મૃત્યુ વખતના પાંચ અફસોસ અને તેનાથી બચવાની રીત.. – જીજ્ઞેશ અધ્યારૂ 5


Dying gaul

પોતાની નોકરી અને ઘરેડમાં બંધાયેલા જીવનથી ત્રસ્ત અને નિરાશ બ્રોની વેર એવું કાંઈક કરવા માંગતી હતી જે તેને કાંઈક ઉપયોગી કર્યાનો અહેસાસ અને આત્મસંતોષ આપી શકે. તેણે મૃત્યુશય્યા પર પોતાના આખરી દિવસો વીતાવી રહેલા લોકોને જ્યાં સારવાર મળી રહી હોય એવી એક હોસ્પિટલમાં તેમની કાળજી લેવાનું શરૂ કર્યું. અનેક દર્દીઓની અંગત કાળજી લેતાં તેણે એ દર્દીઓના જીવનને, તેમની આશાઓ અપેક્ષાઓ અને નિરાશાઓને, મૃત્યુ વખતના તેમના રંજ અને અફસોસને ખૂબ નજીકથી અવલોકવાની તક મળી. આાવા દર્દીઓની સાથે તેમના જીવનના છેલ્લા ત્રણથી બાર અઠવાડીયા વીતાવવાનો અવસર તેને મળ્યો, અને આ દરમ્યાનમાં તેણે જે નોંધ્યું એ હતું એ દર્દીઓને મૃત્યુશય્યા પર થયેલ જીવનમાં કાંઈક ન કર્યાનો અફસોસ કે રંજ…

પોતાના બ્લોગ “ઈન્સ્પિરેશન એન્ડ ચા” માં તે નોંધે છે, ‘પોતાની નૈતિકતાનો સામનો કરતા લોકો ખાસ્સા પરિપક્વ થઈ જાય છે, હું શીખી છું કે કોઈના પણ વિકસવાની ક્ષમતાને કદી ઓછી ન આંકવી જોઈએ, કેટલાક બદલાવ તો અસાધારણ હતાં, એ દરેકે અનેકવિધ પ્રકારની લાગણીઓમાંથી પસાર થવું પડ્યું, પ્રથમ તો એ એ અસ્વીકાર હોય, ડર, ગુસ્સો, પશ્ચાતાપ કે કચવાટ હતાં પણ આખરે એ અસ્વીકાર પછીનો સ્વીકાર થતો, એ દરેક દર્દીએ આ સ્વીકાર પછી તેમના જીવનની સમાપ્તિ પહેલા શાંતિ મેળવી. એ દરેક દર્દીને બ્રોનીએ તેમના જીવનમાં કંઈક ન કર્યાના અફસોસ કે રંજ વિશે તેમને પૂછ્યું, આ આખીય પ્રક્રિયા અને એ વિશેની વિગતો તેના પુસ્તક The Top 5 Regrets of the Dying માં વિગતે વર્ણવી છે. અને એ વાર્તાલાપમાંથી જે પ્રમુખ પાંચ કારણ મળ્યાં તે આ મુજબ હતાં,

  1. હું ઈચ્છું કે મેં મારી પોતાની જાતને વફાદાર જીવન જીવવાની હિંમત કેળવી હોય, નહીં કે બીજા મારી પાસેથી ઈચ્છે તેવું જીવન..
  2. હું ઈચ્છું કે મેં આટલી બધી મહેનતથી કામ ન કર્યું હોત.
  3. હું ઈચ્છું કે મારી લાગણીઓને અભિવ્યક્ત કરવાની હિંમત મારામાં હોત
  4. હું ઈચ્છું કે હું મારા મિત્રોના સંપર્કમાં રહ્યો હોત.
  5. હું ઈચ્છું કે મેં મારી જાતને ખુશ થવા દીધી હોત.

મૃત્યુ તો બધાનું નિશ્ચિત જ છે, પણ જેને ખ્યાલ છે કે જેમનો અંત નજીક છે એવા લોકોના જીવન વિશેના તારણો અને જીવનમાં કાંઈક ન કરી શક્યાના રંજ વિશે આપણે વિચારવું કેટલું જરૂરી છે? કારણ કે એ લોકોને જ્યારે આ રંજ થતો હશે ત્યારે એટલું તો ચોક્કસ છે કે તેઓ પરિપક્વતાના એ તબક્કે પહોંચી શક્યા છે જ્યાંથી જીવનનો સમગ્ર સમય તેમને પહાડ પરથી જેમ નદી અને તેના વળાંકો સ્પષ્ટ દેખાય, તેમ દેખાતો હશે અને એટલે જ ઉપરની યાદીમાં કદાચ કોઈ એવી વસ્તુ કે ઈચ્છા નથી જે સામાન્યપણે આપણે ધરાવીએ છીએ.

આપણી ઈચ્છાઓ અને અપેક્ષાઓની યાદી બનાવીએ તો તેમાં શું હોય? સારી નોકરી, ખૂબ પૈસો, પોતાનું આલીશાન ઘર, ગાડી, વિશ્વપ્રવાસ કરવાની ઈચ્છા, શાંત અને સમૃદ્ધ રિટાયર્ડ જીવન કે વેલસેટલ્ડ બાળકો! પણ ઉપરોક્ત યાદીમાં આવી કોઈ વસ્તુઓનું અસ્તિત્વ નથી એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આજે જ્યારે હું મારી જાતને પૂછું કે મારે જીવન પાસેથી શું જોઈએ છે, તો મારા મનમાં જે વિચાર આવે છે એ છે બમ્પ વગરના ટુ વે ફોર લેન હાઈવેનો… મારે સામે પ્રવાહે મુસીબતો વાળું જીવન નથી જીવવું, મુસાફરી એટલે કે મહેનતનો વાંધો નથી પણ અવરોધોથી તો કોઈ પણ થાકી જાય. જેમના જીવન પરથી અસ્પષ્ટતાના વાદળો હટી ગયા છે એવા લોકોના જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ આપણને શું શીખવી જાય છે?

૧. હું ઈચ્છું કે મેં મારી પોતાની જાતને વફાદાર જીવન જીવવાની હિંમત કેળવી હોય, નહીં કે બીજા મારી પાસેથી ઈચ્છે તેવું જીવન..

લોકો આપણા વિશે શું વિચારશે અને લોકોમાં આપણી શાખ કે છબી કેટલી આબરૂદાર અને ઉચ્ચ કક્ષાની ઉપસે એવા પ્રયત્નોમાં જીવન કાઢી નાંખીએ એમ તમને નથી લાગતું? સમાજની ઈચ્છાઓ અને અપેક્ષાઓને અનુરૂપ થઈને જીવવામાં આપણે પોતાની ઈચ્છાઓને કેટલું માન આપીએ છીએ? જીવનના અંતે સરવૈયામાં જો ખબર પડે કે સમાજની સામે આપણો એક ચહેરો ઉપસાવવાના પ્રયત્નોમાં આપણે પોતાની મનગમતી ઈચ્છાઓને પૂરી નથી કરી શક્યા તો! જાતને વફાદાર રહેવું એટલે પોતાની જાત જોડે શરીરનું સહજીવન. સમાજની, મિત્રોની અને કુટુંબીઓની અપેક્ષાઓને અવગણવું અશક્યની નજીકનું મુશ્કેલ છે. આપણે જેવા છીએ એવા પ્રસ્તુત થવા, આપણા ગમા અણગમા, શોખ, આવડત અને પ્રતિભા એ બધાંનો સરવાળે સાર એટલે આપણું વ્યક્તિત્વ. શું સમાજની સામે આપણે જેવા છીએ એવા જ દેખાઈએ છીએ? કે પછી મહોરા પાછળ આપણી જાતને ઢાંકવાનો સભાન પ્રયત્ન કરતા રહીએ છીએ?

તમારા જીવનનું સત્ય છે તમે ખરેખર જે છો એ અને તમારી સામાજીક છબી તથા તમારા કર્મોનો સરવાળો. જીવનના રસ્તે આપણાં બધાંય નહીં તો આખરે કેટલાક સ્વપ્નો અને ઈચ્છાઓને તો માન આપી તેમને મેળવવાનો, તેમને જીવવાનો પ્રયત્ન આપણે કરવો જ રહ્યો જેથી જીવનના અંતે આપણી જાતને વફાદાર જીવન ન જીવ્યાનો અસંતોષ ન રહે.

૨. હું ઈચ્છું કે મેં આટલી બધી મહેનતથી કામ ન કર્યું હોત.

પૈસા કમાવાની દોડમાં, દુન્યવી વસ્તુઓ અને સુખોની પ્રાપ્તિ માટેની ઈચ્છા માટે આપણે જીવનના સૌથી સરળ આનંદને ચૂકી જઈએ છીએ. પરિવાર અને મિત્રોને, પત્ની અને બાળકોને સમય આપવાને બદલે સતત કામમાં ગળાડૂબ રહીને આપણે એ બધાંય માટે સુખ ખરીદવાનો પ્રયત્ન આદરીએ છીએ, પણ ઘરમાં આવક માટે જવાબદાર પતિ, પત્ની કે બંને એ વાત સમજે તે જરૂરી છે કે આવક અને આનંદ વચ્ચે સમન્વય જરૂરી છે. મહેનત અને આખરે કમાવાની લ્હાયમાં બાળકનું બાળપણ કે પત્નીનો પ્રેમ ચૂકી જઈને જીવનમાં એક મોટી નિરાશાને આપણે જાતે જ પોષી રહ્યા નથી શું?

કદાચ એવું પણ હોય કે તમે ધારો છો તેથી ઓછી આવકમાં પણ તમે સુખી, પરિવાર સાથે આનંદમાં અને સંતુષ્ટ રહી શકો, અને એ સુખ આખરે તો તમારી ઉત્પાદકતા અને એમ કરીને કમાવાની તમારી ક્ષમતા પર હકારાત્મક અસર કરશે જ.

૩. હું ઈચ્છું કે મારી લાગણીઓને અભિવ્યક્ત કરવાની હિંમત મારામાં હોત

આપણને સહજતા આપતા હોય એવા સંબંધોને જાળવવા પર આપણે ધ્યાન આપવું જોઈએ. માણસ સામાજીક પ્રાણી છે, આપણે અનેક મિત્રો, સંબંધીઓ અને સ્વજનો હોય એ સામાન્ય છે, પણ તેમાંથી જેની પાસે નિખાલસપણે લાગણી અભિવ્યક્ત કરી શકીએ એવા સહજ સંબંધો કેટલા? બીજાઓની સાથે સંબંધ જાળવી રાખવા જો આપણે આપણી લાગણીઓ દબાવી રાખતા હોઈએ કે કોઈક સંબંધ વિશેની આપણી લાગણીઓ અભિવ્યક્ત ન કરી શક્તા હોઈએ તો એ સંબંધ આખરે તો તણાવ અને અસુરક્ષિતતા જ આપશે.

આવા સંબંધો બાળપણના કોઈ મિત્ર સાથે હોઈ શકે, માતા કે પિતા સાથે હોઈ શકે, પ્રિયતમ સાથે કે પ્રેમિકા સાથે હોઈ શકે, અંગત મિત્ર સાથે કે ભાઈ બહેન સાથે હોઈ શકે. આવા બે કે ત્રણ સંબંધો પણ આપણા જીવનમાં આનંદ વખતે વહેંચવા અને દુઃખ વખતે હિંમત આપવા મદદરૂપ થઈ શકે. આપણી જાતની સાવ પ્રમાણિક રજૂઆત અને લાગણીની પૂર્ણ અભિવ્યક્તિ નજીકના સંબંધને વધુ ગાઢ બનાવશે અને જો સંબંધ વણસે તો સમજવું કે એ તમારી જાત સાથે સુસંગત થાય તેવો નહોતો. આમ બંને રીતે લાગણીની પ્રમાણિક અભિવ્યક્તિ જરૂરી છે અને એમ ન કર્યાનો વસવસો જીવનના અંત ભાગમાં અસહ્ય થઈ રહે છે.

૪. હું ઈચ્છું કે હું મારા મિત્રોના સંપર્કમાં રહ્યો હોત

સામાજીક પ્રસંગોએ અને તહેવારોમાં આપણે સ્વજનો અને પરિવારના સંપર્કમાં રહીએ જ છીએ, પણ મિત્રોના સંપર્કમાં રહેવા માટે એવું કોઈ બંધન હોતું નથી. પણ સાથે સાથે એ પણ સત્ય છે કે મિત્રો આપણી પોતાની પસંદગીના સ્વજનો છે, મિત્રો પાસે આપણે સ્વજનો કરતા પણ વધુ નિખાલસતાથી અને ડર વગર અભિવ્યક્ત થતાં હોઈએ છીએ. આવા મિત્રોની સાથે સંપર્ક જાળવી રાખવો અને એ સંબંધને ઊછેરવો ખૂબ જરૂરી છે. મિત્રો આપણી નબળાઈઓને જાણે છે અને છતાંય આપણને સ્વીકારે છે, એથી તેમની આપણી પાસેની અપેક્ષાઓ પણ સહજ અને નિખાલસ રહે છે.

જીવનમાં ખૂબ પૈસા કમાઈ ચૂકેલા અને સારામાં સારી સગવડો સાથેનું વ્યસ્ત જીવન જીવતા લોકોની સૌથી મોટો અફસોસ એ જ રહે છે કે તેમણે બાળપણના, શાળા કે કૉલેજ જીવનના મિત્રો સાથે સંપર્ક રહી શક્યો નહીં. મિત્રોની સામે કોઈ મહોરું રહેતું નથી, અને આપણી પોતાની જાત તેમની સામે હોય છે.

આજના ઝડપથી વહેતા યુગમાં પૈસા અને સગવડો કમાવાની દોડમાં મિત્રો સાથે સંપર્ક જાળવી રાખવા પ્રયત્ન કરવો પડશે, ક્યારેક તેમને પ્રાથમિકતા આપી અન્ય બાબતોને અવગણવી પડશે, પણ જીવન દરમ્યાન અને અંત સુધી આ એક ફાયદાકારક નિર્ણય પૂરવાર થઈ રહેશે.

૫. હું ઈચ્છું કે મેં મારી જાતને ખુશ થવા દીધી હોત

મોટાભાગના લોકોને એ ખબર જ નથી હોતી કે ખુશ રહેવું એ એક પસંદગી છે, એ વૈકલ્પિક છે, દુઃખી રહેવું કે સંજોગોને આધીન ગંભીર રહેવું એ જરૂરી નથી. પરિસ્થિતિઓ ખૂબ જ ગંભીર ન હોય ત્યારે, અસફળતાઓ અને નિરાશાઓમાં ખુશ રહેવું એ આપણા હાથમાં છે. દરેક ક્ષણે, દરેક પ્રસંગે, દરેક સંબંધમાં અને દરેક અનુભવમાં આનંદીત રહેવું કે નહીં એ આપણે સતત નક્કી કરતાં હોઈએ છીએ.

આપણા પોતાના અહંને છોડવું ખૂબ મુશ્કેલ છે. આપણા અહંને લીધે સંજોગોને આપણે જે પ્રતિભાવ આપીએ છીએ એ મહદંશે નકારાત્મક હોય છે, આપણા એવા નકારાત્મક વિચારો અને પ્રતિક્રિયાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. વળી આપણે બ્રાહ્ય સંજોગોનો પ્રતિકાર કરવાના જ છીએ, એમાં જો આપણી આસપાસનું વાતાવરણ અનુકૂળ ન હોય, આપણો વિરોધ થતો હોય, સંઘર્ષરત હોઈએ કે સતત હરીફાઈ મળતી હોય ત્યારે તણાવમાં આવી જવાને બદલે સંતુષ્ટ રહેવાનો પ્રયત્ન કરવો આનંદીત રહેવાનું પ્રથમ પગલું છે. અન્યો પાસેથી આપણને અનુકૂળ એવી અપેક્ષા ન રાખવી એ ખુશ રહેવાની બીજી ચાવી, અને વિપરીત સંજોગોમાં ગુસ્સે થવાને બદલે તેનો સામનો આનંદથી કરવાનો વિકલ્પ અપનાવવો આખરે તો આપણા જ ફાયદામાં છે.

આ માટે, ખુશ અને સંતુષ્ટ રહેવા આપણે ધ્યાન કે ચિંતન કરી શકીએ, આપણી તમામ નકારાત્મક ગુસ્સાભરી લાગણીઓને કાગળ પર લખીને આપણી બહાર વહેવા દઈએ અને મનગમતી હળવા થઈએ એવી પ્રવૃત્તિઓ કરીએ. ખુશ રહેવાનું પસંદ કરો, એ માટે સભાન પ્રયત્નો કરો અને ખુશ રહો.

ઉપરની યાદીમાં જોશો તો મૃત્યુશય્યા પર પડેલા અનેક લોકો જે વસ્તુનો અફસોસ કરે છે એ કોઈ બહુ મુશ્કેલ કે અસંભવ વાતો નથી, એ તો સાવ સરળ વાતો છે, જેને આપણે જીવનમાં અવગણીએ છીએ. આપણું મૃત્યુ જો આવતા અઠવાડીયા કે મહીનામાં નિશિત હોય તો આપણે એવી કઈ બાબતો કરીએ જે આપણે આજે નથી કરી રહ્યા, એ પરિસ્થિમાં આજે તમને શું ન કર્યાનો અફસોસ હશે? એની એક નાનકડી યાદી બનાવી સતત્ત તેને અનુસરશો તો જીવનના અંતે અફસોસમાંથી બચી શક્શો. જીવન આખરે તો એક પસંદગી છે, પોતાની સાથે પૂર્ણ પ્રમાણિકતાથી, સભાનતાથી, વિચારપૂર્વક પસંદગી કરો જેથી તમે સંતોષી અને ખુશ રહી શકો.

– જીજ્ઞેશ અધ્યારૂ

(બ્રોની વેરના મૂળ લેખ તથા તેના નેટ પર ઉપલબ્ધ તેના અનેક સમીક્ષા અભ્યાસને આધારે…)


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “મૃત્યુ વખતના પાંચ અફસોસ અને તેનાથી બચવાની રીત.. – જીજ્ઞેશ અધ્યારૂ