એકાત્મ માનવદર્શન અને વ્યવસ્થાપન – નિરુપમ છાયા 3


આજકાલ management – વ્યવસ્થાપન – અંગે ઘણી ચર્ચાઓ થઇ રહી છે. અને એની કાર્યપદ્ધતિ તથા પ્રભાવ વધારવા માટે ચિંતન મનન થઇ રહ્યા છે.

ઈ. સ. છઠ્ઠી સદી માં ચાઇનીસ જનરલ સુનત્ઝુ એ art of war અંગે એક ચિંતન પ્રસ્તુત કર્યું. એ પછી ઇટાલિયન લેખક મેકી આવેલીએ THE PRINCE માં જે વિચારો આપ્યા તેને વ્યવસ્થાપન ચિંતન કહી શકાય. તે પછી ઈ. સ. ૧૭૭૬ માં ADAM SMITH નામના તત્વવેત્તાએ EFFICIENT ORGANISATION OF WORK THROUGH DIVISION OF LABOUR નો વિચાર આપ્યો. જો કે ખરેખર તો ઈ. સ. ૧૯૦૦ ની આસપાસ વૈજ્ઞાનિક વિચરણા અને પદ્ધતિ પ્રસ્તુત થયા. ઈ. સ. ૧૯૧૧ માં જે ડંકને આ અંગે એક પાઠ્યપુસ્તક આપ્યું. જેમાં આયોજન, સંગઠન સંકલન આધીકારીકતા અને નિયંત્રણ જેવી મુખ્ય બાબતોનો સમાવેશ કર્યો. પછી તો અ વિચારણા આગળ વધતી ગઈ અને ઘણા વિચારકોએ યોગદાન આપ્યું. આ ચિંતકોએ તે સમય અને પરિસ્થિતિ અનુસાર વ્યાખ્યા પણ સ્પષ્ટ કરી આપી. ફ્રેડરિક મેલિક નામના વિચારક કહે છે, વ્યસ્થાપન એટલે સંસાધનોનું ઉપયોગીતામાં રૂપાંતરણ. તો મેરી પાર્કર ફોલેટ નામના ચિંતક જરા વધારે સ્પષ્ટ કરતા કહે છે, THE ART OF GETTING THINGS DONE THROUGH PEOPLE એ વ્યવસ્થાપન છે. ફ્રેડ્રિક ટેયલર જાણે આજ વ્યાખ્યાને વધારે વિસ્તારે છે. “જે કરવા ઈચ્છતા હોઈએ એ પ્રથમ સમજીને પછી એ કાર્ય શ્રેષ્ઠ રીતે અને સસ્તામાં સસ્તું પડે એમ કરવું એ વ્યવસ્થાપન કળા છે.”

પરંતુ આ વ્યાખ્યાઓ અને સિદ્ધાંતો પ્રસ્તુત થયા એ સદી ઔદ્યોગિક ક્રાંતિની હતી. સ્પર્ધા, વધુમાં વધુ ઉત્પાદન, ઓછામાં ઓછો ખર્ચ અને ફલસ્વરૂપ વધારેને વધારે ભૌતિક રીતે સમૃદ્ધ થવું એજ જાણે લક્ષ્ય હતું. ગમે તે રીતે આ બધું સિદ્ધ કરવું એજ દૃષ્ટિ હતી. ગમે તે ભોગે, અરે મનુષ્યના શોષણના ભોગે પણ, ભૌતિક સુખો પ્રાપ્ત કરવા એજ જીવન લક્ષ્ય હતું.

આ ગાળા દરમિયાન ભારતમાં જાણે નવજાગૃતિનો ઉદય થઇ રહ્યો હતો. ભારતીય જ્ઞાન અને ચિંતન તરફ લોકો એક જીજ્ઞાસાથી જોઈ રહ્યા હતા અને સમજવા પ્રયત્ન કરી રહ્યા હતા. સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ પરિષદમાં આપેલા પ્રથમ વ્યાખ્યાનમાં એમની અનુભુત વાણી અને ભારતીય અને પાશ્ચાત્ય ચિંતનને સાથે મૂકી ભારતીય ચિંતનનું કેટલું અને કેવું ઉચ્ચ મૂલ્ય છે તે દર્શાવ્યું. એમની વાણીએ પશ્ચિમના લોકોના રોમરોમમાં એક વિદ્યુત શી ઝણઝણાટી પ્રગટાવી અને લોકોને ભારતના ઉચ્ચ આધ્યાત્મિક મૂલ્યો સમજવા તરફ સફર માંડી, કેવા અણમોલ રત્નો માનવજાત માટે એમાં છુપાયેલા છે એ પણ એમના સમક્ષ સ્પષ્ટ થતું ગયું. એ સાથેજ પશ્ચિમના કેટલાય વિદ્વાનોએ ભારતીય ચિંતન વારસો વિશ્વના કલ્યાણનો માર્ગ દર્શાવે છે એ સ્પષ્ટ પણ કર્યું.

વ્યવસ્થાપનની આટલી ભૂમિકા પછી એકાત્મ માનવદર્શન એમાં શું ભૂમિકા ભજવી શકે અને એનું ઉર્ધ્વીકરણ થાય એ સમજીએ એ પહેલા એકાત્મ માનવદર્શન અને વ્યવસ્થાપનનો સંબંધ કઈ રીતે જોડી શકાય છે અથવા તો વ્યવસ્થાપન વિચારણામાં કઈ રીતે એના વ્યવહારીકારણથી પરિવર્તન લાવી શકાય અને એનો પ્રભાવ શું પડે એ પણ આપણે જોઈએ.

એકાત્મ માનવદર્શનનો અર્થ છે માનવજીવન તથા સંપૂર્ણ પ્રકૃતિના એકાત્મ સંબંધોનું દર્શન. મનુષ્ય વૈવિધ્યસભર છે. પરંતુ આ વૈવિધ્યમાં આંતરિક એકતાનું દર્શન થાય છે. આપણા ઋષિમુનિઓએ મૂળભૂત અનુભૂતિજન્ય સૂત્રો દ્વારા ચિંતન પ્રગટ કર્યું છે એ ભારતીય જીવન દૃષ્ટિ છે. અને એની જ કાલ સુસંસંગત પુનઃરચના આ દર્શન સ્વરૂપે મૂકી છે. ભારતીય જીવનદૃષ્ટિ એમ કહે છે કે સમગ્ર અસ્તિત્વનો આ અંશ એક જ ચૈતન્યમાંથી પ્રગટે છે. એ રીતે વૈવિધ્યસભર વિશ્વ અને તેના વ્યવહારના બધા જ ઘટકોમાં મૂલતઃ એકાત્મતા જ છે. આ એકાત્મતા બે સ્તરે જણાય છે. આત્મિક સ્તર પર વિવિધ ઘટકોમાં પ્રતીત થતી જૈવિક એકાત્મતા. આમ હવે વ્યવસ્થાપનના મૂળભૂત સિદ્ધાંતો, વ્યાખ્યા અને વ્યવહાર મૂળમાંથી જ બદલાઈ જશે. પહેલા મશીન, મેથડ્સ અને મટીરીઅલ આ ત્રણ કેન્દ્રસ્થાને હતા તેને બદલે મનુષ્ય મૂકાશે કારણકે એ જો ચૈતન્યનો અંશ છે તો જે વિચાર થાય તે એને ધ્યાનમાં રાખીને જ થાય, કારણ કે ચૈતન્ય છે તો જગત છે. એકાત્મ માનવદર્શન કહે છે કે જે વ્યવસ્થામાં વ્યક્તિનો વિચાર પુરુષાર્થી માનવને બદલે કોઈ વિશાળકાય યંત્રના પૂરજા તરીકે કરવામાં આવે છે અથવા સમષ્ટિ પ્રત્યે દુર્લક્ષ કરનાર સ્વકેન્દ્રિત માનવના રૂપે કરવામાં આવે છે એ વ્યવસ્થા અધૂરી છે.

અહીંથી આગળ વધતા એકાત્મ માનવદર્શન મનુષ્ય શું છે એનું એક સુરેખ દર્શન આપે છે. મનુષ્ય એકાંગી નથી પણ સર્વાંગીણ અસ્તિત્વ છે જેમાં શરીર ઉપરાંત મન બુદ્ધિ અને આત્માનું સુખ પણ સમાવિષ્ટ છે. એ સાથેજ મનુષ્યની ત્રિગુણાત્મક પ્રકૃતિ – સત્વ, રજસ અને તમસ – એના સમગ્ર અસ્તિત્વ પર પ્રકાશ પાડે છે. વળી મનુષ્યની વૈયક્તિક અને ફક્ત ભૌતિક સુખ પ્રાપ્તિની ઈચ્છા તેને અંધ બનવી દે છે અને જીવનના ઉદાત્ત લક્ષ્યમાંથી ચ્યુત કરે છે. આવું ન થાય એ હેતુસર મનુષ્ય માટે ચતુર્વિધ પુરુષાર્થ દર્શાવાયા છે : ધર્મ અર્થ કામ અને મોક્ષ. અહી અર્થ અને કામ પુરુષાર્થ ને અવગણ્યા નથી. પણ નદીના પ્રવાહને યોગ્ય પ્રવાહમાન અને દિશા માટે જેમ બે કિનારા છે તેમ ધર્મના આધારે મોક્ષના લક્ષ્ય સાથેના કિનારા વચ્ચે કામ અને અર્થ પુરુષાર્થ સિદ્ધ કરવામાં આવે છે.

આટલું ઉદાત્ત ચિંતન જયારે વ્યવસ્થાપન સાથે સંકળાય ત્યારે પદ્ધત્તિ, સાધનો, લક્ષ્ય એ બધાનું ઉર્ધ્વિકરણ થાય છે. હવે અહી શોષણ નથી રહેતું. ભૌતિક દોડ મટીને ઉચ્ચ આત્મિક સુખની યાત્રા તરફ મનુષ્ય આગળ વધે છે. સ્પર્ધા પણ નથી રહેતી અને અરસપરસ અનુકુળ અને સામંજસ્યથી વ્યક્તિ અને સમાજ આગળ વધે છે અહં બ્રહ્માસ્મી તથા તત્વમસી જેવા આપણા ઋષિઓએ પ્રબોધેલા સત્યો બહની જાણે મનુષ્યની યાત્રા થતી રહે છે. આમ પંડિત દીનદયાળ ઉપાધ્યાયે આપેલા આ એકાત્મ માનવ દર્શન થકી ઔદ્યોગિક કે યંત્ર સભ્યતાના માનવને રૂંધી નાખવાની ટૂંકી દ્રષ્ટિને બદલે સમગ્ર અસ્તિત્વના ઉન્નત સુખો તરફ દોરી જાય છે. ફક્ત અર્થ સમ્પન્નતા માટેનું જ કૌશલ્ય નહીં પણ, ચારીત્ર્યાવીકાસ સાથેની ભૂમિકા પૂરી પડેછે.

આ રીતે, મનુષ્ય એકાત્મતાનો સાક્ષાત્કાર કરે છે ત્યારે તેની યાત્રા સ્વ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને છેવટ પરમેષ્ઠી સુધીની રહે છે. આ દૃષ્ટિએ વ્યસ્થાપન વિચારમાં ઘણા પાસાનો સમાવેશ થાય જેમ કે કાર્યસ્થળે ઉત્તમ અને સર્વાંગી સુખ જન્માવતી ભૌતિક સુવિધાઓ, સ્વચ્છ અને પવિત્ર પર્યાવરણ, કાર્યમાં અંગાંગી ભાવ, પારિવારિક વાતાવરણ, મનમાં તાણ અને ભય ન જન્મે એવી રીતે કાર્યવિભાજન અને વ્યવસ્થા, સામાજિક રાષ્ટ્રીય કાર્યોમાં યોગદાન અને ભાવ જાગરણના પ્રયત્નો વગેરે બાબતોને પ્રાથમિકતા માટે એકાત્મ માનવદર્શન ચીંધે છે.

વળી આધુનિક સમયમાં જયારે વ્યસ્થાપન વિચાર ફક્ત ઉદ્યોગ ગૃહો કે વ્યવસાયિક પ્રતિષ્ઠાનોમાં પણ અહી દર્શાવ્યા તેનાથી અનેક વિવિધ પાસાઓ ઉમેરાયા છે અને સાથે જ વ્યક્તિગત અને સામૂહિક સ્તરે પણ એની ઉપયોગીતા અને મહત્વ વધ્યા છે. સમય, સ્વાસ્થ્ય, પર્યાવરણ, સામાજિક અને કૌટુંબિક પ્રસંગો, વૈયક્તિક નહિ પણ ચારિત્ર વિકાસ અને ઘડતર, સંસ્થાના કાર્યો, આમ અગણિત વિષયોમાં આ વિચાર વિસ્તાર્યો છે. આ બધામાં પણ એકાંતમાં માનવ દર્શન જોડવામાં આવે તો એકાત્મતા દૃઢ થતા અનંતની અનુભૂતિનો માર્ગ પ્રશસ્ત થશે.

– નિરુપમ છાયા


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “એકાત્મ માનવદર્શન અને વ્યવસ્થાપન – નિરુપમ છાયા