મારી ચરબી ઉતારો મહા(રાજ) રે… – રમેશ ચાંપાનેરી 7


એ જ તો આપણી મિસ્ટેક છે કે, સમજવા કરતાં વિચારીએ વધારે, ને વિચારવા કરતાં બકીએ વધારે. યોગ એટલે પેટને ધમણની માફક હલાવ્યા પછી, ખવાઈ એટલી કેરી ખાઈને ગોટલા કાઢવા એવું થોડું? મહર્ષિ પતંજલિની ૩૦૦૦ હજાર વર્ષ જૂની આ સિસ્ટમ છે. શરીર અને આત્મા બંનેને જોડવું, એનું નામ યોગ. અને આડેધડ ભચેડ ભચેડ કરવું એનું નામ રોગ. થયું એવું કે, માણસ એનો વિકાસ કરવાને બદલે, શરીરનો વિકાસ કરવાં લાગ્યો. ચામડા નીચે ચરબીનો થર એવો જમાવી દીધો કે, એ માણસ છે કે, મલબાર હિલ છે એ જ ખબર ન પડે. ને આ વાત રાજદરબારમાં પહોંચી. એટલે, આખાં વિશ્વમાં ૨૧ મી જૂને આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગદિન ઉજવાઈ ગયો. બહુ સારાં અને મુલાયમ શબ્દોમાં કહીએ તો, ‘ગાગરિયા પેટવાળા માટે ૨૧ મી જૂનનો દિવસ “હવા ટાઈટ દિવસ” બની ગયો. ઘણાની ચરબીઓ હલી ઉઠી. વિશ્વમાં ભલભલા ચરબીધારીઓ ઠેંસ થઇ ગયાં.

આ વાત થઇ ચરબી નરેશોની. પણ, જેનામાં ચરબીનો દુકાળ છે, એવાં ચરબીલેશોએ હરખાઈને ફટાકડાં ફોડવાની પણ જરૂર નથી. ફેર એટલો કે, એમની ચરબી દેખાય નહીં. પણ બોલે ત્યારે જ બહાર આવે! ગાગરિયા પેટવાળા તો પેટ દ્વારા જ પ્રચાર કરતાં હોય કે એ છે ચરબીના હોલસેલ સ્ટોકીસ્ટ.. અમારો ચમનીયો ૧૭૭ રતલનો છે. પણ એમાં ૭૦ ટકા ચરબી છે. આપણે પૂછીએ કે કેમ આવું? તો કહે, “મારે ત્યાં ફ્રીઝ નથીને એટલે.” ફ્રીઝ હોય નહિ, એટલે રાંધેલું વધ્યું હોય, એ બધું મારે જ ઝાપટી જવું પડે. અને ના ખાઉં તો રાંધેલુ બગડે. તારી ભલી થાય તારી ચમનિયા… તારા પેટ ઉપર કાંદો ફોડું કે?

આવા ખાધેશ માટે ૨૧ મી જૂને, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વના ૧૭૭ દેશોએ ઉજવ્યો. એ દિવસે ઘણાની કમર કણસ મારતી થઇ હશે. એમને તો બે-ચાર દિવસ સુધી તો હલ્લો.. હાવ આર યુ પણ નહીં કરવાનું. જો ભૂલમાં પણ કરવાં ગયાં, તો હુમલો થવાની પૂરી શક્યતાઓ છે. આવી જ બન્યું સમજો. જાણે તમે એની વાઈફને “ફ્લાઈંગ કિસ” કરી હોય, એવો બગડશે. અમારો ચમનીયો તો આજે પણ ઊંઘમાં બોલે છે, કે સાલું શું ધારેલું, ને શું થઇ ગયું? સ્વચ્છતા અભિયાનમાં ઝાડુ મરાવીને કેડ બેવડ વાળી, તે હજી સીધી થઇ નથી ત્યાં, હવે યોગના પાયે સાડાસાતી બેસાડી. સરકારે કમરનું તો કચુંબર કરી નાંખ્યું બકા. શ્વાસના ફૂંફાડા મારતાં કરી નાંખ્યા. ને તે પણ પાછું, ટૂંકી ચડ્ડીમા ને ઉઘાડે બરડે. લે… આ ગયે અચ્છે દિન. (કોઈ પરસેવો લૂછવા ટુવાલ તો આપો…)

હજી આજે પણ એને યોગની જ હોલસેલ અટકડી આવે છે, બોલો.. જે અટકડી હજી અટકતી નથી. (અટક-ડી એટલે અટકડી. તમે શબ્દના પોસ્ટમોર્ટમ ના કરો યાર.. એમાં પોલીસનો પીનલકોડ કાઢીને શું બેસી ગયાં? અટક-ડી એ કોઈ પીનલ કોડવાળી પોલીસ કલમ નથી. શું લોહી પીઓ છો યાર?) મને કહે, “રમેશિયા… જે શ્વાસ સીધી રીતે ચાલે છે તો ચાલવા દો ને યાર.. આ યોગના લફરાં કાઢીને એને ‘ હળી ‘ કરવાનું કંઈ કામ?”

એના ભેજામાં કોણ ભૂસું નાંખે કે, ભારત એટલે, ઋષિઓનો દેશ… યોગીઓનો દેશ, સંતો મહંતો ને ભક્તોનો દેશ.. પેલાં ફોરેનવાળા ધોરિયા જેવાં ધોરિયા યોગના રવાડે ચઢ્યા, અને આપણે માવો મસાલો જ ઠપકારવાનો? ભોગ તો નહિ આપો પણ યોગમાં તો હાડકાં વાળો! ભારતના હવા-પાણી લેવા હોય તો, યોગ પણ કરવાં પડે ઘોંચું… દુનિયાને મરચાં નથી લાગ્યા, ને તું ભારતનો થઈને ભારત સામે જ ફેણ કાઢે? તારી ભલી થાય તારી!

જો ભાઈ…. યોગમાં ખાવાની કાળજી તો રાખવી જ પડે બકા… આપણા વડાપ્રધાને તો પહેલેથી જ કહેલું, કે, ‘ હું ખાતો પણ નથી, અને ખાવા દેતો પણ નથી. શ્વાસ ખાવાના પણ, ગણી ગણીને ખાવાના… બાપુએ કહેલું ને કે, “તમે, જેટલાં શ્વાસ બચાવશો, એટલાં શ્વાસ પાછળથી જીંદગી લંબાવવા કામ લાગશે..{અરે.. બાપુ એટલે, ગાંધી બાપુ નહીં. પેલાં ‘ જેલવાળા ‘ બાપુની વાત કરું છું…} સાલા… આપૂનકા નહિ, તો બાપૂનકા તો માનો…

કૌન કહેતા હૈ ગુજરાતમે પાની નહિ હૈ! આપણા વડાપ્રધાને કેવી સોગઠી મારી? પહેલાં, ઓબામાને અમદાવાદ બોલાવ્યા. આવ્યાં, પછી સવારે નાસ્તામાં પ્રખ્યાત ફાફડા જલેબી ને ગાંઠીયા ખવડાવ્યા. ને તે પણ ધરાઈ સુધ.. એમાં ભાઈલાનું પેટ એવું ડફ થઇ ગયું, કે રાતે પેલી લખોટીવાળી સોડા પણ પીવડાવી. તો પણ પેટ એની મૂળ સ્થિતિમાં આવ્યું નહિ. એટલે મોદીસાહેબે યોગવિદ્યાનો પ્રયોગ ચલાવ્યો. યોગથી એવી જાદુઈ અસર થઇ ગઈ કે, રાતોરાત ભાઈલાના મગજમાં યોગવિદ્યા ઠસાવી દીધી. બસ…. ખલ્લાસ… પછી તો પૂછવાનું જ શું? દુનિયાના મહાશક્તિશાળી દેશના આ નરેશને યોગાના રવાડે ચઢાવી દીધાં. અને આ ફોર્મ્યુલા આખા વર્લ્ડમાં દાખલ થઇ ગઈ….

બેંકમાં એક ચિંથરેહાલ ડોશીમા બેંકનું ખાતું ખોલાવવા ગયાં. અને બેંકમાં જઈ રૂઆબથી બોલી. એઈઈઈ બેંક મેનેજર, ચાલ મારું એક લાખનું ખાતું ખોલ જોઉં! આ સાંભળી બેંક મેનેજર વિચારમાં પડી ગયો, કે આ ચિંથરેહાલ ડોશી લાખ રૂપિયા લાવી ક્યાંથી? એણે પૂછ્યું, “માજી આ લાખ રૂપિયા તમે લાવ્યાં ક્યાંથી?” ડોશી કહે, “મારો ધંધો શરત મારવાનો છે. એમાં હું કમાઉ છું. જેમ કે, તારા આ ગુચ્છા જેવાં વાળ છે ને, એ નકલી છે. તેં વિગ પહેરેલી છે. બોલ લાખ રૂપિયાની શરત લગાવવી છે?” મેનેજરની આંખમાં તો ચમક આવી ગઈ. કારણ એના વાળ ઓરીજીનલ હતાં. એને લાખ રૂપિયા સામા દેખાવા લાગ્યા. કારણ એના માથે વિગ હતી જ નહીં. બેક મેનેજર કહે, “જો માજી શરત લગાવું, પણ હારી જાઉં તો એક લાખ રૂપિયા આપવાના, ઓ કે?” માજી કહે, ધંધામાં પ્રમાણિકતા એ જ તો મારી શાખ છે. લાગી ગઈ શરત લાખ… લાખની… કાલે હું મારાં વકીલને લઈને આ સમયે તારી પાસે આવું છું. એક લાખ તૈયાર રાખજે.”, ને બીજે દિવસે માજી એક વકીલને લઈને ટાઈમસર બેંકમાં આવી ગયા. રૂઆબથી મેનેજરને બોલાવ્યો. “એઈઈઈ… બેંક મેનેજર લે હું આવી ગઈ! લાવ હવે જોવાં દે તારા વાળ! અને વાળ ચેક કરવા મેનેજરને વાળ પકડીને ત્રણથી ચાર વાર ખુરશીમાંથી ઉંચો નીચો કર્યો. એ જોઈને સાથે આવેલો પેલો વકીલ ભીંતમાં માથા અફાળવા લાગ્યો. મેનેજર કહે, વાળ તો મારાં ખેંચાય છે, એમાં આ વકીલ કેમ ભીંતમાં માથા અફાળે છે? માજી કહે, એણે પણ મારી સાથે શરત મારી છે કે, “બેંકના મેનેજરને જો હું વાળ પકડીને ત્રણચાર વાર ઉંચો નીચો કરું તો એ મને બે લાખ રૂપિયા આપવાનો છે. એ હારી ગયો એટલે માથા અફાળે છે. એ બે લાખમાંથી એક લાખ તારા, અને એક લાખ મારાં… લે, ખોલ હવે એક લાખનું મારું ખાતું… તારા કપાળમાં કાંદો ફોડું..

જો બકા… સફળ વડાપ્રધાન થવું હોય ને તો, આવી રાજનીતિ જ કામ આવે. પછી તો આપણા વડાપ્રધાને યુનાઈટેડ નેશન્સ સમક્ષ રજૂઆત કરીને વિશ્વ સ્તરે વ્યાપ આપવા, યોગા તથા મેડીટેશનને માત્ર ૭૫ દિવસમાં જ ૧૭૭ દિવસ દેશનું સમર્થન મેળવી લીધું. અને ૨૧ જુનનો દિવસ પ્રથમવાર આંતરરાષ્‍ટ્રિય યોગદિન તરીકે ઉજવવાનું નક્કી પણ કરી નાંખ્યું. ૨૧મી જૂને વિશ્વમાં કેટલાંય લોકોને આપણા વડાપ્રધાને બેવડ વાળી દીધાં. કેટલાય લોકોએ ઓછું ખાધું હશે? વિશ્વમાં કેટલું બધું અનાજ પણ બચ્યું હશે? હવે લાગે છે ને કે, એ “ખાતો પણ નથી ને ખાવા દેતો પણ નથી!”

આ બાજુ ચમનિયાએ પણ આ બધાને આબાદ ઉલ્લુ બનાવ્યા. ૧૭૭ રતલના વજનવાળા ચમનિયાના ઘરે ૧૨ વરસે ઘોડિયું બંધાયું. મિત્રોના ભોગ લાગ્યાં કે, બધાને પાર્ટી આપવા માટે એમણે ૨૧મી જુનના રોજ બોલાવ્યા. મેનુમાં દુધીનો સૂપ, કારેલાનો રસ, પલાળેલા ચણા ને ઉકાળેલું પાણી. અને પછી કહે, “હેપ્પી વિશ્વ યોગાદિન.” ચાલો હવે બધાં યોગામાં બેસી જાવ… તારી ભલી થાય તારી ચમનિયા..

એકે તો કહ્યું પણ ખરું કે, યાર બાર વરસે તારે ત્યાં બાબો આવ્યો, એનું મોઢું મીઠું કરાવવાને બદલે, તેં તો અમને બેવડ વાળી દીધાં….! ચમનીયો કહે, “હું પણ શું કરું? બાર વરસે આવ્યો, તો પણ કેટલો આવ્યો?” જરાક અમસ્તો જ આવ્યો ને… બધાં કહે તો શું પહેલાં ધોરણમાં દાખલ થાય એવડો મોટો આવવાનો હતો? તારા કપાળમાં કાંદો ફોડું….!

– રમેશ ચાંપાંનેરી


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “મારી ચરબી ઉતારો મહા(રાજ) રે… – રમેશ ચાંપાનેરી