(૮૧)
ડોકટરના કહેવાથી હાઇ બ્લડ પ્રેશરના પેશન્ટ રમણિકભાઇએ રોજ પબ્લિક ગાર્ડનમાં કલાક બેસવા જવાનું શરૂ કર્યુ. લાફટરક્લબવાળા લોકો વેવલા છે એમ બબડતા એ રોજ એકલા જ બેસે. યુવાન પ્રેમીઓને જોઇને એમને એવી રીસ ચડે કે જાણે જઇને હમણા સંસ્કારના પાઠ ભણાવી દેશે. નાના બાળકના રમવાના અવાજો સાંભળી એમને માથુ દુઃખે. કોણ ક્યારે આવે છે અને શું કરે છે એ જોવામાં ને જોવામાં એ ફૂલોને જોવાનુંય ભૂલી જાય.
આજ એ વાતને બે મહિના થયા અને હજીયે બ્લડ પ્રેશર ઓછુ નથી થતું. રમણિકભાઈ ડૉક્ટર બદલવાનું વિચારે છે.
(૮૨)
સ્ત્રી સશક્તિકરણ મંચ ઉપરથી એમના દ્વારા બોલાયેલ શબ્દો બેઠેલ બધી સ્ત્રીઓને પોતાના પર માન થઇ જાય તેવા સક્ષમ હતા. એમનો વિષય હતો “સ્ત્રી એટલે ઈશ્વરનું સૌથી શ્રેષ્ઠ સર્જન”
તાળીઓના ગડગડાટ સાથે વ્યાખ્યાન પતાવીને જ્યાં એ ગાડીમાં બેઠા ત્યાં જ કોઇ ફોન આવ્યો. વાત અધવચ્ચેજ કાપતા કરતા એ બબડ્યા “સાલી ચુડેલ, આજે તો મારી મારીને અધમૂવી કરી નાંખવી છે એને.”
(૮૩)
લાખો રૂપિયામાં વેચાતા ચિત્રોનું એક્ઝિબિશન હતું. વિષય હતો “ભૂખ”
રડતા બાળકને ખોળામાં લઇને બેઠેલ માં, રોટલીના એક ટુકડાને ઝૂંટવતા બાળકો, એક તરફ ખાલી દૂધની બોટલ અને બીજી તરફ વેશ્યા, અને એકમાં તો સાવ ખાલી કેનવાસ અને એમાં એક ખાલી કટોરો.. આવા તો કંઇ કેટલાય ચિત્રોને કળાના જાણકાર વિવેચકોએ મન ભરીને વખાણ્યા, લગભગ બધા ચિત્રોના મળીને ૫૪ લાખ આર્ટ ક્યુરેટરને મળ્યા.
ગઇકાલે એની સકસેસ પાર્ટી ફાઇવ સ્ટાર હોટલમાં યોજાઇ હતી. સાંભળ્યુ છે કે એક ડિશની કિંમત ૧૨૦૦ હતી.
(૮૪)
એક અતિ ધનાઢ્ય વ્યક્તિના સૌથી મોંઘા ઘર વિષેના આર્ટિકલમાં લખ્યુ હતુ કે નવા નવા વિચાર લાવવા અને રોજબરોજના કાર્યક્રમોનુ પ્લાનિંગ કરવા તેમણે પોતાના માંટે ઘરમાં રૂપિયા ૫૦ લાખના ખર્ચે એક સ્પેશ્યલ લોન્જ બનાવડાવી છે.
“મારો હાળો ડોબો છે.” એમ બબડતા હાથમાં ટીનનું ડબલું લઈ મ્હોંમાં બીડી દાબી કરસનદાસ સંડાસમાં પેઠા. એમને પણ રોજબરોજના કાર્યક્રમનુ પ્લાનિંગ…
(૮૫)
“દાદાજી કનૈયો પાવરફુલ કે છોટા ભીમ?” નાનકડા સંજુએ સ્કૂલ બૂટ પહેરતા પહેરતા પૂછ્યું. પૂજાની થાળી બાજુમાં મૂકી દાદાજી કંઈ સમજાવવા જાય ત્યાં તો બહારથી નોલેજ ઈન્ટરનેશનલ ઈંગ્લિશ મિડિયમ સ્કુલની બસે હોર્ન વગાડ્યું.
મમ્મીએ રસોડામાંથી જોરથી બૂમ પાડી “સ્કુલબસ, ગો બેટા, ડોન્ટ વેસ્ટ યોર ટાઇમ.”
(૮૬)
લગભગ ૧૦૦ વર્ષ જૂની ધાર્મિક ચોપડીઓની સાવ નાનકડી દુકાનમાં ચોપડીઓ ઉપર ઝાપટિયુ મારતા મારતા જયેશે બળાપો કાઢ્યો, “હું કરિયે.. નાનો હતો ત્યારથી બાપાએ કહ્યું કે દુકાને બેહી જા. એટલે આપડે બેહી ગયા.. હવે આ ભગવોનની ચોપડીયો વેસુ તોય હારુ નફો નહી કરી આપતો એ મને. હવે આપણે કરિ પણ હુ હકિયે?”
આમ બોલતા જગ્યા ન હોવાથી શ્રીમદ ભગવતગીતાની થપ્પી પર એણે હાથ ટેકવ્યો અને “કર્મણ્યેવાધિકારસ્તે” વાળો શ્લોક કદાચ એમા વધુ ઉંડે દબાઇ ગયો.
(૮૭)
“હવે તો પટેલ સાહેબ મારે હેમાળે જઇને સાધુ થઇ જાવું છે. આપણને હવે મોહ, માયા, લોભ લાલચ એવુ કંઈ જ નહીંં શું?” દિવસનો વકરો ગણતા ગણતા મોંનું થૂંક નોટોને લગાડતા કરસનભાઇ બોલ્યા.
વળતી જ પળે સાર્વજનિક ગણપતિનું ડૉનેશન ઉઘરાવવા આવેલ એરિયાના છોકરાઓને મોં બગાડી રૂપિયા ૫૦૦ની નોટ બતાવીને કહે કે આમાં મારા મોટા ફોટાવાળુ શુભેચ્છકનું બેનર એન્ટરન્સમાં લટકાવવું પડશે.
– ડૉ. હાર્દિક યાજ્ઞિક
લાંબા સમયના વિરામ બાદ આજે હાર્દિકભાઈ તેમની વધુ સાત માઈક્રો ફિક્શન વાર્તાઓ લઈને ઉપસ્થિત થયા છે. તેમના માઈક્રો ફિક્શન સર્જનની સદી થવાની છે એ ઘટના પણ ગુજરાતી સાહિત્યસર્જનના ઇતિહાસમાં એક આગવું સ્થાન ધરાવશે એમાં બે મત નથી, તેમની આ સુંદર કૃતિઓ બદલ આભાર અને શુભકામનાઓ. હાર્દિકભાઈની અક્ષરનાદ પરની અન્ય રચનાઓ અહીં ક્લિક કરીને માણી શક્શો.
બહુ સુંદર વાર્તાઓ છે.
ખુબ જ સરસ્….
Each word has lot of weight. Each Microstory is par excellence. Hardikbhai, please go on and on and on ! Swadha
84 ..is ultimate…
ખુબ જ સરસ. ૮૨,૮૩,૮૭ વિશેશ ગમ્યા. પણ ૮૪ તો રોકિંગ હતુ. અભિન્ંદન્.
જલસો પડ્યો…. જિગ્નેશભાઇ.. સ્પર્ધા ની બાકી રહેલી વાર્તા ઓ પણ મુકો ને !!
Saras!
ડૉ.હાર્દિકને અભિનંદન. એક એકથી ચડિયાતી વાતો, જનોઈવઢ ઘા કરે એવી.
વાતોના વટાણા વેરી એના ઉપર સ્કેટિંગ કરીને હેમાળે ન જવાય. માણસો ક્યારે સમજશે, કે એમાં પણ ‘કર્મણ્યેવાઅધિકારસ્તે’ નો સિદ્ધાંત લાગુ પડે કે કેમ!
બધી જ વાર્તાઓ સરસ અને ગમે તેવી. મન તરબતર થઈ ગયું. વાહ! ડૉ. યાજ્ઞિક.