આશ્વાસન ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૭ – મિહિર શાહ 13


૧.

એક સામાજિક મેળાવડામાં ભાઇઓ બહેનોને અધ્યાત્મનો લાભ આપવા, વ્યવસાયે પ્રાધ્યાપક અને પોતાના સમાજના જ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ, એવા પંડિતજીને વ્યાખ્યાન માટે નિમંત્રણ આપવામાં આવ્યું. પંડિતજીએ રૂપિયા ૮000 ની માંગણી કરી. ભારે કશ્મકશ અને રકઝક બાદ રૂપિયા ૫૫૦૦ માં સોદો નક્કી થયો.

પંડિતજી આર્થિક રીતે સંપન્ન હોવા છતાં, રૂપિયા માટે માથાકૂટ કરી. અંતે એક જ વ્યાખ્યાનના રૂપિયા ૫૫૦૦ નક્કી કરવાને લીધે કેટલાક કાર્યકરોનો છૂપો અણગમો સભાના એક ખૂણામાં ગપસપ રૂપે ઊભર્યો હતો. આ માહોલમાં પંડિતજીએ પ્રવચન શરુ કર્યું જેનો વિષય હતો : ‘લોભ’

પ્રવચનમાં મળેલા બધા જ રૂપિયા મંદબુદ્ધિ અને અપંગ બહેનોના છાત્રાલયને ભેટમાં આપવાનો પંડિતજીનો નિયમ હતો.

૨.

હાલ જ ‘બેટી બચાવો’ ની રેલીમાંથી આવેલા ‘નારી સેવા સદન’ ના પ્રભાવશાળી પ્રમુખ એવા પ્રતિભાબહેને બંગલાના દિવાનખંડમાં બેસીને હાશકારો લીધો ત્યાં તો તેમના આશ્ચર્ય વચ્ચે બપોરે સૂવાના સમયે ત્રીજા પુત્રની વહુ પાણી લઈને આવી અને તેણે લગ્નના અગિયાર વર્ષ બાદ પોતાના પગ ભારે થયાની વધામણી આપી.

પહેલા બંને પુત્રોના ત્યાં બે બે પુત્ર રત્નોની પધરામણી થઈ ચૂકી હતી. વહુ બેટા આરામ કરો એમ કહી તેઓ ઉંડા વિચારમાં ડૂબી ગયા.

ઘણા મનોમંથનને અંતે તેમણે પોતાના ખાસ ઓળખીતા ડૉ. તજજ્ઞાબેનને ત્યાં સોનોગ્રાફી માટે મુલાકાત માંગી.

પ્રતિભાબહેન પોતે MBBS ડૉકટર હોઈ, એમની આ પુત્રવધુને સાડત્રીસમાં વર્ષે (મોટી ઉંમરે) સારા સમાચાર હોઈ, તબીબી વિજ્ઞાનની દ્રષ્ટીએ રંગસૂત્રની અનિયમિતતાની તપાસ સોનોગ્રાફી અને કેટલાક ડાયગ્નેસ્ટિક પરિક્ષણ દ્વારા કરાવવી જરૂરી હોવાથી….

૩.

સાધુ સંતોના રક્ષક, અસુર સંહારક, અતુલબલના ધારક, સુગ્રીવ ઉપર ઉપકાર કરનાર, સૂક્ષ્મ અને વિરાટરૂપ ધારણ કરી શકનાર, સૂર્યને ફળ સમજી કોળિયો કરવા જનારા, સામાન્ય માણસને ભૂત પિશાચનો ભય લાગે અથવા સંકટ આવે તો તેમના શરણે જાય એવા અંજની પુત્ર હનુમાનજી અંગે કળિયુગમાં એક સમાચાર: આવતી કાલે ગાંધી રોડ પર, રામ ભરોસે હોટલ પાસે હનુમાનજીના નાનકડા મંદિરમાં નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સંદર્ભે શહેરમાં સરઘસ નીકળશે અને હનુમાનજીની મૂર્તિના રક્ષણ માટે ચાર બાઉન્સરો સાથે રહેશે….

રામ નામ લખી, જેમના નાખેલા પથ્થર સમુદ્રમાં પણ તરતા હતા તેવા હનુમાનજીનું આ નાનકડું મંદિર (દેરી), ચોમાસા ના પહેલા વરસાદમાં વરસાદના પાણીના નિકાલની અયોગ્ય વ્યવસ્થાના કારણે ડૂબી ગયું.

૪.

એક રાજ્યમાં ઉચ્ચ શિક્ષણના સંદર્ભે એક બેઠક ચાલતી હતી જેમાં રાજકારણીઓ, અમલદારો અને થોડા શિક્ષકો હતા. બેઠકમાં સર્વાનુમતે બધા શિક્ષકોને તાલીમ આપવાનું નક્કી થયું. પરંતુ વેકેશનમાં જ બધા શિક્ષકોને તાલીમ આપવામાં વર્ષો નીકળે તેમ હતા. તેથી એક-બે શિક્ષકોના પાંગળા વિરોધને અવગણીને વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ હોય તેવા સમયે પણ શિક્ષકોને તાલીમ આપવાનું નક્કી કર્યું, જેથી તાલીમ લીધેલ શિક્ષકોનો આંકડો વધે.

આનો આદેશ બધા જ આચાર્યોને રવાના કરવામાં આવ્યો. એક આચાર્ય પોતાની કોલેજની એક વિદ્યાશાખામાં ૭૦% શિક્ષકોની ઘટ હોવાથી માંડ માંડ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા. તે વિદ્યાશાખાના ૬ માંથી ૪ શિક્ષકોના તાલીમના આદેશ તેમના હાથમાં હતા અને આદેશમાં તાલીમનું મથાળું હતું : “શિક્ષણ માં ગુણવત્તા સુધારણા.”

– મિહિર શાહ

અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા ૧ માં આશ્વાસન ઈનામ પ્રાપ્ત કરનાર મિહિરભાઈ શાહની ચારેય વાર્તાઓ વિષયવસ્તુ અને વાર્તાપ્રવાહની રીતે અનોખી છે. આ માઈક્રોફિક્શનનો વિસ્તાર વધારવાની વાત હોય કે અંતની, વાચક ધારે તેમ ઉમેરી શકે છે, અને તે વાર્તાને નકારાત્મક કે હકારાત્મક બીબામાં ઢાળી શકે છે. અક્ષરનાદ સ્પર્ધામાં ભાગ લઈ આવી સુંદર કૃતિઓ સ્પર્ધામાં પાઠવવા બદલ નવરંગપુરા, અમદાવાદના મિહિરભાઈનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “આશ્વાસન ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૭ – મિહિર શાહ