પાંચ કાવ્યરચનાઓ.. – મિતુલ ઠાકર 4


૧. વ્યથા

ટેમ હોય તો આંટો મારજે ઝમકુડી.. વાડીયે જોઇશ તારી વાટ.

આંબો મોર્યો સે ને કોયલનો કેવો મીઠો કકળાટ,
સાંભળતા સાંભળતા ખાશું તારો લાવેલ ભાત, ઝમકુડી.. વાડીયે જોઇશ તારી વાટ.

ધોરિયે પાણી અભરે ભર્યું ને છલકાય નો જાય બાર્ય,
વાળી વાળીને કેટલું વાળું, ઓછા પડે આ દિન રાત્ય ઝમકુડી.. વાડીયે જોઇશ તારી વાટ.

રાત્યે ડોહાને ઊંઘ નો આવે ને મને ચડે તારું ઘેન અનેરું,
મૂંગો મૂંગો કંઈ પરેમ હોય, સિસકારા નો હોય શાંત, ઝમકુડી.. વાડીયે જોઇશ તારી વાટ.

નવી પરણેલી આવી ત્યારની ઢંકાયેલી તારી લાજ,
મોઢું જોવાના ફાંફા ને ડોહા માંગે વારસદાર, ઝમકુડી.. વાડીયે જોઇશ તારી વાટ.

આ મેઘલો ભલે વરસવાના પોગરામ બનાવે,
ભરઉનાળે આજ ભીંજવું તને અનરાધાર, ઝમકુડી.. વાડીયે જોઇશ તારી વાટ.

ગામને મોઢે કોણ ગરણું બાંધે, આવી ગયો છું વાજ,
આ મરદ જીવલાને ટોણો મારે ઓલો ગામનો ઉતાર, ઝમકુડી.. વાડીયે જોઇશ તારી વાટ.

ધરતી જેવી અસ્ત્રી જાતને શરમ હોય એવું કેય બધાય,
તો મેહુલાના આવવા ટાણે કાં છોડે સુગંધનો ભંડાર, ઝમકુડી.. વાડીયે જોઇશ તારી વાટ.

૨. મળી આવે

જરાક હાથ ફેલાવ, કદાચ ગમતું મળી આવે
કોઈ ગરીબ બાળક હસતું રમતું મળી આવે

આમ અક્કડ થઇ કાં ફરે ખોટા ગુમાન માં
થઇ જા થોડો નમ્ર તો કોઈ નમતું મળી આવે

અંધારે શું શોધવું સુખ જે હતું જ નહિ ક્યારેય
કરી નાખ પ્રણય તો કોઈ ગમતું દુઃખ મળી આવે

ફૂલોને ન કર ફરિયાદ અકાળે મુરજાવાની
માણતા આવડે તો તેમાં પણ સુગંધ મળી આવે

ભલે રસ્તા છે કોરાકટ એના આગમન ના
ખૂણે ખાંચરે જો તે સંતાયેલી ક્ષણ મળી આવે

ફરિયાદ ના કર એ ઈશ્વર પાસે હર રોજ
તે કદાચ કોઈ ભૂખ્યાની આંખમાં મળી આવે

દીવાદાંડીથી ભલે કિનારા મળી આવે જહાજને
રાખ ભરોસો ખુદ પર તો કિનારા સામે મળી આવે

હાથ શું જોવાડાવો આ જ્યોતિષ પાસે હવે
નસીબને સહારે કશું કદીય ના મળી આવે

૩. એકલતાનું સરનામું

એકલતાનું સરનામું મારું મન ના બને
તો કોઈ ગમતું વસે એમાં એવું ના બને ?

ના ભૂલાય જો રોમાંચ પ્રથમ સ્પર્શનો
એવું જ કોઈ ફરી સ્પર્શે એવું ના બને ?

રૂમાલ વાપરવાની પ્રથાનો વિરોધી નથી હું
કોઈ ટીસ્યુ પર નામ લખે એવું ના બને ?

ભલેને જમાનો પુરબહાર હોય નકલનો કિન્તુ
એક ફૂલ સુગંધી હોય એવું ના બને ?

કાગળ લખવાની આળસને સમયનો અભાવ કહું
આપે યાદ મિસકોલથી એવું ના બને ?

ટ્વીટરની વાદળી ચકલી હોય કે ફેસથી ભરેલી બૂક
એક આવે મન ગમતી રીક્વેસ્ટ એવું ના બને ?

નિર્જીવ કીબોર્ડથી એવી લાગણી મોકલો અને
ચાંપો બની જાય સુગંધી ચંપો એવું ના બને ?

દુર ગામડે વસી રહેલી એ અપૂર્ણ સુંદર ઈચ્છા
થ્રીડી ઈફેક્ટથી એકવાર મળે એવું ના બને ?

૪. આ જીંદગી ભારે કરે છે

હજી તો ડગુમગુ ચાલતા શીખીએ
‘મા’ ને એના નામે બોલાવતા શીખીએ

ત્યાં અવનવા સબંધોના સાંધે ચડે છે
ક્યારેક તો આ જીંદગી ભારે કરે છે

શેરી વળોટીને પાદરે પહોંચીએ
મોટેરા ભાઈબંધને ખભે પહોંચીએ

ત્યાં ગુલાબી લૂગડાંને ચાળે ચડે છે
ક્યારેક તો આ જીંદગી ભારે કરે છે

ધીમે ધીમે રૂડું રૂપાળું જીવતા શીખીએ
એક બીજાને સુવાળું ગમતા શીખીએ

ત્યાં તો શ્વાસ લેવાના વાંધે ચડે છે
ક્યારેક તો આ જીંદગી ભારે કરે છે

૫. તૃષા

લીલા મરચા
જયારે ગરમ તેલમાં તળાઈ
અને તેના પર મીઠું છાંટીને સામે મુક્યા ત્યાં
તો….
હડફ દઈને બે ચાર પોતાની મોટી થાળીમાં
પોતાના હાથે પીરસી દીધા
જાણે હવે મરચા ઉગવાના જ ના હોય
ડોક્ટર થાકી ગ્યા કહી કહીને કે તીખું ના ખાશો
એસીડીટીને ગેસનો ત્રાસ સતત રહેતો
છતાં મરચાની તૃષ્ણા ત્યાગવી કઠણ હતી તેને…
ભરપેટ ભોજન અને વામકુક્ષી પછીની ક્ષણે….
વ્યાસપીઠ પર બેસીને
તે મહારાજ કહી રહ્યા હતા
શ્રોતાજનોને…
‘તૃષા જ માણસ ને પાંગળો બનાવી દે છે,
તમારો મોહ તમને પ્રભુથી વિમુખ
બનાવી દે છે’… વગેરે વગેરે
કથાના અંતે શ્રોતાજનો મહારાજના
ત્યાગની વાતથી અભિભૂત થઇ
પોતપોતાના સ્થાનકે પ્રસર્યા.

– મિતુલ ઠાકર

બદલાતા સમય અને સંજોગોની સાથે સર્જનમાં સંકળાતી વાતો પણ રંગાય છે. મિતુલભાઈની પાંચ રચનાઓ પૈકીની પહેલી ‘વ્યથા’ આવી જ વાત લાવી છે, જે સત્યઘટના આસપાસની છે. નાયક તેની પરણેતર ને મળવા માટે તરસી રહ્યો હતો અને પેલી તેની વહુની વડીલોની આમન્યા અને ગરીબ ઘરમાં સુવાની સંકડાશથી તે વ્યથિત થઇ ગયો હતો. જયારે લગ્નના બે ચાર દિવસ પછી તેના વૃદ્ધ બાપને મળવા અને હરખ કરવા આવતા ગામના વયોવૃદ્ધો તેના બાપને કહેતા કે “આતા હવે તો દાદા બનશે પશી થોડા આપડી વાટ જોઈ ને બેહી રેવાના, એય ને આવનારા કિકલા હાર્યે ટેમ કાઢી નાખશે…” ત્યારે નાયક છોભીલું હસી ને આઘોપાછો થઇ જતો. આવા જ ભાવો સાથે વણાયેલી તેમની પાંચ કાવ્યરચનાઓ આજે પ્રસ્તુત છે. મિતુલભાઈનો આ રચનાઓ બદલ આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “પાંચ કાવ્યરચનાઓ.. – મિતુલ ઠાકર