આશ્વાસન ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૬ – હિરલ કોટડીઆ 10


૧. બોલો પપ્પા

“હલો, હા પપ્પા… મજામાં? .. અહીં હોસ્ટેલમાં શું વાંધો હોય? … હા જમી લીધું હોં.. તમે દવા લઈ લીધી? … ભૂલ્યા વગર લઈ લેજો હોં… મમ્મી શું કરે છે? …. તમારે પણ જવાય ને મંદીરે.. ! મમ્મી કહેતી હતી કે કાલે તો તમને બહુ તાવ હતો.. તો વાંધો નહીં.. ના પપ્પા, હમણાં તો કોલેજ ચાલુ છે… પછી આવીશ… ના ના, પૈસાની કાંઈ જરૂર નથી… સારું તો હવે ફોન મૂકું?”

ખબર નહીં કેમ, પણ ઘણું બધું કહેવું હોય તો ય રોજ પપ્પાને આટલું જ કહી શકું છું, ચાર વર્ષ પછી પણ… રોજ આંખ ભીંજાય જાય છે.

૨. વૃદ્ધાશ્રમ

“ડેડી, આજે અમને સ્કૂલમાં એક ગીત શીખવ્યુંં.. ભુલો ભલે બીજુ બધું, મા બાપને ભુલશો નહીં – અને છે ને ડેડી, મારા…”

આને મને મારી મા યાદ આવી ગઈ, એને કાંઈ તકલીફ તો નહીં હોય ને!… ના ના, આજના વૃદ્ધાશ્રમો બધી જરૂરીયાતો…

૩. કોયલને કંઈક કહેવું હતું –

એક કોયલ આવી અને મારા ફળીયામાં ઉડવા લાગી, ઝાડ તો ન મળ્યું એટલે મારી સાઈકલના અરીસા પર બેઠી, મેં એની સામે જોયું, એ કશું ક કહેવા માંગતી હતી…

પણ સવારમાં નશાની બાબતમાં ચાલતી રકઝક, મારા પિતાશ્રીની લાલઘુમ જ્વલનશીલ આંખો, બહાર નીકળવાની સંમતિ માંગતા આંસુઓથી ઘેરાયેલી માની આંખ, કાળજીના અભાવે નળમાંથી ટપકતા પાણીનો અવાજ, હમણાં કંઈક થશે એવા ભાવથી ખરડાયેલો ભાઈનો ચહેરો, ડરતા ડરતા આવતો પવન, દૂર દૂર મંદિરમાંથી આવી અને મારા ઘરમાં પ્રવેશી બિહામણો બની જતો ઘંટારવ, ક્યારેક સ્મશાનવત શાંતિ તો બીજી જ ઘડીએ અમે પાળેલી ગરીબાઈનું હ્રદયદ્રાવક રૂદન…

કોયલ ઉડીને દૂર જતી રહી, આજે કોયલને કંઈક કહેવું હતું પણ…

૪. પ્રેમ

“હું તને ચાહું છું, તું…?”

“હજી તો હું શ્વેત છું, હમણાં વસંત આવશે અને લાલઘુમ લાવણ્યપૂર્ણ બની જઈશ પછી વિચારીશ”

એટલે એ નાનકડી પ્રેમમાધુરી સમી ચકલી એ સફેદ ગુલાબની આસપાસ મંડરાવા લાગી કાંટાઓની પરવા કર્યા વિના…

થોડી જ વારમાં જાણે ચમનમાં ભરબપોરે વસંત આવી, કોયલના ટહુકા અને કાબરના કૈકારવથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું. ગુલાબની ધવલ પાંખડીઓ કંકુવર્ણી થઈ ગઈ…

“હું પણ તને ચાહું છું.”

આ શબ્દો આખા ચમનમાં ગૂંજી ઉઠ્યા… ત્યાં જ ચકલી નીચે લીલા ઘાસમાં ફસડાઈ પડી.. ગુલાબ કંકુવર્ણું નહીં પણ…. ચકલીના રક્તથી રક્તરંજીત થઈ ગયું હતું અને કાંટાઓ પણ…

– હિરલ કોટડીઆ

અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા ૧ માં આશ્વાસન ઈનામ પ્રાપ્ત કરનાર હિરલબેનની ચારેય માઈક્રોફિક્શન અનોખી અને સર્જનસત્વથી ભરપૂર છે. આજથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા ૧ ના વિજેતાઓની માઈક્રોફિક્શન પ્રસ્તુત થઈ રહી છે ત્યારે હિરલબેનની તથા સર્વે વિજેતાઓની માઈક્રોફિક્શન વાર્તાઓ આ સ્પર્ધાને પ્રાપ્ત થયેલી સબળી અને સુંદર કૃતિઓનો આસ્વાદ અને આનંદ આજથી અક્ષરનાદ વાચકોને છ દિવસ માણવા મળશે… અક્ષરનાદ સ્પર્ધામાં ભાગ લઈ તેને આવી નક્શ કૃતિઓ દ્વારા ગૌરવ આપવા બદલ જામનગરના હિરલબેનનો ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

10 thoughts on “આશ્વાસન ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૬ – હિરલ કોટડીઆ

  • Mira Trivedi

    આદરણીય જિજ્ઞેશભાઇ,
    માઇક્રોફિક્શન વાર્તાસ્પર્ધાનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે પણ અહીં એક બાબત તરફ તમારું ધ્યાન દોરવું મને ઉચિત લાગે છે. હિરલબહેન કોટડિયા લિખિત આશ્વાસન ઇનામ વિજેતા વાર્તા ‘પ્રેમ’ ઇન્ટરનેટ પરની અતિ પ્રસિદ્ધ ઇગ્લિશ અને હિન્દીમાં પ્રચલિત લવસ્ટોરી છે. જે વોટ્સએપ પર પણ એટલી જ ફરી રહી છે. તો આ વાર્તા મૌલિક ન હોઇ અનુવાદિત વાર્તા હોઇ સ્પર્ધાને યોગ્ય કે ઇનામને યોગ્ય ગણાય? વિચારવું રહ્યું. આપ પણ આ હકીકત અંગે ચોકસાઇ કરી શકો છો. વાર્તામાં ચકલીને બદલે તમને બુલબુલ વાંચવા મળશે. તમારા તરફથી જરૂરી પ્રતિભાવની આશા છે.
    મીરાં ત્રિવેદી,
    સિનિયર સબ એડિટર,
    પૂર્તિ વિભાગ,
    દિવ્ય ભાસ્કર,
    અમદવાદ