ભાષાની આજ અને આવતીકાલ.. – ગુણવંત વૈદ્ય 15


ભાષાની આજ અને આવતીકાલ

તળપદા શબ્દો, રમણીય રુઢિપ્રયોગો, અલગ અલગ બોલીઓ કે કહેવતો વગેરેને કરમાતા, વિસરાતા, હળધૂત થઇ ધીમે ધીમે ક્રમિક રૂપે ઓગળાતા જોઇને તો હરકોઈ ભાષાપ્રેમીઓને સ્વાભાવિક બળાપો જ થાય. એમનો ડર છે કે આધુનિક ભાષાઓના બજારમાં માતૃભાષાનાં શબ્દોની સાથે ભાષાના મૂળાક્ષરો પણ ઓગળી જશે કે શું?

માતા સાથેનો સંબંધ જેમ હૃદયથી બંધાય તેમ માતૃભાષાનો સંબંધ પણ હૃદયથી જ બંધાય. અને એવો સંબંધ જ્યાં બંધાયો હોય ત્યાં વિરહ વેદના જરૂર આપે જ. માતૃભાષાની ચિંતા કરનારા એવા લાખો મશાલચીઓને, સંતાનોને આપણે પહેલા તો લાખેણા વંદન અને સલામ જ કરીએ.

માતૃભાષા તરીકે ગુજરાતી ભાષાની દેશ વિદેશે પ્રવર્તમાન સ્થિતિ, સિદ્ધિઓ, ભાષા અંગેના આપણા સ્વપ્નો/ઈચ્છાઓ, એની આડે આવતા અંતરાયો અને એના નિવારણ અંગેના ઉપાયો….જેવા મુદ્દાઓ આ લેખમાં આવરીશું.

આજ
ગુજરાતમાં અંગ્રેજી ભાષા પ્રત્યેની દોટ આજકાલ વધુ લાગે છે. એના કારણો ઘણા હોઈ શકે છે. બદલતા વિશ્વમાં બદલતી જરૂરીયાતો વચ્ચે પોતાની મૂળ ભાષા અને સંસ્કારની પરંપરાને વળગી રહેવું, જાળવી રાખવી કે ખીલવવી એ સરળ નથી. ભાષા હવે માત્ર રોજીંદો જીવન વ્યવહાર ચલાવવા પુરતી જ કદાચ મર્યાદિત નથી રહી.

માની લઈએ કે વિશ્વભાષા તરીકે અંગ્રેજી ભાષા કદાચ વિશ્વમાં હવે આગળ પડતું સ્થાન લઇ ચુકી છે. ભારતમાં પણ કામકાજની ભાષા, બેન્કોની વહીવટી ભાષા વગેરે સ્થળોએ હવે હિન્દી ભાષા સાથે અંગ્રેજી ભાષા પણ નજરે પડે છે. વળી મોબાઈલ ફોનમાં પણ રોમન લીપીમાં ગુજરાતી મિશ્રિત કચુમ્બરી ભાષા ઉભરતી જોઈને તો હૈયાફાટ રુદન કરવાની જ ઈચ્છા થાય ! પરંતુ એમ કરી શકાતું નથી કેમ કે એ ક્ચુમ્બરી ભાષાથી સંવાદ તો સર્જાય જ છે. ગુજરાતમાં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતી શાળાઓ પણ ખુબ જ ઝડપથી વધી રહી છે. અને એમાં પોતાના બાળકોને પ્રવેશ અપાવવા વાલીઓ પણ આકાશપાતાળ એક કરી રહ્યા છે. હવે તો ડર એ વાતનો લાગે છે કે આ ગતિએ તો થોડા જ વર્ષોમાં ગુજરાતી માધ્યમની શાળાઓ ગુજરાતમાં જ અલ્પસંખ્યક તો ન થઇ જાય ને?

ગુજરાતમાં પણ ગુજરાતી ભાષાને સાચવી રાખવાનો જાણે મુકાબલો જ અમુક પરિવારોમાં અને સંગઠનોએ કરવો પડતો હોય છે. એ દ્રષ્ટિએ જોતાં એમના તમામ પ્રયાસો અભિનંદનીય જ કહેવાય. છતાં પણ કવિતા પઠન, વાર્તા પઠન, ચર્ચા વિચાર કે ગઝલ મુશાયરાના આયોજનોની સંખ્યા અને આયોજનોમાં આવતા શ્રોતાઓની સંખ્યા ગુજરાતીઓની વસ્તીના પ્રમાણમાં ચિંતાજનક જ ગણાય. એક વાતનો ઉલ્લેખ કરી શકાય કે શ્રી રમણ સોનીએ એમના એક લેખમાં એમ કહયુ છે કે એમને અમેરિકાસ્થિત એક પ્રતિષ્ઠિત ગુજરાતી લેખિકાએ વર્ષો પહેલા કહ્યું હતું કે ગુજરાતમાંથી પરદેશ જતા કેટલાક જાણીતા લેખકો પણ વેઠઉતાર વક્તવ્યો કરે છે ! જો કે આ વાત એકાદ અપવાદ રૂપે જ લેવાય. બહુતયા કવિઓ અને લેખકો ઉત્તમ ગુણવત્તાનું જ સાહિત્ય પીરસે છે.

ક્યારેક એવું પણ અનુભવાય કે મંદિરો બાંધવા પાછળ કે મનોરંજન કાર્યક્રમોના આયોજન પાછળ પાણીની જેમ પૈસો વહેવડાવાય છે પરંતુ સાહિત્યપ્રવૃત્તિ માટે, પુસ્તકો ખરીદવા માટે કે ઘરમાં નાનું પુસ્તકાલય બનાવવા માટે ધન ખૂટે જ છે. તળ ગુજરાતમાં કદાચ સ્થિતિ એવી ય હોવાનું અનુમાન કરી શકાય કે સાહિત્યરસિકો અને સાહિત્ય પ્રશંસકોની કુલ સંખ્યામાંથી કવિઓ અને લેખકોની સંખ્યાની બાદબાકી જો કરવામાં આવે તો શેષ શૂન્ય રહે, કે અલ્પ સંખ્યા જ રહે ! ..અને આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. વિદેશે પણ લગભગ આવું જ છે.

સાહિત્ય સર્જનમાં પ્રોત્સાહન જરૂરી છે પરંતુ એ સાથે ઉચ્ચ ગુણવત્તાનો આગ્રહ પણ રાખવો તો જરૂરી ખરો. જે સાહિત્ય આજે લખાય છે એમાંનો અમુક સર્જ્ક્વર્ગ લખાયા પછી જલ્દી છપાવવાની પળોજ્ણમાં જ પડ્યો હોવાનું અમુક કૃતિમાં અનુભવાય છે. કેમ કે અમુક સર્જનમાં મઠારવાની ક્રિયાનો જ ક્ષય થયેલો હોવાનું લાગ્યા વગર રહેતું જ નથી. સર્જનની ગુણવત્તા સાથે તો સમાધાન ન જ હોય. માટે જ ઉત્તમ સાહિત્યકારો મઠારવા ઉપર સતત ભાર મુકે છે !

વિદેશે ગુજરાતીની સ્થિતિ થોડી અલગ છે. ઘરમાં ગુજરાતી ભાષા સતત બોલાતી, વંચાતી, લખાતી કે સંભળાતી ન હોય તેવા સંજોગોમાં ગુજરાતી જાણનાર માબાપોનાં ઘરમાં ગુજરાતીતા ટકાવી રાખવાના ભીષ્મ પ્રયાસો કરનાર પરિવારો અને સંસ્થાઓ તો કદર કરવા યોગ્ય જ છે. ત્યાં ગુજરાતી ભાષાના વર્ગો ય ચાલે છે, પરતું તેમાય હવે હાજરી પાતળી નજરે પડે છે. પુસ્તકાલયોમાં ગુજરાતી પુસ્તકો તો મંગાવાય છે પરંતુ વાંચકોની સંખ્યા ઘટતી જાય છે. અંગ્રેજી છાપાંઓ વાંચતા ગુજરાતીઓની સંખ્યા વધુ જોવા મળે છે અને એ કારણે પુસ્તકાલયોના અન્ય ભાષામાં લખાયેલ નવા પુસ્તકોની સંખ્યા અને ખર્ચ પર કરવત ફરી વળી છે.

‘મારા socks બ્રોક થઇ ગયા’ એમ કહેનાર પૌત્રોને સાંભળીને ગુજરાતી બોલવાનો પ્રયાસ કરવા બદલ એની પીઠ થાબડી એના મોજાં ફાટી ગયા હોવાનું અનુમાન કરી વડીલો સહેજ હરખ કરી લે છે. તો વળી અમુક સંજોગોમાં ફટાકડા ફૂટવાની ક્રિયાને જ દિવાળીના ઉત્સવ સમજનાર બાળક પૂછે કે, ‘ડેડી, દિવાળી કેટલા વાગે આવવાની?’ તો ફટાકડા કેટલા વાગે ફોડશો એમ બાળક પૂછવા માગે છે એમ પિતા સમજી જ જાય છે.

આમ સમગ્ર રીતે સમાજ ત્રણ ભાગમાં વહેંચાયેલો કહી શકાય, ગુજરાતી બોલી શકનાર પરિવારો, ગુજLISH બોલતા પરિવારો અને અંગ્રેજીભાષી ગુજરાતી પરિવારો. ગુજરાતી પરિવારોમાં ગુજરાતી વાંચન અને લેખન ઓછું થતું જાય છે. જે વંચાય છે એમાં કેટલું સાહિત્ય ઉત્તમ કક્ષાનું છે એ તો શોધખોળનો વિષય છે. આવા સંજોગોમાં વાંચવા, લખવાનો સતત પ્રયાસ કરતા રહેનાર સહુ કોઈ તો અભિનંદનના જ અધિકારી છે.

આવતીકાલ
ભાષા અને સંસ્કૃતી એકબીજાથી અભિન્ન છે. એમના સંવર્ધન માટે અન્ય જ્રરુરતો ઉપરાંત એક જરૂર છે અન્ય અગ્રતાઓ સાથે સમજણપૂર્વક બાંધછોડ કરવાની. તમામ અપેક્ષાઓ અને તેનો અગ્રતાક્રમ નક્કી કરતી વખતે વેડફાતો સમય શોધી તેના ઉપર રોક લગાવવા પર ભાર મુકવાની પણ સખ્ત જરૂર ખરી. આવતી કાલ માટે દરેક પરિવારમાં પણ માતૃભાષામાં બોલચાલ, વ્યવહાર, ઘરમાં એક પુસ્તકાલયની હાજરી, પરિવારમાં ય સારા પુસ્તકો વાંચવાની ટેવ, કોઈક ઉપસતા મુદ્દા ઉપર પારિવારિક સ્તરે ચર્ચા કે બાળકો સાથે અને પરિવારમાં નિયમિત કૌટુંબિક વાતાવરણ ઉભું કરવું પડશે. પરિવારોને નવપલ્લવિત કરવા પડશે. પછી એવા પરિવારોમાં ઐક્યભાવના વિકસાવી પારિવારિક પ્રવૃત્તિઓ પણ વિકસાવવી અને પોરસાવવી પડશે અને એવા જ અન્ય પ્રયાસો દ્વારા માતૃભાષા પરનું અનાકર્ષ્ણ દુર કરી અન્ય ભાષા ઉપરનો લગાવ પણ પરિવારના સભ્યોમાં ટકાવવો પડશે.

આંતરિક લાગણીઓને વ્યક્ત કરવા માટે કોઈ શ્રેષ્ઠ ભાષા હોય તો તે માતૃભાષા જ છે કેમ કે ભાષા આપણા આંતર તથા બાહ્ય જીવન સાથે ઓતપ્રોત હોય છે. તે આપણા આચાર અને વિચારને ઘડે પણ છે અને પ્રતિબિમ્બિત પણ કરે છે.

હરિવલ્લભ ભાયાણી સાહેબે લખ્યું છે કે, શ્રીમદ ગીતાજીમાં ભગવાને અર્જુનને કહેલા શબ્દો જો આપણા હેતુ માટે વાપરીને કહીએ તો, ‘સાહિત્ય સાહિત્યરસિકોને કહે છે કે, ‘જો તારું ચિત્ત મારામય થશે તો તું મારો ભક્ત થઈશ.’ ભાયાણી સાહેબની આ દ્રષ્ટિ આપણને કેટલી જબરી શિખામણ આપી જાય છે! પ્રત્યેક ભાષાપ્રેમી એમની આ વાતને વાગોળી જુએ તો?

એક વાત એ પણ એમાંથી જડે છે કે સાહિત્યનુ સર્જન કરતાં પહેલાં અને એ સર્જનને લોકાર્પણ કરતાં પહેલાં પ્રત્યેક વ્યક્તિએ પ્રથમ તો સાહિત્યરસિક, સાહિત્યપ્રશંસક અને સાહિત્યસેવક બનવું અતિ જરૂરી હોય છે. એમ જો ન થાય તો સાહિત્યિક મિલનો સામાજિક મિલનો જ બની રહે છે અને એ રીતે તો એનો મૂળ હેતુ જ માર્યો જાય છે. સામાજિક અને ધાર્મિક સમારંભો જેટલી જ સંખ્યામાં સાહિત્ય સમારંભોનાં આયોજનો પણ આયોજાવા જરૂરી છે. સાહિત્ય સર્જકોને સાહીત્ય સર્જનમાં નડતા અવરોધો અને મર્યાદાઓનો પણ ઉકેલ શોધવો એટલો જ જરૂરી છે. આ વિષય અંતર્ગત ઉપસ્થિત થતા તમામ મુદ્દાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરવાની જ તાતી જરૂર છે.

આ લેખ લખતી વખતે ભારતમાં જ પરંતુ ગુજરાતની બહારથી એક સક્રિય ગુજરાતીભાષાના સંવર્ધકનો સંદેશ આવ્યો, ‘એક જાણીતા મેગેઝીન દ્વારા વિશ્વના કોઇપણ ખૂણે રહેતા હોય એવા ગુજરાતી વિદ્યાર્થી હોય એવા લેખકો અને કવિઓ વિશે લેખ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નામ સૂચવો.’ મેં જીભે હતું એવું એક નામ તરત સૂચવ્યું. બસ, પછી તો માથું ખંજવાળતા પણ બીજું એકપણ નામ જડ્યુ નહીં. એમની રજામંદી લઇ ઈ મંડળોમાં એ અંગેની જાહેરાતો મૂકી. જાણકારોને ય મેં વ્યક્તિગત રૂપે ફોન કર્યા. વિદેશે ફોન કર્યા. પરંતુ એવા નામો મળવા સહેલા ન હતા. ન જ મળ્યા.

આનો સીધો અર્થ એ થયો કે વિદ્યાર્થી અવસ્થાથી જ સાહિત્ય સર્જન, કાવ્ય સર્જન કરનારાઓ તો આંગળીના વેઢે ગણાય એટલા જ છે. ચાર દિવસને અંતે ફક્ત ૧૦ એવા વિદ્યાર્થી લેખકોના નામ અમે આજ સુધીમાં મેળવી શક્યા છીએ. હજી બીજા નામો આવશે એવી આશા છે જ. પરંતુ સવાલ એ થાય કે આટલા વિશાળ ગુજરાતમાંથી ફક્ત ૧૦ જ વિદ્યાર્થી હોય એવા લેખકોના નામો મળે એ શું સૂચવે છે? માની લઈએ કે યોગ્ય જાહેરાત ન થવાને કારણે આટલા ઓછા નામો જડ્યા. જો વ્યવસ્થિત જાહેરાતનો આધાર લઇ શોધ કરાઈ હોત તો થોડા વધુ નામ મળત. ગુજરાતની બહારથી કે પરદેશથી એકપણ એવો વિદ્યાર્થી લેખક ન મળ્યો ! એ આપણી નબળાઈ જ છે. ૧૦ થી વધીને ૧૦૦૦ કે ૨૦૦૦ સુધી પણ એ યાદી લંબાય તો પણ વૈશ્વીકસ્તરે ગુજરાતીઓની વસ્તીના એ કેટલા ટકા થયા?

વિલાયતમાં સાર્વજનિક પુસ્તકાલયોમાં દરેક ભાષામાં લખાયેલા પુસ્તકો રખાય છે. એ માટે દર વર્ષે નવા પુસ્તકો ખરીદવાનું બજેટ પણ નક્કી થાય છે. પછી અમુક સમયાંતરે એ પુસ્તકોમાંથી જુના પુસ્તકોને કાઢી નાખે છે. અંગ્રેજી પુસ્તકો નજીવી કીમતે વેચાઈ જાય છે. બાકી બચેલા પુસ્તકો – એમાં અન્ય ભાષાના નજીવી કીમતે ય ન ખરીદાયેલા પુસ્તકો વધુ હોય છે – તેઓ સ્થાનિક અલ્પ સંખ્યક સંસ્થાઓને મફત આપી દે છે. ગુજરાતી સંસ્થાઓમાં આ રીતે પડેલા પુસ્તકો પણ જવલ્લે જ વંચાતા હોય છે. એવી જ એક સંસ્થામાંથી અનાયાસે એક કાવ્યનું પુસ્તક મારી નજરે પડ્યું. અંગ્રેજીમાં કુદરતી સૌન્દર્ય ઉપર લખાયેલી કવિતાઓનું એ પુસ્તક પાકિસ્તાની મૂળની એક ૧૨-૧૩ વર્ષની વિદ્યાર્થીની અંબર સલોન દ્વારા આજથી લગભગ ૨૦-૨૫ વર્ષ પહેલા લખાયેલ હતું. આ પુસ્તક એની શાળાના મુખ્ય શિક્ષકે છપાવીને પ્રકાશિત કર્યું હતું. આ તો અનાયાસે મારા હાથે આવેલ પુસ્તકની વાત થઈ. ત્યાં પ્રત્યેક શાળાઓમાં સાહિત્ય સર્જનને મહત્વ અપાય છે. અંબર જેવા કેટલાયે વિદ્યાર્થીઓના સાહિત્ય સર્જનના શોખને શાળાઓમાં ઉત્સાહ મળે છે. વિલાયતની હજારો શાળામાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા સાહિત્ય સર્જન થતું જ રહે છે અને શાસકો દ્વારા એની પ્રતિયોગીતાઓ અને કદર પણ ખુબ થાય જ છે. આવું કામ ગુજરાતી ભાષામાં સાહિત્ય સર્જન ક્ષેત્રે ગુજરાતની શિક્ષણ સંસ્થાઓ દ્વારા ઉપાડાય તો? પરદેશમાં તો પ્રાયમરી સ્કુલના બાળકોને સ્કૂલમાંથી નિયમિત સાર્વજનિક પુસ્તકાલયોમાં પણ લઈ જવાય છે. ત્યાં બાળકો માટેનો અલાયદો પુસ્તક વિભાગ, પ્લે વિભાગ, એક્ટીવીટી વિભાગ વગેરે હોય છે. ત્યાંથી બાળકો પુસ્તકો નિયમિત ઘરે લાવીને વાંચતા પણ હોય છે. સ્કુલ જ એમની કવિતાઓ પુસ્તક રૂપે છપાવે પણ છે. આપણી શિક્ષણ સંસ્થાઓમાં આવું ક્યાંક ક્યાંક જ થતું હોઈ શકે છે.

ઉપસંહાર
પ્રત્યેક ગુજરાતી પરિવારો, શાસકો અને સંસ્થાઓની સામે આજે આ સવાલો છે..
– ગુજરાતી ભાષાનો ભાતીગળ વારસો આપણે સાચવવો છે?
– અન્ય પરિવારો સુધી પણ પહોંચાડવો છે?
– ગુજરાતીની ઓળખ સાચવવી છે?
– શું આપણે અન્ય ભાષા જ અપનાવવી છે ?

‘અનેક વિપરીત બાહ્ય પરિબળોની વચ્ચે પણ સ્થિર બુદ્ધિ રાખીને આપણે માતૃભાષાનાં સાચા સંતાન ક્યારે બનીશું ?’

ભાષાની આવતીકાલ કેવી હશે એનો આધાર આપણા જવાબો ઉપર છે. બાકી તો અંગ્રેજી વાયા ગુજLISH કોઠે પડવા જ માડી છેને?

મહાનિબંધ જેવા આ વિષય ઉપર મર્યાદિત શબ્દોમાં તે કેટલું કહી શકાય? ગોવર્ધન પર્વતને એક નાનું તણખલું તે કદી ઉપાડી શકે? ક. મો. મુનશી કે ગોવર્ધનરામ ત્રિપાઠી જેવાના સાહિત્યકારોને જેમણે વાંચ્યા છે એ સહુ તો હજીયે એમના સર્જન જોઈ ‘ઘેલા’ થઈ એમના પર વરસેલી ‘સરસ્વતિ’ની કૃપા ભૂલી શકતા જ નથી….

નિર્ણય
ચાલો, આપણે ય ઊભા જ થઇ ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, ગુજરાતી લખીએ, ગુજરાતી સાંભળીએ અને ગુજરાતી જીવીએ જ…!

– ગુણવંત વૈદ્ય

શ્રી રતિલાલ ચાંદરિયા ફાઉન્ડેશન દ્વારા રતિકાકાની સ્મૃતિમાં થોડા સમય પહેલા લેખનસ્પર્ધા રાખવામાં આવી હતી, તેમાં શ્રી ગુણવંતભાઈ વૈદ્યએ આ લેખ ઓનલાઈન સબમીટ કર્યો હતો. અક્ષરનાદને ડૉ. મિહિર વોરા દ્વારા તેમના પોતાના નામથી આ લેખ પાઠવવામાં આવ્યો હતો જેની સ્પષ્ટતા શ્રી ગુણવંતભાઈ સાથે મેં ઈ-મેલ દ્વારા કરી છે. અક્ષરનાદ વતી હું, જીજ્ઞેશ અધ્યારૂ આ ક્ષતિ બદલ સર્વે પાસે દિલગીર છું. મિહીરભાઈનો ઈ-મેલથી મળેલ જવાબ પ્રતિભાવમાં મૂક્યો છે.


આપનો પ્રતિભાવ આપો....

15 thoughts on “ભાષાની આજ અને આવતીકાલ.. – ગુણવંત વૈદ્ય

  • Dushyant Dalal

    શ્રેી ગુણ વન્ત ભાઈ નેી વ્યથા સાચેી અને વ્યાજ્ બેી

  • Gunvant Vaidya

    જીગ્નેશભાઈ, આપની ત્વરિત કારવાઈ બદલ આભારી છું. ભવિષ્યમાં આવી તફડંચી ન થાય એવું વ્યવસ્થિત માળખું કરવા જેવું છે. વિચારશો.

    જય ગુજરાત, જય ગુજરાતી.

  • mihir m vora

    મિત્રો આ આખો લેખ મારા વઙીલ શ્રિ પ્રિય ગુણવંતભાઈ નો છે જેનિ તમમ વાચકોએ નોંઘ લેવિ હુ ભુલથી વઙીલશ્રી નુ નામ ભુલિ ગયો હતો તેનિ જાહેરમાં માફિ માગુ છુ. અને મારા કરેને જો કોઇને તક્લિફ થઇ હોય તો માફિ માગુ છુ.

  • gopal khetani

    શ્રી ગુણવંતભાઇ, હાલ તો જે વિવાદ છે આ લેખ બાબતે તેને બાજુ પર રાખી ને કહું તો જે ગુજરાતી આ લેખ વાંચશે તેનુ મન માત્રુભાષા પ્રત્યે દુઃખી જરુર થશે પરંતુ તેનાથી વધુ દુઃખી બાબત એ છે કે કોઇ થોડુ પણ જાગ્રુત થવા માગતા નથી. જિગ્નેશભાઇ, મ્રુગેશભાઇ કે નિમિષાબેન (તથા અન્ય મુરબ્બી શ્રી ઓ) જેટલુ ન થઇ શકે તો કંઇ નહીં પરંતુ પોતાના ઘર થી તો શરુઆત કરે. સારી વસ્તુ એ છે કે હજુ લોકો ના ઘરો મા કમ સે કમ ગુજરાતી અખબાર વાંચવા તો મળે છે !! નાના મોં એ મોટી વાત કરૂ છુ કે ગઇ કાલ એક લેખ હતો પેન્ડીંગ કોફી વિષે. એવુ થોડુ E-Gujarati Sites માટે પણ થાય તો ઘણુ સારુ. (newshunt, aksharnaad, read gujarati, pustakalay sites ની લોકપ્રિયતા જોઇ ને આ કેહવાની ઇચ્છા થઇ.)

  • Gunvant Vaidya

    એક સ્પષ્ટતા કરવી છે કે આ લેખ અસલ મારી કલમે લખાયેલ છે. શ્રી રતિલાલ ચાંદરિયા ફૌન્દેશન દ્વારા રતિકાકાની સ્મૃતિમાં લેખનસ્પર્ધા રાખવામાં આવી હતી, બે’ક માસ અગાઉ, તેમાં આ લેખ મેં ઓનલાઈન સબમીટ કર્યો હતો. પુરસ્કાર વિતરણના દિવસે હું જાતે ઉસ્માનપુરા, અમદાવાદ ખાતે હાજર હતો. તે વખતે લેખક્ષેત્રે શ્રી ઠક્કર સાહેબના લેખને પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ડો. મિહિર વોરાએ આ મારો લેખ એમના નામે કેમ ચડાવીને મુક્યો એ સમજાતું નથી. આમ અન્યની રચના પોતાના નામે ચડાવી દેનારાઓને માફ ન જ કરાય.
    અક્ષરનાદ ઉપર મારા આ લેખ ઉપર મિહિર વોરાનું નામ જોઈ મેં અહીં લંડનથી ભાઈશ્રી જીગ્નેશ્ભાઈને ફોન ઉપર તરત જ સંપર્ક કરી હકીકતથી વાકેફ કર્યા છે. એમણે આ અંગે દિલસોજી વ્યક્ત કરી છે અને આ લેખના અસલ લેખકનું નામ મુકવા બાહેધરી આપી છે.
    મીહીરભાઈનો શું ખુલાસો હશે આ બાબતમાં?
    આ લેખની તમામ ટીપ્પણીઓ યથાવત રહે એવી વિનંતી છે.
    હવે પછી છપાતી રચનાઓ મોકલનાર એ કોની છે એની બાહેધરી આપે પછી જ છપાય એવું કશુક ગોઠવી ન શકાય? નહીં તો તસ્કરોને આ રીતે છુટ્ટો દોર મળે છે. મળતો રહેશે….
    ગુણવંત વૈદ્ય.

    • અક્ષરનાદ Post author

      પ્રિય ગુણવંતભાઈ,

      અક્ષરનાદ તરફથી આ ભૂલ બદલ ક્ષમા, મિહીરભાઈનો ઈ-મેલ દ્વારા મળેલ ઉત્તર નીચે મુજબ છે.

      – જીજ્ઞેશ અધ્યારૂ

      i think gunvatbhai is may be right because it is good article for everybody to read for matrubhasha so please you may give to all credit to gunvatbhai and give my regards and pranam to him .i have to just read this article but i have not proper reference for this article and then you send me this email. so if i have any do mistake then please forgive me and total this article credit goes to gunvat bhai. again i am fill sorry for that. because i am not mention the proper reference of this article .in future i am sure read carefully and write carefully reference of any article.

      – mihir m vora

      • Nikhil

        Dr. Vora ‘s English Grammer is also poor. So it means he can’t write properly and on the top this happened what a shame.

  • shirish dave

    જો સંવાદ માટે ભાષાંતરના અનુકુળ સોફ્ટવેર નહીં શોધાય તો ગુજરાતી જ શું કામ, અન્ય દેશી ભાષાઓ પણ ૧૦૦ વર્ષ પછી જીવતી નહીં હોય.

  • mitul thaker

    વાત તો એકદમ સાચી છે આપની પરંતુ અત્યારના હરીફાયી યુગ માં પોતાના વછેરા (દિલગીરી છું શબ્દ નથી વાપરતો, અજુગતું લાગે તો માફી) ને દોડમાં મુકવા માતાપિતા એટલા ઉત્તેજિત છે કે જાણે તેના બાળકને સુપરમેન બનાવી ઝંપશે. મારો બાળક પણ ગુજરાતી માધ્યમ માં ભણતો હતો બીજા ધોરણ સુધી અને એ પણ આણંદ – વિદ્યાનગર ની પ્રતિષ્ઠિત શાળામાં, પરંતુ હું પેરેન્ટ્સ મીટીંગમાં ગયેલો ત્યારે તેના વર્ગ શિક્ષિકા એ અમને ભાષણ આપ્યું તેમાંનું એક વાક્ય અહી મુકું છું
    “અમે અત્યારે આપના બાળક ને ભાસા સુધ્ધિ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ ” આ સો પ્રતિશત સાચી વાત છે, ચાલો આપણે માનીએ કે ઘણા લોકો ને શ,ષ, ચ, છ અને સ બોલવા માં તકલીફ પડે પરંતુ શિક્ષક માટે તે અક્ષમ્ય ના ગણાય ?
    બીજું, ઘણી વાર આર્ટસ કોલેજના વિદ્યાર્થી કરતા પણ બીજા ક્ષેત્રના લોકો સારું લખી શકતા હોય છે તો એના માટે સુચન શું આવકાર્ય નથી ?
    સાવ આવું પણ નથી કે મૌલિક લખાણ થતું નથી આપણી ભાષામાં પરંતુ હું ઘણા નવી પેઢીના ઉત્સાહી લેખકો અને કવિઓ ને જાણું છું જે સરસ લખી શકે છે, પરંતુ તે હજી વધુ સારું લખી શકે તે માટે માર્ગદર્શન આપે તેવા કોઈ ભડવીર ખરા કે જે પોતાની પછીની પેઢીને વધુ ઉત્તમ કેમ પીરસાય તે શીખવાડવા માટે પોતાનો અમુલ્ય સમય કાઢી શકે ?
    સૌ મોટા માથાઓ પોતપોતાની લીટી લાંબી કરવા પડ્યા છે ત્યારે સાહિત્ય અકાદમીને આ ઢોલ નગારામાં પીપુડી સંભળાય તો કદાચ આટલા રોદણાં ના રડવા પડે.
    ટેકનોલોજી નો વાંક કાઢવા કરતા એ ટેકનોલોજી આજે ગુજરાતી ભાષાને ચાહતા લોકોને જલ્દી ભેગા કરી આપે છે, એનું ઉત્તમ ઉદાહરણ આ વેબસાઈટ છે….. અસ્તુ

  • Bankimchandra Shah

    A parent in Germany may announce in a social gathering that “my child knows English too” and feels pround of it. Quite opposite with us. “Our children do not read Gujarati. When we are away for a week, we find bunch of Gujarati news papers untouched. At home, they talk in English only among themselves”. With this mentality right across, how can a Gujarati author make a living by selling his work ? Of the first print of 3000, after few years of waiting for book to sell, we have to see him gifting his work to aquaintances to exhaust the unsold stock !!! Go to see Gujarati drama. Average age of audience is 50 or above. Long live….. my beloved Mother Tongue….

  • જયેન્દ્ર પંડ્યા

    ડૉ વોરા સાહેબે ગુજરાતી માતૃભાષા ની વર્તમાન પરિસ્થિતિ વિષે લખી આપણો અંતરાત્મા હલબલાવી નાખ્યો.
    મારી નાની પુત્રી સાથે નાં સંવાદ નાં બે ત્રણ ઉદાહરણ આપું તોઃ
    થોડા દિવસ પૂર્વે મારી નાની પુત્રીએ મને પૂછ્યું કે ‘ચુંમોતેર એટલે કેટલા? એક દિવસ મારા મિત્ર ઘરે આવવાનાં હતા અને પાછા જશે તેની બદલે તે બોલી કે ‘ભદ્રેશ કાકા આવી ને ‘લોટી’ જશે’.
    ‘પપ્પા હું સોચીને કહીશ’ આમ અનેક વખતે અને પ્રસંગે થોડીક વાર તો હસું આવે પણ પછી ઘણું દુઃખ પણ થાય કે આપણે દીકરીને ગુજરાતી ભાષા શીખવાડવા માં કચાસ રાખી. આજના સ્પર્ધાત્મક જીવનમાં અને મોબાઈલ યુગમાં ગુજરાતી ભાષા ટકી રહે તેજ બહુ છે
    જીગ્નેશભાઈ જેવા મશાલચી ને મારા વંદન,પ્રણામ અને શુભેચ્છા
    અંકિત ત્રિવેદીએ એક સમારંભ માં કહ્યું હતું કે આપણી માતૃભાષા તો આપણી આંખ છે. બીજી ભાષાઓ તો ચશ્માં છે.

  • નિમિષા દલાલ

    અને હા સર આ વેકેશનમાં હું એક ત્રિદિવસીય વાર્તાશિબિર કરવાની છું જેમાં સાઉથ ગુજરાત યુનિવર્સીટીના ગુજરાતી વિભાગના વડાએ મને સાઉથ ગુજરાતની તમામ આર્ટ્સ કોલેજોમાં એની વિગતો મોકલી આપવાની સહાય કરવાનું કહ્યું છે.. આશા રાખું છું કે આપના આશીર્વાદ અને મિત્રોની શુભેચ્છાઓ વડે મારો એ કાર્યક્રમ પણ સફળ થાય…

  • નિમિષા દલાલ

    આપનો લેખ એકી બેઠકે વાંચી ગઈ.. આપના જેવી જ કંઈક અંશે સ્થિતિ મારી પણ છે.. હું હાલ ગુજરાતી ભાષાના પ્રચાર સંદર્ભે તો નહીં કહી શકું.. પણ ગુજરાતી ભાષામાં લેખિકાનોની સંખ્યા વધારવાનો એક નિઃસ્વાર્થ પ્રયત્ન કરી રહી છું.. જેના એક પ્રયોગ રૂપે મેં એક નાનકડી ઓનલાઈન વાર્તાસ્પર્ધા કરી હતી જેમાં દેશ-વિદેશની ૫૭ લેખિકાઓએ ભાગ લીધો હતો.. એટલે કે આ સ્પર્ધામાં અમેરિકા/યુકે તેમજ કેનેડાની લેખિકાઓએ પણ વાર્તાઓ મોકલી હતી.. એ સ્પર્ધાના ઇનામ વિતરણનો એક ઓફલાઈન કાર્યક્રમ પણ કર્યો હતો જેમાં સાહિત્યજગતના જુદાજુદા વક્તાઓએ મેં યોજેલા ૩ કલાકના એ વાર્તાશિબિરમાં ટૂંકીવાર્તા વિશેની સમજ આપી હતી.. લગભગ ૧૦૦જેટલા શિબિરાર્થીઓ હતા
    જેમાં ૩૦ વર્ષથી નીચેના સ્પર્ધકોનો પણ સમાવેષ હતો.. આશા રાખું છું કે મારા આ પ્રયત્ન વડે ગુજરાતી ભાષાને સારી લેખિકાઓ મળી શકે.. અસ્તુ..