વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩} 1


ગતાંકથી આગળ…

A Novel By Pinki Dalal

A Novel By Pinki Dalal

‘માધવી, મને લાગે છે કે તો કદાચ તને કોઈ વાતની જાણ નથી..’ શશી હળવેકથી બોલ્યો : રાજાએ તો મને છ મહિના પહેલા જ છૂટો કરી નાખ્યો હતો ને! તને નથી ખબર?

‘શું?’ હવે આશ્ચર્યચકિત થઇ જવાનો વારો માધવીનો હતો. પોતાના રાઈટ હેન્ડ જેવા સાથીને છૂટો કરી નાખ્યો? રાજાએ? તે પણ છ મહિના પહેલાં? અને એ તો કહેતો હતા કે તબિયત નથી સારી રહેતી એટલે એને તો કોઈ નેચરોપથી ઉપચાર કરાવવો છે. બેએક મહિનામાં પાછો આવી જશે. તો સાચું શું?

શશીને ખ્યાલ ન આવે તેમ થોડી આડીતેડી વાત કરીને ફોન મૂક્યો પણ હવે અચાનક જ પ્રિયાની વાતમાં વજૂદ લાગવા માંડ્યું : ક્યાંક એવું તો નહીં હોય કે રાજ પોતાની સાથે પણ કોઈ રમત જ રમતો હોય?

વિચારમગ્ન દશામાં જ ડ્રેસિંગ ટેબલ પાસે પડેલી પફી પર માધવી બેસી પડી, સામે પડઘાતું પ્રતિબિંબ પોતાને જ ઓળખાતું નહોતું. વજન વધવા લાગ્યું હતું, જેની અસર ચહેરા પર જણાવી શરુ થઇ હતી. માધવીએ હળવેકથી પોતાના ઉદર પર હાથ પસવાર્યો. માતૃત્વની છડી પોકારે કોઈ નિશાની હજી સુધી દેખીતી રીતે તો જણાતી તો નહોતી પણ હવે વાર કેટલી? એ વિચાર સાથે જ દિલ એક ધબકાર ચૂકી ગયું : ક્યાંક રાજ? કોઈ અમંગળ વિચારને પ્રવેશવા ન દેવો હોય તેમ માધવી આયના સામેથી ઉઠી ગઈ. એક વાર રાજને ફોન લગાવવાની ટ્રાય તો કરવી જ રહી.

‘ગુડ મોર્નિંગ…. હોટેલ સ્નોલાઈન’ સામે કોઈક પુરુષ રીસેપ્શનીસ્ટ અવાજ સંભળાયો.

‘કેન યુ પ્લીઝ કનેક્ટ મી ટુ રૂમ નંબર ૧૦૧ પ્લીઝ?’ અવાજમાં અધીરાઈ ન છલકાઈ જાય તેનું ધ્યાન રાખવું પડ્યું માધવીએ.

‘ઓહ, વોહ ફિલ્મ યુનિટ?’ નાનકડી હોટલનો રીસેપ્શનીસ્ટ એમ ફિલ્મ યુનિટને થોડો ભૂલી જાય?

‘જી…’ માધવીએ ટૂંકો ઉત્તર આપ્યો.

‘મેમ, વો સબ ચેકઆઉટ કર ગયે હૈ…. થોડે દિન હો ગયે…..’ ન ધારેલો ઉત્તર સાંભળીને માધવીના શરીરને ધ્રુજાવતી એક હળવી ચીસ ફરી વળી.

‘કબ? કઈ હોટેલમાં ચેક ઇન થયા કહી શકાશે?’ ખબર હતી પોતાનો પ્રશ્ન કેટલો બેહૂદો છે, બેવકૂફીભર્યો પણ છતાં ય પૂછી લીધો.

ઉત્તર તો ધાર્યો હતો તે જ મળ્યો : ‘વો તો નહીં પતા…. સોરી…’

ફોન મૂકીને માધવી ક્યાંય સુધી બેસી રહી. હવે મગજમાં એક જ ઘંટડી વાગી રહી હતી, પ્રિયા, પ્રિયા…. એ સાચું કહી રહી હતી કે શું? એવા સંજોગોમાં પ્રિયા સાથે વાત કરી લેવી જરૂરી હતી.

‘અરે પ્રિયા, ફોન લે…’ કોઈ વયસ્ક સ્ત્રીનો અવાજ કાને પડ્યો ત્યારે માધવીને નવાઈ તો લાગી પણ એ વિષે ઝાઝી અટકળ કરે એ પહેલા તો પ્રિયા લાઈન પર આવી : ઓ હાય મધુ…. જે પણ કંઈ કામ કરતી હોય એ બધું મૂક એક બાજુ ને આવી જા મારા ઘરે…’

‘અરે, પણ છે શું ? ‘ માધવીનો પ્રશ્ન આજુબાજુ થઇ રહેલા શોરબકોરમાં ગુમ થઈ ગયો.

‘તું આવ તો ખરી, પછી માંડીને વાત કરું તો? આખું વિક અમે હતા બહાર, અમૃતસર હરમિંદર સાહિબ દર્શન કરવા ગયેલા, એટલે ફોન પણ ન કરી શકી…’ પ્રિયાના અવાજમાં છલકાઈ જતી ખુશી માધવીના ચહેરા પર સ્મિત બની રમી રહી. ‘હવે ફોન મૂક, ચેન્જ કર અને આવ જલ્દી, રાહ જોઉં છું તારી.’

ફોન મૂક્યા પછી માધવી અવઢવમાં પડી ગઈ. પોતે ફોન તો કર્યો હતો પ્રિયાની સલાહ માટે પણ આ તો કંઇક જુદી જ વાત થઇ. પ્રિયા આટલો આગ્રહ કરે છે તો જવું જ રહ્યું.

નાના અમસ્તા રૂમમાં તો જાણે ભીડ જમા થઇ ચૂકી હતી. પ્રિયાની નાની બહેન એક તરફ પ્રિયાનો સામાન પેક કરી રહી હતી ને તેની કોઈક નવી બનેલી રૂમમેટ મદદ કરી રહી હતી. બે ચાર વયસ્ક મહિલાઓ પણ વાતે વળગી હતી.

‘આવ આવ મધુ….’ માધવીને અંદર આવતાં જોઇને પ્રિયા એને ઉમળકાભેર આવકારવા આવતી હોય તેમ ભેટી પડી.

હજુ અનુમાન લગાવે પહેલા જ પ્રિયાએ સહુની ઓળખ માધવી સાથે કરાવવી શરુ કરી દીધી. અજિતના મુંબઈમાં રહેતાં સંબંધી હતા.

‘શું છે કે આ રૂમમાંથી લગ્ન કરવા જવું એટલે…. ને હવે તો ઘરેથી પણ બધા આવી રહ્યા છે ને!’ પ્રિયા જરા શરમાઈને બોલી, ‘પાસે જ એક ફ્લેટ હાયર કર્યો છે એક મહિના માટે.. પછી તો જરૂર નહીં રહે. આજે જ શિફ્ટ થાઉં છું.’

નવા લોકો, પ્રિયાની બહેન, તેના થનાર સંબંધીઓ, માધવી પહેલીવાર પ્રિયાથી અંતર પડી ગયું હોવાનું અનુભવી રહી. પ્રિયાની નવી દુનિયા વસી રહી હતી તેમાં પોતાની જગ્યા તો ક્યાં હોવાની?

‘જો સાંભળ, આજે શિફ્ટિંગનું બધું પતી જાય પછી પરમ દિવસે મહેંદી છે, એન્ગેજમેન્ટ છે સન્ડે, હું જાતે જ આવવાની હતી પણ તું જોઈ શકે છે ને કે કેટલી ધમાલ છે! હજી કાલે ઘરેથી બધા આવી જશે એટલે તો બસ સમય જ નથી રહેવાનો… જો હું પર્સનલી નહીં આવું તો ખોટું તો ન લગાડે ને?’ પ્રિયાએ કહ્યું તો એકદમ સાહજિકતાથી પણ માધવીને એમાં પણ અંતર અનુભવાયું.

ખરેખર તો આ સમય પ્રિયાની સાથે ઉભા રહેવાનો હતો પણ માધવીને ઘુટન મહેસુસ થઇ રહી હતી. હવે વધુ રોકવાનો અર્થ જ નહોતો. રહી રહીને રીસ ચઢી રહી હતી. પ્રિયાએ શા માટે પોતાને અહીં બોલાવી? પોતાની આ નવી દુનિયાના દર્શન કરાવવા માટે?

ઘરે આવ્યા પછી તો માધવી વધુ વ્યગ્રતા અનુભવી રહી. અત્યાર સુધી તો લાગતું હતું કે પોતે રાજ સાથે પરણી જશે, એના બાળકોની માતા બની જશે તેની બદલે પોતે તો ત્યાં જ હતી ને પ્રિયાની ફ્લાઈટ ટેક ઓફ થઇ રહી હતી. આ કોઈ છૂપી ઈર્ષ્યા તો નહોતી? આવી લાગણી તો પહેલા ક્યારેય અનુભવી નહોતી.

માધવીનું મન કોઈ અજબ વિષાદથી ભરાતું ચાલ્યું. આખી દુનિયામાં પોતે સાવ એકલી અટૂલી હોય તેમ. નાસીપાસ થઇ રહેલી માધવીને અચાનક જ માબાપ ને ઘર યાદ આવી ગયા.
ક્યાં હશે રાજ? માધવી વધુ કંઈ વિચારે ત્યાં તો ફોન રણક્યો.

‘મધુ….’ સામે છેડેથી ઉષ્માભર્યું સંબોધન સાંભળીને માધવીના ચચરાટ પર જાણે ફૂંક મારતું હોય એવી રાહત લાગી. ઓહ, મુંબઈથી સાત હજાર કિલોમીટર લંડનમાં બેઠેલી મમ્મીને ખબર કેમ કરીને પડી કે હું અત્યારે એને જ યાદ કરી રહી છું?

‘મમ્મી….’ માધવી વધુ બોલે એ પહેલા તો ધ્રુસકાંએ કામ પૂરું કર્યું.

‘વાત શું છે મધુ? પ્લીઝ કહેશે મને…. મને ચિંતા થાય છે. પ્રિયાએ મને ફોન તો કર્યો પણ એ પણ કંઈ નહોતી બોલી, આટલા દિવસ હું તારા ફોનની જ રાહ જોતી રહી. પ્રિયાએ કહ્યું કે માધવી જ તમને ફોન કરશે….’ માધવીના ડૂસકાંએ સામે છેડે આરુષિની ચિંતા વધારી હોય તેમ લાગ્યું.

ઓહ તો પ્રિયાએ ફોન કર્યો હવા છતાં એમને આટલાં બધાં દિવસ સામેથી એક ફોન ન કર્યો? એનો અર્થ એમ કે ડેડી હજી મને માફ કરવાના મૂડમાં નહીં હોય એટલે મમ્મીને પણ ના પાડી હશે. માધવીએ મનમાં જ અટકળોના તોરણ બાંધી લીધા.

‘ના.. ખાસ કઈ નહીં મમ, આઈ મિસ યુ એન્ડ ડેડી વેરી મચ….’ માનો અવાજ સાંભળીને જાણે સ્વસ્થ થઇ ગઈ હોય તેમ માધવીએ અવાજમાં સાહજિકતા લાવવાનો પ્રયાસ કર્યો.

‘એમ?, તું બરાબર તો છે ને દીકરા?’ સ્વસ્થ થઈને વાતચીત કરતી રહી છતાં કોને ખબર દીકરી કંઇક તો છુપાવી રહી છે તેવી શંકા માના દિલમાં બળવત્તર થતી ગઈ.

પૂરી વીસ મિનીટ વાત પછી મા દીકરીનો ફોન પત્યો એવો જ આરુષિએ કંઇક વિચાર્યા પછી ઇન્ડિયા ફોન જોડ્યો, અને માધવીએ હાથમાં લીધું સવારનું ટેબ્લોઈડ, અબોર્શન કરનારાં ક્લિનિકની જાહેરાત જોવા માટે. ડોક્ટર પ્રિયાની સલાહ માનીને પોતાના ફેમિલી ડોક્ટર જેવા બની ગયેલા ડોક્ટર ભાવસારને ત્યાં જવું એની બદલે કોઈક ખાનગી નર્સિંગ હોમમાં જઈ અબોર્શન કરાવવું વધુ બહેતર હતું ને.

નામ, ઉંમર ભર્યા પછીની કોલમમાં હતું પતિનું નામ, માધવીનો હાથ ક્ષણવાર માટે થંભી ગયો, ને લખ્યું : રાજા

ભરેલું ફોર્મ ચકાસી રહેલી મેટ્રન જેવી દેખાતી એક સ્થૂળ મહિલાની નજર માધવીને આરપાર વીંધી રહી હતી. જાણે વર્ષોની એની પારખું નજરે એક જ ક્ષણમાં મામલો માપી લીધો હતો પણ એ વાત એને માટે કોઈ નવી નવાઈની નહોતી.

‘રૂપિયા બે હજાર, અને હા, પહેલાં જ પે કરવાના રહેશે…. આજે આપો છો કે કાલે?’ જેવી કડક કાંજીવાળી એની સાડી હતી તેનાથી કરડો એનો અવાજ હતો.

‘કાલે કેમ? આજે, હમણાં જ શક્ય નથી? મારે આજે જ અબોર્શન કરાવવું છે…’ માધવીના અવાજમાં ધાર હતી.

‘આજે માત્ર ડોક્ટર તપાસશે, કાલે ખાલી પેટે આવવું પડશે…. સવારથી પાણી પણ પીવાનું નહીં…. હવે બેસો ત્યાં જઈને, તમારો ટર્ન આવશે ત્યારે ડોક્ટર બોલાવશે… ત્યારે જજો…. નેક્સ્ટ…’

માધવી વેઈટીંગ રૂમના સોફા પર બેસી પડી. સામેના ટેબલ પર મેગેઝીન પડ્યા હતા : હેપ્પી પેરેન્ટિંગ…. યુગલ પોતાના નવજાત બાળકને નિહાળી રહ્યું હતું. સ્ત્રીના હાથમાં સફેદ કપડાંમાં લપેટેલું ગુલાબી ગુલાબી બાળક હતું, કદાચ તાજું જ જન્મ્યું હશે એવું એના ચહેરાં પરથી લાગતું હતું ને જન્મ આપનાર મા સંતોષની નજરથી એને જોઈ રહી હતી. પુરુષનો એક હાથ હતો પત્નીના ખભે અને બીજો હાથ હતો બાળકના માથે, કદાચ બાળકનું માથું પસવારી રહ્યો હતો, પોતાનાં સહચર્યની નિશાની હાથમાં હતી. માતાપિતા બનવાની આનંદની ઘડી, બંનેના ચહેરાં પર ખુશી બનીને છલકાઈ રહી હતી. માધવી એકટશ એ મેગેઝીનનું કવરપેજ પકડી જોતી રહી : પોતે આવી જ તો કલ્પના કરી હતી ને! તેની બદલે પોતે આ શું કરવા આવી છે?

મિસિસ પ્રિયા માથુર… કોઈકે સાદ કર્યો.

‘અરે ઓ મેડમ, કબ કા આપ કા નામ પુકારા જાતા હૈ, સુનાઈ પડા કિ નહીં?’ પેલી મેટ્રન જેવી લાગતી મહિલા પાસે આવી જોરથી બોલી ત્યારે માધવીની તંદ્રા તૂટી : ‘ઓહ, સોરી સોરી..’

‘નામ પ્રિયા માથુર હી હૈ ના?’ મેટ્રન સમજી ગઈ હતી કે બીજા કોઈના નામે રજીસ્ટર કરાવીને આ છોકરી ગર્ભપાત માટે કેમ આવી હશે.

માધવી સહેમીને નીચું જોઈ ગઈ. વેઈટીંગ રૂમમાં હાજર તમામ મહિલા સમજી ચૂકી હતી કે પોતે પ્રિયાના બનાવટી નામે અબોર્શન કરાવવા આવી હતી.

ડોક્ટર આશાલતા બર્વે, ડોક્ટરની કેબિન પરની નામની તકતી કહેતી હતી. દિલમાં થઇ રહેલાં થડકારા શમવાનું જ નામ નહોતા લેતા. ડોક્ટર આશાલતા આમ તો ભલી બાઈ લાગતી હતી. ઝાઝી વાત કર્યા વિના એને માધવીને તપાસવા માંડી: ‘કેટલો સમય થયો? છ વિક?’

‘વેલ, હું શ્યોર નથી પણ…’ દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. પેટમાં તો જાણે ચકડોળ ફરી રહી હતી. વાત દીવા જેવી સાફ હતી, ડોક્ટર આશાલતાની આંખોમાં જાણે બિલ્ટઇન એક્સરે મશીન હતું.

‘જુઓ મિસીસ પ્રિયા… સમય વધુ થઇ ગયો છે, છ કે આઠ નહીં, કદાચ બાર અઠવાડિયા કે એથી પણ વધુ…. એવા સંજોગોમાં મારી સલાહ છે કે તમે આ રિસ્ક લઇ રહ્યા છો. ડોન્ટ ડુ ધેટ..’

‘ડોક્ટર, મારા માટે શક્ય જ નથી, આ પ્રેગનન્સી મને….’ માધવી આગળ વધુ બોલી ન શકી.

‘આઈ અંડરસ્ટેન્ડ, હું સમજી શકું છું તમારી પરિસ્થિતિ પણ, જો મારું માનો તો યુ સ્પીક ટુ યોર હસબન્ડ કે…’ ડો. આશાલતાએ પોતે આખી પરિસ્થિતિ સમજી ચૂકી છે તેની એક ઝલક આપીને વાત ફેરવી તોળી : ‘મેં ઘણાં કિસ્સા જોયા છે, કે બાળક જ પછી માબાપને એક કરવાનું કારણ બને… શક્ય છે તમારા કિસ્સામાં પણ એવું જ કંઇક બને…’

મન મક્કમ કરીને આવ્યા પછી ડોકટર આશાલતાની આ સમજાવટથી વિચાર બદલાય એ પહેલા જ નિર્ણય લેવો જરૂરી હતો.

‘ડોક્ટર બર્વે, મેં મારું મન બનાવી લીધું છે, ગમે તેવું રિસ્કી કેમ ન હોય પણ…. બસ….’ માધવીએ પોતાનો આખરી નિર્ણય લઇ લીધો.

‘અગેઇન આઈ વોર્ન યુ, ઇટ્સ નોટ સેફ….. મારું માનો તો સાથે તમારા હસબન્ડ ને કે પછી વડીલને સાથે લઈને આવો.’ ડોકટરે સાવધાની વર્તતાં હોય એમ કહ્યું પણ ખરું, પણ માધવીએ કાને ન ધરવું હોય તેમ પૂછી લીધું : ‘પણ આ શક્ય તો છે ને?’

* * * * *

મધરાતનો ચંદ્રમા પૂરી કળાએ ખીલ્યો હતો પણ તેની ચાંદની માધવીને દઝાડી રહી હતી. પ્રિયા, શશી…. બધા જ ખોટાં હતા? મન એક પછી એક અંકોડા જોડી રહ્યું હતું. અચાનક જ અમનખાને પોતાની સાથે કરેલું ગેરવર્તન, એટલે એનો અર્થ એમ કે આખી દુનિયાને ખબર હતી કે રાજનું મન હવે ક્યાંક બીજે હતું, અને પોતે? અને પોતે જ વાસ્તવિકતાથી બેખબર!

મનનો ચચરાટ આંખથી વહી જતો રહ્યો. કેટલીય વાર રડ્યા પછી પહેલીવાર હળવાશ મહેસૂસ થઇ રહી હતી. કદાચ રીંગ વાગી રહી હતી. વોલકલોક દર્શાવતી હતી રાતના એક નો સુમાર.

‘હલો માધવી, ફોન કેમ નથી ઉપાડતી? મેં સવારે કર્યો, સાંજે પણ ફોન કર્યો હતો ને!’ માધવીની ચિંતા એક માત્ર એને જ હોય તેવી રીતે રાજા પૂછી રહ્યો હતો. એના અવાજમાં રહેલી ઉષ્મા આળાં થઇ ગયેલાં મન પર મલમપટ્ટી કરતી રહી.

‘હું ઘરે નહોતી…’ નારાજગી છતી થાય તેવા ઠંડા અવાજે માધવીએ કહ્યું.

‘ઘરે નહોતી? તો ક્યાં હતી?’ રાજા પૂછી તો એવી રીતે રહ્યો હતો જાણે કોઈ પઝેસિવ પતિ પોતાની નવીસવી પરણીને આવેલી પત્નીને પૂછતો હોય.

‘સવારે પ્રિયા પાસે ગયેલી, …ને સાંજે…’ માધવીએ એ હાથે રહીને વાત અધૂરી મૂકી.

‘ને સાંજે? …’ રાજાની ખાસિયત જેવી અધીરાઈ છલકાઈ.

‘સાંજે હું ડોક્ટરને મળી…’ માધવીનો લાગણીવિહીન અવાજ સપાટ રાજાને ખટક્યો.. કદાચ.

‘જો મધુ, હું સમજું છું તું શું વિચારી રહી છે… પણ માત્ર બે મિનીટ માટે મારી વાત શાંતિથી સાંભળીશ?’ રાજાએ સમજાવટનો સૂર આલાપ્યો. આ જ સૂર પર હંમેશા એ મનમાની કરતો રહ્યો હતો. માધવી હમેશની જેમ ચૂપ રહી સાંભળતી રહી.

‘તું અહીં મનાલીમાં હતી ત્યારે પણ મેં તને એક જ વાત કહેલી, યાદ છે તને?’ રાજા માધવીનો પ્રતિભાવ જોવા રોકાયો હોય તેમ થોડીવાર ચૂપ રહ્યો. મૂડ વીસેક ટકા સુધરે પછી તો એને મનાવી લેવી આસાન હતી.

રાજાએ ગળું ખોંખાર્યું ને સમજાવટ આદરી દીધી. ‘જો માન્યું કે બાળકનું આગમન જરા વહેલું છે. આપણે આપણી લાઈફમાં સેટ થઈએ એ પહેલાં એક નવા જીવને સેટ કરવાની વાત મને જચી નહોતી, પણ છેલ્લે તો મેં એ કહ્યું હતું ને કે આખરી નિર્ણય તું લેશે, તું કહેશે બાળક માટે લગ્ન કરવા છે તો એ પણ મને મંજૂર છે…. કહ્યું હતું કે નહીં?’

આટલું સાંભળતા જ માધવીના ચહેરા પર ફરી રોનક આવતી ગઈ. ‘રાજ, સાચું કહું? પ્રિયાની વાત સાંભળીને તો મારું દિલ બેસી ગયેલું… એ કહેતી હતી કે તું કદી મારી સાથે લગ્ન નહીં કરે…’

‘ઓહ, તો એમ વાત છે એમને? એટલે કે નજૂમી પ્રિયા માથુરે ભવિષ્યવાણી કરી અને તેથી આ મિસ માધવી સેન માની બેઠા કે તેમનો પ્રેમ તકલાદી હોઈ શકે પણ ફ્રેન્ડશિપ નહીં એમ જ ને?’ બંને સખીની મિત્રતા પર કટાક્ષ કરતો હોય તેમ રાજા હસવા લાગ્યો, પછી અચાનક ગંભીર થઇ ગયો : ‘મધુ, માન્યું કે એ તારી સહેલી, ને એ ગમે તે કહે.. પણ તને પોતાની જાત પર, મારા પર, આપણાં પ્રેમ પર તો વિશ્વાસ હોવો જોઈએ ને…’ રાજાએ ફરી એ જ વાત શરુ કરી જે સાંભળી સાંભળીને માધવી વશીભૂત થતી જતી.

‘હા, એ વાત તો સાચી પણ રાજ, અહીં તો જાતજાતની અફવા ચાલે છે,’ એટલું બોલતા પહેલાં માધવી ક્ષણવાર માટે અચકાઈ પણ રાજાને કહેવું પણ તો જરૂરી હતું ને, ‘રાજ, અહીં તો એમ પણ વાત ચાલતી સાંભળી કે તું પેલા પ્રભાત ફિલ્મ્સવાળા મહેરાની દીકરી સાથે પરણી રહ્યો છે….’

‘અચ્છા, ને આ વાત ક્યાંથી સાંભળી? કઈ ચકલી આવીને કહી ગઈ? પેલી પ્રિયા જ ને? …બીજું કોણ? ને મેડમ એની વાત માની પણ લે…’ રાજાના અવાજમાં વ્યંગ હતો : ‘તો માધવી, આવીશ ને લગ્નમાં?’

‘પ્લીઝ રાજ, આવી વાત મજાકમાં પણ નહીં….’ માધવી અકળાઈ : ‘એક તો મારા પર શું વીતી રહ્યું છે તેની તને ખબર નથી, ને આવી બેહૂદી મજાક આ સમયે સુઝે છે?’

‘તો કરું શું? તું કંઈ સમજે તો ને!’ રાજાના સ્વરમાં નિસ્પૃહતા હતી.

‘એ તો ઠીક પણ રાજ, તે શશીને પણ કાઢી મૂક્યો? કેમ?’ અચાનક જ માધવીએ વાત બીજી દિશામાં ફેરવી.

‘અચ્છા, તો હવે એને તને સાધી? મારાથી છૂટો થયો એટલે તને મારી વિરુદ્ધ ચઢાવી?’ રાજા ગિન્નાયો : ‘શું જમાનો આવ્યો છે? ભલમનસાઈનો તો સમય જ નથી. ને જો માધવી કોને મારે મારી સાથે રાખવા કોને ન રાખવા એ બધું મારું કામ છે, આગળ પણ કેટલીયવાર કહ્યું છે કે તારે આ બધી વાતોમાં પડવું નહીં, ને રહી રહીને વળી તું શશીની વાતમાં આવે છે? શશીએ તને ફોન શું આ બધું કહેવા કર્યો હતો?’ રાજાના અવાજમાં કુતુહલતા હતી.

‘ના, શશી તો માંદો છે કેટલાય મહિનાથી અને આ પ્રભાત મહેરાવાળી વાત તો મને પ્રિયાએ કહી…’ માધવી ભોળી કિશોરીની જેમ બોલતી ગઈ : ‘મેં એને કહ્યું જ, કે આ વાતમાં કંઈ દમ નથી…’

‘હમ્મ, મને હતું જ કે નાની નાની ગેમથી પ્રિયાને સંતોષ નહીં જ થાય, એ સમય આવે ગુગલી ફેંકશે જ.. પણ હવે તો મારે તને આ વાત કરવી જ રહી…’ રાજા કોઈ રાઝની વાત ખોલતો હોય તેમ બોલ્યો : ‘આ પ્રિયા મારી પાછળ પડી હતી તે મેં તને ક્યારેય ન કહ્યું તે મારો ગુનો… કોઈક ભારે પત્તું ઉતરી ને સામેના ખેલાડીના હાવભાવ જોતો હોય તેમ રાજા થોડીવાર ચૂપ રહ્યો : મને એમ કે બે સખીઓની મિત્રતામાં ક્યાં તૂટ પડાવવી?’

રાજાની આ વાત સાંભળીને અંગેઅંગ ઝાળ લાગી ગઈ હોય માધવીના કાનની બૂટ તપીને રતાશ પકડી રહી : આ બંનેમાંથી સાચું કોણ?

‘સાચી વાત તો ક્યારેક સામે આવશે જ મધુ, પણ હજી કહું છું તારો જે નિર્ણય હશે મને માન્ય રહેશે, એ પછી લગ્નનો હોય કે બાળકનો, અને હા એ સાથે એ પણ કહીશ કે આ પ્રેગનેન્સી ટર્મિનેશનનો તારો નિર્ણય પણ એટલો જ સાચો છે….. માધવીના મનમાં ઉઠેલા શંકાના તરંગોને શમાવી દેવા હોય તેમ હળવાશથી રાજા એને સમજાવી રહ્યો.

પૂરા એક કલાક સુધી વાતચીત કર્યા પછી પણ માધવી કોઈ નિષ્કર્ષ પર ન આવી શકી કે રાજા આખરે ચાહતો’તો શું? બાળક રાખવું કે અબોર્શન…

કોઈ નિર્ણય ભલે ન થયો પણ રાજા પોતાની સાથે ઉભો છે એટલો આધાર જ દિલને ધરપત આપતો ગયો. દિવસો પછી થયેલી વાતને કારણે મનને એક સંતોષ થઇ રહ્યો હતો, જાણે પાણી બહાર તરફડતી માછલીને ફરી કોઈએ પાણીમાં મૂકી દીધી હોય. બસ, આજે નિરાંતે ઊંઘ તો આવશે! માધવીના મનમાં અજબ શાંતિ પ્રસરી રહી.

ડીંગ ડોંગ ડીંગ ડોંગ….

અલાર્મથી નહીં બલકે વાગી રહેલી ડોરબેલથી માધવીની નિદ્રા તૂટી. સવારના પાંચ થયા હતા, આટલી વહેલી સવારે… વધુ વિચાર્યા વિના બારણું ખોલ્યું.

‘મમ્મી? તું? એ કઈ રીતે શક્ય છે?’ માધવીની આંખો અચરજથી પહોળી રહી ગઈ.

(ક્રમશઃ)

આજે માણો વેર વિરાસત નવલકથાનો ત્રીજો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર શરૂ થઈ છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩}