વક્તા આદર્શ મળશે એવુંય નથી
સમયસર પૂરું કરશે એવું ય નથી
વક્તા જયારે સમયનું ભાન રાખ્યા વગર અને પૂરતી તૈયારી વગર પ્રવચન કરે ત્યારે તે પ્રવચન “બકવાસ”ની કક્ષાએ પહોંચતું હોય છે. (વક્તા કન્વર્ટ ઈનટુ બક્તા) પ્રથમ તો વક્તા તરીકે કોને બોલાવવા એ મોટો પ્રશ્ન આયોજકો માટે થતો હોય છે. અને ખરેખર ખૂબ અઘરું છે સારા વક્તાઓને આમંત્રવા. માનો કે વક્તા તો મળી ગયા પરંતુ તેને કોની સામે બોલવાનું છે કે પ્રવચન આપવાનું છે અથવા કાર્યક્રમનો વિષય શું છે તે બાબતથી માહિતગાર કરવા જોઈએ અથવા વક્તાએ આ માહિતિ આયોજકો પાસેથી પહેલેથી જ મેળવી લેવી જોઈએ. શ્રોતાઓની વય ને ધ્યાને નહિ લેતાં વક્તાઓ ફજેતી પામતા હોય છે.
વિષય, સમય અને શ્રોતાઓના મૂડને ધ્યાનમાં રાખીને પ્રવચન કરનારા ખૂબ ઓછા વક્તાઓ જોવા મળે છે. જો બાકી રહી જાય તો પાપ લાગે – એ હિસાબે પોતે તૈયાર કરીને લાવ્યા હોય તે બધું જ શ્રોતાઓ પર ઝીંકી દેવું, કેટલાક વક્તાઓનો મુદ્રાલેખ છે. શ્રોતાઓનો મૂડ જોઈને ભાષણ આપનારા સફળ રહે છે. શ્રોતાઓનો મૂડ જાણવા માટે વક્તા મનોવિજ્ઞાનનો જાણકાર હોવો જરૂરી છે. કેટલાક વક્તાઓ આયોજકોની પ્રશંસા કરવામાં જ અડધો સમય પસાર કરતાં હોય છે. જયારે કેટલાક પ્રસ્તાવના બાંધવામાં પચાસ ટકા સમય ખાઈ જતાં હોય છે. તો કેટલાક પોતાના વ્યકિતગત ઉદાહરણો અને દાખલાઓ આપવામાં સમય પસાર કરતાં હોય છે. કેટલાક પોતાની જાહેરાત કરવા માટે (કયાં હતો ને હવે કયાં છું) આવ્યા હોય તેવો અહેસાસ શ્રોતાઓને થયા વગર રહેતો નથી.
આદર્શ શ્રોતાઓને આદર્શ વક્તા મળશે જ સાવ એવું નથી હોતું. કેટલાક વક્તાઓ બે-ચાર શેર – શાયરી – કવિતાની પંકિતઓ બોલીને શ્રોતાઓની તાળીઓ ઉઘરાવતા હોય છે. તો કેટલાક વક્તાઓ જૂના ઘસાઈ અને ચવાઈ ગયેલા જોક્સ કહીને વક્તવ્ય માટે નહિ પરંતુ શ્રોતાઓના મનોરંજન માટે આવ્યા હોય એમ લાગતું હોય છે.
ખૂબ ઓછા વક્તાઓ પોતાના કાર્ય પ્રત્યે સભાન હોય છે. જે વિચારો રજૂ કરવાના છે. તેવા વક્તવ્યનું હોમવર્ક કરીને આવનારા વક્તાઓ બધાનાં નસીબમાં કયાંથી? હાસ્ય કલાકાર શાહબુદીન રાઠોડ ઘણીવાર પોતાના કાર્યક્રમમાં એક જોક કહેતા હોય છે. : એકવાર એક વક્તાએ પોતાનું પ્રવચન શરૂ કર્યું રસ વગરના પ્રવચનમાં શ્રોતાઓને રસ પડયો નહિ અને ધીરે ધીરે મોટા ભાગભાગના શ્રોતાઓ હોલની બહાર સરકવા માંડયા. વક્તાનું બોલવાનું ચાલું જ હતું. જેમ તેમ પૂરું થયું ત્યારે વક્તાએ આયોજકોને કહયું કે જો દિવાલ પર ઘડિયાળ હોય તો સારું, જેથી સમયનો ખ્યાલ આવે. આયોજકો રોષે ભરાયેલા હતા જ, એકે કહયું વક્તાજી તમારી વાત સાચી છે, દિવાલ પર ઘડિયાળ નહોતી પરંતુ કેલેન્ડર તો હતું ને!
હમણાં એક કાર્યક્રમમાં જવાનું બન્યું. એક કહેવાતા વક્તા બાળકોના કાર્યક્રમમાં આવી ચડયા. પ્રવચનની શરૂઆત થઈ. વક્તાએ શરૂઆત બાળકોને વાર્તા કહેવાથી કરી. વાર્તા કહેતા કહેતા એટલા બધા આગળ નિકળી ગયા કે પાછા વળવું તેમના માટે શકય જ ન બન્યું. વાર્તામાં વાર્તા ને એની પેટા વાર્તા ને તેનું પેટા દૃષ્ટાંત ને પછી મૂળવાર્તા કઈ હતી તે કહેવું મુશ્કેલ બની ગયું. છેવટે વક્તાએ કેટલાક શેર-શાયરી કરીને જેમ તેમ વકતવ્ય પૂરું કર્યું. આમ વક્તાઓ જાતે જ હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઈ જતાં હોય છે.
કેટલાક વક્તાઓ “આજે હું લાંબુ બોલવાનો નથી“ એમ જાહેર કરીને એક થી દોઢ કલાક ખેંચી કાઢતાં હોય છેે. શ્રોતાઓ બિચારા આયોજકની શરમે ચૂપચાપ સહન કરતાં હોય. “હવે, આટલું કહીને હું મારું સ્થાન લઈશ, હવે છેલ્લી વાત કરીને હું મારું વકતવ્ય પૂરું કરીશ.” એમ કહ્યાં પછી ચાર પાંચ વાતો અને મુદાઓ સહજ રીતે ઝીંકી દેતા હોય છે અને “હવે માત્ર બે મિનિટ” એમ કહીને વીસ-પચ્ચીસ મિનીટ ખેંચી કાઢતા હોય છે.
વોટ્સએપ પર એક રમૂજ એવી પણ આવી કે જેને પોતાના ઘરમાં બોલવાનો ચાન્સ નથી મળતો અથવા જેનું ઘરમાં કોઈ સાંભળતું નથી તે માઈકપ્રિય વક્તા બનતા હોય છે!
સંશોધન કરતાં વક્તાઓના જુદા જુદા પ્રકારો મળી આવ્યા જેવાકે : આંકડેબાજ, આત્કથનાત્મક, બડાઈખોર, દિશાવિહીન, વિષયાતીત, મેદનીપ્રિય, (વક્તાના પ્રકારનું વિશ્લેષણ ફરી કયારેક)
વક્તાનું કામ શું? માઈક મળ્યું એટલે મંડયા બોલવા! સામે બેઠેલા સો બસો કે પાંચસો વ્યકિતઓનો સમય બગાડવાનો કહેવાતા વક્તાઓને કોઈ અધિકાર ખરો?
સુજ્ઞ શ્રોતાઓને સારો વક્તા કયારે મળે? સારા વક્તા હોવું એટલે શું? શ્રોતા પ્રિય વક્તા બનવું પ્રત્યેકના નસીબમાં કયાંથી! જાણીતા ચિંતક, સમર્થ વકતા પદ્મમશ્રી ર્ડા. ગુણવંત શાહ નોંધે છે કે “વક્તાને વાસી થવાનો અધિકાર નથી. તાજા રહેવા માટે તપસ્યા કરવી જ રહી! વક્તાની જવાબદારી ખૂબ વધી જાય છે. પૂરતી તૈયારી વિના સભામાં બોલવા જવું એ પાપ છે કારણકે એમાં શ્રોતાઓ સાથે છેતરપિંડી થવાનો સંભવ છે. એમાં પોતાને પ્રાપ્ત થયેલા વિશેષાધિકારનો દુરુપયોગ થતો રહે છે. એ સૂક્ષ્મકક્ષાની દગાબાજી છે. જેની કોઈ સજા નથી.”
શ્રોતાઓ વક્તા પર પ્રેમ કયારે વરસાવે? સારા વક્તા હોવું એટલે શું?
જે વિષયને વફાદાર હોય, સમયને ધ્યાનમાં રાખે અને પૂરતી તૈયારી કરીને સભાખંડમાં આવે, સામે બેઠેલાની આંખમાં આંખ પરોવી વાત કરે, તર્ક સંગત દાખલા-દલીલોથી પ્રવચન શોભતું હોય, જરૂર જણાય ત્યાં યોગ્ય સંદર્ભ અને કવિના નામ સાથેની શેર-શાયરી બોલે, શ્રોતાઓને માનપૂર્વક સંબોધન કરે અને સમયસર વક્તવ્ય પૂરું કરે. વક્તવ્યમાંથી પ્રેરણાત્મક, ભાવાત્મક અને આદર્શાત્મક વાતો ઉડીને આંખે વળગતી હોય, તાળીઓના ગડગડાટ સાથે તો કયારેક મૌન ધારણ કરીને પણ વક્તવ્ય સાંભળ્યાનો સંતોષ વ્યકત કરતાં હોય!
સભાખંડમાં વક્તા-શ્રોતા વચ્ચેનો સેતુ એ કૃષ્ણ-અર્જુન અને વ્યાસજી અને ગણેશજી જેવો પવિત્ર સેતુ રચાતો હોય છે. શ્રોતા અને વક્તા વચ્ચે એક વિશિષ્ટ પ્રકારની હાર્મની રચાતી હોય, ટૂંકમાં, વકતાનું વક્તવ્ય એટલું લયબદ્ધ હોય કે દરેક શ્રોતા ડોલવા માંડે, બન્નેની નજર અને મન વિચારોથી એકરૂપ થયેલા હોય.
સંગીતના કોઈ કાર્યક્રમમાં જેમ બધા જ વાજિંત્રો અને સાજિંદાઓ એકરૂપ થઈને કોઈ એક ધૂન વગાડતા હોય છે, અને શ્રોતાઓને ડોલાવતા હોય છે. વક્તાનું વક્તવ્ય અને શ્રોતાઓનું મૌન વચ્ચે એક સૂત્રતા રચાય સભાખંડના તમામ શ્રોતાઓ મન ભરાયાનો ઓડકાર લેતાં જોવા મળે ત્યારે વક્તવ્ય પૂરું થયું એમ કહેવાય.
બિલિપત્ર
પૂરતી તૈયારી વગર
વક્તવ્ય આપવા પહોંચી જતાં
વક્તાને
આતંકવાદી કહેવાનો રિવાજ
આપણે ત્યાં નથી.
(- ધર્મેન્દ્ર ત્રિવેદી, શિક્ષક, નાથાવાસ)
– ર્ડા.સંતોષ દેવકર
મો. ૯૪૨૬૫૬૦૪૦૨, ઈ-મેલ. santoshdevkar03@gmail.com
જિગ્નેશભાઇ,
મો.ન્. આપ્યા બાદ ઘણા ફોન આવ્યા.આભાર્.
Khub j Saras lekh chhe,…aj kal j m Nava Nava vaktao ugi nikdya chhe em jota vakrutvakala na coaching institutes sharu Thai jase j…kaas ema donations and management quota na hoy!!…homework vagar nu vaktavya etle shrotao na samay Ni barbadi..ek traas…kharuvkahu to..amuk vaktao to awi nathor hinsa Karta hoy chh,,e pan…2-3 kalako sudhi…etle hate divse Manav adhikar wala o bhasano na trass Ni fir karse j.,
Vandemaram!
શ્રેી માન ધ્રુવ ,
ખુબ ખુબ આભાર્.