે આપણે એક સાથે તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી – પાંચ ભાષામાં રીલીઝ કરવાની વાત જાહેર કરી નાખીએ તો તો માનવા જેવી વાત છે કે નહીં?’

‘અરે હા, એ તો માસ્ટર સ્ટ્રોક થાય ને ખર્ચ માત્ર ડબિંગ પૂરતો કરીએ તો પણ જો આટલી ભાષાનું ને હિન્દીનું તો નેશનવાઈડ ઓડીયન્સ મળે તો સ્પેશિયલ ઈફેક્ટ પાછળ થનાર ખર્ચ નીકળી જાય.’ આ વાત મને પહેલા કેમ ન સુઝી?? જાનકી રેડ્ડી બોલ્યા નહીં પણ એમના ચહેરા પર આ વાત સાફ નજર આવી રહી હતી.

‘કારણ કે તું ભાનુના પ્રકરણથી ભારે વિચલિત થઇ ગયો હતો જાનકી…’ પાર્થસારથીએ ફરી એકવાર હૈયાધારણ બાંધવી જેની જરૂર હવે જાનકી રેડ્ડીને નહોતી મહેસૂસ થઇ રહી. જાનકી રેડ્ડીના ચહેરા પર છવાયેલી હળવાશ હવે એ મુકાબલા માટે સજ્જ છે એવું કહેતી હતી. વધુ કોઈ વાતચીત થાય તે પહેલા તો ધીમા અવાજે થઇ રહેલા કોલાહલ પર કોઈક કરફ્યુ લદાયો હોય તેમ શાંતિ છવાઈ ગઈ. જાનકી રેડ્ડીના એક જમાનાના પરમ મિત્ર અને હવે શહેરના ગવર્નરની પધરામણી થઇ રહી હતી. એમણે પોતાની મિત્રતા નિભાવવા આ કાર્યક્રમમાં હાજર રહેવાની અનુમતિ આપી હતી. ગવર્નરે પોતાની બેઠક લીધી તે સાથે જ મ્યુઝિક હોલમાં ગુંજી રહ્યું. ફિલ્મની સિગ્નેચર ટ્યૂન… જાનકી રેડ્ડીએ આંખોના ઇશારાથી ગવર્નરની બાજુમાં બિરાજી ચૂકેલા ગુરુજીને કહ્યું.

થોડી જ ક્ષણોમાં કાર્યક્રમ શરુ થઇ રહ્યો હતો. જાનકી રેડ્ડી ઉઠીને હોલની એક તરફ બનાવેલા નાનકડાં સ્ટેજની પાછળ પડતી જગ્યાએ જઈ ઉભા રહ્યા. રંગારંગ કાર્યક્રમ શરુ થઇ ચૂક્યો હતો, એ પછી હતા ગુરુજી પાર્થસારથીના શુભાશિષ ને ગવર્નરની શુભેચ્છા સ્પીચ અને બરાબર પંદર મિનિટમાં જ નામ જાહેર થવાનું હતું આ એપિક ફિલ્મની હિરોઈનનું.

ન તો ગુરુજીના સંભાષણમાં કોઈને રસ પડ્યો ન ગવર્નરની શુભેચ્છા વ્યક્તત્વમાં, સહુની તાલાવેલીનો અંત હવે નજદીક હતો.

જાનકી રેડ્ડી સ્ટેજ પર આવ્યા. એમની નજર ખીચોખીચ ભરાઈ ચૂકેલા હોલના ઓડીયન્સ પર હતી. ભાનુશ્રી હવે જે આર કેમ્પમાંથી નીકળી ગઈ હતી એ વાત તો જગજાહેર થઇ ચૂકી હતી એટલે એ વાત સ્પર્શવાનો પ્રશ્ન નહોતો. હોલીવુડની બ્લોક બસ્ટર સાયન્સ ફિક્શનને અનુલક્ષીને જાનકી રેડ્ડીએ અનુસંધાન સાધ્યું.

‘જે વાતથી હોલીવુડ હવે પરિચિત થઇ રહ્યું છે તે ગેલેક્સી અને અન્ય લોકની વાત તો હિંદુ પુરાણોની વિરાસત છે, એ શું આ વિદેશીઓ પાસેથી આપણે શીખવી પડશે? અને એવી જ એક કહાણી આકાર લઇ રહી છે એક મહાગાથા તરીકે… અને એ કહાની છે એક અમર પ્રેમગાથાની. શરીરી પ્રેમથી ઉપર ઉઠીને દિવ્યતા અને બ્રહ્માંડમાં ચેતના તરીકે વ્યાપ્ત પ્રેમની, અન્ય લોકની કુંવરી અને પૃથ્વીના માનવ વચ્ચે આકાર લેતી પ્રેમ કહાણી.. પૃથ્વીથી સાત હજાર પ્રકાશવર્ષ દૂર આવેલા ગ્રહ વલ્લની સામ્રાજ્ઞી વલ્લરી અને પૃથ્વીવાસી વીર આયુષ્માનની. અને જેનો આપ સૌને ઇન્તજાર છે એ રહસ્યમય વલ્લરી આજે આપ સહુ સમક્ષ બેનકાબ થશે.

જાનકી રેડ્ડીએ જે નાટકીય અંદાજમાં પોતાની વાત પૂરી કરી તે જ મિનિટે સમગ્ર હોલની રોશની ગૂલ થઇ ગઈ. માત્ર સ્ટેજ પર એક પારજાંબલી રંગનો તેજલિસોટો થયો અને બે સૂર્ય ધરાવતાં ગ્રહ વલ્લે દેખા દીધી, એમાંથી ઉતરી રહી હતી ત્યાંની સામ્રાજ્ઞી… વલ્લરી, પારદર્શક શ્વેત રૂપેરી ડ્રેસમાં અપ્રતિમ સુંદરી વલ્લરીની ડાન્સ સિક્વન્સ ચાલુ થઇ અને ફરી એકવાર સહુ મંત્રમુગ્ધ થઇ જોતા રહ્યા. સામાન્ય, ચીલાચાલુ સંગીતને બદલે ભારતીય, પશ્ચિમી અને ચાઇનીઝ સુષિર વાદ્યોની ફ્યુઝન કમ્પોઝીશન એક પ્રકારનું સંમોહન સર્જી રહી અને એમાં થિરકતી વલ્લરીની રબરની ઢીંગલી જેવી અંગમરોડ. ક્યાંય સુધી આ હિપ્નોટીઝમની જાળ અકબંધ રહી અને રહેતે જો હાઉસમાં લાઈટ ન થઇ હોત તો…

અચાનક જ હાઉસ લાઈટ થઇ ને દર્શકોની તંદ્રા તૂટી : ઓહ, આ હતી જાનકી રેડ્ડીની નવી હિરોઈન.

જે ગુસપુસ જાનકી રેડ્ડીના દુસાહસ માટે ચાલી રહી હતી તે હવે હળવેકથી પ્રશંસામાં પલટાઈ રહી હતી. ડાન્સ પૂરો થઇ ચૂક્યો હતો અને અનુપમા સ્થિર ઉભી હતી. ઘડીમાં જાંબલી, ઘડીમાં કેસરી ને સોનેરી થતી ઝળહળતી રોશનીમાં નહાતી હોય એમ. પીન ડ્રોપ સાયલન્સમાં હવે ફરીથી દબાયેલો કોલાહલ તરતો થઇ રહ્યો હતો. સહુને ઇન્તેજારી હતી કોણ હતી આ વલ્લરી!!

પોતાનો પ્રયોગ સફળ થયો હતો તેની નોંધ લઇ ચૂકેલાં જમાનાના અનુભવી જાનકી રેડ્ડી પોતે સ્ટેજ પર આવ્યા એ સાથે જ તેમનું અભિવાદન થયું તાળીના ગડગડાટથી.

‘આપ સહુને ઈન્તેજાર છે વલ્લરી કોણ છે એ રહસ્ય પરનો પરદો ઉઠે એનો…’ જાનકી રેડ્ડીનો અવાજ ઓડીયન્સમાંથી ઉઠેલાં પોકારમાં દબાઈ ગયો.

‘વલ્લરી… વલ્લરી… વલ્લરી…’ દર્શકો કોઈ મંત્રમુગ્ધ હોય તેમ પોકારી રહ્યા હતા.

‘સાયલન્સ… સાયલન્સ…’ જાનકી રેડ્ડીએ પહેલું કામ દર્શકોને શાંત પડવાનું કરવું પડ્યું, ‘આપ સહુની આતુરતાનો અંત આવે છે…’ એટલું વાક્ય પૂરું પણ ન થયું ને તાળીના ગડગડાટથી ફરી હોલ ગાજી ઉઠ્યો.

‘તો એ છે એક અનોખી પ્રેમ કહાનીની વલ્લરી, એ છે અ..નુ..પ..મા..’

જાનકી રેડ્ડીના બાકીના શબ્દો ગુંજી ઉઠેલી તાળીના ગડગડાટ અને સંગીતની સરવાણીમાં દબાઈ ગયા ને અનુપમા પર ફલડ લાઈટ કેન્દ્રિત થઇ. રિયા નવા અવતારમાં પેશ થઇ હતી.

મીણમાંથી કોતરીને બનાવી હોય તેવું દેહ લાલિત્ય અને રોશનીમાં ચમકી રહેલો અનુપમ ચહેરો. જેની તંગ ત્વચા કહી આપતી હતી કે હિરોઈનની ઉંમર નાની તો હોવાની પણ ઘોડી લાંબી રેસની થવાની એ વાત પણ નક્કી.

‘આ તો કમાલ કરી, અરે આ વાત પહેલેથી જણાવવી તો હતી…’ જાનકી રેડ્ડી જેવા સ્ટેજ પરથી નીચે ઉતર્યા કે ટોળાથી ઘેરાઈ ગયા. સહુથી પહેલો શુભેચ્છા આપનાર હતો નટરાજન મુદલિયાર, જેને ભાનુશ્રી ફિલ્મ છોડી દે તો પોતે ફાઈનાન્સ હરગીઝ નહીં કરે એવી ધમકી બે દિવસ પહેલા જ આપી હતી. આજનો દિવસ જાનકી રેડ્ડીનો હતો. જંગ જામે એ પહેલાં જ જીતી જવાશે એવા તમામ શુભ સંકેત પાર્ટી દરમિયાન મળતા રહ્યા હતા.

‘અરે, હિરોઈન સાથે ઇન્ટ્રો તો કરાવો…’ જાનકી રેડ્ડી સાથે લાંબા સમય સુધી સંકળાયેલી અને હવે સ્વેચ્છાએ નિવૃત્તિ લઇ ચૂકેલી શ્રદ્ધાએ કહ્યું જેમાં જમા થયેલા પત્રકારોએ સૂર પુરાવ્યો.

‘વેલ, એ માટે થોડી રાહ જોવી પડશે.. ફિલ્મ પૂર્ણ થાય ત્યાં સુધીની…’ જાનકી રેડ્ડીએ હસીને જવાબ તો ઉડાવી દીધો, ખરેખર તો ડર એ હતો કે રિયાને અનુપમાનું સ્ક્રીન નેમ આપીને લોન્ચ તો કરી પણ કદાચ આ ચમકદમકનો કે પત્રકારોની સટાસટીનો અચાનક સામનો ન કરી શકી તો?

અચાનક જ મોસમ ફરી ગઈ હતી. જાનકી રેડ્ડીને તો જાણે લોટરી લાગી ગઈ હતી. અનુપમાને નાટ્યાત્મક રીતે લોન્ચ કરવાનો જાનકી રેડ્ડીનો પ્લાન રંગ લાવ્યો હોય તેમ અખબાર ને મેગેઝીન તો અનુપમા પર સમરકંદ બુખારા ઓવારી ગયા હોય તેમ તસ્વીરો છાપી રહ્યા હતા. જ્યાં જુઓ ત્યાં આ ભવ્ય પાર્ટીની ચર્ચા જામી હતી. જે ફાઈનાન્સર ભાનુશ્રીના જવાના ન્યુઝ જાણીને પાણીમાં બેસી ગયા હતા તે સામેથી ફોન કરતા થઇ ગયા હતા. હવે આ તક રોકડી ન થાય તો એ ફરી આવવાની નહોતી.

રિયા હવે અનુપમા તરીકે કરારબદ્ધ હતી. જ્યાં સુધી આ ફિલ્મ પૂરી થઈને રીલીઝ ન થાય ત્યાં સુધી ન તો એ ચેન્નઈ છોડી શકે ન એ બીજી કોઈ ફિલ્મ સાઈન કરી શકે. મુંબઈ પાછાં ફરવાનો તો પ્રશ્ન જ નહોતો ઉપસ્થિત થતો. જાનકી રેડ્ડીએ બે શિફ્ટમાં ચાલતાં શૂટિંગને ત્રણ શિફ્ટમાં વહેંચી નાખ્યું હતું. પહેલા ફિલ્મ સવા વર્ષમાં પૂરી કરવાનું લક્ષ્ય હતું એ હવે છ મહિના પર સેટ થયું હતું.

જાનકી રેડ્ડીએ નવી હિરોઈન અનુપમા માટે બંગલો ભાડે લઇ લીધો હતો. થ્રી સ્ટાર હોટેલના નાનાં ગોબરાં કાબરચીતરા રૂમમાંથી દરિયા કિનારે આવેલા ચાર બેડરૂમના પોશ બંગલામાં પ્રવેશ કરતાં રિયાનું મન ભરાઈ આવ્યું.

‘નાની, મમ્મીને તમે કહ્યું હતું ને?’

‘હા દીકરા, મમ્મીને પાર્ટીવાળી પણ વાત કરી હતી, તું હિરોઈન બની ગઈ ને તારું આ નવું નામ, આ બંગલો… બધી જ તો વાત કરી પણ મધુ તો …એણે કહ્યું કે રિયાને કહેજો મારા આશીર્વાદ સાથે છે.’ નાનીથી હળવો નિશ્વાસ નાખી ગયો છે તે રિયાથી છાનું ન રહ્યું.

મમ્મીને મારી આ સિધ્ધિથી કોઈ ખુશી ન થઇ? રિયાના મનમાં હળવી ફાંસ ચૂભાતી રહી.. જો મારા સ્થાને રોમા હોત તો?

નવા આવાસમાં નાની દોહિત્રીનું નવું જીવન ગોઠવાઈ તો રહ્યું હતું પણ રિયાના મનને ચેન નહોતું. પહેલા થતું હતું કે સફળતા મમ્મીને પોતાની તરફ ખેંચી લાવશે તેની બદલે હવે તો લાગતું હતું કે મા-દીકરી વચ્ચેની ખાઈ વધુ પહોળી થઇ રહી હતી.

દિવસના સોળથી અઢાર કલાક કામ કર્યા પછી લાઈફ સાઈઝ વિન્ડોમાંથી દેખાતો ચંદ્રમા શીતળતા આપવાને બદલે સંતાપ વધારી દેતો. મમ્મીની ઉપેક્ષાનું કારણ પોતાનો દેખાવ માનતી રહી તે તો નહોતું, તો પછી શું હતું?

લાંબા મનોમંથન પછી ફરી ફરીને શંકાની સોય એક તરફ જ સ્થિર થતી : એનો અર્થ એક જ હતો, પોતે જેની પ્રતીતિ કરાવતી રહેતી હતી તે જન્મદાતા, એ કારણ હતો આ શ્રાપનું.

રિયા ઉઠીને બેડરૂમની બહાર તરફ પડતી ટેરેસમાં આવી. સામે લહેરાઈ રહેલા દરિયાને સ્પર્શીને આવતો ખારો પવન એની જલનને ઓર જલદ બનાવતો હોય તેમ બહેકાવતો રહ્યો. એ આનો બદલો તો લેશે. જરૂર લેશે. પણ કઈ રીતે? એ હશે કોણ? ન કદી મમ્મી એનું નામ પાડતી અને નાનીની તો વાત નિરાળી, નાનીની પાસે કોઈ પણ વાત કઢાવવી એ તો જાણે અંધારામાં કુવામાં પડેલી કોડી શોધવી.

ચંદ્ર માથા પર હતો, મધરાત પણ વીતી ગઈ હતી છતાં નિદ્રાદેવી રૂસણે ભરાયા હોય તેમ નજીક ફરકવાનું નામ નહોતા લેતા.

નાની જોશે તો વઢ તો નક્કી પડવાની, રિયા વિચારી રહી. નાની જ તો હતા જે ઝીણામાં ઝીણી વાતોનું ધ્યાન રાખતા હતા. સવારે ડાયેટીશિયને આપેલાં ચાર્ટ પ્રમાણે ગણીને બદામ ખવડાવવાથી લઇ રિયા ભાવતી વાનગી મોઢામાં ન મૂકી દે તેની સાવધાની વર્તતા. સ્પેશિયલ પ્રોટીન ડાયેટ અને સેલડ, ફ્રુટ્સ, જ્યુસ પર રહેતી રિયાનું મન ખાવાપીવામાં ન લલચાય એટલે પોતે આહારમાં થૂલીની ખીચડી સિવાય કશું ન લેનાર આ નાનીની તપસ્યાને શું કહેવું?

મોડી રાત સુધી જાગવા સામે તો નાનીને ભારે વાંધો હતો. રાત્રે જાગો તો સવારે ચહેરો ફ્રેશ લાગે જ નહીં ને!! ગમે એટલા મેકઅપના થથેડા કેમ ન કરો!! ‘અચ્છા તો નાની, તમારા આ ફૂલ ગુલાબી ફેસનો રાઝ છે રાતે દસને ટકોરે ઊંઘી જવાનું એમ જ ને?’ પોતાની મજાક સામે નાની મીઠું હસીને રહી જતા. એમનો નિયમ હતો દસને ટકોરે પોતાના રૂમભેગાં થઇ જવાનો. પણ આજે કોઈ વિચિત્ર વાત બની હતી જેણે રિયાની ઉડી ગયેલી ઊંઘમાં ઇંધણ પૂર્યું. રિયાના બેડરૂમની ટેરેસની બરાબર સામે બીજો બેડરૂમ પડતો હતો જે હતો નાનીનો. આજે કશુંક અજુગતું પ્રતીત થઇ રહ્યું હતું કારણ હતું નાનીના રૂમની લાઈફ સાઈઝ ગ્લાસ વિન્ડો પર ગુપ્તતાનું આવરણ રચતા કર્ટન્સને છેડીને કોઈક સુરાગની જેમ અંદરથી આવી રહેલો હળવા કેસરિયા લાલ રંગનો પ્રકાશ.

રિયા સ્તબ્ધ બનીને જોતી રહી. કોઈક અગમ્ય તત્વ કહી રહ્યું હતું કે આ પ્રકાશ લેમ્પનો કે લાઈટનો નથી. દીવાની જ્યોત ઝળહળે ત્યારે જે ચંદન જેવો પીળો કેસરીયો રંગ હોય તેવી આભા રચાતી જતી હતી. જેના ઉજાસમાં કોઈક અજબ તીવ્રતા હતી. બહેર મારી ગયું મગજ રિયાનું. નાની કદીય મોડી રાત્રે જાગતાં હોય તેવું યાદ નહોતું બલકે દસનો ટકોરો થયો નહિ કે નાની ગમે ત્યાંથી ઉભા થઈને પોતાના રૂમ ભેળાં થઇ જતા. ક્યારેક રિયા ને રોમા હસતા પણ ખરા: શું નાની, તમે તો સિન્ડ્રેલા જેવું કરો છો, પણ સિન્ડ્રેલાની લિમીટ બાર ને નાનીની દસ વાગ્યામાં.

શક્ય છે કે કશુંક વાંચતા હોય… કે પછી ટીવી જોતાં હોય એમ પણ બને ને!! રિયાને વિચાર આવ્યો તેવો જ તેનો છેદ ઉડી ગયો. નાની ટીવી તો કદીય જોતા નહીં, અને રાત્રે વાંચવું એમને ગમતું નહીં. તો પછી ધ્યાનમાં બેઠા હશે? ક્યારેય નહીં અનુભવી હોય તેવી અનુભૂતિ મનને ઘેરતી રહી. કશુંક અજુગતું હતું, પણ શું? રિયા દબાતે પગલે નાનીના રૂમ તરફ આગળ વધી.

જાનકી રેડ્ડીએ પોતાની હિરોઈન માટે હંગામી નિવાસ તરીકે પોશ બંગલો ભાડે લેવામાં કોઈ કચાશ વર્તી નહોતી. ધનાઢ્યોની કહેવાતી લોકાલીટીમાં નાનકડાં ગાર્ડન ને ગેરેજવાળા બંગલામાં નીચે એક લિવિંગ રૂમ, એક બેડરૂમ, કિચન ને સર્વન્ટ ક્વાટર હતા અને પહેલે માળે ત્રણ બેડરૂમ ને એ ત્રણે ને જોડતી વિશાળ ટેરેસ. ઉપલા માળે આવેલા બેડરૂમમાં એક રિયા વાપરતી ને એક નાનીનો હતો, પ્રમાણમાં વચ્ચેનો રૂમ થોડો નાનો હતો તે નાનીના પૂજારૂમની ગરજ સારતો હતો.

ખરેખર તો નાનીને પૂજા માટે એ વચલો રૂમ વાપરતાં જ જોયા હતા એટલે બેડરૂમમાં આ ઉજાસ જોઇને કુતુહલતાએ માઝા મૂકી હતી. રિયા દબાતે પગલે નાનીના રૂમ સુધી સરકી આવી, ચાંદનીના ઉજાસમાં જો કોઈ પોતાને આમ સરકીને લપાતાં જુએ તો ચોર જ ધારી લે, પણ આ સમય એવી બધી મજાક વિચારવાનો નહોતો.

રિયાએ રૂમ પાસે આવીને કાચની બંધ બારીમાંથી ઝાંકવાનો પ્રયાસ કર્યો. બારી પર અંદરની તરફથી ઢાળેલા કર્ટન સોંપાયેલી ગોપનીયતા જાળવવાની જવાબદારી સુપેરે નિભાવતાં હોય તેમ કશું દેખાતું નહોતું. રિયાએ દરેક એન્ગલથી અંદર ઝાંકવાનો યથાશક્તિ પ્રયાસ કર્યો પણ સફળતા ન મળી તે ન જ મળી. આખરે એ કંટાળી. વધુ પ્રયત્ન કરવા વ્યર્થ હતા. એણે પોતાના રૂમ તરફ પૂંઠ ફેરવી ને ચાલવા માંડ્યું. અચાનક એના મનમાં ઝબકાર થયો. જો એકાદ વધુ પ્રયત્ન કરે તો એ પરદાના ઉપલા ભાગમાં રહેલી રીંગની વચ્ચેની જગ્યા માંથી તો જોઈ શકે. પ્રકાશના ઉદગમસ્થાનનો સુરાગ તો નજર સામે હતો.

રિયા ઝડપભેર નીચે ઉતરી કિચનમાં આવી. સાફસૂફી માટે વપરાતી નિસરણી તો ક્યાંક ઘરમાં પડી જ હોવાની, પણ કિચનમાં લાઈટ કરીને ખાંખાખોળા કરવા એટલે સર્વન્ટ કવાટરમાં જંપેલી રાધા જાગી જવાની, ને બાજી બગડી જવાની એ પણ નક્કી.. તો હવે કરવું શું?

અચાનક જ રિયાની નજર બે અઢી ફૂટની ઉંચાઈવાળા એક સ્ટૂલ પર પડી. કદાચ એનાથી કામ બની જાય. ડાબા હાથને ભીંત પર ટેકવી જમણાં હાથે સ્ટૂલ ઉપાડવાનો પ્રયત્ન કર્યો એ સાથે જ સ્ટૂલ તો જાણે ઉછળીને હાથમાં આવી ગયું, પ્લાસ્ટીકનું હતું, નહીવત વજન ધરાવતું.

આ તો કામ આસાન થઇ ગયું. રિયાએ મનોમન વિચાર્યું. એને સ્ટૂલ એક જ હાથેથી ઊંચકી હળવે હળવે સીડી ચઢી પહેલે માળે ગઈ. પોતાના બેડરૂમમાંથી ટેરેસમાં આવી ને જોયું તો પેલો રહસ્યમય પ્રકાશ ગાયબ થઇ ગયો હતો. તેની બદલે છવાયું હતું ચાંદનીથી રસાયેલું અંધારું.

આ કઈ રીતે શક્ય હોય શકે? રિયાના મનમાં પ્રશ્ન તો થયો પણ તેથી વધુ જન્મી હતાશા. કોઈક ખૂટતી કડી હાથવગી જ હોય અને અચાનક ગુમાય જાય એવો અફ્સોસ થઇ આવ્યો. એને હાથમાં પકડેલું સ્ટૂલ ત્યાં જ મૂકી દીધું અને ચૂપચાપ દબાયેલા પગલે પોતાના રૂમ ભેગી થઇ ગઈ.

એક તો નીંદર જ નહોતી આવતી ને એમાં વળી આ રહસ્યમય પ્રકાશે નવું પ્રકરણ ખોલ્યું. રિયા આંખો બંધ કરી ઊંઘવા માટે પ્રયત્ન કરતી રહી. એ જેટલા વધુ પ્રયત્ન કરતી એટલો જોરથી પેલો પ્રકાશ એના મનનો કબજો લેતો રહ્યો. કોઈક વાત તો હતી, પણ શું?

ક્રમશ:

આજે માણો વેર વિરાસત નવલકથાનો બાવીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.

આપનો પ્રતિભાવ આપો....