યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૫)


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

કોઈ બારણું ખખડાવતું હતું. દિવસ ચડી ગયો હતો. અર્ધ જાગૃત અવસ્થામાં મેં દરવાજો ખોલ્યો. બારણે આર્મિના ડૉક્ટર ઊભા હતા. મારા ફાટી ગયેલા કપડાં અને લોહીલુહાણ હાથ સામે એ તાકી રહ્યા. અંદર આવીને એમણે ચારે તરફ નજર કરી.

“અરે! આ શેતાનિયત કોણે કરી?”

“એક ઉંદર… મારી સાથે બાખડી જ પડ્યો.”

એમણે મારા જખ્મી હાથ સામે આંગળી ચીંધતાં પૂછ્યું, “આ… કરડ્યો છે કે શું?”

“કરડ્યો શું, ફાડી નાખ્યો મારા હાથને! ઘર એમનાથી જ તો ભરેલું છે આખું…!”

“અરે હા, આ કચરાને કારણે…! સૌથી પહેલાં તારા હાથની દવા કરવા દે. મારી બેગ કારમાં છે.” બહાર જઈને એ પોતાની બેગ લઈ આવ્યા.

“પાણી ક્યાં છે?” આગલા દિવસે શહેરમાંથી દૂધના ડબ્બામાં લાવેલા પાણી સામે મેં આંગળી ચીંધી. વાસણ શોધીને એમણે એમાં થોડું પાણી કાઢ્યું.

“પાણી ઉકાળવું પડશે. બાપ રે! બ્રેડની તો જો હાલત કરી છે ઉંદરડાઓએ!” બ્રેડના વધેલા ટુકડા જમીન પરથી ઊંચકીને એમણે બારણા બહાર ફેંકી દીધા. સામાન ઉપર વીંટેલો કાગળ કાઢીને એમણે ચૂલામાં નાખ્યો. તૂટેલી ખુરસીના લાકડાના ટુકડા ઊઠાવીને ઢીંચણ સાથે અથડાવીને કાગળની ઉપર ઠાંસ્યા. ક્ષણવારમાં તો આગ ભભૂકી ઊઠી. પાણી ઊકળી ગયા પછી મારા હાથ પર એમણે પાટાપિંડી કર્યા.

“બીજે ક્યાંય કરડ્યો છે?”

“લાગતું તો નથી. મેં તો એને પતાવી જ દીધો હતો. હા, મારા પગે એ જરૂર અથડાયો હતો.”

“હું જોઈ લઉં તો સારું રહેશે.” પગ ઉપર એક નાનકડો ઉઝરડો હતો. એમણે એને સાફ કરી દીધો.

“તેં કંઈ ખાધું છે કે નહીં?”

“ના. અહીં અંદર તો હું વહેલી સવારે જ આવ્યો છેક! આવ્યો ત્યારે ઉંદરો અહીં જ હતા. બારણું બંધ કર્યું, તો આ એક અંદર ભરાઈ રહેલો.”

“ભીંસ પડે ત્યારે આ શયતાનો બહુ હેરાન કરી મૂકે છે. છેલ્લે ખાધું ક્યારે હતું તેં?”

“મને… મને કંઈ યાદ નથી આવતું…”

“મારી પાસે આવ્યો એ પહેલાં… ગઈ કાલે…?”

“ગઈકાલે એક કોફી પીધી હતી, બીજું કંઈ ખાવાનું મન ન હતું.”

“અરે… સારું છે કે હું વધારે ખાવાનું લાવ્યો છું. અહીં તો ખાસ કંઈ બચ્યું નથી!” એ હજુ પણ સાફસૂફી કરી રહ્યા હતા. નકામી વસ્તુઓ ચૂલામાં નાખતા-નાખતા વાતો કર્યે જતા હતા. હું એમને મદદ કરવા ગયો, પણ એમણે મને બાજુ પર ધકેલી દીધો.

“હું બહુ ગરમ મિજાજનો રસોઈયો છું, અને મને કોઈની સાથે માથાકૂટ નથી ગમતી. તું શાંતિથી બેસી જઈશ ત્યાં?” એમણે ભાંગેલું-તુટેલું ટેબલ સાફ કર્યું, અને ગઈકાલે લાવેલું છાપું એના પર પાથર્યું. એક ખોખામાં કેટલીક રકાબી અને બે કપ હતાં.

આવતી કાલે રસોઈનો થોડો બીજો સામાન લઈ આવીશ. એક કબાટ પાસે ઢીંચણભેર થઈને એમણે એક કબાટની અંદર અડધું માથું ઘુસાડી દીધું હતું.

“હે ઇશ્વર! આ જો!” કરોળિયાના જાળાવાળો એક કડછો એમણે ખેંચી કાઢ્યો, અને એને સાફ કરવા લાગ્યા.

“મને લાગે છે કે એમને કોફી ભાવતી નથી. સાવ અકબંધ પડી રહી છે. આજે હું ઈંડાં, બેકન અને રોલ લાવ્યો એ સારું કર્યું. ઉંદરો બધું સાફ કરી ગયા છે. હું ઉતા લાઇટ આર્ટિલરીમાં હતો એ વાત મેં તને કરેલી? અમારી શરૂઆતની મૂઠભેડોમાંની એક કાલુકેનમાં થયેલી. બળવો થયાને હજુ એક અઠવાડિયું પણ થયું ન હતું. બાપ રે…! શું લડાઈ હતી એ…!”

કાલુકેન… ફરી એક વાર મને મોઝરની ગોળીઓ અને ચીસાચીસના અવાજો સંભળાવા લાગ્યા.

“અરે મુરખ, ત્યાં ક્યાં જાય છે? એ તો રક્તપિત્તિયાંઓનું ઘર છે.”

મને ધ્રૂજી ઊઠતો એ જોઈ ગયા હતા, છતાં અસંબદ્ધ વાતો કરતા રહ્યા; યુદ્ધની વાતો, વર્ષાવનોમાં કરેલી મુશ્કેલ કૂચની વાતો, ફિલિપાઇનની સ્વરૂપવાન યુવતીઓની વાતો; છોકરીઓનાં એમને ખાસ રસ હતો એ દેખાઈ આવતું હતું! એમ વાતો-વાતોમાં જ નાસ્તો તૈયાર થઈ ગયો.

“ચાલ, નાસ્તો કરી લે, જુવાન. જલદી કર, નહીં તો ફરીથી પેલા મિત્રો આવી ચડશે. હું પણ ભૂખ્યો જ છું, એટલે તારી સાથે જ નાસ્તો કરીશ હું.”

અમે બધો જ નાસ્તો સાફ કરી ગયા.

“થાળીઓનું શું કરીશું?” છેવટે મેં પૂછ્યું. “ફેંકી દેવી પડશે બહાર, કે પછી…?”

એકાદ ક્ષણ માટે એ કંઈ જ ન બોલ્યા. પછી હળવેથી બોલ્યા. “બહુ ચિંતા ન કર. બધું જ ઉકાળી શકશે તું…”

એક હસવા જેવી વાત બની ગઈ. મને એમનું નામ યાદ આવતું ન હતું!

“તમને કહેતાં મને શરમ આવે છે, મને તમારું નામ ખબર નથી.”

“કોઈ નવાઈની વાત નથી, દોસ્ત! કેવા આઘાતમાંથી તું પસાર થયો છે! બીલ નામ છે મારું. થોમ્પસન મારી અટક છે.”

અને મને યાદ આવી ગયું – મેજર બીલ થોમ્પસન. ગળે ડૂમો બાઝી ગયો મને!

“બરાબર છે – બીલ.”

“રસોડાનું કામકાજ તને સોંપું છું, પણ હું જાઉં એ પછી સાફસૂફી કરજે. ચાલ, આપણે બહાર તડકામાં બેસીને થોડી ગપસપ કરીએ.”

અમે જે ખોખાં ઉપર બેઠા હતા તેને ઊંચકીને અમે બારણા બહાર મૂક્યાં.

“તું નહીં માને નેડ, પણ તેં જોયું! પેલા ઉંદરડાઓ આપણી હાજરીમાં જ મેં ફેંકેલી બ્રેડ ઊઠાવી ગયા એ!”

“ઓ ભગવાન, હું તો એમની હાજરી સહન જ નથી કરી શકતો!”

“કંઈ નહીં, બારી અને દરવાજે જાળી નખાવી દઈશ, આજે જ.”

કેટલીક ક્ષણો અમે બોલ્યા-ચાલ્યા વગર બેઠા રહ્યા. બહાર વાતાવરણ હુંફાળું અને પ્રકાશિત હતું. એક સિગાર મને પકડાવીને બીલે મારી સામે માચીસ ધરી. એક સિગાર એમણે સળગાવી.

“તારા કુટુંબીઓને જણાવવા બાબતે શું વિચાર્યું છે તેં?”

“શું વિચાર કરું હું? મારું શું થવાનું છે એનો વિચાર પણ મને તો નથી આવતો! સાજા થવાની કોઈ આશા છે કે નહીં, એ પણ મને તો ખબર નથી. થોડી હિંમત આવે, કે તરત જ મારા ભાઈ ટોમને બોલાવી લેવો, એમ ધારું છું. મારા ધંધામાં એ જ તો મારો મદદનીશ છે. ડૉક, બીલ, તમે મને સ્પષ્ટ કહી દેજો, જરા પણ છુપાવશો નહીં મારાથી. હું જાણવા ઇચ્છું છું, કે ખરેખર મારે શેનો સામનો કરવાનો છે?”

હસવું આવે એવી વિચિત્ર રીતે પાંપણોને વાળીને એમણે અડધી આંખ મીંચકારી. કોઈ એ રીતે આપણી સામે જુએ ત્યારે આપણને કંઈ ગંભીર તકલીફ હોય જ નહીં એમ લાગે!

“જો નેડ, ખોટી-ખોટી વાતો કરીને હું તને ભરમાવવા માગતો નથી. આ બાબતે હું પોતે પણ ખાસ કંઈ જાણતો નથી. રક્તપિત્તના જંતુઓને હું એટલે જાણું છું, કે બૅક્ટિરિઑલૉજિમાં મને રસ છે. સેન લાઝારોના રક્તપિત્તિયાંના ઘરમાં હું અભ્યાસ માટે ઉપયોગી માહિતી મેળવવા ગયો હતો. રક્તપિત્તના દર્દીઓને મેં જોયેલા છે, પણ એ સમયે મેં બહુ ધ્યાન આપ્યું ન હતું. મને તો એના જંતુમાં ખાસ રસ હતો. ચાલીસેક વર્ષ પહેલાં નોર્વેની હેન્સન નામની એક વ્યક્તિએ બેક્ટેરિયાના આ ખાસ જંતુની શોધ કરી હતી. એ કેવા દેખાય છે તેની આપણને ખબર છે. એ એસિડ-ફાસ્ટ તરીકે ઓળખાય છે. માઈક્રોસ્કોપ નીચે એ ટ્યુબરક્યુલોસિસનાં જંતુ જેવાં જ દેખાય છે. સાજા થવાની આશા બાબતે તો એટલું કહું કે… એ બાબતે હું ખોટું નહોતો બોલ્યો. એક નવો ઉપચાર શોધાયો છે. બહારના દેશોમાં એનો ઉપયોગ થાય છે. પણ એના પરિણામો વિષે મને જાણકારી નથી. મને તો લાગે છે કે આ પણ બીજા રોગો જેવો જ રોગ છે. ભૂતકાળમાં એને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો, પણ મને ખાતરી છે, કે સારવાર વગર પણ કેટલાક કિસ્સાઓમાં મટી જતું હશે. તું તો તંદુરસ્ત અને ખડતલ છે. યોગ્ય સારવાર મળે તો સાજા થઈ જવાની પૂરી શક્યતા છે. અને… તે છતાં પણ તને કહી દઉં, કે આ મારો અંગત અભિપ્રાય છે. ખરેખર તો મને આ બાબતે ખાસ કંઈ ખબર જ નથી.”

“લોકોને મળવા બાબતે શું કરવું મારે? તમે તો જાણે ડરતા જ નથી!”

“વાત એમ છે, કે હું સાવચેતીનાં પગલાં લઉં છું. પણ રક્તપિત્તના મારા અનુભવના આધારે હું એટલું જાણું છું કે, કેટલાયે ડૉક્ટરો અને બીજા કર્મચારીઓ એની સારવાર કરી રહ્યા છે. એમાંથી ભાગ્યે જ કોઈ એકાદને તેનો ચેપ લાગ્યો હશે! સામાન્ય લોકો અને આ રોગ અંગે ઓછું જાણતા મેડિકલ વ્યવસાયમાં પડેલા અન્ય લોકોને સહજ રીતે જ એનો ડર લાગે છે. હવે તારા ભાઈ બાબતે કહું તો… એ આવે ત્યારે તેની સાથે, કે પછી બીજા કોઈ પણ સાથે, તારની આ વાડની સામસામે રહીને વાતચીત કરવી જ ઉચિત રહેશે. એ રીતે કોઈ જાતનો ડર નહીં રહે. મારી સાથેની વાત જુદી છે. હું તો તારો ડૉક્ટર છું.”

“ધારો કે હું કહું, કે ‘ભાડમાં જાય’, અને આવી કોઈ કાળજી ન રાખું, તો…?”

“એ બહુ ડહાપણનું કામ નહી હોય, નેડ. ચેપ ફેલાવાની શક્યતા હોય એવું કામ તારે ન કરવું જોઈએ. તે ઉપરાંત, હાથે કરીને સાજા થવાની શક્યતાને તું અટકાવી દઈશ એ રીતે તો… કોઈ ઉપાય મળે ત્યાં સુધી તું અહીં રહે એ જ ઉત્તમ છે. તને કંઈ સૂઝતું હોય, તો એના પર વિચાર કરીશું, એ ખાતરી તને ચોક્કસ આપું છું.” ડૉક્ટરની વાત સાચી હતી. મારે બીલની જરૂર હતી. દોસ્તી એક વિચિત્ર વસ્તુ છે. હજુ ગઈ કાલે જ તો હું એમને મળ્યો હતો, અને ગઈ કાલે જ હું એને મારી નાખવાનો વિચાર કરતો હતો!

“બીલ, હું સમજી નથી શકતો, કે ડૉક્ટરો રક્તપિત્ત વિશે કેમ આટલું ઓછું જાણે છે.”

હસતાં-હસતાં એમણે કહ્યું, “આ શહેરમાં કદાચ તારો પહેલો જ કેસ છે આ! અમે ડૉક્ટરો દરદીઓ થકી જ તો રોગ બાબતે જાણી શકી છીએ! આ દેશમાં રક્તપિત્તના કેટલાયે દરદીઓ હશે. પણ કુલ મળીને બહુ ઓછાં કેસ હશે, કદાચ હજારેકથીયે ઓછા! યુનાઇટેડ સ્ટેટ્સમાં આ રોગ બીજા દેશો જેટલો ફેલાયો નથી. મધ્યયુગમાં તો યુરોપમાં પણ એ ઠીક-ઠીક ફેલાયો હતો. અંગત રીતે તો હું એવું માનું છું કે, રક્તપિત્તને લઈને બહુ ગેરવાજબી ડર ફેલાઈ ગયો છે. જ્યાં સુધી આપણે એ નહીં જાણી લઇએ કે આ રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી કઈ રીતે ફેલાય છે, ત્યાં સુધી એ ડર રહેવાનો જ! ટાપુઓ પર બીજા ઘણાં સૈનિકોને આ થયેલું કે?”

“એ વિશે મને કંઈ જ ખબર નથી. તમે બીજા કેટલા લોકો વિશે જાણ્યું કે સાંભળ્યું છે?”

“માત્ર તું એક જ!”

અહીં મને જોરદાર આઘાત લાગ્યો. “માત્ર હું જ? કેમ? શા માટે હું એકલો જ…?” હું એકલો-એકલો બોલવા લાગ્યો. “ફિલિપાઇન્સમાં લગભગ પંચોતેર હજાર માણસો લડ્યા હતા. મારાથી શક્ય હતી એટલી તકેદારી રાખી હતી મેં! બીજા કેટલાયે સૈનિકો કરતાં વધુ સ્વચ્છતા જાળવી હશે મેં…! પંચોતેર હજાર માણસો… અને એમાંથી માત્ર મને જ આ વળગ્યું…! આ… કેવો હળહળતો અન્યાય છે આ! તમારી પહેલાં જેટલા ડૉક્ટરોને મળ્યો, એમાંના કોઈએ રક્તપિત્તનો એક પણ દરદી જોયો ન હતો! ઓહ, હા! હા, હા! ડૉ. વૉટ્કિન્સે જરૂર જોયા છે, પણ એ પણ એક જ! હવે… કોઈ આ બાબતે કંઈ જાણતું જ ન હોય, ત્યારે હું પોતે તો શું કરી શકવાનો હતો આમાં! અરે રે… ભગવાન, મેં કદાચ કોઈ બીજા માણસોને ચેપ પણ લગાડ્યો હોય! કદાચ મારા કુટુંબીઓને જ મેં ચેપ લગાડ્યો હશે, તો…? મારી મા, ટોમ, જેન…!

આ વિચાર પોતે જ તો એવો બિહામણો હતો, કે મેં વિચારવાનું જ છોડી દીધું! ઊભો થઈને હું ચાલતો થઈ ગયો. હું આખેઆખો ધ્રૂજતો હતો. થોડા સમય પછી હું બીલ પાસે પાછો આવ્યો. “હું દિલગીર છું. બીલ, મને જરા વિચાર આવી ગયો એવો…”

“મને લાગે છે તારે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી.”

થોડી ક્ષણો પછી એ ફરીથી વાતો કરવા લાગ્યા.

“તું તો એક સૈનિક હતો, નેડ. હું પણ સૈનિક હતો. આપણે લડ્યા છીએ લડાઈમાં! એક સમયે તો ખરેખર મેં લડાઈમાં ભાગ લીધેલો, એક લક્ષ્યને ખાતર…! આપણે માનતા હતા કે ક્યુબા અને ફિલિપાઇન્સને ખરેખર આઝાદી મળવી જોઈએ! પણ આપણે તો એક બીજો મોરચો જ ખોલી નાખેલો! અમેરિકન આર્મિ ક્યુબામાં હતી ત્યાં જ કમળો ફાટી નીકળેલો, અને કેટલાયે લોકોના જીવ એણે લઈ લીધેલા. આર્મિના એક સર્જન ડૉ. વૉલ્ટર રીડ અને એના મદદનીશોએ તો એ રોગ સામે ખરાખરીનો જંગ ચાલુ કરી દીધેલો. હવાનાના એક ડૉક્ટર ફિનલેએ વિકસાવેલા એક સિદ્ધાંત ઉપર એ લોકો કામ કરી રહ્યા હતા. બીજાઓથી વિરુદ્ધ, ફિનલે એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે, કમળો ગંદકી ભર્યા વાતાવરણને કારણે નહીં, પણ મચ્છરોના કરડવાથી ફેલાય છે. પોતાના મેડિકલના સાથીદારો ઉપર એક પછી એક પ્રયોગો એમણે કરેલા, પણ એમના બધા જ પ્રયોગો નિષ્ફળ ગયેલા! હવે થયું એવું, એક રાત્રે ડૉ. લેઝિઅર અને ડૉ. એગ્રેમોન્ટ કમળાનો અભ્યાસ કરતા હતા, ત્યારે એક ટ્રૂપર વિલિયમ એચ. ડીન નામના ખાનગી સૈનિકે આવીને પોતાના શરીરને પ્રયોગ કરવા માટે સોંપવાની તૈયારી બતાવી, અને ફક્ત પાંચ દિવસમાં જ એને કમળો લાગુ પડ્યો. ડીન તો સમય જતાં સાજો થઈ ગયો, પણ ડૉ. લેઝિઅર કમળાનો શિકાર થઈ ગયા, અને મરી ગયા! છેવટે એમણે મચ્છરને કારણે કમળો થાય છે એવું તારણ કાઢેલું. એ મચ્છર કમળાના જંતુઓનું વાહક હતું. પણ નેડ, હું તને એ જણાવવા માગું છું, કે પેલા ડીનને કારણે એ પુરવાર થઈ શક્યું હતું, કે ડૉ. ફિનલે અને બીજા લોકોની વાત સાચી હતી. અને એ પછી આપણે કમળાને નેસ્તનાબુદ કરવાની શરૂઆત કરી છે. આપણે મેલેરિયા અને ડિફ્થેરિયા ઉપર કાબુ મેળવવાની શરૂઆત કરી છે, અને આપણે શીતળાનો ઉપચાર વિકસાવવામાં પણ બહુ જ આગળ નીકળી ગયા છીએ. અને છતાં, હજી તો આ શરૂઆત જ કરી છે આપણે. આગળ જતાં આપણે એ બધા રોગો ઉપર વિજય મેળવીને જ જંપીશું!

અને હવે… આ રક્તપિત્ત નામની એક વિચિત્ર બિમારી આવી પડી છે, હજારો વર્ષ જૂની બિમારી! મને તો બહુ ખબર નથી, કોણ જાણે કેટલા લાખ લોકો એનો શિકાર થયેલા હશે! પણ દર વર્ષે કેટલાયે લોકો એને કારણે મરે છે. કોઈક દિવસ આપણે એને પણ શીતળાની જેમ હટાવીને જ જંપીશું

આપણે જે લડાઈ આજે લડી રહ્યા છીએ, એ જ લડાઈ ક્યારેક રીડ, લેઝિઅર, કેરોલ, એગ્રેમોન્ટ અને ટ્રૂપર ડીન પણ લડ્યા હતા. એ લોકો એક વધારાની લડાઈ લડ્યા, અને જીત્યા પણ ખરા! કદાચ એવું પણ બને કે તું, નેડ લેંગફર્ડ, રક્તપિત્ત સામેની આ લડાઈમાં એક ખાસ ભૂમિકા ભજવવાની તારે ભાગે આવી હોય! અને જવાન, એ લડાઈમાં જો તારે ભાગે ખરેખર હિસ્સો લેવાનો આવશે, તો મારા-તારા જેવી સામાન્ય જિંદગી કરતાં દસ ગણી એની ઉપયોગીતા હશે!”

એ અટક્યા, મારા તરફથી કોઈ જવાબની અપેક્ષાએ…!

“ડૉક્ટર, હું કોઈ વીર પુરુષ નથી, મારે વીર પુરુષ બનવું પણ નથી,” મેં જવાબ આપ્યો. “રક્તપિત્તિયાંના એ નિવાસમાં અકસ્માત્ જઈ ચડ્યો, ત્યારે પણ હું સખત ડરી ગયો હતો. મોઝરની ગોળી ખાઈને મરવાની પણ મને કોઈ જ ઉત્કંઠા ન હતી. તબેલામાં આગ લાગી, ત્યારે પણ હું ભયાનક ડરી ગયો હતો, પણ મારે ઘોડાને બચાવવા પડે એમ હતા. એ સમયે મેં જે કંઈ કરેલું, એ મારે કરવું પડે એમ હતું, એટલે જ કરેલું. મારામાં બહાદુરી બતાવવાના કોઈ જ ગુણો છુપાઈને પડ્યા નથી!”

બીલ મારી આંખોમાં આંખો પરોવીને જોઈ રહ્યા. વારંવાર અડધી પટપટતી એમની આંખોને કારણે એ રમૂજી લાગતા હતા. થોડી ક્ષણો પછી એ બોલ્યા, “તું ભયભીત હોય કે નહીં, તારે એ કરવું જ રહ્યું, જવાન! હવે તું સામી છાતીએ લડે, કે પછી ડોક નમાવીને હાર કબુલી લે. અને એનો નિર્ણય પણ તારે એકલાએ જ કરવો પડશે!”

એક લાંબો સમય અમારી વચ્ચે શાંતિ છવાયેલી રહી. મારા મગજમાં એક તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું. ક્યાંય સુધી, ફરી-ફરીને મારા કાનમાં એ શબ્દો અફળાતા રહ્યાઃ “તારે એ કરવું જ રહ્યું, જવાન!”

ફરીને, ફરી-ફરીને એ અવાજો આવતા રહ્યા. મેં એમની સામે જોયું. “હા, બીલ! હું સમજું છું તમારી વાત! મને લાગે છે કે મારે એ કરવું જ પડશે! બોલો, મારે શું કરવું પડશે?”

“હજુ હું કંઈ કહી શકતો નથી. ત્રણ વાતો પર તારે વિચાર કરવાનો છે, અલબત્ત, મારા ગયા પછી. બની શકે કે તું અહીં રહી શકે કદાચ! આરોગ્ય ખાતું તને અહીં એક નાનકડું, સગવડોવાળું મકાન બનાવવાની પરવાનગી આપે પણ ખરી, પણ મને નથી લાગતું કે તું અહીં રહેવાનું પસંદ કરે. છાપાવાળાઓ તારો જીવ ખાઈ જશે, જો એમને સચ્ચાઈની જરા જેટલી પણ જાણ થઈ તો? અને લાંબો સમય છુપાવવું તારા માટે પણ મુશ્કેલ બનવાનું છે.”

“બીજો રસ્તો છે કારવિલે ખાતે આવેલા લ્યુસિયાના રાજ્યના રક્તપિત્તના દરદીઓની વસાહતમાં જવાનું તું પસંદ કરે. મને લાગે છે કે એ લોકો તને ત્યાં સ્વીકારી લેશે. એ પ્રતિષ્ઠિત જગ્યા છે, એ સિવાય ત્યાંની બીજી કોઈ બાબતની મને કંઈ ખબર નથી. પણ મને લાગે છે કે ત્યાં દરદીઓનું ધ્યાન સારી રીતે રાખવામાં આવે છે. પણ ત્યાંની તકલીફ એ છે, કે તું સશક્ત, ઉત્સાહી માણસ છે, અને લાંબા સમય સુધી એવો જ રહીશ. તારે કોઈ કામકાજ તો જોઈશે જ, અને કારવિલે ખાતે ખાસ કોઈ કામકાજ નથી.”

“આ ઉંદરો સાથે હું ન રહી શકું! કે પછી લ્યુસિયાના પણ હું ન જઈ શકું. આ બંને સ્થળો મારા ઘરથી નજીકમાં જ છે. મારા કુટુંબીઓથી હું આ વસ્તુને દૂર રાખવા માગું છું. ટોમને જાણ તો કરવી જ પડશે, પણ હું ક્યાંક દૂર જતો રહેવા ઇચ્છું છું.”

“ભલે, તો ક્યુલિઅન વિશે તો તું જાણે જ છે. ફિલિપાઇન્સ તને ગમે પણ છે. ક્યુલિઅન ઘણો મોટો ટાપુ છે. એ વસાહત ફિલિપાઇન્સ આરોગ્ય ખાતાની દેખરેખ હેઠળ છે. એનો મતલબ સારા ડૉક્ટરો, અને અનુભવી પણ ખરા જ! કારણ કે હું માનું છું કે ત્યાં હજારોની સંખ્યામાં દરદીઓ છે.”

“પણ માની લો કે હું ત્યાં જવા તૈયાર થઈ જાઉં, તો ત્યાં પહોંચવું કઈ રીતે? કોઈ જહાજ મને લઈ જવા તૈયાર નહીં થાય.”

“કોઈ જહાજ તો તૈયાર નહીં જ થાય, પણ આર્મિનું માલવાહક જહાજ કદાચ… શક્ય છે કે એની જોગવાઈ થઈ શકશે. બીજી બાજુ, અહીં આ દેશમાં તારો ઈલાજ સારી રીતે થઈ શકે કદાચ. ખરેખર તો ત્યાં જતા પહેલાં એક બીજા માણસને તું મળે એમ હું ઇચ્છું છું. ન્યુયોર્ક શહેરમાં એક ડૉક્ટર છે, જેને આ રોગ બાબતે જાણકારી છે. ત્યાં રહેવા માટે શું કરવું એ બાબતે એ તને સલાહ આપી શકશે. ત્યાં તને એકલું તો બહુ લાગશે, પણ કદાચ તારે ક્યુલિઅન જવાની નોબત ન પણ આવે.”

“પણ ન્યુયોર્ક જવું સહેલું નહીં હોય. હું માનું છું કે તમે મને ટ્રેનમાં જવાની સલાહ તો નહીં જ આપો.”

“ના, તું ટ્રેનમાં ન જાય એજ સારું રહેશે.”

“અમારી પાસે એક જૂની કાર છે. એ ચાલશે. ટોમ એ અહીં લાવી શકશે.”

“વાહ! એથી રૂડું બીજું શું? હું આજે રાત્રે જ એને પત્ર લખી દઈશ.”

“ટોમનો સંપર્ક કરવા માટે મેં એમને સૂચનાઓ આપી. એ લઈને એ રવાના થયા.

હું ખૂબ જ થાકી ગયો હતો. મારા હાથ પણ સખત દુખતા હતા. સાફસૂફી કરવી અઘરી હતી, પણ મેં થાળીઓ ઉકાળી લીધી. આગલી રાતે તો હું પાટિયા ઉપર જેમ-તેમ પડ્યો રહ્યો હતો. એટલે ગાદલું અને ઓઢવાનું સરખું કરીને મેં પથારી વ્યવસ્થિત કરી. થોડી વાર પછી, બીલના વાયદા મુજબ કેટલાક માણસો આવીને બારી-બારણા ઉપર જાળી લગાવી ગયા. એમના ગયા પછી મેં ડૉક્ટરે આપેલી દવા લીધી. સુતા-સુતા મને વિચાર આવી ગયો, “બીલનો આભાર પણ મેં તો નથી માન્યો!”

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.

આપનો પ્રતિભાવ આપો....