ભૂરી – દોસ્તોયેવ્સ્કી, અનુ. ડૉ. જનક શાહ 5


જેલમાં આવ્યા પછી મારા માટે આ બીજી દિવાળી હતી. બેસતા વર્ષના દિવસે અમને કામમાંથી મુક્તિ આપવામાં આવતી. જો કે કામમાંથી મળતી મુક્તિ અમારા માટે એક પ્રકારની સજા જ હતી. નવરાશમાં વિચાર સિવાય બીજું સૂઝે શું ? ગત દિવસોની યાદ પૂરા જોશથી ઊભરાઈ આવે ત્યારે કેદીને એક બોજો થઈ પડે છે. જ્યારે કામમાં તો માનવીનું મન રોકાયેલું હોવાના કારણે તેને વિચારવાનો કોઈ જ સમય રહેતો નથી.

આજે બેસતું વર્ષ હતું. જેલ શાંત હતી. આજે પેલી બેડીઓના અવાજ, સાંકળોના ખણખણાટ કે કેદીઓની હાજરીની બૂમો કશું જ ન હતું. કેટલાક કેદીઓ આ શાંતિનો ભંગ થશે તો ? એ બીકે ખૂબ ધીમું ગણગણતા હતા. આજે તેઓ ગુનેગાર છે તેનું ભાન કરાવતી બેડીઓ હાથે કે પગે ન હતી.

કેદીઓને સામાન્ય રીતે શુભ પ્રસંગોએ નાગરિકો તરફથી ભેટ-સોગાદો મળતી. તે ભેટ મોકલનારાઓ ઈચ્છતા હશે કે કેદીઓ પણ પોતાની જેમ દિવાળીનો આનંદ માણે. આજના શુભ દિવસે એમને મિષ્ટાન્ન આપવામાં આવતું. ભોજન લીધા પછી એક મોટા ખંડમાં અમે સૌ પોતપોતાની રીતે આનંદ માણતા. કોઈ ગપાટા મારતા તો કોઈ ગીતો ગાતા. સૌ પોતપોતાની મસ્તીમાં આજનો દિવસ ગાળતા.

હું મારી આજુબાજુ બેઠેલા કેદીઓની પ્રવૃત્તિ નીરખતો હતો. મારું ધ્યાન એકલા બેઠેલા અલિયા તરફ ગયું. તે બીજા બધાથી કાંઈક જુદો જ બેઠો હતો. તેના માટે જેલમાં આ પહેલી દિવાળી હતી. કેદીઓ તેને મૂરખલાલ કહીને જ બોલાવતા. તે હંમેશાં બીજા બધા કેદીઓથી જુદો જ તરી આવતો. મોટાભાગે ચોકિયાતો સામે તે મૂંગો જ રહેતો. તેને જે કાંઈ કામ સોંપવામાં આવતું તે મૂંગે મોઢે કર્યા કરતો. કામ ભલે ગમે તેટલું ત્રાસદાયક હોય છતાંય ક્યારેય તેણે પોતાના કામની ફરિયાદ નહિ કરી હોય. તેની ઉંમર ત્રીસ વર્ષની હતી. દેખાવે તે ઠીંગણો હતો. તેના ચહેરા પર શીતળાનાં ચાંઠાં હતાં. તે એક આંખે જ દેખી શકતો હતો. તેણે ખૂન કર્યું હતું. આ કારણે તેને જન્મટીપની સજા થઈ હતી. પરંતુ તેણે ક્યારેય પોતાની સજા વિષે કોઈ ટીકા કરી ન હતી કે તે વિષે કોઈએ તેને કાંઈ બોલતો સાંભળ્યો ન હતો. તેને જે કાંઈ સજા થઈ હતી તે તેણે સહર્ષ સ્વીકારી હોય તેમ લાગતું હતું. આ કારણે તે આવ્યો ત્યારથી જ તેનું નામ મૂરખલાલ પાડ્યું હતું. હુલામણાં નામો વધુ જલદી પ્રચલિત બને તેમ અલિયાના નામમાં અપવાદ ન હતો. સૌ કોઈ તેને મૂરખલાલના નામે જ બોલાવતા.

આજે મૂરખલાલ કાંઈક ઉદાસ લાગતા હતા. કોઈ દિવસ નહિ ને આજે તેણે નિઃસાસો નાખ્યો હતો. તેના નિઃસાસાએ મારા મનમાં કુતૂહલ જગાડ્યું હતું. એ નિઃસાસો મારા હૈયાને સ્પર્શી ગયો. હું તેની પાસે ગયો. તે શું વિચારતો હતો તે મેં પૂછ્યું. આથી તે વધુ ઉદાસ બન્યો હોય તેમ લાગ્યું.

‘હરિયા, તું તે નહિ સમજી શકે. હું તો મારી ભૂરી વિષે વિચારતો હતો. કોઈ મારી ભૂરી વિષે સમાચાર લાવી આપશે તો હું ખૂબ રાજી થઈશ. તે ક્યાં હશે ? તેની કોણ દરકાર લેતું હશે ?’
હું બરાબર સમજ્યો ન હતો. આથી ભૂરી તેની કોઈ પ્રેમિકા હશે અને તેના વિષે તે કહેતો હશે એમ માનીને મેં પૂછ્યું, ‘ભૂરી કોણ છે તે મને તું નહિ કહે ?’

તેણે મારી તરફ આશ્ચર્યથી જોઈને કહ્યું, ‘મેં હમણાં જ મારી ભૂરી બકરી વિષે કહ્યું. તેં ન સાંભળ્યું ?’

હું હજી પણ કાંઈ સમજ્યો નહિ. મેં તેને વધુ પૂછ્યા વગર ભૂરી વિષે વાત કરવાનું કહ્યું, ‘આજે બેસતું વર્ષ છે. જો તું આજે એના કાંઈક કહીશ તો તારું દુઃખ હળવું થશે.’

તેણે ફરીથી નિઃસાસો નાખ્યો, ‘તું તે વાત ક્યાંથી સમજી શકે ? પણ તું સાચો છે. તેના વિષે કહેવાથી કદાચ મારું દુઃખ હળવું થાય.’

તેટલું બોલતાં જ તેની એક આંખમાંથી તેના ગાલ પર એક આંસુનું બિંદુ ટપકતું મેં જોયું.

‘હું તારા સિવાય બીજા કોને કહીશ ?’ તેણે છેવટે કહેવાનું શરૂ કર્યું. ‘આજ સુધી તેના વિષે મેં કોઈને કહ્યું નથી. ઘણી વખત ભરાયેલો ડૂમો ખાલી ન થાય તો મરવાનો વારો આવે. હરિયા, મારી ખરી મા કોણ છે તે મને ખબર જ નથી. અમારા ગામના કબ્રસ્તાન પાસે એક સૂંડલામાં હું પડ્યો હતો. કબ્રસ્તાનના રખેવાળ કોઈ એક મૃત્યુ પામેલી સ્ત્રીની કબર માટે જગ્યા શોધવા આવ્યો ત્યારે મને તેના ઘરે લઈ ગયો. તે સાંજે તેમણે મારું નામ પાડ્યું અલિયો. ત્યારથી કોઈ જાણતું નથી કે મારાં માબાપ કોણ છે. લોકો માનતા કે કોઈ કુંવારી માએ આબરૂ બચાવવા મને ત્યજી દીધો હશે. જેમ જેમ હું સમજણો થતો હતો તેમ તેમ મારી સાથે રમતા છોકરાઓની હાંસી હું સમજવા લાગ્યો. તેઓ મારી તરફ હસતા. ઘણીવાર તો તેઓના તરફ મને તિરસ્કાર છૂટતો પરંતુ તે વખતે હું દુઃખી ન હતો. રખેવાળ અને તેની પત્ની ભલી હતી. તેની પત્ની મારી ખૂબ સંભાળ રાખતી. મને ખાવાનું આપતી. સારા કપડાં પહેરાવતી અને મને બહુ ઓછું મારતી. હું દસ વર્ષનો થયો ત્યારે તેમને ત્યાં એક પુત્રી જન્મી. હું તે બાળકીને ખૂબ ચાહતો. તેમણે તેનું નામ અનીશા પાડ્યું. અનીશાની મા બહાર ગઈ હોય ત્યારે હું તેને મારા હાથમાં ઉછાળીને રમાડતો. તેના ચહેરા પર બણબણતી માખી ઉડાડતો અને ચાલતાં શીખતી ત્યારે તેને ટેકો આપતો. એક વખત તેણે એક કૂતરાને પજવ્યો. આથી ચિડાયેલો કૂતરો તેને કરડવા દોડ્યો. હું દોડતો કૂતરા વચ્ચે આવ્યો. તમે જુઓ, અનીશાને બદલે કૂતરાએ મારો હાથ ફાડી ખાધો.’ આટલું કહીને ખમીસની બાંય ઊંચી કરીને રૂઝાયેલો ઊંડો ઘા બાવડા પર મને દેખાડ્યો. ‘દુનિયામાં અનીશા મારે મન સર્વસ્વ હતી. હું વીસ વર્ષનો થયો ત્યારે તે દશ વર્ષની થઈ હતી. હું તેને મારા ઘૂંટણ પર બેસાડીને હંમેશાં કહેતો કે તું મોટી થઈશ ત્યારે હું તને પરણીશ. એક વખત કોઈ પડોશીએ આ વાત સાંભળી જતાં મારી પાલક માતાને આ વાત કહી. તે ગુસ્સે થઈ. મને ઠપકો આપ્યો કે અત્યારથી તું એને આવી વાત મનમાં ઠસાવીશ નહિ, અને તેને પરણવાની આશા પણ ન રાખતો. પણ મેં તો તેમ કહેવાનું ચાલુ જ રાખ્યું. હવે હું સંભાળ રાખતો કે કોઈ મારી વાતો સાંભળતું નથી ને ! હું માનતો હતો કે અનીશા મને ચાહે છે અને તેથી જ મારી દરકાર લે છે.’

‘એક દિવસ વરસતા વરસાદમાં ખેતરમાં કામ કરતાં હું ભીંજાયો. ઘરે પહોંચતાં હું માંદો પડ્યો. ડૉક્ટરને બોલાવરાવ્યા. તેમણે કહ્યું કે મને તરત જ જિલ્લાની મોટી હૉસ્ટિપલમાં દાખલ કરવાની જરૂર છે. ત્યાર પછી આજે છે તેવો ચહેરો લઈને હું હૉસ્પિટલમાંથી સાજો થઈ બહાર આવ્યો. મેં મારી જમણી આંખ શીતળામાં ગુમાવી હતી. મારા ચહેરા પર શીતળાનાં ચાંઠાં હતાં. હવે હું કોઈ છોકરીનો પ્રેમ પામવાલાયક દેખાવડો રહ્યો ન હતો. આ કડવું સત્ય સમજીને ઘરે આવ્યા પછી અનીશા આગળ તેને પરણવાની વાત ક્યારેય કરી ન હતી. હું તેને ખુશ રાખવા અને ઉપયોગી થવા પ્રયત્ન કરતો. થોડા પૈસા બચાવીને હું તેના માટે દિવાળીની ભેટ તરીકે એક નાની બકરી લાવ્યો. આ બકરી અનીશાને એક વખત ગામમાંથી પસાર થતાં ખૂબ ગમી ગઈ હતી. એ આસમાની રંગની હતી. હું તેને ભૂરી કહીને બોલાવતો. હું તેની સંભાળ રાખતો. તેને ખવરાવતો. જેથી અનીશાને મન થાય ત્યારે ફક્ત તેની સાથે રમવાનું જ રહે.’

તે થોડી ક્ષણ અટક્યો. તેની એક આંખમાં આંસુ એકઠાં થયાં હતાં. તેણે મને પૂછ્યું, ‘તને કંટાળો તો નથી આવતો ને ?’

‘ના, ના. ચાલુ રાખ.’ મેં જવાબ આપ્યો. કારણ કે તે સમયે મને જ તેની વાતમાં ખૂબ રસ પડ્યો હતો.

વર્ષો પસાર થયાં. અનીશા પણ મોટી થઈ હતી. ગામના છોકરાઓ તેની આજુબાઉ ભમરાની જેમ ભમતા હતા. તે હવે પુખ્ત વયની થઈ હતી. વળી તેની ગણતરી સ્વરૂપવાન સ્ત્રી તરીકે થતી. હું તેને ગામના ઉતાર એવા ફારૂક સાથે ફરતી ઘણીવાર જોતો. ફારૂક અમીર બાપનો બેટો હતો. ફારૂકને હું સારી રીતે ઓળખતો હતો. તેણે ઘણી છોકરીઓને કોઈ ને કાઈ યુક્તિથી ફસાવીને તેમની જિંદગી બરબાદ કરી હતી. આથી મેં અનીશાને ચેતવવા પ્રયત્ન કર્યો. પણ તેણે આ અંગે કાંઈ પણ સાંભળવાનો ઇન્કાર કર્યો. તે ગુસ્સે થઈ ગઈ. ફરી હું આવી વાત કરીશ તો સંબંધ કાપી નાખવાની તેણે ધમકી આપી. હું જોઈ શકતો હતો કે તે બદલાઈ ગઈ હતી. તેને મારી કે ભૂરીની કાંઈ જ પડી ન હતી. વળી ભૂરી હવે ઘરડી થઈ હતી. આથી પહેલાંની જેમ કૂદકાઓ મારી ખુશ કરી શકે તેમ ન હતી. અનીશામાં થયેલા ફેરફાર ભૂરી પણ પામી ગઈ હતી. હું તેને પંપાળીને આશ્વાસન આપતો. અમે બન્ને રડતાં. મને ખાતરી થઈ આવી કે બાકીની જિંદગી અમારે એકબીજાના સહારે જ પસાર કરવાની હતી.

‘હવે દુનિયામાં આમ એકલા રહેવાનું ત્રાસજનક લાગતું. એક દિવસ અનીશા મને કહેવા આવી કે તે થોડા જ સમયમાં ફારૂક સાથે પરણવાની છે. ભૂરી ન હોત તો મેં આ સાંભળી નદીમાં પડી આપઘાત જ કર્યો હોત.

‘સમય તેનું કામ કર્યે જતો હતો. ઉનાળો ગયો. પાક લણાઈ ગયો. ફારૂક અને અનીશા પરણી ગયાં. અનીશા મારી પાસે લગ્નના પહેરવેશમાં આવી. તે ઘર છોડી જઈ રહી હતી. તેણે ગળામાં કીમતી હીરાનો હાર પહેર્યો હતો. જતાં જતાં તે કહેતી ગઈ કે ભૂરીને તે મૂકી જાય છે. જાણે મારા પર મોટો ઉપકાર કરીને ન જતી હોય !’

‘તેના ગયા પછી મારા માટે ભૂરી સિવાય દુનિયામાં કોઈ ન હતું. મારી એક આંખ અને ચાઠાંવાળો ચહેરો તેના માટે ગૌણ વસ્તુ હતી. ઘાસની ગમાણમાં અમે પડ્યાં રહેતાં. તે ઘણી વાર મારા ખભા પર તેનું માથું મૂકતી અને મારા ચહેરાને જીભથી ચાટતી. હું તે વખતે કલ્પના કરતો કે અનીશા મને ચુંબન કરે છે.’

‘પણ આ સુખેય લાંબો સમય ન ટક્યું.’ હવે તેનો અવાજ ધ્રૂજવા લાગ્યો. ‘એક દિવસ અનીશા મારી પાસે અચાનક આવી. તે ભૂરીને લઈ જવા ઈચ્છતી હતી. નાનપણમાં તે જે રીતે સાથે રમતી હતી તેમ તે રમવા ઈચ્છતી હતી. ફારૂક સાથેનો તેનો સંસાર સુખમય ન હતો. તે હું જાણતો હતો. પણ ભૂરીને લઈ જવાનું કારણ છુપાવતી હતી. તેના ગયા પછી મારી મૂડી કે જે કાંઈ કહો તે સર્વસ્વ મારે માટે ભૂરી જ હતી. મેં અનીશાને કરગરીને ભૂરીને ન લઈ જવાની વિનંતી કરી. ભૂરી હવે ઘરડી થઈ હતી. પહેલાંની જેમ આનંદ આપવાલાયક તે રહી ન હતી. પણ તેણે કાંઈ સાંભળવાનીય દરકાર ન કરી. છેવટે આજીજી કરતાં મેં તેને કહ્યું, ભૂરી મારે મન દુનિયામાં તારી સ્મૃતિરૂપે જે કાંઈ બચ્યું છે તે છે. તેને લઈ જઈને શા માટે મારું સર્વસ્વ ઝૂંટવી લે છે ? ત્યારે તે ખંધુ હસીને બોલી, ‘સાચું કહું તો ભૂરી તો મારા પતિને જોઈએ છે. તેમને આપવા માટે હું ભૂરીને લઈ જાઉં છું.’

‘આ સાંભળી કોને ખબર મારા મન પર કોઈ ભૂત સવાર થઈ ગયું. તે સમયે મારા હાથમાં લાકડા કાપવાની કુહાડી હતી. મેં તેનાથી અનીશાને મારી નાખી.’ આટલું કહ્યા પછી માંડ માંડ રોકી રાખેલું ડૂસકું તેનાથી ખવાઈ ગયું.

ત્યાં ‘મૂરખલાલ, મૂરખલાલ !’ નામની બૂમ બીજા ઓરડામાંથી પડી. ‘ક્યાં મર્યો મૂરખલાલ ?’ ફરી બીજા કોઈએ બૂમ પાડી.

‘એ આવ્યો !’ કહીને અલિયો આંસુ છુપાવતો અવાજ આવ્યો તે તરફ દોડ્યો. દોડતાં દોડતાં તે ગણગણતો હતો, ‘મારી ભૂરી… … મારી ભૂરી… …’

– દોસ્તોયેવ્સ્કી, અનુ. ડૉ. જનક શાહ

(સમર્પણ, સપ્ટેમ્બર-’૭૯)


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ભૂરી – દોસ્તોયેવ્સ્કી, અનુ. ડૉ. જનક શાહ