તદ્દન તો નથી એ માયુસ માનવની જાતથી
તેથી હજી ઘરોમાં એ ઘોડિયું દયે છે.
– અશરફ ડબાવાલા
રોજ સવારે છાપામાં આવતા સમાચારોનું વિશ્લેષણ કરીએ તો તુરત જણાશે કે કોઇ પણ પેપરમાં નેગેટીવ સમાચારોનું પ્રમાણ વધારે હોય છે. પોઝીટીવ સમાચાર ક્વચિત જ દેખા દેતા હોય છે. બાકી ખૂન, બળાત્કાર, ચોરી, લૂંટફાટ, આત્મહત્યા, મારફાડ વગેરે અનેક નકારાત્મક વાતોથી ટી.વી.કે છાપાઓ ઉભરાતા હોય છે, જેને આપણે ચા પીતા પીતા, પેટનું પાણી પણ હલાવ્યા સિવાય આરામથી વાંચીને છાપુ બાજુમાં ફેંકી જાણે કશું ન બન્યું હોય એમ આપણા રુટિનમાં વ્યસ્ત બની જઇએ છીએ. આપણી સંવેદનશીલતા એવી તો બુઠ્ઠી બની ગઇ છે કે એવા કોઇ સમાચારો આપણને ખલેલ સુધ્ધાં નથી પહોંચાડી શકતા.
કદીક પ્રશ્ન થાય છે કે શું દુનિયામાં કોઇ સારી વાત બનતી જ નથી? વિશ્વમાંથી સારપ મરી પરવારી છે કે શું? માનવતા કયાંય દેખા નથી દેતી કે શું? આપણું આટલી હદે અધઃપતન થઇ ગયું છે? તો તો ઇશ્વરને પણ એના ઉત્તમ સર્જન એટલે કે માનવી પરથી શ્રદ્ધા ઉઠી ગઇ હશે. પણ ના, સાવ એવું નથી. હજુ ઘરોમાં નવા પારણા આવતા રહે છે. અર્થાત ઇશ્વરનું સર્જન હજુ ચાલુ છે. ઇશ્વરે માનવજાતમાંથી સાવ શ્રદ્ધા ગુમાવી નથી દીધી એ એનો પુરાવો છે.
હજુ અનેક જગ્યાએ કોઇ ને કોઇ રીતે, એક કે બીજા સેવાના કામો અવિરતપણે ચાલુ જ છે. આજે પણ કોઇ સત્કાર્ય માટે ટહેલ નાખવામાં આવે તો દાન દેનારાઓનો તોટો નથી પડતો. સારા કામ માટે આજે પણ અનેક લોકો તત્પર છે. કશુંક સારું કરવું છે એવી ભાવના હજુ પણ લોકોના દિલમાં જીવંત છે જ. પણ ઘણી વાર લોકોને કેમ કરવું, શું કરવું એની જાણ નથી હોતી. પૈસા કોઇ સારા કામમાં વાપરવા છે પણ કયાં વાપરવા એની દિશા નથી. ઘણી વાર અનેક એન.આર.આઇ. લોકો પણ કહે છે કોઇ સારું કામ થતું હોય તો કહેજો અમારે પૈસા આપવા છે. અર્થાત લોકોના દિલની ભાવના, એના માંહ્યલામાં સારપ હજુ ધબકે છે.અને કમનસીબે સારા કામને એટલી પ્રસિદ્ધિ નથી મળતી. લોકો સુધી સારી વાત જલદીથી પહોંચતી નથી. ખરાબ વાત વીજળીની ઝડપથી ફરી વળે છે પણ સારી વાતને પ્રકાશમાં આવતા વાર લાગે છે.
હમણાં એક સરસ મજાની વાત જાણવા મળી. એની ખુશબુ આજે અત્તરકયારીમાં..
ઈટલીના એક રેસ્ટોરન્ટની આ વાત છે. એકવાર બે ગ્રાહક ત્યાં કોફી પીવા આવ્યા અને પાંચ કોફીનો ઓર્ડર આપ્યો અને કહ્યું, બે અમારી અને ત્રણ પેન્ડીગ. ત્યાં બે મિત્રો ઉભા હતા. તેમને આ સાંભળીને નવાઇ લાગી. એક મિત્રએ ઇટલીના મિત્રને પૂછયું, આ પેન્ડીગ કોફી વળી શું છે? એનો મતલબ શું?
હમણાં સમજાશે. વેઇટ કર અને જોતો રહે, ઇટલીના મિત્રે બીજા દેશના મિત્રને કહ્યું.
થોડી વારે બીજા બે ગ્રાહક આવ્યા. તેમણે બે કોફી માગી. પીધી અને બે કોફીના પૈસા આપી ગયા.
થોડી વાર બીજા ત્રણ ગ્રાહક આવ્યા. તેમણે સાત કોફીનો ઓર્ડર આપ્યો. સાતના પૈસા ચૂકવ્યા. ત્રણ કોફી પીધી અને ચાર પેન્ડીંગ કહી ચાલતા થયા.
બંને મિત્ર બધું જોતા ત્યાં જ ઉભા હતા.
થોડી વાર પછી એ રેસ્ટોરન્ટમાં એક ગરીબ ગ્રાહક આવ્યો. અને આશાભરી નજરે મેનેજરને પૂછયું કે કોઇ પેન્ડીગ કોફી છે?
અને તુરત મેનેજરે તેને કોફી આપી.
મિત્રે પૂછયું સમજાયું તને?
જેની પાસે પૈસા છે એ આ રીતે થોડી વધારે કોફીના પૈસા જમા કરાવી દે છે જેથી કોઇ ગરીબને એ મળી શકે. રેસ્ટોરન્ટના મેનજર પણ એટલા જ પ્રામાણિક હોય છે કે જેટલી પેન્ડીંગ કોફી હોય તેટલી અચૂક ગરીબ ગ્રાહક સુધી પહોંચાડે છે.
આ રીતે ફકત કોફી જ નહીં પેન્ડીગ લંચ અને ડીનર પણ અચૂક જોવા મળે છે.
કોણ કહે છે માનવીમાં સારપ ખૂટી ગઇ છે? એ પૈસાથી કોને લાભ થાય છે એ જાણવાની પણ દરકાર કર્યા સિવાય બિલકુલ નિસ્વાર્થભાવે જયારે આવા કામ થતા હોય ત્યારે ઇશ્વરને તેના સર્જન માટે ગૌરવ અચૂક થતું જ હશે ને? મૌન રહીને સેવાની ધૂણી ધખાવનાર આવા અગણિત લોકો ખૂણે ખાંચરે ફેલાયેલા છે. એમની સુવાસથી, એમની ભાવનાથી જ કદાચ આટઆટલા ખરાબ કામો પછી પણ ઇશ્વરને હજુ માનવજાતમાંથી સાવ શ્રદ્ધા ઉઠી નહીં ગઇ હોય ને? એથી જ તો એનું સર્જન આજ સુધી ચાલુ રહ્યું હશે ને? ઇશ્વર આપણને નિમિત્ત બનાવીને આપણા વડે અનેક સારા કામો કરાવવા ઇચ્છે છે. કોણ કયારે, કેવી રીતે, કયા સ્વરૂપે નિમિત્ત બની શકે છે એની જાણ કયાં થતી હોય છે?
આજે કોઇ નાનકડું સારું કામ કરે તો પણ તેની ચારે તરફ જાહેરાત થતી જોવા મળે છે. મંદિરોમાં પણ ભગવાનની મૂર્તિ આગળ સુદ્ધાં દાતાના નામની તકલી વંચાતી જોવા મળે છે ત્યારે મનમાં પ્રશ્ન જાગે છે દરેક જગ્યાએ, દરેક સમયે નામનો મોહ શા માટે? જાહેરાતના પાટિયા શા માટે? દાન આપતા પહેલા નામ મૂકવાની શરતો શા માટે? એના પ્રવચનો શા માટે? દરેક વખતે એ જરૂરી હોય છે ખરું?
ઘણી વખત જાહેરમાં મોટા દાન કરનારી દાનવીર વ્યક્તિ તેના ઘરના ગરીબ નોકરનું જે રીતે, જે ક્રૂરતાથી શોષણ કરતા હોય છે એ જોઇને પણ અનેક પ્રશ્નો મનમાં જાગે છે. સારા દેખાવા માટે કે સમાજમાં વાહ વાહ કરાવવા માટે થતા આવા દાનવીરો દંભનો બુરખો ઓઢીને જ ફરતા જોવા મળે છે. એક જ માનવીમાં હમેશા દેવ અને દાનવ બંને શ્વસતા હોય છે. એનામામ રહેલી દૈવી વૃતિ જયારે ઉપર આવે ત્યારે એ સારા કાર્ય કરે છે અને જયારે માનવીની ભીતરમામ રહેલી આસુરી વૃતિ ઉપર આવે ત્યારે એને નઠારો બની રહેતા પણ વાર નથી લાગતી. ક્યારે કઈ વૃતિ ઉપર આવે છે એ કળી શકવું સહેલું નથી હોતું.
એથી જ કહ્યું છે ને દરેક વાતનો તાગ પામી શકાય પણ માનવીના મનનો તાગ પામવો ખૂબ અઘરું કામ છે. માનવીની ભીતરમાં રહેલી દૈવી વૃતિ ઉપર આવતી રહે અને અન્યને ઝળહળાવતી રહેશે એ શ્રદ્ધા સાથે…
– નીલમ દોશી
An Awakening article.
અતિ સુંદર વાત. અહીં ભારતમાં પણ આવી પ્રણાલી ચાલુ કરવી જોઇએ.
સુંદર લેખ. આ દિશામાં જાગ્રુતી લાવવાની જરુર છે જ!
નિલમબેન, આપની અંદરની લાગણીઓને આમ બહાર લાવી આમ જનતાને જગાડવાના આ પ્રયત્ન માટે અભિનંદન અમેરિકા બેઠા બેઠા.
ચીમન પટેલ “ચમન”
આપણા ભારતમાં ય વગર પ્રસિદ્ધીએ, વગર જાહેરાતે ય ન જાણે કંઈ કેટલાય પૂણ્યકામો થાતાં જ હોય છે. પણ આ હોટેલનો ”પેન્ડીંગ પૂણ્ય”નો concept ખરેખર …. પ્રશંસનીય છે.
નીલમબેન…. Thanks for sharing this fragrance
પેન્ડિંગ કોમેન્ટ સ્વીકારજો !
———-
ઈટાલી અને રોમ….સંસ્કૃતિની બર્બરતાનાંં પ્રતીક. ત્યાં આમ થાય ત્યારે ઘણા વિચાર આપણી સંસ્કારિતા માટે ઊભા થઈ જાય છે.
——–
मनः एव मनुष्याणां कारणं बंध मोक्षयोः ।
સરસ.
બહુ જ સરસ રજુઆત્.સુન્દરતા જોનાર ની આંખો માં હોય છે એવુ ક્યાંક વાંચેલુ. સ્વાનુભવ ની એક નાની વાત કરુ તો રિલાયન્સ ટાઉનશીપ મા, રસ્તા ને એક કિનારે ત્યા રેહતા એક પરિવાર એ પાણીનુ માટલુ મુકેલુ (પક્ષી ઓ માટે અલગ થી છાબડુ મુકેલુ). આવતા જતા સાફસફાઇ વાળા, કામ કરનારા અનેઆસપાસ રમતા બાળકો પણ લાભ ઉઠાવતા. લગભગ દર મહિને એ માટલુ કોઇ કારણસર તુટિ જતુ હશે તેમ છતા તેટલિ જ હોંશથી નવુ માટલુ ખરીદી લાવતા અને બધા ને ટાઢક કરાવતા. કદાચ આ બહુ નાની બાબત હશે પણા આજ ના યુગ મા આટલુ કરવા નો પણ લોકો ને જાણ્યે અજાણ્યે સમય નથી મલતો.
પ્રેરણાદાયી વાત.
આ પેન્ડીંગ કોફીની વાત થોડા સમય પહેલા બીજા કોઇકે પણ લખી હતી. આખરે સત્ય ઘટના છે.. જેને જાણમાં આવે એ બીજાને પણ જણાવે.. સારું જ છે..
આપણાં મફત અન્નક્ષેત્રો જેવુ થયું. લોકોના દાનથી નભતા અને ગરીબોના પેટ પૂરતા …
લતા હિરાણી
A great story, very effectively pushing the desired impact on the Reader, will be trying to find my ways to help out the lesser fortunate of the society.
Thanks friends for yr positive response.
And thanks Jigneshbhai too for sharing this on axarnad too.
Attarkyari is my regular column since last.more than.three years published every Sunday in gujarat guardian news paper., publishing from surat..
Attarkyari… khare khar samaj ma saras hakaratmak suvas phelavavanu karya kare chhe… Pending coffee… great morning story… Abhinandan Nilamben…
નીલમબેને એક સરસ અવલોકન કરી તેની પ્રસ્તુતિ કરી છે. સંપાદક અને તંત્રીઓ ની જવાબદારી છે કે સમાચાર અને વાંચન પુરતી એવી રીતે પ્રસ્તુત કરે કે તે લોકમાનસ ઉપર સારી છાપ પાડે અને વળી પ્રેરણા મેળવી સારા કામ તરફ વળે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ સાહેબે એમની ઇસરાઇલ યાત્રા નાં વર્ણન કરતા સુચન કરેલ કે ત્યાંના છાપાઓમાં સારા, રાષ્ટ્રહિત અને પ્રેરણાત્મક સમાચાર ને આગળના પાનાઓ ઉપર રજુ કરે છે અને ખરાબ સમાચાર ને અંદર ના પાનાઓમાં ઓછા પ્રકાશમાં રજુ કરે છે….
આશા છે નીલમ બેન નો સંદેશ આપણા સંપાદકો અને તંત્રીઓ સુધી પહોંચે ….
Very much thought provoking and inspiring story. Thanks for sharing such a fragranceful thought.
ખુબ સરસ. સવાર સુધરી ગઇ. આપણે પણ આવુ કરી શકીએ તો સારુ, હું તો ટ્રાય કરીશ, અક્ષરનાદ અને નીલીમાબેન નો ખુબ ખુબ આભાર.
Superb
Welcome to Aksharnaad, Nilamben. Very thought provoking. …as usual.
Very nice story.