(‘અસ્તિત્વદર્શન’ સામયિકના એપ્રિલ ૨૦૧૫ના અંકમાંથી સાભાર)
‘રેશનાલિઝમ’ એક એવો માનસિક અભિગમ છે કે જેમાં વિવેકશક્તિ તથા તર્કશક્તિ (રીઝન)ની સર્વોપરિતાનો બિનશરતી સ્વીકાર કરવામાં આવે છે. અને જેનો હેતું ફિલસૂફી તથા નીતિશાસ્ત્રની એવી તરાહ સ્થાપવાનો છે કે જે અધિકારી મનાતા કોઈપણ વ્યક્તિ કે ગ્રંથ (ઓથોરીટી)ની એકપક્ષી માન્યાઓથી સદંતર મુક્ત હોય અને જે તરાહને તર્ક તેમ જ વાસ્તવિક અનુભવ-પ્રયોગ દ્રારા ચકાસી સત્ય યા અસત્ય સિદ્ધ કરી શકાતી હોય.
ઉપર્યુક્ત વ્યાખ્યા લંડન રેશાનાલીસ્ટ એસોસીએશનને ઘડેલી છે, અર્થાત અંગ્રેજીભાષીઓ વડે રચિત છે છતાં એમાં ક્યાંય ‘બુદ્ધિ’ ( intellect or intelligence) શબ્દ પ્રયોજવામાં આવ્યો નથી. એને સ્થને ‘વિવેક’ (રીઝન) શબ્દ જ પ્રયોજાયો છે. એનું કારણ એ જ કે માણસજાતની બધી જ સિદ્ધિઓ, તેમ બધાં જ અનિષ્ટોનું મૂળ તેની બુદ્ધિ જ છે; કારણકે બુદ્ધિ અવળે માર્ગે પર ગતિ કરે ત્યારે તર્કવિવેકથી એને રોકવી તેમ જ ઉચિત માર્ગે વાળવી રહે છે, કારણકે ‘વિવેક’ એટલે ‘શું સત્ય અને શું અસત્ય?’; ‘તેમજ શું સારું અને શું ખરાબ?’ એ નક્કી કરનાર નીરક્ષીરવિવેકની શક્તિ. બાકી તો ઇશ્વરની કલ્પનાથી માંડીને સત્યનારાયણની કથા, મંદિરો-ધર્મસથાનોનું બાંધકામ, ભૂતપ્રેતની માન્યતા અને એને કાઢવાની ઘોરક્રુર વિધિઓ, ઊંચનીચના ભેદો અથવા આત્મા- પરમાત્માની ફિલસૂફી ને કર્મકાંડ આદિ તમામ માન્યતાઓ અને વિધિનિષેધો એ માણસની બુદ્ધિનું જ સર્જન-કુસર્જન છે, કારણકે ઈતર પ્રાણીઓ તો ભગવાનને ભજતા નથી યા તો ભૂત ધુણાવતા નથી, જેનું કારણ એ જ કે તેઓમાં બુદ્ધિનો અભાવ છે.
રેશનાલિઝમ બાબતે જે સૌથી મોટો કે ભયંકર ભ્રમ પ્રવર્તે છે તે એ છે કે રેશનાલિસ્ટો એટલે લગણીહીન, જડસુ, જીવનના સૂક્ષ્મ આનંદો મુદ્દલે નહીં સમજનારા એવા જડભરત-પશુવત માણસો, જેઓ કેવળ એટલું જ સમજે છે કે ફક્ત પેટ ભરવાથી જીવન પૂર્ણ બની જાય છે. વાસ્તવમાં આ હાડોહાડ જૂઠી કે અવળી માન્યતા છે કારણકે રેશનાલિઝમ તો જીવનના પરમ તથા એકમાત્ર ધ્યેય તરીકે આનંદને જ પ્રસ્તુત કરે છે અને પ્રબોધે છે. જીવનના તમામ આનંદો – સૂ ષ્માતીસૂક્ષ્મથી માંડીને તે સ્થૂળતમ સુધીના – સંપૂર્ણતઃ માણી લો. કોઈ અન્યને લેશ માત્ર હાનિ તથા મુશ્કેલીઓ પહોંચાડ્યા વિના, જીવનને તેની પૂર્ણતામાં માણી લેવું એ જ જીવનધ્યેય એમ ભારપૂર્વક રેશનાલીઝમ કહે છે અને માનવીની વિવેકબુદ્ધિથી ચકાસતાં એ વાત જ સત્ય પ્રતીત થાય છે.
Rationalism may be defined as a mental attitude which unreservedly accepts the supremacy of reason and aims at establishing a system of philosophy and ethics verifiable by experience and independent of all arbitrary assumptions of authority.
લંડનના રેશનાલીસ્ટ એસોસીએશને ‘રેશનાલીઝમ’ની વ્યાખ્યા ઉપર મુજબ આપી છે. જેનો ગુજરાતી અનુવાદ પ્રારંભે આપ્યો, એને આધારે રેશનાલીઝમ શબ્દનો ગુજરાતી પર્યાય નિશ્ચિત કરીએ. અને એ અનિવાર્ય છે કારણકે સુશિક્ષિતો તથા વિદ્વાનો સહિત સામાન્ય જાણકાર, બધા જ આ શબ્દનો અર્થ કરતાં, એની વિભાવનાને બુદ્ધિ સાથે સાંકળે છે અને ‘બુદ્ધિવાદ’, ‘બુદ્ધિનિષ્ઠતા’ જેવા અર્થો બનાવી કાઢી, રેશનાલિસ્ટ વ્યક્તિને બુદ્ધિવાદી – બુદ્દિનિષ્ઠ કહી ઓળખાવે છે, પરંતુ પ્રારંભે ટાંકેલી વ્યાખ્યામાંથી એક સ્પષ્ટ હકીકત સિદ્ધ થાય છે કે એમાં ક્યાંય ‘બુદ્ધિ’ એટલે કે ‘ઈન્ટેલીજન્સ’ શબ્દ જ પ્રયોજાયો નથી. અર્થાત રેશનાલીઝમને બુદ્ધિ સાથે એના ચાલકબળરૂપે કોઈ નિર્ણાયક સંબંધ નથી.
સ્પષ્ટ જ છે કે ‘રેશનાલિઝમ’નો જીવાનુભૂત સંબંધ ‘બુદ્ધિ’ સાથે નહીં પરંતુ ‘રીઝન’ એટલે ‘વિવેકશક્તિ’ સાથે છે. અલબત્ત, ગુજરાતી ભાષામાં વિવેક શબ્દનો અર્થ વિનય કે વિનયી વ્યવહાર એવો જે કરવામાં આવે છે એ અર્થમાં અત્રે એને સમજવાનો નથી. પરંતુ સંસ્કૃતમાં આ શબ્દનો મૂળ અર્થ એવો છે કે ‘સત્ય – અસત્ય, સારું – ખોટું અથવા તો વસ્તુને યથાર્થ રીતે પારખવાની, પ્રમાણવાની શક્તિ તે વિવેક’ દા. ત. નીર ક્ષીર વિવેક એટલે પાણી અને દૂધને ઓળખી અલગ તારવવાની આવડત. ‘વિવેચન’ શબ્દને પણ આ જ અર્થમાં વિવેક સાથે સંબંધ છે, મતલબ કે બંને શબ્દનું મૂળ એક જ છે. સારાંશ એ જ કે ‘રેશનાલીઝમ’ નો પાયો માણસન ‘બુદ્ધિ’ નહીં પણ ‘વિવેકબુદ્ધિ’ છે. માટે જ ઓક્સફર્ડ ડિક્શનરી પણ બરાબર આવો જ અર્થ આપે છે. Theory that reason is the foundation of certainty is knowledge. અર્થાત જ્ઞાનની પ્રાપ્તિનો પાયો વિવેકબુદ્ધિ છે એવો સિદ્ધાંત તે ‘રેશનાલીઝમ’
જડ અને ચેતન એ બે ભિન્ન ભિન્ન પદાર્થો છે એવો ખ્યાલ આદિમ માનવને આવે એ આમ સાવ સ્વાભાવિક હતું. અને એમાં ચેતન તે ઉચ્ચતર તત્વ હોવું જોઈએ. એમ પણ સ્વાભાવિક રીતે જ કલ્પાય, કારણકે ચૈતન્ય વિના તમામ પદાર્થો કેવળ અર્થહીન બની રહે છે. આમ પ્રકૃતિ અને પુરુષ એવા બે સ્પષ્ટ વિભાગો પર આધારિત તત્વવિચાર ફિલસૂફીનો ઉદભવ થયો. શાસ્ત્રો એને અંધ પંગુ ન્યાય પણ કહે છે અર્થાત પ્રકૃતિની મદદ વિના પુરુષ (એટલે કે દેહ વિના આત્મા) સ્વયં કશું કરી જ શક્તો નથી. એવી જ રીતે પુરુષ અર્થાત ચૈતન્ય વિનાની પ્રકૃતિ સ્વેચ્છાએ, ચોક્કસ હેતુવાળું કોઈ પણ કાર્ય કરવા અસમર્થ જ રહે છે. અને છતાં પ્રકૃતિ એના પોતાના નિયમો અનુસાર તો વળી કાર્ય કરતી જ રહે છે. પણ એનામાં આવશ્યક અનાવશ્યકનો કે સારા નરસાનો વિવેક નથી હોતો. જેમ કે નદી વહે, વરસાદ પડે, રેલ આવે, વીજ ત્રાટકે, સહ્ય અસહ્ય ગરમી ઠંડી વરસે, સમુદ્રમાં ભરતી ઓટ ચાલ્યા કરે, જેનો લાભ મનુષ્ય ઉઠાવી શકે, પરંતુ તે માનવીના લાભાર્થે જ છે એવું પૂરી પ્રતીતિપૂર્વક સિદ્ધ ના થાય, કારણ કે ઘણીય વાર તે માનવીને ગંભીર હાનિ પણ કરી જાય. આમ પ્રકૃતિ અંધ છે અને પુરુષ પંગુ છે એવો સિદ્ધાંત આદિમ મનીષીઓએ તારવ્યો. એ છે શાસ્ત્રોક્ત ‘અંધ પંગુ ન્યાય’ જે શબ્દભેદે કે અલ્પ તર્કભેદે સંસારભરના તત્વવિચારમાં પ્રવર્તે છે. દા.ત. ફ્રી વીલ – માનવીની મુક્ત કાર્યેચ્છાનો સિદ્ધાંત વગેરે.
હકીકતે રેશનાલીસ્ટ થવા માટે પ્રચંડ ચિંતનશક્તિ તથા સબળ શુદ્ધ તર્કશક્તિ જોઈએ. દા.ત. આ દુનિયા જો ઈશ્વરે જ બનાવી હોય તો પઈ આમ કેમ, તેમ કેમ? એવો સંશય જેના મનમાં પ્રગટ્યા જ કરે અને શુદ્ધ લોજીક તથા સાક્ષાત અનુભવ દ્વારા પૂર્ણતઃ સત્ય જ્યાં સુધી પ્રતીત ન થાય ત્યાં સુધી તે વિચારતો જ રહે; ત્યારે જ તેનાથી રેશનાલીસ્ટ બની શકાય. હું આવી પ્રગતિને, સત્યપ્રતિની ગતિને ‘રોકેટ ઉડ્ડ્યન’ સાથે સરખાવું છું. પ્રથમ તો, આ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બંધન ત્યજી અવકાશને આંબી શકવા માટે ચોક્કસ વેગવાળો પ્રાથમિક ધક્કો અનિવાર્ય રહે. એ પછી વિવિધ સ્તરો ભેદતાં આગળ ને આગળ ગતિ કરવી પડે, જેવા કે હવામાનના સ્તરો – સ્ટ્રેટોસ્ફીયર, આયનોસ્ફીયર વગેરે. જે હોય તે, અંતે પૃથ્વીના ગુરુત્વાકર્ષણનુંય પડ ભેદીને જ્યારે રોકેટ બહાર નીકળી જાય, પછી તે મુક્ત અવકાશમાં અનાયાસ ગતિ પ્રગતિ કરી શકે. માનવચિત્તમાં જામેલા સ્તરો તે વારસાગત સંસ્કાર, ધાર્મિક માન્યતાઓ, શ્રદ્ધા – અંધશ્રદ્ધાઓ, અસત્ય કેળવણી વગેરે ભેદાય તો જ સત્યની, અર્થાત રેશનલ અભિગમની અવકાશી મુક્તિ પ્રાપ્ત થાય.
નાસ્તિક યા રેશનલ અભિગમ એ કોઈ એક જ દેશ યા ચોક્કસ વિસ્તારના દેશનો જ ઈજારો નથી. આપણે ખોટી રીતે માની લઈએ છીએ કે વિજ્ઞાનમાં આગળ વધેલા દેશો જેમ કે પશ્ચિમના દેશોની પ્રજા વૈજ્ઞાનિક માનસવાળી, વિવેકબુદ્ધિવાદી જ હોય, એથી જ ઉલટું, જો તમે યુરોપ – અમેરિકામાં સજાગ ચિત્ત ફરો, તો જોઈ શક્શો કે ત્યાં પણ આપણા જેટલી જ મૂર્ખાઓની બહુમતી છે. હા, શિક્ષણાદી પ્રચારને કારને થોડોક ફરક પડે, જે બહુધા તો વળી જીવનરીતિનું જ પરિણામ હોય. રેશનલ ભિગમનું નહીં, જીવનરીતિનો આવો ભેદ તે શું? એક દાખલો ટાંકી લઉં; અમેરિકામાં એક બાજુ કરન્સી નોટ છાપવામાં આવે કે અમને ઈશ્વરમાં શ્રદ્ધા છે અને બીજી બાજુ વળી સજાતીય સંબંધ માટે કાયદેસરની માન્યતા મેળવવાના આંદોલનોય ચાલતાં હોય.
– રમણ પાઠક
જો દેહ વિના આત્મા સ્વંય કશું જ કરી શકતો નથી તો ભગવદ્દ ગીતામાં આત્માને જ શા માટે વધારે મહત્વ આપ્યું છે ?
દેહનું મહત્વ વધારે કે આત્મા નું ?
Wonderful article.
કેટલાંક રેશનાલીસ્ટોન બ્લોગ છે. તેના ઉપર લખાતાં લેખો અને અન્ય રેશનાલીસ્ટોના અભિપ્રાય જુઓ તો સમજાશે કે આ કહેવાતા રેશનાલીસ્ટોની નજરે કૃષ્ણ, બુધ્ધ, નરસિંહમહેતા, કબીર, મીરાં, નાનક, મહંમદ, જીસસ, દાદુ, રહીમ, અને દુનિયાભરના તમામ બુધ્ધપુરુષો મુર્ખ છે, બુધ્ધીમાન હોય તો આ કેવળ અને કેવળ રેશનાલીસ્ટો જ છે. ઈન્ટરનેટ પર આવા અનેક લેખો મળી રહેશે જે રેશનાલીસ્ટો દ્વારા લખવામાં આવે છે અને આવા બુધ્ધ પુરુષોની ઠેકડીઓ ઊડાવવામાં આવે છે. અનેક દેવ-દેવીઓની અને ભારતિય પરંપરામાં રચાયેલ પ્રતિક કથાઓની મજાક ઉડાવી તેઓ પોતાને બુધ્ધિમાન જાહેર કરેછે, કેટલીય ગહન વાતોને શાસ્ત્રોમાં પ્રતિક કથાઓ, કે રુપક કથાઓ તરીકે કહેવામાં આવતી જેથી અંતર યાત્રામાં તે મદદરુપ થાય. પરંતુ આવી કથાઓને સમજ્યા વગર તેને જ સત્ય કથા સમજી મજાક ઉડાવી વિકૃત રસ લેનારને રેશનાલીસ્ટ કેમ કરીને કહેવાય? પરંતુ દરેકને સ્વતંત્રતા તો છે જ કે તે ગમે તે પાટિયાં ગળામાં ભરાવી ફરે. કોઈ હિન્દુનુ તો કોઈ મુસલમાન નુ તો કોઈ રેશનાલીસ્ટનુ. પણ પાટિયું એ પાટિયું છે. અને મોટાંભાગે આવાં પાટિયા જ બ્તાવે છે કે જે કહેવામાં આવ્યું છે તે નથી. જ્યાં નકલી ઘી વેચાતું હોય તેને જ પાટિયું મારવું પડે છે કે અહીં અસલી ઘી મળે છે.
બધા વાદ(ઈઝમ) એ માનવજાતને લાગેલાં રોગો માત્ર છે. પછી તે હિન્દુઈઝમ હોય કે મુસ્લીમીઝમ કે ખ્રીસ્તીઈઝમ કે કોમ્યુનીઝમ કે રેશનાલીઝમ. બધાના મૂળમા માન્યતા છે અને તમામ માન્યતાનો અર્થ જ એ છે કે તમે જાણતા નથી માનો છો. અને દરેક બુધ્ધપુરુષ કહે છે કે માનો મત જાનો. રેશનાલીસ્ટો પણ બુધ્ધના વચનો તર્ક કરવા ઉપયોગમાં લે છે પરંતુ એ તર્ક ઓછો અને કુતર્ક વધારે. એક ઈશ્વર છે તેમાં માને છે અને બીજો જે પોતાને રેશનાલીસ્ટ કહે છે તે, ઈશ્વર નથી એમાં માને છે. એક જ્યોતિષમાં માને છે અને બીજો જ્તોતિષમાં નથી માનતો. આમાં ભેદ ક્યાં છે? માનવું એ અંધાપાની નિશાની છે. તમે સુર્યમાં માનો છો? તો… “ના”,,,, . આપણે જેનો રોજ અનુભવ કરીએ છીએ તેના માટે માનવાની ક્યાં જરુર? આંધળાએ પ્રકાશમાં માનવું પડે કોઈ દેખતો ક્યારેય માનતો નથી.
તેઓ વ્યાખ્યા તો રુડી રુપાળી કરે છે પરંતુ રેશનાલીસ્ટોના લખાણ વાંચો કે તેમની પોલ ખુલવા માંડે. રેશનાલીસ્ટો વાત વિવેકની કરે છે પણ વિવેક શું છે તેની ખબર નથી. વિવેક શબ્દ સંસ્કૃત છે અને તેનો પર્યાયવાચી કોઈ શબ્દ અંગ્રેજીમાં નથી. સૌથી નજીકનો કોઈ શબ્દ હોય તો તમે ડિસ્ક્રીમીનેશન પાવર. કહી શકો વ્યાખ્યા તો કરે છે કે જે બુધ્ધી નીર-ક્ષીર જુદ કરી શકે કે પારખી શકે તે વિવેક છે. પરંતુ એ નથી સમજાતું કે આપણા બધાના મન-બુધ્ધી સંસ્કારીત થયેલાં છે પ્રોગ્રામ્ડ છે. બીજ્જી સાદી ભાષામાં કહો તો રંગૂન ચશ્મા પહેરેલાં છે. અને જેને જેવાં ચશ્મા પહેર્યાં છે તેને તેવું દેખાય છે. અને દરેક એમજ સમજે છે કે તેનામાં જ વિવેક બુધ્ધી છે બીજામાં નથી. મને કોઈ હિન્દુ કે મુસલમાન કે ઈસઐ બતાવિ જે કહેતો હોય કે તેનામાં વિવેક બુધ્ધી નથી. આવું જ રેશનાલીસ્ટોનુ છે. તેઓને પણ સરખી જ ભ્રમણા છે કે તેમના જેવી વિએક બુધ્ધી બીજામાં નથી. સૌથી વધુ વિવેકબુધ્ધી તેમનામાં જ છે. એટલી સાદી સમજ પણ નથી પડતી કે આ અહંકારનો ખેલ માત્ર છે અને વાત વિવેકબુધ્ધીની કરે છે. બુધ્ધપુરુષો સિવાય કોઈ વિવેકબુધ્ધી ધરાવી ન શકે. આપણે બુધ્ધ પણ એને જ કહીએ છીએ કે જેને હવે બધા ચશ્મા ઉતારી નાખ્યા, હવે જે છે, જેમ છે ,તે જોઈ શકે છે. હવે કોઈ રંગ આડે નથી આવતા. અને તેથી દરેક બુધ્ધ પુરુષનો અનુભવ અને વાત એક જ હોય છે પછીએ બુધ્ધ હોય કે મહાવીર, કે મહમ્મદ હોય કે જીસસ. જ્યારે કહેવાતા રેશનલીસ્ટોમાં અનેક મતમતાંતરો છે.
શ્રી રમણભાઈ પાઠક જીવનભર વિવિધ ધર્મના નામે ચાલતી બદીઓ સામે લડતા રહ્યાં અને ખુબ સંઘર્ષ કર્યો. પરંતુ સંઘર્ષ કરવ માત્રથી જીવનના સત્યો નથી સમજાઈ જતાં. જીવનના સત્યો જાણવા માટે જાગૃતિની વધુ આવશ્યકતા હોય છે સંઘર્ષની ઓછી. શ્રી રમણભાઈ માટે અને રેશનાલીસ્ટો માટે મને કોઈ દ્વેષ નથી. તેઓની વાતો કેટલાંય દંભી લોકો માટે પડકાર રુપ છે અને કેટલાંક લોકોને કદાચ શઠગુરુઓ કે નકલી સાધુ-સંતોની જાળમાં ફસાતાં તોકતાં હશે પરંતુ આવા ફસાતાં લોકોના રોગનુ મૂળ જ્યાં સુધી ન શોધીએ ત્યાંસુધી રોગનો સાચો ઉપચાર કરી શકાતો નથી. આવી વ્યક્તિઓ બાવા-સાધુની ચુંગાલમાં ફસાતાં રોકાશે તો કોઈ જ્યોતિષની જાળમાં કે લોટરી કે એકના ચાર કરી આપતી યોજનામાં ફસાશે. મૂળ રોગ લોભ અને લાલચ છે. અને તેનો ઉપાય થવો જોઈએ. નહી કે બાવા-સાધુની નીંદા કરી ને. પરંતુ રેશનાલીટી એટલે ધર્મ, શાસ્ત્રો, જ્યોતિષ,સમાજ બધાની નીંદા કરવાનુ એક જ કામ કરે છે. તેને તે લોકજાગૃતિ કે સમાજસુધારણા કહે છે. રેશનાલીસ્ટોનો આશય તો સારો છે દિશા ખોટી છે અને તે તરફ ધ્યાન ખેંચવા જ લખી રહ્યો છું.
રેશનલિઝમ સરસ પરિચય વિસ્તારમા આપવા બદલ આભર
खुबज सरस जाणकारी भ्रम हतो के रेशनालीजम ऐटले नरी नास्तिकता पण आ वांच्या पछी तूट्यो