મિની (વાર્તા) – સંજય પંડ્યા 6
“મ્યાંઉ…. મ્યાંઉ…” પુસ્તકોના ઢગલા વચ્ચે બેઠેલા જયકુમારના કાન સરવા થયા. પોતાની મિંદડી તો આંખ મિંચીને ટૂંટિયુંવાળી પાસે જ પડી હતી. એટલે એમણે ફરી લખવામાં ધ્યાન પરોવ્યું. “ભૂમિ”ને મોકલવાનો આર્ટિકલ ડેડલાઈન પહેલાં પૂરો કરવો જરૂરી હતો. આજુબાજુ પુસ્તકોની થપ્પીઓ દીવાલની જેમ ઊભી કરી હતી. બેય બાજુ પુસ્તકોની હારની વચ્ચે એક ગાદલું પથરાતું અને એના પર સુઘડ ચાદર. ભીંતને અડીને એક તકિયો રહેતો અને એને અઢેલી પલાંઠી વાળી ખોળામાં એક રાઈટિંગ પેડ રાખી જયકુમાર લેખ લખવા બેસતા.