શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૩ : થીગડું 3


અક્ષરનાદ પરની પૉડકાસ્ટ રૂપે આપણા સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ પ્રસ્તુત કરવાના પ્રયત્નની આ નવી શરૂઆતનો ત્રીજો મણકો.. કેટલીક શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓનું ઑડીયો વર્ઝનમાં આજે માણીએ શ્રી સુરેશ જોશી રચિત સુંદર વાર્તા ‘થીગડું’. શ્રી સુરેશ જોષી આપણી ભાષાના આગવા વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક અને કવિ, એમના વાર્તાસંગ્રહો ‘ગૃહપ્રવેશ’ (૧૯૫૭), ‘બીજી થોડીક’ (૧૯૫૮), ‘અપિ ચ’ (૧૯૬૫), ‘ન તત્ર સૂર્યો ભાતિ’ (૧૯૬૭), ‘એકદા નૈમિષારણ્યે’ (૧૯૮૦) માંની વાર્તાઓ તેમને એક અનોખા પ્રકારની, અનોખા પ્રવાહની વાર્તાઓના સર્જક તરીકે પ્રસ્થાપિત કરે છે. વાચકના ચિતમાં તેમની વાર્તાઓ વમળો પેદા કરી શકે એવી સશક્ત અને અનોખી છે.

આપણા સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરીને દર અઠવાડીયે એક પ્રસ્તુત કરવાનો હેતુ જે ગત બે અઠવાડીયે ‘જુમો ભિસ્તી’ અને ‘ખરી મા’ ઑડીયો પ્રસ્તુતિ સાથે સુંદર રીતે શરૂ થયો અને આગળ વધ્યો છે. આટલા સમયમાં સાઉન્ડક્લાઉડ પર જુમો ભિસ્તી ૧૦૦૦થી વધુ વખત સાંભળવામાં આવી છે એ આ પ્રયત્નની ફળશ્રુતિ છે. શ્રોતાઓએ આ પ્રયત્નને હોંશભેર વધાવ્યો છે, વાર્તાની ઑડીયો પ્રસ્તુતિ આપને કેવી લાગી, સાંભળવામાં આપને શું ગમ્યું, શું ન ગમ્યું, પ્રસ્તુતિ અને પસંદગી વિશે આપના વિચારો વગેરે અમને જણાવશો તો આગામી પસંદગી અને રેકોર્ડિંગ વખતે એ બાબતોને ધ્યાનમાં રાખી વઘુ ગુણવત્તાસભર પ્રસ્તુતિ કરી શકીશું.

આજના રેકોર્ડિંગની આગવી વાત છે બે અલગ અલગ કથાનકોમાંની જુદા પ્રવાહમાં વહેતી બે વાર્તાઓનું સામંજસ્ય કરતી અનોખી વાર્તા થીગડું. પ્રભાશંકરના જીવનની એકલતાની ઝાંખી સાથે ચિરાયુની જીવનને જાળવી રાખવાની, અમરતાની ઝંખના વાર્તાના રેકોર્ડિંગમાં પણ આગવું વાતાવરણ રચી ગઈ.

અનેક વાર્તાઓનું રેકોર્ડિંગ થવાનું હોઈ ગત અઠવાડીયે મેં જે મિત્રોને અહીં વાર્તાઓમાં સ્વર આપવાની ઈચ્છા હોય તેમને અમારો સંપર્ક કરવા વિનંતિ કરી હતી, અનેક મિત્રોએ સંપર્ક કર્યો છે, તેમને સર્વેને વાર્તાઓ મોકલી રહ્યો છું. આને લીધે હવે પછીની વાર્તાઓમાં નવીનતા લાવવા પાર્શ્વસંગીત અને તેને પ્રસ્તુત કરવાની પદ્ધતિમાં પણ ફેરફાર કર્યો છે. વળી આ વાર્તાઓ તમારી ફુરસદે અને તમને ગમતા સાધનોમાં સાંભળી શકો તે માટે તેને નિઃશુલ્ક ડાઊનલોડ માટે પણ એક-બે દિવસમાં ઉપલબ્ધ કરાવીશું.

રેકોર્ડિંગ અંગે મૂંઝવણ ધરાવતા મિત્રોને સૂચના કે રેકોર્ડિંગ માટે કોઈ વિશેષ સાધનની જરૂર નથી કે કોઈ સ્ટૂડીયોમાં પણ જવાની જરૂર નથી. રેકોર્ડિંગ કઈ રીતે કરવું એ અંગેની વધુ વિગતો આવતીકાલે મૂકાશે.

તો આજે ત્રીજા મણકામાં સાંભળીએ શ્રી સુરેશ જોશીની અનોખી અને આગવી કૃતિ ‘થીગડું’. વળી આ વાર્તા આપ અક્ષરનાદ પર અહીં ક્લિક કરીને વાંચી પણ શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૩ : થીગડું

 • Kalidas V. Patel { Vagosana }

  સુંદર વાર્તા. બોધ પણ સરસ આપે છે. આભાર.
  એટલે તો કહેવાયું છે કે —- એવું શું છે કે , … ” મારીએ તો પણ ખરાબ લાગે અને ન મારીએ તો પણ ખરાબ લાગે ? ” …. જવાબઃ થીગડું !
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • P. K. Davda

  ૧૬ મીનીટની સાઉન્ડ ટ્રેકમાંથી પ્રથમ બે મીનીટમાં લેખકનો પરિચય અને રસાસ્વાદ યથાર્થ છે. વાર્તાનો વિષય ગહન છે. અનેક વળાંક વાર્તાને અધ્યાત્મના ઊંડાણમાં લઈ જાય છે. પ્રસંગોના નિરૂપણમાં બારીકી પણ ગજબની છે.સતત બેકગ્રાઉન્ડ સંગીત ન હોવાથી, વાર્તામાં ધ્યાન કેંદ્રીત કરવામાં મદદ થઈ છે. પ્રથમ બે વાર્તાઓ કરતાં આ વાર્તા સમજવા માટે મગજ ઉપર વધારે ભાર પડે છે.
  વાર્તા ૧૦-૧૨ મીનીટમાં કહેવાઈ જાય, તો વધારે લોકો સાંભળસે, આજે સમય એ સૌથી વધારે અછત વાળી વસ્તુ છે.